ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ગુલાબદાસ બ્રોકર
સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
વાર્તાકાર, નાટ્યલેખક, કવિ, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રકાર અને સંપાદક તરીકે પ્રસિદ્ધ બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ ‘કથક’નો જન્મ ૨૦-૯-૧૯૦૯ના રોજ પોરબંદરમાં થયો હતો. મુંબઈની ન્યૂ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મેટ્રિક પૂરું કરી, ૧૯૩૦માં મુંબઈની ઍલ્ફિસ્ટન કૉલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૩થી ૧૯૪૬ સુધી મુંબઈ શેરબજારમાં બ્રોકર તરીકે કામ કરે છે. ૧૯૪૦થી પી.ઈ.એન.ના સભ્ય બની, ૧૯૫૮થી ૧૯૬૦ દરમ્યાન તેના માનદ્ મંત્રી ખજાનચી બન્યા બાદ ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે. ૧૯૫૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં જોડાઈ, ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય બને છે. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન્સ ઇન્ટરનેશનલમાં અમેરિકા ગયા હતા. ૧૯૬૩માં જર્મન સરકાર(પશ્ચિમ)ના નિમંત્રણથી જર્મની ગયા હતા. તેમને વાર્તાકાર તરીકેના પ્રદાન માટે ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૭૪-૭૫માં તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની સેવા આપી હતી. તેમનું અવસાન ૧૦-૬-૨૦૦૬ના રોજ પૂનામાં થયું હતું. વાર્તાસંગ્રહો : ‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૦), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’ (૧૯૫૦), ‘પ્રકાશનું સ્મિત’ (૧૯૫૬), ‘માણસનાં મન’ (૧૯૬૨), ‘પ્રેમ પદારથ’ (૧૯૭૪), ‘રૂપ’ એમના વાર્તાસંગ્રહો છે. સત્યકથાઓ, સમાજકથા, બોધકથા, પ્રસંગકથા : ‘પુણ્ય પરવાર્યું નથી’ (૧૯૫૨), ‘હરિનો મારગ’ (૧૯૫૬), ‘જીવનનાં અમૃત’ (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૬૭), ‘અમૃતદીક્ષા’ (૧૯૭૬), ‘જીવનમાંગલ ગ્રંથશ્રેણી’ (૧૯૭૭) નવલકથા : ‘લતા’ (૧૯૪૪) અન્ય સાથે નાટક, એકાંકી : ‘ધૂમ્રસેર’ (૧૯૪૮), ‘જ્વલંત અગ્નિ’ (૧૯૫૫), ‘નીલીનું ભૂત’ (૧૯૬૭), ‘બ્રોકરનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૩) કાવ્યસંગ્રહ : ‘વસંતે’ (૧૯૬૪) નિબંધ, ચરિત્ર : ‘નવા ગગનની નીચે’ (૧૯૭૦), ‘ગયાં વર્ષો... રહ્યાં વર્ષો’ (૧૯૮૭), ‘સ્મરણોના દેશમાં’ (૧૯૮૭), ‘સ્મરણોના સથવારે’ (૧૯૯૩), ‘નર્મદાશંકર’ (૧૯૭૭), ‘મોપાસાં’ વિવેચન : ‘રૂપસૃષ્ટિમાં’ (૧૯૬૨), ‘અભિવ્યક્તિ’ (૧૯૬૫), ‘નર્મદ’ (૧૯૭૬), ‘ગુજરાતી સાહિત્ય : એક વિહંગાવલોકન’ (૧૯૭૬)
વાર્તાકારનો યુગસંદર્ભ :
દ્વિરેફ પાસેથી વાર્તા દીક્ષા પામી અને કંઈક અંશે તેમનો પ્રભાવ ઝીલી ગાંધીયુગમાં વાર્તાસર્જન આરંભનાર ગુલાબદાસ બ્રોકર પાસેથી લગભગ ચાર દાયકાના દીર્ઘ સમયપટ દરમ્યાન આઠ વાર્તાસંગ્રહો દ્વારા કુલ ૧૨૪ વાર્તાઓ મળે છે. ગુલાબદાસ બ્રોકરે માનવમનના સૂક્ષ્મ ભાવો, પોતાના સમયનો બદલાતો માનવી, તત્કાલીન સ્વતંત્રતા આંદોલન સમયનું યુવામાનસ, બાળમાનસ, સામાન્ય માનવીની સ્થિતિ અને તેની માનસિકતા, તત્કાલીન રાજકીય, સામાજિક સ્થિતિ વગેરેને આ વાર્તાઓમાં આલેખવાનો સક્ષમ પ્રયાસ કર્યો છે. વાર્તાસર્જનક્ષેત્રે પ્રથમ વાર્તાસંગ્રહ ‘લતા અને બીજી વાતો’થી જ વાર્તાકાર તરીકેની પ્રસિદ્ધિ ગુલાબદાસ બ્રોકર પામે છે. જ્યારે ઉમાશંકર, સુન્દરમ્, પન્નાલાલ જેવા વાર્તાકારોની વાર્તાઓ ગ્રામ્ય-સામાજિક નક્કર વાસ્તવિકતાને આલેખતી હતી. અલબત્ત, ઉમાશંકર જોશી પાસેથી ‘મારી ચંપાનો વર’ જેવી મનોવિશ્લેષણાત્મક વાર્તા મળે છે, પરંતુ આ ગાળામાં માનવમનનાં અતલ ઊંડાણોને આલેખતી અનેક વાર્તાઓ આપી ગુલાબદાર બ્રોકર આ ગાળાના પ્રમુખ વાર્તાકાર જયંતિ દલાલના સક્ષમ પુરોગામીનો દરજ્જો ચોક્કસ પામે છે.
વાર્તાસર્જન :
ચાર દાયકાથી વધુ સમય વાર્તાસર્જન કરનાર ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ તેમની વિશાળ અનુભવસૃષ્ટિનો પરિચય કરાવે છે. માનવમનના સૂક્ષ્મ ભાવો – રાગ, ઈર્ષા, અસૂયા, લાલસા, દ્વેષ વગેરે, તત્કાલીન બદલાતું યુવામાનસ, બાળમાનસ, દામ્પત્યજીવન, માતૃવત્સલતા, ગાંધી વિચારધારા, શેરબજાર, વૈશ્યાજીવન, ગરીબી, ભૂખમરો, તત્કાલીન રાજકીય-સામાજિક સ્થિતિ વગેરે વિષયો તેમની વાર્તાઓમાં વિભિન્ન રૂપે આલેખાયા છે. તેમણે કરેલ ચેખોવ, મોપાંસા જેવા વિદેશી વાર્તાકારોનું વાચન પણ આ સંદર્ભે પ્રભાવી રહ્યું હોય. તેમની વાર્તા વિશેષ ધ્યાનપાત્ર બની અદમ્ય ભાવો અને આંતરિક દ્વંદ્વના આલેખન દ્વારા. આ સંદર્ભે ‘લતા શું બોલે?’, ‘અર્ધદગ્ધા’ ‘નીલીનું ભૂત’ ‘કુસુમ કે સુલેખા’, ‘સુરભિ’, ‘સૂર્યા’, ‘પ્રભુનો પાડ’, ‘પ્રેમપદારથ’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘લતા શું બોલે?’ તો એ સમયમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જુદા જુદા સર્જકો દ્વારા તેનો વિસ્તાર પણ થયો. સુરેશને પરણેલી લતા બે બાળમિત્રો સુરેશ અને નિરંજનના સહવાસથી પતિ સુરેશ કરતા વધારે નિરંજનની રસિકતાથી આકર્ષાઈ સ્ખલન પામે છે એ વાર્તાનું વસ્તુ છે. પણ વાર્તાની વિશેષતા એ છે કે લતા અને નિરંજનનું પરસ્પર વધતું આકર્ષણ અને બન્નેનું પોતાના આ ભાવ પ્રત્યે સભાન બની તેને દામવાના પ્રયાસો, તેમાં મળતી નિષ્ફળતા અને અંતે બધા ભયનો ત્યાગ કરી અંતરમનને વશ થઈ બન્નેનો દૃષ્ટિ એકરાર, છતાં નિરંજનના મક્કમ રહેવાના પ્રયાસો, લતાના સ્પર્શે નિર્બળ બનતા નિરંજનનું આખરે પોતાની અંદર ધસમસતા લાગણીપ્રવાહમાં તણાઈ મિત્રને દ્રોહ કરી બેસવું, પરિણામે બીજે દિવસે ગામ છોડી ચાલ્યા જતા વાર્તાને અંતે સુરેશ દ્વારા લતાને પુછાતો પ્રશ્ન – ‘લતા, નિરંજને આવું કેમ કર્યું હશે?’ જવાબમાં લતાનું મૌન – ‘લતા શું બોલે?’ એવો વાચક સમક્ષ પ્રશ્ન મૂકી વાર્તાકારે વાર્તાની વ્યંજનાને જાળવી રાખી છે. આ રીતે ક્રમશઃ વિકસતી વાર્તા ચુસ્ત સંકલનાનો અનુભવ કરાવે છે. આ સંદર્ભે વિજય શાસ્ત્રીનું નિરીક્ષણ યોગ્ય છે : “આખી વાર્તા સુશિક્ષિત, સંવેદનપટુ, પોતાની ચૈતસિક ગતિવિધિઓ પ્રત્યે સજાગ અને અનિષ્ટ દિશામાં થતી ગતિને રોકવા કૃતસંકલ્પ છતાં ન રોકી શકતાં લાચાર પાત્રોની મથામણો અને પરિણામની કથા કહે છે.” (પૃ. ૯૩, સાહિત્યિક વાચના વિશે) ‘લતા શું બોલે?’ની લગભગ સગોત્ર છતાં જુદી એવી વાર્તા ‘અર્ધદગ્ધા’ છે. પાડોશી પન્નાની મિત્રતા દ્વારા તેના પતિ કપિલ સાથે મિત્રતા સધાતા જન્મતો વાર્તા વાચનશોખ રેવામાં પોતાના સંતુષ્ટ જીવન પ્રત્યે અસંતોષ જન્માવે છે. વધતો વાચનશોખ કપિલની રસિકતા તરફ આકર્ષણ જન્માવી કપિલને પામવાની ઇચ્છામાં પરિણમે છે અને અંધકારનો લાભ લઈ રેવા કપિલનો હાથ પકડી લે છે પરંતુ કપિલનો તેના સ્પર્શને પારખી તેનાથી દૂર રહેવાનો નિર્ણય રેવાની પીડા વધારે છે. આખરે રેવા માટે કપિલથી દૂર રહેવું દુષ્કર બનતા બધી લાજ, શરમ, સંબંધો નેવે મૂકી પોતાના અજ્ઞાત મનની દોરવાયેલી તે તક મળતાં પોતાના હૃદયની વાત પાટીમાં લખી કપિલ સુધી મોકલાવે છે! પરંતુ કપિલને માતાની માંદગીના કારણે ગામ જવાથી રેવાની અધૂરી રહેતી કામના અને કાલ્પનિકસૃષ્ટિના પરિચયે જાગેલો અસંતોષ તેને અંદર ને અંદર બાળે છે. પરિણામે આરંભે જીવનથી સંતુષ્ટ રેવાની સામે અંતે પોતાના જીવનથી અસંતુષ્ટ, મૂઢ જેવી અર્ધદગ્ધા રેવા વાર્તાના શીર્ષકને યથાર્થ કરે છે. ‘નીલીનું ભૂત’ બ્રોકરની સફળ વાર્તાઓમાંની એક છે. સંવાદશૈલી વિકસતી વાર્તા શશીના માનસને યોગ્ય રીતે નિરૂપણમાં ઉપકારક છે. ત્રણે મિત્રો વચ્ચે મૃત્યુ પામેલી નીલીના ચારિત્ર્યભ્રષ્ટ હોવાની થતી વાતો અને મિત્રોને ઘેરથી અડધી રાતે ઘેર આવતા શશીને નીલીનું ભૂત દેખાવું ખરેખર તો શશીના દોષિત મનને પ્રગટ કરે છે. ‘સુરભિ’ વાર્તા સુરભિના આંતરદ્વંદ્વને સફળતાપૂર્વક આલેખે છે. પરપુરુષ સૂર્યકાન્તના સ્પર્શે તેનામાં જગાવેલ જાગ્રત અને અજાગ્રત મનનો દ્વંદ્વ, સૂર્યકાન્ત માટે પોતાના અજ્ઞાત આકર્ષણ સામે પોતાનો ઇનકાર, સૂર્યકાન્તની ઝંખના અને આખરે પોતાના આંતરમન સામે પોતાની હારનો સ્વીકાર, પતિ પર આવેલ ખાનગી પત્ર દ્વારા પોતાના અને સૂર્યકાન્ત વચ્ચે બનેલ ઘટના સંદર્ભે જન્મેલ આશંકા અને ભય, પતિનું નિયમિત સમય કરતાં મોડું આવવું તેના ભયને તીવ્રતામાં વધારો, પતિને બધી જાણ થઈ ગઈ હશે એ ભયે તેનો બધું જણાવી દેવાનો નિર્ણય, પતિના આવતા મિત્ર દ્વારા ઉછીના પૈસાની માંગનો પત્ર નીકળતા સુરભિનું હળવું બનવું અને આખરે પોતે પતિને બધું જણાવી દેવાનો નિર્ણય તેનાં આંસુ સાથે વહી જાય છે. ગુલાબદાસે આ વાર્તામાં માનવમનની નિર્બળતા અને અકળ ગતિનો પરિચય સુરભિના આંતરસંઘર્ષ દ્વારા સક્ષમ રીતે કરાવી આપ્યો છે. તો ‘સૂર્યા’માં પ્રણયત્રિકોણ દ્વારા અંતરંગ મનોભાવને વાચા આપવાનો પ્રયાસ છે. પ્રાણલાલ અને જગદીશ બે મિત્રતાની સાથે પ્રાણલાલની પત્ની સૂર્યાની મિત્રતા સાથે હરવાફરવા અને કળાસંબંધી ચર્ચાથી ગાઢ બને છે અને જગદીશ સૂર્યાની રસિકતાથી આકર્ષાઈને મિત્ર દ્રોહના ભોગે પણ તેને પામવા માંગે છે અને સૂર્યા તેની બદલાયેલી આ દૃષ્ટિને પારખી પતિની નિર્દોષ, વત્સલ, વિશ્વાસુ આંખોનું સ્મરણ તેને જગદીશની વૃત્તિઓ સામે ટકી રહેવામાં મદદ કરે છે. બ્રોકરની અનેક વાર્તાઓ ઊગતી યુવાવસ્થાના અદમ્ય આવેગોને અનેક રૂપે આલેખે છે. એવી જ વાર્તા ‘પ્રભુનો પાડ’ છે. ભૂતકાળમાં પોતાની પાડોશમાં રહેતી મંજુ અને પોતે પરસ્પર અનુભવેલ આકર્ષણથી વધી મંજુ દ્વારા પ્રાપ્ત થતી એકાંતની પળો સમયે નાયકનું ભીરુ બની પલાયન મંજુને નિરાશ કરે છે, આ નિરાશા ઉપેક્ષામાં પરિણમે છે. વર્ષો પછી જેલમાં બનેલ પોતાના કર્તવ્યનિષ્ઠ સામાજિક કાર્યકર મિત્રને દવાખાનામાં મળવા જતાં મંજુનો તેની પત્ની રૂપે થતો સામનો નાયકમનમાં ભૂતકાળમાં અનુભવેલ ક્ષણિક આવેગને વશ ન થઈ મિત્રદ્રોહમાંથી ઉગારી લેવા પ્રભુનો પાડ માને છે. ‘પ્રેમપદારથ’ (૧) અને ‘પ્રેમપદારથ (૨) કુમારની વાત’માં બે પાત્રો નયના અને કુમારભાઈના પ્રેમ વિશેના દૃષ્ટિકોણનું સન્નિધિકરણ છે. નયના અને કુમારભાઈનો સામાજિક સંબંધોથી પર એવા સંબંધમાં બન્ને પક્ષે એકબીજાને ચાહવાનો એકરાર અને નયના દીકરીની માતા બનતા દીકરીમાં વ્યસ્ત બની જવાના કારણે કુમારભાઈનું દૂર જવા છતાં સતત એકબીજાને ઝંખતા રહેવું તેમના હૃદયને આલેખે છે. બે પાત્રોના મનોભાવોનું સન્નિધિકરણ પાત્રમાનસના પ્રગટીકરણ માટે ઉપકારક છે. અદમ્ય આવેગોની સમાંતરે બદલાતા યુવામાનસનું આલેખન તેમની અનેક વાર્તાઓમાં થયું છે. ‘કુસુમ અને સુલેખા’માં શશિકાન્તની જીવનસાથી તરીકેની પસંદગીનો સંઘર્ષ, બાહ્ય સૌંદર્યથી આકર્ષાઈ કુસુમને સ્થાને સુલેખાની પસંદગી અને સુલેખાના અસ્વીકાર દ્વારા નિરાશ બનેલ શશિકાન્ત દ્વારા તત્કાલીન યુવાનોના માનસ આલેખનનો પ્રયાસ છે. ‘સુનીલા’ વાર્તા સર્વજ્ઞના કેન્દ્રથી કહેવાઈ છે. સુનીલાથી આકર્ષાઈ પોતાની કાર્યક્ષમતા અને અશ્વિન જેવા સાચા મિત્રને ગુમાવનાર અવિનાશની નિરાશા નિમિત્તે સુનીલાનું વ્યક્તિત્વ – સૌંદર્યના બળે પુરુષોને આકર્ષિત કરી, તેને રમાડનાર, મિત્રોને એકબીજાના પ્રતિસ્પર્ધી બનાવી તેમાં આનંદ માણનાર સ્ત્રીને આલેખે છે. પરંતુ વાર્તાના આરંભમાં જ તેને અવિનાશ દ્વારા ‘વેશ્યા’ તરીકેનું આપવામાં આવેલું લેબલ વધારે પડતું લાગે છે. ‘જૂના સંસ્કાર’ પરિવર્તન પામતી નવી પેઢીને આલેખે છે. જે મુક્ત જીવન બાદ ફરી આદર્શ જીવન જીવવાનો નિર્ણય તો કરે છે, પરંતુ તેને નિભાવી શકતી નથી અને અંતે નૈતિક પતનને પામે છે. તો ‘જીવનની મોજ’માં પોતાને આધુનિક માનતા બેજવાબદારીપૂર્વક જીવતા યુવામાનસનું આલેખન છે. ‘માણેકલાલ’, ‘નરહરજી’, ‘ગુલામદીન ગાડીવાળો’, ‘ગંગા’, ‘રાણી’, ‘નાજુક મુલાયમતા’ પાત્રકેન્દ્રી વાર્તાઓ છે. ‘માણેકલાલ’ શ્રીમંતાઈમાંથી ગરીબીમાં આવી પડેલ માણેકલાલ પોતાની ફરસાણ ખાવાની ટેવને કારણે પોતે જ ઉછેરેલ પિતરાઈ પુત્ર અને પત્નીના તિરસ્કાર તથા અવગણના દ્વારા અંતે અથાણાં જેવી સામાન્ય વસ્તુની માંગ પણ અવગણાતા આપઘાત કરી કરુણ અંતને પામે છે! વાર્તાની દીર્ઘસૂત્રતા વાર્તાની વેધકતાને હાનિ પહોંચાડનાર છે. ‘ગુલામદીન ગાડીવાળો’ ઘોડાગાડીના લયમાં સંવાદાત્મક શૈલીએ વિકસતી સઘન વાર્તા છે. ઘોડાગાડી ચલાવનાર ગુલામદીન અને તેમાં બેસનાર મુસાફર વચ્ચે શરૂ થયેલો સામાન્ય સંવાદ રસ્તા પર જનારી તેની એ ભૂતકાળની પત્નીને પોતે કેવી રીતે નાની એવી શંકાના કારણે તલાક આપી દીધાની કરુણ દામ્પત્યકથા પર વિરમે છે, સાથે વાર્તામાં ગુલામદીનની સ્ત્રી વિશેની રૂઢ માનસિકતા પણ સાંકેતિક રીતે આલેખાઈ છે. ‘નરહરજી’ પદ્મકાન્તની કસોટીઓમાં ખરા ઊતરતા સ્થિર, બ્રહ્મચારી પ્રસન્ન વ્યક્તિત્વ ધરાવતા નરહરજીના ચરિત્રને સંવાદશૈલીએ આલેખતી વાર્તા છે. આરંભમાં બ્રહ્મચર્ય પાળવું શક્ય નથી એવી પદ્મકાન્તની માન્યતાની સામે મિત્રો દ્વારા એ જ જેલમાં બ્રહ્મચારી તરીકે ખ્યાત થયેલ નરહરજીનો મિત્રો દ્વારા ઉલ્લેખ થતાં પદ્મકાન્ત તેની પરીક્ષા કરવા તત્પર બને છે અને નરહરજી સાથે હિંદી શીખવાને બહાને તેની ઉત્તરોતર કઠિન બનતી કસોટીઓની એરણે નરહરજીને ચકાસે છે પરંતુ પદ્મકાન્ત દ્વારા પીરસવામાં આવતી સાહિત્યની શૃંગારપૂર્ણ વાતો પણ નરહરજીને વિચલિત કરી શકતી નથી અને પદ્મકાન્ત આખરે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ ઠરે છે. ‘ગંગા’ પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી ગંગાના વ્યક્તિત્વને આલેખે છે. હંમેશાં હસતે મુખે ઝડપથી, ચોખ્ખાઈથી કામ કરનાર સાત સંતાનોની વિધવા માતા ગંગાના વ્યક્તિત્વ અને સંઘર્ષપૂર્ણ જીવન – ગંગાના પાત્રને યાદગાર બનાવે છે. ગામડે દીકરીના લગ્ન કરવા આવેલ બક્ષીસાહેબ અને તેના પરિવારની વર્ષોથી સેવા કરનાર ગંગાને બક્ષીસાહેબ લગ્ન બાદ તેની મહેનતના બદલામાં થોડું સોનું, કપડાં અને રૂપિયા આપે છે ત્યારે ગંગા આટલું બધું લેવાની ના પાડે છે અને ઠાકરની સેવાના બદલામાં તેની પાસે આ મનખો દેહ ન આપે એવી માગણી તેના જેવી વિધવા માતાના સંઘર્ષોને સૂચવી આપે છે. ‘રાણી’ નાયિકા રમારાણી સંસ્થામાં થોડા જ દિવસમાં બધાનું દિલ જીતી લોકહૃદય પર રાજ કરનાર રાણી બની છે. પરંતુ નવી આવનાર તારિકાને પોતાના કરતાં વધારે પગાર મળી રહ્યો છે એ જાણી સંસ્થાને છોડવાનો નિર્ણય કરે છે. દિગ્દર્શકના સમજાવટ, પગાર વધારી આપવો વગેરે બાબતો તેને એ સંસ્થામાં પાછી લાવી શકતી નથી. સંસ્થાની રાણી તરીકે રાણીની મક્કમતા અને સ્વાભિમાન તેને યાદગાર પાત્ર બનાવે છે. ‘નાજુક મુલાયમતા’ દેવરાજ વૈદના મુલાયમ, અપમાન ન થાય, દુઃખ ન થાય એ રીતે સામેવાળાને સમજાવી દેતા સ્વભાવને આલેખતી ચરિત્રાત્મક વાર્તા છે. પાત્રકેન્દ્રી આ વાર્તાઓમાં ‘ગંગા’, ‘નાજુક મુલાયમતા’ જેવી વાર્તાથી વધુ રેખાચિત્ર લાગે છે. પોતાના પ્રત્યક્ષ અનુભવે લખાયેલ ‘જૂની મૈત્રી’, ‘મીઠો રોટલો’, ‘અર્ધો કલાક’ વાર્તાઓ શેરબજારની વાસ્તવિકતાને આલેખતી નોંધપાત્ર વાર્તાઓ છે. મહેનત વગર, રાતોરાત પૈસાદાર થવાના સ્વપ્ન સેવનાર યુવામાનસનું સૂક્ષ્મ આલેખન આ વાર્તાઓમાં થયું છે. ‘અર્ધો કલાક’ શેરબજારમાં સંડોવાયેલ એજન્ટની માનસિકતાને આલેખતી વાર્તા છે. શેરના વધતા ઘટતા ભાવ મનુષ્યના હૃદયમાં કેવી ઊથલપાથલ મચાવે છે તે એજન્ટ મિયાંસાબના પાત્ર નિમિત્તે આલેખાયું છે. સો દોઢસો વધારે કમાઈ લેવાની લાલચે વફાદાર મિયાંસાબની દાનત બગડે છે અને શેરના ભાવ વધતા ૧૦ના બદલે ૮ શેર મળ્યા છે એવું ઘરાકને કહેવાનો વિચાર શેઠ આગળ રજૂ કરે છે પરંતુ ફોન પર ઘરાક સાથે વાત કરતા ખોટું કરવાની હિંમત ચાલતી નથી અને આખરે લાલચની સામે નૈતિક પતનમાંથી ઊગરે છે. શેરના ભાવ વધતા મિયાંસાબની વધુ કમાઈ લેવાની લાલચની સામે ઘરાકને દગો ન કરવાની ભીરુતાનો સંઘર્ષ યોગ્ય રીતે આલેખાયો છે. માતાને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી વાર્તાઓમાં ‘બા’, ‘મા અને દીકરી’, ‘કુંડી’, ‘માનો જીવ’, ‘મારી મા છે ને’, ‘વેદના’ નોંધપાત્ર છે. ‘બા’ પુત્રના કેન્દ્રથી કહેવાયેલી લાંબી છતાં સુંદર વાર્તા છે. આરંભમાં લોભી લાગતાં બા અંતે તેમના મૃત્યુ બાદ જાતે કરકસરપૂર્વક જીવી બીજાને ગુપ્ત રીતે મદદ કરતા તેની જાણ પુત્રને થતાં બાના વાસ્તવિક વ્યક્તિત્વને પામે છે, સાથે પુત્રને જીવનનો સાચો પાઠ શીખવી જનાર બને છે. બાનો પરિવાર અને વહુઓ માટેનું પ્રેમાળ વ્યક્તિત્વ તટસ્થ રીતે આલેખન પામ્યું છે. ‘મા અને દીકરી’માં નાની ઉંમરે માતા બનેલી માણેક અને તેની પુત્રી તારાના પાત્ર દ્વારા બાળમાનસ અને કિશોરાવસ્થામાં માતા બનતી માણેકને સાસુ તરફી દીકરીને સાચવવા માટેની ટોકટોક પુત્રીવિરોધી બનાવી, આખરે તિરસ્કાર અને ઉપેક્ષા દ્વારા પોતાની દીકરીથી દૂર લઈ જાય છે. માતાનો પ્રેમ મેળવવા નિષ્ફળ જતી તારા માતાના રોષનો ભોગ બની માતા દ્વારા ગુરુકુળમાં મુકાય છે. પરાણે ગુરુકુળમાં જતી, શરૂઆતમાં ઘેર આવવા માટે તલસતી તારા ધીરે ધીરે ત્યાં માન, પ્રેમ પામતા વેકેશનમાં પણ ઘેર આવવાનું ટાળે છે. ઘેર આવતા પોતાની શાળા અને શિક્ષકોનાં જ વખાણ કરતી તારા માણેકના મનમાં ગડમથલ જગાવી, દીકરી સાથેના પોતાના વર્તન પર પુનઃવિચાર દ્વારા પોતાની ભૂલ સમજાતા તારાને ઘેર રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તારાને તો આ ઘર હવે કેદખાનું લાગે છે, તેનું મન તો સતત ગુરુકુળને ઝંખે છે! ‘માનો જીવ’માં કાબુલીવાલાના અનુસંધાનમાં માતૃહૃદયનું આલેખન છે. અત્યારસુધી પોતાની પુત્રી પર અપાર વાત્સલ્ય વરસાવનાર શેરખાનના મુખે ભૂતકાળમાં પોતે કરેલ હત્યા વિશે સાંભળતા માતા સુભદ્રા એક ક્ષણમાં પોતાની પુત્રીને તેનાથી કાયમ માટે દૂર કરી દે છે! પોતાના બાળક પ્રત્યેના સાશંકમાનસને બ્રોકર આ વાર્તામાં સારી રીતે આલેખી શક્યા છે. માતા પ્રત્યેના પ્રેમને આલેખતી ‘કુંડી’ બ્રોકરની નીવડેલી વાર્તા છે. જૂના ઘેરથી લાવેલ જૂના સામાનમાંની રૂપાની કુંડી નિમિત્તે પુત્રના માનસમાં માતાનું સ્મરણ તાજું થાય છે અને તે પોતાના પરિવારને મા વિશે વાત કરવા ઉત્સુક છે પરંતુ પરિવારજનોને નવરાશ નથી અને વાચનમાં મન પરોવતા બાળપણમાં એ કુંડીમાંથી લગ્નપ્રસંગે બીડું આપતી ઘરેણાંથી અને બનારસીની સાચી ઝરીના સુંદર સેલામાં સજ્જ સુંદર મા અને જર્જરિત દશામાં મરણશૈયાએથી પોતાને કુંડીની જવાબદારી સોંપતા માની છબી પુત્રને ઘરી વળે છે. જે તેનો મા પ્રત્યે ગાઢ પ્રેમ પ્રગટ કરે છે. ‘મારી મા છે ને’ વાર્તા પણ જુદી રીતે મા પ્રત્યેની આમન્યાને આલેખે છે. પત્નીના ડર વગર બેફામ શરાબ અને સુંદરીની મોજ માણનાર અરોરા પોતાના મુલ્કમાંથી આવેલ માની સામે શરાબ પીને જઈ શકતો નથી! ‘વેદના’માં આરંભે અભ્યાસમાં નબળી દીકરીનું પેપર સારું જવાની માતાની ચિંતા અનુક્રમે પરીક્ષા દઈને ભારે પગલે આવતી દીકરીની નિરાશાને પારખી હૈયાધારણ આપવાનો નિષ્ફળ પ્રયાસ અને દીકરી દ્વારા પેપરમાં ન આવડવાનો સ્વીકાર અને દીકરીની વધતી નિરાશા અંતે માતાની વેદનામાં પરિણમે છે, પરિણામે જ દીકરાના પ્રથમ આવવાના સમાચાર પણ તેને આ વેદનામાંથી મુક્ત કરી શકતા નથી! ગાંધીવાદી વિચારધારાથી પ્રેરાઈ દેશને સમર્પિત થયેલા યુવાનોની માનસિકતાને આલેખતી વાર્તાઓ તરીકે ‘ધૂમ્રસેર’, ‘આગલી રાત્રે’, ‘રમા અને જયંત’, ‘ત્રિપુટી’, ‘પુરુષોત્તમદાસનો પુત્ર’ નોંધપાત્ર છે. ‘ધૂમ્રસેર’ બ્રોકરની સંવાદશૈલીએ સફળ નિવડેલી વાર્તા છે. પરિણામે જ તેનું નાટકમાં રૂપાંતર થઈ શક્યું છે. પડોશના પરણવા જતા વરરાજાને ધારીને જોઈ રહેલ પત્ની નીલિમાદેવીને જોતાં કમલબાબુના મનમાં ક્ષણવાર પહેલાનું એ જ દૃશ્ય નાવિન્યનો અનુભવ કરાવનારું બની રહેતા પત્નીના આગ્રહ છતાં તે વરઘોડામાં જવાની જગ્યાએ ચિરૂટની માગણી કરી આરામખુરશીમાં લંબાવે છે, એ ચિરૂટના ધુમાડા સાથે પોતાના ભૂતકાળમાં પોતાની પ્રશંસા અને પ્રસિદ્ધિની ભૂખે યુવાન દીકરાને સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાવાની રજા આપી ફાંસીના માંચડે ધકેલી દીધો હોવાનો અપરાધભાવ ચિરૂટમાંથી નીકળતી ધૂમ્રસેરના વલયો દ્વારા એક પછી એક દૃશ્યો સર્જે છે. અંતે પત્ની નીલિમાદેવી પાસે પોતાની ભીરુતાનો સ્વીકાર અને પત્નીનો ખાલીપો કમલબાબુના અપરાધભાવને તીવ્ર બનાવે છે. પ્રયુક્તિની દૃષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. ‘આગલી રાત્રે’માં આવતી કાલે ફાંસીએ ચડનાર ક્રાન્તિકારી ઉપેનના જીવનની અંતિમ રાત્રીએ પોતાની ટૂંકા જીવનની યાદગાર મધુર અને કરુણ ક્ષણોનું પીઠઝબકારની શૈલીએ નિરૂપણ છે. ગાંધીજીના માર્ગે નહિ, પરંતુ ભગતસિંહના માર્ગે ચાલી સ્વતંત્રતાની ચળવળમાં પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરનાર યુવાન ઉપેન પોતાની પ્રવૃત્તિઓ દરમ્યાન પ્રતિમાના સંપર્કમાં આવતા, પરસ્પર આકર્ષણ પામી પોતાના હૃદયભાવને વશ થઈ પ્રતિમાને ચુંબન કરી બેસે છે, પરંતુ પોતાની આ નિર્બળતાને પારખી બીજી જ ક્ષણે સભાન બની પોતાનું ધ્યેય યાદ આવતા જાતને પાછી ખેંચી લે છે. આજે તે જીવનની અંતિમ રાત્રી ગાળી રહ્યો છે ત્યારે આ મધુર સ્મરણો તેના મુખ પર ફાંસીના સમયે પણ આનંદ લાવનાર બની રહે છે. ‘રમા અને જયંત’માં પરસ્પરને ચાહતાં રમા અને જયંત પોતાના આદર્શ નેતા સંદર્ભેનો વિરોધી મત આખરે મનભેદમાં પરિણમતા બન્ને વચ્ચેના પ્રેમને નષ્ટ કરનાર બની રહે છે તેનું વિગતપૂર્ણ આલેખન છે, સાથે કથકનો હસ્તક્ષેપ વાર્તાની વ્યંજનાને મોળી પાડે છે. ‘ત્રિપુટી’ રમેશ, રસિક અને ઉષા ત્રણે સાથે ભણતા મિત્રોની ગાઢ મિત્રતા ઉષા પ્રત્યેના પ્રેમ સંદર્ભે રમેશ અને રસિક બન્ને મિત્રોમાં ગેરસમજ ઊભી કરે છે અને રસિક પોતાના મિત્રના માર્ગમાંથી ખસી જવા કોઈને જાણ કર્યા વગર પ્રદેશ છોડી ચાલ્યો જાય છે. પરંતુ રસિકને ચાહતી ઉષાની સામે રમેશ દ્વારા લગ્નપ્રસ્તાવ મુકાતા તે પોતાના હૃદયની વાત કરે છે અને રસિકે પોતાને રમેશના પોતાના માટેના પ્રેમ સંદર્ભે સમજાવ્યાની સ્પષ્ટતાથી રમેશની રસિક માટેની ગેરસમજ દૂર થતાં ઉષા અને રસિકના લગ્ન કરાવવાનો નિર્ણય કરે છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન દેશસેવામાં જોડાયેલ ત્રણે મિત્રો વર્ષો બાદ મહાસભા સમિતિની બેઠકમાં ફરી મળતા બધી ગેરસમજો દૂર થાય છે અને રમેશ પોતાનો પશ્ચાત્તાપ વ્યક્ત કરતા બન્નેના લગ્ન કરાવવાનો નિર્ણય રસિકને જણાવતા રસિક તેને પોતાનો દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો ઉદ્દેશ જણાવે છે અને દેશસેવામાં જોડાયેલ ત્રણે મિત્રો આ ક્ષણિક આવેગમાંથી મુક્ત થઈ પોતાના દેશસેવાના મૂળ ઉદ્દેશને વળગી રહી ફરી પહેલાં જેવા જ ગાઢ મિત્રો બની રહે છે. ‘પુરુષોત્તમદાસનો પુત્ર’ દ્વારા દેશ માટે જીવન સમર્પી દેનાર પુત્રની સામે પોતાના દીકરાને દેશસેવાના માર્ગેથી તેની માનસિકતાને ઠેસ પહોંચાડ્યા વગર વાડી, વ્યાપારમાં જોડી દેનાર પિતાના સ્વાર્થી વ્યાપારી માનસનું આલેખન છે. આ વાર્તાઓ માત્ર ગાંધી વિચારધારા કે રાષ્ટ્રપ્રેમને આલેખતી વાર્તાઓ માત્ર નથી, પરંતુ તેમાં પાત્રમાનસનું સૂક્ષ્મ આલેખન તેને વિશેષ બનાવે છે. ઈર્ષા, અસૂયા, વેદના, ભય જેવા ભાવો તેમની વાર્તાઓમાં અનેક ભૂમિકાએ આલેખાયા છે. ‘કવિ ઉરની વ્યથા’, ‘ગાંડી’, ‘વસુંધરા’, ‘વો સચમુચ મર ગઈ’ ‘ઊભી વાટે’, ‘ઘરઘરાટ’, ‘ગતિ-અવગતિ’ વાર્તાઓ આ સંદર્ભે મહત્ત્વની છે. ‘કવિ ઉરની વ્યથા’ વાર્તા બે મિત્રો વચ્ચેની ગાઢ મિત્રતામાં પોતાની અપેક્ષાએ મિત્ર રવીન્દ્રને મળતી કવિ તરીકેની પ્રસિદ્ધિના કારણે મહેન્દ્રમાં જન્મતી ઈર્ષા તેને વધુ ને વધુ એ કળણમાં ડૂબાળી મિત્રદ્વેશી બનાવે છે, તેનું સૂક્ષ્મ આલેખન છે. સમગ્ર વાર્તા વધુ સઘન બની શકી હોત વાર્તાકારે કવિ માનવમન વિશેનું પૃ. ૧૬૧ પરનું ચિંતન ટાળ્યું હોત! ‘ગાંડી’ વાર્તામાં રોડ પર બેસી રહેતી માનસિક અસ્વસ્થ સ્ત્રીની વર્તમાનસ્થિતિ પાછળ તેના કરુણ ભૂતકાળનું કથન ગાંડીના પાત્ર સંદર્ભે કરુણા જન્માવનાર છે. ‘વસુંધરા’ નંદવાતાં માવનહૈયાની વાર્તા છે. વસુંધરાનો તરંગી સ્વભાવ પતિ-પત્નીના જીવનને કેવી રીતે મધુરતા તરફથી કરુણતા તરફ લઈ જાય છે તેનું આલેખન વાર્તાના કેન્દ્રમાં છે. તરંગી સ્વભાવની વસુંધરાના સ્વભાવમાં લગ્ન પછી પણ કોઈ જાતનું પરિવર્તન ન આવતા, શરૂઆતમાં તો લગ્નજીવન સુખમય ચાલે છે પરંતુ ધીરે ધીરે વસુંધરાનું તરંગી માનસ પતિના મનમાં અસંતોષ જન્માવે છે, એટલું જ નહિ, વારંવાર જાહેરમાં પોતાનું અપમાન કરી બેસતી વસુંધરા વહાલી લાગવાની જગ્યાએ અસહ્ય થતાં આખરે વસુ તરફ તેને બેદરકાર બનાવે છે. પતિના સ્વભાવમાં આવેલ આ પરિવર્તન વસુંધરા માટે પણ અસહ્ય બને છે અને આખરે પોતાના સુખી સંસારને પોતાને હાથે જ ધૂળ કરી નાખવામાંથી જન્મતી પીડા તેની વેદનાને વધારે છે. ‘વો સચમુચ મર ગઈ’ સંવાદશૈલીએ વિકસતી સુંદર વાર્તા છે. નોકરી માટેની શરતના ભાગ રૂપે પોતે પરણેલ છે એવા જુઠાણાનો આધાર લેનાર નાયક કર્તારસિંહની મનોવેદના અહીં આલેખાઈ છે. પોતાના વતનથી દૂર નોકરી કરતો કર્તારસિંહ લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં નિષ્ફળ જતા અને નોકરીની શાળામાંથી પત્નીને ક્યારે લાવશો?ની સતત થતી પૃચ્છા તેને જુઠાણાના કળણમાં વધુ ને વધુ ધકેલે છે. અંતે ગરીબ કર્તારસિંહને યોગ્ય પાત્ર ન મળતા આખરે નોકરી બચાવવા પત્ની ગામડે સુવાવડમાં મરી ગઈ એવા જુઠાણાં પર આવી અટકે છે જે કર્તારસિંહનાં જુઠાણાં કરતા તેનામાં મરણ પામતી લગ્નની ઇચ્છા દ્વારા તેની નિરાશાને આલેખે છે. ‘ઊભી વાટે’માં ગરીબીમાંથી સંઘર્ષ કરી વેપારી બનેલ કપૂરચંદના પસ્તાવાનું સંયમિત આલેખન છે. બચ્ચાને લઈ ભીખ માંગનાર બાઈને હડધૂત કરતા, કરગરતી ભિખારણ માટે પોતે પ્રયોજેલા શબ્દો – “જો એ બૈરાં છોકરાંઓના ધણીને કે બાપને એની નથી પડી તો મને શી પડી હોય? જા ભાઈ જા, કામ કર, આવાં આવાં લફરાં ઊભાં કરવા કરતાં.” (પૃ. ૮) આની સામે ભિખારણ તેની એક પાઈ પણ લેવાની ના પાડી દે છે ત્યારે શેઠની અંદર દબાવી રાખેલ કોમળ ખૂણો પ્રકાશિત થતાં એ બાઈ અને બાળકમાં તેને પોતાની માતા અને પોતાની જાતની ઝાંખી થાય છે, પરિણામે તેને મદદ કરવા તેની પાછળ દોડતા નિર્મમ બનેલ શેઠ પર બાળપણના કોમળ હૃદયી કપૂરનો વિજય સૂચવાયો છે. ‘ઘરઘરાટ’ ભૂતકાળમાં શારદાથી આઘાત પામેલ સુશીલ વર્તમાનમાં વિમાનમથકે સોહિણીના આગમનની આતુરતાથી રાહ જોતા આખરે સોહિણીનું ન આવવાને કારણે બીજી વાર નિર્જીવતાના અનુભવ આલેખે છે. ‘ગતિ-અવગતિ’ સાઇકલની તીવ્ર ગતિથી આનંદ પામનાર નાયકને અપરિચિત ગાડીવાનના પીછાને કારણે સર્જાતું દબાણ માનસિક સંતાપનું કારણ બની તેના આરંભના આનંદને હરી લઈ ભયનો અનુભવ કરાવે છે. પ્રેમ ગેરમાર્ગે ગયેલ માનવીને પણ સદ્માર્ગે વાળી શકે, એ ભાવને આલેખતી વાર્તાઓ ‘રખડું’, અને ‘તમે આવતા રહેશો ના, તો...’ નોંધપાત્ર છે. બાળપણમાં પ્રેમની ઊણપને કારણે ગેરમાર્ગે ગયેલ સરફરોશને પ્રેમ કેવી રીતે ગેરમાર્ગેથી ઉગારી લઈ સદ્માર્ગે વાળે છે તે સરફરોશના જીવન દ્વારા અસરકારક રીતે આલેખાયું છે. તો ‘તમે આવતા રહેશો ના, તો...’માં સારી સોબતે ગુનાઇત માનસ ધરવાનાર નારણદાસનું માનસ પરિવર્તન સ્મરણ રૂપે પીઠઝબકાર અને સંવાદાત્મક શૈલીએ આલેખાયું છે. મધુર દામ્પત્યને આલેખતી વાર્તાઓ તરીકે ‘ત્રણ પત્રો’, ‘સ્થળ, સમય અને પ્રણય’, ‘દામ્પત્ય’ નોંધપાત્ર છે. ‘ત્રણ પત્રો’ પત્રશૈલીએ લખાયેલી વાર્તા છે. પત્નીના બે અને પતિનો એક એમ શીર્ષકને અનુરૂપ ત્રણ પત્રો વિખરાતા દામ્પત્ય જીવનમાંથી પુનઃ સંવાદિતા તરફની ગતિને આલેખે છે. ‘સ્થળ, સમય અને પ્રણય’ એક પ્રયોગાત્મક વાર્તા છે. લીલુભાઈ અને તરુ જેવા વિરોધી સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતાં પાત્રો વચ્ચેના પ્રસૂતિગૃહમાં થયેલ અનન્ય પ્રેમના અનુભવની ઘટનાને મિત્રોમાં ચાલતી સાહિત્યિક ચર્ચા-પ્રેમની અભિવ્યક્તિ ગમે તે સમયે, ગમે તે સ્થળે, અણધાર્યા સંજોગોમાં કરી શકે છે. એ વાતની પ્રતીતિ કરાવવા માટે કહેલ સત્ય હકીકતનું રસયુક્ત કથન છે. ગુલાબદાસની આ વાર્તા પર દ્વિરેફની શૈલીનો પ્રભાવ જોઈ શકાય. ‘દામ્પત્ય’માં પુત્ર અશ્વિનને બાળપણમાં પિતાનું માતા પ્રત્યેનું ક્રોધભર્યું વર્તન લગ્નથી વિમુખ કરે છે, પરંતુ અંતિમ અવસ્થામાં માતાને ઝંખતા અને પુત્રને મા જેવી કન્યા સાથે જ પરણવાનું કહેતા પિતા અને અંતિમ શ્વાસ સુધી નિશ્ચિતપણે માને જ નિહાળ્યા કરતા પિતા અશ્વિનને દામ્પત્યનો ખરો અર્થ સમજાવી જાય છે અને પરિણામે અત્યાર સુધી પરણવાનો ઇનકાર કરનાર અશ્વિન પરણવા માટે સંમત થાય છે. આઝાદી બાદ દેશમાં વ્યાપેલ ગરીબી, ભૂખમરો, દેશસેવાને નામે દંભ, નૈતિક પતન તરફ જતો માનવી તેમની વાર્તામાં આલેખાયો છે. ‘એક દ્વંદ્વ’, ‘રોટલો અને હૃદય’, ‘દેશદર્શન’, ‘એક સમાજસેવિકાની રોજનીશીમાંથી’, ‘અંધુસ’ વાર્તાઓ આ સંદર્ભે મહત્ત્વની છે. ‘એક દ્વંદ્વ’ વાર્તામાં વૈશ્યાનો વ્યવસાય કરતી બે સ્ત્રીઓ એકે બીજીનું ગ્રાહક પડાવી લીધું એ માટે ભરી બજારમાં ઝઘડતા એકબીજાને નિર્વસ્ત્ર કરવા સુધીની સ્થિતિએ પહોંચાડે છે! અંતે દૃષ્ટા કથકનો હસ્તક્ષેપ વાર્તાને વાચાળ બનાવે છે. ‘રોટલો અને હૃદય’માં પાંચ મિત્રો એક તરફ માત્ર મોજશોખ ખાતર અઢળક પૈસા વેરી શકે છે તો બીજી તરફ પોતાની નાની દીકરીને રસી પર ચલાવી અને જુદા જુદા ખેલ બતાવી પોતાનું પેટિયું રળનાર પિતા છે. લોકોને ખુશ કરવા વધારે કપરા દાવ કરતી બાળકી નીચે પટકાતા પિતાનું રોટલાને રળી આપનાર બાળકીને બચાવવાની પ્રાર્થનાઓ સામે તેને બેવકૂક કહેનારો આ ભદ્ર વર્ગ સમાજવાદની માત્ર કોરી વાતો જ કરનાર છે! મનોરંજન માણ્યાનો પુરસ્કાર ન આપી, ઘવાયેલ બાળકી પ્રતિ માનવીયભાવનો અભાવ કરુણા જન્માવે છે. ‘દેશદર્શન’ વાર્તા સમગ્ર દેશનું ભ્રમણ કરેલ નાયકને દુલ્લભ ડોસા દ્વારા માલધારીઓને ઉનાળાના બે મહિના વેઠવા પડતા ભૂખમરા છતાં એક ટંક ખાવાનાં પણ સાંસા વેઠનારી આ રબારી અને ચારણોની પ્રજાની પોતાના માટે દાન ન લેવાની ખુમારી દ્વારા પ્રત્યક્ષપણે સાચા અર્થમાં કરાવાતું દેશદર્શન છે. ‘એક સમાજસેવિકાની રોજનીશીમાંથી’ વાર્તા સામાજિક કાર્યકર તરીકે પોતાને ઓળખાવનાર સેવિકાના વાસ્તવને આલેખે છે. ડાયરીની પ્રયુક્તિએ રોજનીશીમાં નોંધાયેલ ૧ દિવસની નોંધ દ્વારા સર્જક આ વાસ્તવિકતાને અસરકારક રીતે નિરૂપી શક્યા છે. સાડી ખરીદવામાં, ફિલ્મ જોવામાં, બહેનપણીઓ સાથે ગપ્પા મારવામાં આનંદ માણતી સમાજસેવિકા પોતે બોલાવેલા માસ્તરને એનો અધિકાર પણ આપવા માટે સંમત થતી નથી અને બહેનપણી પાસે વખોડી કાઢે છે ત્યારે તેનો ખરો સ્વભાવ અને દંભ પ્રગટ થાય છે. માસ્તર માટેનો તેનો ખરો ભાવ તેના અમાનવીયપણાને પ્રગટ કરે છે. ‘અપને અપને તાન મેં’માં આઝાદી બાદ સ્વાર્થી બનતી જતી પ્રજાનું આલેખન થયું છે. ‘લોકલાડીલા’ એવા જયપ્રકાશ નારાયણના અવસાનના દિવસે પણ કોઈ પણ જાતના શોક વગર રાબેતા મુજબ પોતાની મિટિંગો અને સંમેલનોમાં આઇસક્રીમની મોજ માણનાર અને રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ સ્ત્રી પુરુષો બદલાતી પેઢીની માનસિકતાને આલેખે છે. ‘બે ગાંધીની એક વાત’ આઝાદી બાદ બદલાતી દેશની અને માનવીની માનસિક સ્થિતિને રેલવેમાં રિઝર્વેશન માટે મિત્ર મહિલા દ્વારા લાંચ આપી જગ્યા મેળવવાના સામાન્ય લાગતા અનુભવ દ્વારા આલેખી છે. પોતાની નિષ્ફળતામાં અને મિત્ર મહિલાની સફળતા પાછળ ગાંધીજી અને ઇન્દિરાના જુદા જમાનામાં થયેલ ઉછેરનો સ્વીકાર દેશમાં પ્રવેશેલ ભ્રષ્ટાચાર અને લોકોની બદલાતી સ્વાર્થી માનસિકતાનો સંકેતે છે. ‘અંધુસ’ કહેવાતા સંસ્કારી પ્રૌઢોની દેહલાલસાને સાંકેતિક રીતે આલેખે છે. મિત્રોની સામે સ્ત્રીઓનાં વસ્ત્રો વિશે ટીકા કરનાર આ પ્રૌઢો વાસ્તવમાં ટોપલેસ સ્વિમિંગ સૂટમાં સજ્જ યુવતીને આગળથી જોવા માટે કેટલા આતુર છે તેનું સૂક્ષ્મ આલેખન તેમની દંભી માનસિકતાને છતી કરે છે. બાળમાનસને આલેખતી વાર્તાઓમાં ‘મંજુલા અને અનિલ’, ‘બાળક’, ‘કાગડો અને કિરીટ’, ‘હું તો બહાર બેઠો છું’, ‘ચાલને, મમ્મી! આપણે પપ્પા બદલી નાખીએ’ નોંધપાત્ર છે. ‘મંજુલા અને અનિલ’માં ભાઈની બ્હેન પ્રત્યેની ઈર્ષા છેક અનિલને મૃત્યુ સુધી લઈ જાય છે. સમગ્ર વાર્તામાં બીજું બાળક આવતા પ્રથમ બાળક માટે આવનાર બાળક તરફ વધતી ઈર્ષાનું કારણ માતાનો વહેંચાતો પ્રેમ અને એમાં દીકરી મંજુના જીવન વિશે દશ વર્ષે તે જીવલેણ બીમારીનો સામનો કરતા ભાગ્યે જ ઊગરી શકે તેવી ભવિષ્યવાણી માતાનું ધ્યાન અને પ્રેમ બન્ને તેના તરફ વધારે છે પરિણામે અનિલને વારંવાર અપમાન, માર, ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે, જે મંજુ પ્રત્યેની તેની ઈર્ષાને એટલે સુધી દૃઢ બનાવે છે કે તે બહેનના મૃત્યુની કામના કરવા લાગે છે. અંતે બીમારીમાં માતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા તાવમાં સબળતો અનિલ બહાર ટાઢમાં થથરી ન્યુમોનિયાનો ભોગ બનતા મૃત્યુને પામે છે! વાર્તામાં મંજુલા અને અનિલના બાળમાનસનું સૂક્ષ્મ વિશ્લેષણ વાર્તાનું જમા પાસું છે. ‘બાળક’ વાર્તામાં પોતાનાથી મોટી છોકરીઓ જોડે રમવા માટે કંઈ પણ કરી છૂટવાની તૈયારી રૂપે મોતને પણ સ્વીકારી, માતાથી સાપ કરડવાની વાત છુપાવનાર આઠ વર્ષની નવલના પાત્ર દ્વારા બાળમાનસનું સુંદર આલેખન કર્યું છે. ‘કાગડો અને કિરીટ’માં બાળક કિરીટ દ્વારા બાળકના કુતૂહલની સામે મોટેરાંઓનો દંભ સાંકેતિક રીતે આલેખાયો છે. રસ્તામાં મરેલ કાગડો કિરીટના મનનો કબજો લે છે, ઘેર જઈને મમ્મીને પોતે જોયેલ આ કૌતુક વિશે કહીને અચંબિત કરી દેવામાં મગ્ન છે, પરંતુ બીમાર માને તેમાં રસ નથી. અચાનક પિતાની માંદગીના કારણે મુંબઈ જતાં માનું બધું જ ધ્યાન પિતા તરફ જતા તે પોતાની વાત બહેનોને કરી તેને અચંબિત કરે છે. મરેલ કાગડામાં ગુલતાન કિરીટ પ્રત્યે માતાનો રોષ, પિતાની બીમારીના કારણે ઘરનું તંગ વાતાવરણ કિરીટને ઉદાસીન બનાવે છે. જેને મોટેરાંઓ પિતાની બીમારીની ચિંતા ગણાવે છે! જે બાળક અને મોટેરાંઓના વર્તનનો વિરોધ સર્જે છે. ગુલાબદાસની આ વાર્તા બાળમાનસના સારા જ્ઞાતા હોવાનો પરિચય કરાવે છે. ‘હું તો બહાર બેઠો છું’ બાળમાનસને આલેખતી હાસ્યથી ભરપૂર વાર્તા છે. માસિક ધર્મને લઈ મોટેરાંઓની બાળકોને કહેવામાં આવતી વાતોને ગંભીર રીતે અનુસરી વર્તતા ભનિયાનું કુતૂહલ અને તેની ક્રિયાઓ હાસ્યરસથી ભરપૂર છે. ‘ચાલને, મમ્મી! આપણે પપ્પા બદલી નાખીએ’ બાળમાનસને સંવાદ શૈલીએ આલેખતી વાર્તા છે. કાયમ ઑફિસમાં રહેનાર પપ્પાની સામે પોતાના મિત્રના ઘરે રહેનાર અને તેની સાથે રમનાર, ફરવા લઈ જનાર પપ્પાને જોતાં દીપુ પોતાની મમ્મીને પોતાના પપ્પા બદલી નાખવાનું કથન બાળમાનસને તો આલેખે જ છે સાથે વ્યવસાય અથવા નોકરીને કારણે પોતાનાં બાળકોને સમય ન આપી શકનાર પિતાઓની વાસ્તવિક સ્થિતિનો સંકેત પણ કરે છે. વેશ્યા વ્યવસાયને કેન્દ્રમાં રાખી સર્જાયેલી વાર્તાઓ તરીકે ‘હવે હું આત્મકથા લખીશ’, ‘દેવાંગના કે અપ્સરા’, ‘ચૈતાલી, ઓ ચૈતાલી!’ નોંધપાત્ર છે. ‘હવે હું આત્મકથા લખીશ’માં આજે પ્રસિદ્ધ લેખક બનેલ આત્મકથા લખવાની ઇચ્છા હોવા છતાં પોતાના સામાન્ય જીવનને કારણે લખી શકતો નથી પરંતુ સ્ટેશને તેના લેખન દ્વારા પરિચિત મિત્ર મળતાં પોતે આલેખેલ અવાસ્તવિક દુનિયાની સામે તેને મુંબઈમાં ચાલતા વેશ્યા વ્યવસાયની વાસ્તવિક દુનિયાનો કરાવાતો અનુભવ આત્મકથા લેખન તરફ લઈ જાય છે. ‘દેવાંગના કે અપ્સરા’માં પોતાની દીકરીના સૌંદર્યને સામે ધરી પુરુષોને પોતાને ઘેર બોલાવી, બૂમાબૂમ કરી સજ્જન લોકો પાસેથી પૈસા પડાવનાર પિતાનું આલેખન છે, તો બીજી બાજુ સજ્જન વેશમાં ફરનાર આવા લોકોથી બચવાની સલાહ આપનાર દિનુભાઈ પોતે પણ આ ધંધામાં સંડોવાયેલ છે! વાર્તામાં નાયકનું પોતાની દીકરીને સામે ધરનાર પિતાનું આંખ મીચકારવું, ઘેર આવવાના નિમંત્રણને ન સમજવું એ પ્રતીતિકર લાગતું નથી. ‘ઝરિયા’ નારીના મનોજગતને આલેખતી વાર્તા છે. બિચારી, લાચાર બની જુઠાણાનો આધાર લઈ પુરુષને લોભાવનાર કાંતા આશરો માંગવાને બહાને પુરુષની લાલસાવૃત્તિને પારખી પોતાની અતૃપ્ત ઇચ્છાઓ સંતોષે છે. વાર્તામાં ઝરિયા જવા માટેની તીવ્ર કામના સ્થળવિશેષ ન રહેતા તેની અંતરંગ ઇચ્છાઓનો સંકેત બને છે. ‘ચૈતાલી, ઓ ચૈતાલી!’ વાર્તામાં પ્રેમની ભૂખે વિવેક ગુમાવી પ્રેમી દ્વારા દગો પામી આખરે વેશ્યાનો વ્યવસાય સ્વીકારતી ચૈતાલીની પ્રેમ પામવામાં પ્રાપ્ત થયેલ નિરાશાનું આલેખન દીર્ઘસૂત્રી શૈલીમાં થયું છે. ચૈતાલીના ભાવો વિશેની સ્પષ્ટતા કરતો પૃ. ૭૦ પરનો કથકનો બિનજરૂરી હસ્તક્ષેપ વાર્તાની વ્યંજનાને હાનિ પહોંચાડે છે. માનવમનની અકળ ગતિને આલેખતી વાર્તાઓમાં ‘કોરો ચેક’, ‘એ રામ તો એના એ’, ‘દિલના રંગ’ મહત્ત્વની છે. ‘કોરો ચેક’ માનવમનની અકળગતિ અને અનંત ઇચ્છાઓને નિરૂપતી વાર્તા છે. પોતાના સાહિત્યના પુરસ્કાર તરીકે ગુજરાતના ઉદ્યોગપતિ રાયચંદ ઈશ્વરદાસ તરફથી મળેલ કોરો ચેક નરેન્દ્રના મનમાં અનંત ઇચ્છાઓનો કેવો વલય સર્જે છે, તેનું સૂક્ષ્મ નિરૂપણ છે. ચેક ન સ્વીકારવાથી શરૂ થયેલ વલય ૫ રૂપિયાથી વધતો વધતો ૧ લાખ રૂપિયા સુધી પહોંચી આખરે પોતાની પામરતાનું ભાન થતાં કોરા ચેકના કટકા પાછા મોકલાવવા પર વિરમે છે. જે નાયકનો નૈતિક વિજય સૂચવે છે. ‘એ રામ તો એના એ’ પોતાની પત્નીની ગેરહાજરીમાં કમલ નામની વેશ્યાને બહેન માની આશરો આપનાર નંદુ આખરે તેના વર્તનથી ત્રાસી તેનાથી મુક્તિ મેળવવા મિત્ર કનુભાઈની મદદ લઈ તેના ત્રાસમાંથી મુક્તિ મેળવવામાં સફળ થાય છે. પરંતુ તેના જતા નિરાંતનો શ્વાસ લેવાની જગ્યાએ તેની જ ચિંતામાં વ્યથિત છે! ‘દિલના રંગ’માં વિમલાના પાત્ર દ્વારા માનવના બદલતા ભાવોનું સંયમિત આલેખન છે. વર્ષો પહેલાં પોતાને અને બાળકોને છોડીને ગયેલ પતિ આજે પાછો આવતા બહાર કાઢી મૂકનાર વિમલા પોતાને વિકટ પરિસ્થિતિમાં મદદ કરનાર નિર્મળાબહેન સામે પોતે પોતાના પતિને, બાળકોના પિતાને હડધૂત કરીને કાઢી નાખ્યાં માટે અફસોસ વ્યક્ત કરે છે. વિમલાના ભાવમાં આવેલ આ પરિવર્તન માનવીના અગમ્ય ભાવોને આલેખે છે. અન્ય વાર્તાઓમાં ‘પ્રકાશનું સ્મિત’, ‘જ્ઞાનદાન’, ‘નિર્દય’, ‘રૂપ’ તેની ચોટ અને લેખનશૈલીને કારણે નોંધપાત્ર છે. ‘પ્રકાશનું સ્મિત’નો નાયક પ્રકાશ પોતે લેખકના વ્યવસાયને આપેલ વધારે મહત્ત્વને કારણે અને સર્જનવિશ્વમાં થતી ઈર્ષાને કારણે જન્મતી ખિન્નતાને અંતે મિત્રની અત્યંત બીમાર પત્નીને મળવા જતા આવી અવસ્થામાં પણ તેમને મળવાની ઉત્કંઠા અને પ્રકાશની કવિતાઓ દ્વારા તેમને પ્રાપ્ત થયેલા આનંદના ઉદ્ગારો પ્રકાશની બધી ખિન્નતા દૂર કરી, તેના અસંતોષને હરી તેના મુખ પર કૃતકૃત્યતાનું સ્મિત પાથરી દે છે. ‘જ્ઞાનદાન’ વાર્તામાં ચંપાનાં કડવાં વચનો સંન્યાસી રાધાકિશનને પોતાના સાચા માર્ગનું જ્ઞાન આપે છે. ‘નિર્દય’માં દુષ્ટ અને નિર્દય પતિથી અલગ થઈ નર્સ(દાયણ)ના વ્યવસાયના માધ્યમે ગરીબ ગામડાનાં લોકોને પોતાના વ્યવસાયનો દુરુપયોગ કરીને લૂંટનાર નાયિકા દુર્ગાબાઈની વાસ્તવિકતા વક્રશૈલીમાં આલેખાઈ છે. ‘રૂપ’ રૂપ વિનાની પત્નીની મૃત્યુશૈયાનું દર્શન નાયકને તેના ભૂતકાળમાં લઈ જાય છે અને જેના દ્વારા પોતે આજે ગરીબીમાંથી સારી સ્થિતિએ પહોંચ્યો છે, જે ક્યારેય પતિના માર્ગમાં આવી નથી, દરેક સ્થિતિમાં હસતી રહેનાર ઓછી રૂપવાન પત્ની પ્રત્યેનો ભાવ અંતે મૃત્યુશૈયા પર સૂતેલ માને પ્રેમથી નિહાળતા દીકરીને થતું સૌંદર્યદર્શન પતિને તેના ખરા લાવણ્યનું દર્શન કરાવે છે અને પોતે ક્યારેય પત્નીને આ પ્રેમપૂર્વક દૃષ્ટિએ ન જોઈ શક્યો તેનો પસ્તાવો રહી જાય છે. ‘નિરાળું એ કશુંક’ યુરોપીય વૃદ્ધ અને યુવાન પત્નીનું વયનું કજોડું પરસ્પર સાચા સ્નેહ અને સમર્પણને કારણે કશાક નિરાળાનો અનુભવ કરાવે છે. દેખાવ, વર્તન, વાતચીતની શૈલી અને પતિ પ્રત્યેના પ્રેમને કારણે હિલ્ડાનું પાત્ર યાદગાર બન્યું છે.
ગુલાબદાસ બ્રોકરની વાર્તાકળા :
આજે ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ વાંચતા તેમની વાર્તાકાર તરીકેની મુખ્ય લાક્ષણિકતા સંદર્ભે જ્યારે પ્રશ્ન કરવામાં આવે ત્યારે તેનો જવાબ માનવમનને સમજવાની મથામણ કરનાર વાર્તાકાર તરીકે આપી શકાય. તેમની આ લાક્ષણિકતાની નોંધ અનેક વિવેચકોએ લીધી છે. આ સંદર્ભે રમણલાલ જોશીનું નિરીક્ષણ તેમની લાક્ષણિકતાને ચીંધે છે : “ગુલાબદાસ માનવીના મનને બરાબર પિછાણે છે. પણ, એ કોઈ માનસશાસ્ત્રના વિદ્વાનની રીતે નહિ, પણ સર્જકના વ્યાપક સમભાવમાંથી સ્વાભાવિક જન્મતા પ્રેમ અને કરુણાના ભાવથી.” (‘ફૂલ ઝરે ગુલમહોર’, પૃ. ૯) ગુલાબદાસ બ્રોકરે દરેક વયના માનવીને સમજવા અને આલેખવાનો પ્રયાસ તેમની વાર્તાઓમાં કર્યો છે. પરિણામે તેમની વાર્તાઓમાં બાળમાનસથી લઈ પ્રૌઢના માનસનું આલેખન છે. વિષય નાવિન્ય, સંવાદકળા, સુરેખ પાત્રાલેખન, ભાવને અનુરૂપ ભાષા, સરળ નિરૂપણશૈલી તેમની વાર્તાઓની લાક્ષણિકતાઓ છે. મોટાભાગની વાર્તાઓમાં સંવાદશૈલી અને પીઠઝબકારની શૈલીનો આધાર લેવામાં આવ્યો છે. જેનાં કેટલાંક સુખદ પરિણામો ‘નીલીનું ભૂત’, ‘ધૂમ્રસેર’ના નાટ્ય રૂપાંતરે મળ્યાં છે. તો વધુ પડતો પ્રસ્તાર, વિગત ખચીત શૈલીએ નિરૂપણનો આગ્રહ કથક તરીકે થતી સ્પષ્ટતાઓ તેમની વાર્તાઓને નિરસ બનાવે છે. ચાર દાયકા સુધી વાર્તાસર્જન કરનાર સર્જક પાસેથી ઇયત્તાની દૃષ્ટિએ તો ખાસ્સી એવી વાર્તા મળી, પરંતુ તેમની વાર્તા લેખનકળામાં કોઈ સ્થિત્યંતરો જોઈ શકાતા નથી. તેમની વાર્તાઓ નિરૂપણની દૃષ્ટિએ મોટાભાગે એક જ ઘરેડમાં ચાલે છે. છતાં તેમની વાર્તાકળાનો સુખદ અનુભવ તેમની વાર્તાઓ – ‘લતા શું બોલે’, ‘સુરભિ’, ‘નીલીનું ભૂત’, ‘ધૂમ્રસેર’, ‘પ્રેમપદારથ’, ‘કોરો ચેક’, ‘કાગડો અને કિરીટ’, ‘વો સચમુચ મર ગઈ’, ‘ઊભી વાટે’, ‘ઘરઘરાટ’, ‘નરહરજી’, ‘ગુલામદીન ગાડીવાળો’, ‘બા’, ‘કુંડી’ ‘રૂપ’ જેવી વાર્તાઓમાં થાય છે. આ મર્યાદાઓ છતાં ગુલાબદાસ બ્રોકરે પોતાની વાર્તાઓમાં પોતાના સમયગાળામાં બદલાતા સમય અને બદલાતા માનવીને પારખી, તેના મનોસંઘર્ષને વાર્તામાં આલેખવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. એ રીતે પણ તેમની વાર્તાઓનું ઐતિહાસિક મૂલ્ય કરવું ઘટે.
સંદર્ભગ્રંથ :
૧. ‘લતા અને બીજી વાતો’, ગુલાબદાસ બ્રોકર પ્ર. આ. ૧૯૩૮, જીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
૨. ‘વસુંધરા અને બીજી વાતો’, ગુલાબદાસ બ્રોકર, પ્ર. આ. ૧૯૪૦, શિષ્ટ સાહિત્ય ભંડાર, મુંબઈ
૩. ‘ઊભી વાટે’, ગુલાબદાસ બ્રોકર, પ્ર. આ. ૧૯૪૪, આર. આર. શેઠની કંપની, મુંબઈ
૪. ‘સૂર્યા’, ગુલાબદાસ બ્રોકર, પ્ર. આ. ૧૯૫૦, ભારતીય સાહિત્ય સંઘ લિમિટેડ, અમદાવાદ
૫. ‘પ્રકાશનું સ્મિત’, ગુલાબદાસ બ્રોકર, પ્ર. આ. ૧૯૫૬, શ્રી હરિહર પુસ્તકાલય, સુરત
૬. ‘માણસનાં મન’, ગુલાબદાસ બ્રોકર, પ્ર. આ. ૧૯૬૨, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
૭. ‘પ્રેમ પદારથ’, ગુલાબદાસ બ્રોકર, પ્ર. આ. ૧૯૭૪, અશોક પ્રકાશન. અમદાવાદ
૮. ‘રૂપ’, ગુલાબદાસ બ્રોકર, નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ
૯. ‘સાહિત્યિક વાચના વિશે’, વિજય શાસ્ત્રી પ્ર. આ. ૨૦૧૧, ગુર્જર એજન્સી, અમદાવાદ
૧૦. ‘ફૂલ ઝરે ગુલમહોર’, રમણલાલ જોશી, પ્ર. આ. ૧૯૮૨, ત્રી. પુ. મુ. ૨૦૧૧, આદર્શ પ્રકાશન, અમદાવાદ
ડૉ. સુશીલા વાઘમશી
ગુજરાતીના પ્રાધ્યાપક
સરકારી વિનયન-વાણિજ્ય કૉલેજ,
દયાપર, લખપત
જિ. કચ્છ
મો. ૯૯૧૩૧ ૪૦૮૮૮