ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચન્દ્રકાન્ત બક્ષી
કિશોર પટેલ
વાર્તાકારનો પરિચય
ચંદ્રકાંત કેશવલાલ બક્ષી (જ. ૨૦ ઓગસ્ટ ૧૯૩૨ પાલનપુર ખાતે, અ. ૨૫ માર્ચ ૨૦૦૬ અમદાવાદ ખાતે) ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર હતા. પિતા વ્યવસાય માટે કલકત્તા વસ્યા એટલે ૧૯૪૮ સુધી પાલનપુર અને કલકત્તા બંને સ્થળે રહેવાનું થયું. વર્ષ ૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમણે બી.એ. કર્યું. એ પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષયો સાથે એમ.એ. કર્યું. ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજ તેમ જ મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં એમણે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષયનું અધ્યાપન કર્યું. ૧૯૮૦થી ૧૯૮૨ દરમિયાન એમણે ‘એલ.એસ.રાહેજા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના પ્રિન્સિપાલપદે સેવા આપી. એ પછી એમણે પૂર્ણ સમય માટે લેખક-પત્રકારની કારકિર્દી અપનાવી. પ્રારંભમાં એમની અનેક વાર્તાઓ બચુભાઈ રાવતની કસોટીમાં પાર ઊતરી ‘કુમાર’માં પ્રગટ થઈ. ૧૯૫૭ પછી તેઓ નવલકથાલેખન તરફ વળ્યા. ‘પડઘા ડૂબી ગયા’ (૧૯૫૭), ‘રોમા’ (૧૯૫૯), ‘એકલતાના કિનારા’ (૧૯૫૯), ‘આકાર’ (૧૯૬૩) વગેરે એમની શરૂઆતની નવલકથાઓ છે. ‘પેરેલિસિસ’ એમની યશદાયિની નવલકથા છે. નવલકથા લેખક તરીકે તેઓ ખાસા લોકપ્રિય થયા. એમણે ટૂંકી વાર્તાઓ વિપુલ માત્રામાં લખી છે. એમના વાર્તાસંગ્રહોની યાદી આ પ્રમાણે છે : ‘પ્યાર’ (૧૯૫૮), ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧), ‘મીરા’ (૧૯૬૫), ‘મશાલ’ (૧૯૬૮), ‘ક્રમશઃ’ (૧૯૭૧) અને ‘પશ્ચિમ’ (૧૯૭૬). ‘ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ : થોડાં નિરીક્ષણો’ લેખમાં જયેશ ભોગાયતા નોંધે છે કે – ‘...બક્ષીની વાર્તાકાર તરીકેની મૂળભૂત સંવેદનાની અભિવ્યક્તિ પાત્રો અને પરિવેશ દ્વારા થઈ છે. આ બંને ઘટકો વાર્તાની આંતરત્વચા છે. બક્ષીની વાર્તાનું ચાલકબળ છે ઘટના. પરંતુ એ છાપાળવી ઘટના નથી. જીવનના આઘાતક અનુભવોમાંથી સર્જાતી ઘટનાઓને જોવાનો, મૂલવવાનો, પ્રસ્તુત કરવાનો બક્ષીનો કલાકાર તરીકે જે કીમિયો છે તેને કારણે જીવનની ઘટનાનું વાર્તાની ઘટનામાં રૂપાંતર થયું છે...’ અને ‘....બક્ષીની વાર્તાઓ ઘટનાપ્રધાન છે. ઘટનાના બંધારણ પ્રમાણે તેમાં આરંભ, મધ્ય અને અંત અનુભવી શકાય છે. જો કે વાર્તાની ઘટનાનો ક્રમ આરંભ, મધ્ય અને અંતની નિશ્ચિત ગતિનો નથી હોતો. તે સ્મૃતિવ્યાપાર, પીઠઝબકાર, વર્તમાન અને ભૂતકાળની સન્નિધિકરણ અને ચેતનાપ્રવાહની પદ્ધતિ વડે રજૂ થાય છે. વાર્તાનો આરંભ કુતૂહલપ્રેરક ઘટનાથી, નાટ્યાત્મક પરિસ્થિતિથી, આઘાતક દૃશ્યયોજનાથી, તનાવ કે સંઘર્ષની સ્થિતિથી થાય છે. વાચકને વાર્તાવેગમાં ખેંચી જતો ક્રિયાવેગ, વાચકને અસ્વસ્થ કરી મૂકે એવા ડંખીલા અંતની યોજના, વિક્ષુબ્ધ કરી મૂકે તેવા માનવીય સંબંધની, સ્ત્રીપુરુષના સંબંધની વાસ્તવિકતા માન્ય જીવનભાવનાને પછાડ આપે છે...’ (‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ ૨૦૧૯માં પ્રકાશિત લેખના અંશો) એમની પાસેથી બે નાટ્યસંગ્રહો, પ્રવાસવિષયક આઠ પુસ્તકો, ‘આભંગ’ (૧૯૭૬), ‘તવારીખ’ (૧૯૭૭), ‘સ્પાર્કપ્લગ’ (૧૯૫૫) જેવા ઇતિહાસ-સંસ્કૃતિ વિશેના સોળ લેખસંગ્રહો ઉપરાંત યુવાશ્રેણીનાં પાંચ, જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીનાં પચીસ, જીવનચિંતનવિષયક સાત, વાર્તાનુવાદનાં બે તથા અન્ય વિષયોનાં સત્તર જેટલાં પુસ્તકો મળ્યાં છે. ‘બક્ષીનામા’ ભાગ ૧-૨-૩ (૧૯૮૮) એમની આત્મકથા છે. આવું વિપુલ લેખન કરનાર આ લેખકનું મુખ્ય પ્રદાન કથાસાહિત્યક્ષેત્રે છે. એમની કેટલીક સર્જનાત્મક કૃતિઓના મરાઠી, હિન્દી, અંગ્રેજી અને કન્નડ ભાષામાં અનુવાદો પણ થયા છે.
* * *
અહીં મેં ચંદ્રકાંત બક્ષીના ત્રણ વાર્તાસંગ્રહો ‘પ્યાર’, ‘એક સાંજની મુલાકાત’ અને ‘મીરા’ની સમીક્ષા કરી છે.
‘પ્યાર’
બક્ષીસાહેબનો પહેલો વાર્તાસંગ્રહ ‘પ્યાર’ વર્ષ ૧૯૫૮માં પ્રસિદ્ધ થયો હતો. સંગ્રહની વિશેષતા એ છે કે કુલ સોળમાંથી છ વાર્તાઓ સમાજના હાંસિયામાં રહેતા લોકો વિશેની છે અને ત્રણ વાર્તાઓ બંદર પર કામ કરતાં મજૂરો અંગેની છે. અન્ય વાર્તાઓ ભિન્ન વિષયોની છે. સમાજના હાંસિયામાં રહેતા લોકો વિશેની વાર્તાઓ : ‘અધૂરી વાત’માં શિવજી નામના ડ્રાઇવર જોડે ત્રીજા ધોરણમાં ભણતા નીરેનની દોસ્તી થઈ જાય છે તે એનાં માતાપિતાને ગમતું નથી. ઘરમાં વડીલો બાળકને કેવળ શિસ્તના પાઠ શીખવે છે જ્યારે પેલો શિવજી તો એને રોજ જુદી જુદી વાર્તાઓ કહે છે. ‘બે ગુલાબ’માં પ્રેમલગ્ન પછી પહેલી પ્રસૂતિ દરમિયાન કશીક ગૂંચવણના કારણે શીલા અપંગ બની જાય છે એટલે પ્રદીપ દુઃખી છે. એ જાણવા પામે છે કે બગીચાના રખેવાળે લકવાના લીધે અપંગ બની ગયેલી એની પત્નીની સેવા મૂંગા મોઢે આજીવન કરી હતી! ‘પ્યાર’માં ફૂટપાથ પર રહેતા અને જંતુની જેમ જીવતા અને છતાં હૈયામાં કરુણાભાવ જાળવી રાખતા માણસની વાત. ‘એક આદમી મર ગયા!’માં જાહેર રસ્તા પર પડેલી એક લાશની જવાબદારી જ્યારે કોઈ લેતું નથી ત્યારે એક રૂપજીવિની આગળ આવે છે. રૂપજીવિની લાશ જોડે આત્મીયતા અનુભવે છે કેમ કે એ પોતે પણ ફૂટપાથ પર જન્મી અને ઉછરી છે. ‘પડઘા’માં માંસની દુકાનવાળા મંગુને બાજુની કોલસાની દુકાનવાળા સુખદેવ જોડે તેના પાળેલા કૂતરાના કારણે સતત ઝઘડવાનો સંબંધ હતો. પોતાને કારણે એ કૂતરાને મ્યુનિસિપાલિટીવાળા ઊંચકી ગયા છે અને ત્યાં એનું મૃત્યુ નિશ્ચિત છે એ જાણીને મંગુ સુખદેવ પાસે અફસોસ વ્યક્ત કરવા જાય છે. ત્યાં એ કૂતરાને અપંગાવસ્થામાં પણ જીવતો જોઈને હાશકારો અનુભવતો મંગુ અસલી રંગમાં આવીને સુખદેવ જોડે નવેસરથી ઝઘડી પડે છે. એના કાનમાં પડતા કૂતરાની ચિચિયારીઓના પડઘા એને મનભાવન સંગીતનો અનુભવ કરાવે છે. ‘ચોર’માં સમાજમાં નીતિમત્તાનાં ઘસાતાં જતાં મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
બંદર પર કામ કરતાં મજૂરો વિશેની વાર્તાઓ :
કોલસાની ખાણમાં યુનિયન પ્રવૃત્તિ એટલે હડતાળ પડાવવી અને પછી માલિકો પાસેથી આર્થિક લાભ મેળવવા માટે હડતાળ તોડવી, આવા અવળા ધંધા કરવા માટે બેચાર મજૂરોને માર મારવો કે એમની હત્યા કરી નાખવી જેમના માટે સામાન્ય હોય એવા નેતાઓની વાત ‘કાળા માણસ’ અને ‘ડોક મજૂર’ વાર્તાઓમાં થઈ છે. ‘બિરાદરી’ કામદારોની હડતાળ દરમિયાન મોરચામાં તોફાની તત્ત્વો પર થયેલા ગોળીબારમાં એક જુવાન માર્યો જાય છે. શહીદ જુવાનના માવતરને મદદ કરવા ઉઘરાવાયેલા ફાળામાંથી યુનિયનનો નેતા ખાણીપીણીની જ્યાફત માણ્યા બાદ બચેલા પરચૂરણ નાણાં પેલા શહીદની માતાને આપે છે. સામે પક્ષે છોકરા પર ગોળીબાર કરનાર પોલીસ જમાદાર શહીદની માતાની માફી માંગતો પત્ર અને પોતાનો અડધો પગાર મોકલે છે. પ્રશ્ન એ થાય છે કે સાચી બિરાદરી કોણે નિભાવી? યુનિયનના નેતાએ કે પોલીસ જમાદારે?
પ્રેમ વિશેની બે વાર્તાઓ :
‘જાનવર’માં એકમકને ચાહતાં શીલા અને વીરેન્દ્ર લગ્ન કરવાનાં હતાં પરંતુ ટૂંકી માંદગીમાં વીરેન્દ્રનું મૃત્યુ થઈ જતાં શીલા દિલીપને પરણે છે. એને સતત ડર લાગતો હતો કે દિલીપને ક્યાંક ખબર ના પડી જાય કે લગ્ન પૂર્વે એનો કોઈની જોડે પ્રેમ હતો. લગ્ન પછી જન્મેલા પુત્રનું નામ વીરેન્દ્ર રાખવું એવું સૂચવીને દિલીપ એને ચોંકાવી દે છે. પોતે એના પૂર્વપ્રેમી વિશે અગાઉથી જાણતો હતો એવું એ કહે છે ત્યારે શીલાનો જીવ હેઠે બેસે છે. ‘જ્યોતિએ લવમેરેજ કર્યું’માં શ્રીમંત પિતાના પુત્ર મૂકેશ ખાતર જ્યોતિ પોતાના પ્રેમી પ્રકાશને છોડી દે છે.
અન્ય કેટલાક વિષયોની વાર્તાઓ :
‘અફેર’માં લાંબા અંતરની ટ્રેનમાં સહપ્રવાસી યુવાન અને યુવતી રાત્રે સમય પસાર કરવા ગપ્પાં મારે છે. બાજુમાં સૂઈ રહેલો ત્રીજો પુરુષ પ્રવાસી એ બંનેની સાહજિક વાતોને અફેર ગણી કાઢે છે. ‘ચોરી’માં ગરીબ બાળક અભાવના કારણે ચોરી કરે એ સમજાય પણ શ્રીમંતનું બાળક ચોરી કરે ત્યારે એનું કારણ માનસિક હોઈ શકે. ‘છુટ્ટી’માં દેશની સરહદ પર તૈનાત ફૌજી જાલિમસિંઘને નાના ભાઈનાં લગ્ન માટે જોઈતી રજા મંજૂર થવાનો ઑર્ડર આવે એ જ દિવસે એણે સરહદ પર દાણચોરી કરતા એક ઈસમને બંદૂકની ગોળીથી વીંધી નાખ્યો હોય. અંતમાં જાણ થાય કે જે દાણચોરને જાલિમસિંઘે ઠાર કરેલો એ એનો જ ભાઈ હોય! એક ફૌજીના જીવનની કરુણતા. ‘તરસ’માં હત્યા કરી સલીમે અને સજા ભોગવી નવાબે. પાંચ વર્ષે જેલમાંથી છૂટેલો નવાબ બદલો લેવા સલીમના ઘેર પહોંચે ત્યારે જુએ છે કે નવાબ ગમે ત્યારે બદલો લેશેની દહેશતમાં સલીમ ગાંડો થઈ ગયો છે. નવાબ બદલો લેવાનું માંડી વાળે છે. એને થાય છે કે આ માણસ માટે આનાથી મોટી સજા શું હોઈ શકે? ‘ના’માં પત્નીના ખૂન કેસમાં જેલની સજા પામેલા ડૉ. રોશનલાલ મહેરાએ ઇમર્જન્સીમાં જેલના હેડ વોર્ડન જ્હોન કાર્વાલ્હોની પત્નીનું સિઝેરિયન ઑપરેશન કરીને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવીને માતા-બાળક બંનેના જીવ બચાવી લીધા હતા. મહેરાને જ્યારે જેલમાંથી ભાગવાની તક મળે છે ત્યારે વોર્ડનની પત્ની એને મદદ કરે છે.
નિરીક્ષણો :
રજૂઆતમાં કોઈ પ્રયોગ કરવાની ભાંજગડમાં લેખક પડ્યા નથી. આદિ-મધ્ય-અંતના પારંપરિક માળખાને વફાદાર રહીને સર્વે વાર્તાઓની સરળ રજૂઆત થઈ છે. ફક્ત એક વાર્તા ‘અફેર’ની રજૂઆત પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પદ્ધતિથી થઈ છે, એ સિવાયની તમામ વાર્તાઓ ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર પદ્ધતિથી થઈ છે.
* * *
‘એક સાંજની મુલાકાત’
બક્ષીસાહેબનો આ બીજો વાર્તાસંગ્રહ વર્ષ ૧૯૬૧માં પ્રસિદ્ધ થયો. આ સંગ્રહની કુલ ઓગણીસ વાર્તાઓમાં પણ ખાસું વિષયવૈવિધ્ય છે. લગ્નબાહ્ય સંબંધ વિશેની ચાર, મર્ડર મિસ્ટ્રી, બદલા અંગેની, દેશની આર્થિક-સામાજિક સ્થિતિ અંગેની, મનોવૈજ્ઞાનિક અને અતિવાસ્તવવાદ એમ પાંચ વિષયની બબ્બે વાર્તાઓ છે. બાકીની વાર્તાઓ વિભિન્ન વિષયોની છે.
લગ્નબાહ્ય સંબંધ વિશેની વાર્તાઓ
‘બાર વર્ષે’માં ફૌજી સુલતાનસિંઘે પત્ની રાજબંસને એના લગ્નબાહ્ય સંબંધ હોવાના કારણે બંદૂકની ગોળીથી વીંધી નાખી હતી. ચૌદ વર્ષની જન્મટીપમાંથી બે વર્ષની રાહત મળતાં બાર વર્ષે છૂટીને ઘેર પાછા ફરતા સુલતાનસિંઘને પોતાના ઘરમાં એનું એ જ દૃશ્ય ફરીથી જોવું પડે છે. કોઈ અજાણ્યા જોડે હમબિસ્તર થયેલી એ યુવતી એની દીકરી હતી. સુલતાનસિંઘને આઘાત લાગે છે પણ બંદૂકને ફરીથી સ્પર્શ નહીં કરવાના એણે સોગંદ ખાધા છે. ‘એક સાંજની મુલાકાત’માં ભાડાના ઘરમાં રહેતા કથકને લાગે છે કે ઘરમાલિકણ શોભા એની જોડે એકાંત માણવાની તક શોધ્યા કરે છે. એની પત્ની ઘરમાં ના હોય એવે સમયે શોભા એના ઘરમાં આવે છે. પણ શોભા તો કથકને એની પત્નીના જ લગ્નબાહ્ય સંબંધ અંગે સાવધ કરવા આવી છે! ‘બાદશાહ’માં રમાબેનને શંકા છે કે પિયર ગયેલી પત્નીની ગેરહાજરીમાં પાડોશી યુવાન તુષાર અવળી લાઇન પર ચડી ગયો છે. રમાબેન અન્ય પાડોશી યુવાન અલોકને તુષારની પાછળ જાસૂસી કરવા માટે મોકલે છે. બે દિવસ પીછો કરીને અલોક રમાબેનને રિપોર્ટ આપે છે કે એવું કંઈ નથી. હકીકતમાં અલોકની હિલચાલથી સાવધ થઈ ગયેલો તુષાર એને બુદ્ધુ બનાવે છે. ‘નામર્દ’માં ઉપરી અમલદાર ઇન્દ્રજીત જોડે પોતાની પત્નીના લગ્નબાહ્ય સંબંધની જાણ થઈ જતાં હબીબ બે વખત ઇન્દ્રજીતની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરે છે.
મર્ડર-મિસ્ટ્રી કથાઓ
‘હેન્ડઝ્ અપ!’માં હૉસ્પિટલમાં નરેન્દ્ર નામનો એક દર્દી ડૉ. રાવ દ્વારા સુધા નામની એક નર્સની હત્યા થતી રોકવા માટે બાજુમાંના પલંગવાળા સતીશની મદદ માગે છે. બીજી તરફ ડૉ. રાવ નરેન્દ્ર દ્વારા સુધાની થનારી હત્યા રોકવા સતીશની મદદ માગે છે. સતીશ ગૂંચવાય છે, કોની દાનત ખરાબ છે? નરેન્દ્રની કે ડૉ. રાવની? ‘સકીનાની કબર’માં શબીર સકીનાને પરણવા ઇચ્છતો હતો. સકીનાએ કહ્યું કે મને સોનાથી મઢી શકે ત્યારે આવજે. પરદેશ જઈને પૈસા કમાઈને શબીર પાછો આવે ત્યાં સુધીમાં સકીના મૃત્યુ પામીને કાયમ માટે કબરમાં સૂતી છે. એ સકીનાના મડદા માટે સોનાથી મઢેલું કોફીન બનાવડાવીને કબ્રસ્તાનમાં આવે છે. કબ્રસ્તાનમાં કબર ખોદતા મજૂરની નિયત સોનુ જોઈને બગડે છે. પણ શબીરના પોતાના મનની મુરાદ પૂરી કરીને જ જંપે છે.
બદલાકથાઓ
‘ત્રીસ સાલ બાદ’માં જહાજ પર પોતાની જોડે અન્યાય કરનાર અબ્દુલને મારીને કાસમ દરિયામાં ફેકી દે છે. પછીથી એને ખબર પડે કે ત્રીસ વર્ષ પહેલાં એના પિતાને એના માલિકે માર મારીને દરિયામાં ફેંકી દીધેલો હોય. એટલે એક રીતે પિતાને થયેલા અન્યાયનો બદલો એના દીકરાએ લઈ લીધો. ‘રજ્જોનો પતિ’માં પત્નીના કહેવાતા પ્રેમીની હત્યા કરીને લાલસિંઘ બર્મા ભાગી જાય. સોળ વર્ષે એ દેશમાં પાછો આવે ત્યારે એને જાણ થાય કે પોતે જેને મારેલો એ તો પત્નીનો પ્રેમી નહીં પણ ભાઈ હતો. હવે સોળ વર્ષે એ પત્નીના પ્રેમીને મારી નાખીને બદલાની આગ બુઝાવે છે. દેશની આર્થિક-સામાજિક સ્થિતિ અંગે કટાક્ષ કરતી કથાઓ ‘ઠંડુ પાણી’માં રેલ્વે મુસાફરીમાં ટિકિટચેકર પાસેથી દેશના વિકાસ અંગેની મોટી મોટી વાતો સાંભળ્યા બાદ વિદેશી યુગલમાંની સ્ત્રી એક જ પ્રશ્ન પૂછે છે, ‘એ બધું ખરું પણ તમારી ટ્રેનમાં ગરમીના દિવસોમાં કોઈ પ્રવાસીને ઠંડુ પાણી જોઈતું હોય તો એની વ્યવસ્થા કેમ નથી?’ કથક નિરુત્તર થઈ જાય છે. ‘હવા જૂની અને નવી’માં વેશ્યાના દીકરા કાલુને વેશ્યાઘરોમાં અને શ્રીમંત સમાજસેવિકાના ઘરમાં કોઈ તફાવત જણાતો નથી. બંને ઠેકાણે પૈસાપાત્ર પુરુષો આવે અને ખાણીપીણીની મહેફિલો જામે છે.
અતિવાસ્તવવાદની વાર્તાઓ
‘હનિમૂન’માં પ્રકાશ અને અલકા હનિમૂન માટે ડેલહાઉસીના હિલસ્ટેશને જાય ત્યારે અકસ્માત જખ્મી થયેલી અલકાની પાટાપીંડી હાથમાં ત્રણ આંગળીવાળો એક ડૉકટર કરે છે. બીજા દિવસે ખબર પડે કે હાથમાં ત્રણ આંગળીવાળો ડૉક્ટર તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો. ‘ડૉક્ટરની પત્ની’માં ટી એસ્ટેટમાં મૅનેજર રમેશને મળવા લાકડીના ટેકે ચાલતી એક સુંદર સ્ત્રી આવે છે ને કહે છે કે હું અહીંના ડૉક્ટરની પત્ની છું, અહીં તમે નવા છો, કંઈ કામ હોય તો કહેજો. બંગલાનો નોકર કહે છે કે એસ્ટેટના ડૉક્ટરની પત્નીનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હતું.
મનોવૈજ્ઞાનિક વાર્તાઓ
‘શનિવારની સાંજે’માં આત્મવિશ્વાસના અભાવે કથાનાયક જીવનમાં પ્રગતિ કરી શક્યો નથી. એ સામાન્ય નોકરી કરીને ગુજારો ચલાવે છે. પત્ની જ્યારે પૂછે કે ‘ઑફિસથી ઘેર આવતાં આટલું મોડું કેમ થયું?’ના જવાબમાં ‘વેશ્યાને ત્યાં ગયો હતો.’ એવું ખોટું બોલીને એ આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરે છે. ‘મેડલ’માં વાર્તાનાયક સારો અભિનેતા છે. જીવનમાં અભાવોના કારણે એ દુઃખી રહે છે. ઘેર પહોંચતા જ પત્ની સામે એ ખુશ હોવાનું મહોરું પહેરી લે છે. અભિનયકળાનો એને એ રીતે ઉપયોગ થાય છે.
અન્ય કેટલાક વિષયોની વાર્તાઓ
‘નાસ્તિક’માં પોતાની સાથે પરણવા માટે પત્નીએ જીવનમાં મોટો ભોગ આપ્યો છે એ વિશે સભાન થતાં નાયક પિયરમાં મોકલી આપેલી પત્નીને પાછી લાવવા જાય છે. ‘કાળો માણસ’માં અમેરિકાથી ભારતમાં આવેલા વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક મંડળમાંનો એક નિગ્રો યુવક કહે છે અમારે ત્યાં હવે રંગભેદ જેવું ખાસ કંઈ રહ્યું નથી. કાર્યક્રમ પછી સહુ ગોરાં વિદ્યાર્થીઓ નાનાંમોટાં ગ્રુપમાં ભોજન માટે જાય ત્યારે એ નિગ્રો યુવક એકલો જ છે. ‘કબૂતરનું બચ્ચું’માં કબૂતરના બચ્ચા સાથે નાની બાળકી અમિતાની મૈત્રી થઈ જાય છે પણ એની મમ્મીની સાડી એ બચ્ચાએ બગાડી એટલે એ બાળકીએ નાછૂટકે બચ્ચાથી અલગ થવું પડે છે. ‘પાણીપતનું ચોથું યુદ્ધ’માં મધ્યમવર્ગીય માણસના રોજબરોજના જીવનસંઘર્ષની વાત થઈ છે. ‘એક તાવીજની કિંમત’માં બનાવટી તાવીજ પધરાવીને સામાન્ય માણસોને લૂંટતા બદમાશ લોકોની વાત થઈ છે.
નિરીક્ષણો
કેટલાક ઠેકાણે ગુજરાતી ભાષામાં સહેલાઈથી ઉપલબ્ધ હોય એવા શબ્દોને બદલે હિન્દી શબ્દોનો ઉપયોગ કરવાનું બક્ષીસાહેબે પસંદ કર્યું છે જેમ કે : ૧. સ્ત્રીને બદલે ઓરત, (પૃ. ૪૨) આ ‘ઓરત’ શબ્દનો પ્રયોગ બીજી પણ અનેક વાર્તાઓમાં થયો છે. ૨. કૂતરાને બદલે કુત્તા (પૃ. ૪૪), ૩. સુગંધના બદલે ખુશ્બૂ (પૃ. ૯૧), ૪. ઝગમગતાને બદલે ઝિલમિલાતા (પૃ. ૯૧)
* * *
‘મીરા’
બક્ષીસાહેબનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘મીરા’ વર્ષ ૧૯૬૫માં પ્રસિદ્ધ થયો. સંગ્રહની કુલ ૨૪ વાર્તાઓમાંથી ચાર વાર્તાઓ મધ્યમ વર્ગના સંઘર્ષ અંગેની અને ચાર વાર્તાઓ અતિવાસ્તવવાદ અંગેની છે. આ સિવાયની વાર્તાઓમાં મુખ્યત્વે માનવીય સંબંધોની વાર્તાઓ છે.
મધ્યમ વર્ગના સંઘર્ષ અંગેની વાર્તાઓ
‘આંખ’માં હૉસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર પડેલો નિવૃત્ત શિક્ષક ચિંતામાં છે કે આંખોના ઑપરેશન પછી આજીવિકા કેવી રીતે રળી શકાશે. ટૂંક સમયમાં પરણનારો એમ્બ્યુલન્સમાંનો સહાયક ભવિષ્યનાં રંગીન સ્વપ્નાં જુએ છે. આમ બે પાત્રોના વિરુદ્ધ છેડાના મનોભાવોનું આલેખન અહીં થયું છે. ‘ઇંગ્લૅન્ડ રિટર્ન’માં ગ્રેજ્યુએટ યુવાન સ્વજનો અને દેશ છોડીને ધન કમાવા વિદેશપ્રવાસ કરીને ઇંગ્લૅન્ડ જાય છે પણ ત્યાં એને હોટલમાં સાફસફાઈનું કામ કરવું પડે છે ત્યારે એ વિચારે છે કે પૈસા માટે પોતે શું શું ગુમાવ્યું. ‘ચુંબન’માં મધ્યમવર્ગની નાયિકા ઉર્મિલને ક્ષયરોગ થયાનું નિદાન થયું છે. પ્રેમી રાકેશને કોઈક રીતે પોતાના સંસર્ગથી દૂર રાખવા ઇચ્છતી ઉર્મિલ એને કંઈ કહી શકે એ પહેલાં રાકેશ જાહેર કરે છે કે એને સિફિલસ થયો છે. આમ મધ્યમવર્ગમાં કેટલાંક લોકોની પરિસ્થિતિ બાર સાંધતાં તેર તૂટે એવી થતી હોય છે. ‘પૂ. સુમતિમાસીની સેવામાં’માં મુંબઈમાં રહેતો મોટોભાઈ બહેનની જરૂરિયાતો પૂરી કરવા ઇચ્છુક અને સક્ષમ છે પણ બહેન સ્વમાની છે. એ મદદ માટે હાથ લાંબો કરતી નથી અને પત્રમાં સહુ ક્ષેમકુશળ લખાવે છે. આવા સ્વમાની માણસો ખુવાર થઈ જતાં હોય છે પણ યાચના કરતાં નથી.
અતિવાસ્તવવાદની વાર્તાઓ
‘અમે’માં મૃત પિતાનો આત્મા હયાત પુત્ર જોડે સંવાદ કરે છે. પુત્રને કેવા સંસ્કાર આપવા એ વિશે માતા-પિતા વચ્ચે મતભેદ છે. ‘ઊંઘનો એક દૌર’માં હૉસ્પિટલમાં દાખલ થયેલો નાયક જુએ છે કે પોતે મૃત્યુ પામે છે. એ પોતાની અંતિમક્રિયા થતી પણ જુએ છે. ‘સ્વ’માં માણસના દેહમાં વસતા પ્રાણીની વાત થઈ છે. દિવસે સતત ઝઘડ્યા કરતી પત્ની રાત્રે કૂતરીમાં રૂપાંતર પામીને પતિના દેહને ચાટ્યા કરે છે. ‘૪૦૦૦ હજાર વર્ષ જૂનો માણસ’માં જેને તેને પોતાની ઉંમર ચાર હજાર વર્ષ ગણાવતા એક આદમીનો ભ્રમ દૂર કરવા નાયક એને એક મ્યુઝિયમમાં લઈ જઈને ઇજિપ્તનું એક મમી બતાડે છે અને કહે છે કે ‘ભાઈ, આ જુઓ, આ તમારી લાશ છે. તમે તો ચાર હજાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છો.’ એ ભાઈ હવે મ્યુઝિયમના સંચાલકો જોડે ઝઘડવાનું શરૂ કરી દે છે કે મારી લાશ મને શા માટે સોંપી દેતા નથી? સંસારમાં કેટલાંક લોકોની માનસિક સમસ્યાનો ઇલાજ છે જ નહીં.
મા-દીકરી સંબંધની વાર્તાઓ
‘ફોટા’માં પત્નીને મળવા એના પિયરનું કોઈ પણ આવે એ વાત એના પતિને સહન થતી નથી. જમાઈ ઘેર ના હોય એવે સમયે દીકરીની માતા અલપઝલપ પોતાની દીકરીને મળી લે છે. એવી એક ટૂંકી મુલાકાતમાં પોતાને થયેલી ગંભીર બીમારી વિશે અને સિલ્લકમાં રહેલા અતિ અલ્પ સમય વિશે એ બાપડી દીકરી પાસે હૈયું ખોલીને વાત કરી શકતી નથી. કેવી કરુણતા! ‘અ...તોંસીયો અતોંસીયો’માં એક ડિવોર્સી સ્ત્રીના પોતાની દીકરી માટેના ઝુરાપાની વાત હૃદયસ્પર્શી રીતે થઈ છે. પતિએ છૂટાછેડા માટે એક શરત એવી રાખેલી કે દીકરી જો એની મા જોડે ના રહે તો જ એના શિક્ષણનો ખર્ચ એ આપશે. નાયિકાએ નાછૂટકે એવી શરત મંજૂર રાખવી પડી છે. પરિણામે એ પોતાની મોટી થતી દીકરીને દર વર્ષે પોતાનાથી દૂર થતી જોઈ રહે છે.
મનોવૈજ્ઞાનિક વાર્તાઓ
‘ડાઘ’માં નાયક સારી ગુણવત્તાના કાચનો બનેલો આયનો ખરીદી લાવે છે. પણ માણસના મનમાં અપરાધભાવ હોય તો ગમે એટલો સારો આયનો એ ડાઘ છુપાવી ના શકે. નાયક એક વાર બદનામ વિસ્તારની મુલાકાતે જઈ આવ્યો છે એ વાત પોતે ભૂલી શકતો નથી. ‘વર્તમાનની બીજી બાજુ’માં નાયક એક સમયે પોતે ગરીબ હતો એ વાતે પોતાને ધિક્કાર્યા કરે છે.
અન્યોનો નિર્ણય તોળવાની માનસિકતા ધરાવતાં લોકોની વાર્તાઓ
‘૧૦૮/૨, રાસબિહારી રોડ, ફ્લેટ નં.૩’માં એક જ મકાનમાં એક જ માળા પર નાનામોટા કદના ચાર ફ્લેટમાં સમાજનાં એકમેકથી સારી અને નબળી આર્થિક સ્થિતિનાં કુટુંબો રહે છે. સારી સ્થિતિનાં લોકો નબળી સ્થિતિનાં લોકો વિશે હલકો અભિપ્રાય ધરાવે છે. એ જ રીતે ‘સોડાની ચાર ખાલી બોટલો’માં શરાબની મહેફિલ દરમિયાન સ્ત્રીઓ વિશે લોકો હલકો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે. આ ઉપરાંત ભિન્ન વિષયોની કેટલીક વાર્તાઓ ‘છેલ્લી બસોમાંની એક’માં ડિવોર્સી પુરુષ અને અપરિણીત સ્ત્રી એકબીજા જોડે લગ્ન અંગે નિર્ણય લેવામાં અચકાય છે. ‘ટાઇપિસ્ટ છોકરીઓ’માં એક સ્થિતિપાત્ર યુવાન ગરજુ યુવતીઓ પાસે ટાઇપિંગનું થોડુંક કામ કરાવીને લાંબા સમયના અનુભવનો દાખલો લખી આપી એમને પગભર થવામાં મદદ કરે છે. ‘મારી આત્મકથા’માં માછલીઘરના ઉદાહરણ દ્વારા લેખક બતાવે છે કે કોઈ મૂંગા જીવને એના કુદરતી વાતાવરણથી વિખૂટા પાડવાનું પરિણામ સારું નથી આવતું. ‘અંતર’માં એક વિરોધાભાસની વાત થઈ છે. બાળકના જન્મથી એક દંપતીનું લગ્નજીવન ટકી જાય છે જ્યારે બીજા એક દંપતીનું લગ્નજીવન બાળકના મૃત્યુના કારણે ટકી જાય છે. ‘એક ક્યુબિસ્ટ વાર્તા’માં એક એવા આદમીની વાત થઈ છે જેને દૂરથી જ સ્ત્રીઓની ખુશ્બૂ આવે છે. ‘અ-સમય’માં શરાબપાન, વેશ્યાગમન, મૃત્યુ, શબમાંથી લોહીનું વહેવું જેવી ચમત્કારિક વાતો થાય છે. નાયકની જિંદગી જીવવાની રીત છેક જ અશિસ્તભરી છે. ‘નવમીની રાતે’ વાર્તામાં એવો સૂર છે કે વેશ્યા અને ગ્રાહક વચ્ચે નાણાકીય લેવડદેવડ અને શારીરિક સંબંધ સિવાયનો પણ સંબંધ હોઈ શકે. ‘ચાલવું’માં આવેશમાં પ્રેમલગ્ન કરી નાખ્યા પછી પસ્તાવો કરતા એક માણસના મનોભાવોનું આલેખન થયું છે. (આ ‘ચાલવું’ વાર્તા ચંદ્રકાંત બક્ષી લિખિત અંગ્રેજી વાર્તા ‘stroll across time’નો મધુ રાય દ્વારા થયેલો અનુવાદ છે.) ‘સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી’ એક એવી રચના છે જે વાર્તા નહીં પણ નિબંધ જણાય છે. આ રચનામાં માણસની ઓળખ અંગે મુક્ત ચિંતન થયું છે. ‘મીરા’ આ સંગ્રહની એક વિશિષ્ટ દીર્ઘ પ્રેમકથા છે. જય અને મીરા નાનપણમાં સાથે રમીને મોટાં થયાં છે. સમવયસ્ક મિત્રો વચ્ચે હોય એવો લડવા-ઝઘડવાનો સંબંધ આ બંને વચ્ચે છે. પણ આ સંબંધને જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ મીરાની આંખો કામ કરતી બંધ થઈ જાય છે અને બંને વચ્ચેના સંબંધનું સમીકરણ સમૂળગું બદલાઈ જાય છે. મીરા પ્રત્યેના જયના પ્રેમમાં હવે કાળજીનો ભાવ પ્રધાન બની જાય છે. જયની બા નથી ઇચ્છતી કે એનો દીકરો દૃષ્ટિહીન મીરા જોડે લગ્ન કરે. સ્વાભાવિક છે કે મીરા સાંસારિક જવાબદારીઓ પાર પાડવા અક્ષમ છે. મીરાના માતાપિતા દીકરીની અક્ષમતા અને પોતાની સામાન્ય આર્થિક સ્થિતિના પગલે કોઈ પણ બાબતે અભિપ્રાય આપવાની સ્થિતિમાં નથી. બીજી તરફ જય માટે મીરાને બદલે સરિતાનો પર્યાય ઉપલબ્ધ થયો છે. સરિતા શ્રીમંત પિતાની પુત્રી છે. સરિતાને કૉલેજ આવવા-જવા મોટરગાડીની સગવડ છે. જયની બા સરિતાના પિતાની અમીરીથી પ્રભાવિત થયેલી છે. મીરા માટે લાગણી હોવા છતાં એને પોતાની પુત્રવધૂ તરીકે જોવા-સ્વીકારવા જયની બા તૈયાર નથી. જય મીરાને અનહદ પ્રેમ કરે છે. પણ મીરા પોતાની મર્યાદાઓ જાણે છે. એ નથી ઇચ્છતી કે પોતાને પરણીને જય જીવનમાં દુઃખી થાય. એ જય જોડેના તમામ સંબંધ કાપી નાખે છે. ત્રણ-ચાર વર્ષ પછી પોતાના જ શહેરમાં જયને મીરાનો પત્તો લાગે છે. એનાં માતાપિતા ગુજરી ગયાં છે, ઘર પણ નથી રહ્યું. હવે એ અંધજનો માટેની એક સંસ્થામાં કામ કરીને આત્મનિર્ભર જીવન જીવે છે. એ સમયે પણ જય મીરાને પોતાની જોડે રાખવાની વાત કરીને સમાજ સામે બળવો પોકારવાની વાત કરે છે પણ મીરા એની જોડે જવાની ના પાડીને જયને શિસ્ત અને મર્યાદામાં રહેવાની શિખામણ આપે છે. જયને મીરા પ્રતિ પ્રેમ ખરો પણ સમાજ સામે એ ક્યારેય બળવો કરી શક્યો નહીં એ પણ એટલું જ સાચું.
*
નિરીક્ષણ :
બક્ષીસાહેબનું ભાષાકર્મ નોંધનીય છે. કેટલીક રસપ્રદ અભિવ્યક્તિઓ નોંધી છે :
૧. ઉંમર, છેલ્લી બસોની જેમ સપાટાબંધ દોડતી હતી. (પૃ. ૨૦૫)
૨. માણસ પત્નીને નહીં, કદાચ પથારીને પરણતો હોય છે. (પૃ. ૨૦૮)
૩. ભોંકાતી સોય વિચારોમાં કે દુઃખની સ્થિતિમાં ખાસ ખલેલ પાડી શકતી ન હતી. (પૃ. ૨૩૪)
૪. ધીરે ધીરે નાનપણ નજીક આવી રહ્યું હતું – સ્વપ્નમાં આવતા ચોર કે રાક્ષસની જેમ. (‘મીરા’, પૃ. ૩૧૫).
કિશોર પટેલ
વાર્તાકાર, વાર્તાસમીક્ષક
મુંબઈ
મો. ૯૮૬૯૭ ૧૭૦૧૦