સંચયન-૬૪
પ્રારંભિક
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૬: ડિસેમ્બર ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૪
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatramagazines.com
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૪
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
અનુક્રમ
સંચયનઃ બીજો તબક્કો: અંક - ૬: ડિસેમ્બર, ૨૦૨૪
સમ્પાદકીય
» બાળસાહિત્યની બારાખડી ~ કિશોર વ્યાસ
કવિતા
» ત્યાગ ન ટકે રે... ~ નિષ્કુળાનંદ સ્વામી
» મર્યાદા ~ રતિલાલ છાયા
» ન જાય ઘરમાં - ન બ્હાર આવે ~ શયદા
» બની જશે ~ મરીઝ
» બાળકોના વૉર્ડમાં એક માતા ~ વાડીલાલ ડગલી
» ઝાકળનાં જળ ~ દુર્ગેશ શુક્લ
» ને જગા પુરાઈ ગઈ ~ ઓજસ પાલનપુરી
» ચિરવિરહીનું ગીત ~ રમેશ પારેખ
» હવે તું ~ રામચંદ્ર પટેલ
» ઘરઝુરાપો ~ નિલેશ રાણા
» નર્સિંગહોમ ~ નિલેશ રાણા
» મગજીની કોર ~ બાબુ નાયક
» ઘટમાં ઝાલર બાજે ~ ઊજમશી પરમાર
» અરજી ~ કાનજી પટેલ
» શું બોલું, શું બોલું ? ~ ‘ભભાઈ’ ભરત પાઠક
વાર્તા
» એક મેઈલ ~ પૂજા તત્સત
નિબંધ
» ક્યાં ગયા એ શિક્ષકો.. ~ ભાગ્યેશ જ્હા
» આકાશની ઓળખ ~ ભાગ્યેશ જ્હા
વિવેચન
» રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ ~ શ્રેષ્ઠ રા. વિ. પાઠક
» શબ્દ સકળ પૃથ્વીના ~ અજયસિંહ ચૌહાણ
પત્રો
» ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર
» હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર
કલાજગત
»દૃષ્ટિ ભીતરની સત્યજિત રાયનું કલાવિશ્વ: અમૃત ગંગરના પુસ્તકનો આસ્વાદ ~ કનુ પટેલ
સમ્પાદકીય
“બાળસાહિત્યની બારાખડી”
કિશોર વ્યાસ
આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ એ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે.
આપણે ત્યાં આજે બાળસાહિત્યના જે લેખકો છે એ કઈ દિશામાં કામ કરી રહ્યા છે? એમાં સત્ત્વ તત્ત્વ કેવું છે? બાળસાહિત્યના સામયિકોમાં કેવી સામગ્રી પ્રગટ થઈ રહી છે એનો અંદાજ મેળવવાનું પણ જાણે આપણું લક્ષ રહ્યું ન હોય એવું પ્રતીત થાય છે. ‘પંચતંત્ર’, ‘મહાભારત’ કે ‘રામાયણ’ જેવી રચનાઓમાંથી બાળભોગ્ય કથાઓ, ચરિત્રો તો ઘણા કહેવાયા. પૂર્વે કહેવાયેલી વાર્તાઓના અનુકરણો અને રૂપાંતરો પણ ઘણા ચલાવ્યા ત્યારે આજના સમયને અનુરૂપ વિજ્ઞાન કથાઓ, સાહસ કથાઓ, કિશોર સાહસ કથાઓ, પ્રવાસ નિબંધો અને બાળનાટિકાઓ લખનારા લેખકોની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી છે. યશવંત મહેતા, નટવર પટેલ, રક્ષાબહેન દવે, કિરીટ ગોસ્વામી, જિગર જોષી, ગિરીમા ઘારેખાન, આઈ.કે. વીજળીવાળા, મહેશ ‘સ્પર્શ’ જેવા ઘણા નામો તરતમાં સ્મરણે ચઢે, જેમણે આજના બાળકોને મજા પડે એવી રચનાઓ આપી છે, પરંતુ બાળકો સાથેનો અનુબંધ તો પ્રાથમિક શિક્ષણ આપી રહેલા બે લાખ ઉપરાંતના શિક્ષકોનો જોડાયેલો છે. બાળકો સાથેનો એમનો સીધો જ, રોજબરોજનો સંસર્ગ છે ત્યારે બાળસાહિત્ય કેવળ બાળકો જ વાંચે એમ નહીં, પ્રાથમિક શિક્ષણ આપનાર શિક્ષકોએ પણ આ દિશામાં દીક્ષિત થવાની, રસરુચિ ઊભી કરવાની ને એનો પ્રસાર કરવાની આજે તો અનિવાર્યતા થઈ પડી છે. આજના બાળસાહિત્યમાં શું હોવું ઘટે એની અનેકવિધ વિચારણા આપણે ત્યાં મોજૂદ છે, પણ આખરે તો આ સાહિત્યની સમૃદ્ધિનો ખરો ખ્યાલ પાયામાં રહેલો પરિવાર અને શિક્ષકો જ આપી શકે. વાચનની સુટેવ જગાડવાની ઘણી મોટી જવાબદારી આ લોકો પર નિર્ભર રહેલી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના ઉભરાને કારણે ગુજરાતી બાળસાહિત્યને વાચનારો વર્ગ ઘટી રહ્યાની ચિંતા વારેતહેવારે પ્રગટ થઈ રહી છે એને સ્મરણમાં રાખીને બાળકોને મૂલ્યલક્ષી કથાનકો તરફ, વિજ્ઞાનની અનેકવિધ શાખાઓ જેવી કે ખગોળ, પર્યાવરણમાં રસ-તરબોળ કરતી કથાઓ આપણે સર્જી શકીએ છીએ ખરા? એ વિચારવું રહે છે. આજે સાહિત્ય સ્વરૂપના સામયિકો પણ જ્યારે ખોડંગાતી ગતિએ ચાલતા હોય ત્યારે સમૃદ્ધ બાળસામયિકોની અપેક્ષા વધુ પડતી કહેવાય તે છતાં આ દિશામાં કામ કરી છૂટનારા સામયિકોએ પુનરાવર્તનો, કઢંગી રચનાઓ અને તેના સમગ્ર આયોજન તેમ રૂપરંગ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. બાળકો માટે દર સપ્તાહે પ્રકાશિત થતી અખબારી પૂર્તિઓ, ‘બાલસૃષ્ટિ’ અને ‘ટમટમ કીડ્ઝ’ જેવા સામયિકોમાં પ્રગટ થઈ રહેલી સામગ્રીનું ધોરણ શું છે? એ જોઈને પણ આપણા બાળસાહિત્યની ગતિવિધિનો એક અંદાજ મેળવી શકાય એમ છે. બાળસાહિત્યની બારાખડી હવે પરંપરિત રચનાઓથી ચાલે એમ નથી. એ બારાખડીને પામવી અઘરી જતી જાય છે, કેમકે બાળવાચકો, બાળલેખકો સામેનો સમય બદલાઈ ગયો છે. બાળસાહિત્ય આજે પડકારજનક સ્થિતિએ હોવા છતાં એમાં શક્યતાઓ પણ પાર વિનાની છે. એ રાહ જોઈ રહી છે, આ બારખડીને અવગત કરનારની. એ મળશે ખરા?
કવિતા
નિષ્કુળાનંદ સ્વામી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી;
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. ત્યાગ૦
વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દરજી;
ઉપર વેષ આછો બન્યો, માંહિ મોહ ભરપૂરજી. ત્યાગ૦
કામ-ક્રોધ-લોભ-મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાયજી. ત્યાગ૦
ઉષ્ણરતે અવની વિષે, બીજ નવ દિસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, ઇંદ્રિય વિષય આકારજી. ત્યાગ૦
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગજી;
અણભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી. ત્યાગ૦
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણાશ્રમથકી, અંતે કરશે અનરથજી. ત્યાગ૦
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;
ગયું ધૃત મહિ માખણ થકી, આપે થયું રે અશુદ્ધજી. ત્યાગ૦
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી;
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી. ત્યાગ૦
(‘મુખપોથી’માંથી)
(અનુષ્ટુપ)
ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ
અનોખી સ્વસ્થતા ધારી ડોલતો શાથી અર્ણવ?
ઐરાવત ગયો મૂકી, ઇન્દ્રને મહેલ ડોલવા;
પાંચજન્ય ગ્રહ્યો કૃષ્ણ કાળની વાણી બોલવા;
સૂર્યના સારથિ કેરાં સ્વીકારી તેજ-ઈજનો
લાડીલો અશ્વ ખેડતો આભનાં નીલ કાનનો; 6
અમીકુંભ લીધો દેવે; પીધું રુદ્રે હલાહલ,
વિષ્ણુની ગૌર ગ્રીવાએ વિરાજ્યો મણિ કૌસ્તુભ;
ધન્વંતરી ગયા છાંડી પૃથ્વીનાં દર્દ ખાળવા,
ચન્દ્રમાં આભમાં ચાલ્યા રોહિણી-કંઠ ઝૂલવા; 10
કામદુગ્ધા ગ્રહી ઇન્દ્રે ઇચ્છાની વાડી સિંચવા,
પારિજાત રહ્યાં મોહી રાધિકા-વેણી ગૂંથવા;
સ્વપ્નની સુંદરી જેવાં રંભા ઇન્દ્રપુરી વસ્યાં,
વીરનાં બાહુએ બેઠાં ધનુષ્-કોટિ-પ્રભાવતાં; 14
સમૃદ્ધિ સૌ ગઈ ચાલી છતાં નિર્ધન કાં નહીં?
છે હજી એક મર્યાદા-લાખેણું ધન એ સહી. 16
(ગુજરાતી સૉનેટ કવિતા)
શયદા
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.
(ગુજરાતી ગઝલ)
મરીઝ
જ્યારે કલા, કલા નહીં જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.
જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે.
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા!
મારું છે એવું કોણ કે બંધન બની જશે!
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
(ગુજરાતી ગઝલ)
વાડીલાલ ડગલી
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોશ્વાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.
(‘મુખપોથી’માંથી)
દુર્ગેશ શુક્લ
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
પળનાં પારેવડાંને ઊડવાની ચળ!
પકડ્યાં પકડાય નહીં પળ પળમાં છળ,
ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ!
તટની વેળમાં પડ્યા ભાતીગળ સળ,
વાયરો વહે ને થાય સઘળું સમથળ,
તોયે હજી વળે નહીં કેમે કરી કળ!
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
(પર્ણમર્મર, ૧૯૮૫, પૃ. ૯૦)
ઓજસ પાલનપુરી
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થતાં ભાવના બદલાઈ ગઈ.
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ.
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ નહીં પણ જિંદગી જીવાઈ ગઈ.
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
(‘મુખપોથી’માંથી)
રમેશ પારેખ
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર–શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે
આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી
પાંપળ ઉપર ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘જોવું’
સુક્કાસુક્કા ટગરવૃક્ષ પર ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?
આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
(‘છ અક્ષરનું નામ’માંથી)
રામચંદ્ર પટેલ
તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
પડેલો દ્વારેઃ ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
અડ્યાં; જાગી ઊઠ્યો તરત થઈને મોર કલગી
જઈ બેઠો સાખેઃ પછી નીરખું તો તોરણ તમે
રહ્યાં મ્હેકી,... પાછો હું સરકી જઈ કુંજર સમ
થયો પાણિયારું... ઉતરડ બની તામ્રવરણી
ઊગી મો’રી ઊઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.
વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ
ઠરે એ વ્હેલાં તો ઊતરી ગઈ લૂખા લીંપણમાં...
હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.
(‘ચોસઠ સૉનેટ કાવ્યો’ માંથી)
નિલેશ રાણા
છોડ હવે વનવાસ
અહેસાસનો ભરી શ્વાસ
કર નીજને
ઘરઝુરાપામાંથી તડીપાર
અધિકાર આ ધરાનો
કરે કેમ ઇન્કાર?
અહીં નથી આવ્યો મરજીથી
તો જા – ખુલ્લાં છે દ્વાર
મન સાથે ના લડ
પડી જશે તો તડ
મળશે માત્ર અંધકાર
ભળી શ્વાસમાં – લોહી બની ગઈ
જોને અહીંની માટી,
નથી ભૂસવું અને વળી
આ કોરી રાખવી પાટી!
ભર્યો પ્રથમ શ્વાસ ભલે ત્યાં
છેવટનો અહીં જ છૂટશે
અ-બ-કમાં નહીં
કદીક કોઈ યાદોને
A-B-Cમાં ઘૂંટશે
ગુલમહોર નહીં –
અહીં કબરને
ટ્યૂલિપ – ડેફોડિલ્સ જ ચૂમશે.
(‘મુખપોથી’માંથી)
નિલેશ રાણા
અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન
થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને
વાંકા વળેલાં
વૃક્ષો સમું...
ઉપર ઉપરથી વહેતું જીવન
જાણે ઝીણો પવન
સ્થિર રાત્રિ શા
દિશાશૂન્ય – મુક્ત પંખી-મન
રિક્તતા સઘન
આથમવા ક્ષિતિજો શોધતું
કશુંક ગહન
પ્રશ્ન એક જ!
ક્યાં... છે... મરણ?
મારા જ ભવિષ્યનો ભૂતકાળ
કૃષ્ણવિહોણું વૃંદાવન
(‘મુખપોથી’માંથી)
ઊજમશી પરમાર
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારિયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે,
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી?
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
(‘મુખપોથી’માંથી)
કાનજી પટેલ
તાડ પાંદડું ગોળ વળ્યું કે પીહો
તુંબડાનો તંબૂરો
વાંસમાં પેઠી ડગળી ને વાંસળી
ગટલીની જીભી ઘસી કે પીહી
ઢોર શીંગનું વાજુ
વીરવણ ઘાસનો મોર ગૂંથ્યો
બીન પર લાગ્યું મઘ મીણ
ને મહુવર કાળબેલિયા
થાળી વગાડવાની
એમાં જ ખાવાનું
આ તો જબરું જ કે?
હસતાં રમતાં અમે થાનકે પહોચ્યાં
બોલ્યાંઃ દૂધ કોદરી ધાન આલજે
પોલા નૈયે હરો આલજે
ખળે ધાનને વહેંચી ખાઈએ
વધ્યા ધાનથી કોઠી ભરીએ
મન મેલીને ઢોર ધરબીએ
ઠંડા જળથી કોઠો ઠારીએ
ગોવાળ કૂદશે મહુડે
(‘ધરતીના વચન’માંથી)
‘ભભાઈ’ ભરત પાઠક
શું બોલું, શું બોલું ?
દુઃખ હોય તો રોઉં - આ તો સુખશમણાનું ઝોલું !
પહેલવારકી ભાળી’તી જે
નેણહૂંફાળાં મરકલડાંની તરવર્ય તરવર્ય ભાત્ય,
અટવાતી, ગૂંથાતી એમાં, હસતી, રોતી, રમતી, ગાતી,
ખોવાતી, પકડાતી દીઠી તે દી’થી આ જાત્ય !
કાલ સુધી જે સાવ નફકરી ફરતી’તી
ઈની ઈ હું આ ઘરમાં બેઠી ઘુમટો યે ના ખોલું !
શું બોલું, શું બોલું ?
જરાક અમથું મરકલડું
ને પલકવારમાં જીવતર મારું સાવ ગયું બદલાઈ,
રૂંવે રૂંવે ડરું,
અરે એ ક્યાંક જરા જો ઓરા આવી આછું યે તે અડી જશે તો
જાતબટકણી જઈશ હું તો સમૂળગી વેરાઈ !
સાવ સાડલો ચોફરતો ઓઢીને, આખો દેહ બધો સંકોરી
લઈને
જાતમાંહ્યલી ઝંખી રહી છે એનું એક અડપલું.
શું બોલું, શું બોલું ?
દુઃખ હોય તો રોઉં - આ તો સુખશમણાનું ઝોલું!
(‘મુખપોથી’માંથી)
વાર્તા
એક મેઈલ
પૂજા તત્સત
નામ લખવાથી ડરું છું. ક્યાંક તારા નામથી તારી પ્રતીતિ એટલી ઘેરી બની જાય કે લખી જ ન શકું. ઘણા દિવસો સુધી મનમાં મેઈલ લખ્યા પછી આજે ખરેખર લેપટોપમાં લખી રહી છું. ગઈ કાલે લખવા ગઈ ત્યારે નીચેવાળાં પુષ્પાઆંટી આપણા બાથરૂમમાંથી એમના બાથરૂમમાં પાણી લીક થવાની ફરિયાદ સાથે આવી ગયાં. પરમ દિવસે લખવા ગઈ ત્યારે લેપટોપના ચાર્જરનું પ્લગ વચ્ચેથી તિરાડ પડીને છૂટું થયેલું મળ્યું. ગઈ કાલે બદલાવ્યું. મહિના પહેલાં એક વાર આમ લખવા બેઠી ત્યારે મેઈલના એડ્રેસમાં તારું નામ લખીને ક્યાંય સુધી એને જોતી બેસી રહી. તને, એક પતિને આવું બધું લખવું ને મેઈલમાં લખવું એ મારી તને આ બધું મૌખિક રીતે કહી શકવાની નિષ્ફળતા સૂચવી જાય છે એવું કંઈ વિચારતી રહી. વધારે પ્રયત્ન કર્યો હોત તો ગઈ કાલે પણ લખી શકી હોત અથવા પરમ દિવસે અથવા એની આગળના દિવસે અથવા કદાચ મહિના પહેલાં અથવા એથીય પહેલાં. પણ કદાચ આ લખવાનું આજે જ બનવાનું હશે. વિચારો, લાગણીઓની પ્રવાહિતા થીજીને ઘન સ્વરૂપે શબ્દોમાં ઊતરે એના માટે આ સમયગાળો જરૂરી હશે. ઘણી વાર મનમાં લખાયા પછી આમ સાચેસાચ લખાવું એવું જરૂરી હશે. આમ જીવનને તટસ્થતાથી જોઈએ તો એક રેખા કે એક વળાંક કે એક ખૂણો કશું જ અનિયમિત કે અસંગત ન લાગે. બધું બરાબર ગોઠવાયેલું લાગે. આપણા નિર્ણયો, આપણને લેવડાવવામાં આવ્યા હોય એવા ને આપણે જાતે લીધા હોય એવું લાગતું હોય એવા પણ... પણ આટલી તટસ્થતા અફાટ રુદન બાદ જ આવતી હોય છે એવું પણ સમજાયું છે.
આમ તો. શું? યાદ કરવા બેસું ત્યારે એમ.એ.માં એડમિશન માટેના ઇન્ટરવ્યૂની લાઈનમાં ઊભેલો સોળ વર્ષ પહેલાંનો તું દેખાય. એ વખતે તારું કપાળ અને ચહેરો અત્યારે છે એટલાં પહોળાં નહોતાં. ને પાંથી પણ આમ સાઇડમાં નહીં ને ખાસી વચ્ચે પાડતો. આંખ-નાકની સરહદો જે અત્યારે સહેજ વજન વધવાથી ભૂંસાઈ ગઈ જણાય છે એ જરા વધારે સ્પષ્ટ હતી. એ વખતે એકબીજાનું કેવું બધું સ્પર્શતું? તને મારું ક્લાસમાં હંમેશાં મોડું આવવું ને હંમેશાં પાર્કિંગની હરોળની વચ્ચે મારું વાહન મને જ ન જડવું ગમતું. ને મને તારું ક્લાસમાં હાજરી પુરાતા સહેજ ઊંઘરેટા સાદે પ્રેઝન્ટ સર કહેવું ને તારું સહેજ પરસેવાથી પીઠ પર ચોંટી ગયેલ શર્ટ...
યાદોને સમેટીને લેપટોપના કાગળ પર પાથરવા બેસીશ તો કલાકો- દિવસો નીકળી જશે. પણ મહત્ત્વની વાત એ છે કે તને જણાવવું છે કે છ મહિના પહેલાંનો એ એસએમએસ મેં વાંચ્યો હતો : આઈ લવ યૂ. એ તારી સાથે તારી ઑફિસમાં છે એ તો સ્પષ્ટ છે. હું ઑફિસની પાર્ટીમાં એને મળી હતી ત્યારે મને એવું કંઈ લાગ્યું ન હતું પણ આ એસએમએસ બાદ એને ને અમારી એ મુલાકાતને તેં એને મોકલેલ અને મારાથી ભૂલથી વંચાઈ ગયેલ એસએમએસના સંદર્ભમાં જોવા પ્રયત્ન કર્યો : આઈ લવ યૂ. મારી સ્મૃતિમાં રહી ગયેલા એના ચહેરા, અવાજ અને વાતો અને તારા એને કરેલ એસએમએસ વચ્ચે અનુસંધાન શોધ્યું. એનામાં એવી વિશેષતા શોધી જોઉં જેનામાંથી આ એસએમએસ પ્રગટ્યો હોય. પહેલાં તો જુદી બરણીને જુદું ઢાંકણ વાસવાની મથામણની નિરર્થકતાની અચાનક પ્રતીતિ થાય એવું લાગ્યું. પછી બારી બહાર જોતાં અચાનક ઋતુપલટો આવી ગયો હોય એવું લાગ્યું. પછી એવું લાગ્યું કે જાણે હું ઘરને નહીં ઘર મને જોઈ રહ્યું છે તારા મોબાઇલ સ્ક્રીન પરના એસએમએસને જોતાં. હું જમીનને નહીં જમીન મને, મારા પગના તળિયાને સ્પર્શીને કશું શોધી રહી છે મારી અંદર. મેં કોઈ કામસર કોઈનો નંબર જોવા તારો મોબાઇલ હાથમાં લીધેલો તે બંધ કરી એની જગ્યાએ મૂકી દીધો. માત્ર ‘આઈ લવ યૂ’ના એક એસએમએસથી હું આમ મેઈલ લખવા ન બેસું એ તું સમજી જ શકે. પણ એ પછી એવું ઘણું જોવા-વાંચવામાં આવ્યું, જેનાથી આ બાબતને એક એકલદોકલ પ્રસંગમાત્ર તરીકે ન ગણીને આપણા બંનેના જીવનની એક ઘટના તરીકે મૂલવવી પડી. તારી બેદરકારી હોય કે મારા પરનો વિશ્વાસ કે પછી વધુ પડતો આત્મવિશ્વાસ પણ એ ૫છી કેટલીક વાર વૉટ્સઍપ પર તમારા બંને વચ્ચે કાવ્યો, ગીતો, અમુક પ્રકારનાં વાક્યોની આપ-લે જોઈ. માત્ર આઈ લવ યૂથી ઘણું ગાઢ, ઘણું ઘેરું, ને આ વખતે એ બધું ભૂલથી નહીં પૂરી સભાનતાથી શોધીને વાંચ્યું હતું. ઘણુંબધું એમાંથી સમજાયું ને બાકીનું તારા વ્યક્તિત્વમાં હમણાંથી પ્રવેશેલા નવા થનગનાટથી.
પ્રશ્ન એ નથી કે આપણાં લગ્ન પ્રેમલગ્ન હતાં. એ પણ નહીં કે આપણને પંદર વર્ષનું સંતાન છે. એવું નહીં કે આ વાત કોને કહેવી ને કોને ન કહેવાય. ને કોઈને ખબર પડશે તો કેવું ને કોઈ મને આવીને જણાવશે તો મારો પ્રતિભાવ શું... પ્રશ્ન એ પણ નથી કે અત્યાર સુધી હું જેને માત્ર ફિલ્મો ને સિરિયલોમાં જ બને તેવી ઘટના તરીકે જોતી હતી એ ખરેખર મારી સાથે બની છે એ સ્વીકારવું અઘરું છે. ને કદાચ એવું પણ નહીં કે હજી ગઈ એનિવર્સરીમાં તો તેં મને ટાઈટન રાગાની ઘડિયાળ ગિફ્ટ કરી. જોકે આ બધા પ્રશ્નો તો છે જ.
મને ખબર છે અખબારોનાં પાનાંઓમાં આ પ્રશ્નોના તર્કસંગત વિગતવાર જવાબો મળી રહેશે. પુરુષોની ભ્રમરવૃત્તિ, કદાચ મારામાં કંઈ ઓછું, કદાચ એનામાં કંઈ વિશેષ... કદાચ આવા સંજોગોમાં પત્નીએ ડહાપણથી, પરિપક્વતાથી ઠંડે કલેજે કેમ વર્તવું એની ટિપ્સ પણ મળી રહે. કંઈ બન્યું જ નથી એમ વર્તવું. હું વર્તી. નિખાલસતાથી પૂછી લેવું. મેં પૂછ્યું, એવું કંઈ નથી એવું તેં જણાવ્યું એ પછી મહિનાઓ વીત્યા. આપણા દીકરાની વર્ષની સ્કૂલ ફીઝ ભરાઈ, સીઝનના મસાલા, ઘઉં ભરાયા, પાછળ બનતા નવા ફ્લેટ્સમાં લોકો રહેવા પણ આવી ગયા. મારી જૉબના કલાકોમાં ઉમેરો થયો ને પગારમાં પણ.
એવું કંઈ ન હોય તો સવારે ચા પીતાં, છાપું વાંચતાં તું અચાનક વિચારોમાં ખોવાઈ જાય છે પછી ક્યારેક મલકે છે, ક્યારેક ટીવી ચાલુ કરવાનું ટાળીને બસ બેસી રહે છે એવું કેમ એવા વિચારો આવ્યા. હરેક વિચારની સાથે તારા મોબાઇલ સ્ક્રીન પર સેન્ટ મેસેજમાં ડિલીટ કરવાનું રહી ગયેલા ‘આઈ લવ યૂ’ શબ્દો ઝબક્યા. સત્તર વર્ષ પહેલાં તેં મને પ્રપોઝ કરતાં કાર્ડમાં બ્લૂમાં સોનેરી અક્ષરોમાં લખાયેલા ‘આઈ લવ યૂ‘ સાથે મનોમન એની સરખામણી થઈ. સેન્ટ ને બદલે રિસીવ કરેલા મૅસેજમાં આ શબ્દો મેં વાંચ્યા હોત તો? તો મારી મનઃસ્થિતિ જુદી હોત આના કરતાં? કોઈ તને પ્રેમ કરે તો વાંધો ઓછો અને તું કોઈને કરે તો વધારે એવું હશે? આ બધું શું જોખી શકાતું હશે ? જોખવાથી કોઈ ફરક પડતો હશે? આમ તો અત્યારે આ મેઈલ લખીને તને મોકલવાથી પણ ફર્ક પડશે? ને ફર્ક ન પડવાથી પણ કોઈ ફર્ક પડતો હશે ખરો? તારા બદલે હું પેલા મિહિરને પરણી હોત અથવા તું મારા બદલે આ મૅસેજવાળી વ્યક્તિને પરણ્યો હોત તો ? અથવા કદાચ મને પણ લગ્નનાં સોળ વર્ષ પછી કોઈએ આવીને ‘આઈ લવ યૂ’ કહ્યું હોત તો? તો મારો ચચરાટ આનાથી ઓછો હોત એવું બને ? આ બધું પણ થયું.
જાણે મારી નહીં ને છાપામાં આવતી ખબરમાંની કોઈ સ્ત્રીની વાત કરતી હોઉં એવી સ્વસ્થતાથી લખી રહી છું એવું તને લાગતું હશે. જોજે માનતો કે પીડા નથી થઈ. ઘણું રોઈ. જોકે તારી આગળ ક્યારેય નહીં. શું કારણ આપું? તેં કેમ આવો મૅસેજ કર્યો ? તું કેમ મારા સિવાય બીજા કોઈને પ્રેમ કરે છે? મને એક સમયે કર્યો હતો એ પ્રેમ સાચો કે અત્યારે કોઈને કરે છે એ? ફરી જોખવાનું આવ્યું. ત્રાજવાંનો પ્રશ્ન થયો. જવાબ ન મળ્યો. વિચારો, પ્રશ્નો, શક્ય જવાબો તાજા હોય ત્યાં સુધી વિટામિનની કૅપ્સ્યૂલ જેવા ને વાસી થયા પછી કૅપ્સ્યૂલના નકામા થઈ જતા રેપર જેવા. ફરી આવે ત્યારે ફરી વિટામિન જેટલા મહત્ત્વના ને ફરી વાસી થઈ જાય ત્યારે રેપરની જેમ ફેંકતાં જીવ ન બળે. ફેંક્તી રહી.
તું ખોવાયેલો રહે છે એ સિવાય તારા મારા પ્રત્યેના વલણમાં કોઈ ફેર પડ્યો નથી. તારા ઓફિસે જવા-આવવાના સમયથી લઈને બધું યથાવત્ છે એ બંનેની વચ્ચે તમે મળો છો? ક્યાં? મારી ગેરહાજરીમાં આપણા ઘરે કે પછી એના? રાત્રે ક્યારેક એવું લાગે કે તારી અંદર કોઈ બીજું તને સ્પર્શી રહ્યું હોય ને બહાર જુદું... એવું બધું પૂછવાનું, કહેવાનું અનેક વાર મન થયું. મારા માટે તમારો સંબંધ શરીરના સ્તર પર નહીં ને લાગણીના સ્તર પર હોય તો વધારે વાંધાજનક કે એનાથી ઊલટું હોય તો વધારે પીડાદાયક એવા બધા અખબારી કૉલમમાંથી રોજ ફૂટતાં, પ્રસરતાં પૃથક્કરણો લાગુ પાડી જોયાં. મને ખરેખર ક્યાં શેનો વાંધો હોવો જોઈએ એની હદરેખાઓ બાંધી જોઈ. શું વધારે મહત્ત્વનું મન કે શરીર? કોઈ અન્ય વ્યક્તિની દિશામાં જતાં મનને નિયંત્રિત કરી શકાય? તો પછી શરીરને? તને જવાબો આપવા માટે લાચાર બનાવી દેવાનું મન થયું. પણ એમાં મને મારી લાચારી લાગી. વિગતોનું ઉઘાડાપણું વાગ્યું. મારી મથામણને કકળાટની કર્કશતાથી પ્રગટ કરવામાં શિક્ષિતતા આડી આવી. ફાસ્ટ કમ્યુનિકેશનના યુગમાં આવું તો બન્યા કરે એવું સ્વીકારતા જેટલી નિર્મમ આધુનિકતા નથી. સંપૂર્ણ સ્વીકાર જેટલી સ્થિતપ્રજ્ઞતા નથી. આ બધાની વચ્ચે ક્યાંક ઊભી છું.
બન્યું એવું કે આજે સવારે મેં ઑફિસે જવા નીકળતાં તને કહ્યું ‘આજે પ્લમ્બર આવવાનો છે.’ તું ચા પીતો હતો. આંખોમાં છાપામાં નાક સુધીનો નીચેનો ચહેરો કપમાં. ‘પ્લમ્બર સાથે વાત થઈ છે.’ મેં વાક્ય બદલીને ફરી કહ્યું. પ્રતિભાવ ન મળતાં હું ત્રીજી વાર ‘પ્લમ્બર‘ બોલતી અટકી ગઈ. મને એકદમ બધું જ જાણે નિરર્થક હોય એવી લાગણી ઘેરી વળી. તું જાણે એકદમ દૂર દૂર. પ્લમ્બરવાળી વાત સિવાય જાણે આપણને જોડતી બધી જ કડીઓ એ ક્ષણે તૂટીને વિખરાઈ ગઈ. પહેલાં આવું થતું ત્યારે હું જરા જોરથી બોલી તારું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી. આજે એવું ન કહ્યું. તારી આંખોમાં છાપામાં નહીં, બાજુમાં પડેલ મોબાઈલ સ્ક્રીન પર હતી. એકીટશે તું કંઈ વાંચી રહ્યો હતો. પછી કંઈ થયું. મારી નજર સામે તારાં પાછલાં સોળ વર્ષ ઓગળી ગયાં. અચાનક તારી આંખો હસી ઊઠી. પછી એ મલકાટ તારા આખામાં પ્રસરી ગયો. તું સોળ વર્ષ પહેલાંનો તું બની ગયો જે મને કૉલેજ કૅન્ટીનમાં મળતો, જે લગ્ન પછી ઘરે પહોંચવાની તાલાવેલી સાથે બારણાની વચ્ચે હરખાતો ચહેરો લઈ ઊભો રહેતો. એક ક્ષણ મૅસેજ કોનો હતો, શું હતો એ જાણવાની-પૂછવાની મને તીવ્ર તાલાવેલી થઈ આવી.
પણ પછી મને પણ કંઈ થયું. એ ક્ષણના પસાર થવા સાથે બધું જાણી લેવાની એ તાલાવેલી પણ જાણે પસાર થઈ ગઈ. મેસેજ કદાચ કોઈનો પણ હોઈ શકે. કોનો ને શું હતો એ એટલું બિનમહત્ત્વનું બની ગયું જેટલું તારા એ વખતે પહેરેલા નાઇટડ્રેસના કુરતાનું વ્હાઈટ કે સ્કાય બ્લૂ હોવું. અચાનક મને થયું કે મને શેનો વિરોધ હોવો જોઈએ? એ એસએમએસનો? એ વ્યક્તિનો? તારી પ્રસન્નતાનો? એ પ્રસન્નતામાં હું સહભાગી નથી એ વાતનો? કે પછી તારા પ્રસન્ન થવાના અધિકારનો?
તને તો હજી આ વાંચીશ ત્યાં સુધી કલ્પના પણ નહીં હોય કે આજે સવારે આટલી મોટી ઘટના બની ગઈ. ઘટનામાં આપણે બેઉ એક રૂમમાં હોવા છતાં અલગ હતાં. તું ચા પીતો બેઠેલો ને હું ઊભી રહીને તને જોતી. પણ એ ક્ષણમાંથી જાણે ન્હાઈને આપણે બંને મને ફરી નવા પ્રકાશમાં દેખાયાં. તું વધારે સ્વચ્છ, હું વધારે સ્પષ્ટ.
મહત્ત્વની વાત એ છે કે તારી એ ક્ષણની અને છેલ્લા મહિનાઓની પ્રસન્નતાનું કારણ હું નહીં બીજું કોઈ. પ્રતીતિની માત્ર એક ક્ષણ જ હોય છે તારી વૉટ્સએપના મૅસેજ વાંચીને મલકવાની આ પહેલી ઘટના તો ન હતી પણ પરિવર્તન અને અસલામતીની લાગણીઓના આ મહિનાઓમાં એ ક્ષણે અચાનક મને સમજાયું કે ભ્રમ તૂટ્યાની વેદના સત્ય જાણવાના આનંદ કરતાં ક્યાંય વધારે હોય છે પણ મુક્તિ સત્ય જ આપી શકે. એ ક્ષણ મુક્તિની હતી. તને સુખી રાખવાના આયાસમાંથી મુક્તિની. તને સુખી રાખવાની જવાબદારીમાંથી મુક્તિની. તારા સુખનો આધારસ્તંભ હું છું એવા ભ્રમમાંથી મુક્તિની. ઉંમરની અત્યાર સુધીની હર ક્ષણે જુદાજુદા તબક્કામાં પ્રવેશતી પરિવર્તિત થતી મારી જાતની જુદીજુદી બધી જ આવૃત્તિઓને મેં એકસાથે એક મોટા પ્રવાહમાં ફંગોળાઈને દૂર જતી જોઈ. જે વધ્યું એ મૂળ સત્ત્વ હતું. હવા જેવું હલકું ને કિરણ જેવું પ્રકાશમાન.
આવતા મહિને મને ઓગણચાલીસ ને લગ્નને સોળ વર્ષ પૂરાં થશે. આજે જ ધ્યાન ગયું કે પાછળ નવા ફ્લેટના પાયા નખાઈ રહ્યા છે. નવાં કુટુંબોનાં નવાં જીવનોના પાયા. ઑફિસેથી પાછા ફરતાં આપણા ફ્લેટની વિંગ પાસે આવીને આદતવશ આકાશમાં નજર પડે ને બરાબર એ સમયે પક્ષીઓની એક લાંબી હરોળ આથમતા સૂર્યની દિશામાં પાછી ફરતી હોય. જમીન પર બાંધકામના અવાજો, માણસનો જીવન માટેનો ઘોંઘાટમય આયાસ. આકાશમાં એકએક અડોઅડ ગોઠવેલ પક્ષીઓનું સહજ સ્વસ્થ ઉડ્ડયન. બંને વચ્ચેના વિરોધાભાસથી રોજ સાંજે વિચલિત થઈ જતી. આજે ન થઈ.
છેલ્લા મહિનાઓની ઊથલપાથલ પછી મને આજે સવારે જે હળવાશ અનુભવાઈ એ મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જે ઘવાય છે એ માત્ર અહંકાર હોય છે એવું મનાતું નથી. ખરેખર શું થયું છે એને પકડવા જાઉં છું ને હાથમાંથી સરકી જાય છે. ને એ હજી પૂરું સરકે એ પહેલાં કઈં નવું પકડાય છે. હજી એને પૂરેપૂરું પકડી શકું એ પહેલાં એ સરકતું જાય છે. આટલી નાજુક સરકણી વાતને બને તેટલી સ્પષ્ટતાથી કહેવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લખતાં-લખતાંય કેટલું આવી આવીને પાછું સરકી ગયું. લખતાં પહેલાં જ બટકી ગયું. પણ છેલ્લા મહિનાઓમાં જુદીજુદી ક્ષણે મારાથી પકડાયેલા એ ક્ષણોના સત્યને અહીં ઠાલવ્યું છે. ટૂંકમાં, લગ્ન હોય ને એમાં એક ઘર હોય છે. કિચન હોય ને એની એક સુગંધ હોય છે. ડબલ બેડ હોય ને એમાં શ્વાસ હોય છે બે વ્યક્તિઓના અસ્તિત્વોના. બસ, એ શ્વાસમાં ક્યાંક ગૂંગળામણ થઈ છે.
હા, રહી વાત મારા તારા પ્રત્યેના પ્રેમની. લગ્ન પછી પ્રેમ જુદાંજુદાં પાત્રોમાં જુદાંજુદાં સ્વરૂપો ધારણ કરતો રહ્યો. ક્યારેક સેક્સ, ક્યારેક માતૃત્વ ને પિતૃત્વમાં, ક્યારેક તાવ-શરદીમાં તો ક્યારેક સારસંભાળમાં, ક્યારેક કંટાળામાં તો ક્યારેક ઝઘડામાં. પણ મુખ્યત્વે એક પરસ્પરાવલંબી સહજીવનમાં. સોળ વર્ષોના સહજીવન પછી બે પાત્રો વચ્ચેનું જોડાણ એ વ્યક્તિઓની ઉપર પણ આધારિત નથી હોતું. એ જોડાણનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોય છે. વાતાવરણના એક સ્તર ઉપર પહોંચીને સ્થિર ઊડતા પતંગને જેમ પતંગધારકની ગરજ નથી રહેતી તેમ. આપણું સહઅસ્તિત્વ આપણામાંથી સરકીને અદબ વાળીને દૂર ઊભું છે આપણને જોતું. તારા માટેના પ્રેમ માટે મારે તને પકડી રાખવાની જરૂર નથી રહી.
હું નથી જાણતી કે તને ખબર છે કે હું જાણું છું. કદાચ તને બધું એટલું સહજ લાગતું હશે કે મને જણાવવાની કે હું જાણું છું. કદાચ એ જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર નહીં લાગી હોય. જીવન આમ ને આમ ચાલી શકે છે. પણ મારે જીવનના ચલનની મધ્યમાં જઈને તને પૂછવું છે: તારા ચહેરા ૫ર સોળ વર્ષ પહેલાંનો મલકાટ લાવનાર વ્યક્તિ તારા જીવનમાં ગોઠવાઈ શકે એમ છે? એક માર્ગ એવો જેના વિશે હું વિચારી શકું. એવો તને કદાચ વિચાર ન આવ્યો હોય. મારી આવકના ઈન્વેસ્ટમેન્ટ માટે લીધેલ સ્ટુડિયો અપાર્ટમેન્ટ ગયા મહિને જ ભાડૂતે ખાલી કર્યું છે. મારા અને આપણા સંતાન માટે પૂરતું છે. હું અમને બંનેને સંભાળી લઈશ.
હું સ્વસ્થ છું. તું મુક્ત છે.
બસ,
લિ. આસ્થા
(આંતરપ્રિન્યોર)
નિબંધ
ક્યાં ગયા એ શિક્ષકો..
ભાગ્યેશ જ્હા
શિક્ષકદિન આવે છે ને મન બાળપણમાં પહોંચી જાય છે. ઉત્તર ગુજરાતનું નાનકડું ગામ, સરઢવ. ગામના છોગા જેવી ભાગોળ. ધૂળનું સામ્રાજ્ય ને ભેંસોનો ટ્રાફિક, જાણે આછા ભૂખરા કાગળ પર કાળી શ્યાહીના ધાબા. ભાગોળ એટલે બસસ્ટેન્ડ પણ ખરું. બધા અમેરિકા જનારાઓને અને મુંબઈ જનારાઓને લઈ જનારી બસો અહીંથી ઊપડે, અને અહીં પ્રગતિ પામતા દરેક વિદ્યાર્થીઓને આશિષ આપતા આચાર્યને આજે પણ તમે અનુભવી શકો તેવી અમારી નિર્દોષ ભાગોળ. ભાગોળ આમ બારી પણ ખરી, પણ ખરી બારી તો એક નેળિયું/હવે તો રસ્તો વીંધીને ઊભેલી નિશાળ. વિલાયતી નળિયાં અને આછા પીળા રંગની દીવાલો, આશ્રમની ગંભીરતાવાળો ચહેરો અને ‘મા’ના ખોળા જેનું મેદાન. એક લાકડાનો દરવાજો, લીલા રંગનો, એક નાનકડી પ્રવેશબારી. આમ તો નાનકડી પણ કોઈ લેપટોપના સ્ક્રીન જેવી લીસ્સી. આમ તો દરવાજો લાગે પણ જીવનનું અદૃશ્ય કોતરણીકામ. તમારે થોડાં પગથિયાં ચઢવાં પડે. પછી તમને શાળા દેખાય, દેખાય એટલે પમાય એવું જરૂરી નથી. બે પેઢીની તપસ્વી શિક્ષકપરંપરાની સાક્ષી જેવો નીમકુંજ, એના મંત્ર બોલતાં પાંદડાં. નાનકડા બગીચાની મેંદીની વાડમાંથી આવતા પવનની પાતળી બારખડી લહેરાતી લહેતી નીમકુંજમાં આવે, ત્રિપુન્ડ ભસ્મધારી છાંયડો ઓળખવાનું કાચાપોચાનું કામ નહીં. કેટલા બધાં વર્ષો થયાં, એ વાતને એક સાંજે બાજુના ગામ નારદીપુરથી એક શિક્ષક આવેલા, ઢીંચણ સુધીનું ધોતિયું, ઊંડી આંખો, ચોખ્ખું પહેરણ, કપાળે તિલક, ચોરસ ચહેરો, પહોળા ખભા અને ચિક્કાર આત્મવિશ્વાસ. એક શિક્ષક, ઉપેક્ષિત શિક્ષક, શિવભક્ત, કંઠમાંથી લહેરાતું સંગીત અને અપ્રતિમ વિદ્યાર્થીપ્રીતિ. નામ વિષ્ણુપ્રસાદ. શિક્ષકના સંકલ્પથી સંસ્થા જન્મી, સંસ્થાના મૂળમાં શિક્ષકનું હોવું તે મોટી ઘટનાના સાક્ષી. ગ્રામવૃક્ષોને સાંભળવા કાન કેળવવા પડે. એવા જ એમના પુત્ર વાસુદેવ. પિતા-પુત્રની આ તપશ્ચર્યા તો ક્રૂર તડકામાં વરસાદની ભીનાશ ઊડી જાય તેમ ઊડી ગઈ, પણ કો’ક લતાના વળાંકાતા વિકાસની લીલીછમ ધમનીમાં ગોઠવાઈ ગઈ એ ભીનાશ. કેટલાયે વિદ્યાર્થીઓએ ઝીલી લીધો એ વર્ષાનો પહેલો અભિષેક, પહેલા વરસાદનો અલૌિકક સ્પર્શ. આજે પણ એમના બે વિદ્યાર્થીઓ મળે અને વાત કરે તો તમને એ ભીનાશ જડે. આજે પણ કો’ક દીવાલનો કાર્ડિયોગ્રામ કઢાવો તો શિક્ષકના ધબકારા સંભળાય તેવું શાળાનું ચિત્તતંત્ર, અસ્થિતંત્ર અને મનોમંત્ર... આચાર્ય વાસુદેવભાઈ એટલે પિતાનું તેજસ્વી સંતાન, ખાદીના ભગવા ઝભ્ભા અને જાકીટની અલાયદી વસ્ત્રસંહિતાઅને ભસ્માંકિત લલાટ પર સતત ચમક્યા કરતો વિદ્યાવ્યાસંગનો તેજ-પુંજ. અપ્રતિમ ડેટાસેન્ટરની અદાથી તેઓ ચારહજાર પરિવારના ત્રણ પેઢીના વિદ્યાર્થીઓના માર્ક્સ યાદ રાખતા. એમના માર્ક્સવાદમાં સમાનતા જેટલો જ મહિમા સ્નેહનો રહેતો. સવારે સાડાપાંચ વાગ્યે અમારી સાથે દોડવા આવતા, સૂર્યનમસ્કાર કરતા. પછી અમે રમતોમાં ગોઠવાઈએ ત્યારે નીમકુંજમાં કોઈ મંત્રની ગુફામાં ચાલ્યા જતા, ધ્યાનસ્થ. સાડા-છ વાગ્યે ગીતાના કોઈ અધ્યાયનું પારાયણ થતું. કોઈ એકાદ શ્લોકનું નાનકડું ઉપનિષદ પણ રચાઈ જતું... બધા છૂટા પડતા, પોણા અગિયારે ફરી મળવા, કશો ભાર પણ નહીં અને આભાર પણ નહીં... સહજ એક નદીની જેમ સરળતા અને પ્રવાહિતા સિવાય કંઈ જ નહીં. સાડા નવે શાળામાં ફરી ચહલ-પહલ શરૂ થતી, જેમનામાં કશું હતું અથવા જેમને જીવનમાં કશું કરવું છે તે તમામ વિદ્યાર્થીઓ કોઈ ને કોઈ બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરતા, કોઈ સમાચાર લખતા, કોઈ રંગોળી દોરતા, કોઈ બાગમાં માળીને મદદ કરતા, કોઈ વિજ્ઞાન ક્લબમાં ભીંતપત્રના સંપાદનમાં મગ્ન રહેતા. પક્ષીઓના કલરવ જેવો ઝીણો ઝીણો પ્રવૃત્તિરવ લહેરાતો, શિક્ષકો વિદ્યાર્થીઓના મદદનીશ તરીકે રહેતા. પ્રાર્થનાનો પોણો કલાક જીવનસંગીતનો સમય રહેતો, ગીતાના બીજા અધ્યાયમાં આવતા સ્થિતપ્રજ્ઞના શ્લોકોનું ગાન થતું, ગાંધીજીના જીવનનો કોઈ પ્રસંગ વંચાતો, ક્યારેક ચર્ચાતો. જ્ઞાન-વિજ્ઞાનના સમાચારોનાં વક્તવ્યો થતાં. બધું સહજ થતું, યંત્રવત્ કશું ના બની જાય એનો ચોકીપહેરો રહેતો. એલિયેટ ને કાલિદાસ ને ઉમાશંકર ને દર્શક ને કનૈયાલાલ મુન્શી ને આઇન્સ્ટાઈન ને વિદેશીનીતિ ને રાજનીતિ ને અર્થતંત્ર ચર્ચાતાં. ભાષાગૌરવ, દેશગૌરવ, ધર્મગૌરવ એવા વિષયો વાતાવરણમાં સ્રવ્યા કરતા, એ ભીનાશ આજે પણ અકબંધ છે. સ્વાર્થ કે પૈસાના વ્યવહારની કોઈ વાત સાંભળવા પણ ના મળે... જે આજે પણ તરબતર કરે છે જીવનને... એમનાં છેલ્લા વર્ષોમાં એમણે જે આંસુ વહાવ્યાં છે, જે આક્રોશ ઠાલવ્યો છે તે તો મોંઘી મૂડી છે. ભીષ્મપિતામહની વ્યથા અને આધુનિક શય્યાના શબ્દવિન્યાસ અને શસ્ત્રવિન્યાસને આલેખતો અશ્રુભીનો ભાવભરોસો અને ભાવઓછપનો તડકો-છાંયડો... એક જ પ્રશ્ન કાળદેવતાને પૂછવાની ઇચ્છા છે, ક્યાં ગયા એ બધા શિક્ષકો...?
(‘અને આ વળાંકે’)
આકાશની ઓળખ
ભાગ્યેશ જ્હા
કોઈ કાવ્યસંગ્રહ તમને પકડી રાખે અને એને એક જ બેઠકે વાંચવાની તમન્ના થઈ આવે તેનાથી રૂડું શું? કવિ માટે અને વાચક માટે. આ બેય બાજુના આનંદની આજે વાત કરવી છે. કવિ જયદેવ શુક્લ સાથેની ઓળખાણ ખરી પણ ઓળખ બાકી હતી, એ આ કાવ્યસંગ્રહે પૂરી કરી.
એમનો કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે...’ મળ્યો અને વંચાઈ ગયો. એકવાર સિતાંશુભાઈ સાથે કાવ્યચર્ચા કરતા હતા ત્યારે એમને કાવ્યના ન્યુક્લીઅસને પકડવાનું ભાવકે કરવાનું છે, કવિથી જુદા પડીને પણ આ ભાવકૌવત કેળવવા જેવું છે. મને આખા કાવ્યસંગ્રહમાં જે મઝા આવી છે તે તેનાં તાજાં કલ્પનોની તો ખરી જ પણ આપણું અછાંદસ કાવ્ય પણ એક નવી પુખ્તતા પામે છે તેનો આનંદ છે. પે’લા ન્યુક્લીઅસની વાત પહેલાં કરીએ, જેમ કાવ્યનું પોત કે વ્યક્તિત્વ હોય છે એમ કાવ્યસંગ્રહનું પણ હોય જ છે. આ ‘કરમ-સંજોગે મળિયાં આપણાં આંગણાં જોડાજોડ રે... (કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું કે..) જેવું નથી, અહીં તો એનો વિશ્વકર્મા સૂક્ષ્મ રીતે આપણી સાથે કાવ્ય વંચતો હોય છે. કાવ્યપડોશ કે કાવ્યવિન્યાસની એક સૌંદર્યાનુભૂતિ હોય છે જ. કવિની ચેતના આખા કાવ્યસંગ્રહમાં કેવી રીતે વિસ્તરી રહી છે તેનો ઝબકાર-અજવાળું પાને પાને પથરાયેલું છે. પણ એનો વિભૂતિતત્ત્વ કે વિશ્વરૂપદર્શન જેવી અદા જેમ ગીતામાં છેક દશ-અગિયારમા અધ્યાયમાં પ્રગટે છે તેવું જ ચમત્કૃતિભર્યું કાવ્ય મને ‘તારો પ્રતિસ્પર્ધી...’માં દેખાય છે. કવિ આ કાવ્યની શરૂઆત ગૌમુખના ‘હાથ’ ગુમાવ્યાની ખૂબ જ અસ્તિત્વવાદની અદાના વિધાનથી કરે છે, કવિ આપણને પાછળ ખેંચી જાય છે. પછી એમના પિતા-પિતામહની પરંપરા અને ઋષિકેશના ગંગાસ્થાનની સપાટીઘટના કહેતાં કહેતાં કવિ જે ડૂબકી મારે છે તે લક્ષણા-વ્યંજનાના પ્રદેશમાં ભાવકને ભીંજવતાં ભીંજવતાં મનુષ્યના સહસ્રકોટિ રન્ધ્રે રન્ધ્રમાં જાગે છે. અહીં એક વિભૂતિદર્શનમાં રત અર્જુનને જાણે વિશ્વરૂપદર્શન કરાવતા કૃષ્ણ જાગ્યા હોય તેમ જળમાં કમરભેર ઊભેલા કવિ સહસ્રબાહુ બને છે, અને દિવ્યદર્શન થાય છે, અને કવિ ઉદ્ઘોષણા કરે છે, “તારો પ્રતિસ્પર્ધી! કવિ...” આ કવિનું દર્શન, સેલ્ફ-રીયલાઈઝેશન મને ખૂબ ગમ્યું છે, પોતાને ક્યા જળમાં ઊભા રાખીને આ આત્મશોધ કરવાની છે એની ભાવમુદ્રા પામવા ભાવકે મથવાનું છે અને એ રીતે કવિતા સાવ ‘કાન્તા-સમ્મિત-સંવાદ’ની વહેવારુ ચેષ્ટાથી ઉમાશંકર-પ્રબોધિત આત્માની કલાકક્ષાથી ઉચ્ચરે છે. અને એટલે એને કાવ્યસંગ્રહનું મધ્યબિંદુ કે નાભિકેન્દ્ર પકડીને હું ફરીથી કવિ જયદેવની સાથે આભયાત્રાએ નીકળું છું.
કવિ બીજા જ સંગ્રહને વ્હાલ કરીને રજૂ કરે છે તે કથન વાંચીને રાજી થવાય છે, કાવ્યની સંખ્યા કરતાં તેના સત્ત્વની પ્રતિષ્ઠા કરવી તેવી તેમની કાવ્યનિષ્ઠાની પણ નોંધ લેવી જોઈએ. માગશરની અમાવાસ્યામાં કવિ કેવું સરસ ચિત્ર આપે છે...
આકાશનાં
લાખ્ખો, કરોડો.
અબ્બજો કાણાં
ચમકતા બરફથી પુરાઈ ગયાં છે.
જનાંતિક માટે લખાયેલા કાવ્યગુચ્છમાં ‘પુત્રની વિદેશી દોસ્તને પ્રથમવાર ફોન પર મળ્યા પછી...’વાળા કાવ્યમાં રોકાઈ જવાની ઇચ્છા થઈ આવે છે, કલ્પન તમને ચમત્કૃતિ સહેજ આગળના પ્રદેશમાં લઈ જાય તે કવિતાની સિદ્ધિ છે, દા.ત.
તારા શબ્દોનો
રણકાર
આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અન્ધારમાં
ઝળહળે છે...
આ પંક્તિઓમાં રણકાર-આથમતી-ધૂંધળાશ અને સોનેરી-અન્ધાર-ઝળહળે એવા ક્રમિક-ઉત્ક્રાંત ભાવહિલોળા જગાવવાની ક્ષમતા ધરાવતી શબ્દસંગતિ આપણા સમયની નવ્યસંવેદનાઓને પ્રગટાવે છે, સ્તનસૂક્ત પહેલાં મુકાયેલું ‘કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ’ સૂચક છે, ઉઘાડની પંક્તિએ જ ‘દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો...’ એમાં એકસાથે બે સ્થળોને કાવ્યસમય-સારણીમાં બતાવીને કવિહૃદયમાં અને નસોમાં અને મસ્તકમાં થતી ધમાલોનો આવેગ અને ઉદ્વેગ સહેજ જુદી રીતે કરી આપે છે.
કવિએ પૃથ્વી કાવ્યો હટકે લખ્યાં છે એમાં છલકતું સાક્ષીતત્ત્વ જ એમને કાવ્યસંગ્રહની અગાશીમાં (પાછળના કવર પર મૂકી આપે છે...). કવિના ‘હાલકડોલક અરીસામાંથી ઉંચકાતું આ પૃથ્વીપુષ્પ’ કવિની આંતરચેતનાં પડેલી યજુર્વેદની સંહિતાનો એક પ્રકારનો શબ્દાવતાર છે કાવ્યપરિણતિ છે.
આ કાવ્યસંગ્રહ બદલાતા સમયની બે-ધારી સંવેદનાનું આલેખન છે અને એટલે કવિ કહે છે –
કબૂતરની કપાયેલી પાંખ જેવી
હથેળી
ગુંચાળા પિલ્લા પર ચત્તીપાટ.
પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...
‘કાં...ઈ..પો..ચ..’
આ કઈ ગૂંચ છે જ્યાં કવિએ કાઈપોચ ઉચ્ચારવું પડે છે.
આ કાવ્યસંગ્રહ અનેક રીતે જુદો પડવાનો છે એમાં કવિપ્રતિભા અને પ્રયોગો તો છે જ, પણ અછાંદસ કવિતાના વિષયવૈવિધ્યને કવિએ ગુજરાતી ભાવક પાસે રજૂ કર્યું છે.
છેલ્લે ફરી એકવાપ પે’લું પૃથ્વીકાવ્ય કહેવાની ઇચ્છા થઈ આવે છે,
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકડો દાણો
ધાણીની જેમ
ફૂટે તો?
આ પ્રશ્નના અનેક ઉત્તરો હશે, હું તો કહીશ, તો કવિ... થઈ જાય આકાશની ઓળખાણ... જ્યાં બીજરેખા હલેસાં વિના તરતી રહે...
(‘અને આ વળાંકે’)
॥ વિવેચન ॥
રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ
કાવ્યકલાની શક્તિ અને તેની મર્યાદા બંને તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કાવ્યનું ઉપાદાન અર્થપ્રતિપાદક શબ્દ છે એમ કહીશું. અંગ્રેજી કવિ શેલી બીજી બધી કલા કરતાં કાવ્યકલાની શક્તિ વિશેષ માને છે, કારણ કે તેનું ઉપાદાન શબ્દ અર્થવ્યંજક છે. ચિત્રકારનો રંગ પોતે અર્થવ્યંજક નથી પણ કવિનો શબ્દ પહેલેથી જ અર્થવ્યંજક છે, પણ તે અર્થવ્યંજકતા સાથે જ એક બીજી મુશ્કેલી ઊભી થાય છે. શબ્દો માત્ર સામાન્ય ધર્મોના બોધક હોય છે. પશ્ચિમના તેમ જ પૂર્વના પ્રમાણશાસ્ત્રીઓ સંમત થાય છે કે માત્ર શબ્દ માત્ર ‘ઉપાધિ’ એટલે સામાન્ય ધર્મનો બોધ કરે છે. હવે કલામાં રસનિષ્પત્તિ વિશિષ્ટ પ્રત્યયમાં રહેલી છે. ‘પ્રદીપ’કાર ગોવિંદ કહે છે, प्रत्यक्षमेव ज्ञानं सचमत्कारम् । પ્રત્યક્ષ જ્ઞાન જ ચમત્કાર છે, કારણ કે તે અત્યંત વિશિષ્ટ છે. કોઈ અનેકરંગી મૂળ ચિત્ર કરતાં માત્ર તેજછાયાનો તેનો ફોટો ઓછો રસપ્રદ લાગશે. હવે બીજી કલાઓમાં કૃતિ જે ઉપાદાન દ્વારા આપણી ઈન્દ્રિયોને ગોચર થાય છે, તે ઉપાદાન, ગોચર થતાં જ, વિશિષ્ટ સંસ્કાર પાડે છે. ઝાડનું ચિત્ર જોતાં ઝાડની વિશિષ્ટ આકૃતિ જ દૃગ્ગોચર થાય છે. સંગીત સાંભળતાં સંગીતના વિશિષ્ટ સૂરો જ શ્રવણગોચર થાય છે. પણ ‘પ્રેમ’ શબ્દ સાંભળતાં પ્રેમનું કોઈ પણ સ્વરૂપ ચિત્તમાં અંકિત થતું નથી, માત્ર સામાન્ય સ્વરૂપનો જ બોધ થાય છે, જે રસોદ્બોધક નથી. આવા ઉપાદાન દ્વારા કાવ્યે વિશિષ્ટ સંસ્કારો પાડવાના છે.
અને કાવ્ય માત્ર ફિલસૂફી નથી, ફિલસૂફીથી વિશેષ છે અને તેની પધ્ધતિ ફિલસૂફીથી વધારે કાર્યકારી છે. ફિલસૂફી માત્ર તર્કપરંપરાથી બહુબહુ તો કોઈ ઉચ્ચ સ્થાનનો અંગુલિનિર્દેશ કરે છે. કાવ્ય તો તે સ્થાને જ આપણને લઈ જઈને મૂકે છે. ફિલસૂફી શુષ્ક રીતે, કદાચ અણગમો થાય એવી રીતે - નીતિ સામેનો ઘણો વિરોધ શુષ્કતાને લીધે આવે છે – કહે છે કે લોભ, કામ, ખાઉધરાપણું વગેરે હીન છે, માણસે તેથી ઉચ્ચતર સ્થિતિએ જવું જોઈએ. કાવ્ય આપણને ખરેખર તે સ્થિતિએ લઈ જઈને બતાવે છે કે વ્યવહારમાં જે લોભ વગેરે વૃત્તિઓમાં તમે હંમેશા રચ્યારચ્યા રહો છો, તે જુઓ, અહીંથી કેવી ઉપહસનીય દેખાય છે! સ્ટિરિયોસ્કોપમાં જોનાર, કેટલે અંતરે લેન્સ રાખવા, તે દર્શનની સુરેખતાથી અને યથાર્થતાની પોતાની મેળે નક્કી કરી લે છે. એ જ અંતર તે જો કાચના લેન્સો, આંખના લેન્સો અને દૃશ્યચિત્ર એ ત્રણેયની ગણતરીથી નક્કી કરવાનો પ્રયત્ન કરે તો ગણતરી ઘણી જ મુશ્કેલ થાય અને છતાં યથાર્થ દર્શન થાય કે નહિ તે વહેમ પડતું જ રહે. તે જ પ્રમાણે ફિલસૂફી, અનેક તર્કોથી જીવનનું દૃષ્ટિબિંદુ આપવા પ્રત્યન કરે અને છતાં તે આપી ન શકે. કાવ્યમાં ભાવક યથાર્થ દર્શન મેળવવા પોતાની મેળે યોગ્ય દૃષ્ટિબિંદુએ જાય છે. દરેક કવિ, પોતે જે દર્શન કર્યું હોય છે તે ભાવકને સિદ્ધ સ્વરૂપે આપે છે.
માનવ લાગણી કે ભાવ વિશે આગળ વિચાર કરીએ તે પહેલાં અહીં એટલું નોંધવું જોઈએ કે કાવ્યને પોતાને પોતાનું આકારસૌષ્ઠવ છે. તે પદ્યરચનાથી અને શબ્દોના વર્ણોચ્ચારથી થાય છે. આમાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કાવ્યને પદ્યરચના આવશ્યક છે કે કેમ? આજના વિષયમાં મેં સર્વ રાર્જનાત્મક સાહિત્યનો સમાવેશ કયો છે, એટલે એમાં નવલકથા પણ આવી જાય. નવલકથાઓ પણ છંદોબદ્ધ જોઈએ એમ કોઈ કહેતું નથી. પણ કાવ્ય શબ્દ પરંપરાથી માત્ર પદબંધને માટે વપરાતો આવ્યો છે. અને એ પણ ખરું કે વાડ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નત્માં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી - અવાજથી એકત્વ આપે છે અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી. પ્રશ્ન એટલો જ છે કે તે વિનાની કૃતિને ટૂંકા અર્થમાં કાવ્યસંજ્ઞા આપી શકાય કે નહિ? મારો વિષય વિશાળ અર્થમાં સમસ્ત સર્જનસાહિત્યનો છે અને આની ચર્ચાનો અહીં પૂરતો અવકાશ નથી. માત્ર એટલું કહીશ કે શબ્દમાં જે શક્તિ, તેનો પૂરેપૂરો ઉપયોગ જો કવિ જાણી જોઈને ન કરે તો તેને માટે પૂરતું કારણ હોવું જોઈએ. નવલકથામાં આપણે પદની અપેક્ષા નથી રાખતા કારણ કે ત્યાં ભાવ એટલી ઘનતાએ નથી પહોંચતો. ઇબ્સને કહ્યું હતું કે મારાં સામાજિક નાટકોમાં હું પદ્ય નથી વાપરતો કારણ કે દુનિયાનું સાધારણ વ્યાવહારિક વાતાવરણ હું તખ્તા ઉપર બતાવવા માગું છું. સંસ્કૃત નાટકોમાં પણ રસ અને ભાવથી ઘનતાના સૂક્ષ્મ નિયમ પ્રમાણે ગદ્ય અને પદ્ય આવે છે. આવું કારણ ન હોય, ભાવ પદ્યને અનુકૂળ હોય, છતાં કવિ જો પદ્ય ન વાપરે તો તેટલે અંશે સંસ્કારી વાચકની અપેક્ષાને કંઈક અધૂરી રાખે છે એટલું તો કહેવું જોઈએ. આ દૃષ્ટિને અનુકૂલ રહીને પ્રાચીનોનો મત गद्यं कवीनां निकपं वदन्ति એ મને માન્ય છે. આપણા સાહિત્યનો આ એક રસિક પ્રશ્ન છે. તેની ચર્ચા બંધ પડી છે પણ તે પ્રશ્ન બંધ પડ્યો નથી. કોઈ વિવેચક આ ઉપરથી ગદ્યનો લય (rhythm) અને તેના નિયમો શોધવાને પ્રેરાય તો તેથી વિવેચનસાહિત્ય ઉપર નવો પ્રકાશ પડે.
વિવેચનમાં એ પણ જોવાનું છે કે કવિ જે ભાવનિરૂપણનો પ્રયત્ન કરે છે તે જ ભાવ તે બરાબર નિરૂપી શક્યો છે કે નહિ. ભાવનિરૂપણની શક્તિ એ કવિની વાક્શક્તિ, વાક્પ્રભૃત્વ, વાગ્વૈભવની ખરી કસોટી છે. વાણી ઉપરના પ્રભુત્વના અભાવે ભાવ ક્યાંક અસ્ફુટ રહી જાય, ક્યાંક સંદિગ્ધ રહી જાય, ક્યાંક અન્ય ભાવનો ભ્રામક નીવડે, ત્યાં વિવેચકે એ બતાવવું જોઈએ. વિવેચકે સ્પષ્ટ કરવું જોઈએ કે કવિનો વિવક્ષિત ભાવ આ છે, પણ અમુક અમુક સ્થાનની નિર્બળતાને લીધે એ ભાવ બરાબર ઊઠતો નથી, અથવા ત્યાં અમુક બીજા ભાવની ભ્રાંતિ થાય છે. વિવેચક પોતાના વાસ્તવિક જગતના અને અનેક કાવ્યોના અનુભવથી આ બતાવી શકે છે.
અને છેલ્લે વિવેચકે એ બતાવવાનું છે કે કવિ ભાવ નિરૂપે છે તે ઉચિત છે કે નહિ. ચિત્તતંત્ર સમગ્રતયા જાગ્રત હોય, તો. એ. વસ્તુ તરફ એ જ ભાવ સ્વાભાવિક રીતે થાય કે નહિ? કવિએ ધારણ કરેલો અથવા કહો કે કાવ્યમાં નિષ્પન્ન કરેલો ભાવ, કવિની પોતાની બાલિશતા કે અપૂર્ણતા, અનુદારતા, હૃદયસંકોચ, અંગત લોલુપતા કે હૃદયની શક્તિની મર્યાદા - હૃદયદૌર્બલ્ય કે એવા કોઈ કારણથી એ સમગ્ર ચિત્તના ભાવને બદલે, કોઈ એકદેશીય જ, કોઈ હલકી કક્ષાનો જ ભાવ તો નથી આવી ગયો?
કાવ્યનું મૂલ્યાંકન તે આ જ. સમગ્ર જીવનની દૃષ્ટિએ એ ભાવનું સ્થાન આંકવું તે. અને આંકવું એટલે? જેમ ખુરશીની કિંમત રૂપિયા-આના-પાઈમાં આંકી શકીએ છીએ તેમ ભાવની કિંમત કશામાં આંકી શકાતી, નથી. એટલા માટે મને આ મૂલ્ય અને મૂલ્યાંકન શબ્દો પસંદ નથી. અંગ્રેજીમાં વૅલ્યૂ-(value)નો જે વિસ્તૃત અર્થ છે તે ‘મૂલ્ય’માં આવતો નથી. ભાવનું મૂલ્યાંકન એટલે ભાવની સમગ્રજીવનદૃષ્ટિથી કરેલી એ ચર્ચા દાર્શનિક - philosophic છે. વિવેચન આ દૃષ્ટિએ દાર્શનિક બને છે.
(શ્રેષ્ઠ રા. વિ. પાઠક)
શબ્દ સકળ પૃથ્વીના
અજયસિંહ ચૌહાણ
મહિનાઓમાં હું માગશર છું અને ઋતુઓમાં વસંત છું.
હેમન્તની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. સુરખીભરી સવારો જીવનની તાજગીનો અનુભવ કરાવે છે; એથીય વધુ રમ્ય બની રહી છે રાત્રિઓ. રાત્રે નવ વાગ્યાની આસપાસ પશ્ચિમ ક્ષિતિજે શુક્ર, દક્ષિણ તરફ માથે શનિ અને પૂર્વમાં ગુરુ-મંગળની પ્રકાશ-લીલાઓ રોમાંચિત કરે છે. આ બધાની વચ્ચે સુખ છે મૃગશીર્ષ નક્ષત્રને જોયા કરવાનું. આપણા સમયમાં આકાશ માનવ સર્જિત ઝગમગાટથી દૂષિત છે. આમ છતાં શિયાળાની ઠંડી રાતોમાં આપણું ધ્યાન ખેંચતું સોહામણું મૃગશીર્ષ (હરણ્યું/હરણી) વિશેષ પ્રયત્ન વગર જોઈ શકાય છે. ઋતુઓ પ્રમાણે આકાશના ચંદરવામાં બદલાતાં તારા-નક્ષત્રોનાં સ્થાનો જોવાનો આજે આપણને રસ નથી રહ્યો. પણ આપણા પૂર્વજોનું જીવન જ તારા-નક્ષત્રો પર નિર્ભર હતું. ઋતુ-આગમનની તૈયારીઓ, સમયની ગણના બધું જ આ નક્ષત્રોના નિરીક્ષણ પર આધારિત હતું. એટલે જ આપણાં વાર, મહિના અને વર્ષ ગ્રહો-નક્ષત્રોના આધારે નક્કી થયાં છે.
કાલે સોમવારથી માગશર મહિનો શરૂ થશે. મૃગશીર્ષનું તળપદુ રૂપ એટલે માગશર. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના વિભૂતિયોગમાં કહ્યું છે : ‘मासानां मार्गशीर्षोडहम ऋतुनांकुसुमाकर:।’ મહિનાઓમાં હું માગશર છું અને ઋતુઓમાં વસંત છું. એવું તો શું છે આ મૃગશીર્ષમાં કે ભગવાન કૃષ્ણ એને પોતાનું સ્વરૂપ ગણે છે! એનો વિગતે જવાબ મળે છે લોકમાન્યના હુલામણા નામથી જાણીતા બાળ ગંગાધર ટિળકના પુસ્તક ‘ધ ઑરાયન’માં. રગરગથી રાષ્ટ્રવાદમાં તરબતર ટિળકજીને ત્યારે લાગી આવ્યું જ્યારે મેક્સમૂલર અને પશ્ચિમી વિદ્વાનોએ વેદોને ઇ.સ. પૂર્વેની ૧૪મી સદી જેટલા જ જૂના કહ્યા. ટિળકજીને થયું કે જો એ વિદ્વાનો ચીન અને ઇજિપ્તની સંસ્કૃતિને પાંચ હજાર વર્ષ જૂની સાબિત કરતા હોય તો ભારતીય સંસ્કૃતિ માત્ર ત્રણ હજાર ચારસો વર્ષ જ જૂની ! એમનું મન કેમેય કરી આ વાત માનવા તૈયાર નહોતું. વેદ જો વિશ્વના પ્રાચીનતમ ગ્રંથો હોય તો ભારતીય સંસ્કૃતિ એથીય જૂની હોય. પણ, આ વાતને સાબિત કઈ રીતે કરવી એની ગડમથલ એમના મનમાં ચાલી રહી હતી. અંતે એકવાર ગીતાજીનો પાઠ કરતી વખતે વિભૂતિયોગમાંના ઉપરના શ્લોક પર એમનું ધ્યાન ગયું; અને એમણે વિચાર કર્યો કે વેદોમાં આવતાં ઋતુ અને નક્ષત્રોનાં વર્ણનો પરથી એનો રચનાસમય નક્કી કરવો. એમની પાંચ વર્ષની સાધનાને અંતે પુસ્તક લખાયું ‘ધ ઑરાયન’(૧૮૯૩). મૂળ અંગ્રેજીમાં લખાયેલું આ પુસ્તક પ્રમાણમાં અઘરું છે. કારણ કે એને સમજવા વેદો અને અન્ય પ્રાચીન સાહિત્ય તેમજ ખગોળવિદ્યા બંનેનું જ્ઞાન જરૂરી છે. માટે, ગુજરાતના જાણીતા ખગોળવિદ્દ જે. જે. રાવલે ગુજરાતીમાં (૨૦૧૪) એની સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન કરતું પુસ્તક ‘વેદો ક્યારે લખાયેલા તેના પરનું સંશોધન : સહેલી રીતે રજૂઆત’ લખ્યું.
આ પુસ્તકમાં જે. જે. રાવલે ‘ધ ઑરાયન’ પુસ્તકને આધારે શરૂઆતમાં પૃથ્વીના ધરીભ્રમણ અને એના ૨૩.૫ અંશના ઝુકાવની સમજ આપી છે. પૃથ્વીની ધરી જો સીધી હોત તો સૂર્યનો માર્ગ અને વિષુવવૃત્ત બંને એક જ વર્તુળમાં હોત. પૃથ્વીના આ ઝુકાવને કારણે ઋતુલીલાઓ સર્જાય છે. આ જ કારણે સૂર્યનો દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધ તરફનો માર્ગ રચાય છે. એના કારણે જ નક્ષત્રોનાં સ્થાનો બદલાય છે. માટે જ વેદો અને એ પછી લખાયેલા ગ્રંથોમાં આવતાં નક્ષત્રનાં વર્ણનોને આધારે એનો સચોટ અને પ્રમાણભૂત સમય નક્કી કરી શકાય. જે. જે. રાવલે સમજાવ્યું છે કે ભારતીય પંચાગમાં મહિનાનાં નામો નક્ષત્રો પરથી પાડવામાં આવ્યાં છે. પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જે નક્ષત્રની અંદર કે નજીક હોય એ નક્ષત્ર પરથી મહિનાનું નામ પાડવામાં આવ્યું છે. જેમ કે, પૂર્ણિમાની રાત્રે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં કે એની નજીક હોય માટે એ મહિનાનું નામ કૃત્તિકા પરથી ‘કારતક’ પાડવામાં આવ્યું. એ જ રીતે હવેના મહિને પૂર્ણિમાની રાત્રે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રમાં આવશે. તેથી આ મહિનાને આપણે માગશર તરીકે ઓળખીએ છીએ.
ટિળક મહારાજે ખગોળીય જ્ઞાન અને વૈદિક અભ્યાસને અંતે એ દર્શાવ્યું કે સૂર્ય દર વર્ષે પચાસ સેકન્ડના દરે પશ્ચિમ તરફ સરકે છે. એના કારણે દર બે હજાર વર્ષે ઋતુઓ એક ચંદ્રમાસ પાછી પડે છે. આપણા સમયમાં વસંત મહા મહિનામાં બેસે છે. વસંતસંપાત એટલે કે વસંતનું આગમન મહાભારતકાળમાં માગશર મહિનામાં થતું. મહાભારતના સમયમાં વર્ષનો પ્રથમ મહિનો મૃગશીર્ષ હતો, માટે જ એને અગ્રહાયન કહેવાતો. અંગ્રેજી ‘ઑરાયન’ અને ‘અગ્રહાયન’ શબ્દમાં રહેલું સામ્ય તરત નજરે પડે છે. જ્યારે આર્યો મૃગશીર્ષને અગ્રહાયન કહેતા ત્યારે ભારતીય, ગ્રીક અને જર્મન આર્યો સાથે રહેતા હશે એમ ઘણા વિદ્વાનોનું માનવું છે. એ પછી એ જુદા પડ્યા હશે. માટે ત્રણેય પ્રજાઓના હાલના ઘણા ઉત્સવોમાં એની છાપ દેખાય છે. આ ઉપરાંત એ સમયના અન્ય આધારો આપીને ટિળક મહારાજ વેદોને ઈસુના જન્મ પહેલાં ચારથી છ હજાર વર્ષ જેટલા જૂના માને છે. એનો અર્થ એ થયો કે ભારતીય સંસ્કૃતિ પશ્ચિમના અભ્યાસીઓ કહેતા હતા એ પ્રમાણે સાડા ચાર હજાર નહીં પણ છથી આઠ હજાર વર્ષ જૂની છે.
જે. જે. રાવલે તેમના પુસ્તકમાં વિવિધ ચિત્રો મૂકી ટિળક મહારાજના પુસ્તકને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં પુનરાવર્તન ઘણાં છે. ઉપરાંત, અનેક ઠેકાણે વાતો ગૂંચવાઈ જાય છે. આમ છતાં વેદો અને એ દ્વારા ભારતીય સંસ્કૃતિના કાળનિર્ણય સંદર્ભે પશ્ચિમના અભ્યાસીઓના એકાંગી તારણની સામે બાળ ગંગાધર ટિળક જેવા ભારતીય વિદ્વાનનો દૃષ્ટિકોણ આપણી સમક્ષ મૂકી આપણી સંસ્કૃતિને જોવાની દૃષ્ટિ આ પુસ્તક આપે છે.
(દિવ્યભાસ્કર: ‘રસરંગપૂર્તિ - ડિસેમ્બર ર૦ર૪’ માંથી)
॥ પત્રો ॥
{{{2}}}
પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર)
(૧) ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર
નડિયાદ તા. ૨૨-૧૦-૯૮
રાજશ્રી વિરાજિત શ્રી સુરસિંહજી,
આપનું કૃપાપત્ર સ્નેહી ભાઈશ્રી નાનાસાહેબ દ્વારા મળ્યું. રા. મણિલાલ વિષયે સર્વેને ખેદ છે. આપનો સંબંધ સવિશેષ ખેદ આપે એ સ્વાભાવિક છે. એમના ગુણ અને સ્વભાવને લીધે એમના સ્નેહથી આપના ઉપર મુદ્રા સહજ થયેલી હોવી જોઈએ.
હું મ્હારા ઉદ્યોગમાંથી નિવૃત્ત થઈ હાલ નડિયાદ આવેલો છું. મ્હારા હૃદયની ઉચ્ચ ભાવનાઓને સફળ કરવાનો અવકાશ શોધવો એ આ નિવૃત્તિનું એક પ્રયોજન છે. આપ મ્હારી સાથે જે સંબંધ ઇચ્છો છો તેવો સંબંધ કોઈ ત્રાહિત પુરુષે ઇચ્છ્યો હોત તો તેને ઉત્તર આપવો મને સુલભ હતો. કારણ વકીલાતની અતિ લાભકારક પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે તે બીજી ઉપાધિઓનો સ્વીકાર કરવાની તૃષ્ણાથી નથી કર્યો. વળી, મણિભાઈનો સ્વભાવ આવી પ્રવૃત્તિને અનુકૂળ હતો. મ્હારો સ્વભાવ એથી ભિન્ન જાતિનો હોવાને લીધે રા. મણિલાલ જેટલો લાભ આપને મળશે કે નહીં એ વિષયમાં સંદેહ છે.
પરન્તુ રા. નાનાસાહેબે આ વાતમાં ઉપોદ્ઘાત રૂપે કેટલીક વાર્તા કરી તથા આપનો અને મ્હારો આજ સુધીનો સંબંધ વિચાર્યો અને અંતે આપના પત્રનો આશય સમજવા પ્રયત્ન કર્યો, તે સર્વનું પરિણામ નીચે લખું છું.
આપ લખો છો કે, “રાજા અને કારભારી બન્ને જ પર વિશ્વાસ રાખી શકે તેવા તટસ્થ અને સમર્થ પુરુષની જરૂર જણાય છે.’’
મ્હારા ‘સમર્થ’પણાનો વિચાર હું કરતો નથી. મ્હારામાં કેટલીએક ન્યૂનતાઓ પણ છે, તે હું જાણું છું. અને અનુભવથી આપને પણ ક્વચિત્જણાશે. મ્હારો અભિપ્રાય લેવાને માટે જ આપ મ્હારો સંબધ ઇચ્છતા હશો તો આ ન્યૂનતાઓ આપને લાગે ત્યાં એ અભિપ્રાય ન સ્વીકારવાની આપને સ્વતંત્રતા છે. આથી આટલા મ્હારા સંબંધથી આપને કાંઈ હાનિ પહોંચે એમ નથી એવું લાગવાથી આપની ઇચ્છાને અનુકૂળ થતાં આ વિષયમાં મને કાંઈ બાધ લાગતો નથી.
મ્હારા તટસ્થપણાની વાતમાં મને આપ ગણી શકતા હો તો તે ગણના મને પણ સત્ય લાગ છે.
મ્હારા ઉપર આપ વિશ્વાસ રાખી શકો છો, તે પણ મને સ્વાભાવિક લાગે છે. રા. તાત્યાસાહેબ આપની પાસે કારભારી છે ત્યાં સુધી આપ અને આપના કારભારી ઉભય મ્હારા ઉપર વિશ્વાસ રાખી શકશો. પણ રાજકીય સંબંધ પ્રારબ્ધ પ્રમાણે અશાશ્ચત્કે શાશ્વત્હોય છે અને આપનો તથા તાત્યાસાહેબનો બેનો સંબંધ પ્રારબ્ધવશાત્અશાશ્ચત્નીવડે તે પ્રસંગે જે કારણથી હાલ આપનું નેત્ર મ્હારા ઉપર ઠરે છે તે કારણ બદલાશે ત્યારે આપના ચિત્તને આપની હાલની યોજનાથી મ્હારા સંબંધમાં પશ્ચાત્તાપ ન થાય એવો વિચાર આપે હાલથી કરી રાખવો ઘટે છે. જો એ વસ્તુ પશ્ચાત્તાપનું કારણ થઈ પડે તો તે હાલથી જ કર્તવ્ય નથી એ વાતનું હું આપને સ્મરણ કરાવું છું, એ વાત લક્ષમાં આણી મ્હારા સંબંધની યોજના પડતી મૂકવી ઘટે તો તેમ કરવા મ્હારી આપને વિજ્ઞપ્તિ છે.
મ્હારા પોતાના મનમાં તો આ કામ નિઃસ્વાર્થતા અને પ્રીતિના કારણથી મ્હારે કરવાનું છે, તો તે કારણથી આપને આવશ્યક્તા નહીં હોય તે કાળે સ્નેહે લેવડાવેલી ઉપાધિમાંથી મને મુક્ત કરવા માટે આપને આશીર્વાદ દેવાનો જ પ્રસંગ આવશે. આ કારણથી પણ આપની વર્તમાન ઇચ્છા સ્વીકારતાં મને બાધ લાગતો નથી.
આપના પત્રનો આશય હું યથાર્થ સમજ્યો હોઉં તો આપને પ્રસંગોપાત્ત મ્હારો અભિપ્રાય જોઈતો હોય તો તે આપવો. અને આપને કામ હોય ત્યારે મ્હારે લાઠી આવી જવું એવું સમજાય છે. નડિયાદ બેઠાં અભિપ્રાય આપતાં મને વિશેષ શ્રમ જેવું નથી અને સ્નેહીમંડળને મારા અભિપ્રાય કામ લાગે એવું હોય તો તે આપવામાં ધર્મ અને આનંદ ઉભય છે. માટે તે વાતમાં કાંઈ પ્રશ્ન કરવો હોય ત્યારે તે પૂછવો એ આપના હાથની વાત છે.
મને લાઠી બોલાવવા જેવું ગુરુત્વવાળું કાંઈ કામ હોય ત્યારે આપ મને બોલાવશો અને મને કોઈ બીજી પ્રતિકૂળતા નહીં હોય તો હું આનંદથી આપના મેળાપનો લાભ લઈ શકીશ. પણ પ્રવાસને માટે જ મ્હારે પ્રવાસ કરવો ઉચિત નથી એ તો આપ સ્વીકારશો.
લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ
ચિત્રકાર સત્યજિત રાય (ર) હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર અમદાવાદ તા. ૧૪-૧૧-૧૯૪૧ પ્રિય ભાઈશ્રી, ઘણા દિવસ થયા! તમારો છેલ્લો પત્ર ઉઘાડતાં ડરતો હતો. પણ ખાતરી હતી કે તમે મારા મૌન માટે ચિડાઓ તો નહિ જ. તેમ જ નીકળ્યું. મારા ‘આલસ્યવિલાસ’ના તમે જ કદરદાન નહિ હો તો કોણ હશે? રિલ્કેનું કાવ્ય કેમ આટલું બધું મોડું મોકલ્યું? - ચોરી રાખ્યું? ખરે જ સુંદર છે. વિશેષ શું કહું? પૃથ્વી અને કવિઉરની તુલના - કલ્પના તેમ જ શબ્દરચના બંનેમાં - શોભી રહે છે. ‘મુજ હૃદયની એ જ કથની” એમ હું પણ કહું તો ‘આત્માનાં ખંડેર’ વિશેની પૃચ્છા છોડી દો ખરા? ખરે જ એને વિષે એ સૉનેટો સિવાય વધારે કહેવાનું મારા ખ્યાલમાં નથી. હું ભારે રાગોદ્રેક તેમ જ નિર્વેદની સ્થિતિમાં હોઈશ એમ માનું છું. એ રચાયાનો ક્રમ તમારે કામનો હોય તો તપાસી, યાદ કરી, મોકલું. તમારા સંગ્રહની પ્રસ્તાવનામાં આ લોરાબેનનું લટકણિયું ન મૂકો તો? અંગ્રેજીમાં પ્રસ્તાવના આપ્યા જેવું થશે. તેમાંના વિચાર જોડે (‘two lines’નાં) મારા કવિતા & તત્ત્વજ્ઞાનમાંના ‘પ્રણયી’ની લીલા સરખાવી જોશો? એક ધૃષ્ટતાભરી વાત કરું. રિલ્કેની સોનેટ્સમાંથી પણ સમ્-વેદન જેવું મને મળ્યું. ઊડીને આંખે વળગે એવો દાખલો તારાઓ નજીક દેખાય છે છતાં છે દૂરદૂર એ (વાર્તા: ‘પિપાસુ’માં) વાત એ કરે છે. પણ આ વાતો રૂબરૂ જ કરવામાં ઔચિત્ય... પણ મૂળ વાત પર આવું. રિલ્કે ખરે જ ઊંડો છે, સૂક્ષ્મ છે, પીધા કરો એવો છે. New Year Letterમાં ઓડન બેત્રણ વાર તેને સંભારે છે. એમાં વધારે પડતું કાંઈ નથી. હા, એ Letter કેટલામાં મળે? અને આખો રિલ્કે? જુઓ, ઉમેદભાઈ આવે કે ન આવે પણ ખરા. પણ પાઠકસાહેબ કર્વે સેનેટમાં આવવાના છે. તેમની જોડે મારે માટેની ચોપડીઓ મોકલશો. જરૂરાજરૂર. બીજી વિનંતી: સાથેની ચિડ્ડી RRને આપી તેમાંની એકેક નકલ મુનિશ્રી જિનવિજયજીને (મારી વતી) સર્કલ હાઉસ, કિંગ્સ સર્કલ, અથવા નિર્ણય સાગરપ્રેસમાં છાપકામ માટે એ સામાન્યતઃ રોજ આવે છે એટલે ત્યાં એકવાર ઓફિસ જતાં પૂછી લો તો બીજે દિવસે તે સમયે રૂબરૂ આપી શકો. તમને મળતાં પણ આનંદ થશે. ‘નિશીથ’ની બીજી નકલો બને તો ઉમેદભાઈ જોડે, નહિ તો પાઠકસાહેબ જોડે મને મોકલશો. શેઠ બૂમો પાડે તો ભલે, પણ મારે ખરીદવા વારો આવે ત્યાર પૂરી કિંમતે શા માટે ખરીદું? તમને આમ તસ્દી આપતાં હવે શરમ આવે છે. પણ લોભ છૂટતો નથી. સર્વે આનંદમાં હશો.
ઉમાશંકરના પ્રણામ. (૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦)
॥ કલાજગત ॥
ક્લાદૃષ્ટિ
ꕥ નંદલાલ બોઝ, અનુવાદ: કનુ પટેલ ꕥ
જૂના જમાનામાં વિદ્યાર્થી પહેલાં કઠોર પરિશ્રમ કરીને વ્યાકરણ યાદ કરતો હતો, ત્યાર બાદ અલંકાર તથા કાવ્ય પર કુશળતા પ્રાપ્ત કરતો હતો, અર્થાત્ પહેલાં પરિશ્રમ પછી આનંદ. પરંતુ આપણે કાવ્ય અને વ્યાકરણની એક સાથે પઠન-પાઠનની વ્યવસ્થા કરી દીધી છે. ત્યાં સુધી કે આજકાલ તો આનંદ પહેલાં, પરિશ્રમ પછી. આનંદ જ પરિશ્રમ કરવા માટેની શક્તિ પેદા કરશે એવું માનવા લાગ્યા છીએ. (દૃશ્ય)રૂપની સૃષ્ટિમાં આટલો પ્રયત્ન કેમ કરવો પડે છે? સામાન્ય રીતે આપણા મન સામે એક પરદો લટકેલો હોય છે. તેને હટાવ્યા સિવાય વસ્તુને પૂરી રીતે જોઈ ન શકાય અને જોયા વગર ચિત્ર પણ ન બનાવી શકાય. લાંબા ગાળાની લગન અને અભ્યાસના ફળસ્વરૂપે જ એ થઈ શકશે. કોઈ-કોઈ પ્રતિભાશાળી કલાકાર એવી અવસ્થાએ પહોંચી ગયા હોય કે કોઈ વસ્તુ તરફ નજર કરે અને એ આવરણ દૂર થઈ જાય, વસ્તુનો એક ને એક પક્ષ તેના મનની આંખોની પકડમાં તત્કાળ આવી જાય. આવું થવાથી રૂપ-સૃષ્ટિનું કામ તેમના માટે ખૂબ સરળ થઈ જતું હોય છે. આપણા માટે પણ થઈ શકે છે. હા, લગન અને અભ્યાસ જોઈએ. પોતાના વિષય સામે ધ્યાનરત વિદ્યાર્થી આખો દિવસ રસ્તાની ધારે ઊભો છે. પાંદડા વગરનું વિશાળ લીમડાનું વૃક્ષ તેની ઊંચી શાખા-પ્રશાખામાં સોનેરી ગોળીઓ જેવી ગુચ્છે-ગુચ્છ લીંબોળીઓ લાગેલી છે. તું જે આજે આ વૃક્ષની આરાધના કરી રહ્યો છે, ચિત્ર બનાવી રહ્યો છે, એ જો તને ખરેખર સરસ લાગે તો તારા સમગ્ર જીવનનો સંચય થઈ જશે. જીવનમાં બની શકે કે કોઈ દિવસ તને ખૂબ દુઃખ લાગે, નજીકની કોઈ વ્યક્તિને ખોવી પડે, સંસાર અસાર દેખાય ત્યારે રસ્તાની ધારેથી એ વૃક્ષ કહેશે - હું તો છું. તને સાંત્વના મળશે. આ તારો અક્ષય સંચય હશે. કેવળ આ જન્મમાં નહીં, જન્મ-જન્માંતરમાં પણ. કોઈ વિદ્યાર્થીને વનવગડાનું વૃક્ષ બનાવવાનું કહેવામાં આવે છે અને સાથે જ એને સમજાવવામાં આવે છે. પહેલાં થોડીવાર સુધી વૃક્ષને જુઓ. વૃક્ષની પાસે જઈને બેસો - સવાર, બપોર, સાંજ તથા સુમસામ રાતમાં. આવું કરવાનું સાવ સહેલું નહીં હોય, થોડીવાર બેઠા પછી કંટાળો આવશે. એવું લાગશે કે વૃક્ષ જાણે ખીજાઈને કહી રહ્યું છે - “તું અહીં કેમ ? જા ચાલ્યો જા અહીંથી કહું છું ને.’’ ત્યારે વૃક્ષનાં તમારે વખાણ કરવાં પડશે. કહેવું પડશે - “મારા ગુરુનો આદેશ છે, તેની અવગણના ન કરી શકાય, તું ગુસ્સે ન થઈશ, મારા પર રાજી રહે. મારી સમક્ષ તું તારું વાસ્તવિકરૂપ પ્રગટ કર.” આ રીતે કેટલાય દિવસો સુધી ચૂપચાપ સાધના કર્યા પછી જ્યારે લાગે કે હાં, હવે વૃક્ષને જોઈ લીધું. ત્યારે રૂમમાં જઈ દરવાજો બંધ કરી વૃક્ષનું એક ચિત્ર તેયાર કરો. વૃક્ષની કોઈ એક વાત પહેલાં સારી લાગવી જોઈએ, ત્યારે વૃક્ષને જોઈ શકાશે, ત્યારે તમારું જોવું ધીરે ધીરે સાર્થક થઈ ઉઠશે, સારું લાગવાની સાધના જ કલાની સાધના છે. પરંતુ પહેલીવાર સારું લાગવું દૈવી ઘટના હોય છે. જેમાં છે તે કલાકાર છે. કોઈ બીજું તમને કેવી રીતે આપી શકે ? અવની બાબુ કહેતા હતા ગુરુ કલાકાર તૈયાર નથી કરતાં કલાકાર થઈને જ શિષ્ય આવે છે. જેમ પ્રકાશ, હવા, જળ, અગ્નિની અનુકૂળ વ્યવસ્થા કરીને સારસંભાળ રાખીને નાના છોડને મોટો કરવો પરંતુ નાના છોડને જન્મ કોણ આપી શકે છે ? કોઈ એક જગ્યાએ રહેતાં-રહેતાં ધીરે ધીરે સારું લાગવા માંડે છે. સારું લાગે છે. અપરિચિત સંબંધ સૂત્રોના ફળસ્વરૂપે. જોયું કે વન વગડાનું વૃક્ષ આકાશ નીચે કેવુંક ઊભું તો છે. તુરંત સારું લાગ્યું, જોયું કે તેનાં ફૂલો ખીલ્યાં છે. એ સારું લાગ્યું. ફૂલ ખરે છે, બની શકે કે તે સારું લાગ્યું. મન પ્રસન્ન છે. એટલે બની શકે કે સારું લાગ્યું હોય કે પછી વૃક્ષની ભંગિમા કે બંધારણ કે ડાળીઓ અને પાંદડાંનો લય અને રંગ સુંદર છે એટલે સારું લાગ્યું હોય. કાગળનું ગુલાબનું ફૂલ હંમેશાં એક જેવું જ રહે છે. એ કેટલી વાર સુધી સારું લાગી શકે? અસલી ગુલાબ સમગ્ર સંસારની સાથે હર ક્ષણે અનેકાનેક સંબંધ બાંધતું જાય છે. ગતિનો આ લય જ તેનું જીવન છે. આ અનેકરૂપી જીવનને ધ્યાનથી જોઈએ તો જોવાનું સમાપ્ત જ નથી થતું અને એટલે જ કલાકારનું સારું લાગવાનું પણ કોઈ રીતે સમાપ્ત થતું નથી. ચોક્કસ પણે વિશિષ્ટ પરિવેશની વચ્ચે કે વિશિષ્ટ સ્મૃતિથી ઘેરાઈને કાગળનું ગુલાબ પણ સારું લાગી શકે છે. ત્યારે પણ તે કલાનો આધાર થઈ જાય છે. ખરી વાત એ છે કે જે કોઈ પણ વસ્તુનું ચિત્ર બનાવો, એ વસ્તુ સારી લાગવી જોઈએ. એ જાણે તમારું મન હરી લે. ત્યારે એ સારું લાગવું પીંછીના ટેરવાથી જાતે જ રૂપ લઈ લેશે. આવું થવાથી ખરેખર જ સારું ચિત્ર બનશે. ચિત્ર બનાવવાનું આ સૌથી મોટું, સૌથી મહત્ત્વપૂર્ણ કૌશલ હોય છે. મનમાં જો રસ ના પેદા થયો, સારું ન લાગ્યું, સારું લાગવું દિવસે દિવસે ન વધ્યું, એ સારું લાગવાની પ્રેરણાથી કામ ન થયું તો કેવળ શિલ્પગત કુશળતા પ્રાપ્ત કરવી વ્યર્થ છે. એકવાર મને ઇસરાજ વગાડવાનો શોખ થયો, નિયમિતરૂપે સા-રે-ગ-મ સાધવા માંડ્યો. કેટલીક ગર્તો પણ શીખ્યો. જેવું ઇસરાજ વગાડવાનું બંધ કર્યું કે છ મહિનાની એ મહેનતને ભૂલવામાં છ દિવસ પણ ન લાગ્યા, કારણ કે કેવળ સંગતનું વ્યાકરણ ગોખી લીધું હતું. રસમાં પ્રવેશ નહોતો કર્યો. પ્રેમ જોઈએ, ધૈર્ય પણ જોઈએ, સાધનાની સફળતા જોઈએ. કળાસર્જન એક સાધના જ છે, શોખ નહીં. આમેય ઘણા લોકો છે જે પેલા અમેરિક્ન સાહેબની જેમ કરે છે. એ સજ્જન સાત સમુદ્ર પાર કરીને મહાત્માજીના દર્શન કરવા તેમના આશ્રમમાં આવ્યા. આશ્રમના લોકોએ કહ્યું, “હમણાં એમની પાસે સમય નથી, એક બે દિવસ રોકાઈ જાવ.” પરંતુ સાહેબ રોકાય કેમ, કારણ કે તેઓ તો એક પછી એક શું કરશે તે નક્કી કરીને આવ્યા હતા. હવે પછીની ટ્રેન એમને પકડવાની હતી. તે કારણથી મહાત્માજીને મળ્યા વગર જ ચાલ્યા ગયા. આને મુર્ખામી કહેવાય. અને મુલાકાત થઈ હોત તોય શું ફાયદો થાત, કોણ કહી શકે, બની શકે કે મળવાવાળાઓના લીસ્ટમાં એક વધુ નામ જોડવાનો જ એમને મૂળ ઉદ્દેશ્ય રહ્યો હોય. એનાથી અધિક એ ઇંચ્છતા પણ ન હોય. દરરોજ રીયાઝ કરવો જોઈએ. હરપળે પરીક્ષણ-નિરીક્ષણ કરવું જોઈએ. ડર અને લાલચ વર્જ્ય છે. ક્લાકાર જેટલો અનુભવ કરે કેવળ એટલો જ વ્યક્ત કરવો યોગ્ય છે. કવિ સાથે ક્યારેક-ક્યારેક એવું પણ થાય છે - કોઈ અવાંતર શબ્દનો મોહ કે એક ઉપમાનો મોહ કે આઈડિયાનો મોહ થઈ ગયો હોય. એમ જ ચિત્રકારે જોયું વૃક્ષ નીચે એક માણસ બેઠો છે. તેને ગમ્યું ત્યાર બાદ ચિત્ર બનાવતી વખતે તેની સાથે ઝૂંપડી મૂકશે કે એક એક પાંદડાને સરસ રીતે બનાવશે કે આકાશમાં વાદળાંના રંગની છાંટ દેખાડશે - તે લક્ષથી ભટકી ગયો. પરિણામસ્વરૂપ ચિત્ર નષ્ટ થઈ ગયું. આને જ લોભ કે મોહ કહેવાય છે. પહેલાંની કલ્પનાની સાથે પછીની કલ્પનાનો મેળ ન પડવાથી જ ચિત્ર નષ્ટ થઈ ગયું. શું પરંપરાગત આદર્શની જરૂરિયાત છે? જો કોઈ આકસ્મિક દુર્ઘટનાથી સમગ્ર પરંપરા લુપ્ત થઈ જાય તો શું હંમેશ માટે સમગ્ર કલાઓ નષ્ટ થઈ જશે? કલાનું મૂળ આદિ-મૂળમાં છે. જે આનંદના પરિણામસ્વરૂપે સૌર જગત અને પૃથ્વીની સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ જ આનંદમાં આવીને ચિત્રકાર ચિત્ર બનાવે છે. એટલે મહાપ્રલય પછી જેમ પુનઃસૃષ્ટિ સર્જાય, પુનઃ મનુષ્ય જેવા સંપૂર્ણ જીવનો જન્મ થાય તેમજ કલાની શરૂઆત પણ થશે. છતાં પણ પરંપરાગત કલા વ્યાપારની મૂડીની જેમ હોય છે. તેને ઉપયોગમાં લઈને થોડાક જ પ્રયત્નથી વધારે સારું એશ્ચર્ય પામી શકાય છે. જે આર્ટિસ્ટ છે તેના દરેક સમયે બધાં મિત્ર હોય છે. તે ક્યારેય એક્લો નથી હોતો. તમે સારા લાગો છો. તમારા ગયા પછી વૃક્ષ સારું લાગે છે, વૃક્ષ નહીં હોય ત્યારે દરવાજો ય સારો લાગશે. સારું કેમ લાગે છે ? ક્હેવું થોડું અઘરું છે. છતાંય કોઈ આવેગના કારણે કોઈ વસ્તુ સારી લાગવા કે વસ્તુ પોતાની છે એટલે સારી લાગવામાં ઊણપ રહે છે. કૂતુહલવશ કોઈ વસ્તુનું સારું લાગવું એ પણ સ્થાયી નથી હોતું. એક અન્ય રીતનું સારું લાગવું હોય છે. એ છે ઊંડો એકાત્મક્તાનો બોધ. કોઈ દશ્ય એટલું સારું લાગે છે કે તેમાં મરવાની પણ મજા આવે બધાં જ ભરોસો આપે છે. બધાં જાણે સ્નેહી છે. કોઈ વસ્તુ જેટલી સારી લાગે છે, મૃત્યુનો ડર એટલો ઓછો થાય છે. કારણ મને અનુભવ્યું કે હું મરી જઈશ તો આ તો રહેશે જ. આનું રહેવું તે મારું રહેવું તો છે. ચિત્ર બે પ્રકારના હોય છે. એક એ જે ચિત્રકારે બનાવ્યું છે અને બીજું એ જે સ્વયં બન્યું છે. સારા ચિત્રમાં વિષયવસ્તુ, શૈલી અને ચિત્રકાર ત્રણેય સ્થિત હોય છે. ચિત્રમાં રંગ પૂરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ધાન્યના ખેતરની લીલોતરી તમને એટલી ગમવી જોઈએ કે તમે સ્વયં લીલા થઈ જાઓ. તમારા અસ્તિત્વની અનંત ઓળખ સાથે એ ઓળખ જોડાઈ જાય. ત્યારબાદ ચિત્ર બનાવશો તો ક્યો લીલો રંગ પૂરવાનો છે, તેની સાથે બીજો કયો રંગ ક્યાં સારો લાગશે વગેરે બાબતો ઊંડી અનુભૂતિના કારણે તમારી સામે સ્વયં સ્પષ્ટ થશે - પીંછીના ટેરવે રંગ પોતાની મેળે આવતો જશે. એક બીજી વાત, આલંકારિક પદ્ધતિમાં ચિત્રકાર પાકથી લચેલા ખેતરનો રંગ આકાશમાં પૂરી શકે છે. વાદળમાં પણ પૂરી શકે છે. પહાડમાં પણ પૂરી શકે છે. તેમાં કશું ખોટું નથી હોતું. કારણ ચિત્રકારે પ્રકૃતિ પાસેથી શીખી લીધું હોય છે. જુદા જુદા રંગોનો ઊંડો અભ્યાસ અને રંગોની પરસ્પર સંબંધની વાત, દઢ આત્મીયતાની વાત, છતાંય સ્વાધીન અને સ્વતંત્ર છે. આ પ્રથા આપણને જૂના રાજપૂત, મુગલ કે પારસી ચિત્રોમાં જોવા મળે છે. આનાથી કૃતિમાં કોઈ પ્રકારની ક્ષતિ નથી આવતી પરંતુ તે શ્રેષ્ઠ બને છે. જેણે પહાડ નથી જોયો એ વાદળનું ચિત્ર ન બનાવી શકે. સ્થિરતાને જાણ્યા વગર ચંચળતાને જાણી શકાતી નથી. ઇન્દ્રિયોની ચંચળતામાં જે રસ છે અને ચિત્રની ધ્યાનમગ્નતામાં જે રસ છે. કલાકારે બન્નેને જાણવાની જરૂરિયાત છે. કલાકાર એક પક્ષે હોય તે ન ચાલે. તેણે સર્વદેશી અને નિર્લિપ્ત હોવું જોઈએ. સાંભળ્યું છે એકવાર કોઈકે કહ્યું હતું કે ફણગો ફૂટતા જવનો ઉપરનો ભાગ પાંખો ફેલાએલા પતંગિયા જેવો લાગે છે. પરંતુ જ્યારે કોઈ ખરેખરા પ્રતિભાશાળી કવિએ કહ્યું કે જવનો ફણગો ફૂટતો જોઈને એવું લાગે કે જો એક જોડી પાંખો મળે તો તે પતંગિયાની જેમ ઊડવા માંડશે. એક જ ઉપમાને જોવાથી ખ્યાલ આવશે કે રજૂઆતમાં કેટલો ફર્ક આવે છે. જે જડ હતી તે ચેતન બની ગઈ. પ્રવૃત્તિમાં બે ધારાઓ છે. એકમાં એક રૂપની સાથે બીજાનો મેળ ન બેસે પરિણામ આશ્ચર્યજનક. આ થયું સ્થૂળ રૂપ. બીજામાં દેખાય છે કે આ બધી વિસંગતિ અથવા વિચિત્રતા જે અંતર્નિહિત નિયમથી પ્રગટે છે તે જ તેનું એક્ય છે. જેવું દશ્ય અને વૈવિધ્યના અંતરમાં એક્ય - આ જ પ્રકૃતિ - વિશ્વ પ્રકૃતિ પણ અને તેમાં સમાહિત માનવ પ્રકૃતિ પણ. કલાકાર સૌથી પહેલાં બાહ્ય રૂપ તરફ આકર્ષિત થાય છે. ત્યાર બાદ એ રૂપથી બીજા રૂપના સંપર્ક તરફ. ત્યાર બાદ આકર્ષાય છે તે ભાવ અને તે રસ તરફ જે પ્રત્યેક રૂપને, પ્રત્યેક ક્ષણને રૂપાંતરિત અને જીવંત કરી રહ્યું છે. આ રીતે કલાકાર જેટલો આગળ વધે છે, તેટલી જ તેની સર્જનક્ષમતા વધે છે. એટલો જ સર્જનના ક્ષેત્રનો વિસ્તાર થાય છે. કલા વિશેષની પોતાની વિશિષ્ટ ભાષા કે કનવેંશન (convention)નું કામ વસ્તુને સરળ કરવી તે નહીં પરંતુ પૂર્ણ બનાવવી તે છે. જ્ઞાન અને સાધનાની વિશેષ સંયોગથી જ તેનો ઉદભવ થાય છે. આપણી ચારેય બાજુએ સર્વત્ર ક્ષતિગ્રસ્તભાવ અને ક્ષતિગ્રસ્ત રૂપની તરફ પ્રકૃતિનો જ સમગ્ર આવેગ અને ઇચ્છાનું ખેંચાણ છે. તદ્ઉપરાંત સૃષ્ટિમાં વ્યાપ્ત જળ, વંટોળ, તડકો અને અતિવૃષ્ટિ છે. જીવ-જંતુ જનાવર અને મનુષ્યોના અગણિત ઉપદ્રવ છે. આ બધી જડવસ્તુઓની જડતાના કારણે ઉત્પન્ન થતી અડચણો થકી મૂળભાવ અને આવેગ સુધી આપણે સીધા પહોંચી શકતા નથી. આંખો દ્વારા, અંતરના પ્રેમ દ્વારા તે જોવામાં અને બતાવવામાં સાર્થકતા છે. ચીનની ચિત્રકલા અને ભારતીય શિલ્પકલાની સરખામણી નથી. ભારતીયો વિષયને ચારે તરફ્થી જુએ છે. એ જોવાને આકારિત કરવાનું યોગ્ય માધ્યમ છે, શિલ્પકલા અને સ્થાપત્યકલા. પરંતુ ચિત્રની સપાટી દ્વિઆયામી હોય છે. તેમાં લંબાઈ અને પહોળાઈ જ હોય છે. તેનું વિશિષ્ટ દષ્ટિબિંદુ અંતર કે અવકાશ હોય છે. આ ટુ-ડાયમેન્શન (2-Dimension) સર્જનના ક્ષેત્રમાં અંતરની રસસૃષ્ટિ ચીની કલાકારો સ્વાભાવિક્તાથી બતાવે છે તે બીજે ક્યાંય જોવા મળશે ? ચીની ચિત્રકારો માટે ચિત્ર બનાવવું તે લખવા જેવું છે. એટલા માટે જ ચિત્રની સપાટ ભૂમિ તેમના સર્જન માટે વધુ ઉપયોગી નીવડે છે. ઓકાદુરાએ કહ્યું હતું કે પ્રકૃતિ (Nature) પરંપરા (Tradition) અને મૌલિકતા (Originality) - આ ત્રણના પરિણામે જ સર્વાંગ સંપૂર્ણ કલાત્મક સર્જન થાય છે. પ્રકૃતિની જાણકારી વગર કલા દુર્બળ અને કૃત્રિમ થઈ જાય છે. પરંપરાના જ્ઞાનને અભાવે તે જડ અને અણઘટ બને છે. અને કલાકારનું પણ જો કાંઈ યોગદાન ન હોય તો બધું જ હોવા છતાં કલા નિષ્પ્રાણ રહે છે. બીજી બાજુ કેવળ પ્રકૃતિ પર આધારિત હોય તો નકલ બની જાય છે. કેવળ પરંપરા આધારિત હોય તો થઈ જાય કારીગરી અને કેવળ મૌલિક્તાનો આધાર લઈને કલાકાર સર્જન કરે તો એ પાગલ જેવું આચરણ કરે છે. જુદી જુદી ઉંમરે મનુષ્યનું જીવન જુદી જુદી વસ્તુઓને કેન્દ્રમાં રાખીને ચાલે છે. બાળપણમાં મા, કિશોરાવસ્થામાં ભાઈ-બહેન, યુવાવસ્થામાં સ્ત્રી કે પ્રેમિકા અને પ્રૌઢાવસ્થા કે ઘડપણમાં બીજું કાંઈ. આ કેન્દ્રો સ્થિત રહેવાથી જીવનમાં રસ રહે છે. સુખ રહે છે. ઉત્સાહ રહે છે. કેન્દ્રથી ખસી જવાથી બધું જ બેસ્વાદ થઈ જાય છે. એટલે કામ માટે કોઈ પ્રેરણા રહેતી નથી એટલે જે જેટલાં સ્થાયી તત્ત્વોને કેન્દ્રસ્થાને રાખીને જીવનનો વિકાસ કરે છે, તેને સુખ-શાંતિ અને કામ કરવાની પ્રેરણા આપતો સ્રોત પણ એટલો જ સ્થિર રહે છે. ખતમ થતો નથી. આવી સ્થિર વસ્તુ છે આ વિશ્વ પ્રકૃતિ. આ વાત જીવનમાં પણ સત્ય છે અને કલામાં પણ. નિત્ય નિયમિત સાધનાના પરિણામે, છેલ્લે મન ભરેલા ઘડા જેવું થઈ જાય છે. ભરેલો ઘડો થોડો પણ હલવાથી છલકાય છે તેમ કોઈપણ કારણે જરાપણ ઉદ્દાલિત થતા મનમાં સ્થિર રસાનુભૂતિ અને રૂપાનુભૂતિનું અક્ષયપાત્ર છલકાઈ જાય છે અને આકારિત થાય છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, કવિતા અને ગાન. ખૂબ આશા અને ઇચ્છાથી શરૂઆત કરી પણ આજ તમને લાગે છે કે કશું થયું નહીં. પરંતુ બની શકે કે થવામાં હવે બહુ વાર ન હોય. માની લો કે તમે જગન્નાથપુરીના મંદિરે જઈ રહ્યા છો. સવારના સમયે ખૂબ દૂરથી વનરાજીની વચ્ચે મંદિરનો ઘુમ્મટ દેખાય છે. ઉત્સાહભેર ચાલવા માંડ્યા. જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તડકા અને રેતની ગરમી વધવા માંડી. ભૂખ અને તરસથી જીવ અકળાઈ ઊઠ્યો, ખબર નહીં ક્યારે આસપાસનાં મકાન અને વનરાજી વચ્ચે દેખાતો ઘુમ્મટ પણ ખોવાઈ ગયો. તમે એકદમ દિક્ભ્રમિત થઈ ગયા. ચાર રસ્તે આવીને કઈ બાજુ જવું તેની સમજણ નથી પડતી. છતાંય કદાચ દરેક ડગલે તમે આગળ વધતા રહો છો. જ્યારે એકદમ હતાશ થઈ રહ્યા હશો, ત્યારે રસ્તાની ધારે એક વળાંક પાર કરતાં જ સામે એક વૃક્ષથી આગળ જતાં જ મંદિરનો ખુલ્લો દરવાજો આંખ સામે હશે. કલાકારે હંમેશાં ચેતનવંતા રહેવું પડે. ભાગીરથીમાં તરંગની તાલે તરણા સાથે કમળનું ફૂલ અને પાન વહી રહ્યું છે. તે પાણીમાં માછલી પણ રમી રહી છે. પોતાની ઇચ્છા મુજબ જળના પ્રવાહની દિશામાં કે ઊલ્ટી દિશામાં જઈ રહી છે. બન્નેમાં તફાવત છે. આજ તફાવત સાધારણ મનુષ્ય અને કલાકારમાં હોય છે.
૦
વાસ્તવિક્તા શું છે ? તેની વ્યાખ્યા કુમારસ્વામીએ એક સંસ્કૃતની ઉક્તિ ટાંકતાં આપી છે. વાસ્તવિકતા એ છે, જ્યાં અભાવ-બોધ નથી. અર્થાત્ કલાના ક્ષેત્રમાં કહી શકાય કે ચિત્ર અને ચિત્રનું વિષયવસ્તુમાં સમાનતા ન હોવાથી પણ જ્યાં અભાવ-બોધ નથી. ચીની લોકોએ પણ આજ કહ્યું છે. સાચા કલાકારનું કામ કેવું હોય છે? વસ્તુનો આશ્ચર્યજનક અનુભવ થાય છે. પણ પાસે જઈને જોતાં શાહીની છાપ અને પીંછીના ડાઘ સિવાય કશું જ દેખાતું નથી. ચાઈનીઝ લોકો એટલે જ કહે છે કે ટેકનિક જ બધું છે, અને ટેકનિક કશું જ નથી. મન જ ચિત્ર બનાવે છે. મન જ્યારે જવા ઇચ્છે ત્યારે તે ખેંચી ખેંચીને ક્યાંથી ક્યાં લઈ જાય તે ખબર પણ ન પડે. સાચા કલાકારની ટેકનિક કે સાચી ટેકનિક છે - તંત્ર (તાઓઉપનિષદ)ના એ શ્લોકની ઉક્તિ અનુસાર - પક્ષીના ઊડવાની જેમ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જઈને બેઠું પણ હવામાં કોઈ નિશાન જ ન રહ્યું. કોઈ કોઈ વ્યક્તિ એવી છે જે કોઈપણ વસ્તુનું ચિત્ર બનાવે, તે તેમાં પ્રવેશી જાય છે. પ્રવેશ કેવો ? તમારો હાથ પકડીને અહીં આ રીતે મૂકી દીધો. પછી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યો. પછી તમને પકડીને ઉઠાડ્યા, બેસાડ્યા - આ થયું એક. એક બીજું થયું જો તમારા અંતરમાં જ પ્રવેશી શકે તો તમારા હાથની સાથે, તમારા પગની સાથે હું જે ઇચ્છી શકું છું. ઊઠવું, બેસવું, દોડવું, નાચવું - કાંઈપણ કરવામાં જોર નથી આવતું. અડચણ નથી આવતી, બસ સહજ રીતે તે જ થાય અને સાચું થાય છે. નાના બાળકો દ્વારા બનાવેલું ચિત્ર પણ ખૂબ સુંદર હોય છે. અદ્ભુત છંદ, અદ્ભુત રંગ એનાં હોય છે. એટલે નાના બાળકોના કામની નકલ કરીને કલાકાર ન બની શકાય. નાના બાળકોના કામના ગુણ મોટા કલાકારોને કામ લાગે છે. ત્યારે જ્યારે એ જ્ઞાનની ચરમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. કારણ મોટા માણસો જો નાના બાળકોનું અનુકરણ કરે તો એ ખોટો દેખાડો થશે. એટલે મોટા માણસો પણ ઘણીવાર બાળકો જેવો વ્યવહાર કરે છે. એ આપણે જાણીએ છીએ. આવી જ વ્યક્તિઓને આપણે પ્રતિભાશાળી કે પરમહંસ કહીએ છીએ. એક જાપાની કવિતામાં કવિએ લખ્યું છે. હું ચેરીનું ફૂલ થવા ઇચ્છું છું. મનુષ્ય તો ચેરીના ફૂલથી ઘણો મોટો હોય છે. ઘણો મહાન હોય છે. તો પછી તેની આમ આવી વિપરીત ઇચ્છા કેમ ? આનું કારણ છે, એ મનુષ્ય છે એટલે એને એવી ઇચ્છા થઈ. ચેરીના ફૂલના મનમાં તો મનુષ્યની ચેતના સંસારના બુદ્ધિ અને અનુભૂતિ પ્રસારિત થાય છે. મનુષ્યની ચેતના સંસારના સર્વમાં પ્રવેશ કરવા ઇચ્છુક છે. એનો બીજો અર્થ એ પણ લગાવી શકાય છે - મનુષ્ય સંસારની અનંત જટિલતા, અસીમ દ્રવ્વ, અખૂટ એશ્ચર્ય આ બધાની સાથે જ, આ બધાનો જયકારો કરીને જ તે ચેરીના ફૂલની જેમ પ્રસ્ફૂરિત સહજ સૌંદર્યને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ભારતીય મૂર્તિકલા ખૂબ જ ઊંચી વસ્તુ છે. તેમાં જે કાંઈ થઈ ગયું છે, તે અન્ય કોઈ યુગમાં નથી થયું. જ્યાં સુધી એક નટરાજની મૂર્તિ, એક બુદ્ધની મૂર્તિ કે એક ત્રિમૂર્તિ ઉપલબ્ધ છે. ત્યાં સુધી સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારતવાસી માથું ઊંચુ રાખીને રહી શકશે. ભારતીય કળા અને ભારતીય સભ્યતા આમાં જ સંપૂર્ણ છે. તેમાં નિરાકાર વિચારને સાકાર કરવામાં આવ્યો છે. પ્રકૃતિના - એ નાના પ્રકારની રૂપછટાઓને અનેક કલાકારોએ અનેક રીતે રૂપાંતરિત કરી છે. પરંતુ કરુણા, મૈત્રી કે કોઈ બીજા અમૂર્ત વિચારને મૂર્તરૂપ આપવાનો પ્રયત્ન કલા જગતમાં અન્યત્ર દુર્લભ છે. ચિન્હ કે પ્રતીકની રચના નથી કરી, રચના કરી છે મૂર્તિની. અર્થાત્ અહીં વિચારનું ‘વાચન’ મુશ્કેલીભર્યું કે કલ્પનાતીત નથી. રસિક વ્યક્તિઓ માટે તેનો બોધ વ્યાખ્યા સાપેક્ષ પણ નથી. વિચારનો જન્મ થયો અને વિચાર જ મૂર્તિ બન્યો. એક સમયે યુરોપમાં પ્રકૃતિની હૂ-બ-હૂ નકલ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. એ કલાનો સાચો રસ્તો નથી, તેમાં ખરેખરી તૃપ્તિ નથી મળી શકતી. તેના વિરોધમાં હવે પ્રકૃતિને એકદમ તેમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ પણ અયોગ્ય છે. તેમાં જરાય રસ નથી. આપણી આસપાસનું બધું જ છોડીને માણસ ન વિચારી શકે કે ન જોઈ શકે. વિજ્ઞાન કે મનોવિજ્ઞાનના તથ્યોનું શું થશે. એ કલાનું સત્ય તો નથી. કલાનો વિષય અને કલાકારનું મન પદાર્થ અને પ્રકાશ જેવાં છે. માટી અને પથ્થર સૂર્ય પ્રકાશને શોષી લે છે. તેને ઝાંખો બનાવે છે. પ્રકૃતિની અનુકારક કલામાં આવું જ થાય છે. અને કાચ, અરીસો કે જળ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરીને વધુ ચકચકિત કરે છે. ભારતીય કે પૂર્વની કલાનું મૂળ ચરિત્ર જ આ છે. આ કલા અનુકરણ પ્રત્યે વિશેષ જોક નથી આપતી. વધારે પડતી એબસ્ટ્રેક (Abstract) કે અમૂર્ત થવાની પણ એને જરૂરિયાત નથી જણાઈ, તેનું સત્ય સ્વરૂપ અને અરૂપ બન્નેને સાથે રાખીને વચ્ચે ઊભી છે.
૦
પ્રકૃતિના ચિત્રણમાં કે લેન્ડસ્કેપમાં સ્થાપિત નવ રસમાંથી એકેય રસ નથી હોતો. વધુમાં વધુ તેને શાંત રસ કહી શકાય કે પછી એકાત્મકતાનો રસ કહી શકાય. ચીની લોકોએ સંભવતઃ પોતાના ઋષિ લાઓત્સેના વિચારોમાંથી આ રસને પ્રાપ્ત કર્યો હતો. એક લેન્ડસ્કેપની વચ્ચે એક માણસ. જો લેન્ડસ્કેપનું ચિત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય તો માણસનું ચિત્ર કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ અને જો માણસનું ચિત્ર દોરવાનો મુખ્ય હેતુ હોય તો લેન્ડસ્કેપ ચિતરવામાં સાવધાની રાખવી જોઈએ. ચિત્રમાં આકારિત થનારા વિષયને સીધેસીધો કે પરાણે વશમાં કરવાનો પ્રયત્ન કરવાથી તે સિફતપૂર્વક છટકી જશે. પ્રેમમાં પણ આ જ થતું હોય છે. તેની ગતિ પણ વાંકી હોય છે. જે બાજુ જવા ઇચ્છતા હોવ તે બાજુ સીધા ન જવાય, જે કહેવા માગતા હોઈએ એ સીધેસીધું ન કહેવાય જે કહેવા માગતા હોવ તેને વ્યંજનાના માધ્યમથી સુંદરતાપૂર્વક વ્યક્ત કરો. ઇંગિતના માધ્યમથી, ઇશારાથી, આનાથી પ્રેમી અને પ્રિયા બન્ને ખુશ થાય છે. આનાથી પ્રેમ સફળ થાય છે. કલા હોય કે પ્રેમિકા, બન્ને પ્રત્યે જોર-જબરજસ્તી સારી નહીં - ‘ઇચ્છા કર્યા વગર જ તેને પામી શકાય.’ લેન્ડસ્કેપના ચિત્રમાં વૃક્ષ-છોડ, રેતાળ મેદાન, જળની ધારા વગેરે બનાવીને મન સંપૂર્ણ સંતૃષ્ટ ન થાય ત્યારે લાંબી પૂંછડીવાળું પક્ષી કે હાથમાં નાની લાકડીવાળો ભરવાડ, વાંકું વળીને પાણી પીતું વાંદરું વગેરે બનાવી દીધાં અને લાગ્યું કે બધું જીવંત થઈ ગયું, બોલવા માંડ્યું, કીકું પણ સુંદર, ચિત્રમાં એ પક્ષી, ભરવાડ જ કલાકાર સ્વયં છે. કલા ક્ષેત્રે જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેમનાથી ભૂલ નથી થતી, દંતકથા પ્રચલિત છે કે એકવાર ચીની ચિત્રકારના પગની ઠોકરથી શાહીનો વાડકો ઢોળાઈ ગયો તેણે તરત જ હાથ ફેરવીને એક અદ્ભુત ડ્રેગનનું ચિત્ર બનાવી દીધું. ચિત્રકારના મનમાં જ્યારે વિષયવસ્તુની ધારણા સ્પષ્ટ રૂપે તૈયાર થઈ જાય ત્યારે મનમાંથી કાઢીને કાગળ પર મૂકી દેવાથી જ કામ થઈ જાય છે. એવું લાગે છે જેમ પડદો હટાવતાં જ પાછળ શું હતું તે નજરે પડી ગયું. આના માટે જે કુશળ હાથ,સાધન, કલા અને કલા કૌશલનું પ્રયોજન છે તેનાથી પણ નથી થતું કારણ કે કલાકાર અને કલા-રસિકને આ સંબંધે જાણે કોઈ હોશ જ નથી રહેતો. ધનુષ બાણ લઈ ઘણાં નિશાન તાકીને, ઘણા પ્રયત્નોથી લક્ષ્ય ભેદવાની ચેષ્ટા કરી શકાય છે. તેનાથી નિશાન તાકી પણ શકાય અને ન પણ તાકી શકાય. પરંતુ જ્યારે લક્ષ્ય જ ચુંબકની જેમ તીરને પોતાની તરફ ખેંચે ત્યારે આપણી તરફથી કોઈ ચેષ્ટા ન કરવાની હોવાથી ભૂલચૂકની કે નિશાન ચૂકવાની સંભાવના રહેતી નથી. વર્તમાન યુગમાં ખાસ કરીને પશ્ચિમના દેશોમાં કલાના ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનો પ્રભાવ દેખાઈ આવે છે. તેના પરિણામે થોડેઘણે અંશે અવચેતન કે અતિ સચેતન મન દ્વારા એક પ્રકારના કલાસર્જનનો પ્રયત્ન જોવા મળે છે. તે જોઈને મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, કે જો કેવળ કુતૂહલ જગાવે છે કે પ્રશ્ન આકાર લે છે. તેમાં પણ કલા છે કે નહીં. આપણી દષ્ટિએ કલા રસની વ્યંજનાની દૃષ્ટિથી જેમ એકબાજુ અનિર્વચનીય (અવાક્) અને અપરિસીમ (અસીમ) છે. તેમ જ રૂપ અને રેખાની દષ્ટિએ સુસીમ, સંશ્લિષ્ટ અને સુનિર્દિષ્ટ છે, કારણ કલા મનુષ્યની પોતાની સત્તાની સાથે વિશ્વસત્તાના ઘનિષ્ટ પરિચયની સાક્ષી કે પ્રતીક છે. એમ પણ કહી શકાય છે કે કલા નવા પરિચયનું સર્જન કરીને એક સૃષ્ટિની વસ્તુને એક બીજી સૃષ્ટિ વચ્ચે મૂકી આપે છે. કોઈ એક છોકરીની વાત કરીએ. સંસારમાં એ કોઈકની દીકરી, કોઈકની પત્ની, કોઈકની સખી, કોઈકની મા હોય છે. પ્રકૃતિની વચ્ચે કે પ્રકૃતિની દૃષ્ટિએ એ ન તો મા છે, ન બહેન કે ન પત્ની; એ કોઈની પણ સાથે અતૂટ સંબંધથી બંધાયેલ નથી - એ કેવળ નારી છે. હવે એ છોકરીનો એક એવો પણ પરિચય હોઈ શકે કે એ મા છે. એના ખોળામાં બાળક છે કે કોઈ એવું સ્પષ્ટ લક્ષણ છે જેના કારણે ભ્રમની સંભાવના જ ન રહે. છોકરી જેમ પ્રકૃતિની વચ્ચે આમ જ કોઈ અંતરંગ અનુભૂતિ વચ્ચે નિઃસંદિગ્ધ અને નિર્દિષ્ટ એક ઓળખની ઉજ્જવળતા પ્રાપ્ત કરે છે અને ત્યારે કલાનો આધાર(વિષય) બની જાય છે. સંસારમાં એનો સંબંધો દ્વારા જે પરિચય છે તે વામણો બની જાય છે. તેની ચમકને ઝાંખી કરી દે છે. અને તેને સારી રીતે ન ઓળખવાને કારણે જ એ બોધનો કે કલાનો આધાર નથી થઈ શકતી.... જે છોકરીને રોજ જોઉં છું, તેને નથી જોતો. વિવાહ વખતે એ દરેકનું ધ્યાન ખેચે છે. તે સમયે એ અપૂર્વ અને અનન્ય લાગે છે. એક પથ્થરના ટૂકડાને જ લો. જ્યાં સુધી એ કેવળ પથ્થર છે ત્યાં સુધી એક પ્રાકૃતિક ચીજ માત્ર છે. એક એવી ચીજ કે જે ફીજીક્સ કે મેટા ફીજીક્સ અંતર્ગત આવે છે. તથા જેને આંખોથી જોઈ શકાય છે. તથા યંત્ર દ્વારા જેનું પરીક્ષણ કરી શકાય છે. હવે એ જ પથ્થરનો ટૂકડો જાતે અથવા કોઈના દ્વારા થોડું રૂપ આપીને ક્યારેક શિવ, ક્યારેક વાનર, તો ક્યારેક ડોશી જેવો લાગી શકે છે. છતાંય એ મનમાં કુતૂહલ જગાડે છે. જીજ્ઞાસા પેદા કરે છે. પણ રસની સૃષ્ટિ નથી રચી શક્તો. કારણ કે જ્યાં સુધી આપણે તેને કોઈ ચોક્કસ નામ આપીને આત્મીયતા કેળવી ન શકીએ, ના તેનું નામ લઈને બોલાવી શકીએ, કલાકારના હાથમાં પડ્યા પછી એ પથ્થર પથ્થર નથી રહેતો. કલાકારે પોતાની બધી જ આંતરિક શક્તિના યોગથી જે અનુભવ કર્યો, જે જોયું, કે જે જોવાનો અભિગમ કેળવ્યો, તેનાથી તે પથ્થર શિવ, વાનર કે ડોશી વગેરેમાંથી કોઈ રૂપ ધારણ કરીને કોઈ રસિક વ્યક્તિની નજીકની ઓળખ થઈ, રસિક વ્યક્તિનો અંતરંગ થયો અને સાથે જ કલાની સંજ્ઞાથી અભિવ્યક્ત થયો, ત્યારે જ એ સૃષ્ટિની પ્રતિસૃષ્ટિ બન્યો. પૂર્વ તરફ લીલાં જંગલો ઉપર ઘેરાએલાં કાળાંડીબાંગ વાદળો - મને આટલી મજા કેમ આવે છે ? એણે મારા મનને આમ ઝંકૃત કેમ કરી દીધું છે ? કારણ બહુ જ સરળ છે. એક જ સૃષ્ટિ, એક જ ચેતનાનો એક છેડો છે તે વાદળ અને બીજો છેડો તે હું. એક તરફ મેઘ અને બીજી તરફ હું એટલે જ મેઘનું સુખ મારામાં અને મારું દુઃખ મેઘમાં વિચરણ કરે છે. વિષય (આસક્તિ) અને વિષયી (આસક્ત)ની એક જ સૃષ્ટિ છે. મારી ઇન્દ્રિઓ ફક્ત બારી દરવાજા જ છે. એ રસ્તામાં મારું અને મારી વિષય (આસક્તિ)નું મિલન થાય છે, બન્ને એકબીજામાં લીન થઈ જાય છે. એક જ ચેતના જુદા સ્વરૂપે દોલાયમાન થાય છે, તરંગિત થાય છે. કુણાલ જાતકમાં કામલોકની ચર્ચા મળે છે તેની ઉપર રૂપલોક અને તેની ઉપર અરૂપલોક, હું કહું છું કે એની ઉપર આનંદલોક. કામલોકમાં આસક્તિ છે એટલે અંધાપો છે. રૂપલોકના સ્તરે પહોંચતાં રૂપ દેખાય છે. અરૂપલોકમાં પહોંચતાં પ્રાણમાં એ નિખિલ પ્રાણછંદનું સ્પંદન અનુભવાય છે. આનંદલોકમાં રસ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે : રસો વૈ સઃ |
નંદલાલ બોઝની કળા હરિપુરા મંડપ સુધી દોડી આવી