અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં અર્થ

From Ekatra Wiki
Revision as of 11:03, 24 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪. કાવ્યમાં અર્થ

જયન્ત પાઠક

કાવ્યમાં શબ્દની વાત શ્રી યશવંતભાઈએ કરી. તેના અનુસંધાનમાં જ મારે હવે કાવ્યમાં અર્થની વાત કરવાની છે. અહીં એ સ્પષ્ટતા કરી દઉં કે કાવ્યમાં જે સામાન્ય અર્થ હોય છે તેની નહીં, પણ વિશિષ્ટ અર્થ હોય છે તેની વાત આપણે કરવાની છે. કાવ્યની એક વ્યાખ્યા એવી છે કે शब्दार्थौ सहितौ काव्यम् । શબ્દ અને અર્થનું સહિતત્વ એ કાવ્ય. અહીં વ્યવહારના શબ્દ અને અર્થ અભિપ્રેત નથી એ તો સ્પષ્ટ જ છે. કાવ્યના સંદર્ભમાં જ્યારે વાત કરવાની હોય ત્યારે કવિપ્રતિભાથી અનુપ્રાણિત થયેલા શબ્દો-અર્થોની જ વાત હોય તે ખ્યાલમાં રાખવું જોઈએ. કવિનો શબ્દ પ્રકાશિત છે અને પ્રકાશક પણ છે. શિવ-પાર્વતીનું અભેદત્વ દર્શાવવા આપણે ત્યાં અર્ધનારીનટેશ્વરની કલ્પના કરવામાં આવી છે. મને લાગે છે કે અહીં પૂરો અભેદ નથી. કાવ્ય જ સાચો અભેદ રચી શકે. શબ્દ અને અર્થ એકબીજામાં સમાઈ જાય છે, સંપૃક્ત થઈ જાય છે, એમાં અભેદનું દર્શન થાય છે. પરંતુ કાવ્યને સમજવા માટે એ અભેદ તોડવો પડે છે. કાવ્ય અંગે આપણે ત્યાં કેટલીક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. માલાર્મેના નામે એક ઉક્તિ વારંવાર ટાંકવામાં આવે છે - Poetry is made with words, not with ideas : કવિતા શબ્દોથી બને છે, વિચારોથી નહીં. આ ઉક્તિનો પૂરો સંદર્ભ જાણ્યા વિના આપણે તેને ગબડાવે રાખીએ છીએ. આ પંક્તિ મૂળે તો માલાર્મેએ તેના એક ચિત્રકાર મિત્રને લખેલા પત્રમાંથી ઉદ્ધૃત કરવામાં આવી છે. ચિત્રકાર મિત્ર કાવ્ય લખવા માગતો હતો. તેની પાસે વિચારો હતા, પણ (કાવ્ય માટેના) શબ્દો નહીં. તેને ઉદ્દેશીને કહેવાયેલી આ ઉક્તિ છે. બળવંતરાયે વિચારપ્રધાન કવિતાની હિમાયત કરી પરંતુ એમના જ એક ઉત્તમ કાવ્ય 'ભણકારા'માં તમને વિચારપ્રધાનતા જોવા નહીં મળે. એ કાવ્યમાં શબ્દનું, અર્થનું અને નાદનું સૌન્દર્ય છે. લૂઈ મેકનીસની એક પંક્તિ (A poetry does not mean, it has to be) પણ ખૂબ ચલણી બનેલી છે. આ કવિના કોઈ સૈદ્ધાંતિક વિવેચનલેખમાંથી લેવાયેલ પંક્તિ નથી, તેમના એક કાવ્યની અંતિમ પંક્તિ છે. તેમની આ પંક્તિને આધારે કવિતામાં આકૃતિ - આકારનો મહિમા વધી ગયો. કાવ્યના દૃશ્યાત્મક પહેલુ પર વધુ ભાર મુકાવા લાગ્યો. To be, આકાર, આકૃતિ, કૃતિ, રચના, કંઈક બનવું જોઈએ. પણ શાને આધારે બનશે એ કોઈ વિચારે છે? કાવ્યમાં Meaning-અર્થની ઉપેક્ષા થવા લાગી. એમ કહેવાયું કે Statement એ કવિતા નથી. આ દૃષ્ટિએ તો ઉમાશંકરની પ્રસિદ્ધ કૃતિ - 'મળ્યાં વર્ષો તેમાં’ને પણ કવિતામાંથી બાકાત કરવી પડે. ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું' આ તો માત્ર Statement થયું. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી' (કલાપી) - આ પણ Statement જ કહેવાશે. આ બધાં Statement હોવા છતાં તેમાં આપણને કવિતાનો અણસાર મળે છે. કાવ્યમાં બધું એકરસ થઈને જ આવે છે. પહેલાં શબ્દ આવે અને પછી અર્થ એવું નથી બનતું. કાવ્યમાં બંનેની સંપૃક્તિ હોય છે. કાવ્યમાં બંનેનું સરખું મહત્ત્વ છે, કોઈનું વધુ કે ઓછું નહીં. વિવેચનમાં ક્યારેક શબ્દ પર તો ક્યારેક અર્થ પર વધુ ભાર મૂકવાનું વરણ જોવા મળે છે. કેટલાક વિવેચકો અર્થ વગરની કવિતાની વાત કરે છે. મને લાગે છે કે એ શક્ય જ નથી. હા, અર્થહીન કાવ્ય (Nonsense Poem) બને. આ બાબત વ્યવહારાર્થ અને પરમાર્થ બંને દૃષ્ટિએ સમજીએ. વ્યવહારાર્થમાં આપણે જાણીએ છીએ કે ભાષાથી કાવ્ય થાય છે. પરમાર્થની દૃષ્ટિએ કૃતિ દ્વારા જે કાંઈ સંવેદન, સૌન્દર્ય, પ્રતીતિ કે રહસ્યનું ઉદ્ઘાટન થાય તેનો વિચાર કરવો પડે. ઉમાશંકરનું ‘બળતાં પાણી’ કાવ્ય તમે વાંચ્યું હશે. વાચ્યાર્થની રીતે વિચારતાં લાગે છે કે કવિએ નદીની વાત કરી છે. નદી પહાડોમાંથી નીકળતી હોવા છતાં પહાડોમાં લાગતા દાવાનળને ઠારી શકતી નથી. રા. વિ. પાઠકે એમાંથી પરમાર્થ કાઢ્યો અને બતાવ્યું કે આમાં તો માણસની નિયતિની અનિવાર્ય કરુણતાની વાત છે. હવે આપણે અર્થની નજીક આવી પહોંચ્યા છીએ. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી હું કહીશ કે કાવ્યના ભાવનથી જે ચિત્તવૃત્તિ ઉદ્ભવે છે તે જ અર્થ. આ અર્થ માત્ર કવિનો જ નથી કે નથી માત્ર આપણો. એમાં કેટલુંક કવિનું હશે; કેટલુંક તમારું હશે. હું અહીં માત્ર વાચ્યાર્થની વાત નથી કરતો. અર્થને પારમાર્થિક અર્થમાં સમજવાનો છે. એ સંદર્ભમાં કાવ્યને અર્થની કલા કહી શકાય. માત્ર કાવ્ય જ નહીં, બધી કલાઓ અર્થની કલાઓ છે. કાવ્ય ભાષાના આશ્રયે છે. આખું કાવ્ય પણ ભાષા છે. A poem is a language. કાવ્ય એક ભાષા છે જે કશુંક Convey કરે છે. પરમાર્થમાં તો કાવ્ય પણ એક સાધન જ છે.

*

('અધીત : ચાર')