કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/તે ગઝલ

From Ekatra Wiki
Revision as of 04:12, 18 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. તે ગઝલ}} {{Block center|<poem> અણગમાને અતિક્રમી તે ગઝલ, ને પ્રણયમાં પરિણમી તે ગઝલ. લાજના ભાવથી નમી તે ગઝલ, જે પ્રથમ દૃષ્ટિએ ગમી તે ગઝલ. આંખમાં આંજી સ્નેહનો સુરમો, રાતભર સોગઠે રમી તે ગઝલ....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૭. તે ગઝલ

અણગમાને અતિક્રમી તે ગઝલ,
ને પ્રણયમાં પરિણમી તે ગઝલ.

લાજના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દૃષ્ટિએ ગમી તે ગઝલ.

આંખમાં આંજી સ્નેહનો સુરમો,
રાતભર સોગઠે રમી તે ગઝલ.

શેરીએ શેરીમાં અજંપાની–
આંધળી ભીંત થઈ ભમી તે ગઝલ.

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેઘલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગીની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે ગઝલ.

એ તો છે ચીજ સર્વ મોસમની,
નિત્ય લાગે જે મોસમી તે ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી તે ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ',
હલબલી જાય આદમી તે ગઝલ.

૨૮-૭-૧૯૭૬(આઠોં જામ ખુમારી, પૃ. ૩૯૧)