ગુજરાતી સૉનેટકાવ્યો/જૂના પત્રોનો નાશ કરતાં—

From Ekatra Wiki
Revision as of 02:21, 24 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જૂના પત્રોનો નાશ કરતાં—

જયન્ત પાઠક

પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.

કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં!

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી; આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!

જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઈ ર્હેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું...થોડું જ એ તો!