ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રમણભાઈ નીલકંઠ

From Ekatra Wiki
Revision as of 16:41, 9 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર રમણભાઈ નીલકંઠ

હેમંત પરમાર

Ramanlal Nilkanth.png

પંડિતયુગના વિદ્વાન વિવેચક, સંપાદક, નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર રમણભાઈ નીલકંઠનો જન્મ ૧૩મી માર્ચ, ૧૮૬૮ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા મહિપતરામ પ્રખર સમાજસુધારક અને માતા રૂપકુંવરબાએ તેમના સંસ્કારોનું સિંચન કર્યું હતું. રમણભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. તેઓએ એલ.એલ.બી. કરીને વકીલાતનો વ્યવસાય પણ કર્યો. કૉલેજકાળથી જ તેઓ નિબંધો અને વિવેચન લેખો લખતા હતા. તેમનાં પ્રથમ લગ્ન હંસવદન સાથે થયાં હતાં, હંસવદનનું મૃત્યુ થતાં બીજાં લગ્ન વિદ્યાગૌરી સાથે ૧૮૮૭માં થયાં હતાં. ૬ઠ્ઠી માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થાય છે. રમણભાઈ નીલકંઠને બાળપણથી જ કેળવણીકાર પિતા પાસેથી સમાજસુધારો, ધર્મભાવના, સાહિત્ય અને શિક્ષણની તાલીમ પ્રાપ્ત થઈ હતી. સર્જકતાની સાથે તેમનું વહીવટી પાસું પણ મજબૂત રહ્યું છે. કારકિર્દીની શરૂઆતમાં તેઓ સરકારમાં કારકુન અને પછી શિરસ્તેદારની નોકરીમાં જોડાય છે. તેઓએ ગોધરા ખાતે જજ તરીકેની પોતાની ભૂમિકા ભજવી છે. રમણભાઈ નીલકંઠને અંગ્રેજ સરકાર દ્વારા ૧૯૧૨માં ‘રાવ બહાદુર’ અને ૧૯૨૭માં ‘સર’નો ખિતાબ સાહિત્યની સેવા માટે આપવામાં આવ્યો હતો. રમણભાઈ નીલકંઠ ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. રમણભાઈ નીલકંઠ પાસેથી ‘ભદ્રંભદ્ર’ (૧૯૦૦) અને ‘શોધમાં’ (૧૯૧૫ અધૂરી નવલકથા – જે બિપિન ઝવેરી ૧૯૫૦ માં પૂર્ણ કરે છે) જેવી નવલકથાઓ, ‘રાઈનો પર્વત’ (૧૯૧૩) નાટક, ‘હાસ્યમંદિર’ (૧૯૧૫) જેવા હાસ્યનિબંધો, ‘કવિતા અને સાહિત્ય-૧ થી ૪’માં કવિતા, વિવેચન, વ્યાખ્યાનો, ભાષાવિચાર અને વાર્તાનો સમાવેશ થાય છે. સાથેસાથે ‘ધર્મ અને સમાજ – ૧ અને ૨’ માં ચિંતન વ્યક્ત કર્યું છે. રમણભાઈ નીલકંઠ વિવેચક, નવલકથાકાર અને સંપાદક તરીકે જેટલા સફળ થયા છે એટલા સફળ તેઓ વાર્તાકાર તરીકે થયા નથી. આજનાં આધુનિક સાધનો વડે એમની વાર્તાઓની પાસે જઈશું તો એ વાર્તાઓ પૂરેપૂરી નબળી લાગશે. એમાં વાર્તાના કલાસ્વરૂપના ઘટકો કે લક્ષણો મળતાં નથી. પરંતુ, રમણભાઈના જમાનામાં જઈને એ વાર્તાઓ તપાસીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એમાં નવનીત પ્રાપ્ત થાય છે. રમણભાઈ નીલકંઠ પાસેથી જે વાર્તાઓ પ્રાપ્ત થાય છે તે આંગળીના વેઢે ગણાય એટલી ઓછી છે. તેમની પાસેથી મુખ્યતઃ ‘ચતુર્મુખ’, ‘બુટ્ટાદાર બંધ’, ‘એક સંકટ પ્રસંગ’, ‘તારાનું અભિજ્ઞાન’, અને ‘તૈયાર છે’ જેવી વાર્તાઓ પ્રાપ્ત થાય છે. આ વાર્તાઓ મોટેભાગે ‘જ્ઞાનસુધા’ સામયિકમાં પ્રકાશિત થયેલી જોવા મળે છે. ‘ચતુર્મુખ’ વાર્તા તેમની પ્રથમ ટૂંકીવાર્તા છે. વાર્તાનું કથાવસ્તુ કાલ્પનિક છે. આપણે ત્યાં કથાસરિત્‌સાગર કે વિક્રમચક્રની કથાઓ કે પછી લોકકથાઓમાં ‘બત્રીસ લક્ષણાના ભોગ’ની કથાઓ પ્રાપ્ત થાય છે. ‘ચતુર્મુખ’ વાર્તામાં પણ ‘બાળકના ભોગ’નું કથાવસ્તુ આલેખન પામ્યું છે. વાર્તામાં મહાદેવ નામની એક વ્યક્તિ પોતાને રેલવે અકસ્માતમાં મૃત જાહેર કરે છે. જેથી પોતે ઇચ્છિત કાર્ય પાર પાડી શકે. મહાદેવ નિઃસંતાન છે. તે એક બાળકનું અપહરણ કરે છે. તેથી તે બાળકનો બલિ ચઢાવીને મંત્રના બળ વડે સંતાન પ્રાપ્ત કરી શકે. પોતાના પુત્ર વિજયનું અપહરણ થતાં પિતા સુંદરલાલ બેબાકળા બને છે. છેવટે તે ગુનાહશોધકની મદદ વડે પોતાના બાળક વિજયને પ્રાપ્ત કરે છે. વાર્તાનું કથનકેન્દ્ર ત્રીજો પુરુષ એકવચન ‘હું’ છે. કથકના કથન દ્વારા આખી વાર્તા આલેખન પામી છે. ‘ચતુર્મુખ’ વાર્તા ગુનાશોધનની (ડિટેક્ટિવ સ્ટોરી) છે. આ પ્રકારની કથાઓમાં ગુનાશોધક મોટેભાગે પોલીસ-અમલદાર નહીં પણ ખાનગી સલાહકાર હોય છે. આ વાર્તામાં ગુનાશોધક ફોજદારની નોકરી છોડી દેનાર વસંતરાય છે. ગુનાશોધક વસંતરાય જાણતા નથી કે કથક બે ત્રણ દિવસથી શહેરમાં નથી. તે છતાં તે કથકને જણાવે છે કે ‘તમે તો ત્રણ-ચાર દહાડા શહેરમાં હતા જ નહિ! લગ્નમાં ગયા હતા, પરગામથી રેલવેમાં આજે જ આવ્યા’. ત્યારે વાર્તાકથક ચમકે છે. એ સમયે ગુનાશોધક કહે છે : ‘તમારા કપાળ પર કંકુના ધોઈ નાખેલા ડાઘ એટલા છે અને તમારાં લૂગડાંમાંથી અત્તરની વાસ એટલી આવે છે કે લગ્નમાં ગયાની વાત છાની રહે તેમ નથી. તમારી ભમર તથા પાંપણમાં ધૂળ ભરેલી છે અને આંખમાં કાંકરી ગયેલી છે. હાલમાં અહીં ધૂળ ઉરાડે એવો પવન નીકળતો નથી, તેથી રેલવેની મુસાફરીની વાત પણ જાણે કહી સંભળાવી હોય એમ જણાઈ આવે છે. મુસાફરીમાં થયેલો આખી રાતનો ઉજાગરો તમારી આંખો અને ઘાંટા પરથી ઢાંક્યો રહેતો નથી અને એટલે આઘે જઈ આવતાં ત્રણ-ચાર દહાડા તો થાય જ’. ગુનાશોધકનું મુખ્ય લક્ષણ એ છે કે તે વિવિધ કડીઓ, ચાવીઓ કે દિશાસૂચક વિગતો વડે ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરતો હોય છે. કથક બહાર લગ્નમાં જઈને આવ્યો છે ત્યારે આત્મસૂઝ વડે ગુનાશોધક એ ભેદને પારખી જાય છે. ‘ચતુર્મુખ’ શીર્ષક વાર્તાને ઉપકારક નીવડે છે. કેમકે પેટીમાં એક ચિઠ્ઠી હોય છે. એ ચિઠ્ઠીમાં ભોંયરાંના ચાર મુખનો નિર્દેશ હોય છે, ભોંયરાંના એ ચારમુખ વડે ગુનાશોધક વિવિધ રહસ્યોની ગૂંચ ઉકેલીને ગુનેગારને પકડે છે. વાર્તાનું કથાવસ્તુ ભલે શિથિલ છે. પરંતુ, કથાનકનું ભેદી રહસ્ય વાચકને આરંભથી લઈને અંત સુધી જકડી રાખે છે. વાર્તાકાર આ રહસ્યને છેક અંત સુધી પકડી રાખે છે, એમાં તેઓ સફળ નીવડ્યા છે. ‘બુટ્ટાદાર બંધ’ વાર્તા ‘ચતુર્મુખ’ના ગોત્રની છે. કેમ કે આ વાર્તાનું કથાવસ્તુ પણ ગુનાશોધનનું છે. વાર્તાનું પાત્ર કેસર ગુનાશોધક પાસે આવે છે. કારણ કે તેની બહેનનું જે મૃત્યુ થયું છે તે રહસ્યમય છે અને પોતાની જાતને પણ મૉતના મુખમાંથી બચાવવી છે. ગુનાશોધક એક એક ઝીણી વિગતો કેસર પાસેથી મેળવી લે છે. માતા-પિતાનું મૃત્યુ થતાં કેસર અને તેની બહેન કાકા પાસે રહે છે ને એકાએક પોતાની બહેનનું મૃત્યુ થાય છે. ગુનાશોધક અને વાર્તાકથક કેસરના ગામમાં આવી તેના ઓરડાની, બહેનના ઓરડાની અને કાકાના ઓરડાની તપાસ કરે છે. બારીકાઈથી તપાસ કરીને ગુનાશોધક છેવટે સાબિત કરે છે કે બહેનનું મૃત્યુ કાકાના પાળેલા સાપ વડે થયું છે. એ પણ કાકાની એક યુક્તિ જ હતી, છેવટે કાકા પોતાની જાળમાં ફસાઈ જાય છે ને પોતે સાપના ડંખનો ભોગ બને છે. ‘બુટ્ટાદાર બંધ’ વાર્તાનું કથાવસ્તુ સામાન્ય છે. વાર્તાનું શીર્ષક પણ ખૂંચે એવું છે. સાથેસાથે વાર્તામાં ભાષાનું તત્ત્વ અને કથનકળા પણ નબળી છે. ‘તારાનું અભિજ્ઞાન’ વાર્તા સામાન્ય કક્ષાની છે. આખી વાર્તા બોલકી બની જાય છે. વાર્તામાં જે રહસ્ય હોવું જોઈએ એ રહસ્ય છતું થઈ જાય છે. વાર્તાનો આરંભ રેલવે અકસ્માતથી થાય છે. આ અકસ્માતમાં પૂર્વેનાં પતિ-પત્ની હાલ ઘણા સમયથી છૂટાં પડી ગયાં છે, તેમનું મિલન અહીં થાય છે. વાર્તાનાયક જગજીવન અને નાયિકા તારાના મિલનમાં રેલવે અકસ્માત પાશ્ચાદ્‌ભૂ બને છે. અકસ્માતમાં નાયક ઘાયલ થાય છે. નાયિકા અને તેના પતિ હરિવિઠ્ઠલને કોઈ ભારે ઈજા થતી નથી. તેથી ઈજા પામેલાઓને મદદરૂપ થવા તારાનો પતિ હરિવિઠ્ઠલ નીકળી પડે છે. ત્યાં હરિવિઠ્ઠલ એક વ્યક્તિને બે ત્રણ વ્યક્તિઓની મદદ વડે મંઢલને મુકામે લઈ આવે છે. તે આવીને તારાને આ વ્યક્તિની સારવાર કરવાનું જણાવે છે. જ્યારે તારા ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર કરે છે ત્યારે તેને ઈજા પામેલ વ્યક્તિનું અભિજ્ઞાન થાય છે. તે થોડા સમય માટે flashbackમાં જાય છે. લગ્ન પછી બંને એક વીંટીને કારણે કેવી રીતે છૂટાં પડ્યાં તે વાગોળે છે. આ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ તારાનો પૂર્વેનો પતિ છે. એક ગેરસમજને કારણે બંને છૂટાં પડ્યાં હતાં. વાર્તામાં પત્રશૈલીનું આલેખન કરવામાં આવ્યું છે. આ પત્ર તારાને જે તે સમયે તેની જેઠાણીએ લખ્યો હતો. અહીં આ પત્ર વાર્તાનાયકના હાથમાં આવી જાય છે. વરસો પહેલાં વીંટીની જે ગૂંચવણ ઊભી થઈ હતી તેને કારણે બંને છૂટાં પડ્યાં હતાં. પત્ર વાંચીને એ ગેરસમજ દૂર થાય છે. આ રીતે પત્ર પ્રયુક્તિનું આલેખન કરી વાર્તાકાર નાયકની ગેરસમજ દૂર કરે છે. વાર્તાને અંતે જગજીવન હરિવિઠ્ઠલને પોતાની સાચી ઓળખ આપી, તારાને મુંબઈ લઈ જવાનું જણાવે છે. ત્યાં હરિવિઠ્ઠલ ઊંચે જોઈને ઉચ્ચારે છે : ‘પ્રભુ! તારી લીલા અગમ્ય છે!’ ને વાર્તાનો અંત આવે છે. વાર્તાનો અંત અસરકારક છે. વાર્તા અહીં પૂર્ણ થતી નથી, બલકે ભાવકના મનમાં શરૂ થાય છે. વાર્તામાં જે ઘટના ઘટી છે તે એક રાત અને બીજા દિવસ સવારની છે. એટલે વાર્તાની સમયસંકલના ચોવીસ કલાકની પણ નથી. રાતના અકસ્માતથી વાર્તાનો પ્રારંભ થાય છે અને બીજા દિવસે સવારે નાયક સાજો થાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાના સંવાદો પણ સામાન્ય છે. જેમ કે હરિવિઠ્ઠલ તારાને કહે છે : ‘આને મદદ કરવાની ફરજ આપણે માથે આવી છે તો તે ખુશીથી કબૂલ કરી લેવી એ આપણું કામ છે. અગાડી કેમ થશે એ ઈશ્વરના હાથમાં છે.’ વાર્તાકારે હરિવિઠ્ઠલના મુખે મૂકેલો આ સંવાદ પણ વાર્તાને બોલકી બનાવી દે છે. વાર્તામાં જે ગર્ભક્ષણ હોવી જોઈએ તે અહીં જોવા મળતી નથી. બલકે વાર્તામાં જે રહસ્ય છૂપું રહેવું જોઈએ તે પ્રગટ થઈ જાય છે. એટલે વાર્તાકાર રહસ્યને ટકાવી રાખવામાં નિષ્ફળ બને છે. ‘તારાનું અભિજ્ઞાન’ વાર્તામાં કેટલીક મર્યાદાઓ પણ નજરે ચઢે છે. જેમકે તારા વરસો પછી જગજીવને આપેલી પેટી સાચવી રાખે છે, જેઠાણીએ લખેલો પત્ર પણ હજી સુધી સાચવી રાખ્યો છે, પત્રમાં જે વિગતો હતી તે તારાએ જગજીવનને જણાવી કેમ નહીં? આપણે જોઈએ છીએ કે અભિજ્ઞાન મોટાભાગે કોઈ વીંટી, ચિત્ર કે અન્ય પદાર્થ દ્વારા થતું હોય છે. અહીં વાર્તામાં વીંટી આવે છે તો ખરી પણ એ પહેલાં જ નાયક અને નાયિકાને એકબીજાનું અભિજ્ઞાન થઈ જાય છે. ‘તૈયાર છે’ વાર્તાનું કથાવસ્તુ કાલ્પનિક અને હાસ્યપ્રધાન છે. આ વાર્તામાં બે પાત્રોનું આલેખન કરવામાં આવ્યું છે. એક વાર વાર્તાનાયક ટ્રેનની મુસાફરી કરી રહ્યા હોય છે. ત્યારે ટ્રેનમાં એક પાત્ર ‘તૈયાર છે!’ એમ બોલી રહ્યો હતો. એ સમયે વાર્તાનાયક એમને પૂછે છે શું ‘તૈયાર છે?’ ત્યારે બીજું પાત્ર જવાબ આપે છે કે નવી સૃષ્ટિ કેવી રીતે બનાવવી તેની ‘યોજના તૈયાર છે.’ આ વાર્તા સંવાદપ્રધાન છે ને બંને પાત્રોના સંવાદથી હાસ્ય નિષ્પન્ન કરવામાં લેખક સફળ થયા છે. ‘તૈયાર છે’ શીર્ષક સર્જકે ઉચિત રીતે આલેખ્યું છે સાથેસાથે કલ્પનાના જગતને પણ યોગ્ય રીતે ખીલવ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ગ્રંથમાં ‘ચિઠ્ઠી’નો સમાવેશ ટૂંકીવાર્તાના વિભાગમાં થયો છે. પરંતુ, ‘ચિઠ્ઠી’ એ હાસ્યનિબંધ છે. એમાં વાર્તાનાં લક્ષણો પ્રાપ્ત થતાં નથી, પરંતુ, એમાં હાસ્યરસના એક પ્રસંગનું આલેખન કરવામાં આવ્યું છે. રમણભાઈ નીલકંઠ પાસેથી જે વાર્તાઓ પ્રાપ્ત થાય છે તે મોટાભાગે રૂપાંતરણ કે અનુકરણ કરેલી છે. તેમની વાર્તાઓમાં આર્થર કોનન ડોઈલ અને શેરલોક હોમ્સની વાર્તાઓની છાપ પ્રાપ્ત થાય છે. પરંતુ, આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ લખવાની શરૂઆત થઈ એ પહેલાં રમણભાઈ પાસેથી આવી રૂપાંતરિત વાર્તાઓ પ્રાપ્ત થાય છે, એનું મૂલ્ય અદકું છે. વળી, તેમની રૂપાંતરિત વાર્તાઓની ખાસિયત એ છે કે તેઓ ભાવકને વાર્તાના અંત સુધી જકડી રાખવામાં સફળ થયા છે; તેમની રૂપાંતરિત વાર્તાઓનું રહસ્ય છતું થઈ જતું નથી, એ તેમની વાર્તાનો વિશેષ છે. રમણભાઈ નીલકંઠ પાસેથી જે વાર્તાઓ પ્રાપ્ત થાય છે; એ વાર્તાઓમાં ટૂંકીવાર્તાની સ્વરૂપગત લાક્ષણિક્તાઓ આપણને પ્રાપ્ત થતી નથી, એ રીતે જોતાં આ વાર્તાઓ સફળ નીવડે એવી નથી. પરંતુ, જે તે સમયમાં તેઓ ગુજરાતી ભાવકો સમક્ષ આ વાર્તાઓ મૂકી આપે છે, એને કારણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ વાર્તાઓનું વિશેષ મહત્ત્વ રહ્યું છે.

હેમંત પરમાર
ગુજરાતી વિભાગ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા.
મો. ૯૯૧૩૮૩૯૦૧૫