ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અંબાલાલ સાકરલાલ દેસાઈ
જયેશ ભોગાયતા
ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તા ‘શાન્તિદાસ’ના સર્જક સ્વ. દી.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ (૧૮૪૪-૧૯૧૪) છે. એમનો જન્મ નડિયાદ તાલુકાના અલીણા ગામે ૨૫મી માર્ચ, ૧૮૪૪માં થયો હતો. ઈ. સ. ૧૮૬૭માં, મુંબઇની એલ્ફિસ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા હતા અને ૧૮૬૯માં, એ જ વિષયમાં એમ.એ. થયા હતા. એમણે એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી હતી. અમદાવાદની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. પછીનાં વર્ષોમાં શિક્ષણજગતમાંથી ન્યાયાલયમાં સેવાઓ આપી હતી. નવસારી, કડી અને વડોદરાની કોર્ટમાં ડિસ્ટ્રીકટ જજ અને વડા ન્યાયાધીશ તરીકે જોડાયા હતા. ઈ. સ. ૧૯૦૯માં રાજકોટ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. ‘ડિક્સનરી ઓફ ઇંગ્લીશ એન્ડ ગુજરાતી’ (૧૮૭૭) એમણે બે સાથી સંપાદકો રૉબર્ટ મોન્ટગોમરી અને મણિધરપ્રસાદ દેસાઈ સાથે સંપાદિત કરી હતી. એમની અભ્યાસરુચિ વિવિધ વિષયો જેવાં કે ધર્મ, રાજકારણ, સમાજકારણ, અર્થકારણ, કેળવણી, સંસાર અને સાહિત્યમાં વિકસી હતી. એમના વિવિધ વિષયો પરના અભ્યાસલેખોનું સંપાદન વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોરે ‘સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખો’ (૧૯૧૮) નામે પ્રગટ કર્યું હતું. વૈકુંઠલાલ ઠાકોરે અંબાલાલભાઈને ત્યાં રહીને જ થોડાં વર્ષો વિદ્યાભ્યાસ કરેલો તેથી પ્રસ્તુત સંપાદનના પ્રકાશનને એઓએ ગુરુદક્ષિણા તરીકે ગણાવ્યું હતું! ‘શાન્તિદાસ’ (પ્ર. આ. ૧૯૦૦) ટૂંકી વાર્તા ઉપરોકત સંપાદનના પ્રથમ ખંડ ‘અર્થ પ્રકરણ’માં રજૂ થઈ હતી. પરંતુ સૌ પ્રથમ એ કયા સામયિકમાં પ્રગટ થઈ હતી તેનો સંદર્ભ મળતો નથી. પરંતુ સૌ પ્રથમવાર જે કોઈ સામયિકમાં પ્રગટ થઈ હશે ત્યાં વાર્તાના શીર્ષક સાથે ‘લખનાર : એક ગુર્જર - એ સંજ્ઞાથી સને ૧૯૦૦માં છપાયેલી ટૂંકી વાર્તા’ તેવી લાંબી નોંધ હતી. ત્યારબાદ ભાનુબહેન વ્યાસ અને પ્રકાશ મહેતાના વાર્તાસંપાદન ‘વાર્તાસૃષ્ટિમાં’ (૧૯૭૧)માં પ્રગટ થઈ હતી, અને ‘એતદ્’ સામયિક (સં. શિરીષ પંચાલ, જયંત પારેખ, રસિક શાહ)ના એપ્રિલ-જૂન, ૧૯૯૮માં પુનઃ પ્રકાશિત થયેલી, એ ‘સન્ધિ’માં ફરી પ્રગટ થઈ હતી. ‘શાન્તિદાસ’ વાર્તા લખવા પાછળ અંબાલાલભાઈનો મુખ્ય ઉદ્દેશ વિલાયતી માલ તરફ મોહાંધ બનતી જતી ભારતીય પ્રજાને સ્વદેશી માલની ખરીદી તરફ વાળવાનો હતો. જો ભારતીય પ્રજા સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદવાનું બંધ કરશે તો દેશી કારીગર કામ વગરનો બની જશે. પાયમાલ બની જશે. અંબાલાલભાઈએ ઉપરોકત સંપાદનમાં ‘સ્વદેશી ભાવના - આર્થિક દૃષ્ટિએ’ નામનો લેખ લખ્યો છે જેમાં સ્વદેશી માલની ખરીદી કરવા પર ભાર મૂકયો છે. સ્વદેશી માલની ખરીદી સ્વદેશી હોવાની ભાવનાને મજબૂત કરીને પ્રજાનું આત્મરક્ષણ કરે છે. એમણે નોધ્યું છે : ‘ઠરેલપણે વિચારતાં લાગે છે કે આપણે બહિષ્કારનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ. એની તાત્કાલિક ઊણપો ગમે તે હો, પણ એ વિના બીજો આરો નથી. પરદેશની વિનાશકારક હરીફાઈનો ભય એ કેવળ એક ભ્રમણા નથી, એ અત્યારના એક જાણીતા કિસ્સા ઉપરથી માલુમ પડશે. અમદાવાદમાં તેમ જ અન્યત્ર દીવાસળીનાં કારખાના ઊભાં થયાં છે. એ જાપાનીઓના જાણવામાં આવ્યું ત્યારથી તેમણે પોતાની દીવાસળીની રકિંમત ઘટાડવાનું શરૂ કર્યું છે. અને આજે જાપાનની દીવાસળી પહેલાંના કરતાં રપ ટકા જેટલી સોંઘી છે અને એથી પણ વધારે સોંઘી થવાનો સંભવ છે. આવા સંજોગોમાં પ્રત્યેક દેશભક્ત હિંદીનો ધર્મ શો હોય? તેણે અસમાન હરીફાઈના બોજાથી નવા કારખાનાંઓને પડી ભાંગવા અને નાશ પામવા દેવાં કે દેશભક્તિથી તેમને પડખે ઊભા રહી, છેવટ સુધી તેના દૃઢ આશ્રયરૂપ બની રહેવું?’ (પૃ. ૪૧, ૪૨). અંબાલાલભાઈએ દેશની આર્થિક આબાદી માટે સંરક્ષણનીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. શાન્તિદાસ ચરોતરના પાટીદાર કણબી હતા. તેમને છ દીકરા હતા, તેમના છઠ્ઠા દીકરા ભિખારીદાસને ભણાવવા માટે તેમની પત્નીએ આગ્રહ કર્યો! શાન્તિદાસે લાંબો વિચાર કરીને દીકરાને અમદાવાદ ભણવા મોકલ્યો દીકરો મેટ્રિક પાસ થયો એટલે પછી કૉલેજ અભ્યાસ માટે મુંબઈ ભણવા મોકલ્યો. ભિખારીદાસે મા-બાપની શિખામણ પ્રમાણે સંયમથી ભણવાનું વ્રત લીધેલું. પણ થોડા સમય પછી કૉલેજમાં પારસી યુવકોને ચમચમ અવાજ થાય તેવા બૂટ પહેરતા જોઈને ભિખારીદાસને પણ તેવા બૂટ પહેરવાની લાલચ થઈ ને અંતે એવા બૂટ ખરીદ્યા. બૂટ પહેરીને ભિખારીદાસ ગામ આવ્યા. ગામના યુવાનોને પણ બૂટ પહેરવાનો ચેપ લાગ્યો. તેથી ભિખારીદાસ દર વર્ષે મોટી સંખ્યામાં બૂટ લાવતો થઈ ગયો. આને કારણે ગામના મોચી બેકાર થયા. દરજી અને કુંભાર પણ. ગામના કારીગર પર દેવું થવા માંડ્યું. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે સોમલા મોચીએ શાન્તિદાસ તથા ગામના આગેવાનોને વિનંતી કરી. ગામના હિતેચ્છુઓ ભેગા થયા ને અંતે મંદિરમાં ભગવાન સમક્ષ તુલસીનું પાંદડું લઈને સંકલ્પ જાહેર કર્યો કે ‘પરદેશી બૂટ લાવીએ તો ઠાકોરજી અમને પૂછે.’ છ મહિનામાં મોચી પાછા અગાઉ જેવા ખાતાપીતા થયા, ને બીજા કારીગર પણ તાજા થયા. વાર્તાનું પ્રયોજન સ્વયંસ્પષ્ટ છે. વાર્તાકથકે સાદી સરળ શૈલીમાં ગામના કારીગરોના જીવનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિ તથા તેનો સુમેળભર્યો ઉકેલ રજૂ કર્યો છે. વાર્તાકથકે વાર્તામાં આવતા બે સ્થાનોએ અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ તથા મોચીના જીવનમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનો ઉકેલ લાવનાર શાન્તિદાસની પ્રશંસા, જરા પણ દરમ્યાનગીરી કર્યા વિના સ્વસ્થ સ્વરે કરી છે. શાન્તિદાસને ફરિયાદ કરવા આવેલા સોમલા સાથે ભિખારીદાસ સંવાદ કરે છે. આ સંવાદની યુક્તિને કારણે વાર્તાકથકે કોઈનો પણ સ્પષ્ટ પક્ષકાર બન્યા વિના પરિસ્થિતિને જ બોલતી દર્શાવી છે : સોમલા અને ભિખારીદાસ વચ્ચેનો સંવાદ. ભિખારીદાસ – કેવા બેવકૂક લોક છો! તમારે વાસ્તે શું અમને બૂટ નહીં પહેરીએ? માણસને ગમે તે પહેરવાની છૂટ છે. સાહેબ લોકો બૂટ પહેરે છે, મુંબઈમાં ઘણી વસ્તી બૂટ પહેરે છે, તે સૌ ગાંડા લોક હશે? બેવકૂફ લુચ્ચા લોક! સોમલો – ગાંડા કે ઘેલા, પણ ભૂખે મરીએ ત્યારે શું કરીએ? ભિખારીદાસ – ભૂખે મરો છો તેમાં કોનો વાંક છે? બીજો ધંધો કરો. સોમલો – અમે મોચી તો બીજો શો ધંધો કરીએ? ભિખારીદાસ – દુનિયામાં ઘણાં ધંધા છે. ગમે તે કરો. સોમલો – શું અમો કુંભારનું કામ કરીએ, કે દરજીનું કામ કરીએ, કે લવારનું કામ કરીએ કે સોનીનું કામ કરીએ, કે હજામનું કામ કરીએ? શું કરીએ, કહો ભીખાબાપા? ભિખારીદાસ – ત્યારે મજૂરી કરો. મજૂરીમાં શું આવડવું છે? બંને વચ્ચેનો સંવાદ સ્પષ્ટ કરે છે કે ભિખારીદાસ પાસે સોમલાની સ્થિતિ સમજી શકવા માટેની ઉદારતા નથી. વાર્તાકથકને અંગ્રેજી ભણતર તરફ થોડો તિરસ્કાર પણ છે પણ બહુ ઠાવકાઈથી ભણેલાની ઠેકડી ઉડાવી છે તેનું એક ઉદાહરણ : મોચીના જીવનમાં સર્જાયેલી કટોકટીનો ઉકેલ લાવવા માટે ભરાયેલી સભામાં ભિખારીદાસ પણ હાજર હતો તે વખતનું વાર્તાકથકનું તેમના તરફનું માર્મિક વલણ : ‘ત્યાં ભીખાભાઈ પણ ગયા હતા, (અહીં ‘ભીખાભાઈ’ અને ‘પણ’ શબ્દના પ્રયોગ સૂચક છે.) તેમણે અંગ્રેજી વિદ્યાનો આધાર બતાવીને, એક મોટી બશેરિયા ચોપડી હતી તે ઉપરથી એક લાંબું ભાષણ કરવાની તૈયારી કરી હતી.’ મોચીના જીવનનો પ્રશ્ન સુખદ રીતે ઉકેલનાર શાન્તિદાસનો વાર્તાકથક જે રીતે પ્રશંસા કરે છે તેમાં પણ તેમની સંયત પ્રકૃતિનો પરિચય થાય છે, સુજ્ઞ વાર્તાકથક જાણે છે કે જો શાન્તિદાસની સફળતાની સીધી પ્રશંસા કરશે તો બહુ પ્રભાવક બનશે નહિ તેથી નડિયાદથી આવેલા એક મોટમ બારોટે જ્યારે આ આખી વાત જાણી ત્યારે બારોટે તેમની વંશપરંપરાગત પ્રકૃતિ પ્રમાણે શાન્તિદાસને મળવા ગયા ને પ્રશંસાનાં શબ્દપુષ્પો વેરવા લાગ્યા : બારોટના સૂરમાં વાર્તાકથકનો પ્રતિબદ્ધતાનો સૂર પણ ભળ્યો છે : ‘તમોએ આપણા ગામનું ને દેશનું અભિમાન કરી અઢારે વરણનો ટેક ઇજત રાખી છે... લોકોનું મન નવા નવા પહેરવેશથી છકી ગયું છે, જેથી કારીગરી માત્રને તથા અન્તે આખા દેશને બહુ વિપત પડે છે... ને ઈશ્વર તેમને તમારા જેવી મતિ સદા આપજો.’ બારોટના શબ્દોમાં પડઘાતો વાર્તાકથકનો સાબદા રહેવાનો સૂર આજે પણ ભૌતિક વસ્તુના મોહમાં ગળાડૂબ પ્રજા માટે પ્રસ્તુત છે. આજે જ્યારે ગામડાના સંખ્યાબંધ મજૂરો શહેરોમાં કચરાની જેમ ઠલવાયા કરે છે ને હાડપિંજર જેમ ઊભેલી અનેક બંધ ફેકટરીઓના દરવાજે કામની રાહ જોતા કામદારોની નજર સામે મોંઘીદાટ ગાડીઓ ચકચકાટ કરતી પસાર થતી રહે છે ત્યારે એમના હૃદયમાં શું નહીં થતું હોય?
જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com