અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિવેદન

From Ekatra Wiki
Revision as of 07:30, 24 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન

આપણા પુણ્યશ્લોક સારસ્વતો શ્રી ડોલરરાય માંકડ અને શ્રી રામનારાયણ વિ. પાઠકના વિચારથી 'ગુજરાતીનો અધ્યાપક સંઘ' અસ્તિત્વમાં આવ્યો. અધ્યાપક સંઘનું પ્રથમ અધિવેશન ૩, ૪, ૫ નવેમ્બર ૧૯૪૭ના દિવસો દરમ્યાન વલ્લભવિદ્યાનગર ખાતે યોજાયેલું. તેમાં ડોલરરાય માંકડ, રા. વિ. પાઠક, કે. કા. શાસ્ત્રી, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, મંજુલાલ મજમુદાર, અનંતરાય રાવળ, મનુસુખલાલ ઝવેરી, યશવંત શુક્લ સહિત બત્રીસેક અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી સાહિત્યની આ એક ઐતિહાસિક ઘટના હતી. સંઘ આજે છોત્તેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. સાડાસાત દાયકાની દીર્ઘ સફર દરમ્યાન ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યયન-અધ્યાપનને વધુ તેજસ્વી અને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી આ સંઘ પોતાની પ્રવૃત્તિને આગળ વધારી રહ્યો છે. સંઘના સ્થાપનાકાળથી સાતત્યપૂર્વક વિવિધ વિદ્યાકીય પ્રવૃત્તિઓ થતી રહી છે. સંઘ ‘અધીત' (વાર્ષિક), ‘સેતુ’ (પત્રિકા) અને અન્ય ગ્રંથ પ્રકાશનોની પ્રવૃત્તિ પણ કરતો રહ્યો છે. વાર્ષિક અધિવેશન, અધ્યાપક સજ્જતા શિબિરો, વિદ્યાવિસ્તાર વ્યાખાનમાળાઓ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા અધીત વધારવાનું કાર્ય થઈ રહ્યું છે. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના રજતજયંતી અધિવેશન પ્રસંગે સંઘના પ્રમુખોએ આપેલાં વ્યાખ્યાનોનો સંચય 'અધીત' (સં. ચિમનલાલ ત્રિવેદી, ચિનુ મોદી) નવેમ્બર, ૧૯૪૭માં પ્રકાશિત થયેલો, સુવર્ણજયંતી અધિવેશન પ્રસંગે પ્રમુખીય પ્રવચનોનો બીજો સંયચ ‘અધીત : પ્રમુખીય પ્રવચનો’ (સં. ચંદ્રકાન્ત શેઠ, જયદેવ શુક્લ, ભરત મહેતા, જગદીશ ગૂર્જર) ડિસેમ્બર, ૧૯૯૭માં પ્રકાશિત થયેલો અને 'અધીત : પ્રમુખીય પ્રવચનો : ૩' તેમજ ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ' આ બન્ને ગ્રંથો (સં. અજય રાવલ, રાજેશ મકવાણા, ભરત પરીખ, જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા) ફેબ્રુઆરી ૨૦૧૦માં પ્રકાશિત થયેલા છે. સંઘનાં અધિવેશનો અને અન્ય પ્રવૃત્તિઓ નિમિત્તે વિદ્વાનો દ્વારા અપાયેલાં વ્યાખ્યાનોમાંથી 'અધીત : પર્વ - ૧' (નવલકથા-નવલિકા સમીક્ષા), 'અધીત : પર્વ - ૨' (નાટક-એકાંકી-નિબંધ સમીક્ષા) અને 'અધીત : પર્વ - ૩' (સ્વરૂપચર્ચા- પ્રવાહદર્શન) (સં. જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા, સંજય મકવાણા, જશુ પટેલ, ગણપત સોઢાપરમાર) ફેબ્રુઆરી-૨૦૧૨ તથા 'અધીત : પર્વ - ૪' (લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાનના લેખ) (સં. જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા, સંજય મકવાણા, ગણપત સોઢા, નરેશ વાઘેલા) ફેબ્રુઆરી-૨૦૧૪માં પ્રકાશિત થયેલા ગ્રંથો છે. આ શૃંખલામાં 'અધીત : પ્રમુખીય પ્રવચનો : ૪' (વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૨૩-૨૪ સુધીનાં ૧૩ પ્રમુખીય વ્યાખ્યાનોનો સંચય), 'અધીત : પર્વ - ૫ : કાવ્યવિચાર' (કાવ્યવિચારને લગતા લેખોનો સંચય), 'અધીત : પર્વ ૬ : કાવ્યસમીક્ષા' (કાવ્યસમીક્ષાને લગતા લેખોનો સંચય) આ ત્રણેય સંચયો (ફેબ્રુઆરી ૨૦૨૪, સં. ગુણવંત વ્યાસ, હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ, અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ, બી. બી. વાઘેલા, કનુ વાળા) અભ્યાસી અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગી થશે. તેમજ તેમાં રજૂ થયેલું વિદ્યાકીય તપ અને તેજ આપણા સૌ માટે મૂલ્યવાન સામગ્રી બની રહેશે. આથી અહીં ગ્રંથસ્થ અભ્યાસલેખોના જે લેખકો છે તેઓ સર્વે સારસ્વતો પ્રત્યે અમે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ. ગુજરાતીનો અધ્યાપક સંઘના અમૃતકાળથી સુવર્ણકાળની યાત્રાના સુઅવસરે આ ગ્રંથો આપના કરકમળમાં મૂકતાં અમે સર્વે આનંદની લાગણી અનુભવીએ છીએ. એક વિશેષ ઉલ્લેખનીય બાબત કે અધ્યાપક સંઘના વર્તમાન પ્રમુખશ્રી ડૉ. ગુણવંત વ્યાસે એકત્ર ફાઉન્ડેશનના માધ્યમથી અત્યાર સુધીનાં તમામ પ્રમુખીય વક્તવ્યોને આ ફાઉન્ડેશનની વેબસાઈટ ઉપર મૂકી આપ્યાં છે. લગભગ તમામ હયાત પ્રમુખશ્રીઓનાં વક્તવ્યો યુટ્યૂબ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આ ગ્રંથોના પ્રકાશન માટે સંઘના વર્તમાન પ્રમુખશ્રી ડૉ. ગુણવંત વ્યાસ અને ડૉ. ભરત મહેતાનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે તેથી તેમનો અને સંઘના સૌ કારોબારી સભ્યોનો અમે આભાર માનીએ છીએ. ડિવાઇન પબ્લિકેશનના કર્તાહર્તા સ્નેહીશ્રી પ્રો. અમૃતભાઈ ચૌધરીએ આ ગ્રંથનું પ્રકાશન કાળજીપૂર્વક અને સમયસર ઉપલબ્ધ કરાવ્યું તે બદલ તેમનો આભાર માનીએ છીએ.


જાન્યુઆરી-૨૦૨૪
મકરસંક્રાન્તિ
હૃષીકેશ રાવલ, દીપક પટેલ,
સુનીલ જાદવ, અશોક ચૌધરી,
અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુ વાળા
(મંત્રીઓ)