ગુજરાતી સૉનેટકાવ્યો/અરબી રણ

From Ekatra Wiki
Revision as of 03:34, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૩. અરબી રણ

કૃષ્ણલાલ શ્રીધરાણી

ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા;
કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયાં!
દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે;
કશેય નવ ઝાંખરું-તણખલું ન લીલું લસે!

વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા,
પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો;
અને અહીં હજાર ગાઉ તક ઝાળતો એ ઝર્યો;
ક્યહીં રચત રેતીના ઢગ, ક્યહીં સૂકા ડુંગરા!

બધે નજર વિસ્તરે! અતૂટ ચક્રવાલો ચહુ;
નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું!
વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી
સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી!

ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ -કલ્પનાનો થતો!
-‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!’