સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/સાત પદ્યરૂપકો
આ નાની પુસ્તિકામાં સાત પ્રસંગકાવ્યોનો સંગ્રહ છે. આને કથાકાવ્યો કહી શકાય તેમ નથી, કેમકે એનાં વસ્તુમાં ‘કથા’ જેવું કશું જ નથી, તેમ વળી એમાં કથન પણ ખાસ નથી. એટલે આ પ્રસંગકાવ્યો જ છે. આપણી પ્રાચીન અનુશ્રુતિ (tradition)માંથી સાત જુદા જુદા પ્રસંગો લઈને, એ પ્રસંગોની પછવાડે રહેલાં રહસ્યને શોધવાની બુદ્ધિથી આ સાત કાવ્યો રચાયાં છે, તેથી આને પ્રસંગકાવ્યો કહેવાય. એ સાતે પ્રસંગકાવ્યો છે, તેમ એ સાતે સંવાદકાવ્યો પણ છે. સાતેસાત કાવ્યોમાં જુદાં જુદાં પાત્રો વચ્ચે સંવાદ ગોઠવાયો છે; કવિ પોતે સીધી રીતે, પોતાનું વક્તવ્ય ક્યાંય પણ રજૂ કરતા નથી. એમનું વક્તવ્ય પાત્રોના સંવાદોદ્વારા જ વિકસે છે એટલે આને સંવાદકાવ્ય કહેવાય. પરંતુ આ કાવ્યોનું ઉપરનું વર્ણન જરા શિથિલ છે. ખરી રીતે તો આ બધાં જ પ્રધાનતયા એકાંકી પદ્યરૂપકો (one-act poetical plays) છે. એટલે આ કાવ્યોના ગુણદોષ સમજવાને માટે, એને આપણે પદ્યરૂપકો તરીકે મૂલવવા જોઈએ. પહેલાં વસ્તુ લઈએઃ પહેલાં ત્રણ કાવ્યોમાં વસ્તુ મહાભારતમાંથી લીધું છે. પહેલાં કાવ્ય ‘કર્ણ-કુષ્ણ’માં કૃષ્ણ કર્ણને ‘તું પણ પાંડવ છો, માટે પાંડવો સાથે ભળી જા’ એમ સમજાવે છે તે પ્રસંગનું ચિત્રણ છે. વિષ્ટિનો પ્રસંગ પૂરો થયા પછી, કૃષ્ણ કર્ણને પોતાના જ રથમાં બેસાડીને લઈ જાય છે. રસ્તામાં બન્ને વચ્ચે વાતચીત થાય છે તેને આ કાવ્યમાં કવિએ મૂર્ત કરી છે, તેથી આ કાવ્ય સંવાદપ્રધાન રૂપક છેઃ પ્રસંગ જેવું એમાં કંઈ નથી. આ આખાં કાવ્યમાં જે કંઈ વૈચિત્ર્ય છે તે એના સંવાદથી જ ઉપજે છે. કર્ણની અનિચ્છા છતાં કૃષ્ણ એને પોતાના રથમાં બેસારીને લઈ જાય છે, તેથી ‘હવે રથ થોભાવો, હું ઊતરી જાઉં’ એવાં કર્ણનાં વચનથી કાવ્યનો આરમ્ભ થાય છે. એના ઉત્તરમાં કવિએ, જેને એક જાતનું પતાકાસ્થાન ગણી શકાય તેવી સંવાદ યોજના કરીને ‘ધર્મરાજ જ ચક્રવર્તી મહારાજાધિરાજ છે’ એમ સૂચિત કર્યું છે તે સંવાદવૈચિત્ર્યની દૃષ્ટિએ આસ્વાદ્ય છે. એ ઉત્તરમાં કૃષ્ણ કર્ણને ‘તું કુન્તીજાયો પાટવી પુત્ર કર્ણ’ છો એમ કહે છે. એનો ઉત્તર વાંચનારે સ્વપ્નમાં પણ ધાર્યો હોય તેવો કર્ણ આપે છે, તેથી સંવાદગુંથણીની દૃષ્ટિએ એક પ્રકારનું સોત્સાહ કુતૂહલ જાગે છે. એ ઉત્તરમાં કર્ણ કહે છે, ‘હું કુન્તીપુત્ર છું તે હું જાણું જ છું.’ અને કવિ કર્ણનાં સંભાષણ દ્વારા કહે છે કે જ્યારે શિષ્યોની યુદ્ધકળાપરીક્ષા માટેની સભામાં કર્ણને કૃપાચાર્યે ગોત્ર પૂછ્યું અને કર્ણ હીન કુલનો છે એમ જાહેર થયું ત્યારે કર્ણને કુન્તીનાં ચક્ષુમાં માતૃપ્રેમ દેખાયો હતો. એ વખતે તો સંપ્રજ્ઞાત રીતે એ પોતાની માતા છે એમ સમજી શક્યો નહોતો, પણ કૃષ્ણે કહ્યું ત્યારે એને એ ચક્ષુઓ યાદ આવ્યા અને એ તરત સમજી ગયો કે પોતે કુન્તીનો પુત્ર છે અને પોતાના જન્મની ગાથા તે કલંકગાથા છે. સંભવની દૃષ્ટિએ, કર્ણ આવી રીતે અનુમાન કરીને પોતાના જન્મની બધી હકીકત સમજી શકે એ વાત મને જરા દૂરાકૃષ્ટ લાગે છે. કવિ પોતે કરેલી કલ્પનાના તેજમાં અંજાઈ ગયા દેખાય છે. અને તેથી આ દુરાકૃષ્ટતાનો દોષ આવી ગયો જણાય છે. પછી કૃષ્ણને પાંડવો તરફથી આવી જવા અનેક રીતે સમજાવે છે, પણ કર્મ દૃઢ રહે છે. પાંડવ તરફ ન ભળવાનાં કર્ણને બે કારણો છે. માતાએ બાળપણથી જ એનું અહિત કર્યું છે તે એક કારણ, બીજું કારણ કવિ આમ વ્યક્ત કરે છે :
સમષ્ટિમાં જે સહુ જન્મહીણાં
જીવે, વળી ભાવિ વિષેય જીવશે,
એ સર્વનાં જન્મકલંક કેરો
અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી. ૨૫૪-૭
નીચઉચ્ચ કુળનો ભેદ ટાળવા કર્ણ પાંડવો સાથે લડી લેવા માગે છે એવી કલ્પના કવિએ કરી છે. એ મૂળ મહાભારતની કલ્પના નથી, અને કર્ણે સંપ્રજ્ઞાત રીતે એવી દલીલ મહાભારતમાં ક્યાંય કરી નથી. છતાં મહાભારતમાં થએલાં કર્ણનાં ચારિત્ર્નિરૂપણથી એ સૂચવાય છે જરૂર. નીચ-ઉચ્ચ કુળના ભેદનો પ્રશ્ન મહાભારતકાર સામે ઊભો હતો અને એનો નિકાલ એણે કર્ણનાં પાત્રથી સૂચવ્યો હોય તો તે બહુ સંભવિત છે. એટલે, એ જાતની દલીલ આ કવિએ અહીં વાપરી છે તેમાં, એ દૃષ્ટિએ, અજુગતું કંઈ ન ગણાય. માત્ર એ દલીલ કર્ણનાં મોંમાં મૂકી છે, તેમાં મને થોડું અનૌચિત્ય જણાય છે. કવિએ પોતે, પોતાના શબ્દોમાં આવી દલીલ વાપરી હોત તો એ મહાભારતના આ પ્રસંગનું અર્થઘટન (interpretation) છે એ દૃષ્ટિએ આવકાર્ય બનત. પણ કવિએ આને સંવાદકાવ્ય બનાવ્યું છે તેથી પોતાનું અર્થઘટન પણ એ પાત્રનાં મુખથી કરાવે છે; અને તેથી કવિનાં મન્તવ્યો પાત્રનાં સંપ્રજ્ઞાત મન્તવ્યો બની જાય છે એટલા પૂરતું મને આ વિષયમાં અનૌચિત્ય જણાય છે. છેવટે, એક બાબત તરફ લક્ષ દોરવાનું રહે છે. કર્ણ માનતો નથી તેથી અન્તે કર્ણ અને કૃષ્ણ છૂટા પડે છે; કર્ણ રથમાંથી ઊતરે છે અને પછી બોલે છે:
જાઉં હવે... કૃષ્ણ, જુઓ જુઓ તો
ધરી થકી ચક્ર પડી જુદો, સરે
જુદે જુદે માર્ગ અને વિભિન્ન
અપંગ ઊભે રથ થંભી જેમ,
એવો સર્યે આપણ ભિન્ન માર્ગે
થંભી ઊભો ભારતનો મહારથ
શે! ખોટકાઈ અહીં કારમો ! ૩૦૩-૯
આ વચનોનું ઔચિત્ય કે ધ્વનિ મને સમજાતો નથી. પોતે લીધેલાં પગલાંથી ભારતનો રથ ખોટકાઈ જશે એટલે ભારતનો વિકાસ અટકી પડખે એમ કર્ણ જાણે છે છતાં, પોતે આવો નિશ્ચય કરે છે એમ નિરૂપવાથી કર્ણનાં પાત્રની મહત્તા વધે છે કે ઘટે છે? કે પછી કર્ણનાં આ વચનો એનાં મોંમાં મૂકવામાં કવિને કોઈ બીજો ભાવાર્થ ઉદ્દિષ્ટ હશે? બીજું કાવ્ય ‘૧૯માં દિવસનું પ્રભાત’ નામે છે, અઢાર દિવસ સુધી સતત યુદ્ધ ચાલ્યા પછી જે સંહાર થયો તેનાં દૃશ્ય વિશે, ૧૯મા દિવસે પ્રભાતે યુધિષ્ઠિર રથમાં બેસીને શિબિરે આવે છે ત્યારે રસ્તામાં સૂત અને એની વચ્ચે જે સંવાદ થાય છે તેનાથી આ કાવ્યનો આરમ્ભ થાય છે, શિબિરે આવતાં, રાતમાં અશ્વત્થામાએ વાળેલા કચ્ચરઘાણનું દૃષ્ય સૂત યુધિષ્ઠિરને બતાવે છે અને ધુષ્ટદ્યુમ્ન વગેરે પાંચાલોને અશ્વત્થામાએ કેમ માર્યા તે વર્ણવે છે. પછી દ્રૌપદી ત્યાં આવે છે અને પોતાના પાંચ પુત્રોને મરેલા જોઈને બોલી ઊઠે છે.
રે નૃપ, સાથ મારી
સિંહાસને બેસી જશો વિસારી
સ્હેજે તમે તો મૃતપુત્ર પંચ
ડૂબી જશો રાજ્યતણે પ્રપંચ.
હું માત્ર નારી, વળી તે ય માતા,
મારા રૂઝાશે ક્યમ ઘાવ તાતા? ૧૮૯-૯૪
અને પછી એજ રીતે એ અર્જુનને પણ કટાક્ષથી ‘સંભળાવે’ છે. મહાભારતમાં દ્રૌપદીને પોતાના હક્કો માટે લડતી, અતિ કુશાગ્ર મેઘાચમકારાનો આવિષ્કાર કરતી અને સમય આવ્યે ઉગ્ર કટુતા વાપરતી ચિતરી છે, તેમ વળી પોતાના પાંચે પુત્રોનો આમ અણધાર્યો નાશ થયો દેખીને અત્યુગ્ર આવેશનો જુવાળ એના મનમાં સહજ રીતે આવે જ, એ બન્ને વાતોને લક્ષમાં રાખવા છતાં દ્રૌપદીનાં ચારિત્ર્યમાં ઉપરનાં વચનોથી જે અનુદારતા અને સંકુચિતતા આવી ગઈ છે તે, મને તો અનુચિત જણાય છે. કૃષ્ણ ઉપરનો આરોપ, એ અતિ કુટિલમતિ રાજનીતિજ્ઞને માટે યોગ્ય ગણીએ તો પણ, યુધિષ્ઠિર અને અર્જુનને જે વચનો, ક્રોધાંધ દ્રૌપદી અહીં સંભળાવે છે તે અયોગ્ય જ છે, એના ચારિત્ર્યનો અપકર્ષ કરનારાં જ છે એમ લાગે છેઃ ખાસ તો એટલા માટે કે એને મળતાં વચનો મૂળ મહાભારત ગ્રન્થમાં જ નથી. પછી, કુન્તી ગાંધારી આદિ સ્વજનો આવે છે અને એ બધાં વચ્ચે સંવાદ ચાલે છે. આ સંવાદમાં પણ, ગાંધારીનાં મોંમાં મૂકેલાં બે વચનો (પંક્તિ, ૨૪૫ અને ૨૭૧-૨) એનાં ચારિત્ર્ય સાથે અસંગત લાગે છે. એ વચનોમાં રહેલી દીનતા અથવા તો ઉત્કટ કટાક્ષ એ બન્ને સ્થળોએ અનુચિત લાગે છે. અન્તે ગાંધારી દ્રૌપદીને આશ્વાસ આપે છે કે, ‘સમાન દુઃખી ઉભયે’ છીએઃ અને કવિના મતે આ કાવ્યનું મુખ્ય રહસ્ય પણ એ જ છે. ત્રીજું કાવ્ય ‘ગાંધારી’ નામે છે. ગાંધારી કૃષ્ણની સાથે યુદ્ધભૂમિ ઉપર આવે છે, ત્યારે દિવ્યચક્ષુથી ગાંધારી જે દૃશ્ય જુવે છે તેનું અને અન્તે ગાંધારી કૃષ્ણને જે શાપ આપે છે તેનું મહાભારતનુસાર નિરૂપણ આમાં સંવાદદ્વારા થયું છે. દિવ્યચક્ષુ મળતાં ગાંધારી રણભૂમિનું હૃદયદ્રાવક ચિત્ર જુવે છે. અનેક યુવાન સ્ત્રીઓ મૃત પતિ માટે વિલાપ કરે છે તેના અવાજો ગાંધારી સાંભળે છે અને એનું હૃદય દ્રવી ઊઠે છે. દુર્યોધનની પત્ની ભાનુમતી, કર્ણની માતા રાધા અને અભિમન્યુની પત્ની ઉત્તરાના વિલાપો આવ્યા પછી કવિ રણભૂમિ ઉપર પડેલાં શબોનું વર્ણન કરે છે.
ટોચે ચખોને શકરો! મુરારિ!
ને કર્ણતેજોવધ સાધનારી
જિહ્વા જુઓ શલ્યની કાગ ખેંચે
લૈ ઝુંટીને ગૃધ્રનું જૂથ વ્હેંચે.
અહીં શકુનિનાં શબની આંખો શકરો ટોચે છે અને શલ્યનાં શબની જીભ માટે કાગડો અને ગીધ લડે છે એમ નિરૂપ્યું છે. મૂળ મહાભારતમાં પણ એવું જ વર્ણન છે. છતાં આ વર્ણનમાં મને અનૌચિત્ય લાગે છે. મરી ગએલા વીરોના શબોને લાંબા કાળ સુધી રણભૂમિ ઉપર એમ ને એમ પડ્યાં રહેવા દેતા અને તે પણ જરાય રક્ષા વગર એ વાત મનાય તેમ નથી. રણમાં મરેલા વીરોનો, ખાસ કરીને રાજામહારાજઓનો અગ્નિસંસ્કાર મોડો કરતા એમ ગણીએ૧[2] તો પણ, પશુપંખી એના દેહને ચૂંથી નાંખે ત્યાં સુધી પણ એનું કોઈ રક્ષણ ન કરતું એમ કેમ મનાય? મને તો લાગે છે કે કોઈ અત્યુત્સાહી લેખકે મહાભારતમાં આ વીગતો ઊમેરી દીધી છે અને એનું અ-વિવેકી અનુકરણ આપણા કવિથી અહીં થઈ ગયું છે. પરંતુ આ મર્મઘાતી દૃશ્યથી ગાંધારીની અનુકમ્પા અને અન્તે કોપ ભભૂકી ઊઠે છે. અને પરિણામે આવેશમાં જ એ કૃષ્ણને શાપ આપે છે કે તમારા વૃષ્ણીકુળનો પણ આમ જ નાશ થશે. કૃષ્ણને ગાંધારીએ શાપ આપ્યો અને કૃષ્ણે હસીને તેનો સ્વીકાર કર્યો એ હકીકત મૂળ મહાભારતમાં છે; અને આપણા કવિ, યોગ્ય રીતે જ એને કાવ્યન્યાયનું પ્રતીક સમજે છે. એનો આ શાપ અને તેથી વધારે અહિત થતું અટક્યું છે તે આ કાવ્યનું મુખ્ય રહસ્ય છે. ચોથું કાવ્ય ‘બાલ રાહુલ’ નામે છે. એમાં બુદ્ધ અને એના પ્રિય શિષ્ય આનંદ વચ્ચે સંવાદ છે. ‘આપના પુત્ર રાહુલને આપના તરફ છે તેના કરતાં પણ વધું પૂજ્યભાવ આપને એના તરફ છે તેનું શું કારણ?’ એવો આનંદના પ્રશ્નથી કાવ્યનો આરમ્ભ થાય છે. એનો જે ઉત્તર બુદ્ધ આપે છે તે કવિ પોતે કહે છે તેમ કલ્પિત છે, અનુશ્રુતિમૂલક નથી. એટલે સંસ્કૃત પરિભાષામાં આ કાવ્યનાં વસ્તુને ઉત્પાદ્ય જ ગણવું જોઈએ. અન્તિમ ઉતર બુદ્ધ આપે છે તે પહેલાં મારપ્રલોભનાદિની વાત બન્ને વચ્ચે કવિ કરાવે છે તે અનુશ્રુતિમૂલક છે. પણ મુખ્ય પ્રશ્ન વિશે કવિનું વક્તવ્ય આમ છે. બુદ્ધે ઘર છોડ્યુ તે વ્યાધિ જરા કે મૃત્યુના ક્લેશને લીધે નહીં, પણ રાહુલને જોઈને. કવિ કહે છે, ‘પોતાના ચિત્તના કલેશોનું શમન કરીને પોતે તો આ ભવમાં નિર્વાણ (હોલવાઈ જવું) પામી શકશે એમ સિદ્ધાર્થને થયું. પણ ત્યાં પોતાનામાંથી જ પ્રગટેલો કુલદીપક રાહુલ નજરે પડ્યો. એના ચિત્તક્લેશો માટે-તેમજ એના નિર્વાણ માટે - જવાબદારી કોની? સહાનુકુંપાની લાગણી એ પગથિયે જ ન અટકતાં આગળ વધી. આ સૌ સંસારી જીવોનાં નિર્વાણનું શું?” પરિણામે, એકેય જીવ કલેશ યુક્ત હોય ત્યાં સુધી પોતાને પણ નિર્વાણ ન ખપે એવા નિર્ણય ઉપર આવીને એ લાગણી ઠરી.’ આવી કલ્પના કવિએ કરી છે તેનું કારણ કવિના પોતાના જ શબ્દોમાં આ છેઃ ‘જરા, વ્યાધિ કે મૃત્યુ જેવાં નાસ્તિવાચક (negative) મૂલ્યો નહિ પણ કોઈ અસ્તિવાચક મૂલ્ય પ્રેરક બન્યું હશે એવી શ્રદ્ધાથી પ્રેરાઈને. મહાભિનિષ્ક્રમણના એ ભાવપ્રસંગને આ કૃતિમાં જુદી રીતે ઘટાવ્યો છે.”
અહીં પ્રશ્ન એ થાય છે કે કવિએ અનુશ્રુતિમાં કરેલો આ ફેરફાર યોગ્ય છે? એક તો એમ કે અનુશ્રુતિ, એક અવાજે, જે વાત કરે છે ખોટી છે એમ કહીને એને બદલે બીજી કલ્પિત વાત મૂકવી તેમાં, હું ધારું છું કે છૂટ, વધુ પડતી છે. અનુશ્રુતિ, મૂળ ઐતિહાસિક સત્યને અહીં વફાદાર નથી એમ ગણી લેવાને આપણી પાસે કોઈ કારણ નથી. તેથી નાસ્તિવાચક મૂલ્ય બુદ્ધના ગૃહત્યાગનું કારણ નહોતું એમ કેમ માની શકાય? એટલે અહીં નિરૂપિત કરેલી સ્થિતિમાં તો માત્ર કલ્પનાવિલાસ છે. તો કવિના એ કલ્પનાવિલાસને પણ આપણે તપાસવો ઘટે. પ્રાચીન અનુશ્રુતિનો અર્થ (જુવો અશ્વઘોષનું બુદ્ધચરિત્ર) હું આમ સમજ્યો છું. સિદ્ધાર્થને જરા વ્યાધિ અને મૃત્યુના દૃષ્ટાન્તોનો અનુભવ થયો તેથી એને એમ થયું કે આ જરાદિથી લોક પીડાય છે, કલેશ પામે છે તેનું કારણ એ હોવું જોઈએ કે જરાદિનું સત્ય સ્વરૂપ લોકો સમજતા નથી. જો કે સત્ય સ્વરૂપ સમજાય તો કલેશ ન રહે. તો જરાદિનું સત્ય સ્વરૂપ શું એ સમજવાનાં તીવ્ર આૌત્સુક્યથી એણે ગૃહત્યાગ કર્યો. આ સત્યશોધનવૃત્તિને આપણે નાસ્તિવાચક નહીં ગણી શકીએ. તેથી કરીને આપણા આ કવિને અનુશ્રુતિમાં જે ત્રુટિ લાગી છે, તે મને નથી લાગતી. બીજી રીતે જોઈએઃ કવિ કહે છે કે રાહુલના ચિત્તકલેશનો વિચાર આવતાં જ સૌ સંસારીજીવોના ચિત્તકલેશોનો વિચાર અને એ ચિત્તકલેશોનાં નિર્વાણનો વિચાર સિદ્ધાર્થને આવ્યો. અને આ એના ગૃહત્યાગનું યોગ્ય કારણ છે. તો પ્રશ્ન એ થાય છે કે આગળ રાહુલના ચિત્તકલેશો કયા? સંસારી જીવોના ચિત્તકલેશો કયા? રોજબરોજના વ્યાવહારિક ક્લેશો તો કવિને અભિપ્રેત હોય જ નહીં, તો બીજા કયા કલેશો? હું તો ધારું છું કે અન્તે તો આ દૃષ્ટિ પણ જરાદિ કલેશો ઉપર જ જઈને ઠરવી જોઈએ. આથી કરીને, પહેલી દૃષ્ટિએ ભભકભરી લાગે છે તે કવિની આ કલ્પના, પૃથકકૃત બનતાં, અયોગ્ય અને બિનજરૂરી ઠરે છે. પાંચમું કાવ્ય રતિ-મદન નામે છે. શિવની સમાધિનો ભંગ કરવાનું બીડું કામદેવ ઝડપે છે તે “આખા પ્રશ્નને રતિ અને મદને શી રીતે જોયો તેનું બયાન આ કાવ્યમાં છે. આરંભમાં રતિ સ્વર્ગ-ઝરૂખેખી પૃથ્વી ઉપરનાં યુગલો જોતી ઊભી છે. ત્યાં વસન્તવધૂ આવીને એને ઈન્દ્રસભામાં કામદેવે સ્વીકારેલી જવાબદારીની વાત કરે છે. સભામાંથી મદન અને વસન્ત આવતાં વસંતશ્રી બીજા દિવસનાં પ્રભાતની તૈયારી કરવા વિદાય લે છે. રતિ મદનને સાહસમાંથી વારે છે. ત્યાં મદન ઈન્દ્રે બોલાવ્યા પહેલાં પોતાને શિવ-પાર્વતીનો અનુભવથી ચૂકેલો છે, એની વાત કરે છે. (એ અંશે કથામાં ઊમેરવામાં આવ્યો છે.) રતિને વચ્ચે વચ્ચે આ કાર્ય પાર પાડવાની ઊર્મિ થઈ આવે છે તો યે એકંદરે એ ખંચકાય છે ને મદનને ના પાડે છે, પણ અંતે મદન જાય જ છે ત્યારે તેની પાછળ પાછળ પોતે પણ જાય છે.” કવિના શબ્દોમાં જ આ કાવ્યનું વસ્તુ ઉપર મુજબનું છે. આ કાવ્યનો મધ્યવર્તી વિચાર, કવિએ કરેલું આ પ્રસંગનું રહસ્યશોધન એક જ છે. કવિએ એમ કલ્પ્યું છે કે ઈન્દ્રની સભામાં જતાં પહેલાં કામદેવે શિવને ધ્યાનમગ્ન જોયા હતા અને પાર્વતી એની પરિચર્યા કરતી જોઈ હતી ત્યારે જ કામદેવને શિવપાર્વતીનાં ઐક્યનો, એનાં અર્ધનારીશ્વરત્વનો વિચાર સ્પૃહણીય લાગ્યો હતો. અને અર્ધનારીશ્વરત્વની કલ્પના, કવિના શબ્દોમાં “સ્ત્રીપુરુષસંબંધ અંગેની આપણી ઉદાત્તમાં ઉદાત્ત અને એટલી જ સુંદર કલ્પના છે.” એ કલ્પનાને સિદ્ધ કરવામાં, - પાર્વતીનું ઐક્ય પ્રીતિરસાયને કરવામાં પોતે સહાય બનવાની પ્રેરણાએ જ કામદેવે ઈન્દ્રનું નિમન્ત્રણ સ્વીકાર્યું એવું રહસ્ય કવિએ આ કાવ્યમાં મુક્યું છે. તેનાથી આમ પણ ફલિત થાય છે. રતિ-મદનનું દ્વૈત છે, અદ્વૈત કે ઐક્ય નથી તેથી જગતમાં માનવીયુગલો એક બીજાથી વિમુખ રહ્યા કરે છે અને માનવીલગ્નજીવનમાં વૈષમ્ય પ્રવર્તે છે એમ કવિને થાય છે. તે વૈષમ્ય ટાળવાને માટે, શિવ-પાર્વતીનું ઐક્ય, અદ્વૈત છે તેવું જ અદ્વૈત રતિ-મદનનું એટલે કે પરિણીત નર-નારનું થાય એના માટે મદન શિવનો સમાધિભંગ કરાવવા તૈયાર થાય છે. આ કાવ્યનું અન્તિમ રહસ્ય છે. આ જ પ્રસંગનું એક રૂપક (drama) હમણાં જ મારા વાંચવામાં આવ્યું છે. અમૃતવાણી (૧૯૪૬) નામે સંસ્કૃત સામયિકમાં મદ્રાસના ડો. રાઘવને સંસ્કૃતમાં ‘કામશુદ્ધિ’ નામે એક એકાંકી રૂપક લખ્યું છે. એમાં પણ કર્તાએ કામદહનની પાછળ રહેલાં રહસ્યનું પોતાની દૃષ્ટિએ અર્થઘટન કર્યું છે. એમાં રતિને એમ લાગે છે કે જગતનાં માનવી યુગલોમાં ખરો પ્રેમ નહીં, પણ પાશવી આવેશ એટલે કે કામાવેશ માત્ર બધે પ્રવર્તી રહ્યો છે, શુદ્ધ પ્રેમ માત્ર ક્યાંય રહ્યો નથી. કેમ જાણે કામવાસનાની દેહલોલુપતામાં લોકો બધાં નિરત બની ગયા છે. એ નીચ કક્ષાના કામાવેશમાંથી માનવી મુક્ત થાય એટલા માટે રતિ તપ આદરે છે. અન્તે શંકર પ્રસન્ન થાય છે અને કહે છે, “કામ એટલે કામવાસનાની શુદ્ધિ માટે હું કામનું દહન કરવાનો છું, કામદહન થતાં એ અનંગ બની જશે અને તેથી જ દેહથી પર એવા આધ્યાત્મિક પ્રેમમાં લોકો રાચી શકશે.” આ બન્ને પ્રયોગોનો અન્તિમ વિચાર એક જ સરણીનો છે, છતાં બન્ને લેખકોની નિરૂપણપદ્ધતિ જુદી જ છે. છઠ્ઠું કાવ્ય ‘આશંકા નામે છે. એમાં નિરૂપેલો પ્રસંગ એક જાતકકથા ઉપરથી લીધો છે. મૂળ પ્રસંગ અને એના ઉપરથી નિરૂપિત થયેલું આ કાવ્ય બન્ને ઉત્પાદ્ય છે. કાવ્યમાં વસ્તુ પાતળું છે, કલ્પનોડ્ડયન વ્યાપક છે. એક ઋષિની આશંકા નામની પુત્રીના પ્રેમમાં બ્રહ્મદત્ત નામે રાજા પડે છે. પુત્રીનું નામ શું છે તે કહી દે તો પોતાની પુત્રી એને પરણાવે એમ ઋષિ એને કહે છે. ત્રણ વર્ષ સુધી આશ્રમમાં રહ્યો છતાં એનું નામ રાજા શોધી શક્યો નહીં, જવાના દિવસે અચાનક જ એનાં મોમાંથી એ નામ બહાર પડી જાય છે. એ કહે છેઃ
શ્રદ્ધા સર્વે રહી મારી, આશંકા સાથ જૈશ હું,
આમ કન્યાનું નામ એનાં મોંમાંથી બહાર પડતાં, ઋષિ આશંકાને એની સાથે પરણાવે છે. આ છેલ્લા દિવસે વિદાયવેળાએ બ્રહ્મદત્ત અને આશંકા વચ્ચે જે વાત થાય છે તેનો સંવાદ આ કાવ્યમાં છે. છેલ્લાં કાવ્યનું નામ ‘કુબ્જા’ છે. બાળપણમાં કુબ્જાને હવિ લેપ પામીને કૃષ્ણે એનું કુબ્જાત્વ હરી લીધું ત્યારથી કુબ્જા કૃષ્ણના પ્રેમની તરસી બની. તે વખતે ‘તારે ત્યાં હું જરૂર આવીશ’ એવું વચન કૃષ્ણે એને આપ્યું હતું. પણ લાંબા વખત સુધી ન આવ્યા તેથી પ્રેમતપ્ત વિરહવ્યાકુળ કુબ્જા-સુંદરીના પોતાની સખીઓ સાથે થએલા સંવાદથી આ કાવ્યનો આરમ્ભ થાય છે. આજ તો કૃષ્ણ જરૂર આવશે એમ તે ધારે છે અને કુબ્જાનાં હૈયાંની ઝંખના વિશે સખીઓ વચ્ચે સંવાદ ચાલ્યા કરે છે ત્યાં ઉત્કટ પ્રેમાવેશમાં કુબ્જા મૂર્ચ્છા પામે છે. તે વખતે બે સખી રાધાકૃષ્ણનો વેશ લઈને તેની પાસે આવે છે. ત્યાં કૃષ્ણ પણ આવે છે. ત્યાં ઉદ્વવ અને શુક પણ આવે છે. અહીં કવિ શુકમુખે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરાવે છે અને પછી કૃષ્ણ કુબ્જા સાથે રહેવાનું કબૂલે છે એમ કહીને કાવ્યની સમાપ્તિ કરે છે. પ્રાચીન અનુશ્રુતિમૂલક આ સાત પદ્યરૂપકોનું વસ્તુ આવું છે. એનાં નિરૂપણમાં રહસ્યશોધનની બુદ્ધિ રહેલી છે. પ્રાચીન વસ્તુદ્વારા કવિ પોતાનું વક્તવ્ય પ્રગટ કરવા ઈચછે છે તે બધાં જ કાવ્યોમાં સ્પષ્ટ છે. આપણી પ્રાચીન અનુશ્રુતિમાં અનેકાનેક કથાઓ અને કથાનકો પડ્યાં છે, તેને એનું એ વસ્તુ રાખીને પણ, કલાત્મક રીતે કાવ્યમાં ઊતારવામાં આવે તો પણ સુન્દર નીવડવાનો સમ્ભવ છે. બુદ્ધિશાળી કવિ, પ્રાચીન અનુશ્રુતિમાં પણ, અર્વાચીન દૃષ્ટિએ માન્ય થઈ શકે તેવું રહસ્ય જોઈ શકે. આવી જાતનું રહસ્યશોધન અને અર્થઘટન તો કવિનું ક્રાન્તદર્શિત્વ બતાવે છે એટલે એ તો એનો જન્મસિદ્ધ હક્ક છે. આ કાવ્યમાં, ઉમાશંકરે જે જે રહસ્યદર્શન કર્યું છે. તે હું ધારું છું કે સામાન્ય રીતે પ્રાચીન પરંપરાને અનુરૂપ બને તેવું છે. અર્થઘટનને વ્યક્ત કરવામાં પ્રાચીન વાતાવરણ જળવાઈ રહે તે જરૂરનું છે. એવું વાતાવરણ જાળવવાનો આ કવિએ અસંપ્રજ્ઞાત પ્રયત્ન પણ કર્યો છે અને એમાં તેમને સારી પેઠે સફળતા મળી છે એમ, સમગ્ર દૃષ્ટિએ, કહેવું જોઈએ. આગળ બેચાર સ્થળોએ મને જે દોષો જણાયા તે મેં બતાવ્યાં છે; પણ એનો અર્થ આ કાવ્યો અ-સુન્દર છે એમ નથી. ઉલટું, વસ્તુને નિરૂપવામાં આપણા કવિએ બહુ જ કુશળ કારીગરી વાપરી છે. દરેક કાવ્યને એક વિશિષ્ટ ઘાટ અર્પવાનો સંપ્રજ્ઞાત પ્રયત્ન કવિએ કર્યો હોય તેમ લાગે છે. દરેક કાવ્ય, કદમાં ૩૦૦ પંક્તિની આસપાસનું છે. આ કાવ્યોમાં ૩૧૨, ૩૧૧, ૩૧૦, ૩૨૯, ૨૮૦, ૨૯૨ અને ૩૦૦ એમ પંક્તિઓ અનુક્રમે છે. પહેલાં કાવ્ય સિવાય બીજાં બધાંમાં અન્ત્યાનુપ્રાસ કવિએ પ્રયોજ્યો છે. ઉપજાતિ અનુષ્ટુપનો જ વ્યાપક પ્રયોગ એમણે કર્યો છે. અલંકારો, શબ્દ અને અર્થ બન્નેના, કવિએ સારી પેઠે વાપર્યા છે. કલાદૃષ્ટિએ આ બધાં જ કાવ્યો પદ્યરૂપકો છે એમ આગળ કહ્યું છે. એ દૃષ્ટિએ વિવેચવા માટે આ કાવ્યોના નીચે મુજબ સમૂહો પાડવા ઠીક પડશે. (૧) કર્ણ-કૃષ્ણ, બાલ રાહુલ, (૨) ગાંધારી, રતિ-મદન અને આશંકા, (૩) ૧૯મા દિવસનું પ્રભાત અને કુબ્જા. કર્ણ-કૃષ્ણ અને બાલ રાહુલમાં બે જ પાત્રો છે અને એ બે પાત્રો વચ્ચે સંવાદ ચાલે છે. એ બન્નેમાં કથા જેવું કંઈ નથી, પ્રસંગ જેવું પણ કંઈ નથી. માત્ર એક પ્રશ્ન વિશે બન્નેમાં આસ્વાદ્ય સંવાદ ગોઠવાયો છે. બન્નેમાં કોઈ વિશિષ્ટ રસ નિષ્પન્ન થતો નથી. બન્નેમાં વિચાર જ મુખ્ય છે. એ વિચારની વ્યક્તિ અનાસ્વાદ્ય (uninteresting) ન બની જાય માટે સંવાદવૈચિત્ર્ય કવિએ અનેક જગ્યાએ સાધ્યું છે. કર્ણ-કૃષ્ણમાં ભૂમિકા સરજાવવાને આરમ્ભમાં અને અન્તમાં સૂર્યનું વર્ણન કર્યું છે. આખાં યે કાવ્યમાં આસ્વાદ ટકાવી રાખવાને કવિ પતાકાસ્થાનનો આશ્રય લે છે તે આગળ લખ્યું છે. તેના ઉપરાંત સંવાદની પ્રશ્નોત્તરીમાં અણચિંતવ્યા ઉત્તરો કે પ્રશ્નોની પરાપૂર્વી ગોઠવી છે તેથી પણ એ જ અર્થ સરે છે. પ્રમાણમાં આ કાવ્યમાં, બીજાંને મુકાબલે કચાશ વધુ છે. સમયાનુક્રમની દૃષ્ટિએ એ કાવ્ય આ સાતમાં સહુથી પહેલું (૧૯૩૯-૪૦મો) રચાયું છે. બાલ રાહુલમાં પણ ઉપરનાં બન્ને તત્ત્વો કવિએ વાપર્યા છે. પં. ૪૯-૫૦માં અને ૧૦૩-માં એક પ્રકારનું પતાકાસ્થાન બને છે અને તેથી સંવાદવૈચિત્ર્ય સધાય છે. કર્ણ-કૃષ્ણમાં વિચારનું પ્રાધાન્ય અને તેની સાથે થોડીક ઊર્મિ, થોડીક કલ્પના એમ બેનું અસ્તર છે, તો આ કાવ્યમાં પ્રશાન્ત વાતાવરણ અને વિચારપ્રાધાન્ય સ્પષ્ટ તરી આવે છે. બુદ્ધના અનેક સંવાદોનાં તત્ત્વોને કાવ્યનો વિષય કરી શકાય છે તેની તરફ આપણા કવિઓનું ધ્યાન નરસિંહરાવે (‘તદ્દગુણ’માં) અને ઠાકોરે (‘બુદ્ધ’માં) દોર્યું છે. એ દિશામાં આ, હું ધારું છું ત્યાં સુધી, ત્રીજો સફળ પ્રયત્ન છે. અલબત્ત રૂપકતાની દૃષ્ટિએ આમાં ખાસ ગુણ નથી, પણ સંવાદકાવ્ય તરીકે એ, ખરેખર, આસ્વાદ્ય બને તેવું થયું છે. ‘ગાંધારી’માં રંગભૂમિ ઉપર તો ગાંધારી અને કૃષ્ણ એમ બે જ પાત્રો આવે છે છતાં એમાં નેપથ્યમાં થતા અવાજો અને વિલાપોથી સંવાદવૈવિધ્ય સધાયું છે. એમાં એક જ પ્રશ્નની છણાવટ નથી, પ્રસંગનો ઇષદ્વિકાસ છે. આથી પહેલા સમૂહનાં કાવ્યો કરતાં આમાં રૂપકનું તત્ત્વ વધુ ભળ્યું છે. આ કાવ્યમાંથી કેટલીયે પંક્તિના ભાવો મહાભારતમાંથી સીધા લેવામાં આવ્યા છે, છતાં આખું યે કાવ્ય સંવાદવૈચિત્ર્ય અને સંવાદવૈવિધ્યને લીધે તેમ જ ઊર્મિ, કલ્પના અને વિચારનાં સુભગ મિશ્રણને લીધે ખૂબ આસ્વાદ્ય બન્યું છે. ‘આશંકા’માં વસ્તુ તો નહીં જેવું જ છે, છતાં કાવ્યનાં જુદાં જુદાં અંગો ઉપર કવિએ વાપરેલી કારીગરીની સફલતા ઘણા ઊંચા પ્રકારની છે, છન્દની પસંદગીની પછવાડે રહેલી એક ઔચિત્યદૃષ્ટિ કવિએ પોતે જ સમજાવી છે. આશંકા અને બ્રહ્મદત્ત વચ્ચેનો સંવાદ, બે જ પાત્રો વચ્ચે થતો ૨૮૦ પંક્તિઓ સુધી લંબાતો સંવાદ છે છતાં વૈવિધ્યપૂર્ણ અને આસ્વાદ્ય છે. નક્કર વસ્તુ નથી, છતાં કવિએ ગોઠવેલી નામાવલી, બ્રહ્મદત્ત અને આશંકાના ત્રણ વર્ષની સંયમિત સહચારની સ્મૃતિઓ, આશંકાની અધરાઈ અને બ્રહ્મદત્તની ઉદાત ધૈર્યથી નિયંત્રિત બનતી અન્તગૂર્ઢ ઉત્કટ ઊર્મિ વગેરે તત્વોને કવિ ઔચિત્યભરી ભાષાવ્યક્તિથી બહુ જ આસ્વાદ્ય બનાવી શક્યા છે. રોજબરોજની વાતચીતની ભાષાછટા, આ કાવ્યના સંવાદમાં કવિ અનેકવાર લાવી શક્યા છે. જુવો પં. ૯-૧૨; ૫૮-૫૯ વગેરે. પં. ૭૩-૧૫માં જે નામાવલિ ગોઠવી છે તેમાં પણ કવિત્વભર્યા કર્ણમધુર નામોના અન્તર્ગત અનુપ્રાસથી, વચ્ચે અન્વયાર્થ નામો આપવાથી અને અન્તે વિરોધમૂલક નામો ગણાવવાથી એકવિધતા ટાળી શકાઈ છે. કવિની કારીગરીનો આ, ખરેખર, સુન્દર નમૂનો છે. ત્રણ વર્ષ સાથે હર્યાં ફર્યાં છતાં મુનિના નિષેધને લીધે પોતાની પ્રેયસીને દૂરથી જ પૂજ્યા કરી, એની સાથેના અનેક શૃંગારમય પ્રસંગો, આટલા લાંબા સહવાસ છતાં, આવી શક્યા જ નહીં તેનું કથન બ્રહ્મદત્ત હૃદયંગમ રીતે કરે છે
જાણે બધું તે વિધિ ને તું યે પ્રિયા,
કે જાણું હું સર્વ પ્રસાધન ક્રિયા
વિલાસિનીઓની, તથાપિ અંગે
તારે ન સંસ્કાર કર્યા ઉમંગે
કદી ય મેઃ ના રચી પત્રલેખા
કપોલદેશે, મૃદુ આંકી રેખા
વિશાલ ભાલે ન વિશેષકો રચ્યા,
કે કેશપાશે કુસુમોય ય તે ખચ્યાં.
લાક્ષારસે રંગી નહીં પદાંગુલિ
કે વલ્કલેથી ય ઉડાડી ધૂલિ.
ઊભાં ન સાથે કમલોચ્ચયે જલે
પછી સહસ્નાન રહ્યું જ ક્યાં, હલે?
ભલે ન ચૂમ્યા અલકાન્ત કિંતુ તે
ચૂમ્યા ન રે કર્ણશિરીષતંતુ યે !
વસ્તુ પાંખું છે છતાં, એક મુદ્દો કવિ બહુ જ સુંદર રીતે બહાર લાવી શક્યા છે. આખાંયે કાવ્યમાં નાયિકાને જરા અધીરી ચીતરી છે. પણ નાયકને તો ધીરોદાત્ત જ ચીતર્યો છે. અને ધીરોદાત્તને અનુરૂપ ગૂઢ ઉત્કટ ઊર્મિ, આવશ્યક એવાં કલ્પનોડ્ડયનો છતાં સળંગવ્હેતો સંયમ નિરૂપવામાં કવિને ખૂબ સફલતા મળી છે. કવિ કેમ જાણે સૂચન કરે છે કે ‘આવી પ્રિયા’ ને પામવા માટે સંયમ અને ત્યાગનો દીર્ઘકાળ પૂર્વતૈયારીરૂપે પસાર થવો જ જોઈએ. એ સંયમ અને સહિષ્ણુતાને પરિણામે જ બન્નેનો યોગ સંભવે છે. આ આખા કાવ્યમાં છન્દનો સુભગ પ્રયોગ, અનુપ્રાસ-યમક તેમ જ ઉપમારૂપકાદિ અલંકારોનો ઉચિત વપરાશ, સૌકુમાર્ય માધુર્ય અને પ્રસાદ ગુણની સતત ગુંથણી અને છેવટે ઊર્મિ, કલ્પના અને વિચારનું અનુરૂપ મિશ્રણ સળંગ અનુભવાય છે. અન્તના શ્લેષથી તો આખાંયે કાવ્યને શ્વેષધ્વનિકાવ્યનું નામ આપવાનુનં મન થઈ જાય એવો ગૂઢ ચમત્કારયુક્ત ધ્વનિ ઊઠે છે. વિચાર ઓછો, ઊર્મિ અને કલ્પના વધારે, અન્તમાં તો કલ્પનાપ્રધાન બની જાય છે એવું આ કાવ્ય ખરેખર મનોહર છે. રતિ-મદનમાં, રતિ અને મદન ઉપરાંત વસંતશ્રીનું પાત્ર છે તેથી રૂપકનું તત્ત્વ આમાં વધુ ભળ્યું છે. વચમાં પ્રવેશ અને નિત્યક્રમ થાય છે તેથી પણ આ તત્ત્વ ખીલે છે. રતિ અને વસંતથી વચ્ચેનો સંવાદ અભિનયક્ષમ વધુ છે. આથી આમાં પદ્યરૂપકનાં તત્ત્વ, બીજાંના પ્રમાણમાં વધુ છે. મદનના પાત્રની ધ્યેયલક્ષિતા આમાં ઠીક બહાર આવે છે. ઊર્મિ, કલ્પના અને વિચારનું મિશ્રણ આમાં પણ છે. કાવ્યની દૃષ્ટિએ પં. ૨૯-૫૦માં પ્રકૃતિસમસ્તમાં પ્રવર્તતા વૈષમ્યનું વિરોધમૂલક વર્ણન સુન્દર છે. પં.૪૩-૪૪માં છે તે પરિસંખ્યા મનોરમ છે. પં. ૧૧૭-૧૩૨ અને પં. ૧૩૭-૧૫૨ પણ કલ્પનારંગી ભભકવાળી છે અને તેથી મોહક છે. પં. ૧૮૨-૩માં છે તે ઉત્કટ ઊર્મિ જરા અસ્થાને લાગે છે. અને પછીનાં કાવ્યમાં વિચાર પ્રધાન બને છે.
આજે હું કહું છું વ્હાલી ! વૈરાગ તેજ ભોગ છે,
ન તેમાં આપણો માત્ર વિશ્વનો શુભ યોગ છે.
તું-હું હું-તું શમ્યું ના એ દ્વન્દ્વનું દ્વૈત તો ક્યમે
રમ્યા કેટલું? શું જાણ્યું શમશે ભાવિમાં રમ્યે? ૨૦૧-૪ માં નિરૂપાયો છે તે વિચાર કાવ્યનું અંતિમ રહસ્ય બને છે.
‘૧૯મા દિવસનું પ્રભાત’માં પ્રસંગ છે, થોડું વર્ણન તથા કથન પણ છે તેથી માત્ર સંવાદાત્મક કાવ્ય કરતાં આમાં સંકુલતા વધી છે. પાત્રો પણ એમાં બેથી વધારે છે. અભિનેયતા પણ વધારે છે. અશ્વત્થામાંએ પાંચાલોનો તથા પાંડવોને કેવી રીતે સંહાર કર્યો તેનું કથન અને વર્ણન સૂત કરે છે તેમાં ઊર્મિની સરણી સતત વહે છે, પણ રસનો પરિપોષ ક્યાંય થતો નથી. આ વર્ણન અને કથન સારી પેઠે આસ્વાદ્ય બની શક્યાં છે. એ આખાં કથનને સૂત અત્યન્ત કાવ્યમય નીચેની પંક્તિઓથી સમેટી લે છેઃ
જોતી હતી તે વિયતેથી સસ્મિતા
કાલી કરાલી શતપાશહસ્તા
રક્તાંચલા ધૂસરવ્યસ્તહારા
જે પાદરેણુદ્વિગુણાંધકારા
વીરક્ષયે વિશ્પુરતી વિભાવરી,
તે મૌનભારે ઊઠી કંપી બાવરી.
ઓજસ ગુણથી દીપતી અને રૂપક-સમાસોક્તિના સંકરથી હૃદયંગમ બનતી આ પંક્તિઓ સુભગ છે. બેથી વધારે પાત્રો આમાં છે, તેથી રૂપકમાં હોય તેમ, પાત્રપ્રવેશો આમાં થાય છે. આના પ્રવેશો સૂચવવા માટે તથા કેટલીક બીજી નાટ્યસૂચિઓ જેવી વીગતો પ્રેક્ષકને જણાવવા માટે કવિએ આમાં એક વૈચિત્ર્ય દાખલ કર્યું છે. ગ્રીક રૂપકોમાં આવી જાતનું કાર્ય કોરસ કરતું. અહીં એ કાર્ય કવિ સૂત પાસે કરાવે છે અને એ વખતે છન્દોવૈવિધ્ય પણ યોજે છે. આવી જાતની સૂતની ઊક્તિઓમાં૧[3] કવિ સારી પેઠે કવિત્વમય ભાષાવ્યક્તિ પણ મૂકી શક્યા છે. જુવો,
પૂર્વે જેને અનિલ અડતાં પૂર્ણ સંકોચ ધારે
ને જે વ્રીડા સખિનિકટમાં યે મુખાબ્જે વધારે,
આજે તે સૌ પુરરમણિઓ આકુળી એકવસ્ત્રા,
શોકાક્રોશે ગગન ભરતી આવતી દૈવત્રસ્તા.
અગ્રે કુંતીઃ સ્પૃશતી કરથી સ્કધ, ગાંધારી આવે;
તેને સ્કંધે નૃપતિ કર દૈ અંધ દોરાય ભાવેઃ
સંધ્યાસ્કંધે રજનિ કર દૈ જેમ પામે પ્રચાર;
ને સ્કંધે દૈ કર રજનિને આવતો અંધકાર.
કુબ્જામાં રૂપકત્વનાં તત્ત્વો સહુથી વધુ ખીલ્યાં છે, એમાં કુલ છ પાત્રો છે. પ્રવેશનિષ્ક્રમો છે. ઇતિવસ્તુવિકાસ તેમ વસ્તુસંકુલતા પણ છે. અભિનેયતા છે અને કંઈક પ્રમાણમાં કાર્યવેગ (action) પણ છે. આથી રૂપકની દૃષ્ટિએ, આ સંગ્રહમાં, આ કૃતિ સહુથી વધુ સફળ નીવડવાનો સંભવ છે. એમાં ઊર્મિનું પ્રાધાન્ય છે અને કલ્પના તથા વિચાર ગૌણ છે, જોકે અન્તે તો વિચારનો જ ધ્વનિ કવિ પ્રધાન રાખે છે. ગેયરૂપકો રચવાના થોડાક પ્રયોગો આપણે ત્યાં થયા છે, પદ્યરૂપકો રચવાનો આ પ્રયોગ નવીન છે અને આરમ્ભના પ્રયોગ તરીકે આવકાર્ય છે. પણ કવિએ આ રૂપક-કાવ્યો મોકળે મન લખ્યાં નથી. જાણ્યેઅજાણ્યે એમણે અમુક નિયંત્રણો સ્વીકારી લીધાં લાગે છે વસ્તુદૃષ્ટિએ, દરેક પ્રસંગનાં પોતે ઘટાવેલાં અમુક રહસ્યથી કવિ પહેલેથી જ આકર્ષાયા લાગે છે, અને પછી એ રહસ્યપ્રતિપાદનને માટે જ, કેમ જાણે કૃતિઓ રચી હોય એવી છાપ મન ઉપર રહી જાય છે. એક બીજી છાપ પણ મન ઉપર રહી જાય છે. પહેલાં કાવ્ય સિવાય, બાકીનાં છમાં કવિએ પોતાની કૃતિઓનો કાવ્યકલાનાં અમુક અંગોથી શણગારવાનો સંપ્રજ્ઞાત પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે. ખાસ કરીને શબ્દાલંકારો અને અર્થાલંકારોનો આવો પ્રયત્નપ્રેરિત પ્રયોગ અનેક સ્થળે થએલો દેખાય છે. અન્ત્યાનુપ્રાસ, જે પહેલાં છ યે કાવ્યોમાં વ્યાપક છે. તેમાં તો સંપ્રજ્ઞાત પ્રયત્ન કરવો પડે જ. પણ ઘણાંક સ્થાનોએ અન્ત્યાનુપ્રાસ લાવવાના મોહથી વ્યક્તિને, વિચારને કે અલંકારને હાનિ થઈ શકે એમ પણ દેખાય છે. બીજી દૃષ્ટિએ પણ, આવાં સંવાદાત્મક રૂપક-કાવ્યમાં જ્યાં અન્ત્યાનુપ્રાસ સકંલિત પંક્તિઓ કે પંક્તિખંડો જુદા જુદા (ક્યાંક તો બેથી વધુ) પાત્રો ઉચ્ચારતાં જેવું છે, ન રહી શકે તો એવા અન્ત્યાનુપ્રાસના સાર્વત્રિક પ્રયોગથી અપુષ્ટાર્થ નામે દોષ આવી જાય તે પણ દેખીતું છે.
[કાવ્યવિવેચન, ચારૂતર પ્રકાશન, આણંદ, ૧૯૪૯]
- ↑ ૧. પ્રાચીના, ઉમાશંકર જોષી; પ્રકાશકઃ ભારતીય સાહિત્ય સંઘ, અમદાવાદ, ૧૯૪૫. મૂલ્ય ૨-૮-૦.
- ↑ ૧. બીજે દિવેસ બધાનો સાથે અગ્નિદાહ કર્યો એમ મહાભારતમાં છે. ૧૧, ૩, ૨૬, ૪૩
- ↑ ૧. સંસ્કૃત નાટ્યશાસ્ત્રની પરિભાષા મુજબ સૂતની આ ઉક્તિઓને ધ્રુવાઓ કહેવાય. આવી જાતની તેની પહેલી બે ઉક્તિઓને (જેનું અવતરણ ઉપર આવ્યું છે) પ્રાવેશિકી ધ્રુવા કહેવાય, કેમકે એમાં અમુક પાત્રોના પ્રવેશનું સૂચન છે. એની છેલ્લી ઉક્તિને નૈષ્ક્રામિકી ધ્રુવા કહેવાય, કેમકે નિષ્ક્રમ વખતની એ ઉક્તિ છે. વચ્ચે વચ્ચે એની બીજી ઉક્તિઓ કથાતંતુ ચાલુ રાખે દૃષ્ટિએ એને અંતરા કે આક્ષેપિકી ધ્રુવા કહી શકાય, આવી ધ્રુવાઓ વિક્રમોર્વશીયના ચોથા અંકમાં તથા એક બે બીજાં જૂના રૂપકોમાં વપરાએલી મળે છે.
****