ગુજરાતી સૉનેટકાવ્યો/ફરીથી
Jump to navigation
Jump to search
૮૪. ફરીથી
ભગવતીકુમાર શર્મા
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યસ્થ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોખાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાં યે.
આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધાં વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી