ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પ્રિયંકા જોશી
વિશે સમીક્ષાલેખ
કિશોર પટેલ
ગજબનું વિષયવૈવિધ્ય
પ્રિયંકા જોશી (જ. ૨૫-૦૯-૧૯૮૪)નું મૂળ વતન અમરેલી. હાલમાં વાસ્તવ્ય અમદાવાદ ખાતે. માતા પ્રજ્ઞાબેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને પિતા આશિતભાઈ જોશી બૅન્ક કર્મચારી. પ્રિયંકાબેનનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયું. તેઓ ગુજરાત બોર્ડમાંથી એસએસસી અને એચએસસી ઉત્તીર્ણ થયાં. ત્યાર બાદ તેઓ કૉમર્સ શાખામાં સ્નાતક અને કમ્પ્યૂટર વિષય સાથે સૌરાષ્ટ્ર મહાવિદ્યાલયમાંથી અનુસ્નાતક થયાં. પ્રિયંકાબેનના જીવનસાથી શ્રીમાન ચિંતન જોશી આઈટી ક્ષેત્રે કાર્યરત છે. અઠવાડિક અભિયાનમાં ‘બિંજ થિંગ’ શીર્ષક હેઠળ પ્રિયંકાબેનની નિયમિત કટાર ચાલે છે. એ ઉપરાંત અન્ય સામયિકો તેમ જ અખબારોમાં તેઓ ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટિંગ કરે છે. વર્ષ ૨૦૧૮માં ‘અરસપરસ’ આયોજિત વાર્તાસ્પર્ધામાં એમને તૃતીય, વર્ષ ૨૦૨૦માં સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધામાં પ્રથમ અને વર્ષ ૨૦૨૧માં નર્મદ સાહિત્ય સભા આયોજિત કાવ્યસ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયાં છે. તેઓ ઉત્તમ અનુવાદક પણ છે. સર્રિયાલિઝમ અને મેજિક સર્ર્રિયાલિઝમ માટે જાણીતા જાપાની લેખક હારુકિ મુરકામીની એક વાર્તા ‘સ્ત્રી વિનાના પુરુષો’નો એમણે કરેલો સરસ અનુવાદ ‘એતદ્’ના એક અંકમાં પ્રસિદ્ધ થયો હતો. જાપાની ભાષામાંથી વાર્તાના થયેલા અંગ્રેજી અનુવાદ ‘મેન વિધાઉટ વુમન’ પરથી થયેલા આ અનુવાદ વિશે ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના કટારલેખક મયુર ખાવડૂ એમની કટારમાં નોંધે છે : ‘...વાર્તા ગુજરાતી માતાના ગર્ભમાંથી જન્મી હોય એવું તેનું ભાવવિશ્વ અને બેનમૂન ગદ્ય છે. પણ વચ્ચે વાર્તાનો પરિવેશ આપણને સતત ઢમઢોળ્યાં રાખે છે કે આ એક જાપાનની વાર્તા છે જે જાપાનના લેખક દ્વારા લખાયેલી છે.’ હારુકિ મુરકામીની અન્ય એક વાર્તાનો પણ પ્રિયંકાબેને કરેલો સરસ અનુવાદ ‘તથાપિ’ના વર્ષ ૨૦૨૩ના એક અંકમાં ‘દાહ’ શીર્ષક હેઠળ પ્રગટ થયેલો છે. પ્રિયંકાબેનને ફોટોગ્રાફી, ચિત્રકળા, સિનેમા, સંગીત-ગાયનમાં ઊંડો રસ છે. હાલમાં આકાશવાણી જોડે ત્રણેક વર્ષથી talker તરીકે જોડાયેલાં છે. રેડિયો કાર્યક્રમોમાં ચોક્કસ વિષયાનુસાર સ્વ-રચિત કૃતિઓનું પઠન કરે તે કલાકારને Talker કહેવાય છે. સમન્વય-૨૦૧૬માં જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ સાથે એક ગીત ગાવાની તક એમને મળેલી.
*
યુવા વાર્તાકાર પ્રિયંકા જોશીનો વાર્તાસંગ્રહ હજી આવ્યો નથી. વર્ષ ૨૦૧૮ પછી એમની વાર્તાઓ પ્રગટ થવાની શરૂઆત થઈ છે. વિવિધ સામયિકોમાં આજ સુધીમાં પ્રસિદ્ધ થયેલી કુલ પંદર વાર્તાઓમાંથી પસાર થતાં સૌ પ્રથમ લાગણી અચંબાની થાય છે. કેવું ગજબનું વિષયવૈવિધ્ય છે એમની વાર્તાઓમાં! અને એવું જ મજાનું વૈવિધ્ય રજૂઆતમાં! પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણે વ્યક્તિકેન્દ્રી કથનશૈલીમાં વાર્તાઓ રજૂ થઈ છે. મહદ્અંશે નારીપ્રધાન વાર્તાઓ છે એ ખરું પણ એમાંય વિષયોમાં વૈવિધ્ય છે. ‘લાલ સાડી’ અને ‘ક્ષિપ્તી’ એમ બે વાર્તાઓમાં કથક નાની વયનાં અબૂધ બાળકો છે. ‘લાલ સાડી’માં નાયિકા એક વેશ્યાની દીકરી છે. પોતાની માતા શું કામકાજ કરે છે તેનો એ બાળકીને ખ્યાલ નથી, ઘરમાં પિતાની ગેરહાજરી અંગે એની માતા કોઈ સંતોષકારક જવાબ આપી શકતી નથી. કોઈ અંકલ મળવા આવે ત્યારે અંદરના ઓરડાનું બારણું એની માતા શા માટે બંધ કરી દેતી હશે એ વાત બાળકીને સમજાતી નથી. ઘરમાં જ્યાંત્યાં પડેલાં કોન્ડોમનાં રેપર બાળકીને ચોકલેટનાં રેપર લાગે છે. એ બિચારી માતાના દાંતો સડી જશે એવી ચિંતા કરવા માંડે છે. બાળકીની આ નિર્દોષતા વાર્તામાં કારુણ્યની માત્રા ઘેરી બનાવે છે. ‘ક્ષિપ્તી’માંનો કથક આશુ નામનો એક નાનો છોકરો છે. આશુનાં માતાપિતા કામધંધે બહાર ગયાં હોય ત્યારે આશુને પાડોશમાં એકલા રહેતા સુરેશદાદા સંભાળે છે. આ સુરેશદાદાની માનસિકતા વિકૃત છે. બાળકોને નવી ગેમ રમાડવાને બહાને સુરેશદાદાએ એક વાર આશુ અને પાડોશની નાની છોકરી પિન્કી પાસે કંઈ ગેરવાજબી ચેનચાળા કરાવ્યા હશે. એનાથી વિચલિત થયેલી પિન્કીએ પોતાને ઘેર જઈને માતાપિતાને ફરિયાદ કરી હશે તેથી પોલીસ તપાસ કરવા આવે છે. છાપાંમાં પિન્કીનું નામ આવશે પણ પોતાનું નહીં એ વાતથી આશુ નિરાશ છે. એને ખ્યાલ નથી કે પિન્કી જોડે સુરેશદાદાએ દુષ્કર્મ કર્યું છે. અહીં પણ આશુની નિર્દોષતા વાર્તામાં કરુણરસ ગાઢો બનાવે છે. ‘મમ્મી’ અને ‘છિન્ન ખાપ’ એમ બે વાર્તાઓમાં માનસિક અસ્વસ્થ પાત્રોની વાત છે. ‘મમ્મી’માં સૌંદર્યવાન માતા સંધ્યાની તુલનામાં દીકરી ઋજુતા સાધારણ દેખાવની હોવાથી તે લઘુતાગ્રંથિથી પીડાતી હતી. સહપાઠી મિત્રોને માતાના રૂપસૌંદર્યથી અભિભૂત થઈ જતાં જોઈને ઋજુતા ખૂબ અકળાતી હતી. નાયિકાને ખબર પડે કે તેને તો દત્તક લેવામાં આવી હતી એ પછી માતા જોડેના એના સંબંધમાં મોટી ખાઈ પડી જાય છે. ઋજુતાના માતા-પિતા વચ્ચેના આપસી સંબંધો પણ સંકુલ હતા. પિતાના મૃત્યુ પછી તો મા-દીકરીને જોડતી કડી પણ રહેતી નથી. માતાના મૃત્યુપ્રસંગે ઋજુતા તેની અંતિમ ક્રિયામાં હાજરી આપવા જાય છે ખરી પણ એ જાણે સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા ગઈ હોય એવું ચિત્ર ઉપસે છે. ‘છિન્ન ખાપ’માં જોડિયા ભાઈઓમાંથી એકનું આકસ્મિક મૃત્યુ થઈ ગયા પછી હયાત રહેલો બીજો ભાઈ પોતાની જાત ઉપરાંત મૃત ભાઈનું વ્યક્તિત્વ પણ જીવવા માંડે છે. બેઉ ભાઈઓને નાનપણથી ઓળખતા કથક માટે અદાલતમાં ન્યાય તોળતી વખતે ધર્મસંકટ ઊભું થાય છે. પરિચિત છોકરો હિંસાના માર્ગે કઈ રીતે વળ્યો એ જાણવા કથક લાંબો પ્રવાસ કરી પોતાના જૂનાં પાડોશીઓને મળે છે અને વાર્તા ભાવક સમક્ષ ખૂલતી જાય છે. આમ બેવડા વ્યક્તિત્વની આ વાર્તા સંકુલ અને રસપ્રદ બની છે. ‘પાંખો’ અને ‘અંધકાર’ આ બે વાર્તાઓ અતિવાસ્તવ શૈલીમાં રજૂ થઈ છે. ‘પાંખો’માં નાયક પોતાની પ્રેમિકાને નાનપણથી ઓળખે છે. શૈશવનો એ પ્રેમ પરિણયમાં પરિવર્તિત પણ થયેલો છે. પોતાની પ્રેમિકા અન્યોથી થોડીક જુદી છે એ વાત નાયક નાનપણથી જાણતો હતો. નાયકને દરિયાકિનારે રેતીમાં ઘર ઘર રમવું હોય પણ નાયિકાને તો હંમેશા પર્વત પર્વત રમવું હોય. કારણ કે પર્વત પર્વત રમવાથી એને ઉડવાનું મળે! નાયિકાને ઉડવાની પહેલેથી જ ઘણી ઇચ્છા છે. નાયક એના માટે શિફોનની સાડી લઈ આવે છે. નાયિકાએ એ સાડી પહેરીને એનો પાલવ લહેરાવ્યો ત્યારે નાયકે જોયું હતું કે નાયિકાના પગ તો જમીનથી અદ્ધર હતા! એક દિવસ નાયિકા એનાથી દૂર જવાનું નક્કી કરે છે ત્યારે એને પાંખો ફૂટે છે અને છેવટે એ આકાશમાર્ગે અલોપ થઈ જાય છે! ‘અંધકાર’માં કથક ચમત્કારિક અનુભવ કરે છે. એ એક એવા માણસની વાત કરે છે જે એના પર ઝળૂંબી રહ્યો છે. એ નિશ્ચલ, મૃત અને ઠંડોગાર છે. થોડી વારે દૃશ્ય બદલાય છે. દૂર થોડાંક માણસો કોઈની ચિતામાં લાકડાં ગોઠવી રહ્યાં છે, મૃત્યુનો સંકેત અપાય છે. એ પછી ફરીથી દૃશ્ય બદલાય છે. માથું, ધડ, હાથપગ, હા. માણસોના આકારો, ઘણાં બધાં માણસો. એ બધાં રસ્તે ચાલી રહ્યાં છે. અહીં ફરીથી જાદુઈ અનુભવ થાય છે. રસ્તે ચાલતાં માણસો માથેથી માંડીને ક્રમશઃ ભૂંસાવા માંડે છે, ક્રમશઃ રહી જાય કેવળ એમના પગો! વાર્તામાં અતિવાસ્તવનો ચિત્તથરારક અનુભવ! ‘ડુ નોટ ડિસ્ટર્બ’ એક સરસ ભયકથા છે. અંગ્રેજી સાહિત્યમાં અનસોલ્વડ મિસ્ટ્રી નામનો એક લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. આ વાર્તા એ જ પ્રકારની છે. વિવાન હવાફેર માટે કશુંક નવું કરવું એવા ઉદ્દેશથી એકલો જ એક હિલ સ્ટેશન પર ફરવા જાય છે. અહીં એની જોડે વિચિત્ર અને ભયજનક અનુભવ થાય છે. એ એક ઓરડામાં બંધ થઈ જાય છે અને બહાર નીકળી શકતો નથી! એ એકલો હોવા છતાં પોતાની આસપાસ ત્રણચાર જણાની હાજરી અનુભવે છે. એ સમયસર ઘેર પાછો ફર્યો ના હોવાથી એની પત્ની તપાસ કરવા એ હોટલમાં જાય ત્યારે વિવાન એમની હોટલમાં આવ્યો હોવાની હોટલવાળા ના પાડે છે. પણ હા, આવનારી મહિલા માટે ઓરડો ફાળવવા તેઓ તૈયાર છે! આવા અંત સાથે વાર્તાકાર ઇશારો કરે છે કે જેમ વિવાન ગુમ થઈ ગયો એમ હવે એની પત્ની પણ ગુમ થઈ શકે છે! ‘એક સફર’માં નાયિકાએ ચંપલ જૂનાં જ પહેર્યાં છે એ વાતનો રાજીપો પ્રગટ કરતાં નાયિકાનો પ્રેમી કહે છે કે એણે નવી ચંપલ ના પહેરી એ સારું કર્યું, કોને ખબર, નવાં ચંપલ ડંખ્યાં હોત! અહીં નાયિકાના પ્રેમીની વિચારસરણી અંગે વાર્તાકાર પ્રારંભમાં જ સંકેત આપી દે છે કે એ નવા વિચારોને અવગણે છે, નવી વસ્તુઓથી અને નવી વાતોથી દૂર રહે છે. ટ્રેનની સફરમાં સહપ્રવાસી જે બ્લોગર છે તેની જોડે વાતો દરમિયાન નાયિકાને ખ્યાલ આવે છે કે પોતાના જીવનમાં સમસ્યા શું છે. એને સમજાઈ જાય છે કે એના પ્રેમીના વિચારો બંધિયાર થઈ ગયા છે. નાયિકા એને પડતો મૂકીને આગળ વધવાનું નક્કી કરે છે. ‘તુમ્હારી નીલુ’ ભિન્નધર્મીય હોવાના કારણે બે પ્રેમીઓની અધૂરી રહેલી પ્રેમકથા છે. આ વાર્તા બીજી વ્યક્તિ કથનકેન્દ્ર પદ્ધતિથી રજૂ થઈ છે. નાયક વિમાનપ્રવાસ દરમિયાન સહપ્રવાસી યુવતીના હાથમાં ઉર્દૂ શાયરીઓનું પુસ્તક જુએ છે. એ જુએ છે કે એની જ લખેલી શાયરીઓનો સંગ્રહ એની એક સમયની પ્રેમિકાએ છપાવ્યો હોય છે. વાર્તામાં ઠેર ઠેર ઉર્દૂ શાયરીના અમીછાંટણાં વરસાવે છે. ‘એક સફર’ અને ‘તુમ્હારી નીલુ’ એમ બે વાર્તાઓમાં સહપ્રવાસીઓ જાણ્યે-અજાણ્યે વાર્તામાં નિર્ણાયક ભૂમિકાઓ ભજવે છે. એક વાર્તામાં સહપ્રવાસીની વાતો દ્વારા નાયિકા પોતાની સમસ્યા અંગે સ્પષ્ટ થાય છે તો બીજી વાર્તામાં સહપ્રવાસીના હાથમાંના પુસ્તકના કારણે નાયકને પૂર્વપ્રેમિકાના સગડ મળે છે.
નારીસમસ્યાઓની કેટલીક વાર્તાઓ :
‘ધાગે’ ગામડેથી આવેલાં ઇન્દુબેનને એમના પતિ ગમાર ગણે છે અને રોજબરોજના જીવનમાં કોઈ પ્રશ્ને એમનો અભિપ્રાય પૂછતાં નથી. પિતાનું જોઈને દીકરો પણ માતાને અવગણતો થઈ જાય છે. દીકરાનાં લગ્ન પછી આવેલી પુત્રવધૂ કૃતિકા પોતાની સાસુ દ્વારા ભરેલા પણ માળિયે પડી રહેલા ભરતગૂંથણના નમૂનાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કૃતિકા પોતાની એક બહેનપણી શેલીના બુટિકમાં ઇન્દુબેનના ભરતગૂંથણની વસ્તુઓનું પ્રદર્શન ગોઠવે છે. ઇન્દુબેનની કળાની સમાજમાં પ્રશંસા થાય છે જેના પરિણામે ઇન્દુબેનમાં આત્મવિશ્વાસ જાગે છે. ‘અરૂણોદય’માં દાયણ રામી એક ગામડે ભારતી નામની સ્ત્રીની સુવાવડ કરાવવા જાય છે. ભારતીને પહેલેથી બે છોકરાઓ છે. ભારતીની સાસુએ તપાસ કરાવીને જાણી લીધું છે કે ભારતીના ગર્ભમાં ત્રીજું બાળક છોકરી છે. એ દાયણને સ્પષ્ટ કહી દે છે કે ‘અમારે છોકરી જોઈતી નથી, ઘટતું કરજે.’ પુરુષો તરફથી થતા ખરાબ અનુભવોથી રામી પોતે ત્રાસેલી છે. પુરુષજાત પ્રત્યે એના મનમાં ધિક્કાર છે. કુદરતનું કરવું કે ભારતી છોકરીને નહીં પણ છોકરાને જન્મ આપે છે. એક ક્ષણ રામી વિચારે છે કે આ છોકરાનું ગળું દાબી દઉં ને એ લોકોને કહું કે છોકરીનો નિકાલ કરી નાખ્યો છે તો કોને ખબર પડવાની છે? પણ છેલ્લી ઘડીએ રામીનું હૃદયપરિવર્તન થાય છે. નવજાત બાળકને એ પોતાની સાથે લઈ જાય છે. ‘બારી...કાચ...કાગળ...’માં સમીરા નોકરીઅર્થે પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં આવી છે. નજીકની ઝૂંપડપટ્ટીમાં એક આદમી પોતાની પત્નીને મારપીટ કરતો હોય એવું દૃશ્ય રોજેરોજ જોઈને ઘરેલું હિંસાની શિકાર બનતી પોતાની માતાની એને યાદ આવે છે. માર ખાતી સ્ત્રીના નાનકડા દીકરા ભોલુ પ્રતિ એ સમાનુભૂતિ અનુભવે છે. ‘નં ૭૦૩’માં નાયિકાને સમજાતું નથી કે બધું બરાબર હોવા છતાં બબ્બે વખત એને કસુવાવડ કેમ થઈ. ત્રીજી વેળા પોતાના પતિને શંકાસ્પદ માણસો જોડે બાળકનો સોદો કરતાં જોઈને એને પતિની મેલી રમત સમજાઈ જાય છે. એ દુર્ગા બનીને પોતાના દુષ્ટ પતિનો વધ કરે છે અને સજા ભોગવવા જેલમાં જાય છે. ‘ચીસ’માં બે સ્ત્રીઓની સફરની વાત છે. આ બંને સ્ત્રીઓ એકબીજાની જોડે છે અને નથી. બંને જંગલમાં ઊંડે ઊંડે વિહાર કરી રહી છે. બાહ્યરૂપે બે જણાતી સ્ત્રીઓ હકીકતમાં એક જ હોય એવી શક્યતા વધુ છે, આ સ્વ-ના સાક્ષાત્કારની વાત છે. રસપ્રદ આલેખન. ‘વે મેં તેનું યાદ કરા’માં ભાગલા પછી વિખૂટી પડી ગયેલી બે સખીઓનું વર્ષો પછી પુનર્મિલન થાય છે. આ વાર્તાની પાર્શ્વભૂમિ પંજાબની હોવાથી સંવાદોમાં પંજાબી ભાષાનો સારો ઉપયોગ થયો છે.
*
પ્રિયંકાબેનની વાર્તાઓમાં બે પ્રકારની લાક્ષણિકતાઓ જોવામાં આવી છે. લાક્ષણિકતા ક્રમાંક એક : મનુષ્યની ઇન્દ્રિયો તેમ જ મનુષ્યેતર ચીજવસ્તુઓને કર્તા બનાવી થયેલી અભિવ્યક્તિ. ઉદાહરણો : ૧. નજર આસપાસને ફંફોસવા લાગી. ૨. તમરાંના તારમાં ગૂંથાઈને સાંજનું પોત ઘટ્ટ બનતું જતું હતું. ૩. મારો સવાલ થોડીવાર તળેટીમાં તરતા તડકાના વધ્યાઘટ્યા ટુકડાઓમાં તરતો રહ્યો અને પછી વિખેરાઈ ગયો. ૪. જમીન પર પગ મૂકું અને ક્યાંક મારા પગ નીચે એ પગરવ દબાઈ ગયો તો! (૧ થી૪ વાર્તા ‘ચીસ’) ૫. મેં આંખો ખોલી, બંધ કરી, ફરી ખોલી. આંખો જાગી નહીં એટલે મેં આંગળીનાં ટેરવાંને જગાડ્યાં. ચહેરો ફંફોસતાં આંખો જડી, એ તેની જગ્યાએ જ હતી. ટેરવાંએ વધુ તપાસ કરી... હોઠ સાબદા થયા, ખૂલ્યા, બંધ થયા, ફરી ખૂલ્યા, સુકાઈ ગયેલા હોઠ પર જીભ છટપટી ને પછી ગૂંચળું વળીને પડી રહી... પાંપણો થથરી. કાન એની પાછળ થોડે સુધી દોડ્યા અને પાછા વળી ગયા. ૬. ...એટલામાં તો એક પોટલાએ માથેથી જમીન પર પડતું મૂક્યું. વેરાયેલાં ફૂલોએ પોક મૂકી. (૫ અને ૬ વાર્તા ‘અંધકાર’) ૭. પ્લેનની વિન્ડોમાંથી દેખાતા સૂરજે વાદળ ખસેડીને પૂછ્યું, ‘શા માટે જાય છે?’ (તુમ્હારી નીલુ) પ્રકૃતિનાં તત્ત્વોને કર્તા બનાવીને થયેલી અભિવ્યક્તિ વાર્તામાં એક પ્રકારનું સૌંદર્ય અને નાવીન્ય લાવે છે. પણ વાર્તાઓમાં જણાયેલી બીજા પ્રકારની લાક્ષણિકતા અંગે આવું કહી શકાય એમ નથી. આ બીજી લાક્ષણિકતા છે : વાર્તાઓમાં જણાતી હિન્દી ભાષાની ઘેરી અસર. ઉદાહરણો ૧. ફેશન વર્લ્ડમાં એમની ક્રિએટીવીટી ખૂબ સરાહના પામી. (ધાગે) ૨. રમેશને જાણે સાપ સૂંઘી ગયો. (નં. ૭૦૩) ૩. મારામાં ‘પછી’ વિશે જાણવાની ઇન્તેજારી હંમેશા રહેતી. (પાંખો) ૪. તેની પતંગિયા જેવી ચંચળ અધૂરપના ખુલ્લા છેડાઓનો અંત હું મારામાં ખોજવા લાગ્યો. (પાંખો) ૫. પંખો આખો દિવસ ઉમસ ભરેલી હવાને રૂમના ખૂણે ખૂણે ફેલાવતો રહે છે. (ચીસ) ૬. એન્જિન અને પૈડાંનો શોર છેક કોચની અંદર સુધી આવતો હતો. (એક સફર) હિન્દી ભાષામાં થયેલી આ અભિવ્યક્તિ વાર્તાઓ માટે કોઈ રીતે ઉપકારક નથી. આ શબ્દપ્રયોગોના ગુજરાતી પર્યાયો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શક્યા હોત અને જે તે વાત સરળતાથી અસરકારક રીતે કહી શકાઈ હોત. ‘તુમ્હારી નીલુ’ વાર્તામાંની ઉર્દૂ શાયરીઓ કે ‘વે મેં તેનું યાદ કરા’માંના પંજાબી સંવાદો ખટકતા નથી કારણ કે ત્યાં એની જરૂરિયાત છે.
કિશોર પટેલ
વાર્તાકાર, વાર્તાસમીક્ષક
મુંબઈ
મો. ૯૮૬૯૭ ૧૭૦૧૦