ગુજરાતી સૉનેટકાવ્યો/તવ સ્મૃતિ

From Ekatra Wiki
Revision as of 03:36, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૫. તવ સ્મૃતિ

મનસુખલાલ ઝવેરી

મને હજીય સાંભરે ક્ષિતિજ પાસની ટેકરી,
પરોવી જહીં નેણ મેં વરસ કૈંક વિતાવિયાં,
પડ્યો સ્વજનથી અને ઘરથી દૂર જ્યારે હતો.

કદી કિરણ સૂર્યનાં કનકથી રસી, એહની
કરે પ્રગટ રુદ્ર ને ગહનભવ્ય શૃંગચ્છવિ :
તદા નિકટ એટલી સરકી આવતી એહ કે
થતું : અબઘડી જ એની ઉરકન્દરાથી ઊઠી
પ્રતિધ્વનિ ગભીર સાદ મુજનો, સુણાશે અહીં.

પછેડી વળી પાતળી કદીક ઓઢીને, ધુમ્મસે
લપાવી નિજ રૂપ એ સરી જ દૂર દૂરે જતી;
અદૃશ્ય વળી સાવ એ થઈ જતીય ક્યારેક તે.

તવ સ્મૃતિય એ સમી કદીક ગૂઢ, ક્યારે વળી
અગૂઢ સળકે : તથાપિ દૃઢમૂલ ને શાશ્વત
રહી છ ક્ષિતિજે સદા હૃદયનું રખોપું કરી.
(‘અનુભૂતિ’)