ગુજરાતી સૉનેટકાવ્યો/પારિજાત

From Ekatra Wiki
Revision as of 16:15, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮૫. પારિજાત

રઘુવીર ચૌધરી

લહુ ના ગતિ રાત્રિની, ક્ષણો
ઠરતી આ ઝમતી તમિસ્ત્રમાં,
વિકસી નિજ સૃષ્ટિમાં રહ્યું
નભ જેવું ગૂઢ પારિજાત; ને
ખરતાં મૃદુબંધ પુષ્પનો
સુણતો સૌરભશેષ શો ધ્વનિ!
પમરે સ્વર એ સલજજ ત્યાં
ગ્રહવા સંનિધિ કર્ણમૂલની.

દ્રવતા અણુ પૂર્વરાગના
વિરમે કેમ અશબ્દ કંપતા?
સ્વર એ જ ધરા પરે બધે
પથરાયો કુસુમો બની બની.
કુસુમો લય થાય કાળમાં,
પ્રસરે કેવળ શ્વેત રિક્તતા.