ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઇન્દુલાલ યાજ્ઞિક

From Ekatra Wiki
Revision as of 03:47, 12 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (૧૮૯૨–૧૯૭૨)

જયેશ ભોગાયતા

Indulal Yagnik.png

ઇન્દુલાલ યાજ્ઞિકનો વાર્તાસંગ્રહ ‘કુમારનાં સ્ત્રીરત્નો’ ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત થયો હતો. સંગ્રહમાં એમણે પોતાના વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. એ સ્વભાવે ધૂની છે. એમને વ્યવહારકુશળ બનવું નથી ગમતું. તેમ પરમાર્થની પ્રવૃત્તિ પણ વસમી લાગે છે. છતાં દૂરથી બધું જોવા જાણવાનો શોખ છે, તેથી દૂર દૂર ફાવે તેમ રખડે છે, ઘણા લોકોને મળે છે અને ઘણી ઘણી વાતો કરે છે. પાછા એવા ને એવા કોરાકટ થઈને વકીલાત કરવા બેસે છે. ધંધામાં અલગારીપણું, મગજના તરંગ એક સ્થાને એક વિષયમાં સ્થિર રહેવું ન ગમે. રંગાયા વિના બધા સ્નેહરંગ જોવાનો એમને મોહ છે. લેખક પોતાને કુમાર તરીકે ઓળખાવે છે. કુમાર લેખક નથી તેથી પ્રથમ પ્રયાસમાં ભાવ કે લેખનકલાની ખામી જણાય તો તેને દરગુજર કરવા વિનંતી. ઇન્દુલાલ પોતાનો વાર્તાસર્જનનો હેતુ સ્પષ્ટ કરે છે. ‘અનુભવમાલા’ શીર્ષકથી તેની સ્પષ્ટતા કરે છે. ગુજરાતી સન્નારીઓએ એમને પોતાના દર્શનથી અને સંસ્કારોથી સન્માનિત કર્યા હતા. એમના અપાર આભારની કંઈક પિછાન મને કરાવવા માટે જ, આ લેખમાળા લખી હતી. ગુજરાતની પવિત્ર ગૃહકુંજોમાં વિલસતા કંઈક સંસ્કારો અને કલાઓના આ વિવરણને આપણી ગુણિયલ પ્રજા પણ સરલ ભાવથી સત્કારશે એવી આશા. કેળક પોતાને ‘અજાણ’ અને ‘અ-સાક્ષર’ ગણાવે છે. રામચન્દ્ર શુક્લએ ‘નવલિકા સંગ્રહ’ પુસ્તક બીજું (બી. આ. ૨૦૧૧)માં ઇન્દુલાલ યાજ્ઞિકનું રેખાચિત્ર સુંદર રીતે આલેખ્યું છે. ગત્યનું છે. પ્રસ્તુત સંગ્રહમાં છ વાર્તાઓ છે : ૧. કુસુમના કૌમારભાવ, ૨. મધુરીનું બલિદાન, ૩. કુમારીઓનું કૌમારવ્રત, ૪. સરસ્વતીનું સમર્પણ, ૫. વિમળાની વિશુદ્ધિ, ૬. શાન્તિસુન્દરીની સાધના દરેક વાર્તાનું કેન્દ્રીય પાત્ર સ્ત્રી છે. અનુક્રમે કુસુમ, મધુરી, કમલિની અને સરિતા, સરસ્વતી, વિમળા, શાન્તિસુંદરી. વાર્તાકથક કુમાર છે. કુમારની ચેતનાથી જોવાયેલાં સ્ત્રીપાત્રો સ્ત્રીહૃદયની સંકુલ સંવેદનશીલતા દર્શાવે છે. કુમાર પોતે પણ હજુ અપરિપક્વ છે. સ્ત્રી વિશે એમને ખાસ અનુભવો નથી થયા. તેથી પૂર્વગ્રહો પણ છે. પરંતુ કુમાર જેમ જેમ વિભિન્ન સ્ત્રીપાત્રોનો નિકટતાથી પરિચય કેળવતો જાય છે એમ એમ એના પૂર્વગ્રહોનું નિરસન થતું જાય છે. સ્ત્રીહૃદયની ભાવકતાનો અને જીવનરસનો એ જેમ જેમ અનુભવ કરતો જાય છે તેમ તેમ સ્ત્રીરત્નો કેટલાં મૂલ્યવાન છે તેનો પરિચય આપતો જાય છે. કુમાર મુગ્ધ છે, નિર્દોષ છે, વ્યવહારનિરપેક્ષ છે. રામનારાયણ પાઠકે ‘કુમારનાં સ્ત્રીરત્નો’ પુસ્તકની સમીક્ષા કરી છે. પુસ્તક પ્રકાશિત થયાના વર્ષમાં જ (પ્ર. આ. ૧૯૨૬) સમીક્ષા કરી છે. રામનારાયણ પાઠક ઉમળકાભેર આ સંગ્રહને આવકારે છે. સંગ્રહની પ્રત્યેક વાર્તાની માર્મિક સમીક્ષા કરે છે. સંગ્રહ વિશેનું સમગ્રદર્શી મૂલ્યાંકન પણ છેઃ ‘આ પુસ્તક વાંચનારને એક અનુભવ થયા વિના નહિ રહે. તે આ પુસ્તકોનો રસ, તેનો પ્રવાહ, તેનું તેજ અને તેનો વેગ. અમે ઉપર કહી ગયા તેમ આ રસ કલાત્મક રૂપમાં નથી આવતો પણ કુમારના અનુભવના વસ્તુમાંથી જ આવે છે. તેમનો અનુભવ જ અતિ રસિક, વેગવાન અને આકર્ષક છે. અને વસ્તુને અનુકૂલ વેગવાન બલવાન ભાષા તેમને સહજ સિદ્ધ છે. તેથી વસ્તુ જ આપોઆપ આપણને રસપ્રવાહમાં ખેંચી જાય છે. સર્વ વાર્તાના રસનું બીજું કારણ એ છે કે કુમારનો અનુભવ સમાજના મુખ્ય પ્રશ્નો ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. આ યુગમાં સ્ત્રીને સમાજમાં નવું સ્થાન મળશે એ નિઃસંદેહ છે અને કુમારની બધી વાર્તામાં જુદી જુદી દિશાએથી આ પ્રશ્ન પર પ્રકાશ પાડે છે. સર્વ વાર્તાનાં પાત્રો સમાજનાં ભણેલગણેલ અને સામાન્યથી વધારે સારી સ્થિતિના છે. અલબત્ત કુમાર પોતે પૈસાદાર કુટુંબના છે અને વકીલ છે એટલે પોતાની સમાન સ્થિતિના પાત્રો સાથે જ એ સમાગમમાં આવે એ સ્વાભાવિક છે. પણ તેથી એમને નીચેના વર્ગો તરફ અભાવ છે કે સમભાવ નથી કે તેમનો અનુભવ નથી એમ નથી. એમને ગામડે ફરવાનો તો શોખ છે. પણ વાર્તાનાં પાત્રો આવાં હોવાનું ખરું કારણ એ છે કે કુમારને સમાજના નવા વિચારો રજૂ કરવા છે અને એ નવા વિચારો હાલ સમાજના જે ભાગમાં હોય તેમાંથી જ એમણે પાત્રો લેવાં પડે. બાકી નહિતર ‘સરસ્વતીના સ્વાર્પણ’માં જે થોડું ઘણું ગામડાનું દૃશ્ય આવે છે તે ઉપરથી સમજાય છે કે ગામડા તરફ પણ તેમને આવો જ સદ્‌ભાવ છે. અમે ઉપર અનેક જગ્યાએ કુમારના અનુભવને વાર્તાનું વસ્તુ કહ્યું છે ત્યાં અમારો અભિપ્રાય એવો નથી કે કુમારના આ ખરેખરા અનુભવ જ હોવા જોઈએ. કુમારે વાર્તાનું વસ્તુ પોતાના અંગત અનુભવના રૂપમાં મૂક્યું છે એટલું જ વક્તવ્ય છે. અને એ બાબત સરસ્વતીનું સમર્પણમાં સ્પષ્ટ દેખાય છે. સરસ્વતી જેવી શુદ્ધ પ્રેમાળ સાત્ત્વિક વિધવા અને કોકિલ જેવો સાહસિક યુવાન ભાઈ ગામડામાં જઈ કામ કરે, જીવને જોખમે એક બાજુ બહારવટિયા અને બીજી બાજુ સરકારી અમલદારોની સામે ગ્રામસુધારણા ગ્રામરક્ષણનું કામ કરે, એ દિવસો તો હજી ગુજરાતે જોવાના છે. આ તો કુમારનું મનોરાજ્ય છે. પણ તે તેમણે કલ્પનાથી સંપૂર્ણ પ્રત્યક્ષ કરી અહીં અનુભવ રૂપે મૂક્યું જણાય છે. એ ગુજરાતનો ખરો અનુભવ બને એ તો આપણે ઈશ્વર પાસે માગવાનું છે.’ (‘સાહિત્યવિમર્શ’, પ્ર. આ. ૧૯૩૯, પૃ. ૨૫૬થી ૨૬૦) હું સંગ્રહની પ્રત્યેક વાર્તા વિશે અહીં નોંધ કરું છું. સંગ્રહની પ્રથમ વાર્તા ‘કુસુમના કૌમારભાવ’ છે. વાર્તાકથક કુમાર નિખાલસ સ્વરે પોતાના સાંકડા અનુભવજગતનો સ્વીકાર કરે છે : ‘મારા ઘરમાં સ્ત્રીવર્ગમાં બે જ માણસ. એક મારાં માતુશ્રી-અને બીજાં બુઢાં માજી.’ સ્ત્રીહીન સંસારમાં બ્રહ્મચારીની માફક રહેવાની ટેવ. પોતાનું કામ જાતે કરતો. સ્ત્રી વિશે કુમારના ખ્યાલો-સ્ત્રી દેવી કાં દાસી. પુરુષ માટે પક્ષપાતી કે કટ્ટા વિરોધી. બુદ્ધિદીપને બુઝાવનાર. છોકરીઓ ચાર-પાંચ ચોપડી ભણે, પરણે, છોકરાંને બગાડવાનાં, નાતજાતની કચકચ કરવાનો પરવાનો, આળસ, એશ-આરામ. પરંતુ કુમારનો સ્ત્રી વિશેનો પૂર્વગ્રહ એક નિર્દોષ બાળાના અનુભવથી ઓગળી ગયો ને સાત્ત્વિક ભાવનો ઉદય થયો! કુમાર મેટ્રિકની પરીક્ષા આપવા શ્રીનગર જાય છે. કુમારની નજર કુસુમ પર પડે છે. કુસુમ શિરીષની બહેન છે. કુસુમનો દેખાવ મોહક હતો. વિશાળ ચંચળ નયન. નિર્દોષ લાવણ્ય. પાતળી ઊંચી, મુખમુદ્રા મીઠી, નિર્દોષ, શ્યામલ વિશાળ નયનોમાંથી તેજના અંબાર ફૂટતા. લલાટ ભવ્ય ઊંચું, સ્વભાવ મશ્કરો, રમતિયાળ, ગુજરાતી છ ચોપડી પૂરી કરી હતી. વિવાહ થઈ ગયો છે. લગ્ન પછી શાળાને છેલ્લી સલામ. બુદ્ધિ ચંચળ, નવું નવું જાણવાનો શોખ. ગપાટા સાંભળવામાં રસ નહીં. ઘરમાં એનું જ ચાલતું. ભાઈઓ પાસેથી અંગ્રેજી શીખતી, છાપાં પણ જોતી. અંગ્રેજી છાપાં વાંચવાની-છેવટે તાર તો વાંચવાની પૂરી ઉમેદ રાખતી. શ્લોકો અને ગીતો ગાતી. વાળ છુટ્ટા મૂકી મોટા હીંચકા ખાતી. નાનાં બાળકોને સમાનભાવથી રમાડતી-ગંદાં હોય તેમને સાફ કરતી. સ્વતંત્ર સ્વભાવની ચકોર છોકરીને પોતાના મા-બાપે પસંદ કરેલા પતિ સાથે આટલી નાની ઉંમરે પરણીને ઘરમાં પૂરાવાનું કેમ ગમે? આવો સવાલ કુમારને કુસુમને જોતાં થાય છે. કુમાર તેને આગળ ભણવાનો આગ્રહ કરે છે. ત્યારે કુસુમ જવાબ આપે છે : ‘કુંવારી રહે તે ભણે. પણ પરણે તે તો પડે જ.’ કુસુમના શબ્દોમાં સ્ત્રીજીવનની નિયતિનું વાસ્તવિક રૂપ છે. કુસુમને પરણવા સામે ખાસ કોઈ વાંધો નથી. છતાં પોતે શું કરી શકે? એ પ્રશ્ન તો છે જ. કારણ કે, એને પોતાની જિંદગી વિશે નિર્ણયો લેવાની સ્વતંત્રતા નથી. નાતાલની રજાઓમાં કુસુમના પતિ રસિકલાલ આવ્યા. રસિકલાલને કુમારે તો કુસુમ જેવી કોમળ બાલિકાના એક ‘ઘાતકી જેલર’ તરીકે જ કલ્પેલા. પણ કુમાર પોતાની આંખે નહીં પણ કુસુમની આંખે એને ધારી ધારીને જોવા લાગ્યો. બુદ્ધિની ચમક ન હતી. વ્યવહારુ બુદ્ધિના હતા. શાંત સરોવરમાં અવનવી કલ્પનાના તરંગો ઉછળતા ન હતા. પાણી મીઠાં અને ઠંડાં છતાં વાસી અને બંધિયાર, કોઈ સાધારણ છોકરીને તો તે જરૂર સંતોષે પણ કુસુમ જેવી રસીઅણની તરસ આનાથી કેમ છીપશે? કુમાર કુસુમના ભાવિજીવનનું એક ચિત્ર સહાનુભૂતિના કેન્દ્રથી રજૂ કરે છે : ‘આ બિચારી બાલા પોતાના સર્વસ્વનો સંકુચિત સ્નેહની વેદિ પર અજાણ્યે ભોગ આપશે, પરણીને થોડા વખતમાં ઘરરખુ ગૃહિણી થઈ જશે ને કોમલ કુસુમ ચીમળાઈ જશે! બધાંની સામે થઈ નવો માર્ગ લેવાની હિંમત આવી કુમારિકામાં ક્યાંથી હોય? પણ કંઈ ચેતવણી યે ન અપાય?’ એવો વિચાર કુમારને ઘેરે છે. કુમારના હૃદયમાં કુસુમનું જીવન સુંદર બને તેની ઉત્કટ ભાવના છે. વાર્તાની શરૂઆતમાં સ્ત્રી વિશે પૂર્વગ્રહ ધરાવતો કુમાર કુસુમની સમૃદ્ધ સ્ત્રીચેતનાના સ્પર્શથી આંતરિક પરિવર્તન અનુભવે છે. એ સ્વરૂપાંતરની પ્રક્રિયામાં કુસુમના સજીવ વ્યક્તિત્વનો પ્રભાવ છે. આ કુસુમ રસિકલાલને પરણે છે એ કુસુમના જીવનની કેટલી મોટી વિડંબના છે? કેવો કરુણ છે? આવાં મનોમંથનો કુમાર અનુભવે છે. આ સમયમાં કમલે મિજબાની ગોઠવી. શહેરથી દૂર જ્યાં મહાદેવનું મંદિર, તળાવ અને ધર્મશાળા હતાં. કુમારને આશ્વાસન મળ્યું કે કુસુમ સાથે કંઈ વાત થશે. કુમાર એકાંત મેળવવા ટેકરીની ટોચે જવાનો વિચાર કરે છે. કુસુમ પણ એની પાછળ પાછળ આવી. ટોચ પર એક સરસ ઝાડ હતું. તેની છાયા નીચે બેઠાં. રમણીય તળાવમાં સાંજનો સૂર્ય વિલસતો હતો. ટેકરીની ટોચ પર કુમાર-કુસુમનું મિલન સૂચક છે. ટોચ પર થતો બંને વચ્ચેનો સંવાદ મુક્તિઝંખનાને સૂચવે છે. ‘પંખીઓ કેટલાં સુખી કે ઊંચે ઊડીને સૃષ્ટિને નિરખી શકે? અજ્ઞાનમાં ડૂબેલી દુનિયાને જ્ઞાનના શિખર પરથી ધીર વિદ્વાનો નિરખે છે.’ કુમારના આ વિચાર સાંભળીને કુસુમ તેનો પ્રતિવાદ કરે છે. ‘એટલે અમારા જેવી અભણ સ્ત્રીઓ પર તમારા જેવા ભણેલાઓ દયાથી આવી નજર નાખવાના કેમ?’ કુસુમની સ્વમાનભાવના વ્યક્ત થાય છે. ‘મને પણ કોઈ કોઈ વાર તો એમ થઈ જાય છે કે ભણાતું હોત તો કેવું સારું? પરણ્યાં એટલે તો પડ્યાં.’ લગ્નજીવનને કારણે સ્ત્રીવિકાસની શક્યતા પર આવી જતી ભીંસ કુસુમ જાણે છે. સ્ત્રીપુરુષના સુખની અસર સમાજ પર પડે છે તેથી બંનેનો સમાન વિકાસ જરૂરી છે. એવું કુમાર ખાસ માને છે. ‘સ્ત્રીઓની ઉન્નતિ કરવાનો બધો ભાર પુરુષોને માથે મુકાય છે. પણ સન્નારીઓની સહાય વિના તો તેઓ લુલા અને પાંગળા જ રહેવાના. પુરુષોના માથે સંસાર સુધારાની બહુ મોટી જવાબદારી છે. તેવા અતિ વિકટ કાર્યમાં પ્રેરણા, આશિષ, સહચાર, મંગલ શુકનની અપેક્ષા. તેના વિના સમાજની ઉન્નતિ પુરુષ એકલે હાથે કરી શકે નહીં.’ લગ્ન પછી પણ સ્ત્રી પોતાના જીવનની ઉન્નતિ માટે કેટલાં બધાં કાર્યો કરી શકે છે તેવો આત્મવિશ્વાસ કુમાર કુસુમના હૃદયમાં મૂકે છે. કુમાર કુસુમને નવી ભૂમિકા તરફ લઈ જવા માટે આતુર છે. ટેકરી પરથી પાછાં ફરતાં કુસુમ બોલી : ‘ચાલો, અમારે તો એ ભગવાન એના એ. તમારી વાત તો બધી ટેકરી પર જ રહી!’ કુસુમના સ્વરમાં હતાશાનો સૂર છે. વાર્તાને અંતે સ્ત્રીજીવનની નિયતિનું વાસ્તવિક રૂપ જાણ્યા પછી કુમાર સ્ત્રીની પરાધીનતાને વર્ણવે છે : ‘અને છતાં, એવી તો હજારો કુસુમો આપણા દેશમાં અકાળે ચીમળાતી હશે, એવાં હજારો કલ્લોલ કરતાં પંખી અકાળે પિંજરમાં પુરાતાં હશે.’ લગ્નને કારણે, અને તેમાં પણ કજોડાં લગ્નને કારણે સ્ત્રીનું જીવન જે રીતે કુંઠિત થાય છે તેનું વાસ્તવિક રૂપ અહીં રજૂ કર્યું છે. ‘મધુરીનું બલિદાન’ ‘કુસુમના કૌમારભાવ’ વાર્તામાં કુમારનો સ્ત્રી તરફનો સંકુચિતભાવ અને પૂર્વગ્રહ દૂર થાય છે. સ્ત્રીહૃદયના ભાવો સમજવાની ઉદારતા આવે છે. તેથી સંગ્રહની બીજી વાર્તાનો પ્રારંભ કુમારની પુખ્ત સમજથી થાય છે : ‘કુસુમના અનુભવથી સ્ત્રીહૃદયની, સ્ત્રીજીવનની કૈંક સમજ પડવા લાગી.’ કુમાર સ્ત્રીઓનો ચુસ્ત હિમાયતી બન્યો. પુરુષોની સામે બંડ કરવામાં કેમ મદદ કરી શકાય તેની યુક્તિઓ શોધવા લાગ્યો. આ વાર્તાનું મુખ્ય પાત્ર મધુરી છે. ઉંમર ૧૮ વર્ષની. મધુરી સુધા સમો મીઠો અમૃતરસ જ ચોમેર રેલાવતી. સ્નેહની સુરખી સમી હતી. કપાળ પર નિર્દય વિધિની ભાગ્યરેખાની માફક ચિંતાનાં ચિહ્ન અંકાવા માંડ્યાં હતાં. બધું દુઃખ તપસ્વિની હસતે ચહેરે પોતાનો ધર્મ સમજીને સહન કરતી હતી. એટલે એના મુખ ઉપર પથરાયેલી વિષાદની ઘેરી છાયાને ભેદીને પણ એના અંતરને સૌમ્ય નિશ્ચલ પ્રકાશ ઘણું ખરું પ્રકટતો. મધુરીને સગી બહેન તરીકે પૂજવા લાગ્યો. એ ત્રણેક ચોપડી ભણી. નાની વયથી ઘરકામમાં પરોવાઈ ગઈ. પાંચેક વર્ષની વયે નવનીત સાથે વિવાહ થયા. દશ વર્ષે લગ્ન. તેર ચૌદ વર્ષે સાસરે ગઈ. સસરા સ્ટેટના દીવાન. દીવાને પુનર્લગ્ન કરેલું. બીજી પત્ની કર્કશા. તેની સાથે બુઢ્‌ઢી પ્રપંચી મા અને યુવાન બાલવિધવાનો પડાવ. બીજી પત્નીને ત્રણ સંતાનો. ત્રણ સ્ત્રીઓ દીવાનના કાન નવનીત માટે ભંભેરતી. આ ઝેરી વાતાવરણમાં મધુરીનાં પગલાં મંડાયાં. મધુરી કામમાં હોશિયાર તેથી પહોંચી વળતી. ઘર સુંદર રાખે-બધાંને માયાનો મીઠો રસ વરસાવતી. મધુરીનો વાંક કાઢવા માટે ત્રણેય તત્પર, પણ મધુરી સહન કરતી. નવનીત ભણવામાં કાચા. મધુરી પર મુગ્ધ. તેમની આંખે મધુરીનું જ સ્નેહાંજન. વિદ્યાનો વ્યાસંગ નહિ. કમાવાની ચિંતા નહિ. મનની સર્વશક્તિ મધુરીના સ્નેહ ઉપર જ અત્યંત એકાગ્ર થઈ. પણ પતિસ્નેહના આ આવેશથી મધુરીને જે સુખ થતું તે કરતાં તેને વધારે ચિંતા ને અગવડ વેઠવાં પડતાં. પરંતુ મધુરી તો સંસારધર્મનું પાલન કરતી. સૌ કુટુંબીઓની અણીશુદ્ધ સેવા કરવી જોઈએ. નવનીત મધુરીની ધર્મબુદ્ધિથી ત્રાસી ગયો હતો. મધુરી નોકરની પણ સંભાળ રાખે છે. પોતાનું કામ સમજીને નોકરને ઘરના કામમાંથી મુક્તિ આપે છે. મધુરીને ન સ્નેહઝંખના છે ન સ્વતંત્રતાની ઝંખના, એનું દિલ પરમાર્થ પર લાગેલું છે. સ્વાર્થની નહિ પણ દિવ્ય ધર્મની લગની હતી. એક વરસ પછી નવનીતભાઈએ શામનગરમાં નોકરી લીધી. તે કાયમની થઈ. પોતાની બહેનના લગ્નપ્રસંગે કુમાર મધુરીને આમંત્રણ આપે છે પણ એ પતિને મૂકીને આવવા તૈયાર નથી. પતિધર્મ ચૂકવા માગતી નથી. ચૈત્રમાસમાં નવરાત્ર પૂજા કરવાની હતી. બીજા કોઈને સગવડ ન હોવાથી મધુરીને બોલાવી હતી. મુસાફરીમાં શરદી લાગવાથી કે નવરાત્રિનું વ્રત કરવાથી સખત ટાઢ-તાવમાં પટકાય છે. આવી બિમારીમાં પણ વ્રત પૂરું કર્યું. અને ન્યૂમોનિયા થયો. પોતાની બિમારીને કારણે બધાં એની સારવાર કરે છે તે મધુરીને ગમતું નથી. બિમારી વધી. છેલ્લી અવસ્થા ચહેરા પર નરી કોમળતા અને વાત્સલ્યભાવ છે. મધુરીનું હૃદય ઉદારભાવથી ભરપૂર છે. ઉદાત્તભાવે સાસુ-સસરાની માફી માગે છે : ‘જેમ જેમ છેલ્લી ઘડી આવતી જાય છે તેમ તેમ સૌ સગાંવહાલાંને સાસુસસરા’ તરફ જે કાંઈ કડવા બોલ બોલી છું. ભૂલચૂક કરી છે તે માટે બહુ જ પસ્તાવો થાય છે.’ પતિને અવગણ્યા તેનું દુઃખ. જિંદગીભર નિષ્ઠુર રહી. ‘મેં બધાંનું સાંભળવામાં તેમને જ ન ગણ્યા.’ મધુરી પાસે નિર્મમ આત્મપરીક્ષણ કરવાની શક્તિ છે. ‘પાપની ગાંસડી બાંધીને પરલોકમાં સીધાવું છું.’ મધુરી એક દિવ્ય સુરખી છવાઈ રહી હતી. મધુરી દેવત્વસભર હતી. વાર્તાકારે એક તરફ સ્વાર્થી અને સંકુચિતવૃત્તિનો પરિવાર દર્શાવ્યો છે તો બીજી તરફ ઉદાત્ત ભાવોથી સભર સ્ત્રીપાત્ર મધુરી પોતાનો ધર્મ બજાવે છે. મધુરીના અંતિમ સંસ્કારનું વર્ણન સૂચક છે. કુમારનો મધુરી તરફનો સ્નેહભાવ પ્રગટે છે : ‘ચિતા પર તેના શબને પધરાવી, યોગ્ય વિધિ કરીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એટલે હું દૂર એક ટેકરા પર જઈને બેઠો. જેમ તેનો દેહ પંચમહાભૂતમાં મળે છે, તેમ તે મધુર પુષ્પનો પુણ્યપરાગ છેક ઊંચા આકાશમાં ઊડી સ્વર્ગમાં ભળતો જાય છે. તેની ભસ્મ અમે નદીમાં ઠારી પ્રવાહની સાથે તે પણ સમુદ્રમાં મળી તેનો અમર આત્મા પરમાત્મામાં ભળી ગયો.’ કુમારના હૃદયમાં સ્થિર થયેલો મધુરી તરફનો ઉદાત્ત ભાવ તેમના અંતિમ સંસ્કાર વિધિના વર્ણનમાં ધ્વનિત થાય છે. વાર્તાને અંતે વાર્તાકાર સમાજ સુધારકના અવાજમાં સ્ત્રીજીવનની અવદશા બદલ અફસોસનો ભાવ વ્યક્ત કરે છે : ‘આર્યસંસાર આવી કેટલીક મધુરીઓથી મધુર બનતો હશે. કેટલીઓને અકાળે સ્મશાનમાં સુવાડતા હશે, એનો વિચાર કરતો હું ઘેર ગયો.’ સ્વધર્મને અતિવફાદાર રહેતી સ્ત્રી પ્રત્યે નિષ્ઠુર બનતા કુટુંબીજનો આર્ય સંસારની કાળી બાજુ છે. કુમારે એ બાજુ સંયમથી દર્શાવી છે. ‘કુમારીઓનું કૌમારવ્રત’ ધીમે ધીમે કુમારની પ્રકૃતિ ગંભીર થતી જાય છે. દરેક માણસ વિચારભાવની મૂર્તિ. કંઈક બનાવ એ ઘણાં સત્ત્વોનાં સંઘટ્ટનું પરિણામ હતું. ભાવનાઓનું અને કલ્પનાઓનું તુમુલ યુદ્ધ. એ યુદ્ધને શમાવવું એને જ જિંદગીનો ખરો સાર માનતો. વકીલાતમાં રસ ન પડ્યો. તેથી છએક માસ માટે નવા સ્થળે જવાનો નિર્ણય કર્યો. ગામડે ગામડે ફરવું હતું. પિતાના જૂના મિત્ર પ્રૉ. શિશિરકુમારને ઘેર ગયો. ત્યાં એણે સાધુના મઠને બદલે સર્વાંગ સુંદર ગૃહસ્થાશ્રમ જોયો. ઘરમાં દાખલ થતાં જ કુમાર હદપાર મુંઝાવા લાગ્યો. ઉપેક્ષાનું વાતાવરણ, સંતાનો મશ્કરા. બે દીકરીઓ પદ્મિની, નલિની ત્રણ દીકરા શિરીષ, ચંદ્ર, કલ્લોલ. પ્રૉ.ના ભાઈની બે દીકરીઓ કમલિની અને સરિતા. પદ્મિનીની વય ૧૮ વર્ષની. એ રૂપ રૂપનો અવતાર. કૉલેજમાં નવા માણસને દશ ગજ દૂર રાખીને નમસ્કાર કરાવતી. નલિની ૧૬ વર્ષની, મેટ્રિકમાં અભ્યાસ. સર્વે ભાઈ બહેનો તોફાન, મસ્તી, રમતમાં રમમાણ. નાટક, સિનેમા, કસરતના દાવની મજા. બધાંના મનોરાજ્યમાં પરીઓની સૃષ્ટિ. લગ્ન કે સંસારને પિછાણતાં ન હતાં. નિર્દોષ હાસ્યરસ જ ખૂબ ગમતો. ન્યાતજાતની, લગ્નમરણની, વ્યવહારરૂઢિની વાત પર કંટાળો આવતો. કુમાર પણ બાળકો સાથે બાળક બની ગયો. તેના અંતરમાં નિર્મલ સ્નેહની સરિતા વહેવા લાગી. ‘સરસ્વતીનું સમર્પણ’ આ વાર્તામાં સ્ત્રીશક્તિનું નવું રૂપ જોવા મળે છે. કુમાર સ્ત્રીઓની પ્રતિષ્ઠા અને સ્વતંત્રતાનો ચુસ્ત હિમાયતી બનતો જાય છે. પણ આર્ય સ્ત્રીઓ સારી લોકસેવા કરી શકે એવી કુમારને ખાત્રી ન હતી. પરંતુ સરસ્વતીએ કુમારની આ માન્યતાને ખોટી પાડી. સરસ્વતી કુલિન કુટુમ્બની વિધવા બહેન. સરસ્વતીના પતિ હયાત હતા ત્યારે સરસ્વતીના વિકાસ માટે અવકાશ આપતા હતા. પરણ્યા પછી અભ્યાસ માટે અવકાશ આપ્યો હતો. મૃત્યુ પામતી વખતે એના પતિએ ઇચ્છા બતાવી હતી કે પરમાં દટાઈ ન રહેતાં સરસ્વતીએ પોતાનું બાકીનું જીવન પોતાની શક્તિ પ્રમાણે પ્રભુની અને પ્રજાની સેવામાં અર્પણ કરવું. કોઈની પણ ટીકાઓ ગણકારવી નહીં. સ્નેહને બદલે ધર્મની લગની લાગી. જીવનના ઉપભોગને સ્થાને જીવનનું સમર્પણ, સરસ્વતી લોકસેવા માટે વનિતા આશ્રમમાં ગઈ. કોકિલે સરસ્વતીને રામપુર જવાનું કહ્યું. રામપુર જોઈને સરસ્વતી બોલી : ‘હવે શહેરના કૃત્રિમ સંકોચને બદલે ગામડાંની કુદરતી સ્વતંત્રતા જ મને વિશેષ માફક આવશે.’ સુધારાનો માર્ગ વિકટ હતો. તો પણ શરૂઆત કરી. સ્ત્રીઓની આગળ વાંચવાનો કાર્યક્રમ શરૂ કર્યો. ઈશ્વર ભજન શીખવવાનો ઠરાવ કર્યો. તેથી તે સ્ત્રી વર્ગમાં માનીતી થઈ ગઈ. કોકિલે યુવાનોને તાલીમ આપી. સરસ્વતીએ કાયમ માટે રામપુરમાં રહેવાનો નિર્ણય કર્યો. જ્ઞાતિની એક વ્યક્તિ સરસ્વતીને ના પાડે છે ત્યારે સરસ્વતી જવાબ આપે છે : ‘બાકી તમે શું એમ ધારો છો કે વિધવાઓએ ઘરમાં જીવતાં દફન થવું-પોતાનો કોઈ સંસાર ન હોય એટલે બીજાના ઘરમાં માથું મારવું, ન્યાતની ચાડી ચુગલી કરવી ને માણસ મટી ઢોરનો અવતાર ગાળવો? લોકસેવામાં સર્વસ્વ અર્પણ કરશે. પહેલાંની સતીઓ પોતાના શરીરનું બલિદાન આપતી. નવી સતીઓ શરીરનું તેમજ હૃદયનું બેવડું બલિદાન આપશે.’ સરસ્વતી અને કોકિલ મળીને લોકજાગૃતિ અને લોકજીવન સુધારણાનું કાર્ય કરવામાં જીવનની સાર્થકતા અનુભવે છે. ગંદકી, ગરીબી, અજ્ઞાનતા, રોગ, લૂંટારાઓનો ત્રાસ, વહેમ, શોષણ, અત્યાચાર, વેઠ વગેરે અનિષ્ટોની સાથે લડે છે. ગાંધી જીવનદર્શનની ઊંડી અસર. સરસ્વતી ગ્રામમંડળની વિધાત્રી બને છે. કુમારે એક વિધવા સ્ત્રી લોકજાગૃતિનું ઉદાત્ત કાર્ય કરવા કેટલી સક્ષમ છે તે બતાવ્યું. ‘વિમલાની વિશુદ્ધિ’ વિમલાનું પાત્ર પણ સ્ત્રીચેતનાનું ઉદાત્ત સ્વરૂપ છે. નાની વયમાં વિવાહ. લગ્નનો આગ્રહ. પણ ભાઈએ વિરોધ કર્યો. બી.એ. થયા પછી જ લગ્ન. વિમલાની જીવનશૈલી આધુનિક. ઘોડા પર બેસતી. પુરુષો સાથે ટેનિસ રમતી. વિવાહ તૂટી ગયો. વિમલા પુરુષ જાતિની કાયમની ટીકાકાર, તિરસ્કાર. ૧૯ વર્ષની વયે માથાનો વ્યાધિ થવાથી અભ્યાસ છોડી દીધો. પુરુષો સાથે બૌદ્ધિક વ્યવહારો કરતી. કુમારના પરિચયમાં આવે છે ત્યારે વિમલા ૨૪ વર્ષની છે. તિરસ્કારનો ટહુકો. વિમલાના તિરસ્કારને મજબૂત કરે તેવા દંભી બૌદ્ધિકો છે. અભિમાની અને અહંકારી. પરદેશનો મોહ. કુમાર વિમલાનું જીવન જુદી દિશામાં લઈ જવા આતુર છે. કુમાર વિમલાને કહે છે કે તમે બાહ્ય સૃષ્ટિમાં જ વિહરો છો કારણ કે તમારી આંતરસૃષ્ટિમાં શૂન્ય છે. શક્તિનું નિયંત્રણ કરવાની વાત સમજાવી. સ્નેહ અને વૈરાગ્યભાવ કેળવવા તરફ ધ્યાન આપવું. કુમાર માને છે કે સ્ત્રી શા માટે ભણે છે? વિકાસ માટે? પ્રગતિ માટે? ના. સ્ત્રીઓ ન ભણે તો તેને પોતાનું પેટ ભરવાને કોઈને પરણીને ગુલામ જ થવું પડે. ઘણી ભણે છે તે પણ જરા સુધરેલો સ્વામી કે પૈસાવાળો પતિ મેળવવા માટે જ. કુમારની આ વાત આજના સંદર્ભે પણ ખરી જ છે. બધાં કિશોર કિશોરીઓએ એક કુમારમંડળની સ્થાપના કરી. તેમાં ચર્ચાનો વિષય : કેમ ન પરણવું. કુમાર પ્રમુખ : શિરીષ : માણસ બુદ્ધિશાળી. વિકાસ. વિકાર. સ્ત્રીઓ ભાવપ્રધાન છે. હૃદય ઉતરતું છે. કમલિની : પુરુષની ટીકા. બહાદુર નથી. વામણા છે. નલિની : પુરુષો મેલાઘેલા, કઠણ હૈયાના, જરા જડસા. લાગણીની ઝીણવટ તો સમજે જ નહિ. પોતે જંગલીની ગુલામી કરવા તૈયાર નથી. કલ્લોલ : મને પરણવું તો બહુ જ ગમે પણ પરી પત્નીનું અપહરણ કરે તો? સરિતા : પ્રભુભક્તિમાં લીન પ્રેમભક્તિનો રસ ગમે. ગરીબોની સેવાનું કામ. ચંદ્ર : ખેતી અને સિપાઈગીરીથી તો દુનિયા ચાલે છે. આ બંને કામ પુરુષોની તાકાતથી જ થાય છે. પદ્મિની : પૌરાણિક પાત્રોને યાદ કરે છે. પુરુષોની નીચી ભાવના સામે વાંધો. સ્ત્રીઓને ગુલામ રાખે છે. ગુલામીનો મૂળ કિલ્લો લગ્નને તોડે તો જ સ્ત્રીઓ સ્વતંત્ર બની શકે. કુમાર : માને છે કે, સ્ત્રીજીવનના દુઃખનું મૂળ કારણ લગ્નસંબંધ છે, કારણ કે, લગ્નનો સંબંધ સરખા મિત્રોના જેવો નથી, પણ માલિક અને ગુલામના જેવો છે. લગ્નપ્રથા, લગ્નપરંપરાને સ્થગિત કરવાથી, કુંવારા રહેવાથી જૂના સંસ્કારોનો અંત આવશે. સ્વતંત્ર અને સમતોલ સંબંધ સ્થપાશે. બધા કુમારો પોતાનું ભાવિ શું હશે તેનો શૉ કરે છે! એક પણ કુમાર પરણવા તૈયાર નથી. વાર્તાના આરંભે કુમાર આવ્યો ત્યારે તેને ઉપેક્ષાનું વાતાવરણ લાગ્યું હતું. પણ છેલ્લે દિવસે વિદાય વખતે સ્નેહનાં અમી હતાં. કુમાર સંવાદી વાતાવરણ નિર્માણ કરે છે. વાર્તાનું અંતિમ દૃશ્ય : ‘હું ગાડીમાં બેઠો. તે ગાડી સ્ટેશન પર ચાલી. બજારમાં એક ઊંચી ગણાતી ન્યાતનો વરઘોડો મળ્યો. સ્ત્રીઓએ ભારે કસબી અને પારદર્શક કપડાં પહેરેલાં, અંગેઅંગ સોના રૂપાના ભારથી લાદેલાં હતાં. અને આંખો કાજળથી અંકાયેલી હતી. નાની કુમારીઓ અને પ્રૌઢ સ્ત્રીઓ, સૌના ચહેરા ઉપર ક્ષુદ્ર વાસના અને સંસારી ભાવ અંકાયેલાં હતાં. સૌ ચીસ પાડીને કર્કશ સ્વરે કંઈક કઠોર ગીત ગાતાં હતાં. મને વિચાર આવ્યો : ક્યાં આ ક્યાં એ?’ કુમાર પરંપરાગ્રસ્ત લગ્નજીવનની વિધિઓ અને સ્ત્રીઓનો તેમના માટેનો લગાવ, એ માનસિકતાનો હ્રાસ છે. પરંતુ કુમારને ઊંડી શ્રદ્ધા છે પ્રતિક્ષા લેનારા કુમારોમાં. વાર્તાકારે મનુષ્યજીવનની સફળતાનું રહસ્ય દર્શાવ્યું છે. લગ્ન ન કરવાનો નિર્ણય, એ જ મુક્તિનો માર્ગ છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com