અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/મઝધારે મુલાકાત

Revision as of 09:31, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
મઝધારે મુલાકાત

હરીન્દ્ર દવે

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
         એનું ઢૂંકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
         હજી આદરી અધૂરી મારી વાત.

વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું ક્‌હેણ નાખું વાલ્યમા,

         ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
                  એને મોરલીને સૂર કરું મ્હાત;
         રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
                  એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
         મારા કિનાર રહો દૂર ને સુદૂર,
                  રહો મઝધારે મારી મુલાકાત,
         રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
                  એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬)