ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધીરુબેન પટેલ

From Ekatra Wiki
Revision as of 03:05, 19 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સમાજજીવનની વાસ્તવિકતા આલેખતી
ધીરુબેન પટેલની વાર્તાઓ

નીતા જોશી

Dhiruben Patel 2.jpg

ધીરુબેન પટેલ જન્મ : ૨૫ મે, ૧૯૨૬ વડોદરા. અવસાન : ૧૦ માર્ચ, ૨૦૨૩ અમદાવાદ માતાનું નામ : ગંગાબેન પિતાનું નામ : ગોરધનભાઈ અભ્યાસ  : ઈ. સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી (અંગ્રેજી વિષય સાથે) વ્યવસાય : અધ્યાપક, લેખક, તંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ સન્માન : ઈ. સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૧માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કે. એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક, ૧૯૯૬માં નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર, ૨૦૦૧માં સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર, ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સર્જન : નવલકથા : ‘વડવાનલ’ (૧૯૬૩/૧૯૮૩/૨૦૦૨), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬/૧૯૭૯), ‘વાવંટોળ’ (૧૯૭૦), ‘વમળ’ (૧૯૭૯), ‘ગગનનાં લગન’ (૧૯૮૪), ‘કાદંબરીની મા’ (૧૯૮૮/૧૯૯૬), ‘એક ફૂલગુલાબી વાત’ (૧૯૯૦), ‘એક ડાળ મીઠી’ (૧૯૯૨), ‘પેઇંગ ગેસ્ટ’ (૧૯૯૮), ‘સંશયબીજ’ (૧૯૯૮), ‘અતીતરાગ’ (૨૦૦૦) લઘુનવલ : ‘વાંસનો અંકુર’ (૧૯૬૭/૧૯૮૦/૧૯૮૪), ‘એક ભલો માણસ’ (૧૯૭૯), ‘આંધળી ગલી’ (૧૯૮૩/૧૯૮૮/૧૯૯૦/૨૦૦૨), ‘હુતાશન’ (૧૯૯૩), ‘આગંતુક’ (૧૯૯૬/૨૦૦૦) વાર્તાસંગ્રહ : ‘અધૂરો કોલ’ (૧૯૫૫), ‘એક લહર’ (૧૯૫૭), ‘વિશ્રંભકથા’ (૧૯૬૬), ‘ટાઢ’ (૧૯૮૭), ‘જાવલ’ (૨૦૦૧) હાસ્યકથા : ‘કાર્તિક અને બીજા બધા’ (૧૯૮૮), ‘કાર્તિક રંગરસિયો’ (૧૯૯૦) નાટક : પહેલું ઇનામ (૧૯૫૫), ‘પંખીનો માળો’ (૧૯૫૬) (ધનસુખલાલ મહેતા સાથે), ‘વિનાશના પંથે’ (૧૯૬૧) ભવાઈ : ભવની ભવાઈ (૧૯૮૮) રેડિયો નાટક : ‘મનનો માનેલો’ (૧૯૫૯), ‘માયાપુરુષ’ (૧૯૯૫) એકાંકીસંગ્રહ : ‘નમણી નાગરવેલ’ (૧૯૬૧) બાળસાહિત્ય : ‘અંડેરી ગંડેરી ટીપરી ટેન’ (૧૯૬૬), ‘ગોરો આવ્યો’ (૧૯૮૭), ‘મિત્રાનાં જોડકણાં’ (૧૯૭૩), ‘પરદુખભંજન પેસ્તનજી’ (૧૯૭૮), ‘ગગનચાંદનું ગધેડું’ (૨૦૦૧) અનુવાદ : ‘ટોમ સોયરનાં પરાક્રમો’ (૧૯૬૦, ૧૯૯૩), ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ (૧૯૭/૧૯૯૩) ‘ચાલો હસીએ’ (૧૯૯૫) સંપાદન : ‘કિશોર વાર્તાસંગ્રહ’ વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’, પ્રકાશક – અમરભાઈ ઠાકોરલાલ શાહ, ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ પ્રથમ આવૃતિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ ૨૦૦૯, કિંમત રૂ. ૧૫૦ અર્પણ પંક્તિ મોટાભાઈને

કાલાબ્ધિનાં ગહન વારિ સમાયા, ઢૂંઢી શકે ન દૃગ આ-રહી જાય થાકી; તે બંધુ બંધુર વળી પ્રિય મિત્ર! આજે સાકાર આશ તમ; હું સુખ-શોક-મગ્ન.

સંગ્રહની કુલ વાર્તાઓ : સત્તર અને રામપ્રસાદ પ્રે. બક્ષી દ્વારા લખાયેલ દીર્ઘ પ્રરોચના. ૦ ‘એક લહર’ (પ્રથમ આવૃત્તિ ૧૯૫૭, પુનર્મુદ્રણ ૨૦૦૯), પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ, ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧, કિંમત રૂ.૧૩૫ પૃષ્ઠ : ૮+૨૦૮ અર્પણ પંક્તિ ઝંઝાવાત સહ્યા અનેક જગના ને તોય ધારી રહ્યા હૈયે પ્રેમભરી સદૈવ મૃદુતા તે તાતને વંદના. ખાવું, ખેલવું ને જવું શમી, ન કૈં સર્વસ્વ એ જીવને મા! દીધો કટુ બોધ સ્નેહ થકી તેં, વાત્સલ્ય્મૂર્તિ! નમું.

ભૂમિકા રામપ્રસાદ પ્રે. બક્ષી સંગ્રહની કુલ વાર્તા – ત્રેવીસ ૦ ‘વિશ્રંભકથા’, ધીરુબેન પટેલ, પ્રકાશક : ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ ૧૯૬૬, પુનર્મુદ્રણ ૨૦૦૯, કિંમત : રૂ. ૯૦, પૃષ્ઠ : ૪+૧૪૦ અર્પણ સ્મરે? ન વા હવે ઊઠીને પરોઢે નિત જે કરેલી વિશ્રંભકથની ઉરશ્રાન્તિહારી? પિતાને

કુલ વાર્તા – ૧૫ ૦ ‘ટાઢ’, ધીરુબેન પટેલ, પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭, આવરણ – ઠાકોર રાણા, કિંમત રૂ. ૨૪, પ્રકાશક : અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., ૧૬૪ શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ ૪૦૦૦૦૨ અર્પણ મારા મામા સ્વ. અંબાલાલ પુરુષોતમદાસ પટેલને જેનાં નેત્ર રહ્યાં સદૈવ ક્ષિતિજે જોવા નવા સૂર્યને!

કુલ વાર્તા – ૧૮ ૦ ‘જાવલ’, ધીરુબેન પટેલ, પહેલી આવૃત્તિ – જુલાઈ, ૨૦૦૧, પૃષ્ઠ સંખ્યા – ૪+૨૨૦, આવરણ-ડિઝાઇન – પવનકુમાર જૈન, ચિત્ર – મિલ્બર્ન ચેરિયન, કિંમત રૂ. ૯૦. પ્રકાશન : ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ અર્પણ વડીલ બંધુ વિનોદભાઈ ગોરધનભાઈ પટેલને

કુલ વાર્તા -૨૭ ૦ ‘ચોરસ ટીપું’ ‘રમતિયાળ ડહાપણની વાતો’, પ્રકાશક : બુક પબ, હિંગળાજ માતાનું કંપાઉન્ડ, મનમોહન કોમ્પ્લેક્સની પાછળ, નવરંગપુરા, પોલીસ સ્ટેશનની ગલીમાં, નવરંગપુરા, અમદાવાદ, ૩૮૦૦૦ ફોન : (૦૭૯) ૨૬૫૬૧૧૧૨, Email : connect@book pub.in પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી ૨૦૧૮, કિંમત રૂ. ૨૨૫ અર્પણ પંક્તિ મિત્રતા બે પેઢી લગી વિસ્તરી શકે છે એના જીવતા જાગતા પુરાવા સમાન કિરણ ઠાકર ને... નિવેદનમાં લેખિકા લખે છે ચાલોને ચોરસ ટીપાંની જ વાત કરીએ ટીપું ઊર્ધ્વમાંથી આવે છે, નિમ્નમાં ઠરે છે અને હંમેશા વર્તુળાકાર જ હોય છે એ આપણે સહુ જાણીએ છીએ, પણ મનમાં વિચાર આવે કે આ ટીપાંએ શા માટે એક જ આકારમાં બંધાઈ રહેવું જોઈએ? ત્યારે એને બંધનમુક્ત કરવાનું મન ન થાય? કુલ ૫૩ વાર્તાઓનો સંગ્રહ છે. ૦ ‘વાર્તાસંપુટ’, ધીરુબેન પટેલની ૧૫૧ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, પ્રકાશક : Zen Opus, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ફેબ્રઆરી ૨૦૨૧, કિંમત રૂ. ૮૦૦.


ગુજરાતની ઉત્તમ લેખિકામાં જેનું નોંધપાત્ર નામ છે એવાં ધીરુબહેને ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન કૃતિઓ આપી છે. એમની રચનાઓમાં માનવમનના વ્યવહારોનો તાગ છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની વિચારસરણી, રહનસહન અને નારીમનનાં સંવેદનો સુંદર રીતે આલેખે છે. એમને લખવાની પ્રેરણા ગુરુવર્ય રામભાઈ બક્ષી પાસેથી મળે છે. એ કોઈ વાદવિવાદ કે વિચારધારામાં બંધાવાનું પસંદ કરતાં નથી. એમણે ૨૦૦૫માં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ ‘કિચન પોએમ્સ’ પણ આપ્યો છે. એમનાં માતા ગંગાબહેને એ જમાનામાં ‘સ્મૃતિસાગરને તીરે’ આત્મકથા લખેલી પરંતુ ધીરુબેન વિશેષ રૂપે વાર્તા દ્વારા જ વ્યક્ત થયાં છે. ધીરુબેનની વાર્તાનો સમયપટ ઘણો મોટો છે. ગાંધીવિચારથી લઈ કોરોનાના સમય સુધીનાં એ સાક્ષી છે. પરંતુ મધ્યમવર્ગીય રહનસહન, સમસ્યાઓ અને પરિવેશ એમની મોટા ભાગની વાર્તાઓનાં કથાબીજ છે. સુખી સંપન્ન મધ્યમ વર્ગની કથાઓ પણ એકથી વધુ મળે છે. ધીરુબેન ખાદી જ પહેરતાં છતાં ગાંધીવાદી નહોતાં. એમની ઘણી વાર્તાઓમાં સમાજની સમરસતા, નૈતિક મૂલ્યોની વાતો છે જે એક અર્થમાં ગાંધી વિચારનો જ વિસ્તાર છે. એવું જ નારી સંવેદનનું કે એ સ્ત્રી સમર્થક હતાં પરંતુ નારીવાદી નહોતાં. નારી પ્રત્યેની ખેવના એમની અનેક કૃતિઓમાં વિશેષ ભાવે જોવા મળે છે. એક જગ્યાએ એ કહે છે, ‘હું નારીવાદી ન બની શકું કારણ કે મને પુરુષો ગમે છે. હું ખરેખર એવું નથી માનતી કે દરેક પુરુષ રાક્ષસ છે ને દરેક સ્ત્રી દેવી જ છે. હું નારીવાદી નથી જ કારણ આ તદ્દન બ્લેક, આ તદ્દન વ્હાઇટ એવું નથી. આખા સમાજમાં જુઓ તો સ્ત્રીઓને ભાગે વધુ અન્યાય અને દુઃખ છે, પણ મેં અંગત રીતે આ બધું વેઠ્યું નથી એટલે મને એ અંદરથી નથી થતું.’ ધીરુબેનનું સાહિત્ય પાઠ્યપુસ્તક, રેડિયો, ટેલિવિઝન, વેબસાઇટ, ફિલ્મ અને રંગભૂમિ એવાં વિવિધ સ્વરૂપે વ્યાપે છે. તેમની કૃતિઓનું મરાઠી, બંગાળી, અંગ્રેજી, જર્મન જેવી ભાષાઓમાં ભાષાંતર થઈ ચૂક્યું છે. ‘એક કામ કર’, ‘મા’ત્માના માણસ’, ‘જિદ’ જેવી વાર્તામાં ગાંધી વિચારોનો પ્રભાવ જોવા મળે છે અને ‘કોરોનાની કમાલ’ કે ‘નો કોમેન્ટ્‌સ!’, ‘વંદનાની ઝેરોક્ષ’ જેવી વાર્તાઓમાં સાંપ્રત સમયનું વર્ણન છે. ‘અધૂરો કોલ’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૫૫માં મળે છે જે કુલ સત્તર વાર્તાઓનો સંગ્રહ છે. જેની પ્રરોચના રામપ્રસાદ પ્ર. બક્ષીએ લખી છે. કુટુંબવ્યવસ્થા અને વ્યક્તિગત ભાવનાને વ્યક્ત કરતી વાર્તાઓ છે. ગ્રામ સુધારણાનો જુસ્સો છે. નીતિ અને મૂલ્યોની વાતો છે. ‘મનામણા’, ‘કલાકારની પત્ની’, ‘કવિના પ્રેમપત્રો’ જેવી સંવેદન કથાઓ છે. ‘લિપસ્ટીક’ એ સમયે આધુનિક વિષય પર લખાયેલી ગાંધી વિચાર સાથે જોડી આપતી વાર્તા છે. અને ‘અધૂરો કોલ’ એક અધૂરી પ્રણયકથા છે. જેમાં સમાજનાં બંધનો સામે હતાશ થઈ જીવન પૂર્ણ કરવા તૈયાર થયેલા બે યુવા હૃદયની વાત છે. એક સાથે મૃત્યુની પળ નક્કી કરે છે જેમાં યુવક તો જીવનથી વિદાય લે છે પરંતુ વિષપાન સામે હિંમત હારી જઈ બચી ગયેલી નાયિકા માટે પશ્ચાત્તાપ સિવાય કશું બચતું નથી.

Varta Samput by Dhiruben Patel - Book Cover.jpg

એમનો બીજો સંગ્રહ ‘એક લહર’ ત્રેવીસ વાર્તાઓનો સમાવેશ કરે છે. મોટા ભાગની વાર્તાઓ મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગની જીવનશૈલી સાથે જોડાયેલી છે. ‘ધીમું ઝેર’, ‘એક લહર’, ‘મયંકની મા’, ‘દીકરીનું ધન’, ‘બીજી મધુરજની’, કે ‘રાઘવનનાં સહકાર્યકરો’ જેવી વાર્તાઓ આ સંગ્રહની ઉપલબ્ધિ છે. ઝાકઝમાળ અને વૈભવના મોહમાં પ્રેમ અને સાદગીનો અર્થ કેટલો? સ્ત્રી સ્વભાવની સ્વાર્થી બાજુ વ્યક્ત કરતી શીર્ષક વાર્તા ‘એકલહર’ જેમાં નાયિકાને મનસ્વી અને સ્વૈરવિહારી બતાવી સ્ત્રીનો બીજો ચહેરો મૂકવાનો પ્રયત્ન થયો છે. પણ આ વાર્તાનો અંત થોડો અસહજ લાગે છે. સ્ત્રીનો માતૃત્વ ભાવ પ્રબળ હોય ત્યારે એનો સંતાન માટેનો માલિકીભાવ નાની નાની વાતોમાં પોતાને કેવી અસુરક્ષાનો અનુભવ કરાવે એનું સુંદર ગૂંફન ‘મયંકની મા’ વાર્તામાં થયું છે. સંતાન સ્વતંત્ર હોવું જોઈએ એ વાત સ્ત્રી માટે સમજવી સહેલી અને સ્વીકારવી અઘરી હોય છે, ત્યારે વાર્તાની નાયિકા સુરેખાને દીકરાને ભણાવી-ગણાવી મોટો માણસ પણ કરવો છે અને સાથે સાથે માનો ખોળો ત્યજે નહીં એ લાગણી પણ સાચવવી છે. એક સંવાદથી આપણને વાર્તાનું સ્ત્રી મનોવિજ્ઞાન સમજી શકાય છે. ‘સ્કુલમાં, કૉલેજમાં, લગ્નમંડપમાં, ધંધામાં મયંક ખોવાઈ જાય છે, ના, ના, મયંક તો છે જ. એ રહ્યો એની સાથે એક યુવતી છે કોણ હશે એ ભાગ્યવતી? પછી તો મયંક અને એ સૌભાગ્યવતી પોતાનો આગવો ગૃહસંસાર રચશે, એમાં પોતે ક્યાં હવે! હાથમાં ઊંચકેલા મયંકનો ભાર જાણે કે અનેકગણો થઈ ગયો.’ આ સંગ્રહની અન્ય નારીકેન્દ્રી વાર્તા પણ નોંધપાત્ર છે. ‘નર્તન મૂર્તિર્’ કળા અને પ્રેમનું સમર્થન કરતી વાર્તા છે. ઘરની નાની નાની ચોકસાઈ લેખિકાએ અહીં ખૂબ રસથી વર્ણવી છે. વાર્તાના આરંભમાં જ હિંદુ સ્ત્રીની કુશળતા કેવી હોય! એ દૃશ્યસ્થ કરી છે. જેમ કે એક ઉદાહરણ આ મુજબ છે – ‘આગળ પાછળ બે પાટલા ગોઠવીને તેમણે ઝડપથી રસિકલાલની થાળી પીરસી દીધી. વટાણા વેંગણના શાક ઉપરાંત આજે રસિકલાલને ભાવતો ગુવારનો મઠો પણ બનાવ્યો હતો. કાચી હળદર ને ચટણી થાળીની ધારે રહીને રંગ જમાવતાં હતાં. એકસરખી ફૂલેલી ઉપરથી સફેદ ને નીચેથી સહેજ ગુલાબી પાતળી ગોળ પૂરીઓ એક પછી એક તળાવા માંડી. અને આઠેક વર્ષની લાડકી પુત્રી વેણુએ તે પીરસવા માંડી.’ પ્રસ્તુત વાર્તામાં ઘરેલું સંવાદ, ભારતીય પરિવારની ઉષ્મા અને સમસ્યાઓ સહજ રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે. એ પછી પંદર વાર્તાઓનો સંગ્રહ ૧૯૬૬માં ‘વિશ્રંભકથા’ આવે છે. ‘વિશ્રંભકથા’, ‘મનસ્વિની’, ‘અવબોધ’, ‘દર્પણ‘ જેવી જરા જુદી ભાતથી ઉપસેલી વાર્તાઓ અહીં મળે છે. સ્ત્રીના મનનો તાગ ન મેળવી શકાય એ વાતને સાર્થક કરતી વાર્તા ‘વિશ્રંભકથા’ છે. જેની નાયિકા યંત્રવત્‌ જીવે છે એનો ઊંચો અવાજ ક્યાંય સંભળાતો નથી કે ઘરનાં કામમાં પોતાને વ્યસ્ત રાખતી, બધાના પડ્યા બોલ ઝીલતી આ નાયિકા વાર્તાના અંતે બતાવે છે કે એક ભગ્ન સમય એની અંદર કેવી રીતે જીવાતો હતો?’ વાર્તાકારની અહીં અંત બનાવવાની પણ કુશળતા છે. જ્યારે ‘દર્પણ’ જેવી વાર્તા સ્ત્રીનાં અકળ મનને ચરિતાર્થ કરતી કળાત્મક વાર્તા છે. દર્પણ સાથે પ્રેમાલાપ કરતી સ્ત્રી વાર્તામાં અનેક રહસ્યો ઘૂંટે છે. પોતાને અતિપ્રિય એવી સ્ત્રીનું એક અંગત વિશ્વ જોઈ વિચલિત થતો પુરુષ. દર્પણ પુરુષ અને નાયક પુરુષની દૃષ્ટિ એક થતાં પત્ની ઝેનોબિયાનું આઘાતથી મૃત્યુ થાય છે. મધ્યકાલીન લોકકથાની યાદ આપાવે એવી આ વાર્તા વિશે જાણીતા વિવેચક શિરીષ પંચાલ લખે છે કે, ‘અતિ પ્રાકૃત તત્ત્વ અને વાસ્તવનો સમન્વય કરવામાં તેમને અદ્‌ભુત કુશળતા સાંપડી છે. મધ્યકાલીન ઢાંચામાં રહીને ચરિત્રની સંકુલ ભાત તેઓ સારી રીતે ઉપસાવી શક્યાં છે.’ ૧૯૮૭માં ધીરુબહેન ‘ટાઢ’ વાર્તાસંગ્રહ આપે છે. જેની અંદર અઢાર વાર્તાઓમાંની કેટલીક વાર્તાઓ ટૂંકી વાર્તા સાહિત્યમાં યાદગાર બની રહે એવી છે. જેમાંની ‘મા’ત્માના માણસ’ ૧૨માના પાઠ્યપુસ્તકમાં હોવાના કારણે વિદ્યાર્થીવર્ગ સુધી સૌથી વધુ પહોંચી છે. “મા’ત્માના માણસ : ધીરુબહેનનું ઝીણું કામ’ શીર્ષકથી પ્રવીણ કુકડિયાનો લેખ મે, ૨૦૨૩ના ‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાં મળે છે. આરંભમાં જ લખે છે કે ‘ગુલાબદાસ બ્રોકરે ધીરુબહેન પટેલ પાસે કોઈ સંપાદન માટે ગાંધીવાદને લક્ષ્ય કરતા લખાણની માગણી કરી. ધીરુબહેને કહ્યું : ‘એવું તો કોઈ લખાણ નથી, તમે બે કલાક થોભો તો હું તમને લખી આપું. મેં જલ્દી જલ્દી એક વાર્તા લખી – ‘મા’ત્માના માણસ’. આ વાર્તા બ્રોકરને ગમી.” (‘આપણા સારસ્વતો પ્રત્યક્ષ અને પરોક્ષ’, દીપક મહેતા, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૫, પૃ. ૧૮) પ્રસ્તુત વાર્તામાં ગાંધીયુગનો સમય, સત્યાગ્રહીની ટેક, દેશ માટે કાંઈક કરી છૂટવાનો જુવાળ અને સૌથી વિશેષ તો સ્વતંત્રતાની લડતમાં સ્ત્રીઓની ભૂમિકા કેવી હતી એ વાત પણ આ વાર્તા દ્વારા જાણી શકાય છે. ‘સોનેરી પક્ષીનું પીંછું’, ‘ટાઢ’, ‘સારાં કાન્તાબેન’ જેવી વાર્તાઓ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ છે. કિશોર વયનું માનસ રજૂ કરતી વાર્તા ‘સારાં કાન્તાબેન’ સારું શું અને નરસું શું – એનો ભેદ ખોલી આપે છે. એક સ્ત્રી જેને નજીકનાં લોકો કે પડોશીઓ ચારિત્ર્યના એ લોકોએ નક્કી કરેલા માપદંડથી માપે છે. જ્યારે બાળકો અને કિશોરો માટે એનો ઉદાર અને માયાળુ સ્વભાવ એનાં સારાપણાનું પ્રમાણપત્ર છે. આવી સ્ત્રી કિશોરવયના દૃષ્ટિકોણથી કેવી રીતે જોવામાં આવી છે? એનું ઉદાહરણ વાર્તામાં કંઈક આવું છે : ‘છોકરાઓને કાન્તાબેન બહુ જ ગમતાં, બોલ વાગે ને બારીનો કાચ તૂટે ત્યારે ધમકાવે નહીં એવી એ એક જ બાઈ ગામમાં હતી. બપોરે તરસ લાગે ત્યારે ફક્ત એમનું બારણું બેધડક ઠોકી શકાતું અને તરત ઠંડા પાણીના ગ્લાસ હાજર થતા. ક્યારેક ચવાણુ પણ મળતું અને મોટો દહાડો હોય તો પતાસાં ને પીપરમેન્ટ પણ, એમનું ઘર હંમેશા સુઘડ અને સુશોભિત, કાન્તાબહેન જાતે જ કેવાં ચોખ્ખાં ને સરસ દેખાતાં! ને સામેના જ ઘરમાં રહેતાં પેલાં બીજાં કાન્તાબહેન! એમના વર મરી ગયા હતા ને એ પણ એકલાં જ રહેતાં હતાં, પણ બાપ રે બાપ! કેવાં કજિયાળાં ને કંજૂસ!’ કિશોરવયનું માનસ એની તરંગલીલાઓ દર્શાવતી ‘ટાઢ’ એક કરુણ કથા છે. વગર વાંકે ગુનેગાર હોવાની પીડા અને દોસ્તના મૃત્યુના સાચ્ચાં કારણનો એક માત્ર સાક્ષી હિરીયા અને ચંદુની કથા ગુજરાતી વાર્તા સાહિત્ય જગતની એક સુંદર વાર્તા બને છે. ‘જાવલ’ વાર્તાસંગ્રહ ૨૦૦૧માં પ્રકાશિત સત્યાવીશ વાર્તાઓનો સંચય છે. વાર્તાનાં વિષય અને પરિવેશમાં ઘણું નાવિન્ય છે. શીર્ષક વાર્તા ‘જાવલ’ એક અંધશ્રદ્ધાનો ભોગ બનેલી સ્ત્રીની યાતનાનું ચિત્રણ છે. કદાચ ભારત દેશની નિર્બળ વિચારસરણીનો અરીસો ધરી દેતી આ વાર્તા બને છે. ‘બુડથલ’ કે ‘અરુધન્તી’ વાર્તા સ્ત્રીકેન્દ્રી વાર્તા છે. ‘ઓ કાનાઈ! ઓ બાલાઈ!’ બંગાળી પૃષ્ઠભૂમિમાં લખાયેલી વાર્તા છે. ‘કંકુ ચોખા’ એક સુખદ અંતવાળી હળવી શૈલીથી લખાયેલી વાર્તા અને ‘ગોદડી’ મા-દીકરીની સંવેદન કથા છે. ‘નો કોમેન્ટ્‌સ’ પુરુષની અવિશ્વનીય વિચારસરણીથી દામપત્યજીવનમાં પડતી ગાંઠોની વાર્તા બની છે. જ્યારે ૨૦૧૮માં ધીરુબહેન ‘ચોરસ ટીપું’ નામથી નાની નાની ત્રેપન વાર્તાઓનો સંગ્રહ આપે છે. અબાલવૃદ્ધ સહુને ગમે એવી વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહના નિવેદનમાં ધીરુબહેન લખે છે – ‘ચાલોને ચોરસ ટીપાંની જ વાત કરીએ. ટીપું ઊર્ધ્વમાંથી આવે છે. નિમ્નમાં ઠરે છે અને હંમેશા વર્તુળાકારમાં જ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ મનમાં વિચાર આવે કે આ ટીપાંએ શા માટે એક જ આકારમાં બંધાઈ રહેવું જોઈએ? ત્યારે એને બંધન મુક્ત કરવાનું મન ન થાય?’ લેખિકા અહીં સમજદારીની કૃત્રિમતામાંથી બહાર નીકળી સહજ મનોજગતમાં પ્રસન્નતાથી પ્રવેશ કરવાની વાત માંડે છે. કેટલીક વાર્તાઓ અલગ અલગ વાર્તાસંગ્રહમાં નથી મળતી. પરંતુ ૧૫૧ વાર્તા સંપુટમાં મળી આવે છે. જેવી કે ‘કૉલોની A-મકાન નં. ૧૫’, ‘છોકરાં મોટાં થઈ જાય છે’, ‘ચકલી’, ‘પાર્ટ ટાઇમ દાદાજી’, ‘મોટી બેનનો પીન્ટુ’, ‘વેડિંગ ગિફ્ટ’, ‘વિનીનું ઘર’, ‘વિવસ્વાન’, ‘સમાધાન’, ‘સાક્ષી’ વગેરે ધીરુબેન એવું ઇચ્છતાં કે સ્ત્રીને એનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય! જેમ પુરુષ નિર્ભય રીતે પોતાના નિર્ણયો જણાવી શકે એટલી જ ખુમારીથી સ્ત્રીઓ પણ નિર્ણયો લેવા આઝાદ હોય! ‘જાવલ’ વાર્તાસંગ્રહમાં જેનો સમાવેશ છે એવી ‘અરુંધતી’ એક એવી વાર્તા બની છે. પોતાનો પતિ બીજી સ્ત્રી સાથે પરણવાની વાત મૂકે છે. ત્યારે નાયિકાને સહજ આઘાત તો લાગે છે પરંતુ ઝડપથી સ્વસ્થ બની એકલા રહેવા તૈયારી બતાવે છે. એટલું જ નહીં, એકલા રહેવા માટે નવો ફ્લેટ, જીવનનિર્વાહ માટે થોડી રકમ માગી અને છૂટા પડવા માગતા પતિને કહે છે, ‘એને કહેજો કે ત્રણ છોકરાના બાપને પરણે છે તો ત્રણ છોકરાની મા પણ એણે બનવું પડશે.’ અને પૂરા આત્મવિશ્વાસથી ઉમેરે છે, ‘ચિંતા ન કરશો, પત્ની નહીં અને મા પણ નહીં એવી સ્ત્રીઓ નથી જીવતી આ સંસારમાં? મને લાગે છે કે હું જીવીશ, કદાચ તમારા કરતાં સારી રીતે પણ જીવું કોને ખબર છે?’ આ સિવાય નાયિકાનું દબાયેલું વ્યક્તિત્વ કોઈ એક મનગમતી ક્ષણમાં કેવું ખીલે છે? એ પરિચય આપે છે વાર્તા ‘વિશ્રંભકથા’. ‘મયંકની મા’, ‘બુડથલ’, ‘અવબોધ’, ‘દીકરીનું ધન’, ‘મનામણાં’ જેવી ઘણી વાર્તાઓ નારીકેન્દ્રી વાર્તાઓ છે.’ કેટલીક વાર્તાઓ વિચારોનું ખુલ્લાપણુ અને જીવવાનો અલગ મિજાજ દર્શાવે છે ‘વિનીનું ઘર’, ‘સાતસો ફૂટની ટેકરી’, ‘વેડિંગ ગિફ્ટ’, ‘રાઘવનના સહકાર્યકરો’ જે અન્ય વાર્તાઓથી જુદી પડતી વાર્તા છે. આ ઉપરાંત ‘નહીં સાંધો નહીં રેણ’, ‘એક લહર’, ‘ગોદડી’, ‘લિપસ્ટીક’ જેવી નોંધપાત્ર વાર્તાઓનો સંગ્રહ અને સમગ્ર વાર્તાસંપુટમાં સમાવેશ છે. ધીરુબેનની વાર્તાઓ વાસ્તવિકતાની નજીક રહે છે. વ્યક્તિ અને સમાજનું વૈવિધ્ય દર્શાવે છે. એમની ભાષા હળવાશભરી છે અને બોલી કહેવતોની પ્રયુક્તિથી પાત્રોને એ વધુ પોતિકા બનાવી રજૂ કરી શકે છે. એમની વાર્તાઓ નૈતિક મૂલ્યોની, મનુષ્ય ભાવના અને ભાષાની જાળવણી કરવામાં સહાયક છે. ધીરુબેનના સર્જનને સમજવા માટે સંદર્ભ ગ્રન્થો તેમજ એમની મુલાકાત પુસ્તક સ્વરૂપે કે ગૂગલ ઉપર પ્રાપ્ય છે. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો મે, ૨૦૨૩નો ‘શબ્દસૃષ્ટિ’નો સ્મૃતિવિશેષાંક, ‘પરબ’ સામયિક તેમજ અનેક નામાંકિત સંસ્થાઓએ યોજેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા પણ ધીરુબેનના જીવન કવનને નજીકથી જાણી શકાય છે. ધીરુબેને એમના સમગ્ર વાર્તાસંપુટની પ્રસ્તાવનામાં લખ્યું છે. ‘લો, આ આખી વખાર તમારે માટે ખોલી નાખી. શાંતિથી હરો ફરો ને જુઓ! કદાચ તમને ગમે એવું કંઈક મળી પણ આવે. મારી વાત કરું તો પંદરમા વરસે લખેલી એક ટૂંકી વાર્તા ‘સંદેશ’ના દીપોત્સવી અંકમાં છપાઈ! છપાઈ તો છપાઈ પણ પછી દસ રૂપિયાનો મનીઑર્ડર પણ આવ્યો. આ કલ્પનાતીત પ્રસંગે અત્યંત આનંદ અને ગૌરવપૂર્વક મેં એ રૂપિયા મારાં બાના હાથમાં મૂકીને કહ્યું, ‘આ તમને મારી પહેલી કમાણી!’ એ ક્ષણ ભૂલી ભુલાય એવી નથી. કદાચ ત્યારથી જ ટૂંકીવાર્તાઓ તરફ પક્ષપાત જાગ્યો; અને બહુ લાંબાગાળા પછી કવિ શ્રી સુરેશ દલાલે ટૂંકીવાર્તાની વ્યાખ્યા પૂછી ત્યારે ધડ દઈને કહી નાખ્યું, ‘માનવ મન પાસે પહોંચવાનો સૌથી સુગમ રસ્તો તે ટૂંકીવાર્તા!’ જાણું છું, વિચાર અને આચારમાં ઘણો તફાવત હોય છે. ઢગલાબંધ ટૂંકીવાર્તાઓ લખ્યા છતાં તમારા મન લગી પહોંચી શકી છું કે નહીં, તે નથી જાણતી – બાકી એટલું તો જરૂર કહી શકું, કે બધી તમારે માટે જ લખી છે; મારી ચાતુરીનો ઝંડો ફરકાવવા માટે નહીં. માનવજીવન કેટલું અમૂલ્ય છે! તમારા જીવનના એકાદ-બે કલાક આ વાંચવામાં તમે મને આપો ત્યારે મારી પણ ફરજ બની જાય છે કે હું તમને આનંદ આપું. ઇચ્છું છું કે સાવ નિરાશ નહીં થાઓ – આ સોદો ફોક નહીં જાય! ચાલો, પાનું ફેરવો – જોઈએ, શું થાય છે?

ધીરુબહેન પટેલ

નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
Email : neeta.singer@gmail.com
વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’ ૨૦૨૦માં પ્રકાશિત.
૨૦૨૧માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક જાહેર થયું હતું.
નર્મદ સાહિત્ય સભા, સૂરત ‘નંદશંકર ચંદ્રક’ ૨૦૨૦-૨૧ એનાયત થયેલ.
ટૂંકીવાર્તા ઉપરાંત એકાંકી, નિબંધ, લઘુનવલ, અનુવાદ અને ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં પરિચયાત્મક સમીક્ષા લેખ પ્રકાશિત થયા છે.