અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં શબ્દ
યશવંત શુક્લ
નાદ અને અર્થ બંને મળીને શબ્દ બને છે. લય ન ગણાવીએ તોપણ ચાલે. તે તો હાજરાહજૂર છે. લય વિના નાનો શબ્દ પણ ઉચ્ચારી શકાતો નથી. વાણીમાં લય અનુસ્યૂત હોય છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧લા અધ્યાયના ૧૩મા શ્લોકમાં स शब्दस्तुमुलोऽभवत्માંશબ્દનો અર્થ 'અવાજ' એવો થાય છે, પરંતુ માત્ર અવાજથી કાવ્ય બનતુ નથી. કાલિદાસે પાર્વતી-પરમેશ્વરની જેમ નાદ-અર્થને સંયુક્ત ગણ્યા છે. નાદ એ અર્થનો સંકેત - પ્રતીક બને છે. ક્યારે અને કેવી રીતે આ સંકેત તૈયાર થયો તેનો સ્પષ્ટ ઇતિહાસ નથી. હા, રસિક અનુમાનો થાય છે, પણ અનુમાન એ સિદ્ધાંત નથી. જ્યાં જ્યાં માણસ છે ત્યાં ત્યાં ભાષા છે. ભાષા શબ્દોનો ભંડાર છે. બાળકને તે વારસામાં મળે છે. જોકે માણસ આ શબ્દરાશિનો અમુક ભાગ જ વાપરે છે. કોઈ પણ માણસ બધા જ શબ્દોનો ઉપયોગ કરતો નથી. જે શબ્દોનો ઉપયોગ નહીંવત્ થાય છે તે સમય જતાં ઘસાઈ જાય છે. પછી તેમનું સ્થાન શબ્દકોશમાં રહે છે. મોટા કવિઓ શબ્દકોશમાં છુપાયેલા શબ્દોને ઉપયોગમાં લે છે, તેને પ્રચલિત કરે છે. અહીં પ્રશ્ન થાય કે કવિના શબ્દ અને શબ્દકોશના શબ્દ વચ્ચે ભેદ ખરો? આપણે વિવેચનમાં સાહિત્યભાષા અને વ્યવહારભાષાની ચર્ચા કરીએ છીએ. સાહિત્યભાષા એ કોઈ અલાયદો પદાર્થ નથી. એ સાચું છે કે વ્યવહારની જેમ સાહિત્યમાં ભાષા વપરાતી નથી. અવગમન (Communication) સધાય એટલે વ્યવહારભાષાનું પ્રયોજન પૂરું થાય છે. શબ્દનો અર્થ શબ્દકોશમાં હોય એટલો જ થાય છે? આપણે જાણીએ છીએ કે સામાન્ય માણસ પણ (તેની જાણ બહાર) થોડી કવિતા કરી લેતો હોય છે. તેનો હેતુ વાક્યને વિશેષ ધારદાર અસરકારક બનાવવાનો હોય છે. એ હેતુ બરાબર સધાય છે ત્યારે તેને આનંદ થાય છે. ભાષા સામાજિક વારસો છે. ભાષાના શબ્દો જ આપણે વ્યવહારમાં તથા કાવ્યમાં પ્રયોજીએ છીએ. કાવ્યના સંદર્ભને કારણે કેટલીક વાર કાવ્યનો શબ્દ કોશગત અર્થ ત્યજી દે છે. પ્રશ્ન થશે કે કાવ્ય શું છે? હૃદયની રસવૃત્તિ, સજ્જતા, તીવ્ર સંવેદનશીલતા અને અભ્યાસની ભૂમિકા પર કોઈ ધન્ય ક્ષણે કવિ કાવ્ય લખે છે. કવિનું હૃદય વધુ સંવેદનશીલ હોય છે, તેનો પ્રતિભાવ તીવ્ર હોય છે. કાવ્યસર્જનની ક્ષણે કવિ આ વિશ્વમાં હોવા છતાં તેની પાર પહોંચી જાય છે. તે સ્થળકાળથી પર બને છે, તેનાં કારણો એકાકાર થાય છે, તે અદ્ભુત સ્વતંત્રતા અનુભવે છે અને પોતે પ્રગટ થાય છે - સૃષ્ટિના સર્જન વેળા સ્રષ્ટા પ્રગટ થયા હશે તે રીતે. મેક્નીસે કહ્યું છે તેમ Poetry does not mean it has to be કવિના Subconsciousમાં બધું સંમિલિત થાય છે અને પછી અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિમાં જે શબ્દ પ્રગટ થાય છે તેની ચર્ચા આપણે કરવાની છે. કાવ્યનો અર્થ સાહિત્ય માત્ર છે, પણ અહીં આપણે તેનો મર્યાદિત અર્થ લઈશું. કવિ કેટલીક વાર અજાગ્રત મનમાંથી શબ્દ લઈ આવે છે. ગુજરાતી સાહિત્યનું અને બ. ક. ઠાકોરનું પ્રથમ સૉનેટ ‘ભણકારા’ છે. તેમાં એક પંક્તિ આવે છે : ‘ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ.’ પંક્તિમાં આવતો 'લવું' શબ્દ કવિને કોઈ ધન્ય ક્ષણે લાધ્યો છે. કાવ્યનો શબ્દ સંયોજન પરત્વે નવો છે.
પુષ્પે પાને વિમલ હિમમોતી સર તેમ છાની
બાની ભીની હૃદય ભરતી નીતરે છે, સહેની!
કાવ્યમાં આવતો શબ્દ કવિએ પસંદ કરેલો છે એ સાચું, પણ અંદરના કશા ધક્કા વિના સારી કવિતા શક્ય નથી. ઉત્તમ કવિતા કવિપ્રજ્ઞાની કોઈ ધન્ય ક્ષણે પ્રગટ થાય છે. કાવ્યના શબ્દો કેટલીક વાર સીધી ગતિ કરે છે. કેટલીક વાર આજુબાજુ ખસે છે તો કેટલીક વાર ચોમેર ફરી વળે છે. રોબિન સ્કેલ્ટને કવિતામાં ત્રણ પ્રકારના શબદોની વાત કરી છે. Short focus word, long focus word અને total focus word. આપણા પ્રાચીન કાવ્યાચાર્યોએ અભિધા, લક્ષણા અને વ્યંજનાની વાત કરી છે. સ્કેલ્ટનને આ જ અર્થો અભિપ્રેત છે એમ તો નહીં કહેવાય, પણ બન્ને વિચારણા વચ્ચે ઠીક ઠીક સામ્ય છે. એક બીજા પાશ્ચાત્ય વિવેચક આઈ. એ. રિચાર્ડ્સે કહ્યું છે કે જેટલા શ્રોતા તેટલા એક શબ્દના અર્થ થાય. તેમણે દૃષ્ટાંત તરીકે 'Night' શબ્દની ચર્ચા કરી છે. શબ્દ જ્યારે અન્ય શબ્દના સાહચર્યમાં આવે છે ત્યારે તેનો અર્થ સંકોચાય છે. ‘રાત્રિ’ શબ્દના અસંખ્ય અર્થો સંભવે, પણ ‘તે રમ્ય રાત્રે' કહેતાં તેનો અર્થ થોડોક મર્યાદિત બને છે. અહીં કોઈ રુદ્ર રાત્રિની નહીં પણ રમ્ય રાત્રિની વાત છે એમ સ્પષ્ટ થાય છે. સમગ્ર કાવ્યના સંદર્ભમાં તપાસતાં તેનો કોઈ ચોક્કસ – નિશ્ચિત અર્થ બને છે. આ રિચાર્ડ્સની માન્યતા છે. મને એમ લાગે છે કે ભાષામાં એ શક્ય છે, કવિતામાં એવું બનતું નથી. કાવ્યના શબ્દોનો અર્થ કરવા ભાવક સ્વતંત્ર હોય છે. આપણે ‘પથ્થર' શબ્દ લઈએ, એ શબ્દ સાંભળતાં ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય પથ્થરોનો ખ્યાલ આવે. પરંતુ સુન્દરમ્ જ્યારે ‘નમું તને પથ્થરને’ એમ કહે છે ત્યારે નમન કરવા યોગ્ય પથ્થર - મૂર્તિ એવો મર્યાદિત અર્થ થાય છે. ‘શ્રદ્ધા તણા આસનને નમું નમું' એમ પણ કવિ કહે છે. અહીં શ્રદ્ધેય પથ્થરની વાત છે. પથ્થરનો સામાન્ય અર્થ અહીં છૂટી જાય છે. કાવ્યમાં શબ્દ આલંબન હોય છે. તેનો આધાર લઈ કવિને ઉદ્દિષ્ટ અર્થ પમાય છે. નિરંજન ભગતનું કાવ્ય છે ‘ફરવા આવ્યો છું.' પ્રથમ પંક્તિમાં આવતા 'તો' 'બસ' શબ્દો કવિના મૂડને વ્યક્ત કરે છે. ત્રીજી પંક્તિના શબ્દ ‘અહીં’ નો 'ચોક્કસ સ્થાન' એવો સામાન્ય અર્થ નથી. અહીં માનુષી સંદર્ભ છે. સુન્દરમના કાવ્ય ‘તે રમ્ય રાત્રે'માં એકેએક શબ્દ યથાસ્થાને છે. આખું કાવ્ય નાદની દૃષ્ટિએ પણ સુંદર છે. નાદ પણ અર્થ નિપજાવવામાં મદદ કરે છે. બીજી પંક્તિમાં કવિએ આખું ‘ફ્રેજ' (Phrase) વાપર્યું છે. વિચાર કે ભાવ જ્યારે ઊર્ધ્વ બને છે. ત્યારે ફ્રેજ વાપરવું પડે છે. કાવ્યના મોટા ભાગના શબ્દો સાદા - સરળ છે. શબ્દોનો સીધો અર્થ છોડી કાવ્યમાં કવિ પ્રશ્ન ઊભો કરે છે કે ‘સૌન્દર્ય શાને માટે?’ ‘મનોજ કેરા શર' તથા 'સુતન્વી કાયાકમાન’નું રૂપ સુન્દરમ્ જેવા મોટા ગજાના કવિને જ સૂઝે. કાવ્યનો પ્રત્યેક શબ્દ બીજા શબ્દો સાથે સંકળાયેલો છે. બધા શબ્દોનું પુદ્ગલ એક રમણીય સૃષ્ટિ ખડી કરે છે.
*
('અધીત : ચાર')