સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગંગાબહેન વૈદ્ય/અમૃતસંજીવની વિદ્યા

From Ekatra Wiki
Revision as of 05:37, 28 May 2021 by ArtiMudra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જે બાપુએ મારા જેવી અભણ સ્ત્રીને બોલવાની હિંમત પ્રેરી છે, તેમનું પાવનકારી સ્મરણ આજે મને ગદ્ગદ કરી હૈયાને ભરી દે છે. મૃત્યુ પછી બીજો જન્મ કેવો હશે, એમ આપણા મનમાં થાય છે. પણ હું તો આ જિંદગીમાં જ બે જન્મો અનુભવી ચૂકી છું : બાપુજી પહેલાંનું સંસારના રગડાઓમાં ભરાયેલું મારું જીવન, અને બાપુજીના સમાગમમાં આવ્યા પછીનું આ ધન્ય જીવન. બાપુજીનો પવિત્રા પ્રેમ, સહાનુભૂતિ ને કરુણા મળતાં મને અમૃતસંજીવની મળી. મારા જીવનને હું સાર્થક કરી શકી. આ અનુભવ મારી એકલીનો નથી, મારા જેવી લાખો બહેનોનો, લાખો ભાઈઓનો, લાખો દીકરા-દીકરીઓનો છે. બાપુ શું હતા અને શું નહોતા એ કહેવું જ કઠણ છે. આપણને સ્વરાજ્ય અપાવનાર બાપુ તો જાણે બહેનોના બાપુ હતા. માંદાઓના બાપુ હતા. ગરીબોના બાપુ હતા. બાળકોના બાપુ હતા. ચોકસાઈભર્યા બાપુ હતા. સંયુક્ત રસોડાના ચાલક બાપુ હતા. આવાં આવાં બાપુનાં અનેક રૂપો આજે મારી સમક્ષ ખડાં થઈ જાય છે, અને બાપુ સાથેનો પ્રથમ પરિચય થયો એ દિવસ યાદ આવે છે. રોલેટ બિલના વિરોધમાં બાપુએ મુંબઈમાં બહેનોની સભા કરી તેમાં હું ગઈ હતી, ત્યાં મને તેમનાં પ્રથમ દર્શન થયાં, મારા હૃદયમાં તેઓ સ્થપાઈ ગયા. બીજી વખત ભગિની સમાજમાં બાપુનું સ્વદેશી ઉપર ભાષણ હતું ત્યારે થયાં. એ જ વખતે બાપુ સમક્ષ મેં સ્વદેશીનું વ્રત લીધું. પછી તો બાપુજીએ મને નવો આકાર આપવા માંડ્યો. મણિભવનમાં રેંટિયાશાળા ખોલી ને બાપુનો મારા ઉપર પત્રા આવ્યો : વહાલાં બહેન, આજથી અહીં કાંતવાનું શિખવવાની નિશાળ શરૂ થઈ છે. હંમેશાં બારથી ત્રણ વાગ્યા સુધી ચાલશે. આપ આવશો એવી હું ઉમેદ રાખું છું.


૧૫ જૂન, ૧૯૧૯


મોહનદાસ ગાંધીના વંદેમાતરમ્


મારા આનંદનો પાર ન રહ્યો. બાપુના અક્ષરવાળું આ પત્તું મળતાં હું રેંટિયાની નિશાળમાં ગઈ. બાપુ પોતે ત્યાં હતા. હું એક રેંટિયા ઉપર બેસી ગઈ. થોડી વારમાં જ મારા સૂતરના તાર નીકળવા લાગ્યા. બાપુએ મને કાંતતી જોઈ અને પૂછ્યું, “તમે પહેલાં કાંત્યું છે?” “ના જી, નાનપણમાં જોયું હતું ખરું.” ૧૯૨૪માં એપેન્ડિસાઇટિસનું ઓપરેશન કરાવી બાપુ આરામ માટે જુહુ આવ્યા, ત્યાં હું તેમને મળી. મારે આશ્રમમાં રહેવા આવવું છે, એ વાત તેમની પાસે મૂકી. બાપુએ મારા વિચારને વધાવી લીધો અને વહેલી તકે હું આશ્રમમાં રહેવા ગઈ. એક વખત આશ્રમનો મેલ જોઈ મને ભાગવાનો વિચાર આવ્યો ત્યારે બાપુએ લખ્યું : “ક્યાંય મેલ ન હોય એવી જગ્યા તમારા ધ્યાનમાં હોય તો આપણે બંને ત્યાં આશ્રમ લઈ જઈએ. પણ જો એમ માનો કે મેલ તો થોડોઘણો બધેય હોય જ, તો આશ્રમને વળગી રહી તેને શુદ્ધ કરવામાં જ તમારું, મારું, ને જેઓ પોતાને આશ્રમના માને છે તેનું કાર્ય સાર્થક છે.” પછી તો હું પાંચ વખત જેલમાં ગઈ. બોચાસણમાં લડત વખતે બહેનોએ બાળકોનો વર્ગ ચલાવ્યો હતો. તેથી બાપુ ૧૯૩૧માં એ તરફ ગયા ત્યારે એમણે એવી ઇચ્છા જાહેર કરી કે અહીં કોઈ શિક્ષણની સંસ્થા ચાલે તો સારું. એ પછી થોડા જ વખતમાં ત્યાં વલ્લભ વિદ્યાલયના મકાનનો પાયો તેમને હાથે નંખાયો. ને ૧૯૩૪માં હું બોચાસણ રહેવા ગઈ. બાપુ સેવાગ્રામમાં વસ્યા છતાં હું તેમની પાસે હોઉં તેમ સદા માર્ગદર્શન આપતા રહ્યા. ત્યાં ૧૯૩૭માં બાપુને મળવાનું થતાં બાપુએ કહ્યું, “તમે એક ગાય રાખો તો?” બાપુનું સૂચન એ મારે મન આજ્ઞા હતી. મેં ગાય રાખી. ગાયની હું પોતે જ સેવા કરતી. દાણા-પાણી આપવાં, ગાય દોહવી, બધું હું કરતી. અત્યારે એમાંથી મોટી ગૌશાળા બની છે. નાના દવાખાનામાંથી મોટી ઇસ્પિતાલ બની છે. નાનકડી બાળકોની શાળામાંથી મોટુ સુંદર વિદ્યાલય બન્યું છે. હું ૯૪ વર્ષની ઉંમરે બેઠાં બેઠાં બાપુએ ચીંધેલ રેંટિયા ઉપર રોજની દોઢ-બે આંટી કાંતી રામનામનો ગુંજારવ કરું છું. જીવનમાં સંપૂર્ણ શાંતિ છે, સ્વસ્થતા છે, એ બાપુએ મને જે નવજીવન આપ્યું તેના પ્રતાપે છે.