અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ જાની/આવડા ઉરની (આવડું ઉર!)

From Ekatra Wiki
Revision as of 08:10, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
આવડા ઉરની (આવડું ઉર!)

રમેશ જાની

આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
         કોક સમે એના આભમાં પેલું
                  જાગતું ઘેલું
         રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
         રાચતું રાગે
         હસતું પારિજાત! — આવડા.

કોક સમે એના સાદમાં ઝીણા
         સૂરથી વીણા
         ગુંજતી ર્‌હે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
         મોરલો ગ્હેકે
         પાડતો મીઠી ભાત! — આવડા.

કોક સમે એના ગાનમાં ઘેરો
         સાગર કેરો
         ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
         જલતા રાને
         ધીખતો ઝંઝાવાત! — આવડા.