ગુજરાતી સૉનેટકાવ્યો/તાદાત્મ્ય
Jump to navigation
Jump to search
૯. તાદાત્મ્ય
ન્હાનાલાલ દલપતરામ કવિ
પોઢી ઝાંખી પ્રિયભુવનમાં છાંયડી પૂર્વજોની,
ત્હેમાં બેશી ગૂંથતી ઝભલાં સુંદરી પુણ્યવન્તી :
માતાકંઠે હીંચી હીંચી ઝરે ચન્દ્રિકા ચુંબનોની
બાલુડાની કુસુમપટ શી શ્વેત મુદ્રા હસન્તી.
ચુંબે–દાબે અમૃતનયનો માતના હસ્તલેખા,
ન્હાની આંખો નિમિષ ઊંડું શું આંખડીમાં નિહાળે;
પાછાં વાળે વળી વળી ધીમાં ચુંબનો માતૃરેખા,
ને સંકેલી નયનકિરણો બાલનું તેજ ભાળે.
આઘે દેશો ગિરિશિખરમાં વ્યોમછાયે પડેલા,
મોંઘી મૂર્તિ શ્રમિત લઈને પ્રાણમાં આવી ઉભા;
હૈયે લીધો તનય, લટને ચુંબનોથી સમારી :
જોયું ચારે દિશ સદનમાં, શૂન્ય સ્થાનો થયેલાં
ધારે કાન્તિ નવીન, ચુમતી સુન્દરી બાલશોભા :
‘વ્હાલા! વ્હાલા! પ્રણયપ્રતિમા બાળુડી આ હમારી.’
(‘કેટલાંક કાવ્યો-૧’)