અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા

From Ekatra Wiki
Revision as of 03:25, 3 December 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
૩૮. પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા[1]

ડૉ. ભરત સોલંકી

પ્લેટો :

પ્લેટો (ઈ.સ. પૂર્વે ૪૨૭થી ઈ.સ. પૂર્વે ૩૪૭) ગ્રીક ફિલોસોફર તથા પ્રખર ગણિતશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ હતા. સોક્રેટિસના પ્રભાવ હેઠળ આવ્યા પછી તેમણે પોતાની કાવ્યરચનાઓનો નાશ કર્યો હતો. પ્લેટોએ તેમના ગ્રંથ ‘રિપબ્લિક'માં પોતાના વિચારોમાં કવિ અને કવિતાનો વિરોધ કર્યો હતો. તેમણે કવિ અને કવિતા પર કેટલાંક આક્ષેપો મૂકી તેના આદર્શનગરમાંથી કવિઓને હાંકી કાઢ્યા હતા. પ્લેટો કવિતાકલાને વાસ્તવિકતાથી ત્રણ ડગલાં દૂર ગણાવે છે. આ માટે તેણે 'Mimesis' શબ્દનો પ્રયોગ કર્યો જેનાં અંગ્રેજીમાં ‘Imitation' શબ્દપ્રયોગ છે. જેનું ગુજરાતી ‘અનુકરણ’ કે ‘નકલ’ એવો અર્થ થાય છે. પ્લેટો આ અનુકરણના સંદર્ભમાં ટેબલનું ઉદાહરણ આપે છે. જેમાં, ટેબલનો વિચાર, ટેબલની બનાવટ ને ટેબલનું ચિત્ર. આ ત્રીજું સત્ય છે. પ્લેટોને મનમાં પ્રગટેલો Idea જ શાશ્વત છે. કવિ પ્રેરણાવશ થઈ કવિતા લખે છે, આથી ઈશ્વરનિર્મિત સત્યની વિડંબના થાય છે. પ્લેટો કવિતા પર બીજો આક્ષેપ એ મૂકે છે કે કવિતા સમાજ પર ખરાબ અસર કરે છે એટલે પ્લેટો નૈતિકતાને અગ્રીમતા આપે છે. આથી તે કવિતાને અનૈતિક જ નહીં બીભત્સ પણ કહે છે. તે લખે છે : ‘કવિતા, જૂઠાણાની માતા અને ગાળોની પરિચારિકા છે.’ પ્લેટો માને છે કે કવિતામાં દેવ-દેવીઓને હીન ચીતરવામાં આવે છે જેની સમાજ પર ખરાબ અસર થાય છે. પ્લેટો કવિતા પર ત્રીજો આક્ષેપ મૂકતા લખે છે કે ‘કવિતાનો આનંદ હીનકક્ષાનો હોય છે, કારણ કે તેમાં વિચાર નહીં પણ લાગણી કેન્દ્રમાં હોય છે. લાગણીવશ બનેલો કવિ વિવેકબુદ્ધિ ખોઈ બેસે છે. વિવેકના અભાવે માણસ મૂળ સત્ય સુધી પહોંચી શકતો નથી. પ્લેટો કવિતા પર ચોથો આક્ષેપ મૂકતાં લખે છે ‘કવિતા માનવીને વીર બનાવવાને બદલે રોતલ બનવાનું શીખવે છે’ પ્લેટો તેના આદર્શનગરમાં વ પુરુષોની ખેવના રાખતો. આથી માત્ર રોદણાં રોતાં કવિ-કવિતા સમાજને માંદલો, ડરપોક અને રોતલ બનાવે છે. આમ છતાં પ્લેટો વીરત્વ પ્રગટાવતી કે ભક્તિકવિતાને આવકારે છે પણ ખરો. પ્લેટો વિશે આટલું જાણ્યા પછી પણ એ યાદ રાખવું જોઈએ કે પ્લેટો ઉત્તમ કવિ કે કવિતાના વિરોધી નથી. તે લખે છે : 'કવિ એક પ્રકાશ, કલ્પનાશીલ અને પવિત્ર વ્યક્તિ છે. જ્યાં સુધી તેના મગજ પર દૈવી ગાંડપણ સવાર ન થાય ત્યાં સુધી તે પોતાની દિવ્ય વાણી ઉચ્ચારવા અસમર્થ રહે છે.’

એરિસ્ટોટલ :

એરિસ્ટોટલ પ્લેટોનો શિષ્ય હતો. તે પ્લેટોના વિદ્યાધામમાં વીસેક વર્ષ રહેલા. પ્લેટોના કલાવિષયક વિચારોનો તેમના પર ઊંડો પ્રભાવ હતો છતાં તેની વિચારણસરણીમાં ખાસ્સો ફરક હતો. એરિસ્ટોટલે 'Poetics' નામના ગ્રંથમાં કવિતા વિશે જે ચર્ચાઓ કરી તેમાં તે કવિતાના બચાવપક્ષમાં ઊતરેલા સ્પષ્ટ જણાય છે. એરિસ્ટોટલ કવિ અને કવિતાનો બચાવ કરતાં કહે છે : ‘કવિ પોતાની કલ્પના વડે આદર્શ વાસ્તવિકતા રજૂ કરે છે. આ સંદર્ભમાં તે લખે છે- કવિઓની દુનિયા જ્યાં -

* નદીઓ હંમેશાં આનંદદાયી હોય છે.
* વૃક્ષો હંમેશાં ફળદાયી હોય છે.
* મિત્રો હંમેશાં વફાદાર હોય છે.

પ્લેટો કવિતાને વખોડે છે. જ્યારે એરિસ્ટોટલ કવિતાને વખાણે છે, તે પ્લેટોના અનુકરણ શબ્દના સ્થાને 'અનુસર્જન' કે 'પુનઃસર્જન' ‘નવસર્જન' એવા શબ્દપ્રયોગો કરે છે. તેમને મન કવિતા વાસ્તવ જગતનું સ્થૂળ અનુકરણ ન કરતાં પોતાની મૌલિક પ્રતિભા વડે તેનું નવનિર્માણ કરે છે. તેમાં કવિપ્રતિભાનો ઉન્મેષ ભળેલો હોય છે અને કવિનું ‘અંતરંગ દર્શન' હોય છે. એરિસ્ટોટલ કવિતા-કલાના બચાવમાં ઊતરતાં ટ્રેજેડીની વિભાવના આપી ‘કેથાર્સિસ'ની વિભાવના રજૂ કરે છે. ‘કેથાર્સિસ’ ગ્રીક શબ્દ છે તેને અંગ્રેજીમાં ‘ફરર્ગેશન' કહેવાય છે. જેનું ગુજરાતી ‘લાગણીઓનું વિવેચન' થાય છે. આ સંદર્ભમાં એરિસ્ટોટલ લખે છે : ટ્રેજેડી કરુણા અને ભય દ્વારા એ લાગણીઓનું ઉચિત કેથાર્સિસ સાધે છે. એ રીતે ટ્રેજેડી દયા અને ભયની લાગણીઓનાં પ્રગટીકરણથી લાગણીઓનું ઊર્ધ્વકરણ થાય છે. એરિસ્ટોટલ ટ્રેજેડીના સંદર્ભમાં નાયકની વાત કરતાં લખે છે : ટ્રેજેડીનો નાયક ઉચ્ચ કુળનો રાજા કે રાજકુંવર હોય, સર્વગુણ સંપન્ન હોય પણ એકાદ અવગુણ પણ હોય જેના કારણે ટ્રેજેડી કરુણ પ્રગટ કરવામાં સફળ રહે છે. નાયકના આવા એકાદ અવગુણ કે ખામીને ગ્રીકમાં ‘હૅમશિયા’ તરીકે તથા અંગ્રેજીમાં ‘ટ્રેજિક ફ્લો’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો તપાસીએ તો,

* નળનો દમયન્તીનો ત્યાગ કરવો.
* રામનો સીતાનો ત્યાગ કરવો.
* શકુંતલાનો અતિથિધર્મ ચૂકી જવો.

ગ્રીક ટ્રેજેડીમાં મોટા ભાગે નાયકની ભૂલ ન હોય પણ તે વિધિનિર્મિત હોય અને તેને તે દુઃખ ભોગવવું પડે તેવું વસ્તુ અને ચરિત્ર હોય છે. દા.ત., ‘સોફોક્લિસનું ઇડિયસ ધ કિંગ’ ટ્રેજેડીમાં દુ:ખી પાત્ર પ્રત્યે નહીં પણ સ્વયં દુ:ખનો અનુભવ પ્રેક્ષકો કરે છે. ટ્રેજેડીનો નાયક વિશિષ્ટ હોય તોય સર્વસામાન્ય દુઃખનો અનુભવ કરાવે અને તેમાં ભાવકની માનસિક સંડોવણી થાય છે. વળી એરિસ્ટોટલ આ સંદર્ભમાં ‘લૉ ઑફ પોસિબિલિટી’ અર્થાત્ ‘સંભવિત સત્ય’ની વિભાવના દર્શાવે છે. કવિતા કે ટ્રેજેડી સંભવિત સત્ય પણ રજૂ કરે છે. એરિસ્ટોટલના મતે કવિતાનું સત્ય વ્યાપક, દેશકાળથી પર અને ઇતિહાસના સત્યથી પણ ચડિયાતું છે. તેને મન ઇતિહાસ ‘વિશેષ’ને યથાર્થરૂપે નિરૂપે છે. તેનું દર્શન અધૂરું છે. જ્યારે કવિતાનું લક્ષ્ય ‘સાર્વત્રિકતા’ તરફનું છે, તે રજૂ કરે છે ‘વિશેષ’ના માધ્યમથી. ઉપરાંત એરિસ્ટોટલ ટ્રેજેડીમાં છંદ, લય, ઢાળ, દૃશ્યવિધાન વગેરેના સંદર્ભમાં પોતાના વિચારો મૂકી કવિતાનો અદ્ભુત બચાવ કરે છે અને ‘કલા ખાતર કલા’નો જાણે પ્રણેતા બને છે. આમ, કવિતા-કલા વિષયક વિચારોનો પાયો ગ્રીસમાં પ્લેટો-એરિસ્ટોટલથી નંખાયેલો છે. આજે વિવેચન, કલા, શાસ્ત્ર જે રીતે અને જેટલા પ્રમાણમાં વિકસ્યા તેના પાયામાં રહેલા પ્લેટો તથા એરિસ્ટોટલની ભૂમિકા જરાય અવગણી શકાય તેમ નથી.

(‘અધીત : ચોત્રીસ’)


  1. 1. 'ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્વામી સાયન્સ તથા એચ. ડી. પટેલ આર્ટ્સ કૉલેજમાં તા. ૦૮-૦૮-૧૧ના રોજ આપેલ વક્તવ્ય.