zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/મુનશીનો સચોટતાવાદ

From Ekatra Wiki
Revision as of 01:48, 5 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. મુનશીનો સચોટતાવાદ

‘થોડાંક રસદર્શનો’ નામે એક પુસ્તકમાં રા. કનૈયાલાલ મુનશીએ સાહિત્યશાસ્ત્રના કેટલાક નિયમો વિશે વિવેચન કર્યું છે. એ વિવેચન ઘણે ભાગે અશાસ્ત્રીય અને અવિશદ છે તેથી આપણા અભ્યાસકોએ એની સમીક્ષા આજ લગી નથી કરી એ નવાઈભર્યું લાગે છે.૧[1] આવી સાહિત્યચર્ચા આપણે ત્યાં બહુ ઓછી થાય છે તેથી એવી ચર્ચા ઉપાડવા માટે રા. મુનશીનો ગુજરાતે આભાર માનવો જોઈએ; પણ એમ કરતાં ખોટો સિક્કો ચલણી ન થઈ જાય એનુ ધ્યાન પણ અભ્યાસીઓએ રાખવું જોઈએ. એટલા માટે આ નાના લેખકમાં રા. મુનશીએ ‘સાહિત્યમાં સચોટતા’ વિશે દર્શાવેલા વિચારોની સમીક્ષા કરવાનો ઇરાદો મેં રાખ્યો છે: તેમાં માત્ર સિદ્ધાન્તચર્ચા જ કરીશ, વિગતોમાં નહિ ઊતરું. કમનસીબે બન્યું છે એવું જે રા. મુનશીએ આ પુસ્તકમાં સચોટતાની વ્યાખ્યા ક્યાંય આપી નથી, એનું વર્ણન અને એની માનસિક પ્રક્રિયાનાં સ્થિત્યન્તરોની ચર્ચા કરી છે ખરી. પૃ. તેરમા ઉપર લખ્યું છે : ‘સચોટતા આમ બે પ્રકારની હોય : કથનને સ્પષ્ટ કરે તે અને તેને અસરકારક બનાવે તે.’ પૃ.૪૩ ઉપર આમ લખ્યું છે : ‘કલ્પનાત્મક કૃતિ વ્યક્ત કરવાની ક્રિયામાં સચોટતા ત્રણ વખત આવે છે ૧. ઇંદ્રિયદ્વાર કોઈપણ વસ્તુ માણસના મગજ પર સચોટ છાપ પાડે ત્યારે; ૨. કલ્પનાચિત્ર ખડું થાય ત્યાર પછી તેની સચોટ અસર ચિત્રકાર પર થાય છે અને તેના મનમાં આંદોલનો જાગે છે ત્યારે; ૩. અને કૃતિ કે કથનદ્વારા ચિત્ર વ્યક્ત કર્યા પછી સામા માણસ પર સચોટ અસર થાય છે ત્યારે.’ રા. મુનશીનાં આ વિધાનોને તપાસ્યા પહેલાં ‘આ કથનની વ્યક્તિ સચોટ છે,’ એમ જ્યારે આપણે સામાન્ય રીતે કહીએ છીએ ત્યારે સચોટતાનો અર્થ આપણે શો કરીએ છીએ તે તપાસીએ. એક દાખલો લઈએ. વાલ્મીકિએ ક્રૌંચમિથુનમાંથી એકનો વધ થતો જોઈને હૃદયમન્થન અનુભવ્યું. એટલે કે, એ દૃશ્યે એના હૃદયમાં ઊર્મિક્ષોભ જન્માવ્યો. આમ સર્જનનું પ્રથમ પગલું ઊર્મિક્ષોભનું થયું.૨[2] એ ઊર્મિક્ષોભને પરિણામે શબ્દદેહમાં વ્યક્ત થાય તે સાહિત્ય-સર્જન. એટલે આમાં બે પ્રક્રિયા થાય છે. પહેલી પ્રક્રિયા આત્મલક્ષી છે. એમાં સર્જકનાં મનમાં સંક્ષોભ થાય છે. બીજી પ્રક્રિયા પરલક્ષી છે. કેમ જે એમાં સર્જક. પોતે અનુભવેલી ચિત્તસ્થિતિને શબ્દમાં બીજા પાસે મૂકવાની મહેનત કરે છે. પહેલી પ્રક્રિયાના અનુભવ માટે સર્જકમાં સંવેદનશીલતા જોઈએ. આ સંવેદનશીલતા જેટલી તીવ્ર અને સ્થાયી તેટલી તીવ્ર અને સ્થાયી અસર એ અનુભવની સર્જકનાં મન ઉપર પડે. બીજી પ્રક્રિયામાં સર્જક, શબ્દાદિ બાહ્ય સાધનો વડે પોતે અનુભવેલી ચિત્તસ્થિતિને વ્યક્ત દેહ અર્પવા મથે છે. અને આ બાહ્ય વ્યક્તિની સચોટતા ઉપર એનાં કથનની સચોટતાનો આધાર રહે છે. તીવ્ર સંવેદનશીલ આત્માઓ તો ઘણા હોય છે, પણ આ બધા પોતાની ચિત્તવ્યથાને સચોટ રીતે વ્યક્ત કરી શકતા નથી, કેમ કે આ બાહ્ય કાર્યકુશળતા (technique) ઉપર બધાનું સરખું પ્રભુત્વ હોતું નથી. અને, સચોટતા આ બાહ્ય કાર્યકુશળતા ઉપર જ ખરો આધાર રાખે છે: તેથી સચોટતાનાં પૃથ્થકરણમાં બાહ્ર કાર્યકુશળતાનો જ સમાવેશ કરવો જોઈએ, ચિત્તક્ષોભ આદિ એની પુરોગામી સ્થિતિનો નહિ; કેમ જે એ સચોટતાનો વિષય નથી. આ ભેદને સંસ્કૃત સાહિત્યમાં યોગ્ય સ્થાન અપાયું છે, પણ રા. મુનશીનાં આ પુસ્તકમાં નથી અપાયું : તેથી આખા વિષનાં વિશદીકરણમાં ઊણપ રહી ગઈ છે. હવે આપણે પૃ. રા. મુનશીનું ઉપર નોંધેલું કથન તપાસીએ. અહીં જે બે પ્રકારો એમણે ગણાવ્યા છે તે ખરી રીતે સચોટતા નથી. પર સમજાવ્યું તેમ કથનની સ્પષ્ટતા શબ્દ અને શબ્દસમૂહની વ્યક્તિ ઉપર અવલમ્બે છે, એથી ઊલટું કથનની અસરકારકતા માત્ર શબ્દથી પર એવા અર્થ ઉપર અને આ અર્થ, ઉપરકહી સંવેદનશીલતા ઉપર અવલમ્બે છે. આમ રા. મુનશીએ અહીં ગણાવેલા બે પ્રકારો એક જ પ્રક્રિયાના નથી. ગમે તે કારણને લીધે હોય, પણ રા. મુનશીએ આ પુસ્તકમાં આપણી પ્રાચીન પરિભાષાનો, જ્યાં તે સ્વીકાર્ય છે ત્યાં પણ, ત્યાગ કર્યો છે. આથી ઘણી વખત નકામું પિષ્ટપેષણ થયું છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર મુજબ સાહિત્યમાં શબ્દ અને અર્થની મૂલવણી જુદી જ થવી જોઈએ. ગમે તેમ તોય શબ્દ બાહ્યાંગ છે. અર્થ જ સાહિત્યમાત્રાનો આત્મા છે. સ્પષ્ટ કથન શબ્દનો વિષય છે. તેથી એ સર્જનમાં બાહ્યાંગનો વિષય બને છે; અસરકારક કથન અર્થનો વિષય છે તેથી એ સર્જનના આત્માનો વિષય બને છે. અને અહીં બતાવવું પડે છે કે આ બન્ને દૃષ્ટિએ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીઓએ આ વિષને ચર્ચ્યો છે. શબ્દ ઉપર અવલમ્બતી સ્પષ્ટતાને કે ‘સચોટતા’ને૩[3] આપણા સાહિત્યશાસ્ત્રીઓએ પ્રસાદગુણ કહ્યો છે, તો અસરકારકતા વિશે રસ, ધ્વનિ આદિની બારીક ચર્ચા કરી જ છે. આ મુખ્ય વાત ભૂલી જવાને લીધે બાહ્યાંગને આત્મા સાથે એકરૂપ માની લેવાની ભૂલ રા. મુનશીએ કરી છે. ઉપર જણાવેલા બીજા પ્રકારને સમજાવતાં રા. મુનશી લખે છે : ‘જેનાથી કવિની લાગણીના જેવો જ સમભાવ વાચકમાં પ્રકટે તે બીજા પ્રકારનું’ જો રા. મુનશીએ રસાવિષ્કારની પ્રક્રિયાનું બારીક વર્ણન કોઈપણ કાવ્યગ્રન્થમાં વાંચ્યું હોત તો આવા અયોગ્ય પ્રકારો પાડવાની જરૂર ન રહેત. કવિના મનમાં ઊઠેલા ભાવોને સામાનાં મનમાં જેમ ને તેમ સંક્રાન્ત કરવાનું શાસ્ત્ર તે રસશાસ્ત્ર. એનો ઘણો બારીક અભ્યાસ પ્રાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ કર્યો છે એના વિશે જરા પણ નિર્દેશ કર્યા વગર આવી અધકચરી ચર્ચા, કેમ જાણે કંઈક નવું જ કહેવાનું હોય એવી રીતે થાય ત્યારે એટલું બતાવવું પડે છે કે આ તો આપણે ત્યાં જુગજૂનું છે. બીજી રીતે જોઈએ તો સ્પષ્ટ કથન ઘણે ભાગે અસરકારક હોય. પ્રસાદગુણની આવશ્યકતા જ આપણે એટલા માટે માની છે કે તેથી કરીને નદીનાં નિર્મળ જળમાં બાહ્ય વસ્તુનું પ્રતિબિમ્બ જોઈ શકાય, તેમ સરજાએલી કૃતિમાં આ પ્રસાદના ભાવથી સર્જકનાં મનના ભાવોનું સ્પષ્ટ દર્શન કરી શકાય. શબ્દ જ્યાં અર્થને સ્પષ્ટતાથી પ્રતિબિમ્બિત કરે ત્યાં પ્રસાદ હોય.૪[4] પૃ.૪: ઉપર સચોટતાની પ્રક્રિયાના ત્રણ સ્થિત્યન્તરો (Stages) ગણાવ્યાં છે, તેમાંથી ત્રીજું સ્થિત્યન્તરો તો પૃ.૧૩માંનો બીજો પ્રકાર જ છે : અને પહેલાં બે સ્થિત્યન્તરો અનુક્રમે એની પહેલાંની માનસિક પ્રક્રિયાનાં છે. બીજી રીતે કહીએ તો આ પ્રશ્ન રસાવિષ્કારનો છે અને એમાં પહેલાં બે સ્થિત્યન્તરો આત્મલક્ષી છે, તો છેલ્લું પરલક્ષી છે. સર્જનમાત્રની પ્રક્રિયામાં સર્જકની પોતાની સંવેદનશીલતા ઉપર એનાં સર્જનનો ખરો આધાર છે. અમુક ભાવ કે કલ્પના કે વસ્તુ કે વિચારનું સર્જકનું પોતાનું સંવેદન જેટલું તીવ્ર તેટલી એની વ્યક્તિ સ્પષ્ટ બનવાનો સમ્ભવ છે. એના ઉપરથી એટલું ફલિત થાય છે કે આ પ્રશ્ન સર્જકની તેમ જ ભોક્તાની માનસિક પ્રક્રિયાને લગતો છે. આથી કરીને એને સ્પષ્ટતા અથવા પ્રસાદ જે માત્ર શબ્દ ઉપર અવલમ્બે છે તેના રૂપ ગણી લેવું ભૂલભરેલું છે. તીવ્ર સંવેદનને પરિણામે જન્મેલી કૃતિ બનતાં સુધી સચોટ નીવડે છે; એથી તો ઊલટું એમ કહેવું જોઈએ કે ઉપરનાં ત્રણ સ્થિત્યન્તરોમાંથી પહેલાં બે ત્રીજાનાં કારણો છે. આમ પહેલાં બે સ્થિત્યન્તરોમાંથી પહેલાં બે ત્રીજાનાં કારણો છે. આમ પહેલાં બે સ્થિત્યન્તરોને ત્રીજાં સાથે કાર્યકારણભાવનો સમ્બન્ધ છે. આની સાથે રસનિષ્પત્તિની આપણી માન્યતાનો વિચાર કરીએ તો તે મુજબ કોઈ પણ સર્જનથી ભોકતાનાં મનમાં રસનો આવિર્ભાવ થાય છે. ત્યાં સુધીમાં રસાવિષ્કારની પ્રક્રિયા બે વખત ભજવાય છે. એક તો સર્જક પોતે જ્યારે એવો રસ અનુભવે છે ત્યારેં અને બીજું સર્જક વ્યક્ત કરેલાં સર્જનથી ભોક્તાએનો અનુભવ કરે છે ત્યારે. પહેલી વખતે રસાવિષ્કારની પ્રક્રિયા આત્મલક્ષી જ રહે છે, બીજી વખતે એ પરલક્ષી પણ બને છે. મુખ્ય વાત તો એ છે કે જે બન્ને વખતે પ્રક્રિયા તો રસાવિષ્કારની છે; અને સર્જકના પોતાના રસાનુભવની તીવ્રતાનાં પ્રમાણમાં ભોક્તાના રસાનુભવની ‘સચોટતા’નું પ્રમાણ રહે છે. આમ જેને રા. મુનશી સચોટતાની પ્રક્રિયાનાં ત્રણ સ્થિત્યન્તરો ગણાવે છે તેમાંથી એકે સચોટતાનું નથી; સચોટતા તો એ ત્રણેને અન્તે પરિણામરૂપે અવતરે છે. આમ રસાવિષ્કારની આત્મલક્ષી તેમ જ પરલક્ષી માનસિક પ્રક્રિયાને સર્જનના બાહ્યાંગરૂપ પ્રસાદની સાથે ભેળવીને બન્નેને એક જ તત્ત્વના-સચોટતાના-પ્રકારો ગણાવવાથી જ રા. મુનશીની આ વિચારણામાં અસ્પષ્ટતા વધી છે. આ જ મુદ્દાને જરા બીજી રીતે તપાસીએ. સર્જકના અનુભવો હંમેશા રસ ઉપર જ અવલમ્બતા નથી. જેને આપણે સ્વભાવોક્તિ કહીએ તેવાં સર્જનોમાં સર્જકને રસને બદલે તે વસ્તુના સ્વરૂપનું પૂર્ણ સંવેદન થવું જોઈએ. પહેલાં તો વસ્તુનો સંપૂર્ણ ચિતાર મનમાં ન બેસે તો સર્જક એને કથનમાં ઉતારી ન જ શકે. એટલે રા. મુનશીનાં પહેલાં બે સ્થિત્યન્તરો સર્જકની માનસિક પ્રક્રિયાને જ અનુલક્ષે છે પછી એ પ્રક્રિયામાં પ્રધાનત્વ ઊર્મિ (રસ). કલ્પના (અલંકાર) કે વિચાર(વસ્તુ)માંથી ગમે તેનું હોય. સર્જકની આ માનસિક પ્રક્રિયાને સચોટતા કહી શકાય જ નહિ. એ પ્રક્રિયા તો સચોટતાના જન્મનું કારણ છે. સચોટતાનો પ્રશ્ન કવિમાનસના અનુભવનો શબ્દવતાર થયા પછી જ આવે છે; અને ત્યારે એને આપણા સાહિત્યશાસ્ત્રીઓએ પ્રસાદ જ કહ્યો છે. ઉપર કરેલી ચર્ચાને પરિણામે હું એમ ધારું છું કે જે રા. મુનશી આ પ્રશ્નને એં સાચા સ્વરૂપમાં સમજી જ શક્યા નથી.. આ પુસ્તકનાં ‘સાહિત્યમાં સચોટતા’ નામે પ્રકરણમાં પૃ.૪૩-૫૨ સુધી એમણે સર્જકની તેમ જ ભોકતાની માનસિક પ્રક્રિયાનું વર્ણન કર્યું છે, તો પૃ.૫૨-૬૯ સુધીમાં શબ્દ ઉપર અવલમ્બતી ‘સચોટતા’નું વર્ણન કર્યું છે. પૃ.૫૨-૬૯ વાંચતાં એમ જણાઈ રહે છે જે તેમણે શબ્દ, શબ્દસમૂહ, શબ્દચિત્ર તેમ વળી કથનની રચના, સમાસ, વાક્યનું પ્રમાણ, વાક્યની પ્રૌઢિ, વગેરેની ચર્ચા કરી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સાદા નિયમો જાણનાર કોઈ પણ કહી શકે કે આ બધું વર્ણન ગુણ અને રીતિને લગતું છે; અને એ શબ્દ ઉપર અવલમ્બે છે, તેથી અર્થ જે સર્જનમાત્રનો આત્મા છે તેનાથી ગૌણપદનું છે. આમ સર્જનના આત્માને તેમ જ બાહ્યાંગને એક જ સચોટતા શબ્દમાં સમાવવાની વાત ભૂલભરેલી છે. પૃ.૪૨ પર ચર્ચાને અન્તે રા. મુનશી નીચેના નિયમો તારવે છે તેથી પણ ઉપરની વાત જ સિદ્ધ થાય છે. ૧. આપણા સ્વભાવ કે મનોદશાને લીધે આપણું જે સ્વરૂપ હતો હોય તેવું સ્વરૂપ જ્યારે કોઈ વસ્તુનું દેખાય ત્યારે આપણે એમ માનીએ છીએ કે તેમાં પણ તેવાં જ સ્વભાવ કે મનોદશા છે. ૨. આરોપણ કરનાર મનુષ્યનાં સ્વભાવ કે મનોદશાથી ઉદ્દભવતું તેનું સ્વરૂપ એવું હોય કે જ્યારે જ્યારે એ સ્વભાવ કે મનોદશા પ્રગટે ત્યારે એ જ સ્વરૂપ પ્રગટે; અને એ સ્વરૂપ અને આરોપ્ય વસ્તુના બાહ્ય સ્વરૂપ વચ્ચે એવું સરખાપણું હોય કે કલ્પનાશક્તિ તે એક જ છે એવો ભ્રમ પેદા કરી શકે. ત્યારે જ આરોપ્ય વસ્તુની અસર આરોપણ કરનાર પર સચોટ થાય. ૩. કલાત્મક કૃતિની સચોટ અસર ત્યારે જ થાય કે જ્યારે કલાકાર અને નિરીક્ષકનો એકસરખો સ્વભાવ હોય કે કૃતિમાં દર્શાવેલા પ્રસંગે એક જ પ્રકારની મનોદશા બંનેને થતી હોય; અથવા બેમાંથી એકના સ્વભાવમાં કે અમુક મનોદશામાં એટલાં વૈવિધ્ય અને સમૃદ્ધિ હોય કે બંને દર્શાવેલા પ્રસંગે એકસરખી મનોદશા અનુભવે. ૪. જો કલાકારે સામાન્ય માનવતાની મૌલિક મનોદશાનું કૃતિમાં આરોપણ કર્યું હશે તો વધારે સચોટતા હશે. ૫. અમુક મનોદશાથી કલાકારનું બાહ્ય સ્વરૂપ થાય તેવું જ સ્વરૂપ નિરીક્ષકનું તે મનોદશાથી થતું હોય તો જ એ મનોદશા દર્શાવેલી કૃતિની અસર થાય. નહિ તો એ મનોદશા અને એ સ્વરૂપ વચ્ચેનો સંબધ અવિભાજ્ય અને મૌલિક જોઈએ. ૬. અમુક મનોદશાથી નિરીક્ષકનું થતું સ્વરૂપ અને એ કૃતિથી દર્શાવેલી વસ્તુનિં સ્વરૂપ જેટલી અંશે એકસરખાં તેટલે જ અંશે તે મનોદશા પર કૃતિની અસર થાય.’૫[5] આ નિયમોને રા. મુનશીએ ચન્દ્રનાં ઉદાહરણથી વિશદ કરવાની મહેનત કરી છે. તેમાં ઘણીયે તાત્ત્વિક ભૂલો છે છતાં એના પરથી તારતમ્ય એ નીકળે છે કે જ્યારે ચન્દ્રમાં શીતળતા આદિ ધર્મનું આપણે આરોપણ કરીએ ત્યારે પહેલો નિયમ પ્રવર્તે. એ આરોપણને લીધે જ્યારે જ્યારે ચન્દ્રને જોઈએ ત્યારે ત્યારે આપણાં મનમાં સુખ અને શાન્તિનો ભાવ જાગે ત્યારે બીજો નિયમ પ્રવર્તે. અને પછી જ્યારે આપણે ચન્દ્રના ધર્મોનું અને સ્વરૂપનું કલ્પનાચિત્ર બીજા પાસે ખડું કરીએ ત્યારે બાકીના નિયમો પ્રવર્તે. મારે અહીં નોંધવું જોઈએ કે સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર મુજબ આ ત્રણે પ્રક્રિયા નીચે મુજબની છે. પહેલા નિયમમાં વર્ણવેલી પ્રક્રિયા અલંકારના એટલે કે કલ્પનાના વિષયની છે. એ કલ્પનાના સાહચર્યે ચન્દ્રને શીતળ મધુર આદિ માનવાને આપણે ટેવાઈ જઈએ છીએ. બીજા નિયમમાં વર્ણવેલ પ્રક્રિયા જેને ઉદ્દીપનવિભાવ કહે છે તેના વિષયની છે. અને પછીના નિયમોમાં વર્ણવેલી પ્રક્રિયા વિભાવઅનુભાવાદિ રસપ્રક્રિયાના વિષયની છે. આમાંથી એકે નિયમ માત્ર શબ્દને અનુલક્ષતો નથી, તેથી આ નિયમોને સચોટતાના નિયમો કહી ન શકાય. ચોથા નિયમમાં ‘માનવતાની મૌલિક મનોદશા’ની વાત કરી છે તે યોગ્ય છે પણ આપણા રસો અને ભાવો એ ‘મૌલિક મનોદશા’ ના જ વિભાગો છે; અને, સર્જનમાત્રમાં રસની ભૂમિકા હોવી જ જોઈએ એમ કહીને આપણા સાહિત્યશાસ્ત્રીઓએ ‘માનવતાની મૌલિક મનોદશા’ની જ વાત કરી છે. રા. મુનશીએ આ પુસ્તકમાં સચોટતા વિશે કરેલી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ જ છે. તેને અંગે ઘણી વિગતમાં તેઓ ઊતર્યા છે. તે વિગતોમાં અચોક્કસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજ ઠેકઠેકાણે દેખાય છે. પણ, સમય અને સ્થળના અભાવે એની ચર્ચામાં હું હમણાં ઊતરી શકતો નથી. (છપાયો, કૌમુદી, નવેમ્બર ૧૯૩૬) [કાવ્યવિવેચન, ચારૂતર પ્રકાશન, આણંદ, ૧૯૪૯]


  1. ૧. ૧૯૯૩નાં ગ્રંથસ્થ સાહિત્યની સમીક્ષામાં રા. વિશ્વનાથ ભટ્ટે કરેલાં નીચેનાં મિતાક્ષરી વિધાનો એટલાં તો સાચાં છે કે મારા આ લેખની ચર્ચા એના ઉપર ભાષ્ય જેવી જ થશે. રા. વિશ્વનાથે લખ્યું છે (પૃ.૨૨) ‘લેખકે પોતાના સામાન્ય રિવાજ પ્રમાણે આમાંના કેટલાક વિચારો બીજેથી લીધા છે તે તો ભલે, પણ બીજેથી લીધા પછી પણ એ વિચારોને આપણી ભાષામાં રજૂ કરતાં પહેલાં તેને જેટલા આત્મસાત્ કરવા જોઈએ, ને આપણા પ્રચલિત વિચારો તેમ પરંપરાગત પરિભાષા સાથે એનો જેટલો સમન્વય સાધવો જોઈએ તે કશું થએલું નહિ હોવાથી આ ભાગનું લખાણ જોઈએ તેટલું વિશદ બન્યું નથી, એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો જાણે પારકું હોય નહિં એવું અતડું અતડું લાગ્યા કરે છે. પશ્ચિમની સાથે આપણા સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું પણ એમણે જો થોડું અવલોકન કર્યું હોત અને પોતાના વક્તવ્યને આપણા સાહિત્યમાંથી પુષ્કળ તાજાં દૃષ્ટાંતો લઈને સમર્થિત કરવાનું રાખ્યું હોત તો એમની સાહિત્યમીમાંસા વિશેષ સ્પષ્ટ અને ‘સચોટ’ બની શકત.’
  2. ૨. સરિતા ઉપવન પર્વત આદિ પ્રકૃતિદૃશ્યોનું વર્ણન કરવામાં તેમ વળી બાલક્રીડા કે અશ્વદેહ આદિ સ્વભાવોક્ત વર્ણન કરવામાં ઊર્મિક્ષોભ થાય કે નહિં એ પ્રશ્નને અહીં છેડતો નથી. એના વિશે ભવિષ્યમાં ચર્ચા કરવા વિચાર છે.
  3. ૩. શાસ્ત્રીય વિવેચનમાં ‘સચોટતા’ તે કંઈ શબ્દ છે? એના જેવો વ્યવહારમાં એકથી વધારે અર્થમાં વપરાતો શબ્દ શાસ્ત્રીય પરિભાષાની ચોક્કસતામાં કેમ કામ લાગે? એટલે તો નવી પરિભાષા બનાવવામાં સ્વનિષ્ઠ અન્યસર્વવ્યાવર્તક અર્થવાળા શબ્દો જ યોજવા પડે છે.
  4. ૪. શબ્દ અને અર્થનો ઉપર દર્શાવેલ ભેદ નહિ સમજવાથી રા. મુનશી જગન્નાથ પંડિત જેવા વ્યુત્પન્ન સાહિત્યશાસ્ત્રીને અન્યાય કરી બેઠા છે. બાવનમાં પૃષ્ઠ ઉપર જગન્નાથની કાવ્યની વ્યાખ્યા આપીને રા. મુનશી લખે છેઃ ‘ખાલી રમણીયતા-સચોટતા વિનાની સરસતાનો (આ સરસતા શબ્દ પણ શાસ્ત્રી પરિભાષામાં ચાલે તેવો નથી: પણ એ હું બીજા લેખમાં બતાવીશ,) આ આદર્શ સિદ્ધ કરવા કૃત્રિમતા જ સેવવી પડે છે.’ પણ, જગન્નાથની વ્યાખ્યામાં રમણીયતા અર્થની સાથે જાય છે તો શબ્દને પણ એણે વિસારે નથી પાડ્યો, પ્રસાદ કે સચોટતા શબ્દનો ગુણ છે. તેથી ગૌમ છે તેની એની ચર્ચા વ્યાખ્યામાં નહિ, પણ જુદી બધા કાવ્યશાસ્ત્રીઓ કરે છે. જગન્નાથે કે કોઈપણ કાવ્યશાસ્ત્રીએ સચોટતા વિનાની સરસતાનો આદર્શ સેવ્યો જ નથ. મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યની કૃત્રિમતાનું કારણ એ આદર્શ છે પણ નહિં. એનાં કારણો બીજાં છે. જગન્નાથની વ્યાખ્યાથી તો ઊલટું એમ સમજવું જોઈએ કે એણે શબ્દને તેમ જ અર્થને એટલે માનસિક પ્રક્રિયાને તેમ જ બાહ્યાંગોને પૂરો ન્યાય આપ્યો છે.
  5. ૫. કોઈ પણ વાંચનાર સમજી શકશે કે રા. મુનશી બહુ કઢંગી પરિભાષા વાપરે છે. સિદ્ધાન્તચર્ચામાં એકધારી પરિભાષાનું મહત્ત્વ બહુ ઘણું છે. પરિભાષા મનન વચ્ચેની સાંકળ છે. એના અંકોડાને તમે ફાવે તેમ બદલ્યા કરો તો ગોટાળો બહુ વધી જાય અને શૃંખલાબદ્ધતા કે એકધારાપણું ન રહે. જે જે સાહિતયમાં જુદા જુદા વિષયો માટે અમુક પરિભાષા નિર્ણિત થઈ ગઈ હોય તે તે સાહિત્યમાં સિદ્ધાન્તચર્ચા માટે તે જ પરિભાષા વાપરવાથી ચર્ચા બધાને સ્પષ્ટ બની શકે. ઉપરના પહેલા નિયમમાં ‘આપણા સ્વભાવ કે મનોદશાને લીધે આપણું જે સ્વરૂપ થતું હોય’ એમ છે એમાં આપણું સ્વરૂપ એટલે શું? ચંદ્રમાં શીતળતા આરોપીએ ત્યારે ‘આપણું સ્વરૂપ’ શું શીતળ હોય છે? પણ, આ સિદ્ધાન્તદોષ નથી, પરિભાષાદોષ છે. ‘મૌલિક મનોદશા’ પ્રયોગ પણ એવો જ દૂષિત છે.

****