અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/તમે આવી —

From Ekatra Wiki
Revision as of 09:56, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


તમે આવી —

દેવજી રા. મોઢા

તમે આવી મારું તરબતર આ કીધું જીવન!

હતું લુખ્ખું સુક્કું જીવન મુજ કો તપ્ત રણ શું
જ્યહીં રેતી કેરા ઢગ ઊડી ઊડી ઉજ્જ્વલ દિને
રચી દેતા આંધી, નભથી રવિનાં ચંડ કિરણો
જ્યીં ર્‌હેતાં વર્ષી અગન-વરષા, ધોમ ધખતા
રણે જ્યાં ના છાંયો, જ્યહીં ન ઝરણાંના જળ તણો
શીળો સંસ્પર્શેયે, ખગ રડ્યુંખડ્યું આવી ચડતું
દિશા ભૂલીને તો તમર ખઈ નીચે પડી જતું
જ્યહીં રેતી-ઢેરો પર : ત્યહીં તમે એક દિવસે
અચિંત્યાં ગોરાંભ્યાં ગગનની મહીં; મુક્ત વરસ્યાં
અને જ્યાં પાણી તો ઠીક, ભીનપયે દુર્લભ હતી,
ત્યહીં ગુંજી ઊઠ્યા ધ્વનિ ઝરણના, વૃક્ષ ઊગિયાં,
ફૂટી વૃક્ષે ડાળી, વિટપ પર પર્ણો તણી ઘટા
મહીં પક્ષી ટ્હૌક્યાં, વિહગ-કૂજને પુષ્પ ઊઘડ્યાં
અને પુષ્પે પુષ્પે ભ્રમર કરી ગુંજારવ રહ્યા!

અરણ્યેયે મારા કરી દીધ ખડું નંદનવન
— તમે આવી મારું તરબતર આ કીધું જીવન!

(અમૃતા, ૧૯૮૨, પૃ. ૪)