રામચન્દ્ર પટેલની કવિતા/ફરી મને

Revision as of 02:38, 10 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફરી મને

અજાણ્યા રસ્તામાં ઘડીકપળ બે આપણ મળી
ગયાં તો આંખોનાં તળ-અતળ તોડી કમળનાં
ચઢ્યાં મોજાં, ખીલ્યાં વદન પર ઘી ઝાંય ઝમતાં
કસૂંબી કેશૂ-શી કુમકુમ છવાઈ ગઈ પથે–
પછી તારા-મારા બિચ ડમરી વૈશાખની ચગી,

ઝગ્યા થાપા, મેંદીનું ઝરણ વહ્યું એક તરફી
ગયું ચોરીએથી કર પકડી, કોઈ ચળકીને
ત્યજી દીધી ડેલી, સગપણ બળ્યું રામદીવડે...

ઘણા દા’ડે દેખ્યું કૃશ શરીર તારું : નયન બે
થયાં માટી-કૂંડાં, સમથલ કપાળે ન ટિલડી.
ગળું ખાલી, ના કંકણ કર પરે, દામણી નહીં
શિરે, ને છાતી તો સરવર સુકાયેલું રણમાં-

ધરા ધ્રૂજે પ્હેલાં જમીનની ઉપાડી ધૂળ વડે
કરું દીવો : જો સેંથીનું ફરી મને ખેતર જડે.