કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૭. રીસ
Revision as of 11:22, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. રીસ|– જયન્ત પાઠક}} <poem> તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા અ...")
૧૭. રીસ
– જયન્ત પાઠક
તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા
અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો
કહ્યો ના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;
તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ દીધી મેં પણ વિદા.
ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન’તું,
સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાંકું પડતું;
હવે આ હૈયું તે નથી વશ મને — સાચું કહું છું.
છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?
તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યુંઃ
બધાંથી સંતાડ્યું નયનનીર જો હોત જ લૂછ્યું
તમારા રૂમાલે, લગીર ભજી એકાન્ત, ટપલી
ધીમે મારી ગાલે કહ્યું હતઃ અરે ચાલ પગલી
હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી—
સજીને બેઠી’તી, તરત પડી હું હોત નીકળી.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૧)