ગુજરાતી સૉનેટકાવ્યો/પળ સફરની
Jump to navigation
Jump to search
૫૯. પળ સફરની
સ્નેહરશ્મિ
હવે આવી પહોંચી પળ સફરની : સાથ ન કશો,
હતું જે કૈં પાસે વીસરી બધું તે છોડી સઘળું
જવાનું ક્યાં તેયે સ્મરણપટમાં આંકી જરી ના,
બધા સંબંધોથી વિમુખ બનવું : સદ્ય પળવું.
હવે ભૂકંપો કે મનુજસરજી ભીષણ વ્યથા
વિસારીને એવું ઘણુંક ઘણું ને ભાવિ ઘટના
અજાણ્યા તારાનાં અદીઠ કિરણો જેવી અકળ
તમા ના તેનીયે કશીય કરવી : વિસ્મૃત થવું.
હવે આવી પહોંચી પળ અગમ તે : શબ્દ વિરમ્યા,
શમ્યા આવેગો સૌ : વિહગ નિજ નીડે ઠરી ગયાં,
ન કો ચિહ્નો ક્યાંયે : પથ ન નજરે કોઈ પડતા,
સરે દૂરે દૂરે પરિચિત પુરાણી સ્મૃતિ બધી,
અજાણી આવે કો લહર કહીંથી વીંટી વળતી
ન જાણું ક્યાં દોરે સ્થળસમયસીમારહિતમાં!