ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રામચન્દ્ર પટેલ

From Ekatra Wiki
Revision as of 02:40, 23 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર રામચન્દ્ર પટેલ

સતીશ પટેલ

Ramchandra Patel 2.jpg

સર્જક પરિચય :

વાર્તાકાર રામચન્દ્ર બબલદાસ પટેલનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૯૩૯ના રોજ ઉમતા ગામે માતા મેનાબાના કૂખે થયો હતો. જે ગામની શાળામાં શિક્ષણ લીધું એ જ શાળામાં ચિત્ર શિક્ષક તરીકે ૩૮ વર્ષ સેવા આપી નિવૃત્ત થયા. કવિ, નવલકથાકાર, નિબંધકાર રામચન્દ્ર પટેલ પાસેથી ‘સ્થળાંતર’ (૧૯૯૬), ‘બગલથેલો’ (૧૯૯૮), ‘અગિયાર દેરાં’ (૨૦૧૨) અને ‘પિછવાઈ’ (૨૦૧૫) વાર્તાસંગ્રહ પ્રાપ્ત થાય છે. ‘સ્થળાંતર’ વાર્તાસંગ્રહને ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર (૧૯૯૫) પ્રાપ્ત થયેલ છે. રામચન્દ્ર પટેલને વર્ષ ૨૦૦૪નો કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. તેમની વાર્તાઓ ‘એતદ્‌’, ‘ગદ્યપર્વ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘ખેવના’, ‘વિ’, ‘નવરોઝ’, ‘ઉદ્દેશ’, ‘વિશ્વમાનવ’, ‘ઇન્ડિયા ટુડે’, ‘દસમો દાયકો’, ‘સમકાલીન’, વગેરે દૈનિકપત્ર અને સામયિકમાં વાર્તાઓ પ્રકાશિત થઈ છે. ‘અગિયાર દેરાં’ વાર્તાસંગ્રહને નર્મદ સાહિત્યસભા સુરતનો નંદશંકર મહેતા સુવર્ણચંદ્રક વર્ષ ૨૦૧૩માં પ્રાપ્ત થયેલો છે.

કૃતિ પરિચય : ૧. ‘સ્થળાંતર’ (પ્ર. આ. ૧૯૯૬)

SthaLantar by Ramchandra Patel - Book Cover.jpg

‘સ્થળાંતર’ (૧૯૯૬)માં ૧૮ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૪) છે. સુરેશ જોષીને સંગ્રહ અર્પણ કરેલ છે. સંગ્રહની શરૂઆતમાં ‘કળશ’ નામે પ્રસ્તાવનામાં વાર્તા ક્યારે, કેવી રીતે આવી એ તેમ જ સર્જન પ્રક્રિયામાં જે સર્જક મિત્રોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમનો અને જે સામયિકમાં વાર્તાઓ પ્રકાશિત થયેલી છે તેમનો આભાર માન્યો છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘રખોપો’માં અજાણ્યો પુરુષ નાયકને આવકારે છે. નાયકને વાતો કરતાં ખબર પડે છે કે આ પુરુષ રખોપો છે. તેમ જ વન પાંદડાં ખાઈને જીવે છે. નાયક જરીપુરાણા કિલ્લા-મહેલના સ્થાપત્યને માણતાં રખોપા પાસેથી જાણે છે કે, ‘પાટણની રાજકુંવરી દિલ્હીના ઊલુંકખા પાસેથી છટકી વન્યદેવના પોકાર કરતી આ ગઢના પેટાળમાં ઊતરી પડી જે બહાર નીકળી નથી.’ જિજ્ઞાસુ નાયક બંધ ઓરડાનું તાળું ખોલતાં અંદર પેલો રખોપો દેખાય છે. નાયક નક્કી નથી કરી શકતો કે ભોંયરું, દાદર, બારી, જાળી કશુંય ન હોવા છતાં રખોપો અંદર ક્યાંથી આવ્યો? નાયક દોડતો બહાર આવી જુએ છે તો રખોપાને પાસે છોડેલી વસ્તુઓ અને સન્નાટા સિવાય કશું નથી. વાર્તામાં રહસ્ય બરાબર ઘૂંટાય છે. ‘શ્રીફળ’ વાર્તા તેમની ‘અમૃતકુંભ’ અને ‘મેરુયજ્ઞ’ નવલકથાનું કથાવસ્તુ સાથે સામ્ય ધરાવે છે. નાયક પોતાની અનુકૂળ પરિસ્થિતિ તેમજ જવાબદારી સમજી ગામને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવાના ભગીરથ કાર્ય માટે અગ્રેસર થાય છે. મેરુ પર્વતના શિખર પર શ્રીફળ ચડાવવા જતાં રસ્તામાં બે નાગાં વનબાળ અને રીંછનો ભેટો થાય છે. રીંછ વાસનાના પ્રતીક રૂપે આવે છે. જે નાયકને ભરડામાં લેવા માંગે છે. નાયક શિખરની નજીક આવતા મન વિકારોથી ભરાવા માંડે છે. પગ લપસતાં નાયક ગબડે છે અને શ્રીફળ છટકી જાય છે. સદ્‌ ઉપર અસદ્‌નો વિજય તેમ જ આત્મશુદ્ધિ વિના આચરેલું કાર્ય પૂર્ણતા પામે નહીં તે સ્પષ્ટ જોઈ શકાય છે. ‘તરસ’ વાર્તા પણ ‘સ્વર્ગનો અગ્નિ’ નવલકથાના વસ્તુ સાથે સામ્ય ધરાવે છે. ગરમીમાં શેકાતો નાયક પીપળા નીચે ઘોડો બાંધી બિહામણી વાવમાં પાણી પીવા ઊતરે છે. ત્યાં નાગ આડો ઊતરી પોલાણમાં પેસે છે. નાયકને દેવચકલી અપ્સરાના શિલ્પ પર બેસતાં મૂર્તિ સજીવ તેમ જ ભાવવિભોર દેખાય છે. નાયક આકર્ષાય છે. ઓચિંતો તેનો ભાલો કોઈક વાવમાં પાડે છે અને ખબર પડે છે કે વાવ પાણી વિનાની છે. અપ્સરાના શિલ્પની જગ્યાએ નાગ દેખાય છે. વાવમાંથી દોડતી પગથિયાં ચડતી વણઝારાની કન્યા પાછળ દોટ મૂકતાં નાયક છેલ્લું પગથિયું ચડતાં પ્રવેશદ્વારે ફસડાય પડે છે. નાયકની તરસ પેટ (શરીર) કરતાં હૈયાની વધારે છે. પ્રેમઝંખનામાં નાયક મૃગતૃષ્ણામાં હાંફતા હરણની જેમ સતત હાંફતો ઝંખનામય રહી જાય છે પૂર્ણતા કે પ્રાપ્તિ વિનાનો. ‘સુવર્ણકન્યા’ વાર્તામાં દાંપત્ય જીવનનો મહિમા કરનાર નાયક પ્રેમિકાને મળવા ઉત્સુક છે. વતનમાં પાછો ફરે છે ત્યારે ગામ ઘર એની સાચી ઓળખ ગુમાવી બેસે છે. નાયક કોઈ સુવર્ણકન્યા સાથે મનોમન સંબંધ બાંધી બેસે છે. જ્યારે નાયકને ખબર પડે છે કે આ ભ્રમ છે ત્યારે તે પ્રકૃતિની સભરતા અને પ્રેમના ખાલીપા વચ્ચે રહેંસાય છે. નાયક આવા સમયે સુરતાને બૂમ પાડે છે. આ બૂમ માત્ર હવામાં જ રહી જાય છે. વાર્તાના અંતે સુરતાનું હાડપિંજર ઘરમાંથી મળવું અને નાયકની ચામડી કરચલીવાળી બની જવી જે નાયકના ભ્રમને તોડે છે. ‘સાદ’ વાર્તા અતૃપ્ત લાગણીઓ સાદ રૂપે વ્યક્ત થઈ છે. બગલથેલો ભરાવી નીકળેલો નાયક શિવાલયના સ્થાપત્યને મન ભરી માણે છે. થાક ઉતારવા બેઠેલા નાયકની પીઠ પથ્થરની બારસાખ સાથે સંબંધાય છે. નાયક નિદ્રાધીન થઈ સ્વપ્નમાં કોઈ દિવ્ય અનુભૂતિ કરે છે. રૂપવાન રાજકુંવરી જેવી કન્યા મંદિરના ગર્ભગૃહમાં નૃત્ય કરવા લાગે છે. નાયક તેને ભેટવા જાય છે ત્યાં તે જાગે છે અને કોઈ જ ના દેખાતા ત્યાંથી ચાલવા માંડે છે. ‘સીમવતી’ વાર્તા પણ અન્ય વાર્તાનાયકોની જેમ પ્રકૃતિને માણતો બગલથેલો ભરાવી નાયક ચાલી નીકળે છે. એક નદીમાં અર્ધપાગલ જેવી નગ્ન સ્ત્રી જોવી, અદૃશ્ય આવકાર, સ્ત્રીની પ્રતીક્ષા વગેરે નાયકની કોઈ સ્ત્રીને પામવાની અભિલાષા-ઓરતા માત્ર એક અભરખા જ બની રહે છે. ‘શોધ’ વાર્તામાં નાયક રામભૈયાની શોધ લઈ નીકળે છે. શહેરના જુગુપ્સાપ્રેરક પરિવેશની વચ્ચેથી નાયક અમરાપુર, બજરંગબલીનાં દેરાં થઈ હૉસ્પિટલ સુધી પહોંચે છે. વાર્તામાં આવતી રામાયણ ફિલ્મ, રામનાથ, શંખ, રામનું મંદિર વગેરે પ્રભુ રામ સાથે જોડે છે. રામ મળે છે તે પણ મરેલા જ. વાર્તામાં નાયકનો પુરુષાર્થ એળે જાય છે. ‘શિલાજિત’ વાર્તા સદ્‌ ઉપર અસદ્‌ના વિજયની માનવનિયતિની વાર્તા છે. વાર્તાનાયક એક એવું ઘર બાંધવાની મનછા ધરાવે છે જે ઘરમાં કોઈપણ માણસ અતિથિ બની શકે, નાયક સરયુ નદીના જળ, મોહેં-જો-દડોના લોકોના હાથની ઈંટો, મિસર દેશની માટી, લંકાનાં લાકડાં વગેરે સંસ્કૃતિના સમન્વયથી ઘરનું નિર્માણ કરે છે. આગંતુક, અતિથિની રાહ જોતાં નાયક વાર્તાના અંતે ઘો અને પથ્થર સામે લડતાં નાયક જ પથ્થરસમ બની જાય છે. જયેશ ભોગાયતા વાર્તા વિશે લખે છે, ‘વાર્તા નાયકના દેહમાંથી શિલાજિતનું ઝરવું સૂચક ઘટના છે. પથ્થરના મદ સાથે યુદ્ધ કરતાં કરતાં હુંનું જાણે પથ્થરમાં રૂપાંતર થઈ રહ્યું છે. શિલાજિત જમીન ઉપર ઢોળાય છે તેથી ફળદ્રુપતાનું શું થશે? કશું જ બચશે નહીં અનિષ્ટની વિનાશક શક્તિનો સામનો કરતાં સદ્‌તત્ત્વ પણ અનિષ્ટમાં રૂપાંતર પામતું રહે છે. માનવનિયતિની આ દુર્નિવાર કરુણતાનો કોઈ અંત નથી.’ અહીં વાર્તા નાયકની લાચારી સહજ પમાય છે. ‘બારી’ વાર્તામાં ચણોઠી, લાલચ, જિજ્ઞાસા, મહત્ત્વાકાંક્ષા, પૈસા, ડૉલર, ધન વગેરે પ્રતીકરૂપે આવે છે. માણસજાતે વિકાસના નામે તો અધોગતિ જ મેળવી છે. સમગ્ર માનવજાત પ્રકૃતિ અને પૃથ્વીનું નિકંદન કાઢતા ખચકાતી નથી. માનવજાત વિકાસને નામે પ્રદૂષણ અને અધોગતિના માર્ગે ચડી છે. ‘જળરાણી’ દંતકથા આધારિત વાર્તા છે. દીકરો અને વહુને વાવમાં સમાધિ લેવડાવો તો નપાણિયો પ્રદેશ પાણીવાળો થાય એ દંતકથાનો દોર સૂચવાય છે. નાયક તળાવ પાસે નિદ્રાધીન થઈ સ્વપ્ન જુએ છે. જળપુરુષ દીકરા માધાકુંવરને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે પણ મૃત્યુ પામ્યો હોવાથી એ શક્ય બનતું નથી. જળપુરુષ જળરાણીને છોડીને નીકળી જાય છે. એટલામાં નાયકનો સ્વપ્નભંગ થાય છે. નાયક રુદ્રકુંડમાં ઊંડો ઊતરવા જાય છે પરંતુ પાણી સુધી પહોંચી શકતો નથી. ‘કન્હાઈ’, ‘અજગર’, ‘દર્શન’ અને ‘યક્ષ’ પુરાકલ્પન(myth)નો વિનિયોગ કરી લખાયેલી વાર્તાઓ છે. ‘કન્હાઈ’ કૃષ્ણકથા આધારિત વાર્તા છે. વાર્તાનાયકની કન્હાઈની શોધ વાર્તાના અંતે ફળીભૂત થાય છે. ‘અજગર’ વાર્તામાં ‘બુદ્ધનો ગૃહત્યાગ’ વસ્તુ સાથે સામ્ય ધરાવે છે. નાયક સંસારથી વિમુખ થવા પ્રયાગ તરફ પ્રયાણ કરે છે. માણસજાત અજગર રૂપી વૃત્તિઓ, વાસનાઓ, વિકૃતિઓને દૂર કરવામાં નિષ્ફળ છે. ‘અજગર’ અહીં પ્રતીકરૂપે આવે છે. ‘દર્શન’ વાર્તામાં વાર્તાનાયકને કન્હાઈનાં દર્શન સાથે ધૂળાની પ્રામાણિકતાનાં દર્શન પણ થાય છે. ‘યક્ષ’ વાર્તામાં નાયક કાલિદાસના શાપિત યક્ષની જેમ દેવવતીને પામવાની મથામણ છે. વાર્તાનાયક માતાના અસ્થિવિસર્જન માટે બસમાં મુસાફરી, ટિકિટ કંડક્ટરે નાયકને રસ્તામાં ઉતારી પાડવો, નાયકને સડકનો સૂનકારો અનુભવવો વાર્તાને કરુણરસ પ્રધાન બનાવે છે. ‘ગંધ’, ‘યાત્રિક’, ‘સહચર’ અને ‘દેવપુરુષ’ વાર્તાઓ અદ્‌ભુત વાતાવરણની સૃષ્ટિ ધરાવતી વાર્તાઓ છે. ‘ગંધ’ વાર્તામાં વાર્તાનાયકને શહેરની ગંધ સાથે મેળ ન ખાતા ઋતુ સાથે રહેવાનો વિચાર છે. વાર્તાના અંતે વાર્તાનાયક ગુફાથી છૂટી હવા, પ્રકાશ અને પૃથ્વીને નિરખતો ઊભો રહે છે. ‘યાત્રિક’ વાર્તામાં નાયકની વિવિધ યાત્રાના અનુભવો છે. શહેરથી કંટાળી નાયક પતંગિયું બની બચવા માંગે છે. પૃથ્વી પરની અરાજકતાનો નાયકને ઉપાય ધ્યાનમગ્ન લાગે છે. ‘સહચર’ વાર્તામાં ભૂતપ્રેતની સૃષ્ટિ ઊભી થયેલી છે. જંગલમાં મળેલ ડોસા સાથે નાયક ચાલે છે. નાયક ડોસાના ખભા પર હાથ મૂકતા તે વૃદ્ધ અને ડોસો જુવાન થઈ જાય છે. સવાર પડતાં જ ડોસો નગ્ન બાળક થઈ નદીમાં દોડવા લાગે છે. ‘દેવપુરુષ’ વાર્તામાં નાયક ભાદ્રપદના છેલ્લે દિવસે રાત્રિને માણવા રૂપેણ કાંઠે બેસે છે. નદીમાંથી વિકરાળ પાડો બહાર આવતો દેખાય છે જેના મોઢાની આસપાસ અંધકાર વર્તુળો રચાય છે. પાડો નાયકને ખબર ન પડે એ રીતે માણસના રૂપમાં એની પાસે ગોઠવાઈ જાય છે. પાડાની આંખમાંથી ચણોઠીઓ ઝરે છે. જે જોઈ નાયક પેલાને હડસેલો મારે છે. આગંતુકનું ખોળિયું અસામાન્ય બની નાયકને ખોપરી આપતા નાયક ત્યાંથી દોડવા જાય છે પણ દોડી શકતો નથી. પાછળ નજર નાખતાં કોઈ જાણે અનેક ખોપરીઓ ગોળગોળ ફેરવતું આવી રહ્યું હતું. ભૂતપ્રેતના સંદર્ભો આંબલી, ગીધ, દક્ષિણ દિશા જે મૃત્યુ સાથે જોડાયેલા છે એનાથી સ્પષ્ટ થાય છે. ‘સ્થળાંતર’ની વાર્તાઓમાં કથનપદ્ધતિ પ્રથમ પુરુષ એકવચનનું કથનકેન્દ્ર સર્જકે પસંદ કર્યું છે. મોટાભાગની વાર્તાઓ આત્મવૃત્તાંત રૂપે રજૂ થઈ છે. જેમાં ફ્લેશબૅક, સ્વપ્ન, તંદ્રા ને ફેન્ટસી જેવી પ્રયુક્તિનો પ્રયોગ છે. સર્જકે વિગતોને ઝીણવટથી મૂકી આપી સાથે પુરાકાલીન, લૌકિક, પરલૌકિક સંદર્ભોથી વાર્તામાં ક્યારેક વિશેષતા તો કોઈકવાર મર્યાદા પણ બને છે. ‘સ્થળાંતર’ની વાર્તાઓમાં મોટાભાગના વાર્તાનાયકો બાહ્ય રીતે એક જ લાગે છે, જેમ કે ખભે બગલથેલો ભરાવીને નીકળી પડનાર પણ આંતરવ્યક્તિત્વ વાર્તાએ વાર્તાએ અલગ જોવા મળે છે. મોટાભાગના નાયકો આદર્શવાદી, આધ્યાત્મિક પ્રકૃતિપ્રેમી, જીવનને કલ્યાણમાર્ગે દોરી જનારા છે. રામચન્દ્ર પટેલ વર્ણનની કે ચિંતનની ભાષા શિષ્ટ છે તો પાત્રની ભાષા તળપદી એટલે કે પટ્ટણી બોલી સાથે કામ પાર પાડ્યું છે. ‘સ્થળાંતર’ વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં ઘટનાનો એક તંતુ વાર્તાઓમાં ન જળવાતો હોય એવો અનુભવ થાય છે. ‘સ્થળાંતર’ વાર્તાસંગ્રહની મર્યાદા નોંધતા ઈલા નાયક કહે છે કે, ‘આ વાર્તાઓ એકવિધતાનો અનુભવ કરાવે છે. બે ત્રણ વાર્તા વાંચ્યા પછી રચનારીતિની ચમત્કૃતિ અનુભવાતી નથી. કથનવર્ણનની એકવિધ છટાઓ વાર્તાકારના પોતાના જ અનુરણનની પ્રતીતિ કરાવે છે. સરેરાશ ભાવક માટે આ વાર્તાઓ પ્રત્યાયનના પ્રશ્નો જરૂર ઊભા કરે છે.’

૨. ‘બગલથેલો’

Bagal-theo by Ramchandra Patel - Book Cover.jpg

‘બગલથેલો’ (૧૯૯૮)માં ૧૭ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૮+૨૧૬) છે. સંગ્રહ માણેકલાલ પટેલ, કિશોરસિંહ સોલંકી અને મણિલાલ પટેલને અર્પણ કરેલ છે. પ્રસ્તાવના ‘ગવાક્ષ’ શીર્ષકથી લખી છે. જેમાં રામચન્દ્ર પટેલે ‘લીલ’ (૧૯૮૧) વાર્તાને પોતાની પ્રથમ વાર્તા કહી છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘લીલ’ પ્રથમ પુરુષ એકવચન કથનકેન્દ્રમાં લખાયેલી છે. મા-બાપના મૃત્યુ પછી રેવતી બાજપુરા ફોઈ શામતી કાકીના ઘરે રહેવા જાય છે. નાયક સોમજી અને રેવતી પ્રથમ પરિચયથી જ એકબીજા સાથે લાગણી બંધાય છે. આ લાગણી પ્રેમમાં પરિવર્તિત થાય છે. બાળપણમાં ગોકો, મધી, રેવતી અને સોમજી જોડે રમતાં. શામતી કાકીને જ્યારે ખબર પડે છે કે, સોમજી નપુંસક અને પૌરુષ વિનાનો છે, ત્યારે તે સોમજીને રેવતી નજીક ફરકવા પણ નથી દેતી. બીજી બાજુ ગોકાના બાપા શામતી કાકીને પૈસાની લાલચ આપી રેવતીનાં લગ્ન ગોકા સાથે નક્કી કરી દે છે. સોમજી બાજપરા છોડવાનું નક્કી કરે છે એ રાત્રે રેવતી પોતાની વ્યથા સોમજી આગળ વ્યક્ત કરે છે,

‘મું બધું જ જાણું સું, ભલં મું મા
નંઈ થઈ શકું ઈટલું જ ક વધારં...
માર શરીર સુખ નથ જોઈતું પછં...
સોમા તાર ભાવ વના મું નઈ જીવ શકું...’ (પૃ. ૧૯)

લોકકથા કહી શકાય એવી વાર્તાઓ હોવાથી આ વાર્તાઓનો માત્ર સાર આપ્યો છે. સ્વરૂપ વિશેની ચર્ચા અહીં કરી નથી. સર્જકે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘બ્રાહ્મણકન્યા’ તેમની મા પાસેથી, ‘મલ્હાર’, ‘પોઠિયો’ અજાણ જૈન સાધુ પાસેથી, ‘નાવોર’ બાબુભાઈ પટેલ પાસેથી, ‘કુંડવાવ’ લલ્લુ નાયક પાસેથી, ‘ચૂડેલ’ હરગોવિંદ કુંભાર પાસેથી, ‘હારબાઈ’ ચંદાભા પાસેથી અને ‘વાળી’ પરસોત્તમકાકા પાસેથી સાંભળેલી વાર્તાઓ છે. તો વળી ‘વાળી’ વાર્તા પ્રજ્ઞા પટેલ સંપાદિત ‘ઉત્તર ગુજરાતની લોકકથાઓ’માં સંગૃહીત છે. સર્જક પ્રસ્તાવનામાં આ વાર્તાઓ વિશે લખે છે કે, ‘વિશેષમાં તો વર્ષો વર્ષ પહેલાં બનેલા બનાવ, ઘટનાઓ, ધીંગાણા, સમયસર દંતકથા બનીને લોકજીભે વહેતાં રહ્યાં હશે, પછી ચળાતી લોકસાહિત્યમાં કદાચ સ્થાન પામેલ હોય માની લઈએ કે કોઈ એક જણના મગજની વિચાર-તરંગ કલ્પનાની નીપજ પણ બનેલી માની શકાય.’ સંગ્રહની પ્રથમ વાર્તા ‘રતન’ પ્રથમ પુરુષ એઅહીં રેવતીનો શારીરિક પ્રેમ કરતાં આત્મિક પ્રેમ પ્રકટ થાય છે. તેમ છતાં સોમજી બાજપરા છોડીને ચાલ્યા ગયા પછી વર્ષો પછી પાછો પોતાના ઘરે પાછો ફરતો સોમજી ગોકા-રેવતીના સંસારના વિચાર કરતો ભાંગી પડે છે. રેવતીને સુખી જોવા સોમજી તેના જીવનમાં અજાણતા કરુણતા લાવી બેસે છે. વાર્તાનું શીર્ષક અહીં સાર્થક છે. કોઈ અવાવરું કે કૂવામાં લીલ બાઝી જાય એમ નાયકની જિંદગીમાં પણ લીલ બાઝી ગઈ છે. ‘શ્યામલી’ અને ‘મોર’ પશુ-પક્ષી પ્રેમની વાર્તાઓ છે. ‘શ્યામલી’ વાર્તાનો વાર્તાનાયક છાબડાવાડા ગામમાં શિક્ષક તરીકેની નોકરીએ જોડાય છે. નાયક શિક્ષકની નોકરી છોડી ગામમાં આવી ખેતી કરે છે. છાબડાવાડા થોડા દિવસોમાં ત્યાંના મુખીનો પરિચય થયેલો ભેંસ લેવા મુખીને ત્યાં જતા ખબર પડે છે કે મુખીની દીકરી શ્યામલી કોગળિયું(કોલેરા)માં મૃત્યુ પામી. મુખીની ભેંસનું નામ પણ શ્યામલી હોય છે તે નાયક ખરીદીને પોતાના ઘરે લાવે છે. શ્યામલી ભેંસમાં તેને શ્યામલી મુખીની દીકરી હોય તેવો ભાસ થયા કરે છે. નાયકની પત્ની ચંપા નાયકને કહ્યા વગર જ ભેંસને વેચી દે છે. વાર્તાનો અંત કરુણ છે. વાર્તાનાયકનો ખાલીપો અને એ ખાલીપામાં તે ભાંગી પડે છે. ‘શ્યામલી’ વાર્તા વાંચતા ધૂમકેતુની ‘જુમો ભિસ્તી’ વાર્તા યાદ આવ્યા વિના રહેતી નથી. ‘મોર’ વાર્તામાં ખેડૂત નાયકને પોતાનું મૃતબાળક મોરારનાં દર્શન મોરમાં થાય છે. મૃત બાળકની બાબરી સિદ્ધપુર નદીમાં પધરાવવા ગયેલો નાયક પાછો આવીને જુએે છે કે, ગીધ અને કૂતરાએ મોરને મારી નાખ્યો છે. આ વાર્તાના અંતે પણ નાયક દુઃખી છે. ‘મા’ વાર્તામાં રૂડી અને ભૂરો એ બે નામનાં બાળકો સાથે વિધવા બનેલી નાથીની વેદના નિરૂપણ પામી છે. નાથી બાલુ સાથે પુનઃ લગ્ન કર્યાં પછી મા બની શકી નથી એનો વસવસો અને બે બાળકોને રખડતાં મૂકી દીધાનો અફસોસમાં વાર્તામાં છે. ‘ભવ’ વાર્તાની શરૂઆત પ્રતીકાત્મક રીતે થાય છે. ગામમાં કેટલાક પુરુષો રેલ્લાને ખસી (નપુંસક કરવાની ક્રિયા) કરતાં હોય છે. નાયક ગોપાલને ડૉક્ટર કહે છે કે, ‘તમે વ્યંડળ છો કોઈ સાથે લગ્ન ન કરતાં.’ બીજી બાજુ ગોપાલનાં લગ્ન મંગળપરા ગામની વેણુ સાથે થવાનાં હોય છે. વેણુને બધા વનળા કહેવા માંડેલા તેથી તે પણ આત્મહત્યા કરે છે. ગોપાલ વ્યંડળ છે લગ્ન નહીં કરી શકે તેવા સમાચાર આપવા મંગળપરા જતો હોય છે ત્યાં રસ્તામાં કાળુ ભૂતેડીઓ વેણુના મૃત્યુના સમાચાર આપે છે. વેણુ અને ગોપાલ નિર્દોષ સાચા પ્રેમને ઝંખતા તેમજ એકબીજાને સુખી જોવાની તમન્ના સેવતાં પાત્રોનો પ્રેમ કરુણતામાં પરિણમે છે. અહીં કોણ કોનો ભવ બગાડે છે એ પ્રશ્ન વાચક માટે ગૂઢ છે. ગોપાલ એકલતાનાં વમળોમાં શેષ જીવન વિતાવે છે તેની એકલતા વાર્તામાં ઊપસી છે. ‘ટેકરી’ વાર્તામાં ટેકરી પરથી આવતું ગીધ પશ્ચિમ દિશાના બારણામાંથી નાયકના પિતાને ઉપાડી જાય છે. એ પછી બહેન ચખુ અને માના મૃત્યુ પછી નાયક એકલો પડી જાય છે. નાયક બાલસખી લીલીને યાદ કરે છે. ટેકરીના ધુમાડામાં નાયકને યમદેવનાં દર્શન થાય છે. નાયકને તેનાથી બચવા તંત્ર-મંત્ર કરે છે. નાયકને ટેકરી તરફ અદૃશ્ય શક્તિ ખેંચી જાય છે. ‘ટેકરી’ વાર્તામાં નિયતિના પ્રતીક તરીકે આવે છે. ‘ચિત્રવસ્તુ’ અને ‘ભિક્ષા’ વાર્તાઓ એક જ વસ્તુ પર આધારિત છે. ‘ચિત્રવસ્તુ’માં નાયકને દેરાસરને રંગવાનું કામ મળે છે. દેરાસરના પૂજારીની દીકરી કલ્લી સાથે નાયકની મૈત્રી બંધાય છે. કલ્લીના પિતાને મૈત્રી પસંદ ન આવતાં દેરાસરનું કામ બંધ કરાવી દે છે. નાયક કલ્લીની મૈત્રીથી છૂટા પડતાં એકલવાયાપણાથી પીડાય છે. બીજી બાજુ હવેલીના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા આવેલા રંગારા સાથે કલ્લી લગ્ન કરી ત્યાંથી જતી રહે છે. એક દિવસ સાંજે વિધવા સ્ત્રી નાયકની સામે આવી બેસે છે. નાયક જુએ છે તો તે કલ્લી હોય છે. વાર્તાનો અંત સુખદ છે. ‘ભિક્ષા’ વાર્તામાં માત્ર સ્થળ અને પાત્રો જ બદલાય છે. કલ્લીની જગ્યાએ સત્યવતી છે. વિષયવસ્તુ અને ઘટના એક જ પ્રકારની છે. આ વાર્તાનો અંત પણ સુખદ છે. ‘ઘા’ વાર્તામાં નાયક જોધો સૂજી સાથે લગ્ન કરવા ગામના રાજપૂત સાંતો પાસે ગીરો મૂકે છે. સૂજી તેનો ભાઈ જેતા પાસેથી પૈસા લાવી ખેતર છોડાવે છે. જોધો સૂજી મા બનવાની હોવાથી મહેમાન તેડાવે છે. ખેતર છૂટું થઈ ગયું તે વિચારી સૂજી અને રાજપૂત સાંતોના ખરાબ સંબંધ હશે એવો વહેમ જોધો કરે છે. દારૂના નશામાં જોધો જેતાને રાજપૂતને અને સૂજીને બેફામ બોલે છે. સાંતો ગુસ્સે થતાં ધારિયાના એક ફટકે જોધાનું માથું ફાડી નાખે છે. ‘વેર’ વાર્તામાં ભંવરીના ચારિત્ર્ય ઉપર કલંક લગાડનાર મંગળ સાથે વેર વાળે છે. વાર્તામાં ફ્લેશબૅક પ્રયુક્તિ પ્રયોજાયી છે. ભંવરી વેર વાળવા મેલીવિદ્યાનો સહારો લે છે. આ વેર વાળવા ભંવરીને તેનો પતિ ચહેરો પણ સાથ આપે છે. કાયદા-કાનૂનથી દૂર એવા અભણ ગરીબ સમાજ પણ સ્ત્રી પ્રત્યે કુદૃષ્ટિ નાખનાર પુરુષની સાથે કેવી રીતે વેર લે છે તે સહજ પામી શકાય છે. ‘સીડી’ વાર્તામાં નાયક અને પ્રતીક તરીકે આવતી કીડી સાથે સીડીનાં નવ પગથિયાં ચડે છે. અલગ-અલગ પગથિયે ભારત દેશની અલગ અલગ ભૂમિ તેમજ છેલ્લે વૈતરણી નદી, અંતરિક્ષ, કૈલાસ વગેરે આવે છે. વાર્તાના અંતે નાયકને અંતરિક્ષમાંથી ચાબુક પડતાં સીડીનાં નવેનવ પગથિયાં સાથે અથડાતો ભાનમાં આવે છે. ભારતખંડની ગરીબી, રોગ અને ભ્રષ્ટ દુનિયા જુએ છે. ‘મંજુ’ અને ‘હાથી’ સર્જકના જીવન સાથે નિસ્બત ધરાવતી વાર્તાઓ છે. પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રમાં ચાલતી ‘મંજુ’ વાર્તામાં સર્જકના કવિ મિત્ર રાવજીના જીવન તેમ જ સર્જન અને પોતાની વિદ્યાર્થિની મંજુના જીવનમાં રાવજીના કાવ્ય ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ શીર્ષકપંક્તિ સાચી પડે છે તેનું સુંદર નિરૂપણ છે. ‘હાથી’ વાર્તાની શરૂઆત વાર્તાનાયકના શૈશવનાં સ્મરણોથી થાય છે. બહેન સાથે મગોલના વડ નીચે જોયેલો હાથી નાયક ભૂલી શક્યો નથી. ‘હાથી’ વાર્તા લેખકના બાળજીવનનો શાબ્દિક દસ્તાવેજ બની રહે છે. ‘ભિક્ષુક’ વાર્તામાં કૃષ્ણ સુદામાના મિથનો વિનિયોગ છે. વાર્તાનાયક પત્નીએ આપેલ તાંદુલની પોટલી બગલથેલામાં મૂકી રાતે ચાલી નીકળે છે. નદીમાં તરાપો જ્યાં લઈ જાય ત્યાં જવાની ઇચ્છા વ્યક્ત કરતો નાયક બેટદ્વારકા સુધી પહોંચે છે. નાયકનું કલ્યાણ સુદામાની જેમ થાય છે. કૃષ્ણના સ્વરૂપને સભાનપણે પામવા ઇચ્છતો નાયક પામી શકતો નથી. નાવિક જ કૃષ્ણ હશે જે નાયક પામી ન શકતાં વસવસો અનુભવે છે. ‘સાધુ’ વાર્તામાં વાર્તાનાયક પુત્ર થવાથી માણિભદ્રવીરના દર્શને ચાલીને જાય છે. ચમત્કારિક સાધુ સાથે મુલાકાત થાય છે. ચમત્કારથી જમવાનું આપે છે. વાર્તામાં બિનજરૂરી વર્ણનો વાર્તાને નિરસ બનાવે છે. ‘ઉર્વરક’ વાર્તાનો નાયક કઠિયારો છે. તેણે કરેલા પાપના બદલામાં તેની સ્થિતિ ખરાબ છે તેનું યથાર્થ વર્ણન વાર્તામાં છે. ‘નદી’ વાર્તામાં નાયક કેદારો અને ગૌરીની કથા છે. મા-બાપ વગરના નાયકને નદી ખૂબ જ પ્રિય છે. ગૌરીની આશા છોડી નાયક સાધુ બની આબુગઢ બાજુ ચાલવા લાગે છે. ‘સ્થળાંતર’ સંગ્રહની વાર્તાઓ કરતાં ‘બગલથેલો’ની વાર્તાઓ વાચકને પકડી રાખે એવી છે. ‘લીલ’ વાર્તામાં પાત્રોનો જાત સાથેનો સંઘર્ષ નોંધનીય છે. ‘શ્યામલી’ વાર્તામાં તળપદી ભાષા સાથે સુંદરકામ લીધું છે. ‘મા’ વાર્તામાં નાથી અને બાલુના સંવાદ વાર્તાવિકાસને ઉપકારક છે. રામચન્દ્ર પટેલ કવિ અને નિબંધકાર પણ છે. ક્યારેક વાર્તાઓમાં નિબંધશૈલી પમાય છે. કૃષક અને ગ્રામસંસ્કૃતિ, પ્રયોજાયેલ પ્રતીક, કલ્પન અને અલંકારોથી વિશેષ પમાય છે. ‘બગલથેલો’ વાર્તાસંગ્રહ વિશે ડૉ. દીપક રાવલ લખે છે કે, ‘લેખકની ઉપમાઓ વિશિષ્ટ છે સૂક્ષ્મ વર્ણનો, પ્રકૃતિના વિવિધ રંગ-રૂપનું આલેખન પરિવેશનો સર્જનાત્મક વિનિયોગ ગ્રામજીવનની વાસ્તવિકતા વગેરે બાબતો આ વાર્તાઓને વિશિષ્ટ બનાવે છે.’ ‘સ્થળાંતર’ સંગ્રહની વાર્તાઓ કરતાં ‘બગલથેલો’ સંગ્રહની વાર્તાઓમાં વાર્તાકાર રામચન્દ્ર પટેલની કલમ સહજતાથી ઊઘડી છે એ સ્વીકારવું રહ્યું.

૩. ‘અગિયાર દેરાં’

Agiyar Dera by Ramchandra Patel - Book Cover.jpg

‘અગિયાર દેરાં’ (૨૦૧૨)માં ૧૧ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૧૨) છે. ડૉ. રમેશ દેસાઈ, ડૉ. શિલ્પા દેસાઈને સંગ્રહ અર્પણ કરેલ છે. રામચન્દ્ર પટેલે પુસ્તકની પ્રસ્તાવના ‘ઘંટારવ’ નામે લખી છે. જેમાં સર્જક લખે છે, ‘મારું વાર્તાસર્જન રચનાભાત-વિષયવસ્તુ લખાણ ચિત્રાત્મક શૈલીનું છે. સાલ ૧૯૬૦-૬૧ અમદાવાદ ચી. ન. કલા વિદ્યાવિહારમાં ચિત્રકળાની તાલીમ લઈને, ત્યાંની રેખિની-લેખિનીની ઊજળી તકો છોડીને વતન, ઉમતાગામની સ્કૂલમાં સ્થિર થયો, રહી પડ્યો, વતન છોડીને, નગરમાં વસવાનું મન ના થયું એનો વસવસો નથી, પણ જો શહેરમાં હોત તો ચિત્રસર્જન કે ફિલ્મક્ષેત્રે થોડુંય પ્રદાન કરી શક્યો હોત! એની પ્રતીતિ ‘અગિયાર દેરાં’ની વાર્તાઓ સાક્ષીરૂપ બની બેસે છે. એનું વાર્તાવસ્તુ કૅમેરા-ચિત્રપટમાં બેશક ઢાળી શકાય એ બરનું છે.’ ‘અગિયાર દેરાં’માંની ‘મોર’ વાર્તા અગાઉના ‘બગલથેલો’ સંગ્રહમાં આવી ગઈ હોવાથી અહીં માત્ર દસ વાર્તાઓને જ ધ્યાનમાં લીધેલ છે. સંગ્રહની ‘મલ્હાર’, ‘વાળી’, ‘પોઠિયો’, ‘ચૂડેલ’, ‘બ્રાહ્મણકન્યા’, ‘હારબાઈ’ ‘કુંડવાવ’ અને ‘નાવોર’ લોકવચન કથનકેન્દ્રમાં લખાયેલી છે. વાર્તાકથક લેખક પોતે જ હશે તે તેમના વતનનું ‘ચોતરા બજાર’ના આલેખન પરથી કહી શકાય. રતન લાખુમિયાં મદારીની માંકડી છે. ખેલ બતાવતા એક દિવસ મદારીના હાથમાંથી રતન છટકી વાંદરાઓના ટોળામાં ભળી જાય છે. એક વાંદરા સાથે મનમેળ થાય છે. વાર્તાકથક અને તેમના મિત્રોને રતન ખૂબ ગમતી. રતન સાપથી વાર્તાકથકને બચાવવા જતાં સર્પદંશથી મૃત્યુ પામે છે. પશુપ્રેમની આ વાર્તામાં રતન માંકડી મદારીથી છૂટી થઈ સ્વાયતત્તા ઝંખે છે તો બીજીબાજુ સર્જકે આલેખેલો પશુપ્રેમ ઊડીને આંખે વળગે છે. ‘મલ્હાર’ વાર્તા છોટા વૈદ્ય અને વાર્તાનાયકના સંવાદરૂપે વાર્તા વિકાસ પામે છે. અકબરનાં નવ રત્નોમાંના એક રત્ન તાનસેન અકબરના આદેશથી દીપક રાગ ગાય છે. દીપક રાગ તાનસેનને આવડતો હોય છે, પણ મલ્હાર રાગ ન આવડતો હોવાથી તેના સમગ્ર શરીરમાં અગ્નિ પ્રજ્જ્વલિત થાય છે. વડનગરની નાગર કન્યાઓ તાના-રીરી મલ્હાર રાગ ગાય છે. તાનસેન સ્વસ્થ થાય છે. તાના-રીરીએ ના પાડી હોવા છતાં તાનસેન અકબરના દરબારમાં આનંદપુરની આ બે કન્યાઓની હકીકત કહી દે છે. વડનગરને અકબર ખેદાન-મેદાન કરાવી તાનારીરીને બંદી બનાવે છે. બંને બહેનો એકબીજાનું ગળું દબાવી મોત સ્વીકારે છે. તાનસેન આ ઘટનાથી દુઃખી થઈ તેમની સમાધિ બનાવે છે. ‘વાળી’ અને ‘હારબાઈ’ વાર્તામાં ઉમતા ગામનો પરિવેશ અને ઇતિહાસ વિષય બને છે. ‘વાળી’માં બાપની ગેરહાજરીમાં ભાથીજી પૂરેપૂરી વીરતાથી લૂંટારાઓને એકલે હાથે હરાવે છે. ભાથીજીના પરાક્રમને વશ થઈને લૂંટારા હવે પછી ઉમતાની જાન લૂંટશે નહીં એવું વચન આપે છે. ‘હારબાઈ’માં ઉમતા ગામની દીકરી હારબાઈની યશોગાથા છે. હારબાઈની સાસરી દેણપ અને ઉમતા વચ્ચે થયેલ ઝઘડામાં હારબાઈ પુરુષવેશે તેના અનેક માણસોને મારી નાખે છે. પતિ કાવતરું કરી હારબાઈને મારી નાખે છે. હારબાઈ મરતાં-મરતાં પતિને પણ મારી નાખે છે. બંને વાર્તાઓમાં વતનપ્રેમ મોખરે છે. ‘પોઠિયો’ વાર્તામાં શિવ-પાર્વતી પૃથ્વીલોક પર લોકોને જોવા આવે છે. પાર્વતીને સ્ત્રીના રુદનનો અવાજ આવતાં તે તરફ ગતિ કરતા સ્ત્રી પોતાનો પતિ મારઝૂડ કરે છે એવું કહેતા પાર્વતી શિવ પાસે આવી તેનું નિવારણ કરવાનું કહે છે. શિવે આપેલું પાણી સ્ત્રી તેના પતિને પાતા તે પોઠિયો બની જાય છે. પાર્વતી શિવ પાછા ફરતા ફરી સ્ત્રીના રુદનનો અવાજ સાંભળતા ત્યાં જાય છે. સ્ત્રી પાર્વતીને કહે છે કે, ભલે મને મારતાં પણ પુરુષ તો હતા આ તો પોઠિયો બની ગયા છે. પાર્વતી શિવ પાસે આવી તેનો ઉપાય મેળવી સ્ત્રીને કહે છે કે, ચરતાં-ચરતાં એક ઔષધિ પોઠિયો ખાશે એટલે ફરી પુરુષ બનશે. પછી સ્ત્રી પોઠિયાને રોજ સવારે ઘાસ ચરાવવા એ આશા સાથે લઈ જાય છે કે કોઈકવાર ઔષધિ ખાશે અને પાછો પુરુષવેશે તે આવી જશે. ‘ચૂડેલ’ વાર્તા ‘બગલથેલો’ સંગ્રહની ‘વેર’ વાર્તાની પ્રતિકૃતિ છે. ‘ચૂડેલ’માં ગલબાજી સાગનાં લાકડાં લેવા ગયા હોવાથી રસ્તામાં વિસામો કરવા રોકાય અને ચૂડેલ મારી નાખવાનો પ્રયત્ન કરે. ‘વેર’માં ભંવરી મેલી વિદ્યાથી મંગળને મારી નાખવાનો પ્રયત્ન કરે. બંને વાર્તામાં ઝાબોડું, ભેંસ વગેરેનું વર્ણન એક સરખું આવે છે. ‘બ્રાહ્મણકન્યા’ વાર્તામાં જોશીજીએ કરેલી ભવિષ્યવાણી સાચી પડે છે. બ્રાહ્મણકન્યાને વાવમાં રહેતો કુંવર જે મૃત છે તેની સાથે રહે છે. બ્રાહ્મણકન્યા મડદાની જ સેવા કરે છે. ‘ખેતર’ અને ‘નાવોર’ બંને વાર્તામાં રોઝને બચાવવાની અને પશુપ્રેમનું વિષયવસ્તુ છે. ખેતરમાં મિયાંણીથી રોઝને નાયકની મા બચાવે છે તો ‘નાવોર’માં દામુભા ભીલથી રોઝને બચાવે છે. ‘કુંડવાવ’માં ચમત્કારની વાત છે. નાયક લલ્લુ તેમ જ તેના મિત્રોને અઘોરી બાવાએ આપેલ ચાદર બદલ લાડું અને સોનાનો ટુકડો પ્રાપ્ત થાય છે. નાયક લલ્લુને સોનાના બદલામાં નાગની પૂંછડી કપાઈ જવાથી નાગણ નખ્ખોદ જવાનું શાપ આપે છે. આમ, ‘અગિયાર દેરાં’માં સર્જકની મૌલિક વાર્તાઓ ‘રતન’, ‘મોર’ અને ‘ખેતર’ જ કહી શકાય. જેમાં ‘મોર’ અગાઉના સંગ્રહમાં આવી ગયેલ છે. સંગ્રહની બીજી વાર્તાઓ સર્જકે લોકકથાનું સંપાદન-સંશોધન પુસ્તક કરી તેમાં આપી હોત તો વધુ સારી રીતે આ લોકવાર્તાઓની નોંધ લેવાઈ હોત. તેમ છતાં ‘વાળી’, ‘હારબાઈ’, ‘ચૂડેલ’ વગેરે વાર્તાઓને લોકકથા કરતાં લોકવાર્તાઓ કહીએ એ વધુ ઉચિત છે.

૪. ‘પિછવાઈ’

Pichhavayi by Ramchandra Patel - Book Cover.jpg

‘પિછવાઈ’ (૨૦૧૫)માં ૧૬ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૮૪) છે. આ સંગ્રહ ભરત નાયક, સુમન શાહને અર્પણ કરેલ છે. ‘ભરતગૂંથણ’ નામે પ્રસ્તાવના આપી સંગ્રહની વાર્તાઓ વિશે રામચન્દ્ર પટેલ લખે છે કે; “પિછવાઈ’ સંગ્રહમાં ભિન્ન ભિન્ન અવસ્થાના શરીરવિષય કે પરીણિત સ્ત્રી-પુરુષના જાતીય સંબંધોનું આલેખન છે.’ એવું કહ્યા પછી વિવિધ સામયિકના સંપાદકશ્રીઓનો સર્જકે આભાર માન્યો છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘પિછવાઈ’ જેના પરથી જ સંગ્રહનું નામ પણ આપ્યું છે. વાર્તાનાયક માતંગ બહાદુર, હોશિયાર અને હોનહાર છે. ઘર છોડી શહેરી વિસ્તારમાં પટકાયેલો માતંગ દરિયાકિનારે પિછવાઈના છાંયડે સૂવે છે ને વાર્તા શરૂ થાય છે. ફ્લેશબૅકનો ઉપયોગ કરીને લખાયેલી આ વાર્તાનો નાયક ભીમબેટકા જે એનું જન્મસ્થળ છે, ત્યાં પહોંચી તેની સાથે અને તેને ગમતી સ્ત્રી રાનવા સાથે બનેલી ઘટનાઓ એક પછી એક વાર્તામાં આવતી જાય છે. વતનથી ભાગેલ માતંગ પિછવાઈ વેચીને થયેલ આવક પણ ગુમાવી બેસે છે. માતંગ રાનવાની યાદમાં જ સતત જીવતો હોય છે. વધેલી એક પિછવાઈ પવનથી ફાટી જાય છે અને લીરેલીરા થઈ જાય છે તેમ માતંગનું જીવન પણ લીરેલીરા થઈ જાય છે. ‘ગૃહમાતા’ વાર્તામાં સુલભા, સુબોધ અને અશ્વિનની કથા છે. ગંગાબા વિદ્યાલયમાં ગૃહમાતા સુલભા ૨૦ વર્ષ પહેલાં રંગપુર સાસરીમાં એક વર્ષની પોતાની દીકરી વૃંદાને છોડીને આવેલાં. એ દીકરી ભણવા માટે પોતાની હોસ્ટેલમાં જ આવે છે. સુલભા સુબોધની કોઈપણ ભૂલ વગર છોડીને પિયર ગયેલી અને પછી છૂટાછેડા થયેલા. વિદ્યાલયના ક્લાર્ક અશ્વિન સાથે ફરી લગ્ન કર્યાં પણ બહુ જામી નહીં. વર્ષો પછી દીકરી વૃંદા સાથે માયા લાગે છે. વૃંદાના લગ્નમાં કન્યાદાનમાં સુબોધ સાથે બેસે છે. વૃંદાને વળાવી રંગપુર ગામના પાદર જ સુલભા ઊભી છે અને વાર્તા પૂરી થાય છે. ભાવકને વાર્તા પકડી રાખે છે. વાર્તામાં આગળ શું થશે એની તાલાવેલી વાર્તાને સફળ બનાવે છે. ‘દુપટ્ટો’ વાર્તા પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં લખાયેલી છે. વાર્તાનાયક મુંબઈમાં કૉન્ટ્રાક્ટર હોય છે. મજૂરો સાથે કામ પાર પાડતો જુસબ વાર્તાનાયક સાથે મિત્રતા પણ ધરાવે છે. જુસબના લીધે ઝૂબી સાથે વાર્તાનાયક પરિચયમાં આવી જુસબ ઝૂબી સાથે લગ્ન કરી છૂટાછેડા પણ આપી દે છે. વાર્તાનાયક અને ઝૂબી પિંજાલ નદીના ધોધમાં એકબીજાને આલિંગન આપી બેસે છે. ઝૂબી ધ્રુવ નામના દીકરાને લઈને નાયકના ઘરે આવે છે. નાયકની પત્ની સુજાતા પુત્રી પૌલોમી ઝૂબી અને ધ્રુવને સ્વીકારે છે. થોડાક સમય પછી બધા પિંજાલ નદીએ જાય છે. ધ્રુવનો ફુગ્ગો પાણીમાં પડી જવાથી ઝૂબી તે લેવા પ્રયત્ન કરે છે અને પાણીમાં ડૂબી મરે છે. વાર્તાનાયકના હાથમાં રહી જાય છે માત્ર જાંબલી કલરનો દુપટ્ટો. ‘અંબરગિરિ’ વાર્તામાં વાર્તાનાયક મૃતક દેવીભાભી, ધાનુ અને મનુ સાથેનાં સ્મરણો યાદ કરે છે. નાયક મૃતક ત્રણે પાત્રો સાથેના પોતાના સંબંધો કેવા હતા અને તે પાત્રો આજે પણ તેની જિંદગીનો હિસ્સો છે તેવો અહેસાસ કરાવે છે. વાર્તા શિથિલ બની રહે છે. ‘સુકરી’ વાર્તામાં વાર્તાનાયક પ્રેમની અધૂરપ અનુભવે છે. વસુમતી, યોગિની તેમજ સુકરી કૂતરીની લાગણીઓથી વાર્તાનાયક દૂર થઈ તેની વેદના અનુભવે છે. ‘ચાંદબીબી’ વાર્તામાં વાર્તાનાયક પોલીસ ખાતામાં સિપાઈ તરીકેની નોકરી કરે છે. વાર્તાનાયકને પસંદ કરીને ચાંદબીબીએ લગ્ન કર્યાં હોવા છતાં તે તેના પ્રેમી સાથે નાસી જાય છે. વાર્તાનાયકનો વિરહ વાર્તાના કેન્દ્રસ્થાને રહેલો છે. ‘બિલ્ડિંગ’ વાર્તા એક નવા વિષય અને નવી રચનારીતિને ધ્યાનમાં રાખી લખાયેલી વાર્તા છે. નિર્જીવ વસ્તુ બિલ્ડિંગને વાર્તામાં નાયકનું સ્થાન લેખકે આપ્યું છે. મુંબઈની આ બિલ્ડિંગ શહેરમાં ચાલતાં ખરાબ દૂષણો પ્રત્યે પોતાના વિચારો પ્રગટ કરતાં કરતાં જીવણભાઈ સાથે ગુજરાત આવી ધોળાવીરા જાય છે. મુંબઈ અને ગુજરાતમાં માણસો કેટલા ખરાબ છે એની વાત અહીં સહજ રીતે બિલ્ડિંગને નાયક બનાવી મૂકવામાં આવી છે. ‘બામણી સમડી’ વાર્તા ભીલવાડા પ્રદેશમાં પોસ્ટમાસ્તર તરીકે નોકરીએ આવેલા નૈષધરાયની કથા છે. દીકરા દ્રુપદને જે સ્થાને એમણે નોકરી કરેલી ત્યાં જ નોકરીએ મૂકવા આવે છે. નૈષધરાય ૨૦ વર્ષ પહેલાં જ્યારે ભીલવાડા આવેલા ત્યારે સ્ટેશન પરથી ગલબી નામની સ્ત્રીએ સામાન ઊંચકી લીધેલો. પછી તો ગલબી નૈષધરાયના પરિવારનો હિસ્સો જ બની ગયેલી. નૈષધરાયની પત્ની મંગળાગૌરી મા બની શકે એમ નથી. ગલબીને એક રાતે મંગળાગૌરી નૈષધરાયના રૂમમાં મોકલે છે. ગલબીના કૂખે પુત્ર અવતરે છે જે પછી મંગળાગૌરીને સોંપી દે છે. ૨૦ વર્ષ પછી પાછાં ભીલવાડા આવે છે, ત્યારે દ્રુપદને ગલબી જેવી જ મેથી નામની સ્ત્રી મળે છે. મંગળાગૌરી અવસાન પામી હોય છે. ગલબી સાથે નૈષધરાય અને દ્રુપદનો મેળાપ થાય છે અને વાર્તા પૂરી થાય છે. વાર્તાનું શીર્ષક ‘બામણી સમડી’ સૂચક રીતે આપવામાં આવ્યું છે. ‘નક્ષત્રકથા’ વાર્તામાં વાર્તાકથકની પૃથ્વી પર થઈ રહેલા અત્યાચાર, પ્રદૂષણ અને વિવિધ પ્રવૃત્તિઓ વિશેની વિચારણાને વાચા આપી છે. વાર્તાનાયક અંતે થાકીને ખાટલામાં પછડાય પડે છે અને વાર્તા પૂર્ણ થાય છે. ‘તીતીઘોડો’ વાર્તા ગામડાની અંદર વ્યાપેલી અંધશ્રદ્ધાને ઉજાગર કરે છે. નાયક દેવાયત નાનપણથી જ તિથિને ખૂબ ચાહતો. દેવાયત શહેરમાં ગયા પછી વર્ષો બાદ પાછો જીવણપુર આવે છે. કામનાથ મહાદેવના મંદિરમાં તિથિને રૂગનાથ બાવા જોડે ખરાબ સ્થિતિમાં જોતા તેને તેમાંથી ઉગારી લેવાનો પ્રયત્ન કરે છે, પણ સફળ થતો નથી. સ્ત્રીના દેહ પર અંધશ્રદ્ધાના નામે ધુતારાઓ તીતીઘોડાની જેમ વળગી પડે છે તેનું સરસ નિરૂપણ વાર્તામાં જોવા મળે છે. ‘દત્તક’ વાર્તામાં સોમચંદ અને ઈશ્વરની મૈત્રી ઉત્તમ રીતે નિરૂપણ પામી છે. બંને એક જ ગામ પરણે છે. સોમચંદની પત્ની મૃદુલા અને ઈશ્વરની પત્ની લીલાવતી સગી બહેનની જેમ રહેતી હતી. સોમચંદને વિજય નામનો પુત્ર અને ઈશ્વરને સંજય. એક દિવસ બધા જીપમાં બેસીને કુણઘેર ચૂડેલમાના દર્શને જતા જીપનું ટાયર ફાટી જતા મૃદુલા અને સંજય મૃત્યુ પામે છે. આ ઘટના પછી સોમચંદ મુંબઈ પાછો જાય છે. વર્ષો પછી પાછો આવી પોતાનો પુત્ર વિજયને ઈશ્વરને દત્તક આપી પોતે દીક્ષા લઈ લે છે. વાર્તામાં બે મિત્રોની ઉત્તમ કથા નિરૂપાયી છે. ‘પેંતરો’ વાર્તામાં વેગમ અને દુલારી એકબીજાને પ્રેમ કરતાં હોય છે. આ બંને છૂટાં પડે તે માટે જાલમ પેંતરા રચે છે. દુલારીનાં લગ્ન વેગમ સાથે થતાં નથી. વેગમ ગામ છોડીને ગયા પછી વર્ષો બાદ પાછો આવે છે. જાલમ, ખીમો બંને વેગમને દુલારીને તેના ગામથી ઉપાડવાની યોજના બતાવે છે. જાલમ દુલારીને જોઈને તેની સાથે દુષ્કર્મ આચરે છે. વેગમ આ જોઈ ખૂબ દુઃખી થાય છે અને વાર્તા પૂરી થાય છે. ‘મારી એક યાત્રા’ વાર્તામાં વાર્તાનાયક શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીથી વતન આવે છે. ભવાન ભરવાડનું આમંત્રણ મળતાં ખેતરમાં ઉછેરેલો સાંકળિયો આંબો જોવાનું મન થાય છે. આ સાંકળિયા આંબા સુધી પહોંચવાની યાત્રા આ વાર્તામાં નિરૂપાયેલી છે. ‘ચસકો’ વાર્તામાં કમળા અને શંભુગોરના લગ્નેતર સંબંધોને નિરૂપવામાં આવ્યા છે. કમળાનો દીકરો કુંદન બહુ સમજાવવા છતાં કમળા શંભુગોર પ્રત્યેનો ચસકો છોડતી નથી. ‘ખેપ’ વાર્તામાં વાર્તાનાયક અજાણી દિશા, અજાણ્યા નગરથી સતત ચાલતો વિહરતો, અથડાતો ફર્યા કરે છે. શહેરના વિવિધ અનુભવોથી એ જાણે કોઈ ખેપ કરતો હોય એમ ગામડાં અને શહેર વચ્ચેનો ભેદ આપી જાય છે. વાર્તાના અંતે શહેરની બદીઓ ઉજાગર થઈ છે. ‘એક સ્વપ્ન કીર્તન’ સંગ્રહની છેલ્લી વાર્તા છે. વાર્તાનાયક વસુમતી નામની કન્યા સાથે લાગણી ધરાવે છે. રાજગઢી ટીંબો, તળાવ અને ગામમાં નાયક ફરે છે. તળાવ નાયકને બોલાવી રહ્યું હોય એવા ભાસ તેને થયા કરે છે. વાર્તાના અંતમાં ચંદુ ચંડાળ પાડો લઈને આવે છે ત્યારે વસુમતી નાયકના પડછાયામાં છુપાઈ જાય છે. ‘પિછવાઈ’ વાર્તાસંગ્રહમાંથી પસાર થતા ‘ગૃહમાતા’, ‘દુપટ્ટો’, ‘બામણી સમડી’, ‘તીતીઘોડો’ અને ‘દત્તક’ વાર્તાઓ વાચકને પકડી રાખે છે. રચનારીતિ અને વાર્તાવિકાસ સૂક્ષ્મ રીતે વિકાસ પામે છે. સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં નાયક અને નાયકા પ્રેમ-વિરહ અનુભવે છે. ‘બગલથેલો’ સંગ્રહની સાથે મૂકી શકાય એવી વાર્તાઓ આ સંગ્રહમાં પણ પ્રાપ્ત થાય છે. ‘પિછવાઈ’ સંગ્રહ ૨૦૧૫માં આપ્યા પછી રામચન્દ્ર પટેલે વાર્તાસંગ્રહ આપ્યો નથી. રામચન્દ્ર પટેલ હાલ હિંમતનગર નિવાસ કરે છે અને અનેકવાર એમના પરિચયમાં આવવાનું થયું છે. જે બગલથેલો એમની મોટાભાગની વાર્તાઓમાં વાર્તાનાયકને ખભે હોય છે એવો જ બગલથેલો રામચન્દ્ર પટેલના ખભે પણ અચૂક જોવા મળે છે. વાર્તાઓના નાયક એ પોતે જ હોય એવો અનુભવ વાર્તા વાંચતા થયા વિના રહેતો નથી.

ડૉ. સતીશ પટેલ
અધ્યાપક, આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પ્રાંતિજ
મો. ૬૩૫૩૫ ૧૪૯૫૩
Email : Patelsatish૧૯૮@gmail.com