ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વર્ષા અડાલજા
સ્વાતંત્ર્યોત્તરકાળના લોકપ્રિય
વાર્તાકાર વર્ષા અડાલજાનો પરિચય
વર્ષા અડાલજા
જન્મ : ૪ એપ્રિલ, ૧૯૪૦ મુંબઈ, વતન : જામનગર, હાલનો વસવાટ મુંબઈ. અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. ત્યાર બાદનો અભ્યાસ મુંબઈમાં. મુંબઈ યુનિ.માંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. (૧૯૬૦). સમાજશાસ્ત્ર સાથે એમ.એ. (૧૯૬૨). સ્કોલરશિપ મેળવી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ. કૌટુંબિક માહિતી : માતા-પિતા : નીલાબહેન આચાર્ય અને પ્રસિદ્ધ લેખક ગુણવંતરાય આચાર્ય * જીવનસાથી : મહેન્દ્ર અડાલજા * બહેન વાર્તાકાર ઈલા આરબ મહેતા * સંતાનો - માધવી અને શિવાની. કારકિર્દી : પિતા ગુણવંતરાય આચાર્યે ૧૯૫૨-૫૩માં સ્થાપેલી નાટ્યસંસ્થા ‘રંગભૂમિ’માં ભજવાતાં નાટકોમાં અભિનયક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી. વર્ષાબહેનનું ધ્યેય અભિનયક્ષેત્રે કારકિર્દી વિકસાવવાનું. પરંતુ સ્વાસ્થ્ય અને પિતાના મૃત્યુના કારણે નાસીપાસ થયાં અને પતિ મહેન્દ્રભાઈની પ્રેરણાથી લેખન તરફ વળ્યાં. આકાશવાણી મુંબઈમાં પ્રવકતા (૧૯૬૨-૧૯૬૫) અને રૂપકો-વાર્તાલાપોનું લેખન. ૧૯૬૫માં પિતાના મૃત્યુ પછી ‘ગુજરાત સમાચાર’ના શાંતિભાઈનું મહિલા મૅગેઝિન માટે ન્યૂઝ રિપોર્ટિંગનું આમંત્રણ અને સ્વીકાર. વર્ષાબહેનના શબ્દોમાં ‘સર્જનયાત્રાની આ ગંગોત્રી’. પછી ૧૯૬૬-૬૭માં મુંબઈ સમાચારમાં ફેશનની કૉલમ. ત્યાર બાદ તંત્રીના આગ્રહથી મુંબઈ સમાચાર માટે વાર્તા. અને વાર્તા, નવલકથાનો પ્રવાહ શરૂ. સામયિક ‘સુધા’ના તંત્રી (૧૯૭૩-૧૯૭૬) અને ‘ફેમિના’ના સંપાદક (૧૯૮૯-૧૯૯૦). આશા પારેખ દિગ્દર્શિત ‘જ્યોતિ’ ટીવી સિરિયલની પટકથા તથા સંવાદોનું લેખન. સામયિકો અને વર્તમાનપત્રોમાં કટારલેખન. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (જુલાઈ ૨૦૧૨–ડિસેમ્બર ૨૦૧૩)
સર્જન :
નવલકથા અને લઘુનવલ : ૧. શ્રાવણ તારાં સરવડાં (૧૯૬૮), ૨. આતશ (૧૯૭૬), ૩. આનંદધારા (૧૯૭૭), ૪. ગાંઠ છૂટ્યાની વેળા (૧૯૮૦), ૫. બંદીવાન (૧૯૮૬), ૬. એની સુગંધ (૧૯૯૧), ૭. માટીનું ઘર (૧૯૯૧), ૮. અણસાર (૧૯૯૨ અણસાર પરથી ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘લેપરોઝી’ બની), ૯. મૃત્યુદંડ (૧૯૯૬), ૧૦. ત્રીજો કિનારો (૨૦૦૧), ૧૧. શગ રે સંકોરું (૨૦૦૪), ૧૨. પરથમ પગલું માંડિયું (૨૦૦૮), ૧૩. ક્રોસરોડ (૨૦૧૬). લઘુનવલ : ૧. તિમિરના પડછાયા (નાટકસ્વરૂપે લગભગ હજાર જેટલા પ્રયોગ), ૨. એક પળની પરખ, ૩. પાંચને એક પાંચ (૧૯૬૯), ૪. મારે પણ એક ઘર હોય (૧૯૭૧ ટીવી સિરીયલ બની), ૫. રેતપંખી (૧૯૭૪ *ટીવી સિરીયલ બની), ૬. અવાજનો આકાર (૧૯૭૫), ૭. છેવટનું છેવટ (૧૯૭૬), ૮. નીલિમા મૃત્યુ પામી છે (૧૯૭૭), ૯. પાછાં ફરતાં (૧૯૮૧), ૧૦. ખરી પડેલો ટહુકો (૧૯૮૩), ૧૧. પગલાં (૧૯૮૩). નાટક : ૧. આ છે કારાગાર, ૨. મંદોદરી, ૩. તિરાડ, ૪. શહીદ, ૫. વાસંતી કોયલ એકાંકી : ૧. શહીદ ૨. મંદોદરી ૩. વાસંતી કોયલ નિબંધ : ૧. ન જાને સંસાર, ૨. આખું આકાશ એક પિંજરમાં પ્રવાસનિબંધ : ૧. પૃથ્વીતીર્થ, ૨. નભ ઝૂક્યું, ૩. ઘૂઘવે છે જળ, ૪. શિવોઽહમ, ૫. શરણાગત, ૬. શુકન ઇજિપ્ત સંપાદન : ૧. દરિયાનો લાલ – ગુણવંતરાય આચાર્ય, ૨. અમર પ્રેમકથાઓ, ૩. ચાલો રમીએ નાટક અનુવાદ : મિત્રો મરજાની પ્રકીર્ણ : ૧. લાક્ષાગૃહ, ૨. ત્રીજો કિનારો, ૩. એની સુગંધ, ૪. ન જાને સંસાર, ૫. આનંદધારા ઘરેબાહિરે, ૬. ચંદરવો, ૭. વાંસનો સૂર ઍવૉર્ડ અને પારિતોષિકો : સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (૧૯૯૫) - અણસાર (નવલકથા) માટે * સોવિયેટ લેન્ડ નહેરુ ઍવૉર્ડ (૧૯૭૬) * ગુજરાતી સાહિત્ય પરિસદ ઍવૉર્ડર્ (૧૯૭૨ & ૧૯૭૫) * ગુજરાતી સાહિત્ય એકેડમી ઍવૉર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦) * કનૈયાલાલ મુનશી ઍવૉર્ડ (૧૯૯૭) * રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૫) * નંદશંકર મહેતા ચંદ્રક * સરોજ પાઠક સન્માન * ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક ઍવૉર્ડ નવલિકાસંગ્રહો : (વિગતો સંગ્રહ સાથે આપી છે) ૧. એ (જૂન ૧૯૭૯) ૨. સાંજને ઉંબર (જુલાઈ ૧૯૮૩) ૩. એંધાણી ૪. બીલીપત્રનું ચોથું પાન (ડિસેમ્બર ૧૯૯૪) ૫. ગાંઠે બાંધ્યું આકાશ (એપ્રિલ ૧૯૯૮) ૬. અનુરાધા (ફેબ્રુઆરી ૨૦૦૩) ૭. કોઈ વાર થાય કે (ઑક્ટોબર ૨૦૦૪) ૮. તું છે ને! (ફેબ્રુઆરી ૨૦૧૨) ૯. તને સાચવે પાર્વતી (જાન્યુ. ૨૦૧૦) ૧૦. હરિકથા અનંતા (એપ્રિલ ૨૦૧૭) ૧૧. સ્વપ્નપ્રવેશ (જુલાઈ ૨૦૨૦) ૧૨. ફરી ગૃહપ્રવેશ (માર્ચ ૨૦૨૨) આ ઉપરાંત જોયેલાં પુસ્તકો વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ સં. ઈલા આરબ મહેતા વર્ષા અડાલજાની સદાબહાર વાર્તાઓ વર્ષા અડાલજાનો વાર્તાવૈભવ – સં. શરીફા વીજળીવાળા
શ્રી વર્ષા અડાલજાની વાર્તાઓ
આપણે જેને ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ એ સ્વરૂપની શરૂઆત ૧૯મી સદીમાં અમેરિકામાં થઈ. અને વીસમી સદીમાં એ ભારતસહિત આખા વિશ્વમાં ફેલાઈ ગયું. સામયિકોએ એને બળ આપ્યું. વાર્તામાં કલાતત્ત્વ સંદર્ભે ‘મલયાનિલ’ની વાર્તા ‘ગોવાલણી’ (૧૯૧૮)ને યાદ કરવી રહી. લેખિકાઓને યાદ કરીએ તો ‘લીલાવતીની નવલિકાઓ’ (૧૯૨૫)ની નોંધ લેવી પડે. એમ તો ‘વાર્તાલહરી’ (૧૯૦૯) નામે સૌ. પ્રેમીલા અને સૌ. અરવિંદાનું એક સંપાદન મળે છે પરંતુ એમાં મૌલિકતા જેવું કશું મળતું નથી. ૧૯૨૧ પછી ધૂમકેતુએ ગંભીર રીતે ટૂંકી વાર્તાનું ખેડાણ કર્યું. મલયાનિલ અને કનૈયાલાલ મુનશી પછી તો દ્વિરેફ, મેઘાણી, ર. વ. દેસાઈ, સુંદરમ્, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, બકુલેશ, જયંત ખત્રી, ચંદ્રકાંત બક્ષી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, જયંતિ દલાલ, ચુનીલાલ મડિયા, સુરેશ જોષી જેવા અનેક ખમતીધર વાર્તાકારો આપણને મળ્યા. એડગર એલન પો લખે છે, “કોઈ કુશળ સાહિત્યકાર વાર્તા રચે છે. જો એ ડાહ્યો હશે તો એ ઘટનાઓના ચોકઠાને અનુરૂપ પોતાના વિચારોને નહીં ગોઠવે પણ ખાસ કાળજીથી કોઈ એક અથવા અદ્વિતીય છાપ એમાંથી નિપજાવવી છે તેનો એ નિર્ણય કરીને એ જેમાંથી નીપજી આવે એવી ઘટનાઓ શોધશે. આ ઘટનાઓનું સંયોજન એણે ધારેલી છાપ ઉપસાવી આપવામાં મદદરૂપ નીવડે એવી રીતે એ કરશે...” તો ધૂમકેતુએ ‘તણખા’ની પ્રસ્તાવનામાં આપેલી વ્યાખ્યા જોઈએ, “જે વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કલ્પનાસૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા.” સંવેદના, રચનારીતિ, બાની અને વિષયવસ્તુ એમ દરેક સ્તરે આજની વાર્તામાં નવા પ્રયોગો પ્રવેશ્યા છે. સંવેદનાનું દર્શન, માનવીનું મનોમંથન વાર્તાનું કેન્દ્રસ્થાન છે. વાર્તાનો નાતો જ જીવન સાથે છે. મેઘાણી કહે છે, “હું હજાર વાર્તાઓ લખું તો બતાવી આપું કે વાર્તા લખવાના એક હજાર પ્રકારો હોઈ શકે.” એટલે એના પ્રકારો વિશે કોઈ સીમા બાંધી શકાય નહીં પણ તે લોકોના હૃદય સુધી પહોંચે છે કે નહીં અને કલાતત્ત્વની દૃષ્ટિએ ખરી ઊતરે છે કે નહીં, આ બે સવાલ અગત્યના. ટૂંકી વાર્તામાં વાર્તા તો અવશ્ય હોવી જોઈએ સાથે એમાં રસ અને સૌંદર્ય હોવું જોઈએ.
શ્રી વર્ષા અડાલજા : એક લોકપ્રિય વાર્તાકાર
સ્વાતંત્ર્યોત્તર યુગના વાર્તાકાર શ્રી વર્ષા અડાલજા દસકાઓથી વાર્તાલેખન ક્ષેત્રે પ્રવૃત્ત છે. વાર્તારસ માનવીને લોહીમાં મળેલ છે – જેમાં કથા, ઘટના મુખ્ય છે, આ સત્ય પકડીને વાર્તાકાર ચાલ્યાં છે આથી એમની વાર્તાઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને તેઓ લોકપ્રિય વાર્તાકારોની શ્રેણીમાં બિરાજે છે. વાર્તાકારની નજર સમક્ષ એક વિશાળ જનસમુદાય છે જેમના માટે તેઓ વાર્તા લખે છે. વિવેચકોની કે નવા પ્રયોગોની ચિંતા વગર પોતાને આસપાસમાંથી જે મળે એ ઘટનાઓ પરથી વાર્તા કંડારવામાં એમને ખૂબ ફાવટ છે. વાર્તાક્ષેત્રે એમણે એટલું સાતત્યપૂર્ણ કામ કર્યું છે કે સાહિત્યના ઇતિહાસે એમની નોંધ લેવી જ પડે. આ જ કારણ છે કે શ્રી ધીરુબહેન પટેલ, હિમાંશી શેલત જેવા ધરખમ વાર્તાકારોની હરોળમાં એમનું સ્થાન છે. નવલકથા ક્ષેત્રે એમનું વધુ ખેડાણ છે, પણ ટૂંકીવાર્તા ક્ષેત્રે પણ એમણે વ્યાપક સિદ્ધિ મેળવી છે તો નાટક, એકાંકી, નિબંધ, પ્રવાસનિબંધ જેવાં ક્ષેત્રોએ પણ એમને અછૂતાં રાખ્યાં નથી. વાર્તાકારે, રચનારીતિની ખાસ ચિંતા વિના, પોતાને જે કહેવું છે એની આસપાસ કથાઓ રચી છે. કથારસ વહેવડાવવા સાથે જીવનનું સત્ય અને સામાજિક સમસ્યાઓનો ઉઘાડ એ તેમનું લક્ષ્ય રહ્યું છે. તમામ સંગ્રહોમાંથી પસાર થતાં આ વાત ઊડીને આંખે વળગે છે. અહીં એમની વાર્તાઓની મૂલવણી એ દૃષ્ટિએ જ રહી છે. વ્યંજના સમજવા માટે એક ખાસ સજ્જતા જોઈએ એ વાર્તાકાર જાણે છે. અલબત્ત, એમના સંગ્રહોમાં વ્યંજનાસભર કે કલાત્મક વાર્તાઓ પણ છે જ પરંતુ વિશેષતા નોંધવી હોય તો એમની વાર્તાઓ વિષયવૈવિધ્ય, કથાગૂંથણી, કથાપ્રવાહિતા અને ઝીણવટભર્યા વર્ણનસૌંદર્યથી સમૃદ્ધ છે. વર્ષાબહેન લખે છે, ‘વાર્તા અને હું એકમેકને ઘડતાં ગયાં. ટૂંકી વાર્તાએ રચનારીતિ અને કથાવસ્તુ માટે મને તાવી છે. સર્જકતાને પડકારી છે, કારણ કે સરળ દેખાતો આ પ્રકાર સાચ્ચે જ અઘરો છે. અર્જુનની જેમ જે ફરતી માછલીની આંખને જળમાં પ્રતિબિંબિત થતી વીંધી શકે છે એ જ સાચું નિશાન તાકી શકે.’ રોજિંદા જીવનની રોજિંદી ઘટનાઓ એમની મોટાભાગની વાર્તામાં વણાયેલી છે. તેમ છતાં વાર્તાઓનું વિષયવૈવિધ્ય નોંધપાત્ર છે. એકસાથે વાંચવા છતાં એમાં એકધારાપણું ક્યાંય નથી અનુભવાતું એ પણ એક ખૂબી. વાર્તાઓની ગતિ એકધારી વહે છે. માનવસંબંધો અને માનવમનના તાણાવાણા ખોલવાનું વાર્તાકારને ફાવે છે. દામ્પત્યજીવનની વિચિત્રતાઓ કે માણસની સ્વાર્થવૃત્તિ એમણે સરસ આલેખી છે. માનવીના બંને છેડાનાં સ્વરૂપો તેમની વાર્તાઓમાં ઉઘડ્યાં છે. એમનું લેખન બંને પ્રવાહોમાં વહે છે, પરંપરાગત અને આધુનિકતાવાદી. અભિધામાં વહેતું ગદ્ય અનેક વાર અનેક જગ્યાએ લક્ષણા અને વ્યંજનામાં પ્રવેશે છે. નારીપ્રધાન વાર્તાઓમાં મુખ્યત્વે સ્ત્રીનાં અનેકાનેક સ્વરૂપો એમની વાર્તાઓમાં ચીતરાયાં છે. એમની વાર્તાઓ સ્ત્રીજીવનનાં અનેક પાસાં ઝીણવટથી ખોલે છે અને સ્ત્રીને સંસારની ધરી સાબિત કરે છે. સ્ત્રીઓની સમસ્યાઓ, ગૃહજીવનની વિટંબણાઓ અને પીડિતો ઉપેક્ષિતો પ્રત્યેની કરુણા આ વાર્તાકારના સાહિત્યસર્જનની પ્રેરણા છે. આ વાર્તાઓ વાંચતાં દરેક નારી પોતાને ક્યાંક ને ક્યાંક જોડી શકે એટલે આ વાર્તાઓ લોકપ્રિય બની છે એમ કહી શકાય. ‘સાસુની કચકચ સિવાય આંગળી મૂકીને ખાસ કોઈ દુઃખ બતાવી શકી નહોતી.’ પણ આંગળી મૂકીને ન બતાવી શકાય એવાં દુઃખોથી સ્ત્રીઓનાં જીવન ભર્યાં છે. એ આ વાર્તાકારની વાર્તાઓમાં પાને પાને ઊઘડે છે. વાર્તાકારની નાયિકાઓનું આંતરવિશ્વ નિરાળું છે. આધુનિકતાના દેખાવ વગર તેઓ આધુનિક છે. તો એમના જીવનની ગૂંગળામણ ચીતરવામાં પણ વાર્તાકાર પાછાં પડ્યાં નથી. વાર્તાકારની નાયિકાઓ ક્યાંક પરંપરામાં પીસાયેલી તો ક્યાંક એમાંય પોતાનો વિકાસ સાધતી નાયિકાઓ છે. એ રીતે સ્ત્રીઓનું સમાજદર્શન વાર્તાકાર સારી રીતે કરાવી શક્યાં છે. પત્ની ઢસરડા કરતી રહે અને પતિ આરામથી ઊઠે, પગ લંબાવી હાથમાં છાપું લઈ ચાના રસભર ઘૂંટડા ભરે એવાં ચિત્રો અનેક વાર્તામાં મળે જે સ્ત્રી-પુરુષના સરેરાશ દાંપત્યજીવનનાં દૃશ્યો ખડાં કરે છે. પણ ઘરેડમાં જીવતી, પતિ અને સંસાર – ઘંટીના બે પડ વચ્ચે પીસાતી એવી નાયિકા અંતે એવી દયામણી રહેતી નથી એ મોટાભાગની વાર્તાનો અવાજ છે. કોઈ દેખીતા વિદ્રોહ વગર આપસૂઝથી પોતાનો રસ્તો કાઢી લેનારી નાયિકાઓ અનેક છે. દરેકને પોતાનું નોખું વ્યક્તિત્વ છે અને પોતીકો અવાજ. મોટાભાગની વાર્તાઓ કલામય અને ઘટનાપ્રધાન છે. નિરીક્ષણોને કારણે નીપજેલાં દૃશ્યાત્મક વર્ણનો, કથામાં આવતા ઝીણા વાર્તાપ્રપંચો, સંકેતો, મિડલક્લાસ ફેમિલીનાં અસરકારક શબ્દચિત્રો અને એવાં જ વ્યક્તિચિત્રો આ વાર્તાઓનું સબળ પાસું છે. નારીચેતનાની વાર્તાઓ, શોષાતી સ્ત્રીઓની અનેક વાર્તાઓ એમણે લખી છે. વિદ્રોહનો સૂર ઉઠાવતી, પોતીકો અવાજ પ્રગટ કરતી નાયિકાઓની ખોટ નથી. જુઓ નાયિકાનો વિદ્રોહનો સૂર, ‘તમારે મારી કૂખમાંથી કમાવું છે? શરમ નથી આવતી ધણી થઈને બૈરી પાસે આવું કામ કરાવતા? મારી ગરભની કોથળી મારી છે. સુવાંગ મારી માલિકીની. હું યે મારી પોતાની અને આ દેહ પણ મારો.’ (સરોગેટ મધર, પૃ. ૧૪ – ‘ફરી ગૃહપ્રવેશ’) કવિ ઉમાશંકર જોશી બે વર્તુળ દોરે છે. એક અંદરનું નાનું તે વાર્તા. તેને ફરતું મોટું વર્તુળ તે કથા. કથાની અંદરનું ગર્ભબીજ તે સત્ય. સાહિત્યનું ગર્ભબીજ તે જીવન અને વર્ષાબહેનની વાર્તાઓમાં જીવનનાં સત્યો જડી આવે છે. વાર્તાઓમાં સ્ત્રીની પોતાની એક માનવ તરીકેની અપેક્ષાઓનો સૂર ઘણો બુલંદ છે. એમની વાર્તાઓમાં અનેક પરંપરાગત ગૃહિણીઓ મળે છે. જુઓ એક ચિત્ર – ‘બારી તરફ પીઠ કરીને એ રસોડામાં જતી.... પતિ તુષાર, બાળકો આરવ અને ચુટકી. એમનો બ્રેકફાસ્ટ, લંચબૉક્સ, હોમવર્ક, સ્કૂલ, તુષારના શર્ટનું બટન.... શું નું શું!’ (ગુલમહોર, પૃ. ૪૦ – ‘ફરી ગૃહપ્રવેશ’) પણ આ ગૃહિણી આધુનિક વાર્તાકાર વર્ષાબહેનની છે એટલે ‘બસ, આ ઊગતા પ્રભાતનો મુઠ્ઠીભર સમય એનો અંગત. સાવ પોતીકો.’ ગૃહજીવનની અનેક સમસ્યાઓ એમની વાર્તામાં વિષય બનીને આવી છે તો સમસામયિક વિષયો પણ તેઓ લેવાનું ચૂક્યાં નથી. વર્ષાબહેનની વાર્તાઓ મુખ્યત્વે નારીકેન્દ્રી અને મોટાભાગની વાર્તાઓમાં મધ્યમવર્ગ છવાયો છે. લગભગ તમામ વાર્તાઓ શહેરી જીવનની હોવા છતાં ગામડાના જીવનનો મહિમા એક કરંટની જેમ ઘટનાઓની નીચે વહ્યા કરે છે. તેમની વાર્તાઓમાં પુરુષપ્રધાન વાર્તાઓ કે ગામડાની વાર્તાઓ પણ મળે છે ખરી. નાયકપ્રધાન વાર્તાઓમાં પણ વાર્તાકાર સારા ખીલ્યા છે. દા.ત., ‘મદદગાર’, ‘સમીપ અને દૂર’ (એ) ‘અંગત શોધનો પ્રદેશ’, ‘સાક્ષી’, ‘કૂતરા બિલાડાનો માણસ’, (સાંજને ઉંબર), ‘અમૃતસર મેઈલ’ (સ્વપ્નપ્રવેશ) વગેરે દિવ્યાંગ બાળકની વાર્તાઓ દા.ત., ‘કેટલીક મધુર ક્ષણો’ (એંધાણી) ‘હોંકારો’ (હરીકથા અનંતા) ‘તને સાચવે પારવતી’ (શીર્ષક વાર્તા) કુષ્ઠરોગીની વાર્તા – ‘જન્મજન્માંતર’ (એ) ‘હરી મને આપો એકાદ એંધાણી’ (એંધાણી) વગેરે. બીજા અનેક વિષયો વાર્તાકારની વાર્તાઓમાં મળે છે જેમ કે – ‘એ’ યુદ્ધની ભયાનકતા લઈને આવતી વાર્તા (એ), ‘બિચારી ચમ્પુડી’– બજાણિયા લોકની વ્યથા, ‘દો રોયલ સેલ્યુટ’ – નેતાઓના દંભ પર કટાક્ષ (એંધાણી), ‘ડેથ રો’ – પત્રકારત્વ (ફરી ગૃહપ્રવેશ), ‘ફરકી ઊઠેલી આંગળીઓ’ – માનવ અંગોના વ્યાપારની કરુણ કથા (તને સાચવે પારવતી) ‘વખ’ – ડ્રગ્સ પર વાર્તા (અનુરાધા) વગેરે. ‘અવાજ’–આ વાર્તામાં વ્યંજનાના પ્રદેશની મજાની સફર મળે છે. આખીયે વાર્તામાં અવાજ એક પાત્ર બનીને સતત દેખાય છે, એને જીવંત કરવામાં વાર્તાકારે બહુ સૂઝ વાપરી છે. વાર્તા ‘નિષ્પર્ણ’– બાળકના DNA જાણી એનાં માતા-પિતા નક્કી કરી શકાય એવું છેલ્લાં થોડાં વર્ષોમાં આવ્યું. જ્યારે લોહીની તપાસથી બાળક કોનું છે એ જાણવાની અને એના પછી ઉદ્ભવતા સંઘર્ષની કથા ૧૯૭૯માં પ્રકાશિત થયેલા સંગ્રહમાં આવે, એ નોંધવી જ પડે. મોટાભાગે અહીં વાર્તાકાર જ કથક છે. પણ ક્યાંક બીજા પ્રયોગો મળે છે જેમ કે પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તા ‘ફાંસ’ (હરીકથા અનંતા), ‘બંધ ખાનું’ (એંધાણી) વગેરે તો ‘પોપટ આંબાની ડાળ’ (ગાંઠ છૂટ્યાની વેળા) એ બીજા પુરુષ એકવચનમાં લખાયેલી વાર્તા છે. પત્રવાર્તા પણ મળે છે. ‘એક પત્ર’ (અનુરાધા) ‘અમે રે ઊડણ ચરકલડી’ (સાંજને ઉંબર) વગેરે. વાર્તામાં સંવાદો સહજપણે વહે છે. ક્યાંય કૃત્રિમ લાગતા નથી કે ફિલોસોફી છાંટવાની વાર્તાકારે લાલચ રાખી નથી. એમની વાર્તાઓ લોકપ્રિય બનવાનું મોટું કારણ, સરળતા અને સહજતા. કાવ્યાત્મક કલ્પનો પણ અનેક વાર્તાઓમાં ડોકાય છે. સુંદર આંખો માટે ‘પાંદડિયાળી આંખો’ વાર્તાકારનો પ્રિય શબ્દ લાગે છે. ઘણી વાર્તાઓમાં વપરાયો છે તો પીડા માટે ‘તળિયા વગરનો કૂવો’ વાર્તાકારનું પ્રિય કલ્પન છે જે અનેક વાર્તાઓમાં ડોકાય છે. એવી જ રીતે અનેક વાર્તાઓમાં સમય માટેના એમનાં અનેક કલ્પનો નોંધપાત્ર છે. સંવાદોમાં અનેક જગ્યાએ સૌરાષ્ટ્રની બોલીના પ્રયોગો સહજ અને સાર્થક લાગે છે. – ‘અસ્ત્રીની જાત, ન પૈણે તો લોક ફોલી ખાય. બૈરાંને માથે મોડ હોય તો કોઈ આંગળી નો ચીંધે.’ (ચકલીનું બચ્ચું, પૃ. ૬૦ – ‘ફરી ગૃહપ્રવેશ’) તો આ જ વાર્તામાં ‘ઊઠ જસલી, બૈરાંઓએ હવે રોયે દાડા નહીં વળે’ (ચકલીનું બચ્ચું, પૃ. ૬૫ – ‘ફરી ગૃહપ્રવેશ’) કાઠિયાવાડી શબ્દ ‘બાધકણી’ કે ‘અટાણે સૂઓ તો માથે માતાજીનો રથ ફરી જાય.’ જેવા પ્રયોગો અસરકારક બન્યા છે. ‘શું ગાંડાને માથે શિંગડાં હોય?’ ‘ચકલી નાની ને ફૈડકો મોટો’ ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ ‘દીકરી અને ઉકરડાને વધતાં કંઈ વાર લાગે છે!’ જેવા રૂઢિપ્રયોગો વાર્તાને બળ અને વળ આપે છે. તો આજના મૉર્ડન યંગ જનરેશનની ભાષા પણ ક્યાંક ચમકી જાય છે. – ‘વરી નકો’ (ચિંતા નહીં) ક્યાંક બોલચાલમાં વપરાતા કાકુઓ સંવાદોને જીવંત બનાવે છે જેમ કે ‘હું બેઠી છું ને બાર વરસની!’ કે ‘બેય દીકરીઓને ઘેર ઘાઘરિયો ઘેર.’ ઘણી વાર્તાઓમાં મનના ચકડોળ પણ સરસ ઊપસ્યા છે. દા.ત., ‘યુ કેન ચેન્જ ધ ગેમ’. વાર્તાઓમાંથી પસાર થતાં વાર્તાકારનું વિશાળ અને ઊંડું નિરીક્ષણ અનુભવાય છે. વાર્તામાં વર્ણનો એટલાં જીવંત કે જાણે આખું ચિત્ર નજર સામે લહેરાય! ઝૂંપડપટ્ટી અને એમાં રહેતા માણસોનાં વર્ણનો પણ એટલાં જ વાસ્તવિક!! વર્ણન ચાહે પ્રકૃતિનું હોય કે મૃત્યુનું, સ્ત્રીની ખુશીનું હોય કે પુરુષની ઉદાસીનું, એટલું ઝીણવટભર્યું કે વાર્તાકારનાં નિરીક્ષણોને દાદ દેવી પડે. દા.ત. મૃત્યુનું વર્ણન ‘લાલ ઘરચોળું’માં. અમુક વાર્તાઓમાં ઘટનાઓની બહુલતા અને સમયના અતિ લાંબા પટને કારણે એનું કલાતત્ત્વ જોખમાય છે અને વાર્તા ફિક્કી પડે છે. વળી ટૂંકી વાર્તામાં એક સિંગલ ઇફેક્ટ મળવી જોઈએ એ નથી મળતી. દા.ત., સંગ્રહ ‘ગૃહપ્રવેશ’માં ‘માંજર ખરે છે’, ‘રેમ્પવૉક’. ક્યાંક માત્ર સંવાદોથી જ ચાલતા વાર્તાપ્રવાહમાં સતત સામાન્યતા ખટકે અને રોચકતા જરૂરી લાગે ખરી. પણ બહુ ઓછી વાર્તામાં આ બન્યું છે. વાર્તાકારે કૉલમ લખી છે અને જાણીતા વાર્તાકાર હોવાથી દીપોત્સવી અને ખાસ અંકોનાં ઢગલાબંધ આમંત્રણો આવતાં હોય એ સમજી શકાય છે. આમંત્રણોથી તાત્કાલિક લખાતી વાર્તાઓમાં કલમ ક્યારેક લથડે. અમુક વાર્તાઓમાં આવું બન્યું હોઈ શકે. આપણે હવે એક પછી એક વાર્તાસંગ્રહો જોઈશું.
‘એ’, વર્ષા અડાલજા, જૂન ૧૯૭૯, પ્રકાશક : આર આર શેઠ, કિંમત રૂ.૬૦, કુલ વાર્તા ૨૩, કુલ પાનાં ૧૫૪, અર્પણ – નથી
પંદરેક વર્ષ સર્જનકાર્ય કર્યા પછી વર્ષાબહેનનો આ પ્રથમ નવલિકા સંગ્રહ. આ સંગ્રહની પ્રસ્તાવના – ‘થોડુંક આ વાર્તાઓ વિશે’માં તેઓ લખે છે કે આધુનિક, પ્રયોગાત્મક કે લોકભોગ્યના વાદવિવાદને બદલે વાર્તાઓ કલાત્મક છે અને વાચકોના મન સુધી પહોંચે છે, એ વાત જ મારે મન મૂળ વાત છે.’ વર્ષાબહેનના લોકપ્રિય થવાનું રહસ્ય એમના આ શબ્દોમાં સંતાયેલું છે. આ વાર્તાઓનો સમય જોઈએ તો ‘જ્યારે ‘પેશ્યલ સેન્ડવિચ’ ૭૦ પૈસામાં મળતી અને ક્લાર્કનો પગાર લગભગ રૂ. ૨૩૫/ જેવો રહેતો એવા ટાઇપરાઇટરના જમાનાની, મોટેભાગે મુંબઈ કે એવાં શહેરોમાં પ્રસરેલી કુલ ૨૩ વાર્તાઓ લઈને આવેલા આ સંગ્રહમાં મોટેભાગે કુટુંબકથાઓ છે. જીવનના તાણાવાણા ઉકેલવા મથતાં પાત્રોની વ્યથાકથાઓ છે જેમાં શહેરી મધ્યમવર્ગનું આબાદ ચિત્ર ઊપસે છે. વાર્તાઓ ‘ચંદ્રનું અજવાળું’ – નાયિકા સુશીને નાટ્યાત્મક રીતે આત્મઘાતમાંથી જીવન તરફ લઈ જાય છે. અચાનક જોડાયેલા નંબર પરથી થોડા થોડા શબ્દોમાં જીવન ટપકે છે અને એ નંબર એકદમ એના અસ્તિત્વનો ભાગ બની જાય છે. સંવાદો વાચકને વાર્તારસમાં ડૂબાડી રાખે છે અને અંત ઝાકમઝોળ કરી જાય છે. ‘જન્મજન્માંતર’ – કુષ્ઠરોગી નાયકના શરીરનું અને એના વર્તનનું ઝીણું અસરદાર વર્ણન વાચકને ધ્રુજાવી દે છે. ગટરમાં પાણીના રેલા સાથે વહી આવતી ઇડલીને નાયક પાટા બાંધેલા પગથી અટકાવી દે અને એય વળી કૂતરો ઝાપટી જાય એમાં જુગુપ્સા અને લાચારી એની પરાકાષ્ઠાએ પહોંચે છે. તડકાની કરચનું આંખમાં ભોંકાવું કે સૂકી ડાળખી જેવું શરીર ઘસડવું કે ‘શારડીથી વીંધ પાડી સૂર્યનાં કિરણો છાતીમાં ઊતરી ગયાં’, ‘તરસ ગળામાં તીણા નહોર ભરાવતી હતી’ ‘સીસું ભરેલાં પોપચાં’ જેવાં જેવાં કલ્પનો અને અંત કરુણતાને ઘેરી બનાવી વાર્તાને હાથમાંથી મૂકવા નથી દેતા. ‘ઝાંઝર’ – પરંપરાગત જીવન જીવતી મીરાંના મનોસંચલનો સરસ નિરૂપાયાં છે. ઘટનાઓનો પ્રવાહ પણ વેગે વહ્યો જાય છે. શીર્ષક આખી વાર્તાનું કેન્દ્રવર્તી સૂત્ર બનીને ચાલે છે. ‘મદદગાર’ – શંકરનું પાત્રાલેખન અદ્ભુત. એનાં મનોસંચલનોનું નિરૂપણ પાત્રને તાદૃશ્ય કરે છે. શંકર જે ઇમારતમાં રહેતો હતો એના માટે શરૂઆતમાં અને વચ્ચે ‘થાંભલાઓનું જંગલ’ પ્રતીક વપરાયું છે જે અંતમાં ફરી એકવાર આવીને શંકરના મનોભાવો સાથે તદ્રૂપ બને છે. આ બે શબ્દોનું પ્રતીક વાર્તાપ્રવાહની જાણે ધરી બની જાય છે! વેગવાન, જકડી રાખતો, રહસ્યભર્યો વાર્તાપ્રવાહ અને ચમત્કૃતિવાળો અંત. ‘અવાજ’ – આખીયે વાર્તામાં અવાજ એક પાત્ર બનીને સતત દેખાય છે, ફરે છે. એને જીવંત કરવામાં વાર્તાકારે બહુ સૂઝ વાપરી છે. શરૂઆતમાં અવાજ શીર્ષકને સાર્થક કરતું સચોટ વર્ણન સવારને આબેહૂબ દૃશ્યાત્મક રજૂ કરે છે. અહીં અવાજ છે, નળનો, વાતાવરણનો અને તમામ ચીજવસ્તુનો. અહીં અવાજની થપ્પી છે, અવાજનો કોથળો ભર્યો છે, અવાજનો પથ્થર છે, અવાજોના ખડકલા છે, અવાજ અક્કડ અને અણીદાર છે, અવાજોનું જંગલ છે, અવાજો નકામા ઘાસ જેવા છે, શિકારી કૂતરા જેવા છે, આકાર વગરના છે, બરછટ-કડક ભાંગીને ભૂક્કો થઈ જાય એવા છે. અવાજ સળવળે છે, અંદર જાય છે, બહાર આવે છે, અવાજોના રંગીન પરપોટા ફટ દઈને ફૂટી જાય છે. વાર્તાને વળગીને બેઠેલા આ અવાજો વાર્તાપ્રવાહને ક્યાંય રોકતા નથી અને અંતે નાયક બધા અવાજોની ઉપરવટ જઈ શકે છે. વાર્તામાં અવાજનું એક શિલ્પ રચાય છે. વ્યંજનાના સ્તરે વાર્તા સારી ઊપસે છે. ‘બિચારી ચમ્પુડી’ – બજાણિયા લોકની વ્યથા વર્ણવતી વાર્તા. સૂચક વાક્ય – ‘સૂરજના પ્રકાશ કરતાંય ચાર આનીનો ઝળહળાટ વધુ હતો.’ તો ડ્રાઇવર ચમ્પુડીને બથ ભરીને ભીડમાંથી બહાર કાઢતો અને ચમ્પુડીની કુમળી છાતી દુઃખવા માંડતી’ – સ્ટોરી લાઇન. ‘સ્પર્શ’ – સીધી સાદી કથા. રમાનું મનોમંથન સારું ઊપસ્યું છે. રમા જ્યારે પોતે બૉસ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરવાની જાહેરાત કરે છે ત્યારે તેના પોતાના લોકોનો પ્રતિભાવ આપતાં વર્ણનો પ્રતીતિકર અને આસ્વાદ્ય બન્યાં છે. ‘એક હતા અ અને બ’ – વાસ્તવિકતા અને આત્માના અવાજ વચ્ચે કચડાયા પછી અંદરના અવાજને અનુસરતા માણસની સરસ નાનકડી વાર્તા. ‘ચક્ર’ – શીર્ષક વાર્તામાં સમયના ચક્રને સાબિત કરે છે. વાર્તાકારે જે સાબિત કરવું છે એ માટે અચાનક વાર્તામાં બદલાવ લાવવા પાર્વતીજીની ભલામણ અને શિવજીની કૃપાનું ટપ દઈને ખોળામાં પડવું એ યુક્તિ સારી નીવડી છે. ‘ખેલાડી’ – નાયકને વીંટળાયેલી નાયિકાપ્રધાન વાર્તા જેમાં વાર્તાકારે ખેલાડીનો ચમત્કૃતિપૂર્ણ કસબ બતાવ્યો છે. ‘રેણુ’ – ‘રેણુએ એક સાહસિક મુસાફરની જેમ નવેસરથી જિંદગીને શોધી આપી હતી.’ પણ વાર્તાનો અંત, જાણે અચાનક ઇન્ટરવલમાં ફિલ્મ પૂરી થઈ ગઈ હોય એવું લાગે! ‘માધવી ખોવાઈ ગઈ હતી’ – એક બાળકીની તોફાનપ્રધાન વાર્તા. સહજતા અને નટખટીય વૃત્તિ ભાવકને ભાવના પ્રવાહમાં ખેંચવામાં સફળ રહે છે. ‘એક ચપટી સુખ’ – ‘વિપિન બેઠો બેઠો લહેરથી રડી રહ્યો હતો.’ ‘સસરાના મોંમાંથી ધક્ દઈને બીડીની વાસ વિદ્યાને વળગી.’ એક નિમ્ન મધ્યમ વર્ગની ગૃહિણીની દિનચર્યા સરસ નિરુપાઈ છે અને વાર્તાકારને અહીં બસ એ ચીતરવામાં જ રસ છે એમ લાગે છે. બાળકને બગાડવામાં દાદા-દાદીનો હાથ હોય એવું એ સમયે પણ દર્શાવવું વાર્તાકાર ચૂકતાં નથી. ‘વિજેતા’ – મરણનોંધ વાંચવાનો રસિક કાર્યક્રમ હોય? હા હોય. તંદુરસ્તીનું અભિમાન રાખનાર નાયક આમ અચાનક પટકાશે જ એવો અણસાર આવી જાય પરંતુ વાર્તાપ્રવાહ ખોડંગાતો નથી. ‘નિષ્પર્ણ’ – બાળકના DNA જાણી એનાં માતા-પિતા નક્કી કરી શકાય એવું છેલ્લાં થોડાં વર્ષોમાં આવ્યું. જ્યારે લોહીની તપાસથી બાળક કોનું છે એ જાણવાની અને એના પછી ઉદ્ભવતા સંઘર્ષની કથા ૧૯૭૯માં પ્રકાશિત થયેલા સંગ્રહમાં આવે, એ નોંધવી જ પડે. ‘સમીપ અને દૂર’ – બીમાર નાયકનાં મનોસંચલનો સરસ નિરૂપાયા છે. લગભગ બે પાનાંમાં ફેલાયેલું બીમારીનું વર્ણન વાચક દ્રવી જાય એવું છે. કથનકેન્દ્રની માવજત સરસ થઈ છે. વાર્તાપ્રપંચ પણ સારો સધાયો છે. વ્યંજનાના સ્તરે વાર્તા સારી ઊપસે છે. ‘ખેલ’ – એક સરકસકથા. કથાના તંતુઓ એટલા પ્રતીતિકર ન લાગે પણ સરકસની પાછળની કાળી દુનિયા ચીતરવામાં વાર્તાકારને આબાદ સફળતા મળી છે. ‘એ’ – જે વાર્તાનું શીર્ષક આખા વાર્તાસંગ્રહનું શીર્ષક બન્યું છે એ વાર્તા ‘એ’ યુદ્ધની ભયાનકતા લઈને આવે છે. અંતે તો બેય બાજુ પાયમાલી જ છે એ સરસ રીતે ચીતરે છે. સૈનિકનું મનોમંથન સ્પર્શી જાય એવું છે.
સીધી સાદી વાર્તાઓ
‘આપઘાત’ વાર્તા સ્મરણોમાં બનતી અને જાણીતી ફિલૉસૉફીથી વીંટળાયેલી ઘટનાઓ તથા અમુક અંશે અસહજ સંવાદોથી વાર્તા શરૂ થાય છે અને પૂરી થાય છે. ‘કર્મયોગ’ અને ‘મારું પ્રતિબિંબ નથી’ આ બંને વાર્તાઓ શહેર અને ગામડામાં વણાયેલી છે. એકમાં ગામડાને કુરૂપ તો બીજામાં સુંદર બતાવાયું છે. ‘કર્મયોગ’ વાર્તા બોધ તરફ વળી જાય છે. ‘આંસુના પડદાની પેલે પાર’ અને ‘વિષચક્ર’ કુટુંબકથાઓ છે.
૦
‘સાંજને ઉંબર’, જુલાઈ ૧૯૮૩, પ્ર. આર આર શેઠ, કિંમત રૂ.૨૧/, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૮૪, અર્પણ – નથી
આ સંગ્રહ વાર્તાકારના નિવેદન વિના સીધો વાર્તાઓથી શરૂ થાય છે. જ્યારે સ્ટેશનેથી નાના ગામ પહોંચવા માટે ગાડાં અને ઘોડાગાડીનો ઉપયોગ થતો એ સમયની પણ વાર્તાઓ.
વાર્તાઓ
અવાજનું ઘર – પતિના ગયા પછી એકલી પડી ગયેલી માતાનો બંગલો વેચવા મુકાતા માતાની મનોસ્થિતિ સરસ વર્ણવાય છે. જોકે અંત સહજ નથી લાગતો. જેલની ઊંચી તોતિંગ દીવાલો – જરા જુદો વિષય લઈને આવતી વાર્તા. નાયક જેલમાં નોકરી કરે છે અને કેદીઓને સુધારવાની એના મનમાં ધૂન છે. પત્નીને દિલ્હી છોડવું નથી અને દીકરીને અહીં રાખવી નથી. પતિ પત્નીના આ સંઘર્ષની કથા જુદી વ્યથા લઈને આવી છે. નાયકનું મનોમંથન સારું ઊપસ્યું છે અને ઘટનાઓએ એને વળ ચડાવ્યો છે. અનુરાધા – પોતાની રીતે જીવન ઘડનારી સ્ત્રી. એ પોતાનું સ્વતંત્ર જીવન પસંદ કરે છે અને એને આકાર પણ આપે છે, ત્યારે પોતાની વિદ્યાર્થિનીઓને બીબાઢાળ જિંદગીમાં ઝંપલાવી દેતા જોઈને દુઃખી થાય છે. વાર્તાનો પ્રવાહ શરૂઆતના ટુકડા સિવાય સારો વહે છે. ‘સામેના ઘરની સ્ત્રી એના ઘરની ધાંધલ ધમાલના અવાજોનું આવરણ પહેરીને એ જાણે ઊભી હતી અને એની આંખોમાં પ્રશ્નોનો સળવળાટ હતો.’ સ્ત્રીનું કાવ્યાત્મક અને જીવંત વર્ણન. નીલરંગી મોતીનો નેકલેસ – પ્રેમમાં પડેલા નિલેશે પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે જે આકાશી હીંચકો હિંચ્યો છે અને કલ્પનાઓની જે વણઝાર રચાઈ છે એ બધું ખરેખર રસ પડે એવું છે. મુક્ત કારાગાર – જરા જુદો વિષય લઈને આવતી વાર્તા. જેલનો અનુભવ નાયિકાને પ્રેમના સ્વપ્નની આભાસી દુનિયામાંથી બહાર કાઢે છે અને એ અનુભવે છે કે ખરું કારાગાર તો બહાર છે. ‘સ્વપ્ન આમ ખતમ થઈ જશે એની મને પણ કલ્પના નહોતી.’ આ એક જ વાક્ય, નાયક અને નાયિકા બંનેના મુખમાં એક સાથે મૂકી અનુભૂતિના બે જુદા વિશ્વની સરસ વિરોધાભાસી રચના થઈ છે. આ રચના પ્રયુક્તિ ફરીને પણ પ્રયોજાઈ છે જે અસરકારક બની છે. સંધિકાળ – સુરતાનું શબ્દચિત્ર એટલું જીવંત અને આકર્ષક બન્યું છે કે એ આંખ સામે તાદૃશ્ય થઈ જાય. નાદાન નિર્દોષ ચંચળ સુરતા, ચંદ્રની આંખો દાબવાની રમતમાં જાણે એ ક્ષણે જ યુવાન થઈ જાય છે અને આ રમત ભાવકને રાજી કરે દે એવી છે. કાવ્યાત્મકતા – ‘નીંદરમાં પડેલી સુરતા જાણે મોગરાની કળીઓનો ઢગલો!’ કોઈ અજાણ્યા પ્રદેશની સફર – એક પરણીને આજ્ઞાંકિત વહુ બની ગયેલી શીલા અને મસ્તીથી પોતાની રીતે જીવતી રત્ના, એક અજાણ્યા પ્રદેશની સફર કરાવી દે... વાર્તાકારનો પ્રિય વિષય. બપોરના દરિયાનું વર્ણન જુઓ... ‘ખુલ્લી છાતીએ સૂર્યબાણ ઝીલતો કોઈ વીર યોદ્ધા જેવો કે પછી તેજથી લખલખતો સૂર્યકિરણોનો મુકુટમણિ ધારણ કરી પૃથ્વી પર વિહાર કરવા નીકળેલા પ્રચંડ શેષનાગ જેવો.’ કાલુ જલ્લાદની ઇજ્જત – એક જુદો વિષય લઈને આવતી વાર્તા. નિયત સારી હોય તો કોઈ કામ ખરાબ નથી હોતું, જલ્લાદનું પણ... સંબંધ અથવા બીજું કશું નહીં – પતિ પત્ની વચ્ચેના પ્રેમ અને અલગાવની સરસ કથા. ‘અનુભવથી દુઃખને કામથી ઢાંકી દેતાં શીખી ગયાં હતાં.’ અંગત શોધનો પ્રદેશ – પુરુષકેન્દ્રી વાર્તા – આખી વાર્તામાં પાને પાને વેરાયેલી કાવ્યાત્મક ભાષા નોંધપાત્ર છે. દા.ત., ‘દાદાજી એટલે ધૂળિયા રસ્તાઓ પર ઢળી જતી સાંજની લાલિમા’, ‘આ અસ્થિર અને સ્તબ્ધ લીમડામાં સમાઈ ગયેલા સમયની સળો... આ જંગલી ફૂલોની વેલના નાના પાન પરથી સરતાં જતાં વરસાદનાં ટીપાં... મારો હાથ થડની સપાટી પર ફરતો હતો. એની ખરબચડી સૂકી તિરાડોમાં લીલી કૂંપળો ફૂટી નીકળી હતી... સાક્ષી-નાયક કેન્દ્રી વાર્તા. ઈશ્વરના ન્યાયને સર્વોપરી અને તાદૃશ્ય કરતી ભાવસભર સુંદર વાર્તા. પ્રેમગલી અતિ સાંકરી – બાળક માટે તરફડતા માતાના હૃદયની સ્પર્શી જતી વાર્તા. કાવ્યત્વથી ભરી ભરી ભાષા... અંધારી ગલીઓ – પુરુષકેન્દ્રી વાર્તા. નાયકનું મનોમંથન અને ખૂન જેવા રહસ્યને મનોવૈજ્ઞાનિક ઢબે આલેખતી વાર્તા. ન કહેલી એક વાત – પિતા-પુત્રના મૌન મીઠા સંબંધના સળ ઉકેલતી વાર્તા. અંત એક સુંદર પ્રશાંત નીરવતાને લઈને આવે છે જેમાં કશો ચમત્કાર કે નાટકીયતાની જરૂર નથી. સરસ કલ્પન – ‘સાંજ વ્યસ્ત ગૃહિણીની જેમ થાકી ગઈ હતી.’ કૂતરા બિલાડાનો માણસ – પુરુષકેન્દ્રી વાર્તા. પશુ પંખીને અપાર પ્રેમ કરતા બાબુભાઈની વાર્તા. જાનવરો માટેનો એમનો આ પ્રેમ માણસને પણ બદલી નાખે છે એની સરસ વાર્તા. ‘સૂરજનો કાચનો ગોળો ફૂટી જતો અને ચકચકતા તડકાની ઝીણી અસંખ્ય કરચો વેરાઈ જતી.’ અમે રે ઊડણ ચરકલડી – પત્રો દ્વારા જ રજૂ થતી વાર્તામાં ગામડાની માયાળુ શાંતામાં ભણતર અને વાચનથી એની ભાષામાં અને વિચારમાં આવતાં પરિવર્તનો સહજ રીતે નિરૂપી શકાયાં છે. શાંતામાં શહેરના મહત્ત્વાકાંક્ષી માનવ સાથે જોડાઈને જે પરિવર્તન આવે છે અને દિવ્યાંગ દીકરીના ઉછેરમાં જે વળાંકો આવે છે એ સરસ આલેખાયા છે. સાંજને ઉંબર – ફૂટપાથવાસી રેપ થયેલી સ્ત્રીની વ્યથાકથા. એની મા એને મૂકીને કોઈની સાથે ભાગી ગયેલી અને એ પોતાની માને ગાળો દેતી... ભવિષ્યમાં પોતાનો દીકરો પણ પોતાને આમ જ? ના... અને બાળક જીતે છે.
સીધી સાદી વાર્તાઓ
આસમાની રંગની સાડી – સિંગલ ઇફેક્ટ વગરની વાર્તા. ગામડાની છોકરીને શહેરની માયા લગાડનાર નાયિકા અને બરબાદ થઈને પરિણામ ભોગવતી એ જ ગામડાની રૂપાળી સુંદર છોકરી. કોયલનો ટહુકાર – ગામડાની છોકરીને ભોળવીને કાકો કમાવા મુંબઈમાં લઈ આવે અને એ જ્યાં કામ કરતી હોય ત્યાંની નાની બાળ સાથેની દોસ્તીનો ટહુકાર અંતમાં હાશ આપે. ઊડી ગયેલું પંખી – બે જીવન વચ્ચે અટવાતી ઝોલાં ખાતી સ્ત્રીની વાર્તા. લાલ ચાંદલાનું વર્તુળ – લગ્નનાં વીસ વર્ષ વીત્યા પછી જુનવાણી લાગતી પત્ની નાયકને કેવી ક્ષણોમાં પ્રિય થઈ પડે છે એની વાર્તા.
૦
એંધાણી, વર્ષ ૧૯૮૯, આર. આર. શેઠ, કિં રૂ. ૩૨.૫૦, અર્પણ - ઈલા આરબ મહેતા, વાર્તા ૨૨, કુલ પાનાં ૨૦૦
નિવેદન – ‘એક સપનું’માં લેખક ચિંતા કરે છે કે બીજી ભાષાઓમાંથી આપણે કેટલું લાવીએ છીએ! પણ ગુજરાત સાહિત્ય ગુજરાતી ભાષાની હદ વળોટીને બીજી ભાષામાં કેમ જતું નથી? વાર્તાઓ હરી મને આપો એકાદી એંધાણી – શ્રમમંદિરના ભેખધારી દીદી, ઈશ્વર હોવાની સાબિતી કેવી રીતે આપે છે એનું શબ્દચિત્ર એટલે આ વાર્તા. શ્રમમંદિરની આ સત્યઘટના હશે કેમ કે વાર્તાકારે ત્યાં મુલાકાત લીધેલી છે. જન્મજન્મોના બંધનની દુહાઈ દઈને પકડેલો હાથ, પોતાના જીવનસાથીને રક્તપિત્ત છે, એટલું જાણતા ઘડીના છઠ્ઠા ભાગમાં છૂટી જાય ત્યારે એ દર્દની સાથે સંબંધના સ્વાર્થનું દર્શન પણ કેટલી પીડા આપે! રક્તપિત્તની દર્દી રૂપાનાં મનોસંચલનો પણ ખૂબ સરસ રીતે નિરૂપાયાં છે. વાર્તામાં રક્તપિત્તના રોગીઓનું, એમના રોગનું વર્ણન હૈયું કકળાવી દે એવું જીવંત થયું છે તો દીદીનું સાચું પાત્ર કરુણાનો દરિયો ફેલાવે છે. ઘટનાઓ અને સંવાદો વાર્તાકારની જીવંત શૈલીનો પરિચય આપે છે. ફૂલોની સુગંધનું નામ શું? – ગામના બાળપણના સંબંધની જીવનભર રહેતી સુગંધની વાર્તા. ‘કાટ ખાઈ ગયેલા પતરાના ડબ્બામાંની તુલસીએ નહાઈ લીધું હતું.’ આ એક વાક્યમાં કવિતા, ગરીબી, હિન્દુ સંસ્કૃતિ, અને તુલસીમાં પાણી રેડવાની ઉતાવળ બધું એકસાથે વાર્તાકારે બતાવી દીધું છે. તો આવું જ બીજું કાવ્યાત્મક વાક્ય, ‘વિનુ રસ્તામાં તડકાના ખાબોચિયા કૂદાવતો બજારે જતો.’ વિનુની સ્મૃતિમાં રહેલા ભાઈકાકાનું બહુ સરસ શાબ્દિક વર્ણન વાર્તાકારે કર્યું છે, એમાં ભાઈકાકાનું વ્યક્તિત્વ અને ભાઈકાકાનો સ્વભાવ બંને સરસ રીતે ઊપસી આવે છે. એવી જ રીતે ભાઈકાકાના ભર્યાભાદર્યા ઘરમાં મા વગરનો વિનુ કેવી રીતે સચવાઈ જતો, એની વાત વ્યંજનામાં સરસ રીતે વ્યક્ત થાય છે. વાર્તામાં ભૂતકાળ અને વર્તમાનકાળનું સંયોજન સરસ ઊપસ્યું છે. તો ભાઈકાકા અને વિનુનો પ્રેમભર્યો, નિઃસ્વાર્થ સંબંધ પણ ખૂબ સરસ અને કલાત્મક રીતે રજૂ થયો છે. એક સર્વાંગ સુંદર વાર્તા. એક મૂક અંજલિ – સંપૂર્ણપણે સંવાદમાં જ વહી આવતી વાર્તા. શરૂઆતમાં એમ લાગે કે આ કોઈ ક્રાઇમ સ્ટોરી હશે. રહસ્યનો પિંડ શરૂઆતથી જ બંધાતો જાય છે અને વાર્તાકારની મજાની પ્રવાહી શૈલી આગળ શું થશે એની ઇન્તેઝારી જન્માવે છે. લગભગ અડધાથી વધુ ભાગ ઇન્વેસ્ટિગેશન જેવું લાગે અને પછી એ રહસ્યમય વ્યક્તિ માટે ભાવનાના સૂરો ગૂંજવા લાગે અને એવા જ સરસ અંતમાં વાર્તા પૂરી થાય. શીર્ષક એકદમ સાર્થક. ગુડ મોર્નિંગ, મિસિસ દેસાઈ! – વાર્તા એટલી જ છે કે એક નટખટ છોકરી પરણીને પોતાનું ઘર છોડે છે અને સાસરે જાય છે પરંતુ પતિના ઘરે ગયા પછી એના આગલા જીવનની નાની નાની ઘટનાઓ એટલી રોમાંચક અને જીવંત રીતે વર્ણવાય છે કે જાણે નજર સામે બધું ભજવાઈ રહે છે! વાર્તાકારે એક છોકરીના લાડને લડાવ્યું છે. અંતમાં સરસ કાવ્યાત્મક વાક્યો પણ મળી આવે છે. ‘અચાનક એ રસ્તાના વળાંકે મૂંઝાઈને ઊભી રહી ગઈ હતી. આગળના રસ્તા પર કોઈ ગામનું નામ નહોતું અને પાછળ છૂટી ગયેલા રસ્તા પરનાં પગલાં ભૂંસાઈ ગયાં હતાં, હવે શૈશવની શેરી ફરી કેમ શોધવી?’ માઈલસ્ટોન વગરનો રસ્તો – શીર્ષક સાર્થક. વાર્તા રોજિંદી ઘટમાળ દર્શાવતી વહ્યે જાય છે. કોઈ વળાંક વગરની કે અણધાર્યા બનાવો વગરની આ વાર્તામાં રસ જરા પણ ઓછો થતો નથી. ક્યાંક ક્યાંક સરસ પ્રતિકાત્મક વાક્યો વાંચવાં ગમે એવાં છે જેમ કે ‘પિત્તળની સાંકળે બાંધેલો નકશીદાર હીંચકો ઝૂલ્યા કરે છે આ બાજુથી તે તરફ તે બાજુથી આ તરફ.’ વાર્તામાં આવતા પતિ-પત્નીની જિંદગી આવી જ છે. નથી ક્યાંય અટકતી કે નથી ક્યાંય પહોંચતી. ‘એ રાત્રે ઘરે આવે છે ત્યારે એને ચોટેલા અંધકારની રજ ઘરમાં વેરાતી હોય એમ ઘર તેજવિહોણું લાગે છે.... એ રાત્રે ખાંસે છે ત્યારે પોપડા ઉખડેલી દીવાલો પણ ખાંસતી હોય એવું એને લાગે છે.’ અહીં પ્રતીકોથી વાત અને નાયકનું વ્યક્તિત્વ સારી રીતે ખૂલે છે. કેટલીક મધુર ક્ષણો – વિષય દિવ્યાંગ બાળક અને માતા પિતા પણ વાર્તાકારનું લક્ષ્ય પીડા પહોંચાડવાનું નથી. જે મળ્યું છે એ સ્વીકારી એક સમજણભરી વ્યવસ્થાનું સર્જન તરફ વાર્તાને પહોંચવું છે અને આવી અઘરી પરિસ્થિતિમાંય મધુરતા વેરી દેતી પળો સુધી. એ બન્યું છે સંપૂર્ણતાથી. રીતુ નામની એક છોકરી – એક કેલેન્ડરના આવવા જેવી સાવ સામાન્ય બાબત ઘરમાં બધા પર કેવી જુદી જુદી અસર છોડે, આ વાર્તાકાર એનું સરસ વર્ણન કરે છે! રીતુની કૉલેજની બહેનપણીઓ એ જ પરંપરાગત જીવનમાં રહેનારી અને રીતુ છે, સપનામાં ખોવાયેલી. અલગ વિચારનારી પણ ખરી. ‘વરને ખુશ કરવો પડે એવો વર મને ન ગમે.’ આટલી સ્પષ્ટતા એના વિચારોમાં છે. ઘરના સાંજના વર્ણનમાં ભારતીય કુટુંબની પરિસ્થિતિ અને એમાં સ્ત્રીઓના રોલની વાત કોઈ આયાસ વિના દર્શાવાઈ જાય છે. તો ઘરમાં રીતુ આવે એટલે રોજના સંવાદો, એકના એક અને સ્ટીરિયો ટાઇપ હોવા છતાં એની રજૂઆતથી રસભર્યા બને છે. રીતુના ભાઈ શૈલેષભાઈનું પોતાના ઘર અને ઘરના લોકો સાથેનું બેપરવાઈભર્યું વર્તન છાપાના માધ્યમથી અને અંતમાં સાવ બીજા છેડાનો બદલાવ સરસ રીતે રજૂ થયાં છે. આમ તો ખરી વાર્તા ઘણી મોડી શરૂ થાય છે. આગળનું ઘણું ઓછું હોય તો પણ ચાલતું. રીતુનું આખું નામ ‘રીતુ પીતાંબરદાસ મરીવાલા’ બતાવવાની વાર્તાકારની ચાલ પણ છેલ્લે ખૂલે છે. આવું હળવું શીર્ષક કેમ એ પણ અંતમાં ખૂલે છે. અંતને કારણે એને હાસ્યવાર્તા ગણાવી શકાય. પણ સ્થૂળ હાસ્ય નહીં... જરા ચમકાવી દે એવું મજાનું હાસ્ય. બદ્રીકેદાર – જૂના જમાનાના અને એ જ વિચારસરણીમાં રમતા મુગટલાલ. વાર્તા મુગટલાલના વિશ્વાસની અને મુગટલાલ પર શેઠના વિશ્વાસની છે. ખાસ નવીનતા નથી પણ નાના નાના પ્રસંગો અને મજાના સંવાદોથી છેક સુધી રસ અકબંધ રહે એ વાર્તાકારની કલા છે. બે ને પાંચ મિનિટ – શીર્ષક ક્રાઇમ સ્ટોરી જેવું છે. શરૂઆતમાં જ નાયિકાનું ખૂન થાય છે. આખીયે વાર્તા રહસ્યકથાની જેમ શરૂ થાય છે પણ આ ક્રાઇમ સ્ટોરી નથી. અંતમાં ખૂલતું રહસ્ય ભાવકને ખળભળાવી જાય છે. નાયકનું મનોમંથન ઊંડાણથી નિરૂપાયું છે. નાની નાની સ્મૃતિઓનાં દૃષ્ટાંતો વાર્તાને અસરકારક બનાવે છે. મુસાફરી – પતિ પત્નીના સ્નેહની, પત્નીના મૃત્યુ પછી પતિની એકલતાની અને અંતે બંનેના સંગાથની મનને સ્પર્શી જતી કથા. લાશ – દો રૉયલ સેલ્યૂટમાં નેતાઓ ખાણીપીણીની મોજ ઉડાવતાં ઉડાવતાં પ્રજાના દુઃખદર્દની ચિંતા કરે છે, એમ જ અહીં શ્રીમંત પતિ-પત્ની મોજ ઉડાવતા ઉડાવતાં લોકોની અમાનવીયતાની ટીકા કરે છે. લોકોના દંભની એક વધુ વાર્તા. અકસ્માત – નાયક કૈલાસની મનોસ્થિતિનું જીવંત વર્ણન. કરુણ અંત ધરાવતી બેકારીની કથા. સીધી સાદી વાર્તાઓ દો રૉયલ સેલ્યૂટ – નેતાઓના દંભ પર કટાક્ષ સ્મૃતિની ફિંગરપ્રિન્ટ – શીર્ષક પ્રમાણે સ્મૃતિઓના આલબમ ખૂલે છે અને એમાં જ વાર્તા વહે છે. અલગ વિશ્વ – વીણા, ઉમંગ અને કાન્ત. ત્રણ પાત્રો વચ્ચે એકસૂત્રતા અટવાયા રાખે છે. સોદો – વધુ પડતા નાટકીય વળાંકો. મારી નીની – એક કુટુંબકથા આ છે વિશ્વનાથ આચાર્ય – જરા જુદા પ્રકારનું શીર્ષક. સંસ્કૃત ભાષા ભણનારની દુર્દશાની કથા. બંધ ખાનું – બંધ ખાનાંમાંથી નીકળતા સ્મૃતિ અવશેષો. પ્રથમ પુરુષ એકવચનમાં વાર્તા નિરૂપવાનો પ્રયત્ન થયો છે. રૂડા પ્રતાપ – શાળામાંથી તરછોડાયેલો હરિયો હરિદાસ શેઠ બનીને શાળામાં આવે ત્યારે એ જ આચાર્ય અને એ જ જૂનો સ્ટાફ... અને સ્મૃતિઓ... એક પ્રણયકથાનો અંત એટલે કે આરંભ અને ભાગ્યનું લખત
૦
‘બીલીપત્રનું ચોથું પાન’, ડિસેમ્બર ૧૯૯૪, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૫૫/, કુલ વાર્તા ૨૨, કુલ પાનાં ૨૨૮, અર્પણ – નથી
નિવેદનમાં પોતાની વાર્તાનાં મૂળિયાં દર્શાવતા વાર્તાકાર ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો ભેદ દર્શાવે છે.
વાર્તાઓ
બીલીપત્રનું ચોથું પાન – આધુનિક વળાંક લેતા પરંપરાગત કથાવસ્તુની કુટુંબકથા. બીલીપત્ર એ શિવની પૂજામાં ચડાવાતાં પાન. બીલીપત્રમાં ત્રણ પાન હોય. અહીં ચોથું પાન એટલે દત્તક લીધેલા રાહુલની અજાણી માતા. એ ભલે કુંવારી માતા બની હોય તો પણ એના પ્રત્યે સમ્માન વ્યક્ત થયું છે. મુખ્ય પાત્રમાં રાહુલની માતા લીલા છવાયેલી છે પરંતુ રાહુલના પોતાની જન્મદાત્રી માતા પ્રત્યેના મનોમંથનમાં આખી વાત વ્યંજનાના સ્તરે ઊપસે છે અને એ જ વાર્તાક્ષણ બની જાય છે. લીલા અને રાહુલનું આંતરવિશ્વ અને પ્રતીકો દ્વારા સરસ રીતે ઊઘડ્યું છે. વાર્તાકલાની દૃષ્ટિએ આ વાર્તા ખરી ઊતરે છે. લીલાની માનસિક પરિસ્થિતિ અને એના હાથે થઈ રહેલી ક્રિયાઓ વચ્ચે વાર્તાકારે ખૂબ સરસ ગૂંથણ કર્યું છે. લીલા ભૂતકાળને યાદ કરે છે ત્યારે ‘બારીના તૂટેલા કાચમાંથી આવતી વાછટથી બધું ભીનું ભીનું થઈ ગયું.’ ‘ડુંગળીના દડાનાં પડ ઉખેળવા માંડ્યાં’ જ્યારે રાહુલ તેને પોતાના માબાપ વિશે પૂછે છે ત્યારે ‘તેલમાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતા.... ધુમાડો ધુમાડો થઈ રહ્યો....’ આમ, જુઓ તો ભારે વરસાદ પડ્યો અને એમાં લીલા પિતા-પુત્ર માટે ગરમાગરમ ભજિયાં બનાવે છે એ વર્તમાનની અંદર આખો ભૂતકાળ વણાયો છે. પરંતુ અલગ અલગ ખંડ પાડવાને બદલે વાર્તાકારે કુશળતાપૂર્વક ભજિયાં બનાવવાની ક્રિયા સાથે પાત્રનું મનોમંથન વણી લીધું છે. વાત તો કથનની રીતે થાય છે પણ ક્રિયાઓની સૂચકતા, ઊડીને આંખે વળગે એવી છે. આ કામ એટલી કુશળતાથી થયું છે કે સહજ લાગે. ક્યાંય કૃતકતા વર્તાય નહીં. ભજિયાં અને કાચની કરચની પ્રયુક્તિ સુંદર અને રસપ્રદ. દૂધનો ઘડો – પ્રામાણિકતા જેના લોહીમાં સિંચાયેલી છે એની અપ્રામાણિકતા તરફની ગતિ અને એ આ વાર્તાની મતિ. પણ આ રસ્તે વળવાની ધીમી અને મનના ઉતાર-ચડાવ દર્શાવતી વાર્તાની ગતિ રસપ્રદ. અંત પણ ટચી. વિદાયની ક્ષણે – હૉસ્પિટલનું જીવંત વર્ણન. મૃત્યુ વિશેનાં કલ્પનો સ્પર્શી જાય એવાં. અન્નાનાં મનોસંચલનો બહુ અસરકારક રીતે નિરૂપાયાં છે. એનું પાત્રાલેખન સુંદર. આખીયે વાર્તાની ભાષા જીવંત અને કાવ્યાત્મક, ‘એની આંખોના ઝાકળમાં એક ચહેરો ઝૂકેલો હતો’, ‘શાકભાજીના બજારની જેમ ટોપલા ભરી ભરીને અવાજો ઠલવાતા હતા.’ જયસુખિયો – નાયકના નામથી વાર્તાનું શીર્ષક છે પણ વાર્તા નાયિકાકેન્દ્રી છે. ગામડાનો સુથાર જયસુખિયો બાપુના કહેવાથી નસીબ અજમાવવા મુંબઈ જાય છે ત્યાં પોતાની આવડતથી ખૂબ ધંધો જમાવે છે. પત્ની સરોજ ઓછું ભણેલી, પણ સૂઝવાળી. પણ અંતે એની અક્કલ એને જ ભારે પડે છે. લાલચ બૂરી બલા છે એવો મૅસેજ લઈ શકાય. અંત રોચક અને ઘટનાઓનો સુંદર પ્રવાહ. ભલે પધાર્યા – આપખુદ અને દમામદાર પતિ અને એનાથી ફફડતી રહેતી પત્નીની વાર્તા. આમ તો આવાં પાત્રો આ વાર્તાકારની બીજી વાર્તાઓમાં પણ છે પણ અહીં એમનાં શબ્દચિત્રો ખૂબ અસરકારક બન્યાં છે. જુઓ, ‘હમણાં પતિ આવશે ત્યારે શું માગશે, બોલશે, લાવશે, કહેશે, મૂકશે – માત્ર એ ભયની ધરી પર એ ગોળ ગોળ ઘૂમતાં.’ તો સામે પતિનાં ફરમાનો – ‘રૂમાલ નીચે કેમ પડ્યો છે? એની જગ્યા ક્યાં છે? મનુની ચોપડી ટેબલ પર હોવી જોઈએ. આજે શુક્રવાર દૂધી ચણાની દાળ કેમ નથી? બારી પર ડાઘ કેમ છે? ગીતાના વાળમાં તેલ નાખો તો! આઠના ટકોરે થાળી પીરસાવી જોઈએ એટલે પીરસાવી જોઈએ.’ આવા પિતા સામે યુવાન પુત્ર પોતાની પ્રેમિકાને લઈને આવે ત્યારે આ નવી યુવતી આવતાંવેંત પિતાનું દિલ જીતી લે. પિતા એને તરત વધાવી લે એ જરા વધારે લાગે અને અંત – ‘હીરાકાકીનો હરખ ક્યાંય માંય નહીં’ બે સ્ત્રીઓ – બે સ્ત્રીઓના અકલ્પ્ય સ્નેહની અને બે પુરુષોના એ જ જુગજૂના દ્રોહની અદ્ભુત કથા. અન્ય વાર્તાઓથી નિરાળી અનોખી આ અતિ સંવેદનશીલ વાર્તા દિલ પર કાયમી છાપ છોડી જાય છે. કૂંડાળામાં પગ – યુવાન થયેલી દીકરીનું ક્યાંય ગોઠવાય નહીં અને એ ઘરમાં ને બહાર બોજ અનુભવે, વિના કારણ પોતાને ગુનેગાર સમજે એવી નાયિકાની મનોદશાનું સરસ અસરકારક નિરૂપણ... વિષયવસ્તુ નવું નથી પણ કથાગૂંથણી અને રજૂઆત દમદાર. પોપટ આંબાની ડાળ – શીર્ષક જેવી જ હળવી પણ નાટકીય કથા. મોટાભાગની વાર્તાઓ કથક બનીને લખાયેલી છે ત્યારે બીજા પુરુષ એકવચનમાં કહેવાયેલી આ કથા રસપ્રદ બની છે. હળવી ને નાટકીય શૈલી અને એવો જ નાટકીય અંત જમાવટ કરે છે. કમલનું પાત્રાલેખન સરસ ઊપસી આવ્યું છે, જુઓ ‘ગમે તેવી ભંગાર સિરીયલ પણ પીપરની જેમ ચગળી ચગળીને જુએ. હિન્દી ફિલ્મો પાછળ તો શહીદ’ તો કુટુંબનું ચિત્રણ – કમલ દુઃખી છે કેમ કે ‘પપ્પાને મારા કરતા વિયેતનામ વૉરમાં, મમ્મી સાંજી ગાવામાં અને દાદી ઠાકોરજીને ભોગ ધરાવવામાં એવા ગુંથાયેલા છે કે અમે ઘરમાં છીએ એની જ ખબર નથી.’ મૃત્યુશૈયા – મૃત્યુશૈયા પર પડેલી માતા હજી જીવે છે અને સંતાનો એની મિલકતની વ્યવસ્થા કરવામાં લાગી જાય છે. એ રીતે વિષય જૂનો પણ પાત્રાલેખન દમદાર અને કથાગૂંથણી રસપ્રદ છે એટલે વાર્તા વાંચવાનો રસ છેલ્લે સુધી જળવાઈ રહે છે. ચૌદમી પૂતળીની વાર્તા – રાજા ભોજ અને બત્રીસ પૂતળીની યાદ અપાતી વાર્તા. તત્કાલીન શાસન અને શાસકો પરનો વ્યંગ્ય આ વાર્તામાં સરસ ઊપસ્યો છે. ટીંબો – શરૂઆતના ત્રણ પેરેગ્રાફ સુધી નાના ગામ અને ગામના દરબારગઢનું શબ્દચિત્ર અત્યંત સુંદર. વાર્તાકારના શબ્દો આંખ સામે આ ગામ જીવતું કરે છે. રણવીરસિંહ બાપુ શહેરમાં ભણવા જાય ત્યાર પછી એકલા પડેલા એના મિત્ર પ્રવીણની એકલતા, મનોદશાનું વર્ણન ખૂબ સરસ. સમય અંગેનાં સરસ કલ્પનો – ‘સમય છે આ વાવરું ગોઝારા કૂવાનાં પાણી પર બાઝેલી લીલી શેવાળ.’ ‘સીમની સૂની બપોરને કા કા કરતો કાગડો ચાંચ મારી ઠોલ્યા કરતો.’ એક હતો કાગડો – એક હળવી કટાક્ષ કથા. બાળક હસુડાથી શરૂ થઈને એ શેઠ બને, હસમુખ શેઠ મૃત્યુ પામે અને યમદૂત સાથે વિદાય થાય ત્યાં સુધીની કથા. સમયગાળો ઘણો લાંબો હોવા છતાં કંટાળાજનક બની નથી એ નોંધવું પડે. શીરો – વાર્તાકારની આ ખૂબ વખણાયેલી વાર્તા. નસીબની બળી કુસુમ પોતાના ઘરે તો દુઃખમાં છે જ અને જડ જુલમી પતિના હાથમાં... એની પીડા અનેકગણી થાય છે... વાર્તાનો અંત આઘાત અને આંચકો આપે છે. અંત એનો નાટ્યાત્મક અને છતાં એટલો જ વાસ્તવિક બન્યો છે. નાટ્યાત્મક એટલે કે ભાવક આવા અંતની કલ્પના ન કરી શકે અને વાસ્તવિક એટલે કે એક સ્ત્રી આવું ન કરે તો શું કરે!! કુસુમના જન્મથી વાર્તા શરૂ થાય છે એટલે સમયપટ લાંબો થાય છે. સ્વાભાવિક છે કે એટલે ઘટનાઓની બહુલતા પણ આવે જ. પણ પ્રવાહિતા અને ગૂંથણીને કારણે એ ખટકતું નથી... ચોંકાવી દેતો સશક્ત અંત વાર્તાને ઊંચાઈ પર લઈ જાય છે. અનરાધાર વરસાદ – પતિ-પત્નીનાં સંવેદનોની સરસ કથા. બંનેના શરમાળપણાથી બંને વચ્ચે ઊભેલી દીવાલ તૂટવાની વાત પ્રતીકોથી સહેલી અને મર્માળી. સમય માટે મજાનું કલ્પન – અને પછીથી થીજેલા સમયનો એક લાંબો ટુકડો એની સામે ધગધગતા રણની જેમ ફેલાવવા લાગતો. રેતીના ગરમ કણોની જેમ ક્ષણોની ડમરી ચડતી અને મનમાં ખૂંચવા લાગતી.
સીધી સાદી વાર્તાઓ
નવલખું મોતી – સરસ વાર્તા. ભાષા અને વર્ણનો સચોટ. ઝૂમખા ગીરા રે – પતિ-પત્નીના પ્રેમની તોફાનની કથા. એક ગામની વારતા – ગામને નાયક બનાવી એના મોઢે કહેવાય છે રાજકારણની કાળી કથા. ચંપાનું વૃક્ષ – એક ગરીબ છોકરીને મળી જતાં પ્રેમાળ શિક્ષિકાબહેન... અને... દૃષ્ટિ – એક અંધ બાળકની લાચારી અને મૂંઝવણોનું સરસ વર્ણન. યુવાન થતાં સુધીની સફરની વાત. સુખદ અંત. મનોરમા – માતાની એકધારી ચાલતી ધાર્મિક ક્રિયાઓથી કંટાળેલા દીકરી અને ફોઈ. હરિદ્વાર જાય છે, ગંગાજળથી એમનામાં અંદર સૂતેલા સંસ્કાર જાગે છે. કાનોમાતર વગરનું ગામ – વૃદ્ધ માતા પિતા સાથે સ્વાર્થના સંબંધો અને નાયકનું જાગી જવું. ડ્રીમલેન્ડ – એકલી અપરિણીત યુવતીના મનોભાવ વર્ણવતી વાર્તા.
૦
‘ગાંઠે બાંધ્યું આકાશ’, એપ્રિલ ૧૯૯૮, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૭૦, અર્પણ – નથી. કુલ વાર્તા ૧૮, કુલ પાનાં ૧૬૯
પોતાના નિવેદનને વાર્તાકાર ‘હર્ડલ્સ રેસ’ એવું શીર્ષક આપે છે. વાર્તાકાર લખે છે કે નવલિકા એ એક બળૂકો સાહિત્યપ્રકાર અને બીજી ભાષામાંથી એને ગુજરાતીમાં અવતારવા પુષ્કળ સમય, શક્તિ, સંપત્તિ વપરાય જ્યારે ગુજરાતી વાર્તાઓને બીજી ભાષામાં પહોંચાડવાના પ્રયત્નો કેટલા? બહારગામ વાત કરવી હોય તો એસ.ટી.ડી. કૉલ કરવા પડતા એવા સમયની સાંસારિક ઘટનાઓથી વીંટળાયેલી, ઝીણવટભર્યું સમાજદર્શન આપતી આ વાર્તાઓ છે.
વાર્તાઓ
‘ગાંઠે બાંધ્યું આકાશ’ – આધુનિક વળાંક લેતા પરંપરાગત કથાવસ્તુની કુટુંબકથા. રૂઢિગત સંસ્કારોમાં જકડાયેલી સ્ત્રીના વિકાસની કથા. કડક અને દમામદાર પતિથી ડરેલું, દબાયેલું રૂક્ષ્મણીબહેનનું વ્યક્તિત્વ વાર્તાકારે અદ્ભુત વિકસાવ્યું છે. શરૂઆતમાં જ ‘પતિ પરમેશ્વર’ શબ્દ વાપરીને વાર્તાકારે પતિ મણિકાન્તના પાત્રનો સ્પષ્ટ ચિતાર આપી દીધો છે. જેમાંથી પતિના મૃત્યુ પછી પણ તેઓ બહાર નીકળી શકતા નથી. પતિના મૃત્યુ પછી પણ રૂક્ષ્મણીબહેન વારેવારે ભડકી જાય છે. એમની છાતીનો ધ્રાસ્કો નથી જતો. પતિ-પત્નીના સંબંધમાં આપખુદશાહી અને ગુલામીની પરાકાષ્ઠા રૂક્ષ્મણીબહેનની યાદદાસ્તના પ્રસંગોમાં તીવ્રતાથી ઝીલાઈ છે. ઉદાહરણો જુઓ : ‘ઘરમાં આવતાંવેંત પોતાના કાર્યક્રમો પુત્રને કહી દે અને હવે પુત્રવધૂને!’ અહીં રૂક્ષ્મણીબહેનની ઉપેક્ષા ઊપસી આવે છે. તો દીપાનો વાંસો થાબડીને વખાણવી, પોતાની ભેટો એને આપી દેવી કે ‘રૂક્ષ્મણી માટે કંઈ નથી લાવ્યો. એની પસંદ શું?’ ‘આવો નાસ્તો? જરા દીપા પાસેથી શીખો’ જેવી વાતો. રસેશના રૂમ માટે બીજું ટીવી અને રૂક્ષ્મણીબહેનના ભાગે રસોડું જ ત્યારે ‘જાણે વળ દઈને કોઈએ ચોંટિયો ભર્યો હોય એમ પોતે સિસકારો બોલાવી જતાં.’ ‘ઘટક ઘટક ઘૂંટડો ભરીને ચા પીધી, ઘસીભૂંસીને મોં ધોયું, નિરાંતે માથું ઓળ્યું, પગ હલાવ્યા કર્યો, કાનમાંથી મેલ કાઢ્યો’ જેવાં વાક્યો પતિના મૃત્યુ પછી રૂક્ષ્મણીબહેન એકલાં હોય ત્યારે અનુભવાતી હળવાશ કે જૂની યાદોને ભૂંસી નાખવાનું સૂચવે છે. પાડોશી નયનાબહેનના સથવારે રૂક્ષ્મણીબહેન ધીમે ધીમે પોતાને ઓળખતાં અને પોતાની રીતે જીવતાં શીખે છે. એકલાં (પતિ વગર) બહાર જવાનું છે એ વિચાર એમને ઉત્સાહિત કરે છે. તો જમતી વખતે નાની નાની ટીકાઓમાં દીકરા અને વહુના પિતાના પગલે જવાના સરસ સંકેતો ઊપસે છે. રૂક્ષ્મણીબહેનની આખા દિવસની એકેએક ક્રિયાઓ એના ગુલામ માનસ અને ગભરુ સ્વભાવને વ્યક્ત કરે છે. રૂક્ષ્મણીબહેન ‘રસેશ-દીપા વઢે તો?’ જેવો વિચાર પણ અનુભવી શકે છે, એ એમના ગભરુ સ્વભાવની પરાકાષ્ઠા છે. અંત એ સમયની દૃષ્ટિએ ચીલો ચાતરનારો અને પ્રભાવક બન્યો છે. અંતમાં રૂક્ષ્મણીબહેનનું નાનકડી બિંદી કરી લેવાનું હળવો પણ મીઠો આંચકો આપી જાય છે અને વાર્તાને અમુક અંશે નાટ્યાત્મક બનાવી દે છે. આખીયે વાર્તામાં લાઘવપૂર્વક ટૂંકાં ટૂંકાં વાકયોમાં પરિસ્થિતિનો ચિતાર કુશળતાથી આલેખાયો છે તો રોજબરોજની જિંદગીનાં વર્ણનો પાત્રની માનસિકતા ઉપરાંત સમાજની માનસિકતા, દંભ છતા કરે છે. ભાષાની રીતે તપાસીએ તો : રૂઢિપ્રયોગોનો સરસ ઉપયોગ : ‘મંત્રેલું પાણી છાંટ્યું હોય એમ’, ‘જાણે ઝાડનું ઠૂંઠું’. ‘લાંબા કોરિડોરમાંથી પવનનો સુસવાટો આવ્યો.’ હવે પાડોશી નયનાબહેનના સાથમાં રૂક્ષ્મણીબહેનના પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે એ સૂચવે છે. પરંપરાગત સ્ત્રી – ‘ચાવી મૂકી પાકીટ બ્લાઉઝમાં ભરાવી’ ‘ત્યાં તો ઉપરાછાપરી બેલ. એમનાથી એકેય મિનિટ દરવાજે ઊભા ન રહેવાય.’ લખ્યા પછી પતિની વાત – ‘રાહ જોવાનું કામ મારું નથી એમ દમામદાર રીતે એ કહે’ જેવું બયાન ટાળી શકાયું હોત. એ સમયને આબેહૂબ રજૂ કરતી અને આજના સમયમાં પણ પ્રસ્તુત ગણી શકાય એવી વાર્તા. ઘટનાઓનું પ્રવાહીપણું અને ઊપસી આવેલી વ્યક્તિચેતના વાર્તાનાં નોંધપાત્ર તત્ત્વો છે. રૂક્ષ્મણીબહેનનું મક્કમ પરિવર્તન વાચકને સુખની અનુભૂતિ આપે છે. ‘રિમોટ કન્ટ્રોલ એમના હાથમાં જ હોય’ વાર્તાધ્વનિ સૂચવતું વાક્ય છે. ‘દરિયામાં નાવ’ – શીર્ષક સાર્થક છે. નાયકના મનોમંથન અને પસ્તાવાની કથા. પૂર્વીનું પાત્ર સરસ ઊપસ્યું છે નાયકના હૉસ્પિટલમાં હોવાનું વર્ણન જીવંત છે. ‘ઘર એકદમ અંધારું અને ઠંડું હતું.’ ‘ઘરમાં પગ મૂકતો ત્યારે ઠંડા પાણીના હોજમાં અચાનક ભૂસકો મારતો હોય તેમ કંપ આવી જતો’ બહુ સૂચક રીતે ઊપસતાં વાક્યો પછી તરત જ ‘ઘરમાં કોઈ આડુંઅવળું કરવાવાળું કોઈ હતું જ ક્યાં?’ જેવા લાઉડ શબ્દો વગર ચાલત. વાર્તાપ્રપંચ થોડો નાટકીય લાગે છે પણ વાર્તાકારને એમ જ તંતુઓ સાધવા હોય ને! ‘સાત વારની હોડી’ – નારીકેન્દ્રી વાર્તા. પરંપરાગત રૂઢિવાદી માનસિકતા ધરાવતી સાતેય વારના ચક્રમાં ગોળગોળ ફર્યા કરતી સુજાતા અને બીજી બાજુ રીતરસમોનો સાવ છેદ ઉડાડી સાતેય વારની હોડી ડુબાડી બિન્દાસ્ત જીવતી નંદિતા. બે છેડાની સ્ત્રીઓ, બંનેના સ્વભાવ દર્શાવવામાં વ્યંજના સરસ રીતે ઊઘડી છે. પતિની ગેરહાજરીમાં અનુભવાતી સુજાતાની મોકળાશ નાના નાના પ્રસંગોમાં લાક્ષણિક રીતે ઝીલાય છે. સુજાતાનો આક્રોશ, એના બંધિયાર જીવનનું શબ્દચિત્ર બહુ જીવંત લાગે છે. તો આ બંનેને મળવાની અને ખૂલવાની ક્ષણો નાટકીય પણ સાહજિક લાગે એમ ચીતરાઈ છે. બહુ પરિમાણીય આ વાર્તા સીધું કહ્યા વગર કેટકેટલું સૂચવે છે! સરવાળે એક સાદ્યંત સુંદર કલાત્મક વાર્તા. ‘એન ઘેન ડાહીનો ઘોડો’ – વાર્તાનું શીર્ષક બાળવાર્તાની યાદ અપાવે પણ બહુ સૂચક છે. પદ્માની મનોવ્યથા સંકુલ અને હૃદયદ્રાવક છે. શરૂઆતમાં ઢાંકેલું બહુ જલ્દી ખૂલી જાય છે પણ એ વગર વાર્તા આગળ કેમ ચાલે? અને પછી વાચકની ઉત્સુકતા અંત પર જાય છે. પણ અંતે વાર્તાકાર અટકી જાય છે એવું લાગે છે. કેમ કે સમાજમાં એ જ બનતું હોય છે. કુલડીમાં જ ગોળ ભંગાતો હોય છે. વાર્તાવસ્તુમાં નવીનતા નથી પણ પ્રવાહ જરૂર છે. તો ‘થાળી ચકચકિત ઘસી હતી’ ‘ઊભરાઈ ગયેલી ગટર ટપીને એ ઘરે આવી’ જેવાં પ્રતીકાત્મક વાક્યોના સંકેતો વાર્તારસને ઘેરો બનાવે છે. ‘દરિયાનાં મોજાંની જેમ એ રાત ધસમસતી આવી અને ફીણ ફીણ બનીને રેલાઈ ગઈ’ આ વાક્ય આમ તો વચ્ચે આવે છે પણ અંત સાથે બરાબર બંધબેસતું છે. વાર્તાકારને કદાચ એ જ અભિપ્રેત હોય. ‘સતી’ – જેણે પોતાના જુલમી પતિનું માથું પથ્થરથી ફોડી મારી નાખ્યો છે એવી ને હવે જેલમાંથી છૂટેલી સ્ત્રીનું પાત્રાલેખન, જેલની જનાના બરાકનું વર્ણન અને જેલમાં સ્ત્રીઓ વચ્ચેના સજાતીય સંબંધ સારા ઊપસાવ્યા છે. વાર્તાપ્રવાહ પાંખો છે. ‘બટમોગરો’ – મા-દીકરીના રૂડા સંબંધની વાર્તા. માતાના જીવનમાંથી પતિ સાધુ થઈને નાસી જાય છે, દીકરીની ગેરહાજરીમાં વર્ષો પછી અચાનક પાછો આવે છે, અને માતા એને ફરી ભગાડી મૂકે છે. ઘરમાં સંતાડેલી પુરુષની ચીજવસ્તુઓ જોવાથી દીકરીને ગંધ આવે છે ત્યાં કથાતંતુ જરા નબળો અને અતાર્કિક બને છે... ‘કૂંપળ’ – વગડામાં બનાવાયેલા વૃદ્ધાશ્રમના સૂક્કા, ઉજ્જડ, ભેંકાર વાતાવરણનું સજીવ વર્ણન. ‘સમય... અશ્વત્થામાની જેમ અમર હતો. બપોર થતાં થતામાં તો સમયને વહેરવા જતાં એ લોકો જ થાકી જતાં... બહાર ધખ ધખ સૂરજની ધમણ ચાલતી અને તણખા ઊડતા રહેતા. પછી સાંજ ઠરતી અને રાત ધૂણવા માંડતી... સંસારમાંથી હડસેલાઈને સૌ અહીં સુધી છેવાડે આવી ગયા હતા. પેલી તરફ હતી મૃત્યુની સરહદ...’ મોત અને લાચારીની કાળી છાયા જ્યાં પથરાયેલી છે એવા વાતાવરણને સરસ રીતે ઊપસાવીને અંતે આશાનો, જીવનનો મહિમા કર્યો છે એ સંતર્પક લાગે છે. ‘મંગળસૂત્ર’ – મંગલસૂત્ર જેને સાસુએ ‘સુરક્ષાકવચ’ બતાવીને પહેરાવ્યું હતું એ છલનામાંથી બહાર નીકળીને ફરી એને જ ઢાલ તરીકે વાપરતી એ સમયે આધુનિક ને નવા વિચારોવાળી કહી શકાય એવી સ્ત્રીની વાત. પતિ, ઘર અને મંગળસૂત્ર સહિત આભૂષણો છોડતી સ્ત્રીના મુખે, ‘હવે એ પોતાના સૌભાગ્ય માટે જીવશે.’ – આ શબ્દોની વક્રતા વાચકને સચ્ચાઈ તરફ દોરે છે. ‘તપ’ – પતિ-પત્નીના સામસામેના ધ્રુવો જેવા સ્વભાવની વાત. પતિના વૈરાગ્ય સામે પત્ની જે વેઠે છે એ તપ છે એવું વાર્તાકાર સિદ્ધ કરી શક્યા છે. ‘ઓગળતાં શરીરો...ની સાથે ઢોળાતું શરબત’માં તંતુ જોડવાનો પ્રપંચ સારો લાગે છે. પતિના અને સ્વામીજીના કસાયેલા શરીર અને વસંતબહેનની તરસી નજરના આલેખનમાં કથાપ્રવાહ સારો વહે છે. બંને દીકરીઓના પાત્ર સહાયરૂપ ખરા પણ અનિવાર્ય નથી લાગતાં. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ‘શ્રોતાઓ સ્વામીજીના પ્રવચનના એક એક શબ્દને વીણી લેતા.’ કે ‘સાધુ વાણિયાની સાથે એનાંય બારે વહાણ ડૂબી ગયાં હતાં.’ જેવાં વાક્યો સૂચક બની રહે છે. ‘દટાયેલી નગરી’ – દટાયેલી નગરી એ નાયકનું ભુલાયેલું ગામ છે. ગામ છૂટવાના રસપ્રદ વર્ણનથી વાર્તાની શરૂઆત થાય છે. ભૂતકાળ અને વર્તમાન જુગલજોડીની જેમ સાથે સાથે પણ સંકળાયેલા ચાલે છે. એ માટે કરેલો શબ્દોનો વણાટ પણ સુંદર છે. ‘બેટા અણહકનું લઈ નંઈ ને આપણું હોય ઈ વહેંચીને ખાય એનું નામ ધરમ.’ ધરમની સાદીસીધી વ્યાખ્યા આપતી બા અને ‘બેટા કોઈને દઈને રાજી થઈએ’ કહેતા અને દૂરનું દેખતા બાપુજીનું ચિત્ર સરસ ઊપસે છે. વાર્તાપ્રવાહ સારો છે પણ બાળપણથી લઈને શિખરે પહોંચ્યાનો સમય આવરવા માટે ઘટનાઓની બહુલતા વર્તાય છે. ‘રૂપિયાની નોટો ધડાધડ ખોટા માણસોને છાપી રહી હતી.’ જેવાં વાક્યો કટાક્ષ અને સંકેત બંને આપે છે. ‘ચક્કર’ – વાર્તાવસ્તુ છે, ગરીબ ક્લાર્કનાં લગ્ન પછી એની પત્નીને મેળવવાનો બૉસનો પ્રપંચ. ‘એ તો ચક્કર આવી ગયાં. તમને ખબર છે ને મને ઊંચાઈ સદતી નથી.’ અમૃતાનું આ વાક્ય છે સ્ટોરીલાઇન. ભાષામાં કલાત્મકતા જોઈ શકાય છે. “સુંદર રૂપકડું બૉક્સ હાથમાં લેતાં જ ભીડ ગુમ! ફેણ નમાવી અવાજો ટોકરીમાં બંધ!” “ન હોયની આંખોથી અમૃતા પતિને જોઈ રહી.” વાર્તામાં રમૂજ ઊભી કરવાનો વાર્તાકારનો પ્રયાસ પણ સફળ રહ્યો છે. જુઓ થોડા ઉદાહરણ. ‘માએ એક જાસૂસને શરમાવે એ રીતે જાતજાતના ગ્રહો અને એના રહેઠાણનાં ખાનાંઓ શોધી કાઢી પૂજાવિધિઓ કરાવી હતી.’ ‘અહા, એને થયું કે આખરે રાહુ-કેતુએ યુદ્ધવિરામ જાહેર કર્યો છે. મંગળની લાલ આંખમાંથી અમી વરસી રહ્યાં છે. લોખંડના પાયે સાડાસાતીનું માંડેલું આસન શનિદેવતાએ વહેલું સંકેલી લીધું છે.’ ‘માએ વઢીવઢીને સંતોષીમાના શુક્રવાર કરાવ્યા હતા. આ ચણાનો પ્રતાપ નહીં!’ વાર્તાકારે સંકેતો આપ્યા છે. જેમ કે ‘કોઈ ઝીણું ઝીણું હસ્યું. કાચની બંગડીઓ તૂટીને ભોંય પર ખણખણ વેરાય એવું.’ અને બીજા. અમૃતાનું પાત્રાલેખન શરૂઆતમાં વાચકને ભુલાવામાં નાખે પણ પછી અંતનો અણસાર આવી જાય છે. ‘પોલાણ’ – વાર્તા અંગત સંબંધોમાં રહેલા પોલાણની છે. ખોખલાપણા માટે બોનસાઈ પ્રતીક નિરૂપાયું છે. પત્નીની વ્યથા અને સ્મૃતિમાં તાજું થતું સમૃદ્ધ બાળપણ મન મૂકીને ચીતરાય છે. ‘પાંદડું ખર્યા જેવો હલકો શો નિશ્વાસ ઘરના સૂનકારમાં શોષાઈ જાય’ કલ્પન હળવાશથી પણ વળગી જાય ખરું. ‘પાછલી ગલીના દિવસો’ – ચાલી, દારૂના અડ્ડા, ગુંડાગીરી જેવા તમામ દુર્ગુણો ભરેલા વાતાવરણમાં ઉછરેલા અને એમાંથી જ આપબળે આગળ આવેલા બાપુજી એવા લોકોની વ્યથા અને લાચારી બરાબર જાણે અને એટલે જ એમના માટે એમનો હાથ સદાય છુટ્ટો રહે. પણ સુખમાં ઉછરેલા દીકરા-વહુને એ ક્યાંથી સમજાય? ‘પાછલી ગલી’ના અંધકારનું ઘટ્ટ વર્ણન લઈને આવતી વાર્તા. સીધી સાદી વાર્તાઓ ‘ઓ રંગરસિયા’ – ફિલ્મીગીત જેવું શીર્ષક અને એવી જ વાર્તા. હિરોઇન બનવા થનગનતી છોકરી અને પૈસાદાર થવા થનગનતું કુટુંબ. પડદા પાછળની એ સૅક્સી સ્ટોરી અને અંતે એ જ વાસ્તવ. ‘ઘંટી’ – પરફેક્ટ મિડલ ક્લાસીય સ્ટોરી જ્યાં સ્ત્રી ઘંટીના પડમાં દળાતી જ રહે છે. પણ અંતે એને ઘરેડમાંથી બહાર નીકળતા પણ આવડે છે એ વાર્તાકારે બતાવ્યું છે. ‘શાંતિ’ – મધ્યમ વર્ગ કુટુંબમાં સૌથી દબાતી, કચડાતી, મૂંઝાતી, મફતના ગુલામ જેવી સ્ત્રીના બોજની, ઢસરડાની લાંબી રજૂઆત પછી એ સ્ત્રી અચાનક જાગે છે, શાંતિથી પડખું ફેરવે છે.... ‘વાસંતી મારી કોયલ’ અને ‘બિંદીનો હાથી’.
૦
‘અનુરાધા’, ફેબ્રુઆરી ૨૦૦૩, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ.૧૦૫/, અર્પણ – નથી. કુલ વાર્તા ૨૦, કુલ પાનાં ૨૦૦
વાર્તાકાર પોતાના નિવેદનમાં, ગુજરાતી પુસ્તકોના પ્રસારમાં વ્યાપેલી શિથિલતા અને ‘અનુવાદોના અભાવે ગુજરાતી પુસ્તકો બીજી ભાષામાં એટલાં નથી જઈ શકતાં’નો અફસોસ વ્યક્ત કરે છે તો ‘એ દિશામાં કામ થવું જોઈએ’ની ઝંખના પણ વ્યક્ત કરે છે.
વાર્તાઓ
અનુરાધા-લગ્નજીવન નિષ્ફળ જાય અને પિતાની લાડકી દીકરી ઘરે પાછી આવે ત્યારે એના માટે જાણે ઘરમાં જગ્યા જ નથી એવું અનુભવે જે ઘણી દીકરીઓની વ્યથા. ‘આવનારીયેનું જોવાનું ને!’ મમ્મીના શબ્દો નાયિકાને જ નહીં ભાવકને પણ કઠે. મેનોપોઝ – શીર્ષક પ્રમાણે જ સ્ત્રીની માસિક સ્રાવ અને મેનોપોઝ અંગેની પણ જીવનના સત્યને વણી લેતી વાર્તા. આ વાર્તા મોટાભાગની સ્ત્રીઓને લાગુ પડે છે. અંતના શબ્દો ખૂબ હૃદયસ્પર્શી છે. ‘પાકી ગયેલા ટાંકામાંથી પીડાનો ટશિયો ફૂટ્યો.’ ‘આંખના ખૂણેથી આંસુનું ટીપું સરી પડી ઓશિકામાં શોષાઈ ગયું.’ સૂતરને તાંતણે – શંકાનો તિખારો અડ્યો અને લગ્નજીવનમાં દેખાય નહીં એવી આગ.. ‘સ્પર્શની સાથે અંદર ઝમતું, લોહીમાં ભળતું પોતાપણું ક્યાં હતું?’ બાવળનું ફૂલ – બે સ્ત્રીઓ, મા દીકરીની હૃદયસ્પર્શી વાર્તા. દીકરીને લાગે છે કે માને પોતાની કાંઈ પડી નથી. એ માએ શોક્યનું દુઃખ વેઠ્યું છે, પતિના હાથે ચાબૂક ખાધી છે, ડામ વેઠ્યા છે અને સ્વભાવ એવો ભીરુ થઈ ગયો છે કે હવે છેલ્લી એકલી રહેલી દીકરીને પણ એની વાત કરતાં ડરે છે. એકવાર અચાનક બા માટે એ ચાનો કપ લઈને આવે છે. બાને બાજુમાં બેસાડે છે અને એને આ બધી ભયંકર વાતોની જાણ થાય છે. હળવાશભર્યા અંત સાથે આ વાર્તા દિલોદિમાગમાં પ્રસરી જાય એવી છે. જોડકું – બેલડાની બે દીકરીઓ આવે અને સાસુ નણંદના કેવા કેવા પ્રતિભાવ! દીકરીઓને ઉછેરતાં માતાને નવ નેજાં પાણી ઊતરે છે પણ એની સામે જોયા વગર પતિ ત્રીજા સંતાન દીકરા માટે ટ્રીટમેન્ટ કરાવવાની વાત કરે ત્યારે પેલી લાચાર, નિઃસહાય સ્ત્રીમાં ક્યાંથી હિંમત આવી જાય અને એ મક્કમ ડગલાં ભરતી બહાર નીકળે એની મનભાવન વાર્તા. ચલતે ચલતે – વાર્તાની ભાષા-શૈલી એટલા પ્રવાહી છે કે શીર્ષક આપોઆપ સાર્થક થઈ જાય છે. એક પરંપરાગત કુટુંબનો દીકરો તુષાર પિતાના શૅરબજારના ધંધાને બદલે પત્રકારત્વમાં જાય છે અને એક પત્રકાર રેશ્માના પ્રેમમાં પડી આર્યસમાજ વિધિથી લગ્ન કરી લે છે. અલગ રહે છે. અલબત્ત, તુષાર મમ્મી-પપ્પા પાસે જતી વખતે રેશ્માને જિન્સને બદલે સલવાર-કમીઝ પહેરવા જેટલું મનાવી લે છે. સાસુ નિરૂબહેન અને વહુ રેશમા પોતપોતાના ચશ્માંથી એકબીજાના વર્તનને જુએ છે અને મૂલવે છે. સ્વાભાવિક સંતાપ જ મળે. વળાંક આવે છે રેશ્માની બીમારીથી. નિરૂબહેન દીકરાના ઘરે પહોંચી જાય છે અને રેશમાનું દિલ જિતાઈ જાય છે. સાસુ-વહુના સંબંધોમાં અણસમજને કારણે આવતી મુશ્કેલીઓ દૂર કરવાની જડીબુટ્ટી વાર્તાકાર પીરસે છે. બધી જાણીતી વાતો હોવા છતાં નિરૂબહેનની પરંપરાગત માનસિકતાનું વર્ણન બહુ જ રસપ્રદ બન્યું છે. ‘મમ્મીનો સાડલો હિંગ, જીરું, મરી જેવા મસાલાઓથી મઘમઘાતો. બારેય મહિનાના દિવસો, તિથિ, તહેવારો, ઉત્સવ – બધું પીરસેલી થાળી પરથી જાણતલ જોશીડો કહી શકે. અથાણાંના ખાસ કન્સલ્ટન્ટ. ઘરની વ્યવસ્થામાં માસ્ટર ઑફ મૅનેજમેન્ટ. કપડાંની ઘડી કેમ કરવી તેની પર આખું પુસ્તક લખી શકે એટલાં કાબેલ. નિરૂબહેનનું ધ્રુવવાક્ય, ‘રહેવા દોને ભઈ, તમને પુરુષોને આમાં શું ખબર પડે!’ ભાવક નિરૂબહેનને નજરે ભાળી શકે એટલું જીવંત. એવી જ રીતે ઠાકોરજી સાથેનો નિરૂબહેનનો સંબંધ પણ ખાસ્સો નાટકીય અને મજાનો ઊપસ્યો છે. “બસ ને! આટલાં વરસની પૂજા-દર્શન એળે ગયું ને બધું? એકને લઈ ગઈ ગ્રીનકાર્ડવાળી અને બીજાને છાપાંવાળી. મારાથી થાય છે ત્યાં સુધી આ સેવા કરું છું એ તમને કહી દીધું. પછી આ નિતનવાં નૈવૈદ્ય કોણ ધરશે? જન્માષ્ટમીમાં ટેસ્ટી ફરાળને બદલે સુદામાનાં તાંદુલ જ ખાવાં હોય તો તમારી વાત તમે જાણો.” તુષાર રેશ્મા સાથે લગ્ન કરવાનો છે એ જાણ્યા પછીનો નિરૂબહેનનો મનોભાવ ખૂબ અસરકારક રીતે રજૂ થયો છે. એક જ બાબત જોવાની બંનેની જુદી દૃષ્ટિ સામાન્ય રીતે સાસુ-વહુમાં થતું આવ્યું છે એ પ્રકારે પણ રસ પડે એમ આલેખાઈ છે. પણ અંતે બદલાઈ જતી રેશ્મા ‘મમ્મી, અમે બે-ચાર દિવસ ત્યાં રહેવા આવીએ?’ અને એવા જ બદલાયેલાં નિરૂબહેન, ‘રેશ્મા, તું દેખાડ એમ તારાં કપડાં પૅક કરી લઉં. ને જો તુષાર, રેશ્મા પહેરતી હોય એ પેન્ટબેન્ટ, ગાઉન બધું લઈ લેજે. ટેવ ન હોય એને કંઈ સલવાર ફાવતાં હશે?’ અંત કથાની દૃષ્ટિએ સૂચક બન્યો છે. ‘સાસુ-વહુ લિફ્ટમાં દાખલ થયાં.’ બંનેમાં પરિવર્તન, બદલાવ અહીં સૂચવાય છે. વિષય અને પાત્રોની દૃષ્ટિએ હકારાત્મક અભિગમ ધરાવતી નારીકેન્દ્રી વાર્તા કહી શકાય. બંને પાત્રો નિરૂબહેન અને રેશ્માનું ભાતીગળ અને વાસ્તવિક ચિત્રણ મળે છે. બંને પાત્રો પોતપોતાના વર્તુળમાંથી બહાર નીકળી વિકસે છે. વાર્તાના પ્રસંગો વર્ણવવા ટૂંકાં ટૂંકાં વાકયોમાં પણ જરાય ટૂંકાવ્યા વગર, વેગે ચાલ્યો જતો વાર્તાનો ધસમસતો પ્રવાહ ભાવકને તાણી જાય છે. જેમાં ખાસ ભાગ ભજવે છે, જીવંત સંવાદો. સોનાનો સિક્કો – પરદેશથી આવેલો દીકરો ફરી એ જ વાતાવરણ ઝંખે છે. એને મળે છે એને રાજી કરવાના કરતૂત અને અપેક્ષાઓના પોટલાં. જીવંત વર્ણનોથી ભરી ભરી વાર્તા. લાંબી ધીમી તપતી બપોર – શીર્ષક સાર્થક છે. બપોર પછી તો સાંજ પડે છે પરંતુ સ્ત્રીના જીવનમાં આવી બપોર ક્યારે ઠંડક દેતી સાંજ લાવશે અથવા લાવશે કે નહીં એ અનિશ્ચિત હોય છે. નાયિકા વંદનાને પિતા શાંતિલાલ સાથે પરણાવી દે છે. સાસુ અને પતિનો પારાવાર ત્રાસ વેઠતી વંદનાને પિયરિયાં પાછી સંઘરવા તૈયાર નથી કેમ કે જો એક દીકરી પાછી આવે તો ચિંતા છે કે બીજી બે બહેનો અને એક ભાઈને કોણ પરણે? પણ એક દિવસ પૈસાની માગણી કરીને સાસુ જ આવીને એને પિયર મૂકી જાય છે. એ પછી શરૂ થાય છે છૂટાછેડા અને ભરણપોષણ મેળવવાની કાર્યવાહી. વકીલની સ્ત્રીઓ પ્રત્યે ઉપેક્ષા અને અવમાનના અનુભવતી વંદનાને છેવટે સ્ત્રીઓ માટે મદદગાર એવા વકીલ ભાવનાબહેન મળે છે. કોર્ટનું અને કોર્ટની કાર્યવાહી, કોર્ટની બહાર જિવાતાં પીડાજનક દૃશ્યો અને જીવંત વર્ણન તથા આવા કેસો બાબત વાર્તાકારનું ઊંડું નિરીક્ષણ, અભ્યાસ વાચકને પ્રભાવિત કરે. એ રીતે કથાવસ્તુ સરસ વહે છે. સ્ત્રીઓની અવદશાનું ચિત્રણ પણ અસરકારક રીતે થયું છે. વાર્તાના અંતમાં કોઈ ઉકેલ તો આવતો નથી પરંતુ વકીલની સહાનુભૂતિ અને મદદ પામી વંદના થોડી તાકાત મેળવે છે અને ફરી બસસ્ટેન્ડે પહોંચે છે. એ પહેલાં ભાવનાબહેન વંદનાને કહે છે, ‘બોલ, તું લડશે?... ટેબલની પેલી બાજુ જ હંમેશાં બેસી રહીશ?’ આ વાત દ્વારા ભાવનાબહેન વંદનાને આવી બીજી સ્ત્રીઓ માટે કામ કરવાનું સૂચવે છે પરંતુ પછી એ દિશા આગળ ખૂલતી નથી. નારીકેન્દ્રી વાર્તાઓ લખતા વાર્તાકારને આવો મુદ્દો સૂઝી જાય એ સ્વાભાવિક છે પરંતુ એ મુદ્દો બીજી વાર્તાનું કથાબીજ બને એટલો સક્ષમ છે! એટલે અહીં એ ફાંટો પ્રશ્નાર્થ છોડી જાય છે. સપનાંનો વીંટો – જેમાં નાયક મુંબઈ છે, ખલનાયક પણ મુંબઈ છે એવી વાર્તા. મુંબઈમાં રહેઠાણની હાડમારીની અને ગુંડાઓ દ્વારા લોકોને સતામણી રીબામણીની કથા. જેમ મધ્યમવર્ગની મુશ્કેલીઓનો અંત નથી.. આ વાર્તા પણ કંઈક એમ જ ભાવકને ‘હવે શું?’ના દરવાજે ઊભા રાખીને ખસી જાય છે. આંધી – સાર્થક શીર્ષક. હકારાત્મક અભિગમ. વિદ્યાના જીવનમાં અમેરિકાના છોકરાને પરણવાથી અચાનક આંધી આવે છે અને તેના જીવનમાં આંધીનું સામ્રાજ્ય ચાલુ જ રહે છે. ઘટનાઓને જીવંત બતાવવાની વાર્તાકારની કળા અહીં પણ એટલી જ સરસ ખીલી છે. દેશના લોકોની રુગ્ણ મનોદશા, દીકરી માટેના પરંપરાગત ખ્યાલો અને એવા જ જડ વલણની સામે વિદ્યાનું સમજણભર્યું વર્તન અને આધુનિક વિચારો તથા હિમ્મત વાચકને પ્રભાવિત કરી જાય છે. વખ – વહાલનાં આ વખ પીવા કે ઢોળવા? એક માની મજબૂરી. જરા જુદા પ્રકારની વાર્તા. એક દીકરો ડ્રગ્સનો વ્યસની બની જાય અને ઘરના બધાનું જીવવું હરામ કરી દે ત્યારે... કથાને રજૂ કરવા માટે પાત્રો અને ઘટનાઓની સરસ ગૂંથણી... અંતમાં નાયિકા નિર્જન રસ્તાને તાકી રહે ત્યારે ભાવક પણ એવી જ વિવશતા અનુભવે છે.. એક પત્ર – એક સંવેદનશીલ પત્રવાર્તા. જન્મદિવસે જ ઍક્સિડન્ટમાં અવસાન પામેલ પતિને પત્ર લખતી પત્નીનાં સંસ્મરણો ભાવકને ભીંજવે છે. શ્રાવણીની કાવડ – બે બહેનો. એક અપરિણીત અને શિક્ષક. બીજી માનસિક રીતે દિવ્યાંગ. અમેરિકામાં માત્ર પોતાનો મતલબ જોતો ભાઈ. સંસારચક્રની સ્વાર્થકથાના તાણાવાણા સરસ અને રસપ્રદ રીતે ગૂંથાયા છે.
સીધી સાદી વાર્તાઓ
મોગરાની સુગંધ – સારી વાર્તા પણ અચાનક પતિનું પરિવર્તન ગળે ઊતરતું નથી. ઔરત સબ ઍક્સ્ટ્રા – ફિલ્મી દુનિયાની ગંદકીની વાર્તા. સપનાંનો રાજકુમાર – એક અસાધ્ય હૃદયના રોગની શિકાર કન્યાની રસપ્રદ સપનાં સફર. બાજી – એક શાકવાળી અને એક અતિ ધનાઢ્ય સ્ત્રીની વાર્તા. વાર્તાકારને એમનાં દુઃખોની સરખામણી કરવી છે પણ બેય ફાંટા જુદા જ રહે છે. પ્રોજેક્ટ લવ ૨૦૦૦ – અધૂરા ઘડા જેવા નવયુવાનના લવ અભરખાની હળવીકથા. હાસ્યકથા પણ કહી શકાય. વરખ – ચળકતા વરખ પાછળ છુપાયેલી મુંબઈની ભયાનક દુનિયાના એક ભોળી છોકરીના અનુભવની કથા.. એક જાત અસ્ત્રીની – શેઠાણી ને નોકરાણી. બેયની પીડા સરખી.. ‘આપણે તો અસ્ત્રીની જાત...’
૦
‘કોઈ વાર થાય કે’, ઑક્ટોબર ૨૦૦૪, પ્ર. ગુર્જર, કિંમત રૂ.૯૦/, અર્પણ – નથી, કુલ વાર્તા ૧૯, કુલ પાનાં ૧૯૮
આ નવલિકાસંગ્રહના નિવેદન ‘વાર્તાની વાત’માં વર્ષાબહેન કહે છે કે આગળ જતી વખતે તેજીથી દોડતા સમયની સાથે દોડ્યા કરવાનું હતું તો હવે વળતી મુસાફરીમાં આહ્લાદકતા, સ્મૃતિની પળોને ઊલટાવી-સુલટાવી જોવાનો અવકાશ મળ્યો છે. અને તેઓ પોતાના વહી ગયેલ જીવનનાં સંભારણાં નિરાંતે વાગોળે છે. લગભગ બધી નારીકેન્દ્રી વાર્તાઓમાં જે ત્રણ-ચાર વાર્તાઓ બીજા વિષયની છે, જેમ કે ‘રેસનો ઘોડો’, ‘મુક્તિ’, ‘બારિશ્તા’ કે ‘હેય બ્રાઉની’ એમાં પણ સ્ત્રી પાત્રોની ભૂમિકા અગ્રસ્થાને ખરી. સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ પહેલાં જોઈએ.
વાર્તાઓ
‘ગોકુળમાં ટહુક્યા મોર’ – ગુજરાતી ભાષાનાં અજવાળાંની ફિકર કરતી વાર્તા છે. પ્રવાહ સારો પણ લાંબો સમયપટ સાચવવા ઘટનાઓની બહુલતા કઠે ખરી. ‘નામ : નયના રસિક મહેતા’ – પોલીસ સ્ટેશન અને પોલીસ અમલદારનું ઝીણવટભર્યું વર્ણન. એકબાજુ પ્રજાની રક્ષક કહેવાય એ પોલીસ જ સ્ત્રીને પતિનો માર ખાઈ લેવાની સલાહ આપે, બીજી બાજુ સાસુ સ્ત્રી થઈનેય સ્ત્રીને સમજવાને બદલે દુશ્મનની જેમ વર્તે ત્યારે નાયિકાએ હિંમત બતાવવી અઘરી પડે. પણ એ હિમ્મત કરે જ છે. ધરાર ફરિયાદ લખાવ્યા પછીની જિંદગી કેવી હશે એનો સંકેત, અણસાર વાર્તાકાર અંતમાં આપે છે. પછી વાચકે જ કલ્પવું રહ્યું. સમાજની ચિંતાજનક પરિસ્થિતિનો ઉઘાડો ચિતાર આપતી સાહસિક નાયિકાની એક દમદાર વાર્તા. ‘ચાંદલો’ – કોમી તોફાનને લઈને રચાયેલી વાર્તા. નાયિકા માત્ર માનવતાનો વિચાર કરે છે. એકબાજુ ચાંદલો કાઢવાનું તથા બીજી બાજુ ચાંદલો ચોડી દેવાનું કૃત્ય બંને સ્ત્રીઓને બચાવે છે. સમાજમાં કોમવાદ કેટલી ઊંડી જડ ઘાલીને પડ્યો છે એ પાત્રોના સંવાદોમાં સારું ઊપસે છે. આંખ ઉઘાડતી ઓજસપૂર્ણ વાર્તા. ‘વાવલી’ – કુંકણા જાતિની આદિવાસી સ્ત્રીઓ કામ કરે પણ એમણે કમાયેલા પૈસા પર એમનો જ અધિકાર. પતિ હિસાબ પણ ન પૂછી શકે અને આ મિલકતને ‘વાવલી’ કહેવાય. વાર્તાની નાયિકા હિનાને પોતાનો પગાર સાસુને આપી દેવો પડે છે અને પતિ પણ એ જ બરાબર માને છે. પેલી ‘વાવલી’ની જાણ થયા પછી અંતે હિના હળવેથી હિંમત કરી લે છે. અસરકારક વાર્તા. ‘અમસ્તું જ’ – સ્ત્રીના મનોભાવોને સરસ આલેખતી કથા. નાયિકાનો પ્રેમી એને છોડીને અમેરિકા જાય છે અને પાછો આવે ત્યારે સંભળાય છે કે એ કોઈની સાથે લીવ ઇનમાં રહેતો હતો. નાયિકા નાયકને બતાવી દે છે કે તારા વગર પણ હું સુખી છું તોયે એના મનમાં એક ડંખ ભરાઈ જાય છે અને આંખનું આંસુ લૂછતાં કહે છે, ‘અમસ્તું જ’.... આ ‘અમસ્તું જ’ સમજવા માટે સ્ત્રીના માનસમાં ઊંડા ઊતરવું પડે. ‘લાલ ઘરચોળું’ – આ વાર્તામાં મૃત્યુ સમયનું અને એ સમયે ઊભી થતી પરિસ્થિતિનું ઝીણું અને વિગતથી થયેલું વર્ણન સ્પર્શી જાય એવું છે. સંચિત સોનેરી ક્ષણો – મુંબઈની ભાગદોડી જિંદગીનું સરસ વર્ણન –‘આ એવી રેસ હતી જેમાં ન જીતવાનું હતું, ન હારવાનું હતું, સતત દોડવાનું હતું. મોઢે ફીણ આવી જાય, થાકીને ઢળી પડાય ત્યાં સુધી.’ બસ, આ વાસ્તવિકતા બતાવવાની જ જાણે વાર્તાકારની ઇચ્છા હતી. કેટલાંક મજાનાં કલ્પનો ‘પહેલે પાને વિનાયકની તસવીર અને ચીસો પાડતાં મથાળાં.’ ‘પોતાને ધક્કો મારીને એ બહાર નીકળી ગઈ.’ ‘છાતી પર એકલતા ચંદ્રકની જેમ લટકાવી એ ફરતો ન હતો.’ ‘અંધકારના શરીરે કોઢ જેવા દીવા ફૂટી નીકળે છે.’
સીધી સાદી વાર્તાઓ
‘વચન પૂરું કરું છું’ – પરંપરામાં જીવતી નાયિકા પરંતુ સમય આવ્યે રૂઢિઓને ભૂલી શાંતિથી પોતાનો રસ્તો શોધી લેતી નાયિકાની વાર્તા. ‘ખૂટતો રંગ’ – ભૂતકાળ અને વર્તમાન વચ્ચે આટાપાટા રમતી વાર્તા. ‘રેસનો ઘોડો’ –બાળકને રેસના ઘોડાની જેમ દોડાવે છે. ‘મુક્તિ’ – ભાઈ-બહેનના પ્રેમની અને એમાંથી રચાયેલ ચડ-ઊતરની વાર્તા. ‘બારિશ્તા’ – સ્ત્રી-પુરુષના સંબંધો માત્ર સ્નેહના હોઈ શકે એ દર્શાવતી વાર્તા. ‘આ જા પિયા’ – દેહવિક્રયના ધંધાને અદ્દલ રજૂ કરતી વાર્તા. ‘કોઈ વાર થાય કે’ – વિધવા સ્ત્રી અને વિધુર પુરુષના પરિચય અને પરિણયની કથા. ‘બસ થોડાં ડગલાં સાથે ચાલવું’ – સાથ પામવાની સહજ ઇચ્છા અને એવી જ સહજ ભ્રમણાની વાર્તા. હેય બ્રાઉની – પરદેશમાં એશિયન લોકોને થતું તિરસ્કારભર્યું સંબોધન. એના પર આખી સામાજિક વાર્તા. આ ઉપરાંત ‘પ્રકાશની આંખમાંનો ઘેરો અંધકાર’, ‘પ્રેમાંકુર’, ‘દૃષ્ટિ’ આ બધી સંસારકથાઓ છે.
૦
‘તને સાચવે પારવતી’, જાન્યુ. ૨૦૧૦, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૪૦, અર્પણ – ગીતા માણેક અને ચેતન કારિયાને, વાર્તા ૨૧, કુલ પાનાં ૨૧૬
આ સંગ્રહની પ્રસ્તાવનામાં વાર્તાકાર પોતાની વાર્તાસર્જન પ્રક્રિયાની થોડી વાત કરે છે.
વાર્તાઓ
‘તને સાચવે પારવતી’ – એક દિવ્યાંગ છોકરીની વાત. માતા-પિતાના મનમાં ગમે એટલા આદર્શ હોય પણ દિવ્યાંગ છોકરીને સાચવવી કેટલું અઘરું છે એ સચ્ચાઈનું નિરૂપણ કરતી કથા. આવી દીકરીને સાચવવામાં કેવી કેવી મુસીબતો આવે એનું વાસ્તવિક વર્ણન. આવી છોકરીઓને સાચવતી સંસ્થામાં પણ એ સલામત નથી જ એ દર્શાવવા સંસ્થાએ પણ શું પગલાં લેવાં પડે એની સચ્ચાઈ ભાવકને હલાવી જાય. કામિની કોકિલા – કામિનીના મનોવ્યાપારો ખૂબ સુંદર રીતે નિરૂપાયા છે. કામિની એક ગૃહિણી છે અને એની અતિ વ્યસ્ત દિનચર્યાનું વર્ણન ખૂબ જીવંત બન્યું છે. પોતાના શોખ અને પોતાની પસંદ ભૂલીને જીવતી આ સ્ત્રીને અચાનક એક કૉલ આવે છે અને એને એની મુગ્ધાવસ્થામાં લઈ જાય છે. પણ વાર્તાકાર વાતના સૂરો ત્યાં જ સમેટી લે છે. એક સ્ત્રી જે પત્ની અને માતા બની ગઈ છે એ અવસ્થાનું જ વાર્તાને અંતે સ્થાપન થાય છે. બ્લાસ્ટ – હિન્દુ મુસ્લિમ પ્રેમકહાનીનો અંત વાર્તાકાર શું આપશે એની ઇંતેજારી ભાવકને રહે કેમ કે આ વિષય હવે તણખા જેવો બની ગયો છે. અહીં કિશુબહેનની પરિસ્થિતિ પણ બ્લાસ્ટ જેવી જ છે. રીટા અને કિશુબહેન વચ્ચેના સંવાદો રોચક બન્યા છે. અંતમાં દેખીતો કોઈ નિર્ણય ન આપતાં પણ નિર્ણય અપાઈ જ ગયો છે, બ્લાસ્ટથી. અને એ રીતે વાર્તા રસપ્રદ બની જાય છે. અદૃશ્ય રેખા – મોટા શહેરમાં આવીને પતિની જિંદગી ધીમે ધીમે બદલાતી જાય છે અને નહીં બદલાતી પત્ની અને સંતાનો પતિ વચ્ચે એક રેખા બનતી જાય છે એની કથા. બદલવાની પરિસ્થિતિના ચિત્રની રેખાઓ રસપ્રદ બની છે. આશા અમૃતા વલ્લભ – ત્રણ પેઢીની વાર્તા. સમયનો ગાળો વાર્તાને જરા શિથિલ બનાવે. વલ્લભનાં માતાપિતાનો રવૈયો કોઈને એક નિર્ધારિત અંત તરફ વાર્તાને લઈ જવા માટેનો એટલે કે અવાસ્તવિક લાગી શકે. લોલક – પુત્રીજન્મ પર જનમાનસ દર્શાવતી વાર્તા. ભ્રૂણહત્યા વિરોધી વાર્તા કહી શકાય. ઘટનાઓની ગૂંથણી સરસ. કહે દિયા સો કહે દિયા – એક મજાના ટિ્વસ્ટવાળી રસપ્રદ વાર્તા. નાયિકા પરણવા તૈયાર નથી એને પરણાવવા માટે પિતાની ટ્રિક વાર્તાને રસપ્રદ બનાવે છે. ઘટનાઓના તાણાવાણાની બીજી અનેક વાર્તાઓની જેમ સરસ ગૂંથણી. ભીની રેતીમાં પગલાં – દગો પામેલી યુવતીના મનોભાવો, લાગણીના ઉતાર-ચડાવ સરસ નિરૂપાયા છે. શીર્ષક સૂચક છે. ઉંબર પર – એક સ્ત્રીના સંવેદનનાં વર્તુળો રચતી કથા. પરણીને આવેલી નાયિકાને સંતાનો યુવાન થઈ જાય તોયે આ ઘર હજુ પોતાનું હોવાની અનુભૂતિ નથી મળતી. ‘મારા ઘરમાં મારી બહેનને બોલાવવા માટે તારી પરમિશન લેવાની?’ આ વાક્ય વાચકને પણ આઘાત આપે છે અને હજુ હકીકતમાં ઘરમાં પુરુષ આધિપત્યની વાસ્તવિકતાનું દર્શન આપે છે. તેં હજી જવાબ ના આપ્યો? – બેવફા પતિને સણસણતો સવાલ. કોઈ પુરુષ જવાબ ન આપી શકે એવો સવાલ. બળાત્કાર – પતિ દ્વારા પત્ની પર થતા બળાત્કાર અને બહારના બળાત્કારના બનાવને સાંકળીને સત્યની રજૂઆત. સ્ત્રીની વિડંબના. કચુડાટ – હીંચકાના કડાનો કિચુડાટ અને મનનો સતત ચાલતો કિચુડાટ અને આ બંનેને જોડીને એક વાર્તાકારે એક અર્થપૂર્ણ વર્તુળ બનાવ્યું છે. વાર્તાનો એ રીતે સાવ સહજ અંત.
સીધી સાદી વાર્તાઓ
ફરકી ઊઠેલી આંગળીઓ – માનવઅંગોના વ્યાપારની કરુણ કથા. ઝૂંપડપટ્ટીના જીવનનું તાદૃશ્ય વર્ણન. ઝૂલતો ખાલી હીંચકો – માતૃત્વ ન મેળવી શકેલી સ્ત્રીની વ્યથા. સંસાર કથા. જખમમાંથી લોહી – વિખરાયેલા દામ્પત્યની કથા. વસંત મહોરી – પ્રૌઢ ઉંમરની વસંત. જીવનનું સત્ય. કમ્પ્લિટ ફેમિલી – નિઃસંતાન દંપતી અને પેટ શ્વાનના આગમન પછી પત્નીની કૂખ મહોરવાની કથા. તપશ્ચર્યા – લગ્નમાં બેવફાઈની વાત. અંતમાં કંઈક જુદું બનશે એવી અપેક્ષા જાગે પણ... દીપમાળ – એક આદર્શવાદી શિક્ષિકાના વિજયની કથા. ફૂલસર્કલ – સપનાં જોતી નાયિકા. સપનું ફળે ને પછી ફરી જ્યાં હતી ત્યાં જ પહોંચવું પડે.. સર્કલ પૂરું થાય. પંછી બનું – સીધી સાદી વાર્તા.
૦
‘તું છે ને!’, ફેબ્રુઆરી ૨૦૧૨, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૨૫, અર્પણ – નથી, કુલ વાર્તા ૧૫, કુલ પાનાં ૧૬૦
આ સંગ્રહની પ્રસ્તાવના ‘વળતી મુસાફરી’માં વાર્તાકાર ટૂંકી વાર્તા વિશે થોડી વાત કરે છે. “ટૂંકી વાર્તા પણ તાકે છે માણસને. એ ટૂંકી છે પણ એનું ગજું બહુ મોટું છે... એ જરા ઇશારત કરીને આખું સ્વરૂપ દેખાડી શકે છે... ટૂંકી વાર્તા ભલે છેલ્લા સૈકાનો અવતાર ગણાય પણ એ છે જૂની અને તોયે નિત્યનવીન.”
વાર્તાઓ
‘તુલસીની ડાળખી’ – આધુનિક સંતાનોની વાર્તા. મા-બાપ જરૂર પડે ત્યારે જ યાદ આવે. ખાસ તો પરદેશમાં એમને ઢસરડા કરવા બોલાવાય. પણ આ ચીલાચાલુ ઘટનાઓમાં વહેતી વાર્તાનો અંત સ્પર્શી જાય અને ગમી જાય. જો કે અંતમાં અચાનક દર્શાવાયેલો ‘અભિમાન’નો મનોભાવ આગળ પણ ક્યાંક વણાયો હોત તો વાર્તા વધુ કલામય બનત. પરંપરાગત રીતે જીવતાં માતા-પિતાના જીવનમાં મોટી વયે એકલતા પ્રવેશે અને આવતા નવીન ફેરફારો આજના શહેરી પ્રૌઢવયના દંપતીના જીવનને સરસ રજૂ કરે છે. ‘બોલો બાંકેબિહારીલાલ કી જય’ – વાવના ગોખલાથી કંટાળેલા ભગવાન નીકળી પડે અને ચાવાળો ને એની પત્ની એને ફરી ભગવાન બનાવે! માણસજાત અને અંધશ્રદ્ધા પર કટાક્ષ વેરતી કથા. ઘટનાઓ જરા ઓછી હોત તો વાર્તા વધુ જામત. અવાવરુ વાવનું સરસ વર્ણન. સરસ કલ્પન. – ‘કબૂતરોની પાંખના ફફડાટ અને સળવળતા સાપથી વાવની નિશ્ચલ શાંતિમાં સળ પડતા હતા.’ ‘તું છે ને!’ – એકંદરે સરસ વાર્તા. મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ, ઝૂંપડપટ્ટી અને એમાં વસનારા જીવોના જીવનનું સરસ વર્ણન. ઝઘડ્યા કરતી બે સ્ત્રીઓ મુસીબતના વખતમાં એકબીજાની ભેરુ થઈ જાય એ કથા રસપ્રદ રીતે આલેખાઈ છે. વાર્તાકાર વ્યંજનાથી વાત આલેખે છે, ‘ખાલી ડબલા એટલે શું? સ્ટવમાં ઘાસલેટ ન હોય એટલે શું?’ પણ કોઈ વાક્ય ‘કુંદા સવિતાની વેદના સમજે છે. એક સ્ત્રી સ્ત્રીને સમજે એમ.’ મુખર લાગે છે. કાવ્યાત્મક વર્ણન ‘એમણે પીપળાને મન ભરીને જોયો. ધરતી ફાડીને ધસમસતો લીલોછમ્મ ફુવારો ઊડ્યો હોય એવો ઊંચો અને છેક દૂર સુધી એની લીલાશનાં ફોરાં ઉડાડતો’ સ્પર્શી જાય છે. ‘એકબીજા પર તીરકામઠા ચલાવતા કેમ સૂધબૂધ ન રહેતી, ઊલટાનું જલસો પડી જતો!’ – માનવસ્વભાવના મૂળનું દર્શન કરાવે છે. ‘પરચો’ – શીર્ષક જ અંધશ્રદ્ધાનો સંકેત આપે છે, એમ જ વહેમોને લઈને આગળ વધતી કથા એક સમજુ પતિ અને પ્રેમાળ પત્નીના મન ઠારતા દાંપત્યના પણ દર્શન કરાવે છે. આસ્થાળુ પત્ની અને વિધિવિધાનમાં નહીં માનતો પતિ, એકબીજા સાથેના વ્યવહારોમાં સંયમ અને સમજદારી દાખવે છે ત્યારે – ‘બંને વચ્ચે દોરાયેલી અદૃશ્ય રેખા એ લોકો ઓળંગતા નહીં.’ અમુક અંશે મુખર લાગે છતાં ગમે છે. ‘શ્રીજીબાવાનો પ્રસાદ’ – કાચી ઉંમરના યુવાનને એક પ્રૌઢ સ્ત્રી ગમવા માંડે, એના સપનાં જોતો થઈ જાય – જેવા ગંભીર વિષયની ગંભીર રજૂઆત પછી શ્રીજીબાવાના પ્રવેશ સાથે હળવાશ પીરસાય. વાર્તા વાંચ્યા પછી ખ્યાલ આવે કે શીર્ષક પણ સાંકેતિક હળવાશ પીરસે છે. વાર્તાકારે વાર્તામાં હળવાશભર્યાં વાક્યો પરોવ્યાં છે, ‘પપ્પા-મમ્મીની વાતોનો દોર રતિકાકાના ડાહ્યા દીકરાથી લંબાતો હરડેની ફાકી સુધી પહોંચ્યો હતો.’ ‘કોથમીર કથા’ – શીર્ષક જ હાસ્યવાર્તાનું સૂચન કરી દે છે. વિષય શરૂઆતમાં સાવ હળવો ને પછી ગંભીર વાત તરફ. છેલ્લે વાર્તાકારે અંત ફરી કોથમીર તરફ વાળી દીધો. ‘કિટ્ટીની ‘સભ્ય’ બહેનપણીઓ – કટાક્ષ અને સાંકેતિક. ‘રેડલાઇટ સિગ્નલ’ – ધાકધમકીથી ઉઠાવીને રેડલાઇટ એરિયામાં વેશ્યા બનાવી દેવાયેલી એક સ્ત્રીના સંતાનની કથા. વેશ્યાના જીવનનું ને કૂટણખાનાનું વાસ્તવિક દર્શન. સૂચક અંત. ‘અંધકાર ફેણ ચડાવી ત્રાટક કરતો. મૂઠ મારતો. અવાજ વગર રડવાનું એ શીખી ગયેલો.’ જેવાં વાક્યો સ્પર્શી જાય છે. ‘ગૃહપ્રવેશ’ – એક છોકરી જે હોંશથી પોતાની કંકોત્રી પોતે ડિઝાઇન કરે છે ત્યારથી માંડીને એનાં સંતાનો યુવાન થઈ જાય ત્યાં સુધીની કથાઓની મિક્સ સબ્જી. અંતે જે ઘરને પોતાનું માનીને જિંદગીભર જાળવ્યું, એમાં ‘મારી બહેનને મારા ઘરમાં રાખવા તારી પરમિશન લેવાની?’ જેવા પતિના વાક્યથી સ્ત્રીની આખી જિંદગીની મહેનત ફુગ્ગાની જેમ ફૂટી જાય અને અંત વાગી જાય ખરો. ‘માંજર ખરે છે’ – સ્ત્રીની જીવનમાં સમાધાનની કથા. સુખ-સંપત્તિમાં આળોટતી સ્ત્રીને દીકરાના કહ્યા પ્રમાણે પતિનો આડો સંબંધ ચલાવી લેવો પડે છે. અને તુલસીના માંજર પ્રતીક બને છે. ‘તેજાબ’ – એસિડ ફેંકાવાની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે વર્તમાન સમયને તાદૃશ કરતી વાર્તા. ‘રેમ્પવૉક’ – મૉડલિંગની દુનિયાનું વાસ્તવ દર્શન. ફ્રી બર્ડ બનવાની લાલચમાં છોકરી કેવી ફસાય છે, એનો વાસ્તવિક ચિતાર આપતી વાર્તા. ‘ઝેબ્રા ક્રોસિંગ’ – પ્રેમલગ્ન પછી, ‘જીવન ન ઇસ પાર ન ઉસ પાર’ જેવી કથા સાથે ઊબડખાબડ રસ્તો પ્રતીક તરીકે સારો સાથ નિભાવે છે. શીર્ષક સૂચક છે. ‘ઘેઘૂર વરસાદ’ – છૂટા પાડવાની અને ફરીથી કોઈને મળવાની કથા. અંતમાં ‘કંઈ પસંદ ન આવ્યું.’ સૂચક વાક્ય બની રહે છે. સરસ કલ્પન ‘કાળાં વાદળાઓના બાનમાંથી છૂટી ગયેલા આકાશમાં....’ ‘મોતીનું એક બિંદુ’ – દારૂડિયા, બેજવાબદાર અને હવે હૉસ્પિટલમાં પડેલા પતિને માફ કરતાં, ‘ભૂલોનો હિસાબકિતાબ તો ક્યારનોય પૂરો થઈ ગયો હતો. એક મનુષ્યની મનુષ્યને વિદાય...’ પત્નીનું માનવમાં રૂપાંતર. જરા જુદો વિષય લઈને આવતી વાર્તા. મજાનું કલ્પન ‘હવામાં છૂરીની ધાર જેવી તીવ્ર ઠંડી.’ ‘આંબો’ – શીર્ષક સૂચક છે. ‘આંબો વાવીએ તો કેરી મળે ને બાવળ વાવીએ તો કાંટા’ એ રૂઢિપ્રયોગને ચરિતાર્થ કરતી વાર્તા. કુટુંબકથાને જરા જુદી રીતે પ્રસ્તુત કરતી વાર્તા. ‘માત્ર ચીજવસ્તુ જ નહીં, એને જીવન પણ ઊતરેલું જ જીવવાનું હતું.’
૦
‘હરિકથા અનંતા’, એપ્રિલ ૨૦૧૭, પ્રકાશક : આર. આર. શેઠ, કિંમત રૂ.૧૭૫, અર્પણ – મારા પ્રિય પરિવારને માધવી – શિવાની – નસીમ, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૯૨
સાંપ્રત સમયની કથાઓ આલેખતા વાર્તાકાર પ્રસ્તાવનામાં લખે છે, ‘મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું... કેશવે કહ્યું, વૃથા શોક ત્યજી દો ધર્મરાજ, આપણે એક યુગ સમાપ્તિના છેડે ઊભા છીએ. કળિયુગનો પ્રભાવ હવે વિસ્તરતો જશે. હવેથી કાળના પ્રલંબ પટ પર મનુષ્યના હૃદયમાં નિરંતર આ યુદ્ધ ખેલાતું રહેશે. ધર્મ-અધર્મની, સત્ય-અસત્યની રેખાઓ ભૂંસાતી જશે.’ વર્ષાબહેનની આ વાર્તાઓ જે આજના સમાજજીવનનો વાસ્તવિક ચિતાર આપે છે, કેશવના આ વચન સાકાર થતી જોવાની ભૂમિકા પૂરી પાડે છે.
વાર્તાઓ
ક્ષેત્રવતીને કિનારે – જાણીતી મહાભારતના યુદ્ધ પછીની કથા. ભાષા એ સમયને અનુરૂપ પ્રયોજાઈ છે. બ્લાસ્ટ – શીર્ષક સાર્થક છે. બ્લાસ્ટ કિશુબહેનના જીવનમાં અને મુંબઈમાં. કથાની સ્ટોરી લાઇન છે, ‘રીટાનું મુસ્લિમ યુવક સાથે પ્રેમમાં પડવું અને એ માટે માતાનું આતંકિત થવું’. એમાં વાર્તાકારે અંતમાં મુંબઈમાં થયેલા બ્લાસ્ટને જોડ્યો છે. ભાષાની દૃષ્ટિએ આ વાર્તા મજબૂત છે. રીટાની ભાષા લંડનમાં ઉછરેલી યુવાપેઢીને અનુરૂપ છે અને ગંભીર વાર્તામાં રીટા સાથે કિશુબહેનના સંવાદો થોડી હળવાશ લાવે છે. લંડનના સમાજજીવનને રજૂ કરતું વાક્ય ‘દરેક કોટેજ અલગ ટાપુ છે.’ અને ‘ઑક્શનમાં ભાંગેલું તૂટેલું ઘર લઈ જિંદગીનું ચણતર કર્યું.’ જેવાં વાક્યો સાંકેત અને વ્યંજના ચીંધે છે. નડિયાદ અને એ સમયમાં જીવતા સમાજને દર્શાવતું વાક્ય –‘દેસાઈનો દીકરો મરદનું ફાડિયું કહેવાય. પાણીનો ગ્લાસ ભારે તોય મરવા જેવું કહેવાય. આ જો બંદા તને પૂરી વણાવે છે ને!’ એક આંગન દો ઘર – વિભાજનની હૃદયદ્રાવક કથા. સમયપટ લાંબો છે જે સ્ટોરીલાઇન અને રહસ્ય જાળવવા જરૂરી છે એ પાછળથી સમજાય છે. ચિંતન પીરસતું નિમ્ન રીતનું આ વાક્ય, ‘મુલક તો હોતા હૈ. ઉસે ઢૂંઢતે કૈસે હૈ? ઉસકી જરૂરત ભી ક્યા હૈ?’ – આ સ્ત્રીઓ જ સમજી શકે એ વાર્તાનો એક સંકેતાર્થ. વાર્તામાં વિભાજન સમયે થયેલા અત્યાચાર અને અનાચારનું અસરકારક વર્ણન. ‘મેનુ છોડ દો, મેરી કસમ... એમની ખુલ્લી આંખોમાં વિનંતી થીજી ગઈ.’ ‘નાની શેરી મુડદાની જેમ નિર્જીવ પડી હતી.’ ‘ગાડી ઊભી હતી પણ દેખાતી નહોતી. છત પર, બારી, બારણે માણસો ચોંટી પડ્યા હતા.’ ‘કપડેમેં સબ મર્દ નંગે. ન કોઈ જાતિ, ન ધર્મ.’ તો રશીદાના મુખે આ વાક્ય ‘બટવારેને હમેં તાકત દી, હિમ્મત દી. દેખ હો ગઈ હૂઁ નસયાની!’ રાહત પણ આપે છે. સમગ્ર કથાવસ્તુમાં માનવીનું દાનવપણું અને માનવીયતા એકબીજાનો હાથ પકડીને ચાલે છે. કેટરેક્ટ – મજ્જાની શરૂઆત. “અમારા વખતમાં તો કેવો સૂરજ ઊગે! ઝગમગ ઝગમગ. આંગણામાં તો સોનેરી તડકાની રેલમછેલ. જાણે સરવાણીમાંથી ખોબા ભરી લ્યો!” આ વાક્યમાં સૂરજ માટેય “અમારા વખતમાં” કહીને વાર્તાકારે નાયકની પૂર્વગ્રહયુક્ત માનસિકતા છતી કરી દીધી છે. દીકરા-વહુ હવે પોતાનાં નથી રહ્યાં અને પોતાની સાથે શું શું થશે એની કાલ્પનિક ચિંતામાં નાયક નગીનભાઈના શબ્દો – ‘છે કોઈને પરવા!... દુઃખી કરવાનો પાકો નિર્ધાર સૌનો... તુંય ભળી ગઈને દીકરા-વહુની ટોળકીમાં!’ – એક વખત મનમાં શંકા પેઠી કે માણસને બધું અવળું દેખાય. જુઓ સંવાદો – ‘હા હો જીવંતિકા! આપણી પૌત્રી નહીં, એમની દીકરીઓ!” કટાક્ષ – “ગામમાં વાનગીઓના ડેમોસ્ટ્રેશન દેવા જાય. વિદ્યા તો કે કોણ! કેક ક્વીન! પણ ઘરમાં કેટલા મહિનાથી કેકનું મોં જ કોણે જોયું છે?” નાયકના મનોવ્યાપાર સરસ નિરૂપાયા છે. ખાસ તો આંગળીઓથી ડાબા હાથની હથેળીમાં લખવાની રચનાપ્રયુક્તિ ગમી જાય એવી છે તો મૃત પત્નીના ફોટા સાથેના સંવાદોમાં હળવા હાસ્યના બુંદ પણ વેરાયા કરે છે. સમોસૂતરો અને રૂડોરૂપાળો અંત. બાપાની ધજા નીચે – ફૂટપાથ જેનું ઘર છે એવી સ્ત્રી, જુવાન થતી જતી દીકરીને ઓરમાન બાપથી બચાવવાની ચિંતા કરે છે અને અંતે બાપાની ધજા એને રસ્તો બતાવે છે. ટૂંકાં ટૂંકાં વાક્યોથી વાર્તાપ્રવાહ ધારદાર અને વેગવંતો બન્યો છે. મુંબઈની ફૂટપાથનું વર્ણન બહુ જીવંત લાગે છે. ‘મુંબઈ રાત્રે ઘેરી નિદ્રામાં પડે ત્યારે ફૂટપાથ પરની દુનિયા હજી સાપોલિયાના ઢગલાની જેમ સળવળતી હોય.... થાકથી રજોટાયેલાં સૌ ઘેરી નીંદરમાં પડે... એકમેકની ગેરહાજરીમાં સૌ એકમેકનાં છોકરાંઓ પર નજર રાખે.’ કેટલાંક વાકયોમાં પ્રતીકો સરસ આવ્યાં છે, ‘એકાંત તો બહુ કિંમતી જણસ. ફ્લેટવાળા તિજોરીમાં ઘરેણાં સાચવીને રાખે એવી.’ ‘ઘટ્ટ વાળમાં પાતળી શી પાંથી પાડી હોય એવી નદી’ અભણ લોકોને મન સરકાર એટલે શું? આ સંવાદ જુઓ, “જુવાન છોકરીઓને સરકાર સાચવે નૈ? એ તો માઈબાપ કહેવાય. મત તો દઉં છું.” ઇન્હીં લોગોંને – “ક્યાં સુધી એણે પતિની મરજી મુજબ જ જીવવાનું? સ્ત્રીને પણ પોતાની મરજી હોય ને!” આ ધ્વનિ લઈને આવતી સરસ વાર્તા. ઉષ્માને દાદીને શિખામણ, “બેટા, ધણી કંઈ કહે તો ખમી ખાઈએ. બચાડા જીવ કમાવા ધમાવાની ફિકરમાં હોય એમાં ઘરમાં તો કોઠો ટાઢો જોઈએ ને!” એ સમયના સમાજનું પ્રતિબિંબ છે. આ વાત માનીને ઉષ્મા લાફો ખાઈ લે છે પણ એની ચચરાટી એના મનમાંથી જતી નથી અને ઉષ્માને એની કામવાળી જગાડે છે, જેણે લગ્ન પહેલાં પતિ સાથે શરત કરેલી, “જેને જે ગમે ઈ કરે... લગન પહેલાં મેં રોકડી ખણખણતી બોલી કરી’તી... મેં કીધું તું. કામ કરીશ, કમાઈશ. તારી માની ચાકરી કરીશ પણ સમજીને ભેગું રેવાનું. હાથ તો સપનામાં ય નૈ ઉપાડવાનો. રવિવારે રસોડું બંધ. એય ને ફરવા જાશું, ફિલમમાં જાશું... કબૂલ હોય તો કર લગન, નૈ તો....” આટલું જ નહીં, પુરુષ આ કબૂલ ન રાખે તોય આભ નથી તૂટી પડવાનું એ સમજણ પણ કામવાળી અંજુ જ આપે છે, “નૈ તો લગન જ નૈ કરવાનાં ને! કોઈના ગુલામ થઈને રેવાનું? જાતે કમાઈશ ને લેર કરીશ... શું ક્યો છો ભાભી?” “વિપુલને વેરણછેરણ ઘર પસંદ નથી. દરેકની નિશ્ચિત જગ્યા. કદાચ એની પણ.” આવાં વ્યંજનાત્મક વાક્યો વાર્તાને વેધક બનાવે છે. સરસ ભાષાકર્મના ઉદાહરણ. – ‘લે તારે તો એકલીનો ઘરસંસાર, છડેછડા.’ ‘દૂબળીપાતળી સાસુ જીભલડીએ જબરી હતી.’ ‘હશે બેટા, ઘીનાં ઠામમાં ઘી પડી રહ્યું.’ તો સ્ત્રીની માનસિકતા ‘તારા બાપુજી નથી, આપણે તો ખીચડી ને અથાણું ચાલશે.’ યુ કેન ચેન્જ ધ ગેમ – સૂચક શીર્ષક. જુદો વિષય લઈને આવતી વાર્તા. કચકચિયા અને આપખુદ પિતા પાસે માતાના મૃત્યુ બાદ એકલી રહી ગયેલી અપરિણીત દીકરીની મનોવેદના અને મનોમંથનનું સરસ પ્રવાહી ચિત્રણ. ભાષાકર્મ પણ સરસ. ‘આટલે દૂરથી પણ પપ્પાની બૂમ રિવોલ્વરની ગોળીની જેમ એને આરપાર વીંધી ગઈ.’ ‘રશ્મિએ ખોબો ભરીને પારિજાતનાં ફૂલ આપી દીધાં હોય એમ થોડી ક્ષણોની સુંદર ભેટ આપી ચાલી ગઈ.’ અંતમાં ‘ઝડપથી બારણું બંધ કરી દીધું અને સડસડાટ દાદરો ઊતરી ગઈ’થી ‘ગેમ ચેન્જ’ થવાનો વાર્તાકારે સરસ સંકેત આપ્યો છે. હોંકારો – દિવ્યાંગ બાળકની હૃદયસ્પર્શી વાર્તા. મોટો થયેલો પણ જેનો આઇક્યુ બાળક જેટલો છે એવા દીકરાને અંતે સંસ્થામાં મૂકવા ટાણે જાણે પિતાને એ કૈંક સમજે છે, સંકેત કરે છે એવો આભાસ થાય છે અને પોતાના ગુનાને યાદ કરીને પિતા રડી પડે છે. હજી મોડું નથી થયું – ઘરમાં જ થતાં અનાચારની વાર્તા. લીલાબા સસરાનો ભોગ બનેલાં છે એ ખ્યાલ આવી જાય છે અને એનાથી થયેલાં સંતાનોમાં પિતાની વૃત્તિ છતી થાય છે. જો કે દાદીનો પૌત્રીને આવા સીધા શબ્દોમાં સવાલ, ‘સાચું બોલજે બેટા, તને અમિતકાકાએ રેપ કરી છે?’ જરા અસાહજિક લાગે છે. આ સવાલ સંકેતથી પુછાયો હોત તો વધુ વાસ્તવિક લાગત – ‘અચાનક મોજાના એક ઉછાળે દીવો ડૂબી ગયો.’ લીલાબાના પતિના મૃત્યુ માટેના આ સાંકેતિક વાક્યની જેમ. પેરેડાઇઝ હાઇટ્સ – ૨૨મે માળ રહેતું શ્રીમંત કુટુંબ અને એના બિમલમેમ જે સમાજસેવા કરવામાંથી ફ્રી થતા નથી, મંદિરોમાં ભોગ ચડાવવા બનાવતા મેવામીઠાઈ એના નોકરો બનાવે છે અને જોયા કરે છે, કેમ કે એમના માટે ખાવાનું જુદું હોય, આ કટાક્ષની કથા. સરસ કલ્પનો - ‘પૂણીમાંના તારની જેમ વાતોનો દોર લંબાતો જતો હતો’ ‘હાશ, દૂરથી ઘૂમલો વળીને બેઠેલી ગાયોના ધણ જેવી, દિવસને વાગોળતી ઝૂંપડીઓ દેખાઈ.’ અગિયારસ – પુત્ર માટે એકલતા સહીને જીવેલા પુરુષ ને પુત્રવધૂને ફરી જીવન તરફ ખેંચી જાય છે પણ એક દિવસ આ ફેરફાર ન ખમાતા.. ફરી અગિયારસના શરણે. પુત્રવધૂ મંજરીમાં સસરા પ્રત્યે રહેલો સ્નેહ અને માનવીયતા સરસ ઊપસ્યા છે. વરતારો – વાર્તા એક સિંગલ ઇફેક્ટ નથી આપતી. એ સિવાય નાનીમાની પૌત્રીના મનપસંદ દોસ્તને પારખવાની અને વરતારો કરવાની કથા સારી બની છે. એક સાંજે – જે માતા પોતાના દીકરા-વહુનાં વખાણ કર્યા કરે છે પણ કમાતી દીકરીને પોતાના સ્વાર્થ માટે પરણાવવા તૈયાર નથી થતી. સારા છોકરાની વાત પણ એના કાન સુધી પહોંચવા નથી દેતી. અંત જાગ્રતિ બતાવે છે. આવું સમાજમાં અનેક જગ્યાએ બને છે. અનરાધાર – મૂળિયાં ઉખડેલી સ્ત્રીની વાર્તા. ઝીણાં ઝીણાં નિરીક્ષણોની ટૂંકાં ટૂંકાં વાક્યોમાં સરસ કોતરણી.
સીધી સાદી વાર્તાઓ
નેટવર્ક – સમયથી પાછળ રહી ગયેલી શહેરી સ્ત્રીની સમય સાથે connect થવાની આનંદકથા. ફાંસ – પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી એક બિચારી બાપડીમાંથી સ્વમાની ને ખુદ્દાર બનેલી સ્ત્રીની કથા. યસ લાઇફ ઇઝ બ્યુટિફુલ – પરદેશ રહેતાં સંતાનો માતાપિતાને જરૂર પડ્યે ઢસરડો કરવા બોલાવે ક્યારેક એમની જ સંપત્તિ વેચીને નોંધારાં પણ કરી દે એવી શંકાથી ફફડતી માતાની કથા. અને અંતે શીર્ષક સાર્થક. લીલી પાંખનું એક પતંગિયું – સાહિત્યમાં પ્રવર્તતા દંભની, લાલસાની કથા. હું નિખિલ પંડ્યા – એક સાથે અનેક વાતો કહેતી વાર્તા. ટ્રાન્સફર – ટ્રાન્સફર થયેલી એકલી સ્ત્રીની સરસ રીતે વ્યક્ત થતી અકળામણ, મૂંઝવણ અને પછી નિરાંતની કથા. બ્રેકિંગ ન્યૂઝ – પત્રકારત્વમાં ખલાસ થઈ ચૂકેલાં મૂલ્યો, એના નિર્મમ જગતની વાર્તા.
૦
‘સ્વપ્નપ્રવેશ’, જુલાઈ ૨૦૨૦, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ.૧૩૫, અર્પણ – મારું બિલીપત્ર માધવી – શિવાની – નસીમ, કુલ વાર્તા ૧૨, કુલ પાનાં ૧૨૬
‘પ્રસ્તાવના’માં વાર્તાના મૂળ અને કુળ ચીંધતો આ સંગ્રહ બાર નવલિકાઓ લઈને આવે છે.
વાર્તાઓ
‘સ્વપ્નપ્રવેશ’ – આ વાર્તાનું જમાપાસું – મીનીનું જીવંત અને અસરદાર પાત્રાલેખન. નાયક એક દુઃસ્વપ્ન જુએ અને સતત ‘આ કાલ હતી કે આજ!’ના ભ્રમમાં પછીનો દિવસ પૂરો કરે. અંત નાટકીય પણ કથાપ્રવાહને અનુરૂપ. ‘પતરાંની પેટી’ – સ્વાતંત્ર્યલડતમાં સક્રિય ભાગ લઈ ચૂકેલા દાદાજીને બીજા લોકોએ પોંખવા કર્યું ત્યારે દીકરા વહુની આંખ ખૂલી અને એમના દિમાગ આ રતનને કેશ કરવા ચાલવા લાગ્યા. પૌત્રીની સંવેદના સારી ઝીલાઈ છે. ઘટનાઓથી ભરી ભરી વાર્તા. ‘મમ્મીનો આંબો’ – નારીકેન્દ્રી. કુટુંબનો આંબો જાણીતી વાત છે. સ્ત્રીઓનો આંબો હોય એવી વાત આવા સ્ત્રીવાર્તાકારને સૂઝે અને એમાંથી રચાય એક કથા. સંબંધો અને નામોની શોધખોળની કથામાં અંતમાં સંવેદન જગાવવાનો પ્રયાસ સારો. ‘રિટર્ન્ડ લેટર ઑફિસ’ – પોસ્ટ ઑફિસ પર વિશ્વાસ જતો રહ્યો છે અને પત્રોની દુનિયા લગભગ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે પરત ફરેલા પત્રોની ઑફિસની કામગીરી જાણવામાં રસ પડે! પરત ફરેલા એક પ્રેમપત્રમાં વહેલા એક ‘ઇમોશનલ ફૂલ’ની કહાની. નાની નાની ઘટનાઓની ગૂંથણી સરસ છે. અંત રસપ્રદ. ‘ધુમ્મસ’ – નારીકેન્દ્રી. સ્ત્રી પર થતા અત્યાચાર અને ગરીબ સ્ત્રીએ બતાવેલી હિંમતથી પ્રેરાયેલી સુખી ઘરની સ્ત્રી. લાગણીસભર વાર્તા. જમ્મુની એ સમયની કથા, જ્યારે વહુને ટીબી થાય તો રિબાઈ રિબાઈને મરવા દેવાતી. ‘શું વહુ-દીકરીઓને જ ટીબી થતો હશે?’ આ અને આવા પ્રકારના સવાલનો જવાબ ત્યારે કોઈ પાસે નહોતો અને આજેય નથી. ‘અમૃતસર મેઈલ’ – એકલા નાયક લાલુનું ટ્રેન સાથેનું અનુસંધાન અને મનોમંથનનું સરસ આલેખન પણ અચાનક વાર્તા ફંટાઈ જાય અને અંત અનંત... ‘હસ્તમેળાપ.કોમ’ – શીર્ષક જ વાર્તા કહી દે છે. વાંચવી ગમે. તેત્રીસ દોકડા લિન્ક સરસ જોડે છે. ‘ફિર વોહી રફતાર’ – કથાવસ્તુ સામાન્ય છે. ગામડાનાં લોકો પણ કેટલા મતલબી છે એ વાર્તાકારે સ્પષ્ટ બતાવ્યું છે, પણ વાર્તાનો ધ્વનિ છે કે મૂલ્યનિષ્ઠ માનવીના મનમાંથી પણ માન-પાન ને નામનાનો મોહ જતો નથી. એ અચાનક કેવો અંચળો ફગાવીને બહાર આવી જાય છે! અહીં વાર્તાકલા ઊઘડે છે.
સીધી સાદી વાર્તાઓ
‘સિંહાસન’ – સત્તાના મદની પણ નાટકીય રીતે રજૂ કરતી બીજી એક વાર્તા. ‘ફિંગરપ્રિન્ટ્સ’ – એક સફળ સસ્પેન્સ સ્ટોરી ‘વેડિંગ એનિવર્સરી’ – પરંપરાગત નાયિકાના જીવનને રજૂ કરતી કથા ‘બધું એનું એ જ’ – મનસુખલાલની રૂટિન એકધારી જિંદગીમાં આવતા રંગીન ફેરફારો અને અંતે બધું એનું એ જ.
૦
‘ફરી ગૃહપ્રવેશ’, માર્ચ ૨૦૨૨, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૫૦. અર્પણ – મુરબ્બી અને મિત્ર ધીરૂબહેનને, વાર્તા સંખ્યા ૧૨, કુલ પાનાં ૧૧૮
આ નવલિકાસંગ્રહની પ્રસ્તાવનામાં વર્ષાબહેન લખે છે કે ૧૯૬૫ના ડિસેમ્બરમાં કોઈ સભાનતા વગર પહેલીવાર પેન હાથમાં લીધી ત્યારે સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોની કોઈ વર્કશૉપ નહોતી. ૧૯૬૬માં પહેલી વાર્તા ‘ગુલાબો’ લખી. બ્યૂટી કૉલમની સાથે કાચીપાકી વાર્તાઓ લખાતાં કલમ આપમેળે ઘડાઈ. કશુંક ઠીકઠાક લખી શકવાની ક્ષમતા બહુ પછીથી આવી.
વાર્તાઓ
સરોગેટ મધર – નારીકેન્દ્રી. અનરાધાર વરસાદ જેવા પ્રતીકથી વાર્તામાં પતિ-પત્નીના પ્રેમનું સૂચન થાય છે તો વાર્તાકાર કથાપ્રવાહમાં સંસ્કૃતિનું દર્શન અને જતન ચીંધે છે. ‘આંગણે આવે એને બેસવાનુંયે નૈ ક્યે વનિતા?’ વનિતાનો મિજાજ આ વાર્તાકારની નાયિકાઓનો મિજાજ છે. સરોગસી વિશે સમજણ આપતી આ વાર્તા. ગામડાગામની સ્ત્રી જે પરપુરુષના બીજને પોતાની કૂખમાં સાચવવાના નામ માત્રથી ડરે છે એને માટે જાણકારી કે ‘ગર્ભનો જે પિંડ સરોગેટ મધરમાં મૂકે એ મૂળ પતિ-પત્નીનો જ હોય. જેમ બીજને કોંટા ફૂટે પછી વાવીએ એમ.’ છેલ્લે ‘દીવામાં ઘી પૂર્યું’ લખીને વાર્તાકાર એક રૂડા અંતની સાથે એક હકારાત્મક વલણની જ્યોત જગવી દે છે. કહાં જાના હૈ – માતાના મૃત્યુ પછી પિતાને છોડી દીકરો જતો રહે છે. એ માને છે કે મમ્મીએ મજૂરી કરી. નોકરી કરી ઘર ચલાવ્યું ને પપ્પાએ એના પૈસે જલસા કર્યા. હકીકતે પપ્પાની અચાનક નોકરી ગઈ હતી ને પછી મળતી નહોતી. દીકરાનો મિત્ર સમજાવે છે. મિત્રપત્ની થોડો ભૂતકાળ ખોલે છે ને દીકરો ઘરે જવા વિચારે છે. એક આદર્શ ભારતીય નારી અને પરંપરા સાચવતા ઘરનું ચિત્રણ – ‘બેય બાજુનાં બારણે સુરેખાએ સરસ ભાત પાડી લાભ-શુભ લખ્યા હતા અને નીચે ઉંબરા પર લક્ષ્મીનાં પગલાંનું સ્ટીકર. બારસાખે મોતીનું તોરણ.’ બે પેઢીના વિચારોનો સમન્વય – ‘બા તો સુરેખા પર ઓળઘોળ. કહેતા, આવી ઘરરખ્ખુ, પ્રેમાળ અને કમાતી વહુ તો પરભવના પુણ્યે જ મળે.’ ડેથ રો – પત્રકારત્વ અને પત્રકારનું જીવન દર્શાવવા જતાં વાર્તા અનેક વળાંકો લીધા કરે છે. એક મુદ્દા પર વાર્તા બનાવવાની વાર્તાકારની કદાચ મરજી નથી. પત્રકારત્વનાં અનેક પાસાં અને ચઢાવ-ઉતાર બતાવતા વાર્તાકારે આધુનિક યુગના મૉર્ડન શહેરના છોકરા-છોકરીના મુક્ત વિચારોની કથા પણ રચી છે તો જેલમાં સડતા ગરીબોની વાણી પણ નિરૂપી છે. સંવાદો રોચક બન્યા છે. ગુલમહોર – પરંપરાગત જીવન જીવ્યે જતી એક ગૃહિણી જે પોતાની નાનકડી સ્પેસમાં ખુશ પણ છે. પણ એને મુશ્કેલીના સમયમાં પતિને બતાવવું પડે છે, ‘પત્નીના હાથમાં પૈસા મૂકી દેવાથી ઘર નથી ચાલતું. દિવસ-રાત સંસારનો ચિચોડો મેં ચલાવ્યો છે.’ પણ અંતમાં ‘મા-દીકરો વહી જતાં કેસરી ફૂલો જોઈ રહ્યાં.’ લખી સમાધાન જ જિંદગી છે એ વાત વાર્તાકાર યાદ દેવડાવે છે. ડૅડ એન્ડ – નાયિકા વિભાબેન પતિથી છૂટા પડ્યા પછી ખૂબ સંઘર્ષ વેઠીને દીકરા આદિત્યને ઉછેરી મોટો કરે છે અને કામકાજે ચડાવે છે. પુત્રવધૂ નંદિનીને પ્રેમથી પોતાની બનાવી લે છે અને એ જ દીકરો એક દિવસ અચાનક પરપુરુષ સાથે સંબંધ રાખવાનું માની માથે આળ મૂકે છે અને માતા ખુલાસો કરે છે કે એ પરપુરુષ નથી તારો પિતા છે અને હવે મને મનાવવાના પ્રયત્ન કરે છે. સ્વાભાવિક છે કે વિભાબેન આવા પતિને મંજૂર ના કરે પણ આદિત્ય એકદમ સ્વાર્થ જુએ છે. વિભાબેન આદિત્યની સાથે પતિને સ્વીકારવાની ના પાડે છે પણ આદિત્ય તૈયાર છે પિતા પાસે જવા અને વારસો મેળવવા. નંદિની સાસુની સાથે રહેવા મંજૂર થાય છે આદિત્ય સાથે એને નથી જવું. અંતમાં નંદિની ‘ડૅડ એન્ડ’ શબ્દ વાપરે છે પણ ખરેખર ત્યાં જીવન શરૂ થાય છે.... એ વાર્તાકારે કુશળતાપૂર્વક દર્શાવ્યું છે. વાર્તાની કથા પ્રવાહી છે. ઘટનાઓ પ્રસંગો ભરપૂર છે. શૈલી સરળ છે. પરિવેશ શહેરી છે. અંતમાં સવારનો સંકેત વાચકને ગમે એવો છે. ચકલીનું બચ્ચું – બળાત્કાર થયેલી છોકરીની મનોસ્થિતિનું હૃદયસ્પર્શી વર્ણન. વાત બળાત્કારની છે પણ ક્યાંય સંયમ ચુકાયો નથી. તાદૃશ વર્ણનો. ચકલીનું પ્રતીક શરૂઆતમાં પણ લેખક મૂકે છે “તું તો મારી ચકલીબાઈ તને વળાવીશું કે અમારું ફળિયું સોનું થઈ જશે.” જશુમતીને દીકરી આવી એના માટે સરસ મજાનો રૂઢિપ્રયોગ વપરાયો છે ‘તારા બાપાને તો દીકરાના બહુ અભરખા પણ અહીં ઓસરીએ થાળી-વેલણ તૈયાર’ અહીં થાળી-વેલણ એ દીકરીના જન્મ માટે વપરાયેલો પ્રયોગ છે! મા દીકરી અને દાદીના સંબંધો ખૂબ સરસ રીતે રસપ્રદ રીતે વર્ણવાયા છે. ગામડાગામની વાત છે અને લગભગ અભણ સ્ત્રીઓની વાત છે તો પણ ગામડાની છોકરીના વિચારો જુઓ – ‘પણ મને એક વાત ક્યો આ ભાયડાઓને કાં કોઈ કાંઈ નો કે ! એ તો ઢગા થઈને પૈણે છે તો મારી કાં ઉતાવળ કરો?” અહીં દાદી પોતાની પુત્રવધૂને થાબડે છે અને દીકરાને વખોડે છે એ જરા હટકે. જુઓ દાદીના મોઢે – “મારું પેટ હું નો પારખું! આ તો તારી માએ સંસાર રોડવી દીધો!” તો પુત્રવધૂ જશુમતીના શબ્દો – ‘એ તો તમારો સધિયારો બા નહીં તો હું તો મીઠીમાં પડતું મેલવા જાતી’તી’ વાર્તામાં નદીનું નામ ‘મીઠી’ પણ બહુ સૂચક છે. આ જ નદી મા અને દીકરી બંનેના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બળાત્કાર થયા પછી નદીને શરીર સોંપી દઈ જીવન પૂરું કરવાના વિચાર પહેલાં એક નાનકડું ચકલીનું બચ્ચું રેવા માટે જાણે જીવન લઈને આવે છે. આ બચ્ચાને પોતાની છાતીએ ચાંપીને જિવાડવામાં રેવા પોતે જીવી જાય છે. અંતમાં રેવાના બાપનું ફાળિયું જોતાં સમજુબા દાતરડું હાથમાં લઈ ફળફળતા અવાજે બોલે ‘ઊઠ જસલી, બૈરાંઓએ હવે રોયે દા’ડા નહીં વળે’ અને વાર્તાકાર એક દિગ્મૂઢ કરી દેતો ચમત્કૃતિભર્યો અંત આણે છે. પલાયન – જુદા જ વિષયની સરસ વાર્તા. બનારસમાં મોત મળે તો મોક્ષ થાય એવી માન્યતાને કારણે ઘણાં લોકોની જેમ અનંતરાય પણ એ રસ્તે. બનારસ શહેરનું વર્ણન વાચકને પણ શહેરની સફર કરાવે છે. મૃત્યુની લપેટો વચ્ચે પાંગરતા ખીલતા જીવનને જોઈ નાયક ‘વાપસી કી ટિકિટ’ કઢાવી લે છે. ફરી ગૃહપ્રવેશ – એકલતા અને અંધારાનો જેને ડર છે એવી નાયિકા વિભાને ક્વૉરેન્ટાઈન થવું પડે છે. આ એકલતા શરૂઆતમાં અકળાવે છે પણ પછી પોતાની સ્પેસ ચીંધે છે. પતિના વર્તનથી નારાજ વિભાને અંતે ખબર પડે છે કે... નાટકીય પણ સુખદ અંત. ‘અદૃશ્ય દીવાલની આ તરફ અને પેલી તરફ’ – પોતાના માતા-પિતાથી દુભાયેલા અને દુણાયેલા પ્રેમ ઝંખતા યુવાન-યુવતી પરણે, એકબીજામાં હૂંફ શોધે અને આદર્શ માબાપ બનવાનું નક્કી કરે. ઘટનાઓની ગૂંથણી સરસ. તું એક મા છે – બે સ્ત્રીઓની કથા જેમાંથી એક, નાયકની ડિવોર્સી છે અને બીજી એને પરણેલી. બાળકોને કેન્દ્રમાં રાખી બંને સ્ત્રીઓનાં પાત્ર સરસ ચીતરાયાં છે. ‘વાઇરસ’ – કોરોનાકથા. જેમાં સ્પષ્ટ શબ્દોમાં સ્ટોરીલાઇન અને ‘વાઇરસ આપણી ભીતર પણ છે’ જેવાં ઉપદેશાત્મક વાક્યો નિવારી શકાય. ‘અનલૉક્ડ’ – આ ઉપરાંત કોરોનાએ આપેલું લૉકડાઉન નાયકની જિંદગીનું રહસ્ય અનલૉક કરી દે એની વાર્તા.
લતા હીરાણી
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, બાળવાર્તાકાર
અમદાવાદ
મો. ૯૯૭૮૪ ૮૮૮૫૫