ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભારતી દલાલ
ઉક્તિને સાર્થક કરતી ભારતી દલાલની વાર્તાઓ
નીતા જોશી
વડોદરાનાં વાર્તાકાર ભારતી દલાલનો વાર્તા સંગ્રહ ‘એક નામે સુજાતા’ જેની પ્રથમ આવૃત્તિ ધૂળેટી ૨૦૪૦ એટલે કે ૧૯૮૪માં થયેલી છે. પ્રકાશન ‘સમન્વય‘ હિંગળાજ માતાનો ખાંચો, નવરંગપુરા, અમદાવાદ-૯ અને કિંમત રૂપિયા ૨૦.૦૦ લખેલી છે. પ્રચ્છદપટ, સુશોભન ચિત્રકાર રતન પારિમુનું છે. આવરણ તસવીર મુગ્ધા યુવા સ્ત્રીની છે. એમણે પહેરેલી કત્થઈ રંગની બાંધણી ગુજરાતી નારીની ઓળખ વ્યકત કરે છે. જે વાર્તાસંગ્રહ ‘એક નામે સુજાતા’ શીર્ષક સાથે સુસંગત છે. ભારતી દલાલ સાથેની વાતચીત દરમ્યાન એમણે સ્પષ્ટ કર્યું કે તસવીરમાં રહેલી યુવતી એમનાં બહેનની દીકરીની છે. વાર્તાકાર ભારતી દલાલનો જન્મ ૨૫-૦૫-૪૦ના દિવસે વડોદરા (બાજવાડા)માં થયો અને પ્રાથમિક શિક્ષણ શિશુભારતી બાલમંદિર, માધ્યમિક શિક્ષણ, મહારાણી હાઈસ્કૂલમાં અને કૉલેજ શિક્ષણ એમ. એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે મેળવેલ છે. એ સમયે એમની કેળવણીમાં શ્રી સુરેશ જોષી, ભોગીલાલ સાંડેસરા, રણજિત પટેલ ‘અનામી’નું યોગદાન રહ્યું છે. એ પછી તેઓ ગુજરાતી વિષયનાં અધ્યાપિકા તરીકે એમ. એસ. યુનિ.માં જ કાર્યરત રહી હાલ તેઓ નિવૃત્ત જીવન પ્રસન્નતા સાથે વિતાવે છે. બારી પાસે બેસવું એ એમની આનંદની પળ ગણે છે. રિલ્કે અને કામૂ એમના ગમતા પાશ્ચાત્ય સર્જક છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષી, મુનશી અને ર. વ. દેસાઈનાં સર્જનથી પ્રભાવિત રહ્યાં છે. એમના પિતાશ્રી રમણલાલ મગનલાલ દલાલ કે જેઓ પણ પ્રોફેસર તરીકે કાર્યરત હતા અને માતા રત્નપ્રભા ગૃહિણી રહ્યાં. ભારતી દલાલ શાળામાં હતાં ત્યારથી જ લેખનસ્પર્ધાઓની પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતાં. એમણે વાર્તા સંગ્રહ ‘એક નામે સુજાતા’ ઉપરાંત કામૂની નવલકથા ‘આઉટ સાઈડર’નો અનુવાદ અને ‘એક દિવસ’ નવલકથા જે શૈલજા દેસાઈના નામે લખી છે. ‘કથાસાહિત્યનું વિવેચન’ એ એમનો શોધનિબંધ બે ભાગમાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયો હતો. સુરેશ હ. જોષી એમના માર્ગદર્શક હતા.
કુલ ઓગણીશ વાર્તાનો સંગ્રહ ‘એક નામે સુજાતા’ જે પ્રસ્તુતિની રીતે અલગ છાપ ઉપસાવે છે. મોટા ભાગની વાર્તાઓ શૈલીનાં કારણે કળાલક્ષી બને છે. વાર્તાઓ પર પશ્ચિમ વિચારકોનો પ્રભાવ છે. જેમના અવતરણો વાર્તાની અંદર ટાંકેલાં વાંચવા મળે છે. દરેક વાર્તાનાં આગળનાં પાનાં ઉપર રિલ્કેનું અવતરણ એક નાનકડી વાર્તાની ગરજ સારે છે. વાર્તાઓનાં આરંભે અવતરણ છે –
...Something has already started to Live
In you that will live longer than the suns.
– Rilke
એમની સમગ્ર વાર્તાઓનો સૂર સંયોગ શૃંગાર અને વિયોગ શૃંગાર છે. મોટા ભાગની વાર્તા નાયિકા પ્રધાન છે. એમની વાર્તાનાયિકા શિક્ષિત અને ભદ્ર વર્ગની છે. શોષિત નથી પરંતુ વિવશ છે. પ્રેમની પીડા અને પ્રતીક્ષાથી ભાવમય છે. સમાજના ભયની વલોવાતી સંવેદના લગભગ દરેક વાર્તામાં જોવા મળે છે. વાર્તામાં ઘટના નહિવત્ છે. પ્રતીક અને રૂપકનો ઉપયોગ વાર્તાને સમકાલીન વાર્તાઓથી થોડી અલગ કરે છે. ગ્રામ્યચેતનાનો ઉલ્લેખ કોઈ વાર્તામાં નથી. એટલે બોલીનું વૈવિધ્ય ક્યાંય આલેખાયું નથી. ભાષા આલંકારિક છે. પરિવેશ પણ સુંદર રીતે ઉપસે છે. પ્રથમ વાર્તા ‘દટાયેલું નગર’ ઇચ્છાઓને ધરબાવી દેવાની સંવેદનાને નગરનાં રૂપકથી પ્રયોજે છે. ચેતન-અચેતન મનની લીલાઓ વર્ણવવામાં વાર્તાકાર કુશળ છે. જેમ કે –
ધીરા અવાજે એ બોલ્યો : ‘એક હાથ બીજા હાથનો આધાર શોધે ને મળે નહીં, એક શબ્દ બીજા શબ્દ જોડે મળવા જાય ને આંસુની બાષ્પ બનીને ઊડી જાય, દૃષ્ટિનાં દોર છૂટા પડી જાય ત્યારે ધીમે ધીમે રજ ખરે, એના મોટા ને મોટા થર જામતા જાય ને એની નીચે પ્રેમની વિશાળ ઇમારત, આખું એક નગર દટાઈ જાય. ખબર ન પડે તેમ રજ ખર્યે જાય, ધીમે ધીમે દટાઈને બધું અદૃશ્ય થઈ જાય ને પછી પવનનો વિલાપ એ દટાઈ ગયેલા નગરને ઢંઢોળે, પણ ધૂળના થર નીચેથી કશો પડઘો પડે નહીં.’
એના શબ્દો સાંભળતાં મારી સામે આંધી ઊમટી. મને કશું દેખાતું નહોતું. હું અંધની જેમ હાથ વડે દિશા શોધતી બહાર જવા મથવા લાગી ને ત્યાં એના બે બાહુમાં કે પછી અંધકારમાં સાવ લુપ્ત થઈ ગઈ.’
આધુનિક શૈલી જેટલો જ એમનો રિલ્કેના વિચારોનો પ્રભાવ દરેક વાર્તા સાથે જોડાયેલો છે. ‘પડછાયાનું વન’ વાર્તામાં રિલ્કેનો પ્રસંગ ઉમેરી ચરિત્રને એક ઊંચાઈ આપવાનો પ્રયત્ન છે. ‘રિલ્કેએ જીવનની છેલ્લી ઘડીએ કોઈને નહીં મળવાનું નક્કી કર્યુ હતું એથી અંતિમ ક્ષણની માંદલા ચહેરાવાળી છબી જ મળનારાના મન પર અંકાઈ જાય ને એ એને ગમતું નહોતું. શ્રીલેખાએ પણ આંસુ લૂછીને હસતાં હસતાં જવાબ વાળ્યો હતો : ‘તું મોટો રિલ્કે ખરો ને!’
‘શત્રુ‘ વાર્તામાં નાયિકાનો વિચાર કરવાનો નશો કંઈક આ રીતે પ્રગટ થાય છે. ‘રિલ્કે ની કવિતાની પંક્તિ ‘Now that I have experienced storm, I can celebrate calm.’ હવે કિયર્કેયોર, માર્ટિન બ્યુબર અને પોલ ટિલિચ વાંચું છું. સાઈમોન વેઇલની જેમ જગતનાં દુખિયાઓ ખાતર જાત ગાળી નાખવાનો પણ વિચાર આવે છે.’ આ સિવાય ફ્રૉઇડ, નિત્શે, સાર્ત્રને પણ ટાંકે છે. હા, કેટલીક વાર્તાઓમાં ભારતીય અને ખાસ કરીને પરી, રાજકુમાર અને રાક્ષસની વાર્તા દ્વારા પણ વાર્તા કહેવાનો પ્રયાસ છે. ‘ઝાકળપરી’ વાર્તાની અંદર રાજકુમાર અને રાજકુમારીની વાર્તા પણ ગૂંથાય છે. પ્રેમની નિઃસહાયતા, મિલનના અવરોધો અને પ્રેમની તીવ્રતાનું વર્ણન તેમજ આધુનિક અને પરંપરિત વાર્તાકથનનું મિશ્રણ આ વાર્તામાં જોવા મળે છે. સુખ અને આનંદની પ્રતીતિ, પ્રેમના સંઘર્ષની પરાકાષ્ઠાની ક્ષણ આ વાર્તામાં આલેખાઈ છે. પ્રેમની સત્તા લૌકિક એટલી જ અલૌકિક. પ્રેમ બાંધે એટલો જ મુક્તિ પણ ઝંખે. એ વિષાદ આપે અને પરમ સંતોષ પણ આપે. ‘પાતાલ ઝરણું’ વાર્તામાં પ્રેમની સત્તા ઉચ્ચત્તમ છે. સંવાદ છે કે –
‘હા, પ્રેમને દર્દ જ શા માટે બનાવી દઈએ? એ વરદાન છે, આશીર્વાદ છે, સ્વપ્નની સિદ્ધિ છે. પૃથ્વી પરનું સ્વર્ગ છે.’
વાર્તામાં માર્મિક સંવાદો છે. જ્યારે ‘કુહેલિકા’ અને ‘અનામિકા’ વાર્તા પણ સૂક્ષ્મ સંવેદનથી લખાઈ છે. જેમાં કાળા પંખીને રૂપક બનાવી વિરહ, વિષાદનું જાણે કાવ્ય જ રચાય છે. હા, ક્યારેક પાશ્ચાત્ય વિચારકોને, વિદ્વત્તાનો પ્રભાવ જતાવવા પણ મુકાતો હોય એવું લાગે! ‘અને તેથી જ તો – વાર્તામાં લખે છે, ‘ખરું કહું તો વિષાદનો ભાર એટલે શું તે મારું હૃદય હજુ સમજતું જ નથી.’ આથી જ તો ઉન્મેષે એકવાર કહેલું, ‘વિષાદ જ નહીં હોવાનો વિષાદ પણ મને નથી થતો?’ મેં ત્યારે એની મજાક ઉડાવતાં કહી નાંખેલું, ‘આવા કિર્કેયોરના એકાદ ચોરેલા વાક્યથી તું મને આંજી દઈ નહીં શકે.’ આવા વિધાનોથી ફલિત થાય કે લેખિકા વાર્તા એક ચોક્કસ સુજ્ઞ સમુદાયને સામે રાખીને જ સર્જે છે. પરંતુ ગદ્યલયનો ઉત્તમ નમૂનો કહી શકાય એવી વાર્તા તો ‘એક નામે સુજાતા‘ છે. જે નારીનાં વ્યાપ્ત રૂપની વાત કરે છે. ઘટના લોપની જ કથા છે. ક્યાંક નિબંધ તરફ સરકી જતી પણ અનુભવાય. પૂર્વ અને પશ્ચિમની કળા સંદર્ભોને સમાંતરે આલેખે છે. ગદ્યશૈલીનો નમૂનો કંઈક આવો છે
‘ને છતાં આ સુજાતા જે નહીં કાશી-કાંચીની જે નહીં ઉજ્જયિની વૈશાલીની તે એક નવી જ સૃષ્ટિમાં પ્રવેશી. એમાં બૉદ્લેરની મલબારની કન્યા, રેંબોની પેલી પીધેલ નૌકાનાં પરાક્રમો, લા ફૉર્ગની એ ક્ષયદીપ્ત ઉતૃપ્ત કાયાના ઊર્મિઆવેગો – અરે એ યાત્રા શરૂ થઈ પછી ક્યાં એનો અંત? – એક રાતગાળ કાફ્કાની સૃષ્ટિમાં, પેલો બરફથી ઢંકાયેલો, અદૃશ્ય કિલ્લો અને પાંદડાં વગરનાં વૃક્ષો, હૃદયની પાંખડીઓ ખીલતી જાય, આંખમાં નવી ગંભીરતા, નવું ઊંડાણ. એક નમતી સાંજ ગાળે રિલ્કેની સાથે દુઈનોના કિલ્લામાં, ગુલાબ વચ્ચે.’ આ વાર્તાકારની પણ સૌથી ગમતી વાર્તા બની છે.
એક જ શીર્ષકની ત્રણ જુદી કથાઓ રચે છે ‘આંખો’ નામની વાર્તાઓ.
ત્રણેય વાર્તા આંખોની અંદર-બહારનું જગત બતાવે છે. અનુભૂતિ અને વાસ્તવિક જીવનની સરખામણી કરતી પહેલી વાર્તા ઘટના અને રમ્ય ભાષા દ્વારા વિષાદ, ભય અને પ્રેમનાં ભાવને વ્યક્ત કરે છે. જેમ કે – ૬૬માં પાના ઉપર છેલ્લો ફકરો છે –
‘મને લાગ્યું કે મારી આંખો બે લખોટીની જેમ ગબડી જાય છે. હું સફાળી એને પકડવા દોડું છું ને એ ગબડતી ગબડતી ક્યાંક કોઈ અંધારા દરમાં સરી પડે છે ને પછી કોણ જાણે ક્યાં સરીને ખોવાઈ જાય છે. દિવસે સૂરજના અજવાળામાં એકાએક અંધારું થઈ જાય છે. આંખો મણકાની જેમ મારી આંગળીમાંથી સરક્યે જાય છે, હું ગણ્યે જાઉં છું ને એનો અંત આવતો નથી. દિશાએ દિશાએ આંખો ખૂલે છે. આંખો ખૂલવાનો અવાજ મને ઘેરી વળે છે.’
‘આંખો’ શીર્ષકથી બીજી વાર્તા બની છે જેમાં નાયિકાને પતિની દૃષ્ટિ ચાલી જતાં એનો સહવાસ, સ્પર્શ એની નિકટતા અને સૌથી વિશેષ પ્રિય પતિ એનો આધારિત બની રહે એની મીઠી લાગણી છે. નાયિકા જાણે છે કે આ એની અંદર ફૂટેલો આસૂરી આનંદ છે. એને ભય છે કે પાટો ખૂલશે અને દૃષ્ટિ મળતા જ એ બાહ્ય જગતમાં વિખેરાઈ જશે અને એ નિકટતા ગુમાવી બેસશે. આમ બંધ આંખોની સંવેદના આ વાર્તાનું હાર્દ છે. જ્યારે ત્રીજી વાર્તાની અંદર કોડીને પ્રતીક બનાવી એક ત્રીજી આંખની કલ્પના કરી છે. એક એવી અજાયબભરી આંખ જે દૂરનું જોઈ શકે તો એ દૃષ્ટિ માનવજીવન માટે આશીર્વાદ હોય કે શાપ? નાયિકાની આ ત્રીજી આંખ એને સંબંધોની ભ્રાન્તિનો અનુભવ કરાવે છે. અને એ એ જ આંખ મિલનની પ્રતીતિ પણ કરાવે છે. વાર્તામાં કલ્પન બહુ સુંદર પ્રયોજાયું છે. અને અંત પણ ચમત્કૃતિભર્યો અને કાવ્યાત્મક શૈલીથી વાર્તા સળંગ સુંદર બની છે. કેટલીક વાર્તાઓ થોડી મધ્યમ કહી શકાય એવી છે. વિષય અને વર્ણન પુનરાવર્તિત થતાં હોય અવું પણ લાગે. અસ્તિત્વવાદી માનસિકતા દરેક વાર્તાને ક્યાંક એકસરખી બનાવે છે અને ક્યાંક કૃત્રિમપણું પણ અનુભવાય છે. લેખિકાની સંગ્રહમાં ન હોય એવી કેટલીક વાર્તાઓમાંની એક વાર્તા ‘કુંભલગ્ન’ જે ઇન્ટરનેટ ઉપર અક્ષરનાદ.કોમ ઉપર વાંચવા મળે છે. જે પૂરી ઘટનાપ્રધાન છે. ભારતીય પરંપરામાં જન્માક્ષર આધારિત રચાતાં લગ્ન. મંગલ-અમંગલની કામનાથી સુખદ બને એમ દુઃખદ પણ બને! ક્યારેક એનાં નિરાકરણ અપેક્ષાભંગ કરતા હોય એવું પણ બને! અહીં નાયિકાના નસીબમાં વિધવાયોગ લખાયો છે અને મહારાજે કહ્યું છે કે, ‘આને માટે કુંભ લગ્ન કરવાનાં અને પછી કુંભને કૂવામાં ફેંકી દેવાનો, એટલે છોકરી વિધવા થઈ ગણાય અને પછી એ યોગમાંથી છુટ્ટી!’ અને નાયિકા કુંભ લગ્ન કરી મનથી વિધવા બને છે. પછી એ પોતાની પસંદના પુરુષ સાથે સંતાન પ્રાપ્તિ જેટલું સાયુજ્ય રચી શકતી નથી. મા બનવાની તીવ્રતા અને માનસિક અવસ્થાના કારણે જે ભાવ રચાય છે એની થોડા જુદા વિષય ને ઇંગિત કરતી આ વાર્તા છે. ‘તથાપિ’ ડિસેમ્બર-ફેબ્રુઆરી, માર્ચ-મે, ૨૦૧૧ના અંકમાં ‘પેલે પાર’ શીર્ષકથી વાર્તા મળે છે. એકલતાનો વિષાદ ગૂંથતી આ વાર્તા પણ નોંધપાત્ર બની છે. જે વાર્તા વિશે ‘ગુજરાતી નવલિકાચયન’ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રકાશન અંતર્ગત સંપાદકીય નોંધમાં જયેશ ભોગાયતા એ આ વાર્તાનો ઉલ્લેખ કરેલ છે.
ભારતી દલાલની વાર્તામાં સમાજ અને સામાજિક ઘટનાને ઓછું સ્થાન છે પરંતુ વ્યક્તિનાં મનોચિત્ર અને મનોવૃત્તિઓ સુંદર રીતે ઝીલાય છે. એમની રજૂઆત વાર્તાને ક્યાંક આબેહૂબ નથી ચીતરતા પણ કળાની દૃષ્ટિએ પ્રભાવકારી જરૂર બનાવે છે. મનુષ્યમનનાં આનંદ અને ઉદ્વેગ બરાબર ઝીલાય છે. વાર્તાની ભાષા શિષ્ટ છે. પરિવેશ પણ શહેરી જ છે. ‘એક નામે સુજાતા’ વાર્તાસંગ્રહનો સમગ્ર સૂર સંવેદનપ્રધાન છે. આધુનિક શૈલીની વાર્તાઓ ગુજરાતી સાહિત્યને આપવા બદલ વાર્તાકાર ભારતી દલાલને ખૂબ ખૂબ અભિનંદન.
નીતા જોશી
વાર્તાકાર, વિવેચક
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬