અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ક્યાં જાવું?
`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી
તરંગોને તો દરિયો છે, ભલા, આરાએ ક્યાં જાવું?
વિચારો કાજ દુનિયા છે, આ દિલ મારાએ ક્યાં જાવું?
જીવનનો સાથ સ્વીકારું કે પાલવ મોતનો પકડું?
નથી સમજાતું એના એક અણસારાએ ક્યાં જાવું?
નથી પડતું લગારે ચેન જેના દ્વાર વિણ દિલને,
દિયે છે એ જ જાકારો, એ જાકારાએ ક્યાં જાવું?
મના રડવાની કરતાં પ્હેલાં સમજાવે મને કોઈ,
કોઈની યાદમાં તડપેલ અંગારાએ ક્યાં જાવું?
રુદનનું એ જ કારણ છે કે બે આંખો, સ્વપન લાખો,
ને હર સ્વપ્ને ફૂટે રસધાર, એ ધારાએ ક્યાં જાવું?
ન ફાવ્યું તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે,
ખરી શકતા નથી કંટક, એ દુઃખિયારાએ ક્યાં જાવું?
મળી રહે છે સહારો દેહને કબ્રે સ્મશાને પણ,
ઠરીને ઠામ થાવા જીવ-વણજારાએ ક્યાં જાવું?
મરણનો સાથ પણ મળતો નથી એને, અરે કિસ્મત!
મરણ વાંકે જીવનનો ડોળ કરનારાએ ક્યાં જાવું?
નહીં ઠેલી શકું એને, હું જાણું છું છતાં ગાફિલ,
જીવન છોડી અજાણ્યા મૃત્યુ સથવારાએ ક્યાં જાવું?