અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રમુખીય

From Ekatra Wiki
Revision as of 07:27, 24 November 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
'પ્રમુખીય

નમસ્કાર અધ્યાપક મિત્રો,

આપની સામે આ રીતે પ્રગટ થવાનો આનંદ છે. ‘અધીત' તો દર વર્ષે પ્રગટ થાય છે, ૧૦-૨૦-૩૦ વર્ષે તેના વિશેષાંક રૂપે ‘અધીત : પ્રમુખીય પ્રવચનો’ અને 'અધીત : પર્વ' પ્રગટ થતા રહે છે. અત્યાર સુધીમાં ‘પ્રમુખીય પ્રવચનો'નાં ત્રણ સંપાદનો અને 'અધીત : પર્વ’નાં ચાર સંપાદનો ગુજરાતીનો અધ્યાપક સંઘ પ્રગટ કરી ચૂક્યું છે. આ વર્ષે બંને વિશેષાંકોમાં વૃદ્ધિ થાય છે. આ વર્ષે, મારા કાર્યકાળ દરમિયાન મારા મંત્રીમંડળ અને કારોબારીના સહકારથી 'અધીત : છેતાળીસ’ ઉપરાંત, 'અધીત : પ્રમુખીય પ્રવચનો – ૪’, ‘અધીત : પર્વ - ૫ : કાવ્યવિચાર' અને 'અધીત : પર્વ - ૬ : કાવ્યસમીક્ષા’ નામથી બીજાં ત્રણ સંપાદનો પણ પ્રગટ થાય છે એનો આનંદ તો હોય જ ને! ગુજરાતીનો અધ્યાપક સંઘની સ્થાપના ૧૯૪૭માં થઈ. ૧૯૭૪માં ‘અધીત’નો પહેલો અંક પ્રગટ થયો; અને પછી લગભગ દર વર્ષે ‘અધીત' પ્રગટ થતું રહ્યું. ૧૯૭૪થી ૨૦૨૪ આ ૫૦ વર્ષમાં ૪૬ 'અધીત' પ્રગટ થયાં છે. ‘પ્રમુખીય પ્રવચનો'નાં ત્રણ સંપાદનો ૧૯૭૪, ૧૯૯૬ અને ૨૦૧૦માં પ્રગટ થયાં છે. એ ઉપરાંત ઈ.સ.૨૦૧૨માં ‘અધીત : પર્વ - ૧' (નવલકથા—વાર્તા વિષયક લેખો), ‘અધીત : પર્વ - ૨’ (નાટક-એકાંકી-નિબંધસમીક્ષા), 'અધીત : પર્વ 3' (સ્વરૂપચર્ચા-પ્રવાહદર્શન) અને ૨૦૧૪માં ‘અધીત : પર્વ - ૪' (લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાન) સંપાદનો પણ ગુજરાતીનો અધ્યાપક સંઘના તત્કાલીન પ્રમુખ-મંત્રીઓના સાથસહકારથી થયાં છે. સંઘે આ ઉપરાંત ઈ.સ.૧૯૮૦માં ‘પાંચ અદ્યતન એકાંકીઓ' (‘કલ્કી’-મધુરાય, ‘કુદરતી’-લાભશંકર ઠાકર, ‘પેન્સિલની કબર અને મીણબત્તી’-આદિલ મન્સૂરી, ‘ચોરસ ઈંડાં અને ગોળ કબરો’-મુકુલ પરીખ અને 'હુકુમ માલિક’-ચીનુ મોદી) નામે પણ સંપાદન કર્યું છે. તો, ઈ.સ.૨૦૦૯માં ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ' પ્રગટ કર્યો છે અને ઈ.સ.૨૦૧૪માં ભરત ઠાકોરના સંપાદનતળે 'અધીતસૂચિ' પણ પ્રગટ થયું છે. 'સેતુ' નામે નાની પુસ્તિકા છેલ્લા થોડાં વર્ષોથી પ્રગટ કરીને વર્ષ દરમિયાન યોજનારાં અધિવેશન, અધ્યાપક સજ્જતા શિબિર અને વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાના વિષયો અને વક્તાઓની સૂચિ/રૂપરેખા અધ્યાપકો સુધી પહોંચાડવાનું ઉમદા કામ પણ ગુજરાતીનો અધ્યાપક સંઘ કરે છે. આ 'અધીત : પર્વ - ૫ : કાવ્યવિચાર'માં સંપાદિત ૫૬ અભ્યાસો કવિતાને સમજવાની કેટકેટલી દિશાઓ ખોલી આપે છે! આપણા પૂર્વસૂરિઓની રસરુચિ અને તલાવગ્રાહી અભ્યાસનિષ્ઠાનાં ઉમદા ઉદાહરણરૂપ આ અભ્યાસો આપણી સ્વાધ્યાયરુચિને ઘડે છે અને કાવ્યસ્વરૂપની ખરી સમજ પૂરી પાડે છે. આપણી ભાષાના લગભગ તમામ સારસ્વતો અહીં હાજર છે! કવિતાનાં વિવિધ રૂપો, પ્રકારો, આકારો અને વિચારો અહીં એક સાથે એક જ સંપાદનમાં હોવાનો વૈભવ, ખરે જ આપણી મૂડી છે! આ મૂડીને આમ, આપ સમક્ષ મૂકતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ વર્ષે પ્રગટ થનારાં અન્ય પ્રકાશનોની સાથે આ સંપાદનના પ્રકાશનની જવાબદારી પણ સ્વેચ્છાએ, સહર્ષ, નહીં નફો, નહીં નુકસાનને ધોરણે ડિવાઈન પબ્લિકેશન્સના સૂત્રધાર અમૃતભાઈ ચૌધરીએ સ્વીકારી છે એનો આનંદ છે. ડિઝિટલાઈઝેશનના આજના સમયમાં અન્ય બે કામ પણ ગુજરાતીનો અધ્યાપક સંઘ દ્વારા હાથ ધરાયાં એનોય અધિક આનંદ છે : એક તો, અત્યાર સુધીના લગભગ તમામ પૂર્વ પ્રમુખોનાં વક્તવ્યને એક સાથે ઑનલાઇન મૂકવા માટે એકત્ર ફાઉન્ડેશનના સૂત્રધાર શ્રી અતુલભાઈ રાવળ અને અનંત રાઠોડ સંમત થયા અને આંગળીને ટેરવે આપણને તમામ પ્રમુખોનાં વક્તવ્ય કમ્યૂટર, લેપટોપ, મોબાઈલ પર ઉપલબ્ધ કરાવી આપ્યાં! આપ હવે એ તમામ વક્તવ્ય ઑનલાઈન એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પર વાંચી શકશો. આ કાર્યમાં પ્રિય અજયસિંહ ચૌહાણ નિમિત બન્યા છે એ એમની સંઘ પ્રતિની નિષ્ઠા બતાવે છે. હું એકત્ર ફાઉન્ડેશનની ટીમનો આભાર માનું છું. બીજું એક ડિજિટલ કામ એ વિચાર્યું હતું કે હયાત પ્રમુખોનાં વક્તવ્યોને એમના જ અવાજમાં YouTubeના માધ્યમથી પ્રત્યક્ષ કરાવવાં. એમાનું મોટાભાગનું કામ સંપન્ન થયું છે. YouTube પર ગુજરાતીનો અધ્યાપક સંઘ, પ્રમુખીય વક્તવ્ય -સર્ચ કરતાં આપ એ જોઈ-સાંભળી પણ શકશો. અંતમાં, ફરીથી મારા કાર્યકાળમાં મને પ્રત્યક્ષે કે પરોક્ષે સહાય કરનાર તમામ મિત્રો, વડીલો, શુભેચ્છકોનો આભાર માનું છું.

ગુણવંત વ્યાસ
પ્રમુખ (૨૦૨૩-૨૪)
ગુજરાતીનો અધ્યાપક સંઘ