કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સ્વધામ તરફ

From Ekatra Wiki
Revision as of 02:39, 18 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫. સ્વધામ તરફ

નશાના ધામ તરફ, મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો!
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દૃષ્ટિ ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એ ય પણ ક્યાંથી!
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દૃષ્ટિ,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરામ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ' ગયો સ્વધામ તરફ.

૨૯-૫-૧૯૫૯(આઠોં જામ ખુમારી, પૃ. ૩૦૨)