સંચયન-૬૪

From Ekatra Wiki
Revision as of 02:05, 7 January 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan - 64.jpg
સંચયન - ૬૪

પ્રારંભિક

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૬: ડિસેમ્બર ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૪



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatramagazines.com
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૪

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.


Satyajit-roy-murthy-s.jpg

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક - ૬: ડિસેમ્બર, ૨૦૨૪
સમ્પાદકીય
» બાળસાહિત્યની બારાખડી ~ કિશોર વ્યાસ
કવિતા
» ત્યાગ ન ટકે રે... ~ નિષ્કુળાનંદ સ્વામી
» મર્યાદા ~ રતિલાલ છાયા
» ન જાય ઘરમાં - ન બ્હાર આવે ~ શયદા
» બની જશે ~ મરીઝ
» બાળકોના વૉર્ડમાં એક માતા ~ વાડીલાલ ડગલી
» ઝાકળનાં જળ ~ દુર્ગેશ શુક્લ
» ને જગા પુરાઈ ગઈ ~ ઓજસ પાલનપુરી
» ચિરવિરહીનું ગીત ~ રમેશ પારેખ
» હવે તું ~ રામચંદ્ર પટેલ
» ઘરઝુરાપો ~ નિલેશ રાણા
» નર્સિંગહોમ ~ નિલેશ રાણા
» મગજીની કોર ~ બાબુ નાયક
» ઘટમાં ઝાલર બાજે ~ ઊજમશી પરમાર
» અરજી ~ કાનજી પટેલ
» શું બોલું, શું બોલું ? ~ ‘ભભાઈ’ ભરત પાઠક
વાર્તા
» એક મેઈલ ~ પૂજા તત્સત
નિબંધ
» ક્યાં ગયા એ શિક્ષકો.. ~ ભાગ્યેશ જ્હા
» આકાશની ઓળખ ~ ભાગ્યેશ જ્હા
વિવેચન
» રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ ~ શ્રેષ્ઠ રા. વિ. પાઠક
» શબ્દ સકળ પૃથ્વીના ~ અજયસિંહ ચૌહાણ
પત્રો
» ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર
» હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર
કલાજગત
»દૃષ્ટિ ભીતરની સત્યજિત રાયનું કલાવિશ્વ: અમૃત ગંગરના પુસ્તકનો આસ્વાદ ~ કનુ પટેલ

સમ્પાદકીય

Sanchayan 64 Image 2.png

“બાળસાહિત્યની બારાખડી”
કિશોર વ્યાસ
આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ એ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે.

Sanchayan 64 Image 3.png

આપણે ત્યાં આજે બાળસાહિત્યના જે લેખકો છે એ કઈ દિશામાં કામ કરી રહ્યા છે? એમાં સત્ત્વ તત્ત્વ કેવું છે? બાળસાહિત્યના સામયિકોમાં કેવી સામગ્રી પ્રગટ થઈ રહી છે એનો અંદાજ મેળવવાનું પણ જાણે આપણું લક્ષ રહ્યું ન હોય એવું પ્રતીત થાય છે. ‘પંચતંત્ર’, ‘મહાભારત’ કે ‘રામાયણ’ જેવી રચનાઓમાંથી બાળભોગ્ય કથાઓ, ચરિત્રો તો ઘણા કહેવાયા. પૂર્વે કહેવાયેલી વાર્તાઓના અનુકરણો અને રૂપાંતરો પણ ઘણા ચલાવ્યા ત્યારે આજના સમયને અનુરૂપ વિજ્ઞાન કથાઓ, સાહસ કથાઓ, કિશોર સાહસ કથાઓ, પ્રવાસ નિબંધો અને બાળનાટિકાઓ લખનારા લેખકોની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી છે. યશવંત મહેતા, નટવર પટેલ, રક્ષાબહેન દવે, કિરીટ ગોસ્વામી, જિગર જોષી, ગિરીમા ઘારેખાન, આઈ.કે. વીજળીવાળા, મહેશ ‘સ્પર્શ’ જેવા ઘણા નામો તરતમાં સ્મરણે ચઢે, જેમણે આજના બાળકોને મજા પડે એવી રચનાઓ આપી છે, પરંતુ બાળકો સાથેનો અનુબંધ તો પ્રાથમિક શિક્ષણ આપી રહેલા બે લાખ ઉપરાંતના શિક્ષકોનો જોડાયેલો છે. બાળકો સાથેનો એમનો સીધો જ, રોજબરોજનો સંસર્ગ છે ત્યારે બાળસાહિત્ય કેવળ બાળકો જ વાંચે એમ નહીં, પ્રાથમિક શિક્ષણ આપનાર શિક્ષકોએ પણ આ દિશામાં દીક્ષિત થવાની, રસરુચિ ઊભી કરવાની ને એનો પ્રસાર કરવાની આજે તો અનિવાર્યતા થઈ પડી છે. આજના બાળસાહિત્યમાં શું હોવું ઘટે એની અનેકવિધ વિચારણા આપણે ત્યાં મોજૂદ છે, પણ આખરે તો આ સાહિત્યની સમૃદ્ધિનો ખરો ખ્યાલ પાયામાં રહેલો પરિવાર અને શિક્ષકો જ આપી શકે. વાચનની સુટેવ જગાડવાની ઘણી મોટી જવાબદારી આ લોકો પર નિર્ભર રહેલી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના ઉભરાને કારણે ગુજરાતી બાળસાહિત્યને વાચનારો વર્ગ ઘટી રહ્યાની ચિંતા વારેતહેવારે પ્રગટ થઈ રહી છે એને સ્મરણમાં રાખીને બાળકોને મૂલ્યલક્ષી કથાનકો તરફ, વિજ્ઞાનની અનેકવિધ શાખાઓ જેવી કે ખગોળ, પર્યાવરણમાં રસ-તરબોળ કરતી કથાઓ આપણે સર્જી શકીએ છીએ ખરા? એ વિચારવું રહે છે. આજે સાહિત્ય સ્વરૂપના સામયિકો પણ જ્યારે ખોડંગાતી ગતિએ ચાલતા હોય ત્યારે સમૃદ્ધ બાળસામયિકોની અપેક્ષા વધુ પડતી કહેવાય તે છતાં આ દિશામાં કામ કરી છૂટનારા સામયિકોએ પુનરાવર્તનો, કઢંગી રચનાઓ અને તેના સમગ્ર આયોજન તેમ રૂપરંગ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. બાળકો માટે દર સપ્તાહે પ્રકાશિત થતી અખબારી પૂર્તિઓ, ‘બાલસૃષ્ટિ’ અને ‘ટમટમ કીડ્ઝ’ જેવા સામયિકોમાં પ્રગટ થઈ રહેલી સામગ્રીનું ધોરણ શું છે? એ જોઈને પણ આપણા બાળસાહિત્યની ગતિવિધિનો એક અંદાજ મેળવી શકાય એમ છે. બાળસાહિત્યની બારાખડી હવે પરંપરિત રચનાઓથી ચાલે એમ નથી. એ બારાખડીને પામવી અઘરી જતી જાય છે, કેમકે બાળવાચકો, બાળલેખકો સામેનો સમય બદલાઈ ગયો છે. બાળસાહિત્ય આજે પડકારજનક સ્થિતિએ હોવા છતાં એમાં શક્યતાઓ પણ પાર વિનાની છે. એ રાહ જોઈ રહી છે, આ બારખડીને અવગત કરનારની. એ મળશે ખરા?

કવિતા

ત્યાગ ન ટકે રે...
નિષ્કુળાનંદ સ્વામી

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી;
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. ત્યાગ૦
વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દરજી;
ઉપર વેષ આછો બન્યો, માંહિ મોહ ભરપૂરજી. ત્યાગ૦
કામ-ક્રોધ-લોભ-મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાયજી. ત્યાગ૦
ઉષ્ણરતે અવની વિષે, બીજ નવ દિસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, ઇંદ્રિય વિષય આકારજી. ત્યાગ૦
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગજી;
અણભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી. ત્યાગ૦
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણાશ્રમથકી, અંતે કરશે અનરથજી. ત્યાગ૦
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;
ગયું ધૃત મહિ માખણ થકી, આપે થયું રે અશુદ્ધજી. ત્યાગ૦
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી;
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી. ત્યાગ૦
(‘મુખપોથી’માંથી)

મર્યાદા

(અનુષ્ટુપ)

રતિલાલ છાયા

ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ

અનોખી સ્વસ્થતા ધારી ડોલતો શાથી અર્ણવ?

ઐરાવત ગયો મૂકી, ઇન્દ્રને મહેલ ડોલવા;

પાંચજન્ય ગ્રહ્યો કૃષ્ણ કાળની વાણી બોલવા;

સૂર્યના સારથિ કેરાં સ્વીકારી તેજ-ઈજનો

લાડીલો અશ્વ ખેડતો આભનાં નીલ કાનનો; 6
અમીકુંભ લીધો દેવે; પીધું રુદ્રે હલાહલ,

વિષ્ણુની ગૌર ગ્રીવાએ વિરાજ્યો મણિ કૌસ્તુભ;

ધન્વંતરી ગયા છાંડી પૃથ્વીનાં દર્દ ખાળવા,

ચન્દ્રમાં આભમાં ચાલ્યા રોહિણી-કંઠ ઝૂલવા; 10
કામદુગ્ધા ગ્રહી ઇન્દ્રે ઇચ્છાની વાડી સિંચવા,

પારિજાત રહ્યાં મોહી રાધિકા-વેણી ગૂંથવા;

સ્વપ્નની સુંદરી જેવાં રંભા ઇન્દ્રપુરી વસ્યાં,

વીરનાં બાહુએ બેઠાં ધનુષ્‌-કોટિ-પ્રભાવતાં; 14
સમૃદ્ધિ સૌ ગઈ ચાલી છતાં નિર્ધન કાં નહીં?

છે હજી એક મર્યાદા-લાખેણું ધન એ સહી. 16
(ગુજરાતી સૉનેટ કવિતા)

ન જાય ઘરમાં - ન બ્હાર આવે
શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;

કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;

તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?

કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,

હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;

ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;

જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;

હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?

ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.
(ગુજરાતી ગઝલ)

બની જશે
મરીઝ

જ્યારે કલા, કલા નહીં જીવન બની જશે,

મારું કવન જગતનું નિવેદન બની જશે.

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,

તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,

જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,

નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,

એને જો હું વિતાવું તો જીવન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા!

મારું છે એવું કોણ કે બંધન બની જશે!

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,

શંકા વધી જશે તો સમર્થન બની જશે.
(ગુજરાતી ગઝલ)

બાળકોના વૉર્ડમાં એક માતા
વાડીલાલ ડગલી

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોશ્વાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.
(‘મુખપોથી’માંથી)

ઝાકળનાં જળ
દુર્ગેશ શુક્લ

ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!

પળનાં પારેવડાંને ઊડવાની ચળ!

પકડ્યાં પકડાય નહીં પળ પળમાં છળ,

ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ!

તટની વેળમાં પડ્યા ભાતીગળ સળ,

વાયરો વહે ને થાય સઘળું સમથળ,

તોયે હજી વળે નહીં કેમે કરી કળ!

ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
(પર્ણમર્મર, ૧૯૮૫, પૃ. ૯૦)

ને જગા પુરાઈ ગઈ
ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.

ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,

પ્રેમનો ઉત્કર્ષ થતાં ભાવના બદલાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,

ખુદ કજા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,

એ મરણના મુખ નહીં પણ જિંદગી જીવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,

આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
(‘મુખપોથી’માંથી)


ચિરવિરહીનું ગીત
રમેશ પારેખ

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે

તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ

કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે

કોઈ અધૂરા પ્રેમપત્ર–શી વેરણછેરણ ઋતુઓ

ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે

આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી

પાંપળ ઉપર ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે

તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા

ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘જોવું’

સુક્કાસુક્કા ટગરવૃક્ષ પર ફૂલ થઈને બેસી રહેતો

રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?

આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે

ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે

તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
(‘છ અક્ષરનું નામ’માંથી)

હવે તું
રામચંદ્ર પટેલ

તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
પડેલો દ્વારેઃ ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
અડ્યાં; જાગી ઊઠ્યો તરત થઈને મોર કલગી
જઈ બેઠો સાખેઃ પછી નીરખું તો તોરણ તમે
રહ્યાં મ્હેકી,... પાછો હું સરકી જઈ કુંજર સમ
થયો પાણિયારું... ઉતરડ બની તામ્રવરણી
ઊગી મો’રી ઊઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.
વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ
ઠરે એ વ્હેલાં તો ઊતરી ગઈ લૂખા લીંપણમાં...
હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.
(‘ચોસઠ સૉનેટ કાવ્યો’ માંથી)

ઘરઝુરાપો
નિલેશ રાણા

છોડ હવે વનવાસ

અહેસાસનો ભરી શ્વાસ

કર નીજને

ઘરઝુરાપામાંથી તડીપાર

અધિકાર આ ધરાનો

કરે કેમ ઇન્કાર?

અહીં નથી આવ્યો મરજીથી

તો જા – ખુલ્લાં છે દ્વાર

મન સાથે ના લડ

પડી જશે તો તડ

મળશે માત્ર અંધકાર

ભળી શ્વાસમાં – લોહી બની ગઈ

જોને અહીંની માટી,

નથી ભૂસવું અને વળી

આ કોરી રાખવી પાટી!

ભર્યો પ્રથમ શ્વાસ ભલે ત્યાં

છેવટનો અહીં જ છૂટશે

અ-બ-કમાં નહીં

કદીક કોઈ યાદોને

A-B-Cમાં ઘૂંટશે

ગુલમહોર નહીં –

અહીં કબરને

ટ્યૂલિપ – ડેફોડિલ્સ જ ચૂમશે.
(‘મુખપોથી’માંથી)

નર્સિંગહોમ

નિલેશ રાણા
અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન

થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને
વાંકા વળેલાં
વૃક્ષો સમું...

ઉપર ઉપરથી વહેતું જીવન

જાણે ઝીણો પવન

સ્થિર રાત્રિ શા

દિશાશૂન્ય – મુક્ત પંખી-મન

રિક્તતા સઘન

આથમવા ક્ષિતિજો શોધતું

કશુંક ગહન

પ્રશ્ન એક જ!

ક્યાં... છે... મરણ?

મારા જ ભવિષ્યનો ભૂતકાળ
કૃષ્ણવિહોણું વૃંદાવન
(‘મુખપોથી’માંથી)

ઘટમાં ઝાલર બાજે
ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારિયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે,
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
(‘મુખપોથી’માંથી)

અરજી
કાનજી પટેલ

તાડ પાંદડું ગોળ વળ્યું કે પીહો
તુંબડાનો તંબૂરો
વાંસમાં પેઠી ડગળી ને વાંસળી
ગટલીની જીભી ઘસી કે પીહી
ઢોર શીંગનું વાજુ
વીરવણ ઘાસનો મોર ગૂંથ્યો
બીન પર લાગ્યું મઘ મીણ
ને મહુવર કાળબેલિયા
થાળી વગાડવાની
એમાં જ ખાવાનું
આ તો જબરું જ કે?
હસતાં રમતાં અમે થાનકે પહોચ્યાં
બોલ્યાંઃ દૂધ કોદરી ધાન આલજે
પોલા નૈયે હરો આલજે
ખળે ધાનને વહેંચી ખાઈએ
વધ્યા ધાનથી કોઠી ભરીએ
મન મેલીને ઢોર ધરબીએ
ઠંડા જળથી કોઠો ઠારીએ
ગોવાળ કૂદશે મહુડે
(‘ધરતીના વચન’માંથી)

શું બોલું, શું બોલું ?
‘ભભાઈ’ ભરત પાઠક

શું બોલું, શું બોલું ?
દુઃખ હોય તો રોઉં - આ તો સુખશમણાનું ઝોલું !
પહેલવારકી ભાળી’તી જે
નેણહૂંફાળાં મરકલડાંની તરવર્ય તરવર્ય ભાત્ય,
અટવાતી, ગૂંથાતી એમાં, હસતી, રોતી, રમતી, ગાતી,
ખોવાતી, પકડાતી દીઠી તે દી’થી આ જાત્ય !
કાલ સુધી જે સાવ નફકરી ફરતી’તી
ઈની ઈ હું આ ઘરમાં બેઠી ઘુમટો યે ના ખોલું !
શું બોલું, શું બોલું ?
જરાક અમથું મરકલડું
ને પલકવારમાં જીવતર મારું સાવ ગયું બદલાઈ,
રૂંવે રૂંવે ડરું,
અરે એ ક્યાંક જરા જો ઓરા આવી આછું યે તે અડી જશે તો
જાતબટકણી જઈશ હું તો સમૂળગી વેરાઈ !
સાવ સાડલો ચોફરતો ઓઢીને, આખો દેહ બધો સંકોરી
લઈને
જાતમાંહ્યલી ઝંખી રહી છે એનું એક અડપલું.
શું બોલું, શું બોલું ?
દુઃખ હોય તો રોઉં - આ તો સુખશમણાનું ઝોલું!

(‘મુખપોથી’માંથી)


વાર્તા

Sanchayan 64 Image 4.jpg

એક મેઈલ
પૂજા તત્સત

નામ લખવાથી ડરું છું. ક્યાંક તારા નામથી તારી પ્રતીતિ એટલી ઘેરી બની જાય કે લખી જ ન શકું. ઘણા દિવસો સુધી મનમાં મેઈલ લખ્યા પછી આજે ખરેખર લેપટોપમાં લખી રહી છું. ગઈ કાલે લખવા ગઈ ત્યારે નીચેવાળાં પુષ્પાઆંટી આપણા બાથરૂમમાંથી એમના બાથરૂમમાં પાણી લીક થવાની ફરિયાદ સાથે આવી ગયાં. પરમ દિવસે લખવા ગઈ ત્યારે લેપટોપના ચાર્જરનું પ્લગ વચ્ચેથી તિરાડ પડીને છૂટું થયેલું મળ્યું. ગઈ કાલે બદલાવ્યું. મહિના પહેલાં એક વાર આમ લખવા બેઠી ત્યારે મેઈલના એડ્રેસમાં તારું નામ લખીને ક્યાંય સુધી એને જોતી બેસી રહી. તને, એક પતિને આવું બધું લખવું ને મેઈલમાં લખવું એ મારી તને આ બધું મૌખિક રીતે કહી શકવાની નિષ્ફળતા સૂચવી જાય છે એવું કંઈ વિચારતી રહી. વધારે પ્રયત્ન કર્યો હોત તો ગઈ કાલે પણ લખી શકી હોત અથવા પરમ દિવસે અથવા એની આગળના દિવસે અથવા કદાચ મહિના પહેલાં અથવા એથીય પહેલાં. પણ કદાચ આ લખવાનું આજે જ બનવાનું હશે. વિચારો, લાગણીઓની પ્રવાહિતા થીજીને ઘન સ્વરૂપે શબ્દોમાં ઊતરે એના માટે આ સમયગાળો જરૂરી હશે. ઘણી વાર મનમાં લખાયા પછી આમ સાચેસાચ લખાવું એવું જરૂરી હશે. આમ જીવનને તટસ્થતાથી જોઈએ તો એક રેખા કે એક વળાંક કે એક ખૂણો કશું જ અનિયમિત કે અસંગત ન લાગે. બધું બરાબર ગોઠવાયેલું લાગે. આપણા નિર્ણયો, આપણને લેવડાવવામાં આવ્યા હોય એવા ને આપણે જાતે લીધા હોય એવું લાગતું હોય એવા પણ... પણ આટલી તટસ્થતા અફાટ રુદન બાદ જ આવતી હોય છે એવું પણ સમજાયું છે. આમ તો. શું? યાદ કરવા બેસું ત્યારે એમ.એ.માં એડમિશન માટેના ઇન્ટરવ્યૂની લાઈનમાં ઊભેલો સોળ વર્ષ પહેલાંનો તું દેખાય. એ વખતે તારું કપાળ અને ચહેરો અત્યારે છે એટલાં પહોળાં નહોતાં. ને પાંથી પણ આમ સાઇડમાં નહીં ને ખાસી વચ્ચે પાડતો. આંખ-નાકની સરહદો જે અત્યારે સહેજ વજન વધવાથી ભૂંસાઈ ગઈ જણાય છે એ જરા વધારે સ્પષ્ટ હતી. એ વખતે એકબીજાનું કેવું બધું સ્પર્શતું? તને મારું ક્લાસમાં હંમેશાં મોડું આવવું ને હંમેશાં પાર્કિંગની હરોળની વચ્ચે મારું વાહન મને જ ન જડવું ગમતું. ને મને તારું ક્લાસમાં હાજરી પુરાતા સહેજ ઊંઘરેટા સાદે પ્રેઝન્ટ સર કહેવું ને તારું સહેજ પરસેવાથી પીઠ પર ચોંટી ગયેલ શર્ટ... યાદોને સમેટીને લેપટોપના કાગળ પર પાથરવા બેસીશ તો કલાકો- દિવસો નીકળી જશે. પણ મહત્ત્વની વાત એ છે કે તને જણાવવું છે કે છ મહિના પહેલાંનો એ એસએમએસ મેં વાંચ્યો હતો : આઈ લવ યૂ. એ તારી સાથે તારી ઑફિસમાં છે એ તો સ્પષ્ટ છે. હું ઑફિસની પાર્ટીમાં એને મળી હતી ત્યારે મને એવું કંઈ લાગ્યું ન હતું પણ આ એસએમએસ બાદ એને ને અમારી એ મુલાકાતને તેં એને મોકલેલ અને મારાથી ભૂલથી વંચાઈ ગયેલ એસએમએસના સંદર્ભમાં જોવા પ્રયત્ન કર્યો : આઈ લવ યૂ. મારી સ્મૃતિમાં રહી ગયેલા એના ચહેરા, અવાજ અને વાતો અને તારા એને કરેલ એસએમએસ વચ્ચે અનુસંધાન શોધ્યું. એનામાં એવી વિશેષતા શોધી જોઉં જેનામાંથી આ એસએમએસ પ્રગટ્યો હોય. પહેલાં તો જુદી બરણીને જુદું ઢાંકણ વાસવાની મથામણની નિરર્થકતાની અચાનક પ્રતીતિ થાય એવું લાગ્યું. પછી બારી બહાર જોતાં અચાનક ઋતુપલટો આવી ગયો હોય એવું લાગ્યું. પછી એવું લાગ્યું કે જાણે હું ઘરને નહીં ઘર મને જોઈ રહ્યું છે તારા મોબાઇલ સ્ક્રીન પરના એસએમએસને જોતાં. હું જમીનને નહીં જમીન મને, મારા પગના તળિયાને સ્પર્શીને કશું શોધી રહી છે મારી અંદર. મેં કોઈ કામસર કોઈનો નંબર જોવા તારો મોબાઇલ હાથમાં લીધેલો તે બંધ કરી એની જગ્યાએ મૂકી દીધો. માત્ર ‘આઈ લવ યૂ’ના એક એસએમએસથી હું આમ મેઈલ લખવા ન બેસું એ તું સમજી જ શકે. પણ એ પછી એવું ઘણું જોવા-વાંચવામાં આવ્યું, જેનાથી આ બાબતને એક એકલદોકલ પ્રસંગમાત્ર તરીકે ન ગણીને આપણા બંનેના જીવનની એક ઘટના તરીકે મૂલવવી પડી. તારી બેદરકારી હોય કે મારા પરનો વિશ્વાસ કે પછી વધુ પડતો આત્મવિશ્વાસ પણ એ ૫છી કેટલીક વાર વૉટ્સઍપ પર તમારા બંને વચ્ચે કાવ્યો, ગીતો, અમુક પ્રકારનાં વાક્યોની આપ-લે જોઈ. માત્ર આઈ લવ યૂથી ઘણું ગાઢ, ઘણું ઘેરું, ને આ વખતે એ બધું ભૂલથી નહીં પૂરી સભાનતાથી શોધીને વાંચ્યું હતું. ઘણુંબધું એમાંથી સમજાયું ને બાકીનું તારા વ્યક્તિત્વમાં હમણાંથી પ્રવેશેલા નવા થનગનાટથી. પ્રશ્ન એ નથી કે આપણાં લગ્ન પ્રેમલગ્ન હતાં. એ પણ નહીં કે આપણને પંદર વર્ષનું સંતાન છે. એવું નહીં કે આ વાત કોને કહેવી ને કોને ન કહેવાય. ને કોઈને ખબર પડશે તો કેવું ને કોઈ મને આવીને જણાવશે તો મારો પ્રતિભાવ શું... પ્રશ્ન એ પણ નથી કે અત્યાર સુધી હું જેને માત્ર ફિલ્મો ને સિરિયલોમાં જ બને તેવી ઘટના તરીકે જોતી હતી એ ખરેખર મારી સાથે બની છે એ સ્વીકારવું અઘરું છે. ને કદાચ એવું પણ નહીં કે હજી ગઈ એનિવર્સરીમાં તો તેં મને ટાઈટન રાગાની ઘડિયાળ ગિફ્ટ કરી. જોકે આ બધા પ્રશ્નો તો છે જ. મને ખબર છે અખબારોનાં પાનાંઓમાં આ પ્રશ્નોના તર્કસંગત વિગતવાર જવાબો મળી રહેશે. પુરુષોની ભ્રમરવૃત્તિ, કદાચ મારામાં કંઈ ઓછું, કદાચ એનામાં કંઈ વિશેષ... કદાચ આવા સંજોગોમાં પત્નીએ ડહાપણથી, પરિપક્વતાથી ઠંડે કલેજે કેમ વર્તવું એની ટિપ્સ પણ મળી રહે. કંઈ બન્યું જ નથી એમ વર્તવું. હું વર્તી. નિખાલસતાથી પૂછી લેવું. મેં પૂછ્યું, એવું કંઈ નથી એવું તેં જણાવ્યું એ પછી મહિનાઓ વીત્યા. આપણા દીકરાની વર્ષની સ્કૂલ ફીઝ ભરાઈ, સીઝનના મસાલા, ઘઉં ભરાયા, પાછળ બનતા નવા ફ્લેટ્સમાં લોકો રહેવા પણ આવી ગયા. મારી જૉબના કલાકોમાં ઉમેરો થયો ને પગારમાં પણ. એવું કંઈ ન હોય તો સવારે ચા પીતાં, છાપું વાંચતાં તું અચાનક વિચારોમાં ખોવાઈ જાય છે પછી ક્યારેક મલકે છે, ક્યારેક ટીવી ચાલુ કરવાનું ટાળીને બસ બેસી રહે છે એવું કેમ એવા વિચારો આવ્યા. હરેક વિચારની સાથે તારા મોબાઇલ સ્ક્રીન પર સેન્ટ મેસેજમાં ડિલીટ કરવાનું રહી ગયેલા ‘આઈ લવ યૂ’ શબ્દો ઝબક્યા. સત્તર વર્ષ પહેલાં તેં મને પ્રપોઝ કરતાં કાર્ડમાં બ્લૂમાં સોનેરી અક્ષરોમાં લખાયેલા ‘આઈ લવ યૂ‘ સાથે મનોમન એની સરખામણી થઈ. સેન્ટ ને બદલે રિસીવ કરેલા મૅસેજમાં આ શબ્દો મેં વાંચ્યા હોત તો? તો મારી મનઃસ્થિતિ જુદી હોત આના કરતાં? કોઈ તને પ્રેમ કરે તો વાંધો ઓછો અને તું કોઈને કરે તો વધારે એવું હશે? આ બધું શું જોખી શકાતું હશે ? જોખવાથી કોઈ ફરક પડતો હશે? આમ તો અત્યારે આ મેઈલ લખીને તને મોકલવાથી પણ ફર્ક પડશે? ને ફર્ક ન પડવાથી પણ કોઈ ફર્ક પડતો હશે ખરો? તારા બદલે હું પેલા મિહિરને પરણી હોત અથવા તું મારા બદલે આ મૅસેજવાળી વ્યક્તિને પરણ્યો હોત તો ? અથવા કદાચ મને પણ લગ્નનાં સોળ વર્ષ પછી કોઈએ આવીને ‘આઈ લવ યૂ’ કહ્યું હોત તો? તો મારો ચચરાટ આનાથી ઓછો હોત એવું બને ? આ બધું પણ થયું. જાણે મારી નહીં ને છાપામાં આવતી ખબરમાંની કોઈ સ્ત્રીની વાત કરતી હોઉં એવી સ્વસ્થતાથી લખી રહી છું એવું તને લાગતું હશે. જોજે માનતો કે પીડા નથી થઈ. ઘણું રોઈ. જોકે તારી આગળ ક્યારેય નહીં. શું કારણ આપું? તેં કેમ આવો મૅસેજ કર્યો ? તું કેમ મારા સિવાય બીજા કોઈને પ્રેમ કરે છે? મને એક સમયે કર્યો હતો એ પ્રેમ સાચો કે અત્યારે કોઈને કરે છે એ? ફરી જોખવાનું આવ્યું. ત્રાજવાંનો પ્રશ્ન થયો. જવાબ ન મળ્યો. વિચારો, પ્રશ્નો, શક્ય જવાબો તાજા હોય ત્યાં સુધી વિટામિનની કૅપ્સ્યૂલ જેવા ને વાસી થયા પછી કૅપ્સ્યૂલના નકામા થઈ જતા રેપર જેવા. ફરી આવે ત્યારે ફરી વિટામિન જેટલા મહત્ત્વના ને ફરી વાસી થઈ જાય ત્યારે રેપરની જેમ ફેંકતાં જીવ ન બળે. ફેંક્તી રહી. તું ખોવાયેલો રહે છે એ સિવાય તારા મારા પ્રત્યેના વલણમાં કોઈ ફેર પડ્યો નથી. તારા ઓફિસે જવા-આવવાના સમયથી લઈને બધું યથાવત્ છે એ બંનેની વચ્ચે તમે મળો છો? ક્યાં? મારી ગેરહાજરીમાં આપણા ઘરે કે પછી એના? રાત્રે ક્યારેક એવું લાગે કે તારી અંદર કોઈ બીજું તને સ્પર્શી રહ્યું હોય ને બહાર જુદું... એવું બધું પૂછવાનું, કહેવાનું અનેક વાર મન થયું. મારા માટે તમારો સંબંધ શરીરના સ્તર પર નહીં ને લાગણીના સ્તર પર હોય તો વધારે વાંધાજનક કે એનાથી ઊલટું હોય તો વધારે પીડાદાયક એવા બધા અખબારી કૉલમમાંથી રોજ ફૂટતાં, પ્રસરતાં પૃથક્કરણો લાગુ પાડી જોયાં. મને ખરેખર ક્યાં શેનો વાંધો હોવો જોઈએ એની હદરેખાઓ બાંધી જોઈ. શું વધારે મહત્ત્વનું મન કે શરીર? કોઈ અન્ય વ્યક્તિની દિશામાં જતાં મનને નિયંત્રિત કરી શકાય? તો પછી શરીરને? તને જવાબો આપવા માટે લાચાર બનાવી દેવાનું મન થયું. પણ એમાં મને મારી લાચારી લાગી. વિગતોનું ઉઘાડાપણું વાગ્યું. મારી મથામણને કકળાટની કર્કશતાથી પ્રગટ કરવામાં શિક્ષિતતા આડી આવી. ફાસ્ટ કમ્યુનિકેશનના યુગમાં આવું તો બન્યા કરે એવું સ્વીકારતા જેટલી નિર્મમ આધુનિકતા નથી. સંપૂર્ણ સ્વીકાર જેટલી સ્થિતપ્રજ્ઞતા નથી. આ બધાની વચ્ચે ક્યાંક ઊભી છું. બન્યું એવું કે આજે સવારે મેં ઑફિસે જવા નીકળતાં તને કહ્યું ‘આજે પ્લમ્બર આવવાનો છે.’ તું ચા પીતો હતો. આંખોમાં છાપામાં નાક સુધીનો નીચેનો ચહેરો કપમાં. ‘પ્લમ્બર સાથે વાત થઈ છે.’ મેં વાક્ય બદલીને ફરી કહ્યું. પ્રતિભાવ ન મળતાં હું ત્રીજી વાર ‘પ્લમ્બર‘ બોલતી અટકી ગઈ. મને એકદમ બધું જ જાણે નિરર્થક હોય એવી લાગણી ઘેરી વળી. તું જાણે એકદમ દૂર દૂર. પ્લમ્બરવાળી વાત સિવાય જાણે આપણને જોડતી બધી જ કડીઓ એ ક્ષણે તૂટીને વિખરાઈ ગઈ. પહેલાં આવું થતું ત્યારે હું જરા જોરથી બોલી તારું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી. આજે એવું ન કહ્યું. તારી આંખોમાં છાપામાં નહીં, બાજુમાં પડેલ મોબાઈલ સ્ક્રીન પર હતી. એકીટશે તું કંઈ વાંચી રહ્યો હતો. પછી કંઈ થયું. મારી નજર સામે તારાં પાછલાં સોળ વર્ષ ઓગળી ગયાં. અચાનક તારી આંખો હસી ઊઠી. પછી એ મલકાટ તારા આખામાં પ્રસરી ગયો. તું સોળ વર્ષ પહેલાંનો તું બની ગયો જે મને કૉલેજ કૅન્ટીનમાં મળતો, જે લગ્ન પછી ઘરે પહોંચવાની તાલાવેલી સાથે બારણાની વચ્ચે હરખાતો ચહેરો લઈ ઊભો રહેતો. એક ક્ષણ મૅસેજ કોનો હતો, શું હતો એ જાણવાની-પૂછવાની મને તીવ્ર તાલાવેલી થઈ આવી. પણ પછી મને પણ કંઈ થયું. એ ક્ષણના પસાર થવા સાથે બધું જાણી લેવાની એ તાલાવેલી પણ જાણે પસાર થઈ ગઈ. મેસેજ કદાચ કોઈનો પણ હોઈ શકે. કોનો ને શું હતો એ એટલું બિનમહત્ત્વનું બની ગયું જેટલું તારા એ વખતે પહેરેલા નાઇટડ્રેસના કુરતાનું વ્હાઈટ કે સ્કાય બ્લૂ હોવું. અચાનક મને થયું કે મને શેનો વિરોધ હોવો જોઈએ? એ એસએમએસનો? એ વ્યક્તિનો? તારી પ્રસન્નતાનો? એ પ્રસન્નતામાં હું સહભાગી નથી એ વાતનો? કે પછી તારા પ્રસન્ન થવાના અધિકારનો? તને તો હજી આ વાંચીશ ત્યાં સુધી કલ્પના પણ નહીં હોય કે આજે સવારે આટલી મોટી ઘટના બની ગઈ. ઘટનામાં આપણે બેઉ એક રૂમમાં હોવા છતાં અલગ હતાં. તું ચા પીતો બેઠેલો ને હું ઊભી રહીને તને જોતી. પણ એ ક્ષણમાંથી જાણે ન્હાઈને આપણે બંને મને ફરી નવા પ્રકાશમાં દેખાયાં. તું વધારે સ્વચ્છ, હું વધારે સ્પષ્ટ. મહત્ત્વની વાત એ છે કે તારી એ ક્ષણની અને છેલ્લા મહિનાઓની પ્રસન્નતાનું કારણ હું નહીં બીજું કોઈ. પ્રતીતિની માત્ર એક ક્ષણ જ હોય છે તારી વૉટ્સએપના મૅસેજ વાંચીને મલકવાની આ પહેલી ઘટના તો ન હતી પણ પરિવર્તન અને અસલામતીની લાગણીઓના આ મહિનાઓમાં એ ક્ષણે અચાનક મને સમજાયું કે ભ્રમ તૂટ્યાની વેદના સત્ય જાણવાના આનંદ કરતાં ક્યાંય વધારે હોય છે પણ મુક્તિ સત્ય જ આપી શકે. એ ક્ષણ મુક્તિની હતી. તને સુખી રાખવાના આયાસમાંથી મુક્તિની. તને સુખી રાખવાની જવાબદારીમાંથી મુક્તિની. તારા સુખનો આધારસ્તંભ હું છું એવા ભ્રમમાંથી મુક્તિની. ઉંમરની અત્યાર સુધીની હર ક્ષણે જુદાજુદા તબક્કામાં પ્રવેશતી પરિવર્તિત થતી મારી જાતની જુદીજુદી બધી જ આવૃત્તિઓને મેં એકસાથે એક મોટા પ્રવાહમાં ફંગોળાઈને દૂર જતી જોઈ. જે વધ્યું એ મૂળ સત્ત્વ હતું. હવા જેવું હલકું ને કિરણ જેવું પ્રકાશમાન. આવતા મહિને મને ઓગણચાલીસ ને લગ્નને સોળ વર્ષ પૂરાં થશે. આજે જ ધ્યાન ગયું કે પાછળ નવા ફ્લેટના પાયા નખાઈ રહ્યા છે. નવાં કુટુંબોનાં નવાં જીવનોના પાયા. ઑફિસેથી પાછા ફરતાં આપણા ફ્લેટની વિંગ પાસે આવીને આદતવશ આકાશમાં નજર પડે ને બરાબર એ સમયે પક્ષીઓની એક લાંબી હરોળ આથમતા સૂર્યની દિશામાં પાછી ફરતી હોય. જમીન પર બાંધકામના અવાજો, માણસનો જીવન માટેનો ઘોંઘાટમય આયાસ. આકાશમાં એકએક અડોઅડ ગોઠવેલ પક્ષીઓનું સહજ સ્વસ્થ ઉડ્ડયન. બંને વચ્ચેના વિરોધાભાસથી રોજ સાંજે વિચલિત થઈ જતી. આજે ન થઈ. છેલ્લા મહિનાઓની ઊથલપાથલ પછી મને આજે સવારે જે હળવાશ અનુભવાઈ એ મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જે ઘવાય છે એ માત્ર અહંકાર હોય છે એવું મનાતું નથી. ખરેખર શું થયું છે એને પકડવા જાઉં છું ને હાથમાંથી સરકી જાય છે. ને એ હજી પૂરું સરકે એ પહેલાં કઈં નવું પકડાય છે. હજી એને પૂરેપૂરું પકડી શકું એ પહેલાં એ સરકતું જાય છે. આટલી નાજુક સરકણી વાતને બને તેટલી સ્પષ્ટતાથી કહેવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લખતાં-લખતાંય કેટલું આવી આવીને પાછું સરકી ગયું. લખતાં પહેલાં જ બટકી ગયું. પણ છેલ્લા મહિનાઓમાં જુદીજુદી ક્ષણે મારાથી પકડાયેલા એ ક્ષણોના સત્યને અહીં ઠાલવ્યું છે. ટૂંકમાં, લગ્ન હોય ને એમાં એક ઘર હોય છે. કિચન હોય ને એની એક સુગંધ હોય છે. ડબલ બેડ હોય ને એમાં શ્વાસ હોય છે બે વ્યક્તિઓના અસ્તિત્વોના. બસ, એ શ્વાસમાં ક્યાંક ગૂંગળામણ થઈ છે. હા, રહી વાત મારા તારા પ્રત્યેના પ્રેમની. લગ્ન પછી પ્રેમ જુદાંજુદાં પાત્રોમાં જુદાંજુદાં સ્વરૂપો ધારણ કરતો રહ્યો. ક્યારેક સેક્સ, ક્યારેક માતૃત્વ ને પિતૃત્વમાં, ક્યારેક તાવ-શરદીમાં તો ક્યારેક સારસંભાળમાં, ક્યારેક કંટાળામાં તો ક્યારેક ઝઘડામાં. પણ મુખ્યત્વે એક પરસ્પરાવલંબી સહજીવનમાં. સોળ વર્ષોના સહજીવન પછી બે પાત્રો વચ્ચેનું જોડાણ એ વ્યક્તિઓની ઉપર પણ આધારિત નથી હોતું. એ જોડાણનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોય છે. વાતાવરણના એક સ્તર ઉપર પહોંચીને સ્થિર ઊડતા પતંગને જેમ પતંગધારકની ગરજ નથી રહેતી તેમ. આપણું સહઅસ્તિત્વ આપણામાંથી સરકીને અદબ વાળીને દૂર ઊભું છે આપણને જોતું. તારા માટેના પ્રેમ માટે મારે તને પકડી રાખવાની જરૂર નથી રહી. હું નથી જાણતી કે તને ખબર છે કે હું જાણું છું. કદાચ તને બધું એટલું સહજ લાગતું હશે કે મને જણાવવાની કે હું જાણું છું. કદાચ એ જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર નહીં લાગી હોય. જીવન આમ ને આમ ચાલી શકે છે. પણ મારે જીવનના ચલનની મધ્યમાં જઈને તને પૂછવું છે: તારા ચહેરા ૫ર સોળ વર્ષ પહેલાંનો મલકાટ લાવનાર વ્યક્તિ તારા જીવનમાં ગોઠવાઈ શકે એમ છે? એક માર્ગ એવો જેના વિશે હું વિચારી શકું. એવો તને કદાચ વિચાર ન આવ્યો હોય. મારી આવકના ઈન્વેસ્ટમેન્ટ માટે લીધેલ સ્ટુડિયો અપાર્ટમેન્ટ ગયા મહિને જ ભાડૂતે ખાલી કર્યું છે. મારા અને આપણા સંતાન માટે પૂરતું છે. હું અમને બંનેને સંભાળી લઈશ. હું સ્વસ્થ છું. તું મુક્ત છે. બસ, લિ. આસ્થા (આંતરપ્રિન્યોર)


(શબ્દસૃષ્ટિઃ નવેમ્બર-ડિસેમ્બર, ર૦૦રની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી)
(‘ઓથાર’ સંચયમાં છે.)

Sanchayan 63 Image 16.jpg





નિબંધ

છીપ
ꕥ ચન્દ્રકાન્ત શેઠ ꕥ


મારા હાથમાં છીપ છે, મોતી વિનાની ખાલી છીપ. એના સફેદ રંગની વિલક્ષણ છાયાઓને હું નીરખું છું. દૂધમાં પાણી રેડતાં એ દૂધની શ્વેતતામાં જે વિલક્ષણ છાયા પ્રગટ થાય છે તેની વિવિધ છટાઓ હું છીપમાં પામું છું. કેટલી સુંવાળી છે છીપ! કોઈ ગૌરાંગનાની હથેલીનો જ ભર્યો ભર્યો સ્પર્શ જાણે આમાં સચવાયો છે. આ છીપનું મૂળ ઉદ્ભવસ્થાન ક્યાં હશે? ઘૂઘવાતો સાગર. દૂર ક્ષિતિજ સુધી વ્યાપેલું ચંચલ આકાશ. મોજાંઓના અવકાશને ચીરવાનો, પવનને પીંખી નાખવાનો હિંસક આવેશ. કાળમીંઢ ખડકોની છાતી પર છિન્નભિન્ન થતા જલનો હુંકાર. ફીણની શ્વેતતારૂપે પૂર્ણિમાને દિને આકંઠ પીધેલું ચાંદનીનું જલમાંથી પુનઃબહાર પ્રગટવું! અનંતતાના કાવ્યનો હૃદયને સ્પર્શ. આ બધું જોનાર આ મારી બે આંખો તે શું? આ મારા બે બાહુમાં ન સમાઈ શકે એવા જલ પર ઉછળતા આકાશ સામે મારે શું કરવાનું? મારી આ નાનકડી હથેળીઓની સામે મોજાંઓ ઉછાળતો સૂસવાતા પવનનો અદીઠ હાથ-આટલાં બધાં મોજાં પવન કઈ રીતે ઉછાળતો હશે? અથવા પવન જ ઉછાળે છે એમને એમ કેમ કહેવાય? આ જલમાં જ પેલી ભીષણકાય વહેલો ઘૂમે છે ને આ જલમાંથી જ મોતીની છીપો મળે છે. ઓટનાં ઓસરતાં પાણી છે. પાણીએ લીંપેલી કિનારીની રેતમાં ફીણનું શ્વેત સ્મિત સંઘરી બેઠેલાં છીપલાં ચમકે છે. કોઈ શિશુએ નાનકડી ગુલાબી હથેલીમાં એ છીપલાને રમાડ્યું હશે, કોઈ મુગ્ધાએ ચમકતી આંખે પોતાના પ્રિયતમના હસ્તમાં મૂક્યું હશે અને એ વખતનો એના કરનો કંપ છીપમાં નિર્ગૂઢ રીતે આલેખાઈ ગયો નહિ હોય? મારા હાથમાંથી છીપને હું ફેરવું છું. હું એના અણુએ અણુમાંથી પેલા સમુદ્રને, પેલા શિશુને, મુગ્ધાને - કંઈ કેટલાંયને પામવા માગું છું. પણ આ તો આ અદના હાથે ચઢી ગયેલી એક માત્ર છીપની વાત છે! ઊંચા પર્વતના શિખર ઉપર હું ઊભો છું. આખા પર્વતની ઊંચાઈ જાણે મારી ઊંચાઈ બની ગઈ છે. હું ચારે બાજુ નજર કરું છું. આખું આકાશ સુદર્શન ચક્રની જેમ મારી આંગળી પર ફેરવવાની મને તમન્ના જાગે છે. મારા હૃદયમાં કોઈ અનેરો આનંદ હું અનુભવું છું. કોઈ પ્રપાતની જેમ આ આનંદ આ પર્વતની એકએક કાળમીંઢ શિલાને જો દૂધનું સ્નાન કરાવે તો હું કેટલો કૃતાર્થ થાઉં! મને મારા હાડમાંસનું પાંજરું નડે છે. હું શું કરું? મારી નજર દડાની માફક ઊછળતી કૂદતી એક શિલા પરથી બીજી શિલા પર ઘૂમે છે... ને ત્યાં એક શિલાના ચરણ આગળ અર્ધી દટાયેલી છીપને જોઈને વિસ્મય અનુભવે છે. આ છીપ આટલી ઊંચાઈએ ક્યાંથી? કોણ આ છીપ અહીં લાવ્યું હશે? આ છીપને જો બોલવાનું હોય તો શું બોલે? કદાચ શિશુના કોઈ રમણીય સ્વપ્નના કલ્લોલની વાત કરે? કદાચ એ બાળકી પલપલતી પાંપણમાં ચમકતા પ્રભાતના પ્રથમ કિરણના કંપનું સ્મરણ કરે? એની રાતી પગલીઓની પથ્થર પર વેરાતી કોમળ કૂપળોના મધુર મર્મરનો કેફ પણ એ કદાચ વ્યક્ત કરે? આ છીપ એટલે સરિતા, આ છીપ એટલે સિંધુરાજ. આ ગિરિરાજનું સિંધુરાજ સાથેનું સ્નેહમિલન શું આ છીપ દ્વારા વ્યક્ત થઈ રહ્યું છે? ખબર નથી. તરંગની ગતિ અવળચંડી છે! એ કેટલીયે વિચિત્ર વાતોની અટપટી ગૂંથણી કરી એવા આભાસો રચે છે કે એમાં બુદ્ધિ તો બિચારી ક્યાંય અટવાઈ જાય!

• • •

હવે હું યુવાન નથી. મારા હાથ કંપે છે. પવનના કયા ઝપાટે આ ખખડધજ દેહ મૂળમાંથી ઊખડી જશે એની મને ખબર નથી. હું આંગણમાં નજર કરું છું. મેં બાળપણમાં જે આંબો વાવ્યો હતો તેનીયે ઉંમર થઈ ગઈ છે... એ પણ હવે જશે એમ લાગે છે! આ પાનખર છે! આંગણું સૂકાં પાનમાં ખખડે છે! દીવાલો ધ્રૂજે છે. સૂરજનાં સુવર્ણ કિરણો માટે તૂટેલા જીર્ણ પગથિયા પર પડે છે ત્યારે મને વેદના થાય છે. હવે મને ચેન નથી. પ્રત્યેક ઉચ્છવાસે અંદરના અંગારા પર રાખ વળતી જાય છે. હવે ઠરી જવામાં વાર થવાની નથી. હું મારી ખરબચડી હથેલીને તાકી રહું છું. આ હથેલીથી કેટકેટલું મેં કર્યું છે! એથી સારાં-માઠાં કેટલાં કામ કર્યાં છે? આ હથેલીએ લગ્ન વખતે કંકુના થાપા પણ મારેલા અને કોઈ માસુમ ચહેરા પર તમાચો પણ મારેલો. આ હથેલીની ભાગ્યરેખા કેટલી ખંડિત છે! ચડ્યો પણ હતો અને પડ્યો પણ હતો! મહાન પર્વતોના શિખર પર ચઢી આ હથેલીએ વાદળોની આર્દ્રતાનો સ્પર્શ માણ્યો હતો. આ હથેલીમાં આજે તો નરી શૂન્યતા ઘોળાય છે! હું હથેલી પરથી નજર ખેસવી લઉં છું... એટલામાં પડોશીનો નાનો બચુ આવે છે! મારી આગળ બંધ મુઠ્ઠી બતાવી પૂછે છે: ‘દાદા, કહો તો આમાં શું છે?’ ‘ના, નહી કહું.’ મેં એને સહેજ ખીજવવા કહ્યું. ‘ના, એવું નહિ કરવાનું દાદા, કહો ને!’ ‘કહું?’ ‘કહો.’ ‘કંઈ નથી.’dhr ‘કંઈ નથી જુઓ આ શું છે?’ મેં એની હથેલીમાં છીપ જોઈ... ખાલી છીપ... મેં કહ્યું: ‘બચુ, આ તો ખાલી છીપ છે!’ ‘ખોટી વાત... છીપ ખાલી ન હોય...!’ હું બચુને કશું ન કહી શક્યો; ખોટો પાડવાની મારી શક્તિ નહોતી... વૃત્તિયે નહોતી!

(નિરીક્ષક: ૬–૧૨–૧૯૭૦)

॥ વિવેચન ॥

ગીતમાં લયવિધાન
ꕥ લાભશંકર પુરોહિત ꕥ


‘લય’ જેવી સંગીતકળાની પારિભાષિક સંજ્ઞાને આપણે જ્યારે કાવ્યચર્ચાને અનુષંગે પ્રયોજીએ ત્યારે એના વિભાવસંકેતોની ચોકસાઈ હોવી ઘટે. સમવિષમ તમામ ઘટકોનો ઉપચયાત્મક સંવાદ, એવો યૌગિક અર્થ સંસ્કૃત ‘લય’ સંજ્ઞામાં નિહિત (यास्मिन् लीनो भवेत्तदुभयं लय इति व्यवरहन्ति) અંગ્રેજી ‘રીધમ’ સંજ્ઞાના પર્યાય તરીકે એને પ્રયોજવાનું બનતાં અંગ્રેજી સંકેતો પણ એમાં ઉમેરાયા. હવે બન્યું એવું કે, ‘rhythm’નો ‘નિયમિત ધબકાર’ (beat) – એ અર્થ વધારે ચલણી બન્યો જ્યારે ‘આંદોલ’, ‘સંચરણ’(movement) – એ સંકેત પાછળ રહી ગયો. આવું બનવામાં સંગીત અને કવિતા– બંનેમાં સમાનપણે પ્રવર્તતા તાલના અનુશાસનનો પ્રભાવ કારણરૂપ હોઈ શકે. હકીકતે તો શબ્દની કળામાં પ્રવર્તતા વાગ્લયની ઘટનામાં, ઉક્તિમાં વરતાતા ધ્વનિથડકાર લયઅંતર્ગત પ્રાથમિક દ્રવ્ય છે. આવા થડકાર અને વિરામની પ્રવાહિતાથી નીપજતાં ગત્યાત્મક આંદોલનમાં લયનું સાચું સ્વરૂપ છે. શબ્દને ઉપાદન વા ઉદ્દિષ્ટ લેખે સ્વીકારતી કાવ્યકળામાં લયનિબંધનનાં વિવિધ સ્તરો-કક્ષાઓ પ્રતીત થતાં હોય છે. સૌંદર્યવિષયક વિભાવ તરીકે લયનાં સર્વસાધારણ ઘટકોની વાણીગત ઉપસ્થિતિ એ કાવ્યલયની પ્રાથમિક શરત છે. ગદ્ય અને છાંદસ વાણીમાં પ્રતીત થતા વાગ્લયને મુકાબલે ગીતમાં લયપ્રવર્તનનું સ્વરૂપ થોડુંક વિલક્ષણ અને નિરાળું હોય છે. લયની અનુનેયતા (flexibility),ગતિશીલતા અને સેન્દ્રિયતાનો પરિચય આપણને ગીતમાં પ્રયોજાતો લય સંપડાવી રહે છે. ગીતમાં લયનો વિભાવ અત્યંત સંકુલ, સર્વતઃ સ્પર્શી અને બહુપરિમાણીય સત્તા ધરાવતો હોય છે. ગીતને સાદ્યન્તપણે સંચારિત કરનારું અને વાણીગત દ્રવ્યને સૌંદર્યરસિત કરનારું મહત્ત્વનું ઘટક છે આ લય. પણ લય કેવળ છાંદસ સંધિએકમોની મિલાવટનો જ મામલો નથી કેમ કે એનો રસાત્મક પુદ્ગલ જેમાંથી બંધાતો હોય છે તે શબ્દ ‘અવાજ’ અને ‘અર્થ’ની સૌંદર્યસંપૃક્ત પદઘટના છે. એટલે એમાં પ્રત્યક્ષ મૂતર્તાની કક્ષાએ ધ્રુવપદ/અંતરાની આંતરુક્તિ, યમકાદિ પ્રાસ ને અર્થશૂન્ય પૂરકો (suppliments)થી નિયંત્રિત થતા પંક્તિબંધોને સમાવતા અને માત્રિક સંધિએકમોના અંતરાલમાં સંગીતસંધિઓના મેળવણથી રસાયેલા પદ્યબંધોની બાહ્ય આકૃતિ તરત નજરે-કાને ચડતી ચીજ છે; તો ગીતના કેન્દ્રીય ભાવને રચનાના સાદ્યંતપટમાં વિલસાવવાની નોખનોખી તરેહો, ચરણોના પારસ્પરિક અન્વયમાંથી બંધાતા પાસાદાર અર્થસ્ફટિકો અને સમગ્ર નિબંધનમાંથી ઊપસતા ભાવવિવર્તોની ધ્વનનપ્રતીતિ રચનાના આંતરલયની અમૂર્તતાનો અણસાર આપે છે. ઊર્મિના સરલતરલ સંવેદનમાંથી ઉ્દભવેલું ગીત આજે માનવીય સંવેદનાના સૂક્ષ્મ-સંકુલ અનેકાનેક ભાવપ્રદેશોને વ્યક્ત કરવામાં સમર્થ નીવડ્યું છે. એમાં લયની પ્રાણપ્રદતા મહત્ત્વની રહી છે. કહો કે, લય ગીતની સમગ્ર કાવ્યચેતનાનું મૂલધારકચક્ર છે. ગીતની કવિતાકોટીમાં રચનાગત લયપ્રવર્તન ‘અવાજ’ (Sound) અને ‘અર્થ’ (meaning) – ‘ભાષા’ અને ‘ભાવ’ની દ્વિ-સ્તરીય ભૂમિકા સંપૃક્તપણે સંચરણશીલ રહે છે. શ્રુતિ અને શ્રુતિખંડકોના કાલમાન પર આધારિત આરોહ-અવરોહનાં ધ્વનિકંપનો તથા સ્વર-વ્યંજનોની અન્વિતિમાંથી ઊઠતાં નાદસંચલનોની જુગલબંદી નાદાત્મક-અવાજ-ની લયસંસૃષ્ટિ નિષ્પન્ન કરે છે; તો ગીતની નાદાત્મક સપાટી તળે આંતરસ્તરે સ્ફુટ-અસ્ફુટપણે વહેતો ‘અર્થ’ ભાવનિબંધનની વિવિધ રચનાતરેહો દ્વારા જ્યાં વ્યંજનાપ્રતીતિ પામતો હોય છે ત્યાં અર્થાત્મક-ભાવ-ની લ્યસંસિદ્ધિ પ્રકાશિત થતી હોય છે. ધ્રુવપદમાં સૂત્રરૂપે રહેલું ભાવબિંદુ અંતરાઓમાં તરંગાયિત થઈને ભાવશબલતા પામતું પામતું વિસ્તરતું જાય અને ધ્રુવપદનાં આવર્તનો એને ઘૂંટતાં જાય એવી ધ્રુવપદ/અંતરાની અતિપ્રચલિત તરેહનાં અનેક ઉદાહરણો મળી રહેશે. ન્હાનાલાલનું ‘ફૂલડાંકટોરી’, વેણીભાઈ પુરોહિતનું ‘ઊનાં રે પાણીનાં...’ રમેશ પારેખનું ‘તારો મેવાડ મીરાં છોડશે’, વિનોદ જોશીનું ‘ઝાલર વાગે જૂઠડી’ – તરત કલમે ચડતાં દૃષ્ટાંતો છે. ટૂંકા ધ્રુવપદથી અન્વિત થતી પંક્તિમાલા કે ચરણયુગ્મોમાં વ્યંજક પુદ્ગલોની વિવર્તયુતિઓ આકારાતી જાય એવી તરેહ પણ જાણીતી છે. દયારામનું ‘બિહારીલાલ’, સુન્દરમ્ નું ‘કોણ’, ન્હાનાલાલનું ‘હરિ આવો ને’, બાલમુકુન્દ દવેનું ‘શ્રાવણ નીતર્યો’માં એની સાહેદી મળી રહેશે. સામસામે તોળાતાં ભાવબિંબોનાં દ્વંદ્વથી ગ્રથિત તરેહ દયારામના ‘લોચન-મનનો ઝઘડો’માં, તો ભાવ-યમકની આંતરસંકલનાની સાવ નવી તરેહ જયેન્દ્ર શેખડીવાળાની ‘કોણ’ ભલે સંલક્ષ્યક્રમવ્યંગ્ય પ્રકારે હોય; પણ ‘અર્થ’ લયનો જે અનુભવ ભાવક તરીકે આપણને સાંપડતો હોય છે તે તો ભાવનપ્રક્રિયાના સંલક્ષ્યક્રમવ્યંગ્ય સ્તરે જ સંભવી શકે; કહો કે ભાવબોધના ક્રમ-ઉપક્રમની સંલક્ષ્યતાની પ્રક્રિયા એ જ એના અંતરલયના ઉઘાડની અવસ્થા હોય છે; ભાવક્રમની સંલક્ષ્યતા ઊકલતી થાય એ જ લય પ્રતીતિ રસવ્યાપાર નીવડે.

(ફલશ્રુતિ,૧૯૯૯)

સર્જકની નજરે સર્જકો
ꕥ ચુનીલાલ મડિયા ꕥ


એક કલાકૃતિ વિષે કલાકાર પોતે શું કહે છે એ જાણવું રસપ્રદ થઈ પડે છે. એક સર્જક વિષે બીજા સર્જકનો અભિપ્રાય રસશાસ્ત્રીઓના અભિપ્રાય કરતાં વધારે મહત્ત્વનો બની રહે છે. અગાઉ ફૅબર પ્રકાશકોએ ‘કવિઓ વિષે કવિતાઓ’ નામની પુસ્તકશ્રેણી પ્રગટ કરેલી, એ પણ આ પ્રકારના એક વિશિષ્ટ રસાસ્વાદનો જ પ્રયોગ હતો. આપણે ત્યાં ‘દર્શક’કૃત ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ પણ સર્જકતા વિશેનું એક સર્જકનું દૃષ્ટિબિંદુ સમજવામાં સહાયભૂત થાય એવો વિવેચનગ્રંથ છે. દર્શકે આ ગ્રંથમાં ટૉલ્સ્ટોયથી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સુધીના નવ નવલકથાકારોની કૃતિઓનું સૌન્દર્યદર્શન કરાવ્યું છે. એમાં ‘ઘરે બાહિરે’થી માંડીને ‘ડૉ. ઝિવાગો’ જેવી ભિન્નભિન્ન ભૂમિ અને તાસીરની કથાઓનો સમાવેશ થાય છે. ‘મીરાંની સાધના’ નામક અધ્યયન એ કવયિત્રીના જીવન અને કવનને નવીન નજરે મૂલવવા મથે છે. આ ઉપરાંત ‘સાહિત્યકારની સાધના’, ‘સર્જનમાં સાવચેતી’ અને ‘સ્વાંતઃસુખાય’ એ ત્રણ લેખોમાં લેખકે પોતાની સર્જનપ્રવૃત્તિ અને અેનાં ચાલકબળોની ચર્ચાવિચારણા કરી છે. ‘શિક્ષણ અને રચનાકાર્યમાં પડ્યો હોવા છતાં સાહિત્ય એ મારા હૃદયના આનંદની વસ્તુ રહી છે,’ એમ આરંભમાં જ કબૂલનાર લેખકે અહીં જે જે કૃતિઓ હૃદયનો આનંદ વ્યક્ત કરવા માટે પસંદ કરી છે તે તે કૃતિઓ એના પ્રકારોમાં શિરટોચે સ્થાન પામેલી છે. એ દૃષ્ટિએ એમની એ પસંદગી પોતે જ એક પ્રશિષ્ટપૂજક ઉન્નતભ્રૂ ને દુરારાધ્ય રસવૃત્તિની શાખ પૂરી રહે છે. તો, બીજી દૃષ્ટિએ જોતાં અહીં પસંદગી પામેલી કૃતિઓ અને અહીં ગેરહાજર જણાતી અન્ય રચનાઓ ઉપરથી વિવેચકના ગમા-અણગમા, આગ્રહો અને અભિગમોનો પણ અંદાજ બાંધી શકાય એમ છે. દાખલા તરીકે આરંભિક અધ્યયન ‘યુદ્ધમાંથી શાંતિ’ના આરંભમાં જ શ્રી દર્શક કલા અંગેનું પોતાનું એક વલણ સોઈ ઝાટકીને જણાવી દે છેઃ ‘આનંદ પણ આનંદ ખાતર નથી પણ મંગળના અનુભવ માટે છે. તો કલાએ પણ તે જ કર્તવ્ય અદા કરવાનું છે.’ શ્રી દર્શક પોતે ટૉલ્સ્ટોયને આ રીતે મૂલવવા મથે છેઃ ‘ટૉલ્સ્ટોયને મન કલા એ માત્ર મોજનો વિષય નથી; તે ચિત્તને વ્યાપક કરવા સારુ ચિત્ર શુદ્ધ કરે તેવી અપેક્ષા છે. સાચી કલા સત્યને કે વાસ્તવને છેહ દીધા વિના ચાલે છે. રસશુદ્ધિની જોડાજોડ રસતૃપ્તિ કરી જ શકે છે.’ ‘યુદ્ધ અને શાંતિનો’નો કથાવિકાસ, પાત્રવિકાસ ને તેનું પર્યવસાન જોતાં એવા અનુમાન પર આવવું પડે તેમ છે કે કલા અને નીતિને અનિવાર્ય સંબંધ હોવો જોઈએ. કલા ભલે કલાની રીતે તે સંબંધની અભવ્યક્તિ કરે, તે આંડબરી તટસ્થતા ધારણ ન કરી શકે... આખરે નૈતિક સમસ્યાઓની ખોજ દ્વારા જ માનવસમાજનાં ધોરણ, પોષણ ને સત્યની સંશુદ્ધિ થયા છે. બીજે એક સ્થળે લેખક કહે છેઃ ‘દરેક મહાન કલા એના પૂર્ણ સ્વરૂપને ત્યારે જ પામે છે, જ્યારે એ વ્યષ્ટિની કથાને સમષ્ટિનાં સુખદુઃખોનું વાહન બનાવે છે.’ ‘સાહિત્યકારની સાધના’માં શ્રી, દર્શક એક અભિપ્રાય દર્શાવે છેઃ ‘...માનવીના ચિત્તને વ્યાપક કરવું, અભેદનો અનુભવ કરાવવો તે જ સાહિત્યકારનું ઇતિકર્તવ્ય છે. જેનું લખાણ ચિત્તને સંકુચિત કરે, મલિન કરે, અહંબુદ્ધિ ને ભેદને જન્માવે કે પોષે તેનું લખાણ ગમે તેવું જોરદાર હોય, ગમે તેવી તેની પદવિન્યાસચાતુરી હોય તો પણ તેને મનીષી નહિ કહેવાય...’ આટલાં અવતરણો પરથી લેખકનું કલા અને સૌન્દર્ય અંગેનું વલણ જાણી શકાય છે. આરંભમાં એમણે ‘મંગલ’ની વાત કરી છે એથી કોઈ વાચકને ગેરસમજ થવાનો પણ ભય છે. શ્રી દર્શક ‘શુભ’ના પુરસ્કર્તા છે. છતાં ‘મંગલ’ની વાત કરીએ તેઓ આજકાલ બજારુ થઈ પડેલા ‘માંગલ્ય’ની માગણી કરનારાઓમાંના એક નથી જ. એમની સૌન્દર્યદૃષ્ટિ સાફ છે અને પારગામી છે, નહિતર ‘યુદ્ધ અને શાંતિ’ કે ‘ઘરે બાહિરે’ જેવી નવલકથાઓનાં સૌન્દર્યબિંદુઓને તેઓ પામી જ ન શકત. પણ એ અને અન્ય સમર્થ નવલકથાઓનું કલાસામર્થ્ય તેઓ નિરૂપી શક્યા છે એ જ બતાવે છે કે કલા અને નીતિ બાબતમાં પણ તેઓ ધોકાપંથી નથી. પોતે શિક્ષક છે અને એ પ્રવૃત્તિમાં સમાજસુધારક કે સેવકની કામગીરી આપોઆપ જ એમને ભાગે આવે છે, છતાં તેઓ સાહિત્ય કે કલા પાસેથી સસ્તી સુધારકશાઈ કામગીરી લેવામાં માનતા નથી. વ્યવસાયી Do gooder જેવા બનવાનું એમના સ્વભાવમાં જ નથી. શ્રી ‘દર્શક’ની પોતાની નવલકથાઓ વાંચનાર સાખ પૂરી શકશે કે આ લેખક સાહિત્યસર્જનમાં નીતિના ડોળઘાલુ કે મરજાદી કે ચોખલિયા નથી. ‘દીપનિર્વાણ’ કે ‘ઝેર તો પીધાં છે...’નાં ઘણાંયે પ્રકરણો ને ખંડો કહી આપે છે કે લેખકને શુદ્ધ સૌન્દર્યથી ઓછું કશુંય સંતોષી શકે એમ નથી. કલા કનેથી આ લેખક તેઓ સસ્તી પાદરીશાઈ કામગીરી લેવામાં માનતા જ નથી. અને છતાં ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં વિશ્વસાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનો રસાસ્વાદ કરાવતી વેળા એમને કેટલાંક વળગણો નડતાં હોય એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી. શ્રી દર્શક પોતે ગાંધીયુગની નીપજ છે. આશ્રમજીવન, જેલજીવન આદિનો એમને પ્રત્યક્ષ પરિચય છે. ગાંધીવાદી વિચારધારા ઉપર એમણે ભાષ્યો પણ લખ્યાં છે, એની મૂલવણી કરી જોઈ છે. છતાં તેઓ મૂઢમતિ કે વેદિયા ગાંધીવાદી નથી. એવું હોત તો લેજરક્વિસ્ટકૃત ડેલ્ફીની દેવદર્શિનીની કથાને તેઓ સ્પર્શ પણ ન કરત. અથવા ‘ગુજરાતનો નાથ’ કે ‘માનવીની ભવાઈ’માંના શૃંગારભરપૂર, લગ્નબાહ્ય મિલનપ્રસંગોને ઝાડી નાખત. એવું કશું કરવાને બદલે એ નવલકથાઓનાં એમણે ભરપેટ વખાણ કર્યાં છે, એ જ બતાવે છે કે એમની સૌન્દર્યદૃષ્ટિને સુધારકદૃષ્ટિનાં કે પાદરીવેડાનાં પડળ બાઝી શક્યાં નથી. એવું હોત તો, ‘ઘરે બાહિરે’માંના સંદીપ-વિમલાના નાજુક મિલનપ્રસંગોને એમણે આડો વહેવાર, અનાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર આદિ નામો વડે નવાજ્યા હોત. પણ એમ કરવાને બદલે તેઓ એક સમાનધર્મી સર્જકની જ હેસિયતથી સંદીપ અને વિમલાના એ પતનને સહાનુકમ્પાથી અવલોકી શકે છે એ પણ એમની શુદ્ધ કલાદૃષ્ટિની સાહેદી જ ગણાય. અને છતાં આ પુસ્તકમાં વારેવારે ચિત્તની સંશુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, રસશુદ્ધિ વગેરેની વાત આવ્યા જ કરે છે એ શાથી ભલા? એક ખુલાસો કલ્પી શકાય. લેખક પોતે આજન્મ શિક્ષક છે, આચાર્ય છે. સમાજ સુધારક બન્યા, સુધારક બન્યા વિના પણ, અજ્ઞાતપણે તેઓ જીવનસુધારણા, સમાજસુધારણા માટે મથતા જ હોય. એ એમના વ્યવસાયની જોડે અભિન્નપણે જોડાયેલી સ્વાભાવિક કામગીરી છે. સંભવ છે એમણે કરેલી કલાકૃતિઓના રસાસ્વાદમાં એ ‘શુભંકર’ દૃષ્ટિબિંદુ અસંપ્રજ્ઞાતપણે કામ કરતું જ હોય. અથવા કદાચ એમ પણ બન્યું હોય કે એ શુભલક્ષી, મંગલલક્ષી દૃષ્ટિએ જ એમણે આ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અધ્યયન અને આસ્વાદ માટે પસંદ કરી હોય. જો એમ જ હોય તો, શ્રી ‘દર્શક’ની કલાદૃષ્ટિનો હજી વધારે પરચો પામવા માટે એમને એક પડકાર આપવો જોઈએ. આ ગ્રંથમાં એમણે વાગીશ્વરીનાં જે કર્ણફૂલો પસંદ કર્યાં છે એમાં સૌન્દર્ય બેશક ઘણું છે, પણ એ મહદઅંશે એકાંગી છે. કલામાં તો કૃત્સિતતાનું પણ સૌન્દર્ય હોઈ શકે. એવાં કર્ણફૂલો લેખકે બહુ પસંદ કર્યાં નથી. તેથી જ એમની કલાદૃષ્ટિને હજી વધારે નાણવા માટે આ પડકારનું કરવાનું મન થાય છેઃ જેમ્સ જૉઈસકૃત ‘યુલિસિસ’ને તે આન્દ્ર જિદકૃત ‘કાઉન્ટરફિટર્સ’ કે ‘લેડી ચે.’ નહિ તોયે હેન્રી મિલરકૃત ‘ટ્રોપિક ઑફ કૅન્સર’ (પ્રતિબંધ ઉવેખીને વાંચી શકાય તો જ!) જેવી નવલકથાઓની દેખીતી અસુંદરતામાંથી સુંદરતા સારવી આપો તો તમને રંગ ભણીએ. ફ્રાન્સ કાફકાને ખાસ્સા એક યુગ જેટલો ઉવેખીને, દુર્બોધતાની અને અનીતિમયતાની ગાળો ભાંડીભાંડીને છેક હવે જ વિવેચકોએ કાનબૂટ પકડી છે કે કાફકા અત્યંત નીતિમય નવલકથાકાર હતો, ઈસુપરાયણ હતો. પાપભીરુ હતો. એની ‘ધ કૅસલ’ કે ‘ધ ટ્રાયલ’ જેવી નવલકથાઓ કે ‘ધ મેટેમોર્ફોસિસ’ જેવી વાર્તાઓને આપણા લેખક કઈ રીતે આસ્વાદે છે એ જાણવું પણ બહુ રસપ્રદ થઈ પડશે. દેવી વાગીશ્વરીનાં કર્ણફૂલોમાં તો ‘વૉર ઍન્ડ પીસ’ કે ‘સરસ્વતીચન્દ્ર’ જેવી મહાનવલોની જોડાજોડ જ, દુનિયાદારીએ જેને અનીતિમય આલેખન કહેલુ એ ‘માદામ બોવારી’નું પણ માનભર્યું સ્થાન છે જ. તેથી જ, ફ્લૉબેર અને પ્રુસ્ત જેવા નવલકથાકારોની કૃતિઓની ખામી-ખૂબીઓ સમજાવવાનું, ભલે જરા અવિનય લાગે તો પણ, શ્રી દર્શકને આહ્વાન આપવાનું મન થાય છે.

‘કથાલોક'માંથી

॥ કલાજગત ॥

ક્લાદૃષ્ટિ
ꕥ નંદલાલ બોઝ, અનુવાદ: કનુ પટેલ ꕥ


જૂના જમાનામાં વિદ્યાર્થી પહેલાં કઠોર પરિશ્રમ કરીને વ્યાકરણ યાદ કરતો હતો, ત્યાર બાદ અલંકાર તથા કાવ્ય પર કુશળતા પ્રાપ્ત કરતો હતો, અર્થાત્‌ પહેલાં પરિશ્રમ પછી આનંદ. પરંતુ આપણે કાવ્ય અને વ્યાકરણની એક સાથે પઠન-પાઠનની વ્યવસ્થા કરી દીધી છે. ત્યાં સુધી કે આજકાલ તો આનંદ પહેલાં, પરિશ્રમ પછી. આનંદ જ પરિશ્રમ કરવા માટેની શક્તિ પેદા કરશે એવું માનવા લાગ્યા છીએ. (દૃશ્ય)રૂપની સૃષ્ટિમાં આટલો પ્રયત્ન કેમ કરવો પડે છે? સામાન્ય રીતે આપણા મન સામે એક પરદો લટકેલો હોય છે. તેને હટાવ્યા સિવાય વસ્તુને પૂરી રીતે જોઈ ન શકાય અને જોયા વગર ચિત્ર પણ ન બનાવી શકાય. લાંબા ગાળાની લગન અને અભ્યાસના ફળસ્વરૂપે જ એ થઈ શકશે. કોઈ-કોઈ પ્રતિભાશાળી કલાકાર એવી અવસ્થાએ પહોંચી ગયા હોય કે કોઈ વસ્તુ તરફ નજર કરે અને એ આવરણ દૂર થઈ જાય, વસ્તુનો એક ને એક પક્ષ તેના મનની આંખોની પકડમાં તત્કાળ આવી જાય. આવું થવાથી રૂપ-સૃષ્ટિનું કામ તેમના માટે ખૂબ સરળ થઈ જતું હોય છે. આપણા માટે પણ થઈ શકે છે. હા, લગન અને અભ્યાસ જોઈએ. પોતાના વિષય સામે ધ્યાનરત વિદ્યાર્થી આખો દિવસ રસ્તાની ધારે ઊભો છે. પાંદડા વગરનું વિશાળ લીમડાનું વૃક્ષ તેની ઊંચી શાખા-પ્રશાખામાં સોનેરી ગોળીઓ જેવી ગુચ્છે-ગુચ્છ લીંબોળીઓ લાગેલી છે. તું જે આજે આ વૃક્ષની આરાધના કરી રહ્યો છે, ચિત્ર બનાવી રહ્યો છે, એ જો તને ખરેખર સરસ લાગે તો તારા સમગ્ર જીવનનો સંચય થઈ જશે. જીવનમાં બની શકે કે કોઈ દિવસ તને ખૂબ દુઃખ લાગે, નજીકની કોઈ વ્યક્તિને ખોવી પડે, સંસાર અસાર દેખાય ત્યારે રસ્તાની ધારેથી એ વૃક્ષ કહેશે - હું તો છું. તને સાંત્વના મળશે. આ તારો અક્ષય સંચય હશે. કેવળ આ જન્મમાં નહીં, જન્મ-જન્માંતરમાં પણ. કોઈ વિદ્યાર્થીને વનવગડાનું વૃક્ષ બનાવવાનું કહેવામાં આવે છે અને સાથે જ એને સમજાવવામાં આવે છે. પહેલાં થોડીવાર સુધી વૃક્ષને જુઓ. વૃક્ષની પાસે જઈને બેસો - સવાર, બપોર, સાંજ તથા સુમસામ રાતમાં. આવું કરવાનું સાવ સહેલું નહીં હોય, થોડીવાર બેઠા પછી કંટાળો આવશે. એવું લાગશે કે વૃક્ષ જાણે ખીજાઈને કહી રહ્યું છે - “તું અહીં કેમ ? જા ચાલ્યો જા અહીંથી કહું છું ને.’’ ત્યારે વૃક્ષનાં તમારે વખાણ કરવાં પડશે. કહેવું પડશે - “મારા ગુરુનો આદેશ છે, તેની અવગણના ન કરી શકાય, તું ગુસ્સે ન થઈશ, મારા પર રાજી રહે. મારી સમક્ષ તું તારું વાસ્તવિકરૂપ પ્રગટ કર.” આ રીતે કેટલાય દિવસો સુધી ચૂપચાપ સાધના કર્યા પછી જ્યારે લાગે કે હાં, હવે વૃક્ષને જોઈ લીધું. ત્યારે રૂમમાં જઈ દરવાજો બંધ કરી વૃક્ષનું એક ચિત્ર તેયાર કરો. વૃક્ષની કોઈ એક વાત પહેલાં સારી લાગવી જોઈએ, ત્યારે વૃક્ષને જોઈ શકાશે, ત્યારે તમારું જોવું ધીરે ધીરે સાર્થક થઈ ઉઠશે, સારું લાગવાની સાધના જ કલાની સાધના છે. પરંતુ પહેલીવાર સારું લાગવું દૈવી ઘટના હોય છે. જેમાં છે તે કલાકાર છે. કોઈ બીજું તમને કેવી રીતે આપી શકે ? અવની બાબુ કહેતા હતા ગુરુ કલાકાર તૈયાર નથી કરતાં કલાકાર થઈને જ શિષ્ય આવે છે. જેમ પ્રકાશ, હવા, જળ, અગ્નિની અનુકૂળ વ્યવસ્થા કરીને સારસંભાળ રાખીને નાના છોડને મોટો કરવો પરંતુ નાના છોડને જન્મ કોણ આપી શકે છે ? કોઈ એક જગ્યાએ રહેતાં-રહેતાં ધીરે ધીરે સારું લાગવા માંડે છે. સારું લાગે છે. અપરિચિત સંબંધ સૂત્રોના ફળસ્વરૂપે. જોયું કે વન વગડાનું વૃક્ષ આકાશ નીચે કેવુંક ઊભું તો છે. તુરંત સારું લાગ્યું, જોયું કે તેનાં ફૂલો ખીલ્યાં છે. એ સારું લાગ્યું. ફૂલ ખરે છે, બની શકે કે તે સારું લાગ્યું. મન પ્રસન્ન છે. એટલે બની શકે કે સારું લાગ્યું હોય કે પછી વૃક્ષની ભંગિમા કે બંધારણ કે ડાળીઓ અને પાંદડાંનો લય અને રંગ સુંદર છે એટલે સારું લાગ્યું હોય. કાગળનું ગુલાબનું ફૂલ હંમેશાં એક જેવું જ રહે છે. એ કેટલી વાર સુધી સારું લાગી શકે? અસલી ગુલાબ સમગ્ર સંસારની સાથે હર ક્ષણે અનેકાનેક સંબંધ બાંધતું જાય છે. ગતિનો આ લય જ તેનું જીવન છે. આ અનેકરૂપી જીવનને ધ્યાનથી જોઈએ તો જોવાનું સમાપ્ત જ નથી થતું અને એટલે જ કલાકારનું સારું લાગવાનું પણ કોઈ રીતે સમાપ્ત થતું નથી. ચોક્કસ પણે વિશિષ્ટ પરિવેશની વચ્ચે કે વિશિષ્ટ સ્મૃતિથી ઘેરાઈને કાગળનું ગુલાબ પણ સારું લાગી શકે છે. ત્યારે પણ તે કલાનો આધાર થઈ જાય છે. ખરી વાત એ છે કે જે કોઈ પણ વસ્તુનું ચિત્ર બનાવો, એ વસ્તુ સારી લાગવી જોઈએ. એ જાણે તમારું મન હરી લે. ત્યારે એ સારું લાગવું પીંછીના ટેરવાથી જાતે જ રૂપ લઈ લેશે. આવું થવાથી ખરેખર જ સારું ચિત્ર બનશે. ચિત્ર બનાવવાનું આ સૌથી મોટું, સૌથી મહત્ત્વપૂર્ણ કૌશલ હોય છે. મનમાં જો રસ ના પેદા થયો, સારું ન લાગ્યું, સારું લાગવું દિવસે દિવસે ન વધ્યું, એ સારું લાગવાની પ્રેરણાથી કામ ન થયું તો કેવળ શિલ્પગત કુશળતા પ્રાપ્ત કરવી વ્યર્થ છે. એકવાર મને ઇસરાજ વગાડવાનો શોખ થયો, નિયમિતરૂપે સા-રે-ગ-મ સાધવા માંડ્યો. કેટલીક ગર્તો પણ શીખ્યો. જેવું ઇસરાજ વગાડવાનું બંધ કર્યું કે છ મહિનાની એ મહેનતને ભૂલવામાં છ દિવસ પણ ન લાગ્યા, કારણ કે કેવળ સંગતનું વ્યાકરણ ગોખી લીધું હતું. રસમાં પ્રવેશ નહોતો કર્યો. પ્રેમ જોઈએ, ધૈર્ય પણ જોઈએ, સાધનાની સફળતા જોઈએ. કળાસર્જન એક સાધના જ છે, શોખ નહીં. આમેય ઘણા લોકો છે જે પેલા અમેરિક્ન સાહેબની જેમ કરે છે. એ સજ્જન સાત સમુદ્ર પાર કરીને મહાત્માજીના દર્શન કરવા તેમના આશ્રમમાં આવ્યા. આશ્રમના લોકોએ કહ્યું, “હમણાં એમની પાસે સમય નથી, એક બે દિવસ રોકાઈ જાવ.” પરંતુ સાહેબ રોકાય કેમ, કારણ કે તેઓ તો એક પછી એક શું કરશે તે નક્કી કરીને આવ્યા હતા. હવે પછીની ટ્રેન એમને પકડવાની હતી. તે કારણથી મહાત્માજીને મળ્યા વગર જ ચાલ્યા ગયા. આને મુર્ખામી કહેવાય. અને મુલાકાત થઈ હોત તોય શું ફાયદો થાત, કોણ કહી શકે, બની શકે કે મળવાવાળાઓના લીસ્ટમાં એક વધુ નામ જોડવાનો જ એમને મૂળ ઉદ્દેશ્ય રહ્યો હોય. એનાથી અધિક એ ઇંચ્છતા પણ ન હોય. દરરોજ રીયાઝ કરવો જોઈએ. હરપળે પરીક્ષણ-નિરીક્ષણ કરવું જોઈએ. ડર અને લાલચ વર્જ્ય છે. ક્લાકાર જેટલો અનુભવ કરે કેવળ એટલો જ વ્યક્ત કરવો યોગ્ય છે. કવિ સાથે ક્યારેક-ક્યારેક એવું પણ થાય છે - કોઈ અવાંતર શબ્દનો મોહ કે એક ઉપમાનો મોહ કે આઈડિયાનો મોહ થઈ ગયો હોય. એમ જ ચિત્રકારે જોયું વૃક્ષ નીચે એક માણસ બેઠો છે. તેને ગમ્યું ત્યાર બાદ ચિત્ર બનાવતી વખતે તેની સાથે ઝૂંપડી મૂકશે કે એક એક પાંદડાને સરસ રીતે બનાવશે કે આકાશમાં વાદળાંના રંગની છાંટ દેખાડશે - તે લક્ષથી ભટકી ગયો. પરિણામસ્વરૂપ ચિત્ર નષ્ટ થઈ ગયું. આને જ લોભ કે મોહ કહેવાય છે. પહેલાંની કલ્પનાની સાથે પછીની કલ્પનાનો મેળ ન પડવાથી જ ચિત્ર નષ્ટ થઈ ગયું. શું પરંપરાગત આદર્શની જરૂરિયાત છે? જો કોઈ આકસ્મિક દુર્ઘટનાથી સમગ્ર પરંપરા લુપ્ત થઈ જાય તો શું હંમેશ માટે સમગ્ર કલાઓ નષ્ટ થઈ જશે? કલાનું મૂળ આદિ-મૂળમાં છે. જે આનંદના પરિણામસ્વરૂપે સૌર જગત અને પૃથ્વીની સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ જ આનંદમાં આવીને ચિત્રકાર ચિત્ર બનાવે છે. એટલે મહાપ્રલય પછી જેમ પુનઃસૃષ્ટિ સર્જાય, પુનઃ મનુષ્ય જેવા સંપૂર્ણ જીવનો જન્મ થાય તેમજ કલાની શરૂઆત પણ થશે. છતાં પણ પરંપરાગત કલા વ્યાપારની મૂડીની જેમ હોય છે. તેને ઉપયોગમાં લઈને થોડાક જ પ્રયત્નથી વધારે સારું એશ્ચર્ય પામી શકાય છે. જે આર્ટિસ્ટ છે તેના દરેક સમયે બધાં મિત્ર હોય છે. તે ક્યારેય એક્લો નથી હોતો. તમે સારા લાગો છો. તમારા ગયા પછી વૃક્ષ સારું લાગે છે, વૃક્ષ નહીં હોય ત્યારે દરવાજો ય સારો લાગશે. સારું કેમ લાગે છે ? ક્હેવું થોડું અઘરું છે. છતાંય કોઈ આવેગના કારણે કોઈ વસ્તુ સારી લાગવા કે વસ્તુ પોતાની છે એટલે સારી લાગવામાં ઊણપ રહે છે. કૂતુહલવશ કોઈ વસ્તુનું સારું લાગવું એ પણ સ્થાયી નથી હોતું. એક અન્ય રીતનું સારું લાગવું હોય છે. એ છે ઊંડો એકાત્મક્તાનો બોધ. કોઈ દશ્ય એટલું સારું લાગે છે કે તેમાં મરવાની પણ મજા આવે બધાં જ ભરોસો આપે છે. બધાં જાણે સ્નેહી છે. કોઈ વસ્તુ જેટલી સારી લાગે છે, મૃત્યુનો ડર એટલો ઓછો થાય છે. કારણ મને અનુભવ્યું કે હું મરી જઈશ તો આ તો રહેશે જ. આનું રહેવું તે મારું રહેવું તો છે. ચિત્ર બે પ્રકારના હોય છે. એક એ જે ચિત્રકારે બનાવ્યું છે અને બીજું એ જે સ્વયં બન્યું છે. સારા ચિત્રમાં વિષયવસ્તુ, શૈલી અને ચિત્રકાર ત્રણેય સ્થિત હોય છે. ચિત્રમાં રંગ પૂરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ધાન્યના ખેતરની લીલોતરી તમને એટલી ગમવી જોઈએ કે તમે સ્વયં લીલા થઈ જાઓ. તમારા અસ્તિત્વની અનંત ઓળખ સાથે એ ઓળખ જોડાઈ જાય. ત્યારબાદ ચિત્ર બનાવશો તો ક્યો લીલો રંગ પૂરવાનો છે, તેની સાથે બીજો કયો રંગ ક્યાં સારો લાગશે વગેરે બાબતો ઊંડી અનુભૂતિના કારણે તમારી સામે સ્વયં સ્પષ્ટ થશે - પીંછીના ટેરવે રંગ પોતાની મેળે આવતો જશે. એક બીજી વાત, આલંકારિક પદ્ધતિમાં ચિત્રકાર પાકથી લચેલા ખેતરનો રંગ આકાશમાં પૂરી શકે છે. વાદળમાં પણ પૂરી શકે છે. પહાડમાં પણ પૂરી શકે છે. તેમાં કશું ખોટું નથી હોતું. કારણ ચિત્રકારે પ્રકૃતિ પાસેથી શીખી લીધું હોય છે. જુદા જુદા રંગોનો ઊંડો અભ્યાસ અને રંગોની પરસ્પર સંબંધની વાત, દઢ આત્મીયતાની વાત, છતાંય સ્વાધીન અને સ્વતંત્ર છે. આ પ્રથા આપણને જૂના રાજપૂત, મુગલ કે પારસી ચિત્રોમાં જોવા મળે છે. આનાથી કૃતિમાં કોઈ પ્રકારની ક્ષતિ નથી આવતી પરંતુ તે શ્રેષ્ઠ બને છે. જેણે પહાડ નથી જોયો એ વાદળનું ચિત્ર ન બનાવી શકે. સ્થિરતાને જાણ્યા વગર ચંચળતાને જાણી શકાતી નથી. ઇન્દ્રિયોની ચંચળતામાં જે રસ છે અને ચિત્રની ધ્યાનમગ્નતામાં જે રસ છે. કલાકારે બન્નેને જાણવાની જરૂરિયાત છે. કલાકાર એક પક્ષે હોય તે ન ચાલે. તેણે સર્વદેશી અને નિર્લિપ્ત હોવું જોઈએ. સાંભળ્યું છે એકવાર કોઈકે કહ્યું હતું કે ફણગો ફૂટતા જવનો ઉપરનો ભાગ પાંખો ફેલાએલા પતંગિયા જેવો લાગે છે. પરંતુ જ્યારે કોઈ ખરેખરા પ્રતિભાશાળી કવિએ કહ્યું કે જવનો ફણગો ફૂટતો જોઈને એવું લાગે કે જો એક જોડી પાંખો મળે તો તે પતંગિયાની જેમ ઊડવા માંડશે. એક જ ઉપમાને જોવાથી ખ્યાલ આવશે કે રજૂઆતમાં કેટલો ફર્ક આવે છે. જે જડ હતી તે ચેતન બની ગઈ. પ્રવૃત્તિમાં બે ધારાઓ છે. એકમાં એક રૂપની સાથે બીજાનો મેળ ન બેસે પરિણામ આશ્ચર્યજનક. આ થયું સ્થૂળ રૂપ. બીજામાં દેખાય છે કે આ બધી વિસંગતિ અથવા વિચિત્રતા જે અંતર્નિહિત નિયમથી પ્રગટે છે તે જ તેનું એક્ય છે. જેવું દશ્ય અને વૈવિધ્યના અંતરમાં એક્ય - આ જ પ્રકૃતિ - વિશ્વ પ્રકૃતિ પણ અને તેમાં સમાહિત માનવ પ્રકૃતિ પણ. કલાકાર સૌથી પહેલાં બાહ્ય રૂપ તરફ આકર્ષિત થાય છે. ત્યાર બાદ એ રૂપથી બીજા રૂપના સંપર્ક તરફ. ત્યાર બાદ આકર્ષાય છે તે ભાવ અને તે રસ તરફ જે પ્રત્યેક રૂપને, પ્રત્યેક ક્ષણને રૂપાંતરિત અને જીવંત કરી રહ્યું છે. આ રીતે કલાકાર જેટલો આગળ વધે છે, તેટલી જ તેની સર્જનક્ષમતા વધે છે. એટલો જ સર્જનના ક્ષેત્રનો વિસ્તાર થાય છે. કલા વિશેષની પોતાની વિશિષ્ટ ભાષા કે કનવેંશન (convention)નું કામ વસ્તુને સરળ કરવી તે નહીં પરંતુ પૂર્ણ બનાવવી તે છે. જ્ઞાન અને સાધનાની વિશેષ સંયોગથી જ તેનો ઉદભવ થાય છે. આપણી ચારેય બાજુએ સર્વત્ર ક્ષતિગ્રસ્તભાવ અને ક્ષતિગ્રસ્ત રૂપની તરફ પ્રકૃતિનો જ સમગ્ર આવેગ અને ઇચ્છાનું ખેંચાણ છે. તદ્‌ઉપરાંત સૃષ્ટિમાં વ્યાપ્ત જળ, વંટોળ, તડકો અને અતિવૃષ્ટિ છે. જીવ-જંતુ જનાવર અને મનુષ્યોના અગણિત ઉપદ્રવ છે. આ બધી જડવસ્તુઓની જડતાના કારણે ઉત્પન્ન થતી અડચણો થકી મૂળભાવ અને આવેગ સુધી આપણે સીધા પહોંચી શકતા નથી. આંખો દ્વારા, અંતરના પ્રેમ દ્વારા તે જોવામાં અને બતાવવામાં સાર્થકતા છે. ચીનની ચિત્રકલા અને ભારતીય શિલ્પકલાની સરખામણી નથી. ભારતીયો વિષયને ચારે તરફ્થી જુએ છે. એ જોવાને આકારિત કરવાનું યોગ્ય માધ્યમ છે, શિલ્પકલા અને સ્થાપત્યકલા. પરંતુ ચિત્રની સપાટી દ્વિઆયામી હોય છે. તેમાં લંબાઈ અને પહોળાઈ જ હોય છે. તેનું વિશિષ્ટ દષ્ટિબિંદુ અંતર કે અવકાશ હોય છે. આ ટુ-ડાયમેન્શન (2-Dimension) સર્જનના ક્ષેત્રમાં અંતરની રસસૃષ્ટિ ચીની કલાકારો સ્વાભાવિક્તાથી બતાવે છે તે બીજે ક્યાંય જોવા મળશે ? ચીની ચિત્રકારો માટે ચિત્ર બનાવવું તે લખવા જેવું છે. એટલા માટે જ ચિત્રની સપાટ ભૂમિ તેમના સર્જન માટે વધુ ઉપયોગી નીવડે છે. ઓકાદુરાએ કહ્યું હતું કે પ્રકૃતિ (Nature) પરંપરા (Tradition) અને મૌલિકતા (Originality) - આ ત્રણના પરિણામે જ સર્વાંગ સંપૂર્ણ કલાત્મક સર્જન થાય છે. પ્રકૃતિની જાણકારી વગર કલા દુર્બળ અને કૃત્રિમ થઈ જાય છે. પરંપરાના જ્ઞાનને અભાવે તે જડ અને અણઘટ બને છે. અને કલાકારનું પણ જો કાંઈ યોગદાન ન હોય તો બધું જ હોવા છતાં કલા નિષ્પ્રાણ રહે છે. બીજી બાજુ કેવળ પ્રકૃતિ પર આધારિત હોય તો નકલ બની જાય છે. કેવળ પરંપરા આધારિત હોય તો થઈ જાય કારીગરી અને કેવળ મૌલિક્તાનો આધાર લઈને કલાકાર સર્જન કરે તો એ પાગલ જેવું આચરણ કરે છે. જુદી જુદી ઉંમરે મનુષ્યનું જીવન જુદી જુદી વસ્તુઓને કેન્દ્રમાં રાખીને ચાલે છે. બાળપણમાં મા, કિશોરાવસ્થામાં ભાઈ-બહેન, યુવાવસ્થામાં સ્ત્રી કે પ્રેમિકા અને પ્રૌઢાવસ્થા કે ઘડપણમાં બીજું કાંઈ. આ કેન્દ્રો સ્થિત રહેવાથી જીવનમાં રસ રહે છે. સુખ રહે છે. ઉત્સાહ રહે છે. કેન્દ્રથી ખસી જવાથી બધું જ બેસ્વાદ થઈ જાય છે. એટલે કામ માટે કોઈ પ્રેરણા રહેતી નથી એટલે જે જેટલાં સ્થાયી તત્ત્વોને કેન્દ્રસ્થાને રાખીને જીવનનો વિકાસ કરે છે, તેને સુખ-શાંતિ અને કામ કરવાની પ્રેરણા આપતો સ્રોત પણ એટલો જ સ્થિર રહે છે. ખતમ થતો નથી. આવી સ્થિર વસ્તુ છે આ વિશ્વ પ્રકૃતિ. આ વાત જીવનમાં પણ સત્ય છે અને કલામાં પણ. નિત્ય નિયમિત સાધનાના પરિણામે, છેલ્લે મન ભરેલા ઘડા જેવું થઈ જાય છે. ભરેલો ઘડો થોડો પણ હલવાથી છલકાય છે તેમ કોઈપણ કારણે જરાપણ ઉદ્દાલિત થતા મનમાં સ્થિર રસાનુભૂતિ અને રૂપાનુભૂતિનું અક્ષયપાત્ર છલકાઈ જાય છે અને આકારિત થાય છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, કવિતા અને ગાન. ખૂબ આશા અને ઇચ્છાથી શરૂઆત કરી પણ આજ તમને લાગે છે કે કશું થયું નહીં. પરંતુ બની શકે કે થવામાં હવે બહુ વાર ન હોય. માની લો કે તમે જગન્નાથપુરીના મંદિરે જઈ રહ્યા છો. સવારના સમયે ખૂબ દૂરથી વનરાજીની વચ્ચે મંદિરનો ઘુમ્મટ દેખાય છે. ઉત્સાહભેર ચાલવા માંડ્યા. જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તડકા અને રેતની ગરમી વધવા માંડી. ભૂખ અને તરસથી જીવ અકળાઈ ઊઠ્યો, ખબર નહીં ક્યારે આસપાસનાં મકાન અને વનરાજી વચ્ચે દેખાતો ઘુમ્મટ પણ ખોવાઈ ગયો. તમે એકદમ દિક્ભ્રમિત થઈ ગયા. ચાર રસ્તે આવીને કઈ બાજુ જવું તેની સમજણ નથી પડતી. છતાંય કદાચ દરેક ડગલે તમે આગળ વધતા રહો છો. જ્યારે એકદમ હતાશ થઈ રહ્યા હશો, ત્યારે રસ્તાની ધારે એક વળાંક પાર કરતાં જ સામે એક વૃક્ષથી આગળ જતાં જ મંદિરનો ખુલ્લો દરવાજો આંખ સામે હશે. કલાકારે હંમેશાં ચેતનવંતા રહેવું પડે. ભાગીરથીમાં તરંગની તાલે તરણા સાથે કમળનું ફૂલ અને પાન વહી રહ્યું છે. તે પાણીમાં માછલી પણ રમી રહી છે. પોતાની ઇચ્છા મુજબ જળના પ્રવાહની દિશામાં કે ઊલ્ટી દિશામાં જઈ રહી છે. બન્નેમાં તફાવત છે. આજ તફાવત સાધારણ મનુષ્ય અને કલાકારમાં હોય છે.

વાસ્તવિક્તા શું છે ? તેની વ્યાખ્યા કુમારસ્વામીએ એક સંસ્કૃતની ઉક્તિ ટાંકતાં આપી છે. વાસ્તવિકતા એ છે, જ્યાં અભાવ-બોધ નથી. અર્થાત્‌ કલાના ક્ષેત્રમાં કહી શકાય કે ચિત્ર અને ચિત્રનું વિષયવસ્તુમાં સમાનતા ન હોવાથી પણ જ્યાં અભાવ-બોધ નથી. ચીની લોકોએ પણ આજ કહ્યું છે. સાચા કલાકારનું કામ કેવું હોય છે? વસ્તુનો આશ્ચર્યજનક અનુભવ થાય છે. પણ પાસે જઈને જોતાં શાહીની છાપ અને પીંછીના ડાઘ સિવાય કશું જ દેખાતું નથી. ચાઈનીઝ લોકો એટલે જ કહે છે કે ટેકનિક જ બધું છે, અને ટેકનિક કશું જ નથી. મન જ ચિત્ર બનાવે છે. મન જ્યારે જવા ઇચ્છે ત્યારે તે ખેંચી ખેંચીને ક્યાંથી ક્યાં લઈ જાય તે ખબર પણ ન પડે. સાચા કલાકારની ટેકનિક કે સાચી ટેકનિક છે - તંત્ર (તાઓઉપનિષદ)ના એ શ્લોકની ઉક્તિ અનુસાર - પક્ષીના ઊડવાની જેમ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જઈને બેઠું પણ હવામાં કોઈ નિશાન જ ન રહ્યું. કોઈ કોઈ વ્યક્તિ એવી છે જે કોઈપણ વસ્તુનું ચિત્ર બનાવે, તે તેમાં પ્રવેશી જાય છે. પ્રવેશ કેવો ? તમારો હાથ પકડીને અહીં આ રીતે મૂકી દીધો. પછી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યો. પછી તમને પકડીને ઉઠાડ્યા, બેસાડ્યા - આ થયું એક. એક બીજું થયું જો તમારા અંતરમાં જ પ્રવેશી શકે તો તમારા હાથની સાથે, તમારા પગની સાથે હું જે ઇચ્છી શકું છું. ઊઠવું, બેસવું, દોડવું, નાચવું - કાંઈપણ કરવામાં જોર નથી આવતું. અડચણ નથી આવતી, બસ સહજ રીતે તે જ થાય અને સાચું થાય છે. નાના બાળકો દ્વારા બનાવેલું ચિત્ર પણ ખૂબ સુંદર હોય છે. અદ્‌ભુત છંદ, અદ્‌ભુત રંગ એનાં હોય છે. એટલે નાના બાળકોના કામની નકલ કરીને કલાકાર ન બની શકાય. નાના બાળકોના કામના ગુણ મોટા કલાકારોને કામ લાગે છે. ત્યારે જ્યારે એ જ્ઞાનની ચરમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. કારણ મોટા માણસો જો નાના બાળકોનું અનુકરણ કરે તો એ ખોટો દેખાડો થશે. એટલે મોટા માણસો પણ ઘણીવાર બાળકો જેવો વ્યવહાર કરે છે. એ આપણે જાણીએ છીએ. આવી જ વ્યક્તિઓને આપણે પ્રતિભાશાળી કે પરમહંસ કહીએ છીએ. એક જાપાની કવિતામાં કવિએ લખ્યું છે. હું ચેરીનું ફૂલ થવા ઇચ્છું છું. મનુષ્ય તો ચેરીના ફૂલથી ઘણો મોટો હોય છે. ઘણો મહાન હોય છે. તો પછી તેની આમ આવી વિપરીત ઇચ્છા કેમ ? આનું કારણ છે, એ મનુષ્ય છે એટલે એને એવી ઇચ્છા થઈ. ચેરીના ફૂલના મનમાં તો મનુષ્યની ચેતના સંસારના બુદ્ધિ અને અનુભૂતિ પ્રસારિત થાય છે. મનુષ્યની ચેતના સંસારના સર્વમાં પ્રવેશ કરવા ઇચ્છુક છે. એનો બીજો અર્થ એ પણ લગાવી શકાય છે - મનુષ્ય સંસારની અનંત જટિલતા, અસીમ દ્રવ્વ, અખૂટ એશ્ચર્ય આ બધાની સાથે જ, આ બધાનો જયકારો કરીને જ તે ચેરીના ફૂલની જેમ પ્રસ્ફૂરિત સહજ સૌંદર્યને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ભારતીય મૂર્તિકલા ખૂબ જ ઊંચી વસ્તુ છે. તેમાં જે કાંઈ થઈ ગયું છે, તે અન્ય કોઈ યુગમાં નથી થયું. જ્યાં સુધી એક નટરાજની મૂર્તિ, એક બુદ્ધની મૂર્તિ કે એક ત્રિમૂર્તિ ઉપલબ્ધ છે. ત્યાં સુધી સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારતવાસી માથું ઊંચુ રાખીને રહી શકશે. ભારતીય કળા અને ભારતીય સભ્યતા આમાં જ સંપૂર્ણ છે. તેમાં નિરાકાર વિચારને સાકાર કરવામાં આવ્યો છે. પ્રકૃતિના - એ નાના પ્રકારની રૂપછટાઓને અનેક કલાકારોએ અનેક રીતે રૂપાંતરિત કરી છે. પરંતુ કરુણા, મૈત્રી કે કોઈ બીજા અમૂર્ત વિચારને મૂર્તરૂપ આપવાનો પ્રયત્ન કલા જગતમાં અન્યત્ર દુર્લભ છે. ચિન્હ કે પ્રતીકની રચના નથી કરી, રચના કરી છે મૂર્તિની. અર્થાત્‌ અહીં વિચારનું ‘વાચન’ મુશ્કેલીભર્યું કે કલ્પનાતીત નથી. રસિક વ્યક્તિઓ માટે તેનો બોધ વ્યાખ્યા સાપેક્ષ પણ નથી. વિચારનો જન્મ થયો અને વિચાર જ મૂર્તિ બન્યો. એક સમયે યુરોપમાં પ્રકૃતિની હૂ-બ-હૂ નકલ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. એ કલાનો સાચો રસ્તો નથી, તેમાં ખરેખરી તૃપ્તિ નથી મળી શકતી. તેના વિરોધમાં હવે પ્રકૃતિને એકદમ તેમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ પણ અયોગ્ય છે. તેમાં જરાય રસ નથી. આપણી આસપાસનું બધું જ છોડીને માણસ ન વિચારી શકે કે ન જોઈ શકે. વિજ્ઞાન કે મનોવિજ્ઞાનના તથ્યોનું શું થશે. એ કલાનું સત્ય તો નથી. કલાનો વિષય અને કલાકારનું મન પદાર્થ અને પ્રકાશ જેવાં છે. માટી અને પથ્થર સૂર્ય પ્રકાશને શોષી લે છે. તેને ઝાંખો બનાવે છે. પ્રકૃતિની અનુકારક કલામાં આવું જ થાય છે. અને કાચ, અરીસો કે જળ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરીને વધુ ચકચકિત કરે છે. ભારતીય કે પૂર્વની કલાનું મૂળ ચરિત્ર જ આ છે. આ કલા અનુકરણ પ્રત્યે વિશેષ જોક નથી આપતી. વધારે પડતી એબસ્ટ્રેક (Abstract) કે અમૂર્ત થવાની પણ એને જરૂરિયાત નથી જણાઈ, તેનું સત્ય સ્વરૂપ અને અરૂપ બન્નેને સાથે રાખીને વચ્ચે ઊભી છે.

પ્રકૃતિના ચિત્રણમાં કે લેન્ડસ્કેપમાં સ્થાપિત નવ રસમાંથી એકેય રસ નથી હોતો. વધુમાં વધુ તેને શાંત રસ કહી શકાય કે પછી એકાત્મકતાનો રસ કહી શકાય. ચીની લોકોએ સંભવતઃ પોતાના ઋષિ લાઓત્સેના વિચારોમાંથી આ રસને પ્રાપ્ત કર્યો હતો. એક લેન્ડસ્કેપની વચ્ચે એક માણસ. જો લેન્ડસ્કેપનું ચિત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય તો માણસનું ચિત્ર કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ અને જો માણસનું ચિત્ર દોરવાનો મુખ્ય હેતુ હોય તો લેન્ડસ્કેપ ચિતરવામાં સાવધાની રાખવી જોઈએ. ચિત્રમાં આકારિત થનારા વિષયને સીધેસીધો કે પરાણે વશમાં કરવાનો પ્રયત્ન કરવાથી તે સિફતપૂર્વક છટકી જશે. પ્રેમમાં પણ આ જ થતું હોય છે. તેની ગતિ પણ વાંકી હોય છે. જે બાજુ જવા ઇચ્છતા હોવ તે બાજુ સીધા ન જવાય, જે કહેવા માગતા હોઈએ એ સીધેસીધું ન કહેવાય જે કહેવા માગતા હોવ તેને વ્યંજનાના માધ્યમથી સુંદરતાપૂર્વક વ્યક્ત કરો. ઇંગિતના માધ્યમથી, ઇશારાથી, આનાથી પ્રેમી અને પ્રિયા બન્ને ખુશ થાય છે. આનાથી પ્રેમ સફળ થાય છે. કલા હોય કે પ્રેમિકા, બન્ને પ્રત્યે જોર-જબરજસ્તી સારી નહીં - ‘ઇચ્છા કર્યા વગર જ તેને પામી શકાય.’ લેન્ડસ્કેપના ચિત્રમાં વૃક્ષ-છોડ, રેતાળ મેદાન, જળની ધારા વગેરે બનાવીને મન સંપૂર્ણ સંતૃષ્ટ ન થાય ત્યારે લાંબી પૂંછડીવાળું પક્ષી કે હાથમાં નાની લાકડીવાળો ભરવાડ, વાંકું વળીને પાણી પીતું વાંદરું વગેરે બનાવી દીધાં અને લાગ્યું કે બધું જીવંત થઈ ગયું, બોલવા માંડ્યું, કીકું પણ સુંદર, ચિત્રમાં એ પક્ષી, ભરવાડ જ કલાકાર સ્વયં છે. કલા ક્ષેત્રે જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેમનાથી ભૂલ નથી થતી, દંતકથા પ્રચલિત છે કે એકવાર ચીની ચિત્રકારના પગની ઠોકરથી શાહીનો વાડકો ઢોળાઈ ગયો તેણે તરત જ હાથ ફેરવીને એક અદ્ભુત ડ્રેગનનું ચિત્ર બનાવી દીધું. ચિત્રકારના મનમાં જ્યારે વિષયવસ્તુની ધારણા સ્પષ્ટ રૂપે તૈયાર થઈ જાય ત્યારે મનમાંથી કાઢીને કાગળ પર મૂકી દેવાથી જ કામ થઈ જાય છે. એવું લાગે છે જેમ પડદો હટાવતાં જ પાછળ શું હતું તે નજરે પડી ગયું. આના માટે જે કુશળ હાથ,સાધન, કલા અને કલા કૌશલનું પ્રયોજન છે તેનાથી પણ નથી થતું કારણ કે કલાકાર અને કલા-રસિકને આ સંબંધે જાણે કોઈ હોશ જ નથી રહેતો. ધનુષ બાણ લઈ ઘણાં નિશાન તાકીને, ઘણા પ્રયત્નોથી લક્ષ્ય ભેદવાની ચેષ્ટા કરી શકાય છે. તેનાથી નિશાન તાકી પણ શકાય અને ન પણ તાકી શકાય. પરંતુ જ્યારે લક્ષ્ય જ ચુંબકની જેમ તીરને પોતાની તરફ ખેંચે ત્યારે આપણી તરફથી કોઈ ચેષ્ટા ન કરવાની હોવાથી ભૂલચૂકની કે નિશાન ચૂકવાની સંભાવના રહેતી નથી. વર્તમાન યુગમાં ખાસ કરીને પશ્ચિમના દેશોમાં કલાના ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનો પ્રભાવ દેખાઈ આવે છે. તેના પરિણામે થોડેઘણે અંશે અવચેતન કે અતિ સચેતન મન દ્વારા એક પ્રકારના કલાસર્જનનો પ્રયત્ન જોવા મળે છે. તે જોઈને મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, કે જો કેવળ કુતૂહલ જગાવે છે કે પ્રશ્ન આકાર લે છે. તેમાં પણ કલા છે કે નહીં. આપણી દષ્ટિએ કલા રસની વ્યંજનાની દૃષ્ટિથી જેમ એકબાજુ અનિર્વચનીય (અવાક્‌) અને અપરિસીમ (અસીમ) છે. તેમ જ રૂપ અને રેખાની દષ્ટિએ સુસીમ, સંશ્લિષ્ટ અને સુનિર્દિષ્ટ છે, કારણ કલા મનુષ્યની પોતાની સત્તાની સાથે વિશ્વસત્તાના ઘનિષ્ટ પરિચયની સાક્ષી કે પ્રતીક છે. એમ પણ કહી શકાય છે કે કલા નવા પરિચયનું સર્જન કરીને એક સૃષ્ટિની વસ્તુને એક બીજી સૃષ્ટિ વચ્ચે મૂકી આપે છે. કોઈ એક છોકરીની વાત કરીએ. સંસારમાં એ કોઈકની દીકરી, કોઈકની પત્ની, કોઈકની સખી, કોઈકની મા હોય છે. પ્રકૃતિની વચ્ચે કે પ્રકૃતિની દૃષ્ટિએ એ ન તો મા છે, ન બહેન કે ન પત્ની; એ કોઈની પણ સાથે અતૂટ સંબંધથી બંધાયેલ નથી - એ કેવળ નારી છે. હવે એ છોકરીનો એક એવો પણ પરિચય હોઈ શકે કે એ મા છે. એના ખોળામાં બાળક છે કે કોઈ એવું સ્પષ્ટ લક્ષણ છે જેના કારણે ભ્રમની સંભાવના જ ન રહે. છોકરી જેમ પ્રકૃતિની વચ્ચે આમ જ કોઈ અંતરંગ અનુભૂતિ વચ્ચે નિઃસંદિગ્ધ અને નિર્દિષ્ટ એક ઓળખની ઉજ્જવળતા પ્રાપ્ત કરે છે અને ત્યારે કલાનો આધાર(વિષય) બની જાય છે. સંસારમાં એનો સંબંધો દ્વારા જે પરિચય છે તે વામણો બની જાય છે. તેની ચમકને ઝાંખી કરી દે છે. અને તેને સારી રીતે ન ઓળખવાને કારણે જ એ બોધનો કે કલાનો આધાર નથી થઈ શકતી.... જે છોકરીને રોજ જોઉં છું, તેને નથી જોતો. વિવાહ વખતે એ દરેકનું ધ્યાન ખેચે છે. તે સમયે એ અપૂર્વ અને અનન્ય લાગે છે. એક પથ્થરના ટૂકડાને જ લો. જ્યાં સુધી એ કેવળ પથ્થર છે ત્યાં સુધી એક પ્રાકૃતિક ચીજ માત્ર છે. એક એવી ચીજ કે જે ફીજીક્સ કે મેટા ફીજીક્સ અંતર્ગત આવે છે. તથા જેને આંખોથી જોઈ શકાય છે. તથા યંત્ર દ્વારા જેનું પરીક્ષણ કરી શકાય છે. હવે એ જ પથ્થરનો ટૂકડો જાતે અથવા કોઈના દ્વારા થોડું રૂપ આપીને ક્યારેક શિવ, ક્યારેક વાનર, તો ક્યારેક ડોશી જેવો લાગી શકે છે. છતાંય એ મનમાં કુતૂહલ જગાડે છે. જીજ્ઞાસા પેદા કરે છે. પણ રસની સૃષ્ટિ નથી રચી શક્તો. કારણ કે જ્યાં સુધી આપણે તેને કોઈ ચોક્કસ નામ આપીને આત્મીયતા કેળવી ન શકીએ, ના તેનું નામ લઈને બોલાવી શકીએ, કલાકારના હાથમાં પડ્યા પછી એ પથ્થર પથ્થર નથી રહેતો. કલાકારે પોતાની બધી જ આંતરિક શક્તિના યોગથી જે અનુભવ કર્યો, જે જોયું, કે જે જોવાનો અભિગમ કેળવ્યો, તેનાથી તે પથ્થર શિવ, વાનર કે ડોશી વગેરેમાંથી કોઈ રૂપ ધારણ કરીને કોઈ રસિક વ્યક્તિની નજીકની ઓળખ થઈ, રસિક વ્યક્તિનો અંતરંગ થયો અને સાથે જ કલાની સંજ્ઞાથી અભિવ્યક્ત થયો, ત્યારે જ એ સૃષ્ટિની પ્રતિસૃષ્ટિ બન્યો. પૂર્વ તરફ લીલાં જંગલો ઉપર ઘેરાએલાં કાળાંડીબાંગ વાદળો - મને આટલી મજા કેમ આવે છે ? એણે મારા મનને આમ ઝંકૃત કેમ કરી દીધું છે ? કારણ બહુ જ સરળ છે. એક જ સૃષ્ટિ, એક જ ચેતનાનો એક છેડો છે તે વાદળ અને બીજો છેડો તે હું. એક તરફ મેઘ અને બીજી તરફ હું એટલે જ મેઘનું સુખ મારામાં અને મારું દુઃખ મેઘમાં વિચરણ કરે છે. વિષય (આસક્તિ) અને વિષયી (આસક્ત)ની એક જ સૃષ્ટિ છે. મારી ઇન્દ્રિઓ ફક્ત બારી દરવાજા જ છે. એ રસ્તામાં મારું અને મારી વિષય (આસક્તિ)નું મિલન થાય છે, બન્ને એકબીજામાં લીન થઈ જાય છે. એક જ ચેતના જુદા સ્વરૂપે દોલાયમાન થાય છે, તરંગિત થાય છે. કુણાલ જાતકમાં કામલોકની ચર્ચા મળે છે તેની ઉપર રૂપલોક અને તેની ઉપર અરૂપલોક, હું કહું છું કે એની ઉપર આનંદલોક. કામલોકમાં આસક્તિ છે એટલે અંધાપો છે. રૂપલોકના સ્તરે પહોંચતાં રૂપ દેખાય છે. અરૂપલોકમાં પહોંચતાં પ્રાણમાં એ નિખિલ પ્રાણછંદનું સ્પંદન અનુભવાય છે. આનંદલોકમાં રસ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે : રસો વૈ સઃ |

નંદલાલ બોઝની કળા હરિપુરા મંડપ સુધી દોડી આવી

Sanchayan 63 Image 17.jpg

કપાસ પીંજનાર

Sanchayan 63 Image 18.jpg

મોચી

Sanchayan 63 Image 19.jpg

કપાસ કાંતણ

Sanchayan 63 Image 20.jpg

કુંભાર

Sanchayan 63 Image 21.jpg

ડુગડુગીવાળી (ખંજરીવાળી છોકરી)

Sanchayan 63 Image 22.jpg

ઉડતી આકૃતિ

Sanchayan 63 Image 23.jpg

કાન સાફ કરનાર

Sanchayan 63 Image 24.jpg

મહિલા કલાકાર

Sanchayan 63 Image 25.jpg

ઊન કાંતણ

Sanchayan 63 Image 26.jpg

માળી

Sanchayan 63 Image 27.jpg

ખેડૂત

ગાંધી માટે, કલા અને નંદલાલ સમાનાર્થી હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલાકાર તરીકે નંદલાલને ‘શોધ્યા’ બદલ તેમને ગર્વ અને આનંદ હતો. બીજી તરફ નંદલાલ પણ શાખ આપતા હતા કે કેવી રીતે ગાંધીએ દેશને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો અને ટૂંક સમયમાં જ ગાંધીના પ્રશંસકોમાંના એક બની ગયા. મહાત્મા માટે તેમનો આદર ત્યારે વધ્યો જ્યારે તેમના કાર્યક્રમમાં ‘ભારતની આર્થિક સ્વતંત્રતા અને આને હાંસલ કરવા માટે તેની વ્યાપક કારીગર પરંપરાઓને મજબૂત કરવા માટે તેના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં આવ્યું. ભારતની કારીગર પરંપરાઓ પર ગાંધીનું ધ્યાન નંદલાલ માટે વિશેષ આકર્ષણ હતું. માર્ચ ૧૯૩૦માં ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચના પગલે તેમણે કરેલા પ્રખ્યાત લિનો-કટમાં નંદલાલની ગાંધી પ્રત્યેની પ્રશંસા સ્પષ્ટપણે જોવા મળે છે. મીઠાના કાયદા સામેના તેમના યુદ્ધને કાળા-સફેદ લિનો-કટમાં દર્શાવવામાં આવ્યું હતું. સાધારણ કદ મહાત્માને તેમની ચાલવાની લાકડી સાથે બહાર નીકળતા દર્શાવે છે, જે તમામ અવરોધોને દૂર કરવા માટે મજબૂત ઇચ્છાશક્તિની ભાવનાને ઉત્તેજીત કરે છે. આ ઇમેજ આખરે ગાંધીજીની પ્રતિકાત્મક છબીનું વિઝ્યુઅલ પ્રોટોટાઇપ બની ગયું છે તે હવે જાણીતું છે. સંજોગવશાત, ૧૯૩૫ સુધી નંદલાલ ગાંધીને અંગત રીતે ઓળખતા નહોતા જ્યારે ગાંધીએ ૧૯૩૫માં કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન સ્થાપિત કરવા બોઝની મદદ માંગી હતી. જો કે, ભારતીય સંમેલનના સંદર્ભમાં આ પ્રકારનું પ્રથમ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૯૩૪માં ઈન્દોર ખાતે યોજાઈ હતી. ગાંધીજીએ આવા પ્રદર્શનોના મહત્વને માન્યતા આપી હતી અને માનતા હતા કે તે પછીના તમામ કોંગ્રેસ સત્રોમાં ચાલુ રહેવું જોઈએ. નંદલાલ શરૂઆતમાં ગભરાયેલા હોવા છતાં, તેમણે તેને આગળ ધપાવ્યો અને ભંડોળની તીવ્ર તંગી હોવા છતાં, બેનોદે બેહારી મુખર્જી, પ્રભાત મોહન બંદોપાધ્યાય, વિનાયક માસોજી અને અસિત કુમાર હલદરને આ કાર્યમાં મદદ કરવા માટે મળ્યા.

હરિપુરા પોસ્ટર્સ

કોંગ્રેસનું અધિવેશન ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં ગુજરાતમાં બારડોલી નજીક હરીપુરા ખાતે થવાનું હતું. ફરી એક વાર ગાંધીએ નંદલાલને સ્થાનિક કલા અને હસ્તકલાથી ભરપૂર એક અનોખું વાતાવરણ બનાવવાનો હવાલો સોંપ્યો. અને ફરી એક વાર નંદલાલે તેમની અસમર્થતાની અરજી કરી, અંશતઃ કારણ કે તેઓ સ્વસ્થ નહોતા અને અંશતઃ તેઓ એ સાંભળીને નિરાશ થયા હતા કે કેટલાક સ્થાનિક કલાકારોએ તેમની સંકુચિત લાગણીઓને જાહેરમાં વ્યક્ત કરી હતી કારણ કે તેઓ ગુજરાતની બહારના કોઈને લઈને નારાજ હતા. પરંતુ ગાંધીજીને પત્ર લખ્યાના એક સપ્તાહની અંદર તેઓ બારડોલી છાવણીમાં ગાંધીના આશ્ચર્ય અને રાહત માટે આવ્યા. પરિણામે નંદલાલ હરિપુરા ગયા અને સ્થળનો અભ્યાસ કર્યો અને સ્થાનિક સામગ્રી અને કારીગરીની ઉપલબ્ધતાનું સર્વેક્ષણ કર્યું. હરિપુરા ખાતે, નંદલાલે ફેલાયેલા વિસ્તારને પર્યાવરણીય કલાના ઉત્કૃષ્ટ ઉદાહરણમાં ફેરવ્યો. દરવાજાઓ, થાંભલાઓ, પ્રદર્શન, સ્ટોલ્સનું ક્લસ્ટર, છાણવાળા આશ્રયસ્થાનો, લેન્ડસ્કેપ ગાર્ડન, મીટિંગ વિસ્તારો અને રહેણાંક તંબુઓ તમામને વિવિધ રંગોની વાંસ, છાલ અને ખાદીની સ્થાનિક સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા. માટીના વાસણો અને વાસણો ડિઝાઇનોથી શણગારેલા હતા; પંક્તિઓમાં લટકાવવામાં આવેલા ડાંગરના ઘાસના વાસણો, ટોપલીઓ અને શેરડીનું કામ - સ્થાનિક કારીગરોના હાથે બનાવેલું - આ બધાનો ઉપયોગ સત્રને ભવ્ય ગ્રામીણ વાતાવરણ આપવા માટે કરવામાં આવતો હતો. આ વિશાળ સાર્વજનિક કળાના નોંધપાત્ર ઘટક તરીકે નંદલાલે અલગ-અલગ ચિત્રો બનાવવાની યોજના બનાવી જે પાછળથી હરિપુરા પોસ્ટરો તરીકે પ્રસિદ્ધ થઈ જે ભારતીય જીવનને તેની તમામ વિવિધતામાં દર્શાવે છે. નંદલાલે લગભગ એંસી પોસ્ટરો જાતે દોર્યા હતા, જેમાં મોટાભાગે લગભગ બે ફૂટ બાય બે ફૂટ મોટા કદના હતા, અને તેમના વિદ્યાર્થી અને શિક્ષક સહયોગીઓએ તેમની નજીકની નકલો બનાવી હતી, લગભગ ચારસો જેતલ ચિત્રો સ્ટ્રોબોર્ડ પર ખેંચાયેલા હાથથી બનાવેલા કાગળો પર બનાવવામાં આવ્યા હતા, આ પેઇન્ટિંગ્સ અથવા પોસ્ટરોને સ્થાનિક પૃથ્વી રંગદ્રવ્યોમાંથી તૈયાર અને મિશ્રિત તેજસ્વી રંગો સાથે ચલાવવામાં આવ્યા હતા. ચારેબાજુ ડિસ્પ્લે પેનલો બાંધવા માટે વાંસ, છાસ અને હોમસ્પન કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધી ઇચ્છતા હતા કે પોસ્ટરો વટેમાર્ગુઓનું ધ્યાન ખેંચે, તેથી તેઓને સભાના કમ્પાઉન્ડના મુખ્ય દ્વાર પર અને પેવેલિયનની બહારના ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. કોઈ કલ્પના કરી શકે છે કે આખું વિશાળ પરિસર અત્યાર સુધીના ભારતીય જનજીવનની અમૂર્ત લાક્ષણીક ભવ્યતા જાહેર કલા બની પ્રદર્શિત થઈ છે. નંદલાલ બોઝ પોતે ઉત્સાહ સાથે લખે છે, પટચિત્ર શૈલીને અનુસરીને અમે મોટી સંખ્યામાં ચિત્રો બનાવ્યા અને મુખ્ય પ્રવેશદ્વાર પર, સ્વયંસેવકોની શિબિરોની અંદર, પૂજ્યબાપુજી, સુભાષબાબુ, અને રાષ્ટ્રપતિ માટેના ઉતારાઓમાં પણ તેમને દરેક જગ્યાએ લટકાવી દીધા.’ હરિપુરાના પોસ્ટરો ભારતીય ગ્રામીણ જીવન અને સંસ્કૃતિનું દર્શન કરાવે છે જેમાં આબેહૂબ આધુનિકતાવાદી ગ્રાફિક ગુણવત્તા સાથે આકર્ષક ભારતીય માટીની મહેક આપતી કલર પેલેટ અને બોલ્ડ, ઊર્જાસભર રેખાઓ દ્વારા કરવામાં આવે છે. અહીં આપેલી કૃતિઓ પર એક ઝીણવટભરી નજર નાખવાથી ખ્યાલ આવે છે કે આ પોસ્ટરો વિવિધ પ્રવૃત્તિઓ, વ્યવસાયો અને વેપાર તરફ ધ્યાન દોરે છે જે ગામડાના રોજિંદા જીવનની ક્ષણોને નયનરમ્ય સાતત્યતામાં રજૂ કરે છે. આસપાસની અવલોકન કરેલી વાસ્તવિકતામાંથી મેળવેલી મોટાભાગની છબીઓ નંદલાલે તેમના ગ્રામીણ વિસ્તારો અને સ્થળની નજીક રહેતા લોકોના સર્વેક્ષણ દરમિયાન કરેલા ઝડપી સ્કેચમાંથી વિકસાવવામાં આવી હતી. ચિત્રના સ્વરૂપો અને આકૃતિઓને સમુચ્ચય બનાવતા ઝડપી રેખાંકનો, સ્વયંસ્ફુરિત સ્ટ્રોક કાલીઘાટ પટચિત્ર અને અન્ય વિવિધ લોક કળાના પાત્ર અને સ્વભાવની યાદ અપાવે છે તે સમાન સહેલાઈથી જોવાને પ્રોત્સાહિત કરે છે. સમોહિત કરતી અને રમતિયાળ કિન્તુ ઉલ્લાસ આપતી કળાની રેખાના લક્ષણો દ્વારા પ્રસુત કરવામાં આવેલ કપાસ પીંજનાર, કાગળ બનાવનાર, મોચી, કપાસ કાંતણ, કુંભાર, ડુગડુગીવાળી (ખંજરીવાળી છોકરી, ઉડતી આકૃતિ, કાન સાફ કરનાર, મહિલા કલાકાર, ઊન કાંતણ, માળી, ખેડૂત અને પશુ ઉછેર, બાળ-પાલન અને રસોઈ સહિત ગ્રામીણ જીવનના સાધારણ દૃશ્યો જેવા વિષયોનું નિરૂપણ કરતી સામગ્રી સાથે સંપૂર્ણ રીતે સારી રીતે મિશ્રણ કરે છે. આ કૃતિઓની સરળતા મુખ્ય વિષયને ફ્રેમ કરતી કમાન માળખાના વિવિધ ઉપયોગમાં પણ રહેલી છે. ચોક્કસ આકૃતિઓના જોરદાર ગતિશીલ સ્વરૂપો, અલબત્ત, સમગ્ર ફ્રેમમાં કાપવામાં આવે છે આમ છબીઓને એકવિધતાથી બચાવે છે. બિનોદ બેહારી મુકરજીના જણાવ્યા મુજબ, “સત્ર માટે દોરવામાં આવેલી આ હરિપુરા પેનલોમાં, અવલોકન પર આધારિત પરંપરા અને અભ્યાસની અસ્પષ્ટ સંવાદિતા છે. દરેક પોસ્ટર ફોર્મમાં તેમજ રંગમાં આગલા કરતાં અલગ છે અને તેમ છતાં તે તમામ ભાવનાત્મક એકતાના મજબૂત અંડરકરન્ટમાંથી પસાર થાય છે, એક પારિવારિક સ્ટેમ્પ ઉધાર આપે છે. કલાકારે પરંપરાગત કે મોડેમ કોઈ આદર્શો તરફ નજર કરી નથી, પરંતુ સમકાલીન પરિસ્થિતિ પર નજર રાખીને પોતાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સ્વરૂપ અને રંગનો પ્રવાહ જે વિષય પર વહે છે, તેને ગૌણ બનાવીને, આ પોસ્ટરોને ભીંતચિત્ર કલા સાથે સગપણમાં લાવે છે.” સામૂહિક રાષ્ટ્રવાદની લોકપ્રિય સંસ્કૃતિમાં તેમનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે, હરિપુરા પેઇન્ટિંગ્સે નંદલાલને પ્રશંસા અને વ્યાપક માન્યતા અપાવી હતી. આ ચિત્રો દ્વારા, ચોક્કસ અર્થમાં તેઓ ગાંધીજીના ‘માટીના માણસોમાંથી ભગવાન બનાવવા’ના કથિત મિશનની નજીક આવ્યા.