કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/અડધાં આંસુ, અડધાં સ્મિત
૧૬. અડધાં આંસુ, અડધાં સ્મિત
અડધાં આંસુ, અડધાં સ્મિત,
મારાં ગાંડાંઘેલાં ગીત!
પ્રીતની દેખી ઓર જ રીત,
હારે એની અંતે જીત!
નામનો મહિમા જ્ઞાન શું જાણે?
નામ તો છે સાચું નવનીત!
પૂજે એના પક્ષે પ્રતિષ્ઠા,
પ્રીછે એની પડખે પ્રીત.
મૌન મહીંયે મલકી રહ્યું છે,
કોટી શબ્દોનું સંગીત!
કોણ બીજું ખખડાવે ખડકી,
આવ્યું હશે અલગારી અતીત.
વાટ જુઓ છો કોની ‘ઘાયલ’?
ગઠરીમાંથી કાઢો ગીત.
(આઠોં જામ ખુમારી, પૃ. ૩૦૬)