બાળ કાવ્ય સંપદા/ટમ ટમક ટમ
ટમ ટમક ટમ
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
ઓઢણીમાં આભલિયા ચમકે,
આકાશે તારલિયા ટમકે
ટમ ટમક ટમ ટમ ટમ ટમ
ટમ ટમક ટમ, ટમ ટમ ટમ.
જરીક બાપુ ખંખેરે ત્યાં
બોરડી પરથી બોરાં ટપકે
ટપ ટપક, ટપ, ટપ ટપ ટપ
ટપ ટપક ટપ, ટપ ટપ ટપ.
જાણે જેજેબાપા મલકે !
વાદળમાં એમ વીજળી ચમકે
ચમ ચમક ચમ, ચમ ચમ ચમ,
ચમ ચમક ચમ, ચમ ચમ ચમ.
નીચે મારી ઢીંગલી નરતે,
ઉપર વાદળ-ઢોલ ઢબૂકે
ઢમ ઢમક ઢમ, ઢમ ઢમ ઢમ
ઢમ ઢમક ઢમ, ઢમ ઢમ ઢમ.
તાળી દઈને ગરબે ઘૂમતાં,
પગમાં મારા, ઝાંઝર ઝમકે
છુમ છુમક છુમ, છુમ છુમ છુમ
છુમ છમક છુમ, છુમ છુમ છુમ.
ચકલાં ચોખા ચણતાં’તાં ત્યાં
ફુગ્ગો ફૂટ્યો ફટાક્, ઊડ્યાં
ફર ફરર ફર, ફર ફર ફર
ફર ફરર ફર, ફર ફર ફર.