ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચતુર પટેલ

From Ekatra Wiki
Revision as of 02:53, 23 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘કુંડાળામાં પગ’ – ચતુર પટેલ

આરતી સોલંકી

Chatur Patel.jpg

વાર્તાકારનો પરિચય પૂરું નામ : ચતુર પટેલ જન્મતારીખ : ૧૪-૦૫-૧૯૩૯ જન્મસ્થળ : જલસણ (ખંભાત તાલુકાનું) અભ્યાસ : એમ.એસ.સી., એ.આઈ.સી., પીએચ.ડી. વ્યવસાય : વૈજ્ઞાનિક, અભિનેતા, બિલ્ડર, રસાયણશાસ્ત્રના જ્ઞાતા, રંગશાસ્ત્રના તજ્‌જ્ઞ, ટેલિવિઝન સ્ક્રિપ્ટના લેખક, મિમિક્રી આર્ટિસ્ટ, દિગ્દર્શક અને ચિત્રકાર. સાહિત્યસર્જન : ‘કંડિલ’ નામનો કાવ્યસંગ્રહ અને ‘કુંડાળામાં પગ’ નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. ટૂંક સમયમાં એમનો અન્ય એક વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત થવાનો છે. આ ઉપરાંત તેમણે ચરોતરમાં બોલાતી કહેવતો એકઠી કરીને ‘ચરોતરમાં બોલાતી કહેવતો’ નામે કહેવતસંગ્રહનું પણ સંપાદન કરેલું છે. વાર્તાકારનો યુગસંદર્ભ : વાર્તાકાર તરીકે ચતુર પટેલ અનુઆધુનિક યુગના વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં સમાજજીવનની નરી વાસ્તવિકતા છતી થાય છે. ટૂંકીવાર્તા વિશે ચતુર પટેલની સમજ : ચતુર પટેલ જુદી જુદી વાર્તાશિબિરોમાં જઈને વાર્તાઓ લખનારા સર્જક છે એટલે એમની ટૂંકીવાર્તા વિશેની સમજ એ સંદર્ભે ઘણી વિશાળ બની છે. વાર્તાકાર તરીકે ગ્રામસમૂહ અને શહેરી એકાંતોમાં, મિત્રો અને શિબિરોમાં જ્ઞાનસત્ર અને પરિસંવાદોમાં તેઓ દીક્ષિત થતા રહ્યા છે. તેઓ પોતાની મર્યાદાઓને પણ સહજ સ્વીકારે છે. પરંતુ ‘વાર્તા બને છે’ અને ‘વાર્તા બનતી નથી’ના લેબલો વચ્ચે અટવાતા વિવેચકોની તેઓ તમા નથી કરતા. ચાલવું, શિસ્તબદ્ધ અને નિષ્ઠાપૂર્વક ચાલવું એ જ એમનો પ્રવાસ મંત્ર છે.

‘કુંડાળામાં પગ’ વાર્તાસંગ્રહનો પરિચય

Kundalama Pag bu Chatur Patel - Book Cover.jpg

‘કુંડાળામાં પગ’ સંગ્રહમાં કુલ ૧૭ વાર્તાઓ છે. તેમણે જીવનમાં વેઠેલાં સંઘર્ષો જ ક્યાંક આ વાર્તાઓ બનવા પાછળનું કારણ છે. ગ્રામજીવનાભિમુખતા અને બોલીઓ સાથેની ચતુર પટેલની રમમાણતા આપણને વિલક્ષણ કહી શકાય તેવી ‘બોલીઓમાં કહેવાયેલી વાર્તાઓ’ સંપડાવી આપે છે. જે વાર્તાકથન પરંપરા સાથેના અનુસંધાનની સાથે સાથે મૃત્યુ અને જાતીયતાના અનેકવિધ પરિમાણોને તેના મનોવૈજ્ઞાનિક સાતત્ય સાથે પ્રગટાવી આપે છે. આ સંગ્રહની બહુધા વાર્તાઓ મૃત્યુ અને દમિત જાતીયતાને એકરૂપ બનાવીને ઠાલવે છે. જાતીયતાના સામાજિક, નૈતિક નિષેધો દ્વારા થતી દમનની પ્રક્રિયા જ મૃત્યુની પ્રક્રિયા છે જે જીવંત તત્ત્વોનો હ્રાસ સર્જે છે. ‘કુંડાળામાં પગ’ની વાર્તાઓ વાસ્તવ અને સમાજજીવનમાં જાતીય દમન દ્વારા આડસંબંધ યા ગુપ્તસંબંધોના કેવાં કુંડાળાં સર્જાય છે તેનું આલેખન કરે છે. આ કુંડાળાં જીવનના અન્ય પાસાંને કેવાં તરડે-મરડે છે તે પણ બારીકીપૂર્વક વિગતે ચતુર પટેલ નિરૂપે છે. મૃત્યુ અને જાતીયતાને એકાકાર કરતી આ સામાજિક લાગતી મનોવૈજ્ઞાનિક સમસ્યા, જીવનમાં પ્રવેશી કેવાં સ્ફોટક પરિણામો લાવે છે તેનો આલેખ પણ લેખકે વિગતે અહીં આપ્યો છે.

ચતુર પટેલની વાર્તાકળા :

‘કુંડાળામાં પગ’ની વાર્તાઓ વાસ્તવ અને વિભાવનાવિશ્વ વચ્ચેની જલદ ટક્કરોને અંકે કરે છે. લેખક પોતે જ ગ્રામજીવનના પરિવેશનું ફરજંદ છે તેથી તેઓ ‘લિટરેડ પર્સન’ હોવા છતાં રહેવાસી ગામઠી છે તેમ તેની વાર્તાઓ પણ વાર્તાકલાના જાણકારની વાર્તાઓ હોવા છતાં શિષ્ટભાષારૂપ ત્યજીને બહુધા બોલીઓમાં વ્યક્ત થવાનું પસંદ કરે છે. ‘કુંડાળામાં પગ’માં ૧૭ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. જેમાં મરણને કેન્દ્રમાં રાખીને, માનવીય સંબંધો, માણસની જીવનજરૂરિયાતો, તેની વિભાવનાઓ, તેનો મનોઅસબાબ અને આ બધા ઉપર વેસ્ટિત થતા જતા જીવનના તાણાવાણાને પ્રત્યક્ષ કરી આપતી વાર્તાઓ છે. દમિત જાતીય આવેગોની સૃષ્ટિ પણ સૂક્ષ્મ સ્તરે આ જ સ્થિતિનું અન્ય પરિણામ પ્રગટાવી આપે છે જે કેટલીક વાર્તાઓમાં દૃષ્ટિકોણ બદલીને રજૂ થાય છે. ‘અદાવત’ એ કથાનાયક લખમણના મનમાં ચાલતા વિચારો નીચે ચૈતસિક વાર્તા છે. આ વાર્તામાં લેખકે સામાજિક માન્યતાઓને લોકબોલીના માધ્યમથી સરસ રીતે ગૂંથી છે. લખમણના મનને તાગવાની મથામણ લેખક આ વાર્તામાં કરે છે અને ઘણા અંશે તેઓ સફળ પણ રહ્યા છે. ‘ફગડણ’ વાર્તામાં પોતાની સગી દીકરીના કન્યાદાન કરવાના દિવસે જ તેનો બાપ ચીમન ઘર છોડીને જતો રહે છે. કુટુંબમાં અને સમાજમાં બધાની બદનામી ન થાય તે માટે ચંદુભાઈ બધું સંભાળી લે છે. ચીમનની પત્ની સવિતાના મનની સ્થિતિને લેખકે સરસ રીતે વાચા આપી છે : ચ્હા સાથે એનું મન પણ ઉકળતું’તું... સ્ટવની અગ્નજાળમાં પતિની હયાતીને સળગાવીને હળવી થઈ ગઈ...!’ (પૃ. ૨૭) અને વાર્તાના અંતે ચીમન કેરોસીન છાંટીને આપઘાત કરે છે. ‘રંછો’ વાર્તા ઉજળિયાત વર્ગના દલિતવર્ગ પર થતા અત્યાચારોની વાર્તા છે. આ વાર્તાનો નાયક રંછો સવર્ણ સામે બળવો પોકારે છે ત્યારે તેની મા દલિતો પર પેઢીઓથી ચાલ્યા આવતા અત્યાચારોની યાદ દેવડાવે છે અને રંછો ક્યાંક પીડાના સાગરમાં ડૂબકીઓ મારતો દેખાય છે. આ વાર્તાની કથક એક સ્ત્રી છે. ‘એટેક’ વાર્તામાં મનસુખલાલ અને શંકરલાલ નામના બે પ્રૌઢ મિત્રોની વાત છે. તેમના અન્ય ચાર મિત્રો એટેક આવવાથી મૃત્યુ પામ્યા છે. આ ઘટના પછી મનસુખલાલ પોતાની જાત વિશે વિચારે છે અને જિંદગીને ભરપૂર જીવી લેવાની ઇચ્છા કેળવે છે પરંતુ તેમની પત્ની નિમુબેન અને અન્ય સોસાયટીના લોકોને એવું લાગે છે કે મનસુખલાલનું ચસકી ગયું છે. પરંતુ મનસુખલાલ જુદું જ વિચારતા હોય છે. કોઈ એક ઘટના માણસના મન પર કઈ હદ સુધી અસર કરે છે તેની આ વાર્તા પ્રતીતિ કરાવે છે. ‘શગ’ વાર્તામાં કથાવસ્તુ તો સાવ નાનું જ છે. આ વાર્તા તુલસીની એક રાતની પીડાની કથા છે. એ રાત એની બધી જ વિપદાઓનો સરવાળો થઈને આવી છે. લેખકે પ્રક્રિયારૂપે તુલસીના ધમપછાડા અને મનોવ્યથાઓ દ્વારા સરસ રીતે આલેખી છે. તુલસી શગની જેમ રોજ બળે છે અને ઘરને ઉજાળે છે પણ તેનો પતિ તેને મારે છે. શગ એ અહીં સ્ત્રીનું પ્રતીક બનીને આવે છે. ‘સાંકળ’ વાર્તા સવિતાના મનમાં ચાલતી ચૈતસિક ક્રિયાઓનું વર્ણન છે. વાર્તાની શરૂઆતમાં તે રોટલો ઘડીને જોરથી તાવડીમાં નાખે છે ને તાવડી તૂટી જાય છે. આ ઘટના સાથે જ સવિતાના મનમાં વિચારો શરૂ થાય છે. એ એનો પતિ પાછો આવીને એને ઢાંઢોળે છે ત્યાં સુધી ચાલે છે. સવિતાના મોટાભાઈ આવીને એના પગે કાયમની માટે સાંકળ બાંધીને જતા રહે છે. કેમકે એ પોતાના ઘરના દરવાજા કાયમને માટે સવિતા માટે બંધ કરી દે છે. લેખકે વ્યંજનાત્મક રીતે સવિતાની વાત સાથે ફળીમાં સાંકળ તોડીને ભાગી છૂટતી પાડીની વાતને જોડી દીધી છે. વાર્તાના અંતે ફળીના આદમીઓની મદદથી પાડીને બાંધી દેવામાં આવે છે. ને એવી જ રીતે સમાજમાં સ્ત્રીઓને પણ સમાજના લોકો મર્યાદારૂપી સાંકળમાં બાંધી દે છે. જે વાર્તાના શીર્ષકથી આ સંગ્રહને નામ અપાયું છે એ વાર્તા એટલે ‘કુંડાળામાં પગ’. વાચકને આ વાર્તા જુદા પ્રદેશમાં લઈ જાય છે. સમાજના લોકોની અંધશ્રદ્ધાને લેખકે અહીં સરસ રીતે વાચક સામે છતી કરી છે. ચંપા ખરેખર નિર્દોષ હતી પરંતુ કુંડાળામાં પગ પડી ગયો છે એવું એમની આબરૂ બચાવવા માટે બહાર કહેવામાં આવે છે. અને વાર્તાના અંતે એક ઘટના ઘટે છે. ત્યાર પછી કુંડાળામાંથી પગ નીકળી ગયો ને ચંપા નિર્દોષ જાહેર થઈ એવું કહેવામાં આવે છે. ખરેખર જે ઘટના ઘટી તેની જાણ તો ચંપા અને કારીયાભુવા બેને જ છે. આ વાર્તામાં અંધશ્રદ્ધામાં માનનારા લોકો સમક્ષ લેખકે કટાક્ષ કર્યો છે. ‘માતામેલી’ વાર્તા પણ સમાજના લોકોની અંધશ્રદ્ધાને ખુલ્લી પાડતી વાર્તા છે. આજકાલ લોકો અંધશ્રદ્ધામાં એવા ડૂબી જાય છે કે સત્ય સુધી પહોંચવાની હિંમત પણ નથી કરતા. શનાભાઈના પાત્ર મારફત લેખકે ‘માતામેલી’ વાર્તાને એક નવો વળાંક આપ્યો છે. ‘ગળાફાંસો’ વાર્તા એક બાજુથી અવૈધ જાતીય સંબંધો બતાવતી વાર્તા છે તો બીજી બાજુથી માણસનો ક્રોધ એને કઈ હદ સુધી લઈ જઈ શકે તેની વાર્તા છે. ચરોતરી બોલીમાં લેખકે સરસ રીતે આ વાર્તા આલેખી છે. વાર્તાની શરૂઆત જેટલી વેધક રીતે થઈ છે એવી જ રીતે વાર્તાના અંતે ગુસ્સામાં પોતાના જ પતિને ગળાફાંસો દઈ અને પંખા ઉપર લટકાવી દેતી રેવલી છે. ક્યાંક આ વાર્તા બનવા પાછળનું કારણ તે લોકોની ગરીબી છે. ‘પોરગો’ વાર્તા માતૃત્વથી ભરપૂર વાર્તા છે. આ વાર્તામાં નાયિકા રજુડી એકવાર પોતાનો દીકરો ગુમાવ્યા પછી ફરી ક્યારેય મા બની શકવાની નથી અને એટલે જ એક અમરા નામના પુરુષના એક મા વિનાના દીકરા ઉપર પોતાનું માતૃત્વ ન્યોચ્છાવર કરે છે. અને પોતાના ગાય જેવા ભોળા પતિને છોડીને અમરા જોડે ભાગી જાય છે. પરંતુ વાર્તાના અંતે જ્યારે રજુડીનું ઘર છોડવા પાછળનું સાચું કારણ ખબર પડે છે ત્યારે વાચક અવાક્‌ બની જાય છે. ‘મોહન’ વાર્તા પણ ‘પોરગો’ વાર્તાની જેમ માતૃત્વની જ વાર્તા છે. આ વાર્તાનો કથક જયેશ છે. જયેશની મા મોહનને બાળપણથી જ માબાપ ગુજરી ગયાં હોવાથી સગી માની જેમ ઉછેરે છે. તે પોતાના સગા દીકરા કરતાં પણ વધારે મોહનની સંભાળ રાખે છે. મોહન ભણી-ગણીને મામલતદાર બની ગયો છે અને શહેરમાં તેના બૈરીછોકરાઓ સાથે રહે છે. આ બાજુ મોહનની પાલક માતાએ જીવનની અંતિમ ક્ષણોમાં હઠ પકડી છે કે મોહનને લઈ આવો. એટલે જયેશ બધે જઈને તેની તપાસ કરાવે છે એને વાર્તાના અંતે મોહન આવે છે ત્યારે તેની મા પોતાનો પ્રાણ છોડે છે. આમ વાર્તા વાચકને કરુણરસની પ્રતીતિ કરાવી પૂર્ણ થાય છે. ‘બિસ્કુટ’ વાર્તામાં સામાન્ય પરિવારમાં જીવનારી સ્ત્રી પોતાના બાળકને લઈને પહેલીવાર મુસાફરી કરતી હોય છે. તે દરમિયાન તેનું બાળક ફેરિયા પાસેથી બિસ્કુટ લઈને ખાઈ જાય છે. નબુ પાસે તેના પૈસા નથી એટલે તે ફેરિયાઓને સમજાવે છે કે હમણાં તેનો પતિ આવશે એટલે પૈસા આપી દેશે પણ તેઓ સમજતા નથી. આ બાજુ મેરો આવે છે પણ પેલાને પૈસા આપવાના બદલે તેની પત્નીને જ ઢોર માર મારે છે. નબુ ઘરે આવીને લગ્નથી માંડીને અત્યાર સુધીની તમામ ઘટનાઓ તેને યાદ કરાવે છે ત્યારે મેરો કશું જ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો જાય છે અને વાર્તાનો અંત આવે છે. નબુએ પણ મેરાના ઘર માટે થઈને બિસ્કુટની જેમ પોતાની જાતને ઓગાળી દીધી હોય છે. આ વાર્તા બનવા પાછળનું કારણ પણ ક્યાંક તેમની ગરીબી જ છે. ‘અઢારમું બેસતાં’ વાર્તા નર્યા માતૃપ્રેમની વાર્તા છે. અગાઉ બે સંતાનોને બરાબર તેમનું અઢારમું વર્ષ બેસતાં જ ગુમાવી ચૂકેલી બા તેજસનું અઢારમું વર્ષ બેસે છે ત્યારે મોડીરાત સુધી ભગવાનને પ્રાર્થનાઓ કરતી હોય છે. આ વાર્તામાં એક વર્ષનો સમયગાળો બતાવ્યો છે. તેજસને અઢારમું પૂરું થાય છે તેમ છતાં તેના ઉપર કોઈ આફત નથી આવતી એ જાણી તેની મા રાજી થાય છે અને વાર્તાનો સુખદ અંત આવે છે. આ વાર્તા લેખકે તેના પાત્રના મુખે જ કહેવડાવી છે. ‘કાંટો’ વાર્તામાં લેખકે મા વિનાની દીકરીની વ્યથા રજૂ કરી છે. વાર્તાની શરૂઆતમાં વાચકની સહાનુભૂતિનો અધિકારી બનેલો મોબતસંગ પોતાની જ દીકરી પર બળજબરી કરવાની કોશિશ કરે છે ત્યારે વાચકના મનમાં તેના પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય છે. ‘ધક્કો’ વાર્તામાં લેખક શરૂઆતમાં એક ઘટના આલેખે છે. ત્યારબાદ એ ઘટનાનો સાચો સ્ફોટ કથાના અંતે કરે છે. ત્રિકમ અને નંદુનું પાત્ર આ ઘટનાસ્ફોટ મારફત વાચક સામે ખૂલે છે. વાચકને જિજ્ઞાસા જાગે છે કે કેમ નંદુએ ત્રિકમના માથા ઉપર ડંડો માર્યો? તેનું કારણ કથાના અંતે વાચકને મળે છે ત્યારે વાચક દંગ રહી જાય છે. ‘ખટકો’ વાર્તામાં એક પરિવારની વાત છે. મોહનની માને મોહનના લગ્ન કરાવવાની ઉતાવળ છે એટલે તેના મોટા દીકરા ઘનશ્યામ પાસે મુંબઈ જાય છે. ઘનશ્યામ મોટો ઑફિસર બની સુખી જીવન જીવે છે. એમની મા જ્યારે એમને મળવા જાય છે તે સમયે તેનું શરીર તાવથી ધગતું હોય છે. ઘનશ્યામ તેની માની સંભાળ લેવાના બદલે તેના પરિવારના લોકો સાથે પાર્ટીમાં જવા તૈયાર થાય છે. આ ઘટનાથી તેની માનું મન ઘુમરાય છે અને પરત પોતાના ગામડે આવતાં રહે છે. આ વાર્તામાં ગ્રામ્યસંસ્કૃતિ અને શહેરીસંસ્કૃતિ ક્યાંક વાસ્તવિક રીતે વાચક સામે ખુલે છે. ‘ફાંસ’ વાર્તામાં લેખકે સામાજિકતાના પ્રશ્નોને વાચા આપી છે. રામસંગ અને મેના પોતાની સગીમા અને બાપ સમાન ઉકાકાકા પર શક કરી બેસે છે તેની મા આ વાત સહન કરી શકતી નથી એટલે બંને જણ મોતને ભેટે છે. ક્યારેય સમજ્યા કે વિચાર્યા વિના કોઈ કાર્ય ન કરવું. રામસંગની નાદાની અને મેનાની ખટપટ આ વાર્તામાં કેન્દ્રસ્થ છે. ‘ફાંસ’ શીર્ષક પણ સાર્થક થાય છે. અહીં મેનાને પોતાની સાસુ ફાંસની જેમ ખટકતી હતી અને વાર્તાના અંતે તે ફાંસ હંમેશને માટે નીકળી જાય છે. ‘કુંડાળામાં પગ’ની વાર્તાઓ જાણે જીવનના અવરોધક બળોનો હિસાબ આપવા માગે છે. અને આ દિશા આપવા તે મૃત્યુ નામની સ્થિતિને કેન્દ્રસ્થ બળ તરીકે યોજીને જીવનને અવરોધતાં બળોને વૈવિધ્યપૂર્ણ રીતે પ્રગટ કરી આપે છે. માનવજીવનનાં સ્થૂળ સૂક્ષ્મ પરિમાણોને ઉજાગર કરતી આ વાર્તાઓ, જીવન અવરોધ દ્વારા જીવનના ગતિ આવેગ અને પ્રવેગનો બોધ કરાવે છે. આ વાર્તાઓનાં શીર્ષકો પણ વિચિત્ર રીતે લેખકે આલેખ્યાં છે.

‘કુંડાળામાં પગ’ વિશે વિવેચકનાં મંતવ્યો :

‘વાર્તા નિરૂપણની પરિપાટીની સહજતા હોવા છતાં સંકુલ કહી શકાય તેવી આ વાર્તાઓને દ્વિસ્તરીય અભિવ્યક્તિ આપવા લેખક એક બાજુ સામાજિક સમૂહજીવનનું આલેખન કરે છે તો બીજી બાજુ વ્યક્તિગત એકાકી જીવનનું આલેખન કરે છે. આ બેઉ સ્તરે વિહરતી ‘કુંડાળામાં પગ’ની વાર્તાઓ નૅરોટોલોજીકલ અભ્યાસ માટેના સારા નમૂના બની શકે એમ છે.’

– જયેન્દ્ર શેખડીવાળા
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮