ગુજરાતી સૉનેટકાવ્યો/આદિ કવિતા
Jump to navigation
Jump to search
૫૫. આદિ કવિતા
પ્રજારામ રાવળ
અહીં આ પૃથ્વીના પટ ઉપર કૈં ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં :
કશા ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાં :
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.
ફરું જ્યાં જ્યાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણા :
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા :
ન આવી ઊભા ર્હે દૃગ પજવતાં ભાવિ સમણાં.
પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઈ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત-નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા :
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.
૧૯૮૦