તેણે રિક્ષાને એ સ્થાનથી થોડે દૂર ઊભી રખાવી હતી. પૈસા ચૂકવીને શાંતિથી ઊતરી હતી. મનમાં અજંપો હતો. ગડમથલ ચાલી હતી. દર વખતે આમ જ થતું. બધા જ વિચારો - આ યોગ્ય ગણાય કે અયોગ્ય, ફસાઈ તો નહીં જ જાય ને ક્યાંય - ઘેરી વળતા હતાં તેને. માંડ જાતને તૈયાર કરે ને ગંતવ્યસ્થાન ભણી સાવધ બનીને પગલાં ભરે. આ સાવધ રહેવાનું કુન્દામાસીએ શીખવ્યું હતું. કોઈને કશું પૂછવાનું નહીં. જોકે સતિયા સાથે મોકલાવેલી વિગતો ચોક્કસ જ હોય. ચૉકથી મકાન સુધીનો દિશાનિર્દેશ, નિશાનીઓ અને નામો, બત્તીનો કયો થાંભલો, એ ઘરની ડેલીનું વર્ણન-એ બધું જ હોય. અને મિસકૉલ ક્યારે કરવો એ પણ લખ્યું જ હોય. ના, કશી વાતચીત ના કરવી. અને એ પુરુષનું સામાન્ય વર્ણન પણ ખરું. પહેલી વરદી વખતે તો તેની હાલત ખરાબ હતી. એમ થયું હતું કે પાછી ચાલી જાય. કુન્દામાસીએ છેક બારણા સુધી સૂચનાઓ આપે રાખી હતી. એમ જ માનજે કે તું કુન્દામાસીનું કામ કરી રહી હતી. પહેલી વાર જરા લાગે પણ પછી તો રમતવાત થઈ જાય. આપણાં દુઃખ કોણ લઈ લેવાનું હતું? બે ડગ ભર અને બધી જ યાતનાઓનો અંત. જે પુરુષને હોંશથી પરણી એ તો છોડીને, હતા એ દાગીના લઈને ચાલી ગયો હતો. તપાસ, પ્રતિક્ષા-બધું જ વ્યર્થ ગયું હતું. એક સંસ્થા તરફથી સિલાઈ મશીન મળ્યું. પહેલાં એ જ કરતી હતી, દૂરની કાકીને ત્યાં. સવારથી રાત સુધી શ્રમ કરતી હતી તો પણ કાકીને સંતોષ નહોતો. કજરી એટલે તો પરણી ગઈ હતી, પણ છેતરાઈ હતી. શું કહ્યું હતું મકાનમાલિકે? તેને ચડતર ભાડું વસૂલવું હતું, કોઈ પણ રીતે. દુઃખ ઓળખી ગઈ પાસેની સ્ત્રી. ખભે હાથ મૂક્યો. ત્રુટક ત્રુટક શબ્દોમાં વાત કહેવાઈ. થોડીક લીલી નોટો નીકળી પર્સમાંથી. છેલ્લે કહેવાયું: ‘મળજે આ જ સ્થળે, આવતી કાલે. હા.. સમય પણ આ જ. આપણે બીજી વાતો કરીશું. મરવું છે શા માટે? જીવવાનું ખુમારીથી. મારી પાસે રસ્તો છે!’ કજરીએ ચરણસ્પર્શ કર્યાં તે સ્ત્રીના. બીજી સાંજે કુન્દામાસીને મળી તે નવી જ કજરી હતી. જો સાંભળ, સાચો પ્રેમ ક્યાંય નથી હોતો. બસ, પ્રેમના નામે લૂંટાવાનું જ હોય છે. સ્ત્રીઓએ. જાગી જા, કજરી. હવે એ પુરુષોને લૂંટવાના છે, ખુશ કરીને, તારા પેલા સાથે શું કરતી હતી? એમાં તે તારો માલિક હતો. આમાં તું તારી માલિક. નક્કી કરેલા સમયે તેને ખુશ કરવાનો. ને કેટલા પૈસા મળે, ખબર છે? સુખી થઈ જઈશ કજરી. પછી આદત પડી જશેેેેેેેેેેેે. ક્યાં સાચો પ્રેમ કરવાનો છે? નાટક જ...! તે માની ગઈ હતી. કુન્દામાસીનાં ફરી ચરણસ્પર્શ કર્યાં હતાં. ‘જો કજરી... સતિયો સવારે આવશે. કાગળમાં બધી જ સૂચના હશે. આ લોકો મને કુન્દામાસી કહે છે.’ સાવ આખરની સૂચના.
(ર)
આ પંદરમી વરદી હતી. સતિયો આ ભાષા જ બોલતો હતો. તેને થયું હતું કે આવી તો કેટલીયે કજરીઓ હશે કુન્દામાસી પાસે. ચિઠ્ઠીમાં માત્ર સૂચનાઓ જ હોય. કજરીનું નામ કે તેમનું નામ- કશું જ ના હોય. પણ નિયમિત કેટલાં? વરદી પતાવીને જરા આળોટતી હોય પગંલમાં ત્યાં જ સતિયો હાજર થઈ જાય લીલી નોટો લઈને. નવી વરદીની વિગતો પણ હોય. તરત પૈસા! ને નોટોને વ્હાલ કરે, હોઠે ને આંખે અડાડે. કૅલેન્ડરમાં હતા એ ભગવાનને અડાડે. ને બધા જ વિષાદો, થાકોડાં, કટુ-અનુભવો વિસારે પડી જાય- એક ઝાટકે. તે પૂછે ચા પિવરાવવાનું ને સતિયો ના જ ભાણે. તરત ચાલતી જ પકડે. બીજેય પહોંચવાનું હોય ને? તે અનુમાન કરતી. ખૂણામાં પડેલાં અડાયાં છાણાં જેવાં સિલાઈ મશીન પ્રતિ જોઈ રહેતી હતી, અતીત જોતી હોય તેમ! શું કહેતી હશે પાડોશની સ્ત્રીઓ? ક્યાં પૂરા પૈસા આપતી હતી, સિલાઈકામના? હજી કેટલીક પાસે માગતી હતી. છો... જે બોલવું હોય તે બોલે. છો થૂંક ઉડાડે. સ્ત્રી બીજી સ્ત્રીની નિંદા કરે એ ક્યાં નવી વાત હતી? ચારિત્રના જ ધજાગરા બાંધે? સ્ત્રી કેટલી સસ્તી હતી? કજરી હસી પડતી. આટલા સમયમાં તેનો છોછ જતો રહ્યો હતો. તે પાવરધી થઈ ગઈ હતી. સાવ ખોટું હસી શકતી હતી. સામેના પુરુષના મનોભાવ તરત જાણી શકતી હતી, ને ભાગ્યે જ ખોટી પડતી હતી. તેણે લીલી ડેલી પર હળવેથી બે ટકોરા માર્યા હતા. આસપાસના વિસ્તારમાં શાંતિ હતી. બંધ બારીઓમાં ઉજાસ હતો. ગલીની બત્તીઓ પ્રકાશ ફેલાવતી હતી. પવન પડી ગયો હતો. ડોકાબારી અરધી ખૂલી. એક પુરુષ આકાર કળાયો. શબ્દો પણ સંભળાયા: ‘હળવેથી... આવી જા. માથું જરા નમાવવું પડશે. અજાણ્યું છે, ખરું ને?’ કજરીને કાન પર વિશ્વાસ ના રહ્યો. શું સાંભળી રહી હતી? આવી સૌમ્ય ભાષા? ક્યારેય સાંભળી નો’તી. શું કહેતા હતા પુરુષો, ઉતાવળે બારણું ખોલતાં? ‘મોડી પડી તું તો? સાત મિનિટ? સાત મિનિટ વધારે આપવી પડશે, શું સમજી? વસૂલ કરી જ લઈશ એ તો!’ ‘વાહ, છું તો માફકસર? જમાવવું છે ને? રાહ જોતો જ બેઠો છું.’ ‘ના ચાલે મારે. સ્ત્રી તો જોઈએ જ. એટલે તો તને બોલાવી. બસ... હવે કર સપાટો.’ પહેલાં તો તે ગભરાઈ જાતી. પ્રથમ ગ્રાસે મક્ષિકા-એવું જ અનુભવતી, કેવી રીતે આને... સંભાળવો? પછી પાછું બધું જ આવડી ગયું હતું. તે નર્યો અભિનય કરતી. તે આ કરે ને તે તરત બીજી કળા અજમાવે. ‘વાહ, તું તો છું બત્રીસલક્ષણી’ પુરુષની ખુશી ઓળખાતી. છાની દૃષ્ટિ ઘડિયાળના ડાયલ પર રહેતી. બજારું, રસિક ને ક્યારેક ગંદા શબ્દોપ્રયોગો પણ થાય, ક્યારેક તો તે એક ચીજ બની જાય હસતાં હસતાં. સમયમર્યાદા થાય ને ત્વરાથી ઊભી થઈ જાય, હસીને રમત સ્થગિત કરી દે. ને પેલાનેય ડર તો હોય માસીનો. તે ડર બતાવતી.
(૩)
તે ડોકાબારીમાંથી પ્રવેશી ને એ વસાઈ ગઈ. પછી છેક પ્રભાતે ખૂલવાની હતી. જવાની જ હતી ને? તે અકારણ હસી પડી હતી. બધે આમ જ બનતું હતું. સવાર લગી આનો જ પનારો? ફળિયામાં આછો પ્રકાશ હતો. પાકું ફળિયું હતું. એક તરફ પાણીની ટાંકી, નળની ચકલીઓ, બે-ત્રણ બાલદીઓ, કપડાં ધોવાનું ધોકણું અવ્યવસ્થિત દશામાં પડ્યાં હતાં... બે પુરુષ-વસ્ત્રો વળલણી પર સુકાતાં હતાં. તુલસીના કૂંડાની માટી સૂકી હતી. કોણે સિંચ્યું હોય પાણી? ઘરમાં ગૃહિણી હોય તો ને? અરે, એ કારણે તો તે અહીં આવી હતી, ખાલી અભાવ પૂરવા! પેલો પુરુષ તેને દોરી રહ્યો હતો: ‘આ પગથિયાં છે. જરા સાચવીને.’ તે ફરી હસી: ‘શું સાચવવાનું હતું વળી?’ તે શું કશું સાચવવા આવી હતી? પહેલી વરદીઓમાં તે ક્ષોભ અનુભવતી, જાતની ઘૃણા કરી બેસતી પણ પછી તો ટેવાઈ ગઈ હતી. આ તો. ગિવ ઍન્ડ ટૅઈક જ હતું. ખોટા ભાવુક નહીં થવાનું. દરેક પુરુષ પરપુરુષ જ હોય ને? આને તો માસીનો ડર પણ બતાવી શકાય. પરણી હતી એ પુરુષે પણ તેનું શું કર્યું હતું? આમાં તો કુન્દામાસી વચ્ચે હતાં. અને પુરુષજાત તો ખરી ને? કરેય પુરુષપણું! થોડી પીડા પણ થાય. એ લોક પણ પૈસા વસૂલ કરેજ ને? આ ભલે સારું સારું બોલે પણ એય..! ઓસરીમાં જ પાણિયારું હતું. એક ભીંત પર કારમાં પૌરાણિક પ્રસંગોના રંગીન ફોટાઓ હતા. રવિ વર્માએ દોરેલા. દ્રૌપદીનું ચીરહરણ, સીતાનું અપહરણ... અને..! શોખીન લાગી ગૃહિણી. બહારગામ ગઈ હશે? કલાત્મક હીંચકો પણ હતો મધ્યભાગમાં. પછી વચલો ખંડ ને એ પછી એ લોકોનો શયનખંડ. પેલી સૂતી હશે ત્યાં જ તેણે સૂવાનું હશે! દરમિયાન, પુરુષનું અવલોકન પણ થઈ ગયું હતું. ભરતકામવાળો ઝભ્ભો, પાયજામો, વ્યવસ્થિત ઓળેલા વાળ અને વસ્ત્રો પર સેન્ટનો છંટકાવ. આવું તો એકાદ અપવાદ સિવાય બધાંએ કરેલું. પલંગ પર બેસતાં, બેસતાં. આગલાં સ્થાનો યાદ આવી ગયાં, ક્યાંક સાંકડી જગા, તો ક્યાંક... પંખાની ઘરઘરાટી અને ક્યાંક વળી લાઈટની લબૂકઝબૂક. પુરુષો પણ અલગ અલગ; મૂછો, ક્લીન-શૅવ, ચશ્માં, અધીરાઈ, ઉન્માદ-બધું જ મળ્યું હતું અનુભવમાં. પછી તો નરી ગમ્મત થતી. રસવૃત્તિ જાગી જતી કજરીને. અણગમા પણ જાગતા. સંબોધનો પણ જાતજાતમાં; રસિક, બજારું ને ક્યારેક સાવ... નિમ્ન, ગાળ સરખાં. પણ વૃત્તિ તો એક જ રહેતી એ દરેકની. બસ, ચૂસી લેવી આવે! પાછું તગડું કવર દેખાતું જે બીજી સવારે જ સતિયો લાવવાનો હતો. જિંદગી કેવી બદલાઈ ગઈ હતી? મોજથી જિવાતું હતું. ક્યાં અભાવ સહેવો પડતો હતો? ને વરદી પણ ક્યાં રોજ રોજ હોય? ના હોય ત્યારે પ્રશ્ન થતો કે કેમ ના દેખાયો સતિયો!
(૪)
તે બેસી ગઈ પલંગમાં. ઠીક ઠીક સજાવ્યો હતો તેણે. નવો ઓછાડ હતો પણ ઓશીકાનાં કવર જૂનાં હતાં. નહીં શોધી શક્યો હોય તે. પેલીએ જ સાચવીને મૂક્યાં હશે. પલંગ પાસે ટિપાઈ ને ટિપાઈ પર શરબત બનાવવાની સામગ્રીઓ; શરબતનો શીશો, દૂધ, પ્યાલીઓ ને ચમચીઓ ને બરફના ક્યૂબ પણ. હસવું આવી ગયું કજરીને: ‘શું તેની આગતા-સ્વાગતા કરશે આ પુરુષ? તૈયારી તો એવી જ હતી. ને આવું તો ક્યાંય બન્યું નહોતું. અરે, તે તેને હજી સ્પર્શ્યો પણ ક્યાં હતો? ભલો ખરો પણ સાથે બિન-અનુભવી પણ ખરો જ. અત્યાર સુધીમાં તો ક્યાંય પહોંચી જવાયું હોય! જોકે ગમ્યો તે. કોમળ પુરુષ! નવો શબ્દ સૂઝી આવ્યો.’ અચાનક તે જ બોલી ઊઠી: ‘જુઓ, શરબત તો હું જ બનાવીશ. ફક્કડ બનાવું છું.’ પેલા પુરુષની પ્રસન્નતા વંચાણી. કદાચ તે આ ઇચ્છતો હતો. કજરી ઊભી થઈ ને તે બેસી ગયો. એ દરમિયાન બંને અથડાયાં પણ ખરાં. કજરી બોલી: ‘અરે, એવું શરબત બનીવીશ કે તમે આ કજરીનાં આંગળાં...’ ને તે મોટેથી હસી પડ્યો. ગમી ગઈ કજરી. ‘આંગળાં...?’ તે મોટેથી બોલ્યો. કપાળની ભૃકુટી તણાઈ. ‘તો શું આખે આખી ખાઈ જવી છે? પછી શું કરશો, પૈસા વસૂલવાનું?’ કજરી હસી પડી. તે શરબત બનાવતી હતી ને પેલો તેને નીરખી રહ્યો હતો. અરે, પી રહ્યો હતો, ઘૂંટડે ઘૂંટડે! કજરી ચાહીને દબાઈ રહી હતી તેને. જાણે તેને આમ કરવું ગમતું હતું; કદાચ, પહેલી જ વાર આવી લાગણી થતી હતી. કારણ તો તે પણ જાણતી નહોતી. બસ, ગમ્મત થતી હતી. નવી જ અનુભૂતિઓ હતી. આવું ક્યારેય થયું હતું ખરું? કેટલાં પુરુષોને અનુભવ્યા? તેને બધું યાદ આવી ગયું. કેટલા ભાર નીચે દટાઈ જતી હતી? એમાંથી બહાર આવવા માટે કેટલા ઉધામાં કરવા પડતા? અરે, આમાં ક્યાં કશું હતું? બસ, ગિવ ઍન્ડ ટૅઈક! બધે આ જ થતું હતું ને? તે ક્યાં નવું કરી રહી હતી? સંસારની બધી જ સ્ત્રીઓ-માદાઓ આમ જ...! કજરી, કશું અસામાન્ય નથી. તગડું વળતર મળવાનું જ હતું. કુન્દામાસી ભારે ચોક્કસ...! બીજી સવારે જ કવર લઈને પેલો હાજર. વિચાર આવ્યો કે આણે શું શરબત પિવડાવવા જ બોલાવી હશે? આટલા સમયમાં કેટલો ફાસલો કપાઈ ગયો હોય? તેને હાંફ ચડી ગયો. ચમચી વતી શરબત ચાખ્યું પણ ખરું ને બોલી: ‘ફક્કડ બન્યું છે.’ પાછું ઉમેર્યું: ‘અદલ-તમારી કજરી જેવું.’
(૫)
આ પછી જે કાંઈ બન્યું એ આમ તો બનવાજોગ હતું. પણ તફાવત શો હતો? આમાં અનરાધાર અષાઢ વરસ્યો હતો, શ્રાવણની કુમાશ પણ હતી અને પોષના તડકાની હૂંફ પણ હતી. કોમળ સા-થી છેક તીવ્ર સા સુધી પહોંચાયું હતું, લય સાથે, મૃદંગ પર હળવી થાપી પડતી હતી પણ એ આઘાત રોમ રોમ પ્રસન્નતા જગવતો હતો. ને સાથે શબ્દોલય: કજરી, તેં જ આ ઉન્માદ જગાડ્યો. તેં જ સુપ્ત સરવાણીને વહેતી કરી. તેં જ... ! શરીર, મન બધું જ તદ્રૂપ બની ગયું હતું. એકલય ને એકાકાર. એમ લાગ્યું કે આ પુરુષને તો તે વર્ષોથી ઓળખતી હતી. જાણે પોતાનો જ પુરુષ! તે ખુદ તેના નિયંત્રણમાં ક્યાં હતી? સમય થીજી ગયો હતો. શરબતની પ્યાલીઓ અણબોટ પડી હતી, ટિપાઈ પર. લો, તમને બામ ચોળી આપું. ક્યાં દુઃખે છે? તેણે પ્રેમોપચાર આદર્યા હતા. થયું કે આ સમય સતત વહ્યા જ કરે, ક્યારેય અટકે નહીં. પણ સવાર તો આવી જ. ખાસ્સો અજવાસ પ્રવેશ્યો બારીમાંથી. ઘડિયાળમાં જોવાયું, ખિન્નતાથી. કજરી ઉદાસ થઈ ગઈ. એ પુરુષ બોલ્યો: ‘તે આવવાની છે, નવની બસમાં. કદાચ વહેલી બસ મળે તો...’ કજરી ઊભી થઈ, જવું પડ્યંુ. શરબતની પ્યાલીઓ બેસિનમાં ઢોળાઈ. ઓછાડ નવેસરથી બિછાવાયો. શરબતની સામગ્રીઓ પૂર્વવત્ ગોઠવાઈ. વિદાય વખતે કશું જ ના બોલાયું. તે આગળ હતી ને એ પુરુષ પાછળ. બધું જ યાદ આવી ગયું, તે આવી હતી ત્યારથી. કેટલું પામી હતી આ સમયમાં? તેણે નક્કી કરી નાખ્યું કે તે એકાદ કડવાચોથ જરૂર મનાવશે આ પુરુષ માટે. તે આ સમયમાં જીવશે ને આ સમયમાં તેનામાં.
⚬❖⚬❖⚬❖⚬❖⚬