ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વર્ષા અડાલજા
સ્વાતંત્ર્યોત્તરકાળના લોકપ્રિય
વાર્તાકાર વર્ષા અડાલજાનો પરિચય
લતા હિરાણી
વર્ષા અડાલજા
જન્મ : ૪ એપ્રિલ, ૧૯૪૦ મુંબઈ, વતન : જામનગર, હાલનો વસવાટ મુંબઈ. અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. ત્યાર બાદનો અભ્યાસ મુંબઈમાં. મુંબઈ યુનિ.માંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. (૧૯૬૦). સમાજશાસ્ત્ર સાથે એમ.એ. (૧૯૬૨). સ્કોલરશિપ મેળવી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ. કૌટુંબિક માહિતી : માતા-પિતા : નીલાબહેન આચાર્ય અને પ્રસિદ્ધ લેખક ગુણવંતરાય આચાર્ય * જીવનસાથી : મહેન્દ્ર અડાલજા * બહેન વાર્તાકાર ઈલા આરબ મહેતા * સંતાનો - માધવી અને શિવાની. કારકિર્દી : પિતા ગુણવંતરાય આચાર્યે ૧૯૫૨-૫૩માં સ્થાપેલી નાટ્યસંસ્થા ‘રંગભૂમિ’માં ભજવાતાં નાટકોમાં અભિનયક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી. વર્ષાબહેનનું ધ્યેય અભિનયક્ષેત્રે કારકિર્દી વિકસાવવાનું. પરંતુ સ્વાસ્થ્ય અને પિતાના મૃત્યુના કારણે નાસીપાસ થયાં અને પતિ મહેન્દ્રભાઈની પ્રેરણાથી લેખન તરફ વળ્યાં. આકાશવાણી મુંબઈમાં પ્રવકતા (૧૯૬૨-૧૯૬૫) અને રૂપકો-વાર્તાલાપોનું લેખન. ૧૯૬૫માં પિતાના મૃત્યુ પછી ‘ગુજરાત સમાચાર’ના શાંતિભાઈનું મહિલા મૅગેઝિન માટે ન્યૂઝ રિપોર્ટિંગનું આમંત્રણ અને સ્વીકાર. વર્ષાબહેનના શબ્દોમાં ‘સર્જનયાત્રાની આ ગંગોત્રી’. પછી ૧૯૬૬-૬૭માં મુંબઈ સમાચારમાં ફેશનની કૉલમ. ત્યાર બાદ તંત્રીના આગ્રહથી મુંબઈ સમાચાર માટે વાર્તા. અને વાર્તા, નવલકથાનો પ્રવાહ શરૂ. સામયિક ‘સુધા’ના તંત્રી (૧૯૭૩-૧૯૭૬) અને ‘ફેમિના’ના સંપાદક (૧૯૮૯-૧૯૯૦). આશા પારેખ દિગ્દર્શિત ‘જ્યોતિ’ ટીવી સિરિયલની પટકથા તથા સંવાદોનું લેખન. સામયિકો અને વર્તમાનપત્રોમાં કટારલેખન. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (જુલાઈ ૨૦૧૨–ડિસેમ્બર ૨૦૧૩)
સર્જન :
નવલકથા અને લઘુનવલ : ૧. શ્રાવણ તારાં સરવડાં (૧૯૬૮), ૨. આતશ (૧૯૭૬), ૩. આનંદધારા (૧૯૭૭), ૪. ગાંઠ છૂટ્યાની વેળા (૧૯૮૦), ૫. બંદીવાન (૧૯૮૬), ૬. એની સુગંધ (૧૯૯૧), ૭. માટીનું ઘર (૧૯૯૧), ૮. અણસાર (૧૯૯૨ અણસાર પરથી ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘લેપરોઝી’ બની), ૯. મૃત્યુદંડ (૧૯૯૬), ૧૦. ત્રીજો કિનારો (૨૦૦૧), ૧૧. શગ રે સંકોરું (૨૦૦૪), ૧૨. પરથમ પગલું માંડિયું (૨૦૦૮), ૧૩. ક્રોસરોડ (૨૦૧૬). લઘુનવલ : ૧. તિમિરના પડછાયા (નાટકસ્વરૂપે લગભગ હજાર જેટલા પ્રયોગ), ૨. એક પળની પરખ, ૩. પાંચને એક પાંચ (૧૯૬૯), ૪. મારે પણ એક ઘર હોય (૧૯૭૧ ટીવી સિરીયલ બની), ૫. રેતપંખી (૧૯૭૪ *ટીવી સિરીયલ બની), ૬. અવાજનો આકાર (૧૯૭૫), ૭. છેવટનું છેવટ (૧૯૭૬), ૮. નીલિમા મૃત્યુ પામી છે (૧૯૭૭), ૯. પાછાં ફરતાં (૧૯૮૧), ૧૦. ખરી પડેલો ટહુકો (૧૯૮૩), ૧૧. પગલાં (૧૯૮૩). નાટક : ૧. આ છે કારાગાર, ૨. મંદોદરી, ૩. તિરાડ, ૪. શહીદ, ૫. વાસંતી કોયલ એકાંકી : ૧. શહીદ ૨. મંદોદરી ૩. વાસંતી કોયલ નિબંધ : ૧. ન જાને સંસાર, ૨. આખું આકાશ એક પિંજરમાં પ્રવાસનિબંધ : ૧. પૃથ્વીતીર્થ, ૨. નભ ઝૂક્યું, ૩. ઘૂઘવે છે જળ, ૪. શિવોઽહમ, ૫. શરણાગત, ૬. શુકન ઇજિપ્ત સંપાદન : ૧. દરિયાનો લાલ – ગુણવંતરાય આચાર્ય, ૨. અમર પ્રેમકથાઓ, ૩. ચાલો રમીએ નાટક અનુવાદ : મિત્રો મરજાની પ્રકીર્ણ : ૧. લાક્ષાગૃહ, ૨. ત્રીજો કિનારો, ૩. એની સુગંધ, ૪. ન જાને સંસાર, ૫. આનંદધારા ઘરેબાહિરે, ૬. ચંદરવો, ૭. વાંસનો સૂર ઍવૉર્ડ અને પારિતોષિકો : સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (૧૯૯૫) - અણસાર (નવલકથા) માટે * સોવિયેટ લેન્ડ નહેરુ ઍવૉર્ડ (૧૯૭૬) * ગુજરાતી સાહિત્ય પરિસદ ઍવૉર્ડર્ (૧૯૭૨ & ૧૯૭૫) * ગુજરાતી સાહિત્ય એકેડમી ઍવૉર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦) * કનૈયાલાલ મુનશી ઍવૉર્ડ (૧૯૯૭) * રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૫) * નંદશંકર મહેતા ચંદ્રક * સરોજ પાઠક સન્માન * ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક ઍવૉર્ડ નવલિકાસંગ્રહો : (વિગતો સંગ્રહ સાથે આપી છે) ૧. એ (જૂન ૧૯૭૯) ૨. સાંજને ઉંબર (જુલાઈ ૧૯૮૩) ૩. એંધાણી ૪. બીલીપત્રનું ચોથું પાન (ડિસેમ્બર ૧૯૯૪) ૫. ગાંઠે બાંધ્યું આકાશ (એપ્રિલ ૧૯૯૮) ૬. અનુરાધા (ફેબ્રુઆરી ૨૦૦૩) ૭. કોઈ વાર થાય કે (ઑક્ટોબર ૨૦૦૪) ૮. તું છે ને! (ફેબ્રુઆરી ૨૦૧૨) ૯. તને સાચવે પાર્વતી (જાન્યુ. ૨૦૧૦) ૧૦. હરિકથા અનંતા (એપ્રિલ ૨૦૧૭) ૧૧. સ્વપ્નપ્રવેશ (જુલાઈ ૨૦૨૦) ૧૨. ફરી ગૃહપ્રવેશ (માર્ચ ૨૦૨૨) આ ઉપરાંત જોયેલાં પુસ્તકો વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ સં. ઈલા આરબ મહેતા વર્ષા અડાલજાની સદાબહાર વાર્તાઓ વર્ષા અડાલજાનો વાર્તાવૈભવ – સં. શરીફા વીજળીવાળા
શ્રી વર્ષા અડાલજાની વાર્તાઓ
આપણે જેને ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ એ સ્વરૂપની શરૂઆત ૧૯મી સદીમાં અમેરિકામાં થઈ. અને વીસમી સદીમાં એ ભારતસહિત આખા વિશ્વમાં ફેલાઈ ગયું. સામયિકોએ એને બળ આપ્યું. વાર્તામાં કલાતત્ત્વ સંદર્ભે ‘મલયાનિલ’ની વાર્તા ‘ગોવાલણી’ (૧૯૧૮)ને યાદ કરવી રહી. લેખિકાઓને યાદ કરીએ તો ‘લીલાવતીની નવલિકાઓ’ (૧૯૨૫)ની નોંધ લેવી પડે. એમ તો ‘વાર્તાલહરી’ (૧૯૦૯) નામે સૌ. પ્રેમીલા અને સૌ. અરવિંદાનું એક સંપાદન મળે છે પરંતુ એમાં મૌલિકતા જેવું કશું મળતું નથી. ૧૯૨૧ પછી ધૂમકેતુએ ગંભીર રીતે ટૂંકી વાર્તાનું ખેડાણ કર્યું. મલયાનિલ અને કનૈયાલાલ મુનશી પછી તો દ્વિરેફ, મેઘાણી, ર. વ. દેસાઈ, સુંદરમ્, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, બકુલેશ, જયંત ખત્રી, ચંદ્રકાંત બક્ષી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, જયંતિ દલાલ, ચુનીલાલ મડિયા, સુરેશ જોષી જેવા અનેક ખમતીધર વાર્તાકારો આપણને મળ્યા. એડગર એલન પો લખે છે, “કોઈ કુશળ સાહિત્યકાર વાર્તા રચે છે. જો એ ડાહ્યો હશે તો એ ઘટનાઓના ચોકઠાને અનુરૂપ પોતાના વિચારોને નહીં ગોઠવે પણ ખાસ કાળજીથી કોઈ એક અથવા અદ્વિતીય છાપ એમાંથી નિપજાવવી છે તેનો એ નિર્ણય કરીને એ જેમાંથી નીપજી આવે એવી ઘટનાઓ શોધશે. આ ઘટનાઓનું સંયોજન એણે ધારેલી છાપ ઉપસાવી આપવામાં મદદરૂપ નીવડે એવી રીતે એ કરશે...” તો ધૂમકેતુએ ‘તણખા’ની પ્રસ્તાવનામાં આપેલી વ્યાખ્યા જોઈએ, “જે વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડ�