અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/મોર ગળક્યાં !
Revision as of 09:56, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
મોર ગળક્યાં !
દેવજી રા. મોઢા
અને એણે દોર્યાં ભીત ઉપરના મોર ગળક્યા!
હતો ગોરંભાયો નભ મહીં આષાઢી ઘન, અને
ઈશાને થાતા ’તા વીજળી-ચમકારા ઘડી ઘડી;
ભરાતું મા-પાંખે ભયભીત બની ગીજવીજથી;
અમોને યાદા’વ્યું બચપણ અમારી દીકરીનું!
હજી થોડી વેળા ઉપર ચણિયા-ઓઢણી થકી
સજી અંગો ર્હેતી ઘર ઘર ઘૂમી બ્હેનપણીનાં
ન ’તું જાગ્યું એમાં જરી દિન-દશા-ભાન, ત્યહીં તો
થયું વોળાવાનું અગન સહ હૈયે કઠણ થૈ!
ફરી આજે એવો ઘન નભ ચડ્યો, વીજ ઝબકી
ફરીથી એની એ, પણ ડરી જઈ ગાજવીજથી
ભરાતી મા-પાંખે ન ’તી અમ સુતા આજ અહીં, ને
અમારી આંખોમાં વિરહ-સ્મૃતિનાં નીર સળક્યાં
— અને એણે દોર્યાં ભીંત ઉપરના મોર ગળક્યા!
(અમૃતા, પૃ. ૨૫)