અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં લય
ભોળાભાઈ પટેલ
શબ્દ, અર્થ અને લયની સમજથી કાવ્ય-પૃથક્કરણની વિવેચનાત્મક દૃષ્ટિ કહેવાય છે. કાવ્યના સંદર્ભે આપણે મુખ્યત્વે અર્થનો ખ્યાલ કરીએ છીએ. પરંતુ આપણે એ વિચારવું જોઈએ કે એ કાવ્ય કેમ આપણને સ્પર્શી ગયું? એ વિચાર કરતાં સમજાશે કે કાવ્યમાં લયનો ફાળો મહત્ત્વનો છે. પહેલાં લય શું છે એનો વિચાર કરીએ. આપણે જાણીએ છીએ કે કાવ્યમાં શબ્દ હોય છે, અર્થ હોય છે અને લય પણ હોય છે. ગદ્યમાં પણ હોય છે. ગદ્યમાં પણ શબ્દ અને અર્થ તો હોય છે જ. શું ગદ્યમાં લય હોય છે? હા, ગદ્યમાં પણ લય હોય છે. અરે, વાતચીતમાં પણ લય હોય છે, કારણ કે ભાષામાં જ લયનું તત્ત્વ પડેલું છે. ભાષામાં આરોહ અને અવરોહ હોય છે. એ બંનેની વચ્ચે અલ્પવિરામ હોય છે. આ જ લય છે. કોઈ પણ સાદું વાક્ય લો તો તેમાં આરોહ-અવરોહ એટલે કે લય જોવા મળશે, પરંતુ આપણે અહીં સાહિત્યના સીમિત સંદર્ભમાં વાત કરવાની છે. ગદ્યના લયમાં અને પદ્યના લયમાં પ્રકારનો ભેદ નથી હોતો, પ્રમાણનો ભેદ હોય છે અને તે ભેદ અત્યંત વ્યાવર્તક તત્ત્વ છે. ગદ્યમાં આવતો લય અનિયમિત હોય છે, પદ્યમાં આવતો લય નિયમિત હોય છે. આ નિયમિતતા છંદની આવે છે. નિરંજન ભગતના કાવ્યની એક પંક્તિ જુઓ : ‘અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ' અહીં લગા લગા લગા લગા એમ લઘુ-ગુરુનું નિયમિત આવર્તન થયું છે. ઉમાશંકરનું કાવ્ય ‘હું ગુલામ? સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ હું માનવી ગુલામ?' કે આપણું પ્રસિદ્ધ જોડકણું ‘અડકો દડકો દહીં દડૂકો’ જોશો તો તેમાં પણ અનુક્રમે લઘુગુરુનું અને ચાર માત્રાનું નિયમિત આવર્તન જોવા મળશે. કવિતાના લયનું આ એક લક્ષણ છે - તેમાં એક પ્રકારની આવર્તિત ભાત રચાતી હોય છે. લયની એક ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે તેમાં નિયત શ્રુતિઓના આવર્તનથી એક ભાત રચાતી હોય છે. આ ભાત તે છંદ. નિયમિત લય અથવા છંદ એક અપેક્ષા ઊભી કરે છે (એક પંક્તિ વાંચો, એટલે તે ભાતમાં બીજી પંક્તિ આવે તેવી અપેક્ષા ઊભી થાય). આ અપેક્ષા કાવ્યમાં સંતોષાય છે, ગદ્યમાં નથી સંતોષાતી. કાવ્યનાં ઉદાહરણો આપણે ઉપર જોયાં. ગદ્યનું એક ઉદાહરણ જુઓ : “દુનિયામાં દરેક વસ્તુ મરે છે, ફક્ત એક મરતો નથી ભૂતકાળ. ભૂતકાળ ચિરંજીવી છે. મહાસાગરમાં ઓટ આવે છે, ચંદ્રનો ક્ષય થાય છે. કુબેર નિર્ધન બને છે, પર્વતો ધોવાઈ જાય છે, સામ્રાજ્યો સ્મૃતિમાંથીયે ભૂંસાઈ જાય છે. પણ લોકક્ષયકૃત ભૂતકાળને ક્ષય નથી.” (કાકા કાલેલકર) જોઈ શકાશે કે આ દૃષ્ટાંતમાં લય છે, પણ તેની ચોક્કસ ભાત નથી. આ દૃષ્ટાંતોને આધારે કહી શકાય કે ગદ્યમાં અનિયમિત લય હોય છે, પદ્યમાં નિયમિત. અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે પ્રાસ લય નથી. હા, તે લયાત્મકતામાં સહાયક જરૂર છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવશે. જો એકસરખી ભાત, એનું સતત આવર્તન-એનાથી ભાષામાં લયાત્મકતા આવતી હોય તો તેમાં એકસૂરીલાપણાનો સંભવ નહીં? યાંત્રિક જડતાની શક્યતા નહીં? નિરંજનના 'એકસુરીલું' કાવ્યમાં છંદની આ યાંત્રિકતા જોવા મળશે. જોકે કાવ્યમાં તેનો સહેતુક જ પ્રયોગ થયો છે. એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નીરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વાક્યાન્ત પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું. એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ. દા. ત., નીચેની બે પંક્તિઓ જુઓ :
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ
હે નાથ નારાયણ વાસુદેવા
બન્ને પંક્તિઓ એક જ માપની હોવા છતાં સમગ્ર કાવ્યનો અર્થ, ભાવ લક્ષમાં રહેવાને લીધે ઉચ્ચારણ વખતે બંનેના કાળમાનમાં ફેર પડે છે અને એકવિધતા લાગતી નથી. ભાવની તીવ્રતા-મંદતા વાચન વખતે ધ્યાનમાં લેતાં યાંત્રિકતાનો અનુભવ નથી થતો. છંદોબદ્ધ રચના વાંચતાં છંદની નિયમિતતા સાથે ઉચ્ચારની નાટ્યાત્મકતા- વાગ્મિતાનો સિદ્ધાંત પણ કામ કરે છે. આ બંનેની આંતરરમતથી પદ્ય પ્રાણવંત બને છે. દૃષ્ટાંત તરીકે 'કાન્ત'ની આ પંક્તિઓ જુઓ:
રજનીથી ડરું તોયે આજે એ લેખતી નથી,
ક્યાં છો? કચ! સખે! ક્યાં છો? કેમ હું દેખતી નથી?
સુન્દરમના ‘૧૩-૭ની લોકલ' કાવ્યમાં પણ આવું વૈવિધ્ય દૃષ્ટિગોચર બનશે. કાવ્યમાં લય કરે છે શું? સંમોહન ઊભું કરે છે. કાવ્યમાં પ્રભાવક તત્ત્વોમાંનું એક આ લયતત્ત્વ - તેનો પ્રભાવ જાદુ જેવો કે સંમોહન જેવો ગણાવાય છે; અને તેનું કારણ આપણા જૈવિક વારસામાં કે તેના મનોવૈજ્ઞાનિક પ્રભાવમાં જોવામાં આવે છે. ઉમાશંકરનું એક જાણીતું ગીત છે - 'અમે સૂતાં ઝરણાને જગાડ્યું...’ લય સંમોહિત કરવાની સાથે જાગ્રત પણ રાખે છે. ગીતના શ્રવણ વખતે જાગૃતિ-વિસ્મૃતિ વચ્ચેની ક્ષણ આવ્યા કરે છે. લય દ્વારા કવિ આપણને તેના ભાવવિશ્વમાં લઈ જાય છે. ઉત્તમ કવિ લયની સાથે પોતાના ભાવને જોડતો હોય છે. તેનો ભાવ આપણે સારી રીતે પામીએ એ રીતે તે શબ્દગોઠવણ કરતો હોય છે. ભાવ સાથે અનુસ્યૂત થવાથી છંદોલય આપણને પ્રભાવિત કરે છે. છાંદસ કાવ્ય અને ગીતમાં લયની વાત કર્યા પછી આપણે મુક્તછંદ અને અછાંદસમાં લયની વાત કરી લઈએ. કાન્ત, નિરંજન વગેરે કવિઓએ છંદોને પરંપરિત કર્યા. નિરંજનના ‘સંસ્મૃતિ’ કાવ્યમાં ઝૂલણા છંદ નથી, પરંપરિત ઝૂલણા છે. તેમાં ઝૂલણાના ટુકડા હોય છે. અછાંદસ કાવ્યમાં લય તો હોય છે જ પણ તે અનિયમિત હોય છે. પન્ના નાયક, વિપિન પરીખ, જયા મહેતા વગેરેનાં અછાંદસ કાવ્યોમાં આવો અનિયત લય જોવા મળે છે. મોટા ભાગે તો અછાંદસમાં જુદાજુદા છંદોના ટુકડા હોય છે. એ ખ્યાલમાં રાખવું જોઈએ કે નિયમિત લય ન હોય તોપણ કાવ્યત્વ સિદ્ધ કરી શકાય.
('અધીત : ચાર')