ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/મૂળશંકર પ્રેમજી વ્યાસ
એઓ કાઠિયાવાડમાં આવેલા રીબ (ગોંડલ સ્ટેટ) ગામના મૂળ વતની, જ્ઞાતે વાલમ બ્રાહ્મણ છે. એમનો જન્મ રીબમાં ૧૯ મી જાન્યુઆરી સન ૧૯૦૦માં થયો હતો. એમના પિતાનું નામ પ્રેમજી જાદવજી વ્યાસ, અને માતાનું નામ પારવતી વેણીરામ ભટ્ટ છે, એમનું લગ્ન સને ૧૯૨૨માં કોટડા સંગાણીમાં શ્રીમતી બ્હેન મણિબ્હેન સાથે થએલું છે.
રાજકોટ હંટર મેલ ટ્રેનીંગ કૉલેજની ત્રીજા વર્ષની પરીક્ષા એમણે પાસ કરેલી છે તેમજ અમદાવાદમાં આવી વસ્યા પછી રાત્રિશાળામાં જઈને લગભગ સાત ધોરણ અંગ્રેજી સુધીનો અભ્યાસ પણ કર્યો છે.
ટ્રેનીંગ કૉલેજમાં અભ્યાસ દરમિયાન એમને સ્કોલરશીપો મળી હતી તેમ તેમણે સર જે. જે. આર્ટ સ્કુલની બંને પરીક્ષાઓ રાજકોટ મુકામે પાસ કરેલી છે.
તેઓ હાલમાં પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં માસ્તર છે.
ઇતિહાસ એ એમનો પ્રિય વિષય છે, તેમ સંસ્કૃત વાચન તેમને વિશેષ રૂચે છે; આધુનિક લેખકોએ તેમનામાં લેખનશક્તિ જગાડી, તેમની ભાષા સરળ અને રસિક છે.
હિન્દી ભાષાનું જ્ઞાન પણ તેમણે ઠીક ઠીક પ્રાપ્ત કર્યું છે. એ ભાષા તરફ તેમને ખાસ પ્રેમ છે.
શિક્ષક તરીકે વાર્તા કહેવાની અનેક તકો પ્રાપ્ત થાય; અને એ કળા એમણે સારી રીતે કેળવી છે, જે એમના બે વાર્તાગ્રંથોમાં જોવામાં આવશે.
: : એમની કૃતિઓ : :
| સ્વર્ગની પરીઓ | સન ૧૯૩૩ |
| કથા કુસુમો | સન ૧૯૩૫ |