ગુજરાતી સૉનેટકાવ્યો/એક પળ

From Ekatra Wiki
Revision as of 03:35, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૪. એક પળ

કરસનદાસ માણેક

જ્યારે મારા જીવનની પળો પ્હોંચશે તારી પાસે,
સૌ પોતાના ક્ષણિક વિજયોની પ્રશંસા કરીને
જે સંપત્તિ નિજ નિજ તને ગર્વઘેલી ધરીને
બાપુ, તારા મનહરણના ક્ષુદ્ર યત્ને ગુંથાશે!
સ્પર્ધાપ્રેર્યાં અધમ નખરાં, દગ્ધ ઈર્ષ્યાહુતાશે
અન્યોન્યોનાં શપિત-વચનો જોઈને સાંભળીને
ભોંઠે મ્હોંએ, નયન નમવી, સૌથી થોડી તરીને
વ્યાઘ્રોમાં આશ્રમહરિણી શી એક ત્યારે કળાશે!

એણે બાપુ, તવ ચરણમાં અર્પવા યે ન લીધા
પોતાસાથે ઝગમગ થતા વિશ્વના દ્રવ્યરાશિ;
આનન્દોના ઉછલ, દુઃખ આક્રન્દમાં ર્‌હે ઉદાસી
તેં દીધેલા વિરહવિષના ઘૂંટડા ઘોળી પીધા!

શાબાશી દૈ અવર સહુને બાપુ, દેજે વિદાય :
પ્રાર્થું : મારી પળ ફક્ત એ એક તે તારી થાય!
(‘આલબેલ’)