ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધનસુખલાલ મહેતા

From Ekatra Wiki
Revision as of 02:28, 12 December 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા (૧૮૯૦–૧૯૭૪)

જયેશ ભોગાયતા

Dhansukhlal Mehta.png

ધનસુખલાલ મહેતા એમની ‘બા’ વાર્તાને કારણે એક સફળ વાર્તાકાર તરીકે જાણીતા છે. એમની ‘બા’ વાર્તાના પ્રકાશન વર્ષની સાચી માહિતી કોઈ વિવેચકે આપી નથી. પરંતુ એ વાર્તાના પ્રકાશન વર્ષની માહિતી અમે અથાગ મહેનત પછી મેળવી લીધી ખરી! ‘બા’ વાર્તા ઓગસ્ટ, ૧૯૩૧માં ગુજરાત સામયિકમાં પ્રગટ થઈ હતી. ધનસુખલાલે મૌલિક, અનુવાદ, રૂપાંતર અને સંકલન એમ વિવિધ સ્વરૂપે વાર્તાલેખન કર્યું છે. એમના વાર્તાસંગ્રહોની સૂચિ નીચે આપી છે. એ જોતાં એ વાર્તાલેખનમાં મોટો ફાળો આપનાર સર્જક છે. પરંતુ ધૂમકેતુ પૂર્વેના અન્ય વાર્તાકારોની જેમ એઓ પણ હાંસિયામાં જ રહ્યા. ગુજરાતી ટૂંકી વાર્તાના વિવેચનમાં ધૂમકેતુ પૂર્વેના વાર્તાકારો વિશે નામોલ્લેખો કે એકાદ-બે વાર્તાના ઉલ્લેખો સિવાય નિકટવર્તી અભ્યાસ થયો નથી. તેથી મેં મારા પ્રથમ પ્રકરણમાં એ ઉપેક્ષિત વાર્તાકારોની વિસ્તારથી નોંધ કરી છે. ગ્રંથસ્થ વાર્તાઓની તુલનાએ, ધૂમકેતુ પૂર્વેની અગ્રંથસ્થ વાર્તાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક છે. જેની સૂચિ મેં આ પ્રકરણને અંતે આપી છે. ગુજરાતી ટૂંકી વાર્તા સર્જનનો આશરે એકસો પંદર વર્ષનો ગાળો ખૂબ મોટો ગણાય. પણ આપણા વિવેચકોએ તેના ઇતિહાસલેખનનું કાર્ય કરવાનું સાહસ કર્યું નથી. તેનાથી આપણે વાર્તાસાહિત્યની વિકાસરેખા રજૂ કરી શક્યા નથી. ધનસુખલાલના વાર્તાસંગ્રહોની સૂચિ :

૧. હું સરલા અને મિત્રમંડળ (૧૯૨૦)
૨. હાસ્યકથામંજરી ભાગ ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૪)
૩. હાસ્યવિહાર (૧૯૩૧)
૪. ભૂતના ભડકા (૧૯૩૨)
૫. વાર્તાવિહાર (૧૯૩૨)
૬. પહેલો ફાલ (૧૯૩૨) સંકલન
૭. સાસુજી (૧૯૩૪)
૮. છેલ્લો ફાલ (૧૯૪૦)
૯. સન્ધ્યાટાણે (૧૯૫૦)
૧૦. અમારો સંસાર (૧૯૫૧)
૧૧. ભૂતનાં પગલાં (૧૯૫૧)
૧૨. ડૉક્ટર જમાઈ (૧૯૫૧)
૧૩. રામનાં રખવાળાં (૧૯૫૪)
૧૪. શમતી સંધ્યા (૧૯૫૪) સંકલન
૧૫. ખોળો ભર્યો (૧૯૫૬) સંકલન
૧૬. ફૂરસદના ફટાકા (૧૯૫૭)

આપણે કનૈયાલાલ મુનશીના જીવન વિશે જેટલું જાણીએ છીએ એટલું ધનસુખલાલ વિશે જાણતા નથી. તેથી વાચકો માટે અહીં એમનો પરિચય ટૂંકમાં નોંધું છે. એમનું મૂળ વતન સુરત. એમની વાર્તાઓમાં સુરત શહેરની રોનક અને સુરતી પ્રજાની જીવનશૈલી એટલે જ વારંવાર જોવા મળે છે. જન્મ વઢવાણમાં. બાળપણમાં વાચનનો શોખ. માતાપિતાનું અવસાન. મોટાભાઈ જયસુખલાલે કાળજી લીધી. શારીરિક અકસ્માત થયો. નાકને બદલે મોંએથી શ્વાસ લેવો પડતો. ઇલેક્ટ્રિકલ એન્જિનીઅર. સુંદર પોષાકના શોખીન. કુટુંબમાં ચાર મરણ, તેમાં પત્ની સરલાનું પણ. ૧૯૪૨માં કોરોનરી થ્રોમ્બોસીસ નામનો હૃદયરોગ લાગુ પડ્યો. બીજી વારનાં પત્ની પુષ્પાવતી પુત્રના મરણના આઘાતથી ગાંડા થઈ ગયાં. ૧૯૪૨માં પુષ્પાવતીનું મરણ. એમને સંગીત, ચિત્રકલા, નાટ્યકળામાં રસ હતો. શારીરિક અને કૌટુમ્બિક યાતનાઓનો ભાર હોવા છતાં એઓ સ્વભાવે હસમુખા અને આનંદી હતા. જેનો પરિચય એમની વાર્તાઓના વિષયો અને કથનશૈલીમાં થાય છે. જીવન નવાબી ઠાઠનું હતું. કલારસિકતા, સુઘડતા, સુવ્યવસ્થા, સુકુમારતા, સુન્દરતા એમનાં ગુણો હતાં. ‘અમે બધાં’ (પ્ર. આ. ૧૯૩૫) એ જ્યોતીન્દ્ર દવે સાથે લખેલી સુરતના જનજીવનને ઉપસાવતી નોંધપાત્ર હાસ્યપ્રધાન નવલકથા છે. એમના પહેલો ફાલ (પ્ર. આ. ૧૯૩૨) સંગ્રહમાં વિદેશી વાર્તાકારોની કૃતિઓના રૂપાંતરો છે. તેમાં એક માત્ર મૌલિક વાર્તા ‘સ્નેહવદનનો સ્નેહભાવ’ છે. બાલ્ઝાક, ગાલ્સવર્ધી, એડગર એલન પો, ગોતિએ, ફ્લેચર અને લ ગેલિયન જેવા વિદેશી વાર્તાકારોની કૃતિઓ છે. રામપ્રસાદ બક્ષીએ ‘સન્ધ્યાટાણે (પ્ર. આ. ૧૯૫૦) શીર્ષકથી લેખકનાં જુદાં જુદાં વાર્તાસંગ્રહોમાંથી ચૂંટેલી ઓગણીસ વાર્તાઓ પુરોવચન અને રસદર્શન સાથે પ્રકાશિત કરી છે. ધનસુખલાલે ‘પ્રતિબિમ્બ અને છાયા’ વાર્તા ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરી હતી. પરંતુ વાર્તાસંપાદકો કે વાર્તાવિવેચકોએ ધનસુખલાલની વાર્તાકાર તરીકેની નોંધ લીધી નથી. રામચન્દ્ર શુક્લએ એમના ‘નવલિકા સંગ્રહ’ ૧, ૨ (પ્ર. આ. ૧૯૨૮, ૧૯૩૧) સંપાદનોમાં ધનસુખલાલની પાંચ વાર્તાઓ પસંદ કરી હતી. આ પાંચેય વાર્તાઓ કલાદૃષ્ટિએ આસ્વાદ્ય છે. ધનસુખલાલે એમની વાર્તાઓમાં ગુજરાતના મધ્યમવર્ગીય કુટુંબજીવનનું અનેક દૃષ્ટિબિંદુઓથી નિરૂપણ કર્યું છે. જમાનો બદલાયો છે. પશ્ચિમની જીવનશૈલીનો પ્રભાવ પડ્યો છે. તેથી પ્રજાજીવનમાં પશ્ચિમની જીવનશૈલીનું અનુકરણ ખૂબ મોટા પ્રમાણમાં છે. જૂની રૂઢિની જીવનશૈલી, જીવનભાવનાનો અંત આવતો એમણે વાંચ્યો હતો. સંયુક્ત કુટુંબપ્રથા તૂટતી જોઈ છે. શિક્ષિત વર્ગમાં સ્વતંત્રતા અને વ્યક્તિમત્તાનું વલણ વધતું જાય છે તેના નિર્દેશો એમની વાર્તાઓમાં નિરૂપાયાં છે. લગ્નપ્રસંગોમાં થતા દેખાવો અને ધૂમ ખર્ચાઓની એમણે સખત ટીકા કરી છે. એ ભભકા પાછળ રહેલી રુગ્ણ માનસિકતાનું એમણે ચિત્ર રજૂ કર્યું છે. સ્ત્રીપુરુષના સંબંધોમાં દેહાકર્ષણનું વાસ્તવવાદી નિરૂપણ એમની વાર્તાઓમાં જોવા મળે છે. સંવનનસંસ્કારની સુંદર ક્ષણોનું નિરૂપણ હૃદયભાવો સૂચવે છે. ‘સાન્ધ્યગીત’, ‘બા’, ‘પુત્રને વળાવ્યો’ વાર્તાઓમાં મા-બાપની આનંદદશા તેમજ એકલતાનું આલેખન છે. અંગત સુખ માટે સ્વાર્થી બનતા જતા પુત્રોના વર્તનથી વ્યથિત મા-બાપની વેદનાનું નિરૂપણ છે. ‘ભૂતના ભડકા’ અને ‘બીજવર’ વાર્તામાં પ્રણયજીવનની ઉદાત્ત ભાવનાનું સંવેદનશીલ નિરૂપણ છે. સંવેદનશીલ પુરુષપાત્રોની ઋજુતાનું કાવ્યાત્મક આલેખન છે. ‘નારીની નિખાલસતા’ વાર્તામાં એકોક્તિનો પ્રયોગ છે. વાર્તાકારને કુટુમ્બજીવનનો નિકટવર્તી અનુભવ છે. વડીલો, સગાંવહાલાંની માનસિકતાની ઓળખ છે. માણસના દંભ, કૃત્રિમ ભાવાવેગ અને આપવડાઈની એમણે સખત ટીકા કરી છે. પરંતુ ધનસુખલાલનું જીવનદર્શન એકાંગી નથી. જીવનની બધી બાજુઓને ધીરજથી અનુભવવા જેટલી એમનામાં ઉદારતા છે. તેથી વડીલોની આપવડાઈ અને જુઠાણાં વર્ણવે છે, તેમ હિસાબ ન રાખનારા ઉમદા વડીલો પણ છે. એમને લાગ્યું હતું કે વિશાળ ગુજરાત વડીલ વિહોણું થતું જાય છે. વાર્તાકારનું આ સંવેદન આજે કેટલું સાચું પડ્યું છે! વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા સમાજજીવનનું કરુણ ચિત્ર છે આજે! ધનસુખલાલની કેટલીક વાર્તાઓની વિગતે ચર્ચા કરી છે. ભૂતના ભડકા : ‘ભૂતના ભડકા’ વાર્તામાં ભૂતકાળની ઘટનાનો દાહક અનુભવ છે. ભૂતકાળની દાહક સ્મૃતિઓનું નિરૂપણ છે. પણ એ દાહકતાને નિરૂપવા માટે વાર્તાકથકનો સૂર ઊર્મિલ નથી પણ સંતુલિત છે. જગમોહન (ઉર્ફે કિશોર) અને પ્રકાશિકાની પ્રણયકથાનો કરુણ અંત પ્રકાશિકાના પિતાના ક્રૂર વર્તનને કારણે છે. એક દિવસ પ્રકાશિકાના ઘરમાં આગ લાગી. પ્રકાશિકાને બચાવવા જગમોહન આગમાં કૂદી પડે છે. પ્રકાશિકાના પિતા જગમોહનને સોનાની ઘડિયાળ ભેટ આપે છે, તેમાં એક વાક્ય હતું : ‘મારા પ્રાણ બચાવવા જે ભાઈએ પોતાનો પ્રાણ જોખમમાં નાખ્યો તે ભાઈ કિશોરને.’ આ વાક્ય વાંચીને જગમોહનનો હૃદયભંગ થાય છે. ને એ આઘાત, એ દાહકતા તે ક્યારેય ભૂલતા જ નથી. એ આગ કાયમ બાળતી રહે છે. પ્રેમનાં પ્રાયશ્ચિત : આ વાર્તામાં પાત્ર મધુસૂદનની પોતાની વાગ્દત્તાને મળવાની તીવ્ર ઇચ્છા અનેક પ્રયત્નો કરવા છતાં કેવી નિષ્ફળતામાં પરિણમે છે તેનું રંગદર્શી વર્ણન છે. વાગ્દત્તાને મળવા માટે મુંબઈથી સુરત આવેલા મધુસૂદનની સંક્ષુબ્ધ દશાનું વર્ણન માનવમનની સંકુલ ગતિ સૂચવે છે. વાર્તાકારની માનવમનની સંકુલ ગતિને પારખવાની શક્તિ પણ અહીં જોવા મળી છે. રૂઢિચુસ્ત પરિવારજનો મધુસૂદનના હૃદયભાવને સમજી શકતા નથી. તેથી વાર્તાના અંતે આશાભર્યો આવેલો મધુસૂદન નિરાશ હૈયે સુરત છોડી દે છે. એ ક્ષણનું રૂપ મધુસૂદનની સંવેદનશીલતા સૂચવે છે : ‘મધુસૂદન ટાંગામાં બેઠો. ટાંગો ખડખડ ભડભડ કરતો સુરતની નાની, સાંકડી શેરીઓમાં થઈને સ્ટેશન ભણી જવા લાગ્યો.’ ધનસુખલાલ પાત્રની મનઃસ્થિતિનું સૂચક નિરૂપણ કરે છે ત્યારે પાત્રની એકલતા વ્યંજિત થાય છે. સાન્ધ્યગીત : આ વાર્તા ગુજરાતી કુટુંબજીવનનું ચિત્ર છે. દીવાન બહાદુર યશવંતરાય અને તેમના પત્ની ગંગાગૌરીનાં પ્રસન્ન દામ્પત્પજીવનનું ચિત્ર છે. ઘરનું વાતાવરણ અતિશય ધમાલિયું છે. પુત્ર-પુત્રવધૂઓ અને છોકરાં લગ્નમાં જવાની તૈયારી કરે છે. દાદીમા પાસે છોકરાં લાડ કરતાં હતાં. ઠઠ્ઠા, મશ્કરી, રીસ, હળવો રોષ ઘરનું વાતાવરણ જીવંત બનાવે છે. બધાં ગયાં પછી દંપતી જમ્યાં. પાન સોપારીનો ડૂચો મારીને યશવંતરાય ખંડમાં આરામખુરશીમાં તબિયતથી પડ્યા છે. યશવંતરાય પત્નીને કહે છે : ‘બધાં ગયાં એથી પર કેવું સૂનું સૂનું લાગે છે!’ યશવંતરાયનું ઘર મોટું ગણાતું. ત્રણ પુત્રો, બે પુત્રીઓ, પૌત્ર, પૌત્રીઓ, જમાઈ, સગાંવહાલાં. પોતે નિવૃત્ત અધિકારી, તેનું સ્વાસ્થ્ય ઉત્તમ. પતિપત્ની શાંત, મીઠા સ્વભાવના. શાંતિ અને મીઠાશના સરોવર જેવાં! બધાં લગ્નમાં ગયાં તેથી સરજાયેલા એકાંતમાં પતિપત્ની પોતાના ગતકાલીન જીવનને તાજું કરે છે. વાર્તાકારે લાઘવ દ્વારા બંનેની મનોદશાને સૂચિત કરી છે : ‘બહાર નીરવ શાન્તિ ખંડમાં થડિયાળના ટકટકનો નિયમિત અવાજ. દૂર દૂર વાજાંના સંગીતના સૂરથી વાતાવરણમાં પ્રેમની કોમળ સુરખીઓ.’ લગ્નજીવનનો પહેલો દિવસ યાદ કરે છે. છોકરાં થયાં ને છોકરાંને ઘેર છોકરાં થયાં એટલે આપણે બદલાઈ ગયાં? ભૂતકાળના સુખદ પ્રસંગોની યાદ તાજી કરે છે. બંનેના હૃદય પર જાણે યુવાનીના કાળના ભાવોનું આક્રમણ શરૂ થાય છે. બારના ટકોરા પડે છે. પત્ની પૂછે છે. દીવો (લાઈટ) હોલવું?’ યશવંતરાય ઊભા થયા સ્વીચ પાસે થયા, સ્વીચ પાસે ગયા ને બંનેના હાથ એકસાથે સ્વીચ પર ગયા! સ્મરણોના બળે વિવશ દંપતી ફરી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે. હૃદયમાં પ્રગટી ઊઠેલા ભાવોને શાંત પાડવા માટે મથે છે. પ્રસન્ન દામ્પત્યજીવનનું ચિત્ર ઊર્મિકાવ્ય સ્વરૂપનું છે. બા : ‘સાન્ધ્યગીત’ વાર્તાની વિષયસામગ્રીથી સાવ જુદી જ સામગ્રી ‘બા’ વાર્તાની છે. બંનેનું ભાવવિશ્વ એકબીજાથી તદ્દન નોખું છે. ‘સાન્ધ્યગીત’ વાર્તા પ્રસન્ન દામ્પત્યજીવનની મધુરતાને સૂચવે છે. તો ‘બા’ વાર્તા માના હૃદયની એકલતાને સૂચવે છે. બાના દીકરાઓ એક પછી એક ઘર છોડીને જતા રહે છે ત્યારે એકલતામાં ઝૂરતી બા બદલાતા જતા કુટુમ્બજીવનનું કરુણ ચિત્ર બની જાય છે. ‘બા’ વાર્તાનો પ્રારંભ નાટ્યાત્મક રીતે થાય છે. બાનો સૌથી નાનો દીકરો વિનાયક. તેની પત્ની ઊર્મિલા અહીં રહેવા આવવાની છે, એ સમાચારથી બા પ્રસન્ન છે. બાને ત્રણ દીકરા, ધીરજલાલ, રમણલાલ અને વિનાયક. બાએ એકલે હાથે ત્રણેયને ઉછેર્યા. ધીરજલાલ ગ્રેજ્યુએટ થયો અને તરત જ મુંબઈમાં રેલ્વેની ઑફિસમાં નોકરી મળી ગઈ. સુરતનું ઘર ઉઠાવી બધાં મુંબઈ સાથે રહીએ તેવી લાગણી બાને હતી. પણ ધીરજલાલ અને રતનવહુએ બાની વાત ટાળી દીધી. પતિપત્નીને વધુ સારી જિંદગીનો મોહ હતો. સ્વતંત્ર રહેવાનો મોહ હતો. તેથી બંને મુંબઈ ગયાં પણ બાને ન બોલાવ્યા. બીજા પુત્ર રમણિકલાલનું લગ્ન થયું. તેની પત્ની કમલા. બા બંનેને ખૂબ રીઝવતા. રમણલાલની બદલી અમદાવાદ થઈ. બંને અમદાવાદ ઉપડી ગયાં. બા અને નાનો દીકરો વિનાયક એકલાં પડી ગયાં. ‘ઘર ખાવા ધાવા લાગ્યું.’ વિનાયક વકીલ થયો. મુનસફ થયો. એના લગ્ન ઊર્મિલા સાથે થયા. ઊર્મિલા આજે આવવાની છે, એ નાટ્યાત્મક ક્ષણે થતો વાર્તાનો આરંભ સૂચક છે. ઊર્મિલા પણ જાણે બીજા બે દીકરાને દૂર લઈ જતી પુત્રવધૂ બનવાની છે, એનો અણસાર એમાં છે. ને સાચે જ વિનાયક બોલે છે : ‘બા, કાલથી અમે લાઈન્સમાં રહેવા જવાનાં છીએ. માઠું ન લગાડશો પણ – પણ નોકરી પ્રમાણે મોભાસર રહેવું જોઈએ. તમારે દેવદર્શન અને એવું બધું જોઈએ એટલે ત્યાં નહીં ફાવે, અને ગાડી તો છે જ ને, જ્યારે આવવાની મરજી થાય ત્યારે રવિયા સાથે કહાવી મોકલજોને, અને એ ‘આઘુંય ક્યાં છે!’ બાના હૃદયમાં પડેલો વિનાયકના શબ્દોનો પડ્યો વાર્તાકારે વર્ણવ્યો છેઃ ‘ઉપલા ઓરડાનાં બારણાં બંધ થવાનો અવાજ સૂના ઘરમાં ગાજી ઊઠ્યો.’ બાએ ઊર્મિલાને આપવા માટે હોંશે હોંશે બરફી મંગાવેલી. એની ટોપલી, એને બાંધેલ દોરો અને પાતરાં બાના હાથમાં હતાં તે એમ ને એમ જ રહી ગયાં! શરીરમાં તેમ જ ઘરમાં મૃત્યુ સમી શાંતિ પ્રસરી રહી. ‘વૃદ્ધ ડોશીના પગ ધ્રૂજ્યા. હાથમાંની બરફીની ટોપલીનો દોરો અને પાતરાં જમીન ઉપર પડ્યાં, બા પણ ત્યાં જ ફસડાઈ પડી.’ વાર્તાકારે બા માટે પ્રયોજેલ ‘ડોશી’ શબ્દ યોગ્ય નથી. ડોશી શબ્દથી વાર્તાકથકનું પાત્ર સાથેનું અચાનક આવી જતાં અંતર યોગ્ય નથી જણાતું. બાના દીકરાઓ એક પછી એક જતા રહ્યા. પુત્રવધૂઓનો સાસુ તરફનો પૂર્વગ્રહ, સ્વતંત્ર રહેવાની ઇચ્છા, દુરાગ્રહી પત્નીઓ આગળ ભીરુ બની જતા દીકરાઓ : આ બધાને કારણે બા પુત્રવધૂઓ સાથે હૃદયનો સંબંધ બાંધવામાં નિષ્ફળ જાય છે. સાસુનું વગોવાયેલું પદ લાગણીશીલતાને વિકસવા નથી દેતું. બાની લાગણીને નિરપેક્ષભાવે પામી શકવાની ક્ષમતા દીકરાઓ અને પુત્રવધૂઓમાં નથી. તેથી સંયુક્ત કુટુંબની પરંપરા તૂટતી રહી છે. વાર્તાકારે બાની વેદનાનું નિરૂપણ કરવાની સાથે સાથે આપણી કૌટુંબિક સંરચનાની સંકુલતા પણ બતાવી છે. ધનસુખલાલની વાર્તાઓમાં વર્તમાનકાળની ક્ષણો સાથે ભૂતકાળની ક્ષણોનું સંનિધિકરણ અને પાત્રના મનની ભાવસબલ ક્ષણોનું ઊર્મિસભર નિરૂપણ તેની મહત્ત્વની લેખનપદ્ધતિ બની છે. ‘છબી પડી’ આ પદ્ધતિની સફળ વાર્તા છે. પાત્રચિત્ત પરથી જ્યારે બુદ્ધિનું નિયંત્રણ દૂર કરનારી ભાવસભર ક્ષણોનું આક્રમણ વધી જાય છે ત્યારે લાગણીવશ બની જતાં પાત્રોની ચિત્તસ્થિતિનું નિરૂપણ મનોવાસ્તવને વર્ણવે છે. હૃદયમાં જાગતા આવેગોની ક્ષણે અજ્ઞાત ચિત્તમાં ઊંડે ઊંડે પડેલા નૈતિક સંસ્કારો જાતરક્ષણનું કાર્ય કેટલી સહજતાથી કરે છે, તેનું દર્શન આ વાર્તામાં છે. વાર્તાકાર પાત્રના હૃદયમાં ભાવો જગાડતા ઉદ્દીપકોને કાર્યક્ષમ રીતે યોજે છે. ચંદ્રનો પ્રકાશ, અત્તરથી સુગંધિત રૂમાલ, ગરબાની ધૂન, સંગીત અને નૃત્યના તાલ વગેરે ઉદ્દીપકો પાત્રચિત્તમાં પડેલી સુષુપ્ત લાગણીઓને, ભૂતકાળની ઘટનાઓને જગાડીને તે કાળના અનુભવજગતમાં ગતિ કરાવે છે. વાર્તાકારે ધનંજય અને વનવેલીના સંચારી ભાવોનું સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. સંભોગશૃંગારની તરલ ક્ષણોનું કાવ્યાત્મક વર્ણન છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com