ગુજરાતી સૉનેટકાવ્યો/વિદાય
Jump to navigation
Jump to search
૭૨. વિદાય
પ્રહ્લાદ પારેખ
કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’;
પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે,
પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં;
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં,
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં,
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.
છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લહું,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.