કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ઉદેપુર : લેક-પૅલેસ
૩૮. ઉદેપુર : લેક-પૅલેસ
સરોવરની વચ્ચે એક સ્ત્રી–
અચાનક પૂતળી થઈ ગઈ.
એને માથે ગાગર છે
પણ એમાં જળ નથી : રેતીનું રણ છે.
એનાં ઝાંઝર અચાનક અવાક્ થઈ ગયાં છે
અને સોળ વરસની ઉમ્મરે
છાતીમાં જે કબૂતરો ઊડ્યાં હતાં
તે હવે થીજી ગયાં છે
પથ્થરોનાં સ્તનમાં.
હૉટેલમાં આવતા અનેક સ્ત્રીપુરુષોને
જાણે એ સંકેત આપી રહી છે
કે કાળ
ઘૂઘવતા કબૂતરની પાંખને
કેવી રીતે કાપી નાખે છે.
સરોવરની વચ્ચે એક સ્ત્રી
સાવ એકલી.
૨૪-૧૧-૧૯૮૨(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૬૯)