સાફલ્યટાણું/૮. મહાનગર મુંબઈ

From Ekatra Wiki
Revision as of 13:22, 6 April 2025 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૮. મહાનગર મુંબઈ | }} {{Poem2Open}} બઝાર ગેટ સ્ટ્રીટમાં ગુલાબભાઈને ત્યાં થોડાક દિવસ રહી હું પ્રિન્સેસ સ્ટ્રીટ પર આવેલા પીરભાઈ બિલ્ડિંગમાંના યુનાઈટેડ જૈન સ્ટુડન્ટસ હોમમાં રહેવા ગય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. મહાનગર મુંબઈ

બઝાર ગેટ સ્ટ્રીટમાં ગુલાબભાઈને ત્યાં થોડાક દિવસ રહી હું પ્રિન્સેસ સ્ટ્રીટ પર આવેલા પીરભાઈ બિલ્ડિંગમાંના યુનાઈટેડ જૈન સ્ટુડન્ટસ હોમમાં રહેવા ગયો. એ છાત્રાલય પાંચમે માળે હતું. એમાં ચડવા-ઊતરવાની કોઈ અગવડ મેં કદી પણ અનુભવી ન હતી. મારા સાથીઓનું વલણ પણ એવું જ હતું. અનેક વખત અમે બબ્બે પગથિયાં એકસાથે ચડતા અને ઊતરતા. અમારામાંના કેટલાક તો કઠેરાનું આલંબન લઈ એકસાથે, માઉન્ટનિયરિંગમાં રૅપલિંગ કરતા હોય તેવી રીતે ઊતરતી વખતે ચાર-પાંચ પગથિયાં એકસાથે ઊતરી જતા. આજે એ બધું યાદ આવતાં એમ થાય છે કે પાંગરતા યૌવનની કેટલી બધી ધન્યતા ડગલે ને પગલે અમે માણતા! આજે મારે દાદર ચડવો હોય તો કંઈક આલંબન લેવું પડે. ઊતરતી વખતે પણ એમ જ કરવું પડે. રસ્તો ઓળંગવો હોય તો કોઈકની મદદ વિના ઓળંગી ન શકાય. આવી પરવશતાનો જરા જેટલો પણ સ્પર્શ થતો ન હોય એવા દિવસો પોતે જ આપણું ઘણું મોટું બળ બની રહેતા હોય છે. સ્વાવલંબી બનવાનું આવતાં મેં એનો સતત અનુભવ કર્યો.

અગાઉ જણાવી ગયો છું તેમ મેં શ્રી જેરાજાણીને કંઈક કામ મેળવી આપવા લખ્યું હતું તેથી મુંબઈ આવતાં મેં તરત જ એમનો સંપર્ક સાધ્યો હતો. એમની એકવડી અને તેજસ્વી કાયા પ્રથમ પરિચયથી જ આપણને એમને માટે આદર પ્રેરે. તેમાં એ ગાંધીજીને અત્યંત પ્રિય એવી ખાદી પ્રવૃત્તિ માટેના મુંબઈના ખાદીભંડારના સંચાલક હતા એ ઘટના ઉમેરો કરતી હતી. મારી સાથેની થોડી વાતચીતમાં એ જોઈ શક્યા કે મને હિસાબ-કિતાબની કશી ગતાગમ ન હતી. એમણે કહ્યું કે મારી પાસે તો નામું લખવાનું કે એવું કંઈ કામ નીકળી શકે. એ વિના તમને બીજું હું શું આપી શકું? તમે ખાદી વેચવાનું કરી શકો? એમાં ઘણી ચોકસાઈ રાખવી પડે. મહેનત કરવી પડે. એને માટે પાર્ટ ટાઈમ (અલ્પ સમયનું કામ) જોબ નહીં પરવડે. એટલે તમને કયું કામ આવડે તે જણાવો તો હું કંઈક કરી શકું.’ મેં કહ્યું: ‘મને ગુજરાતી તેમજ અંગ્રેજી સારી રીતે લખતાં આવડે છે. આપણા પત્રવ્યવહારનું કામ મને સોંપો તો તે હું કાળજીથી કરીશ.' થોડીક ચર્ચાના અંત એ વખતે વપરાતા ડુપ્લીકેટર પર ત્યાંથી લખાતા કેટલાક કાગળોની કૉપ ઉતારવાનું કામ તેમણે મને સોંપ્યું. એ માટે રોજ મારે ખાદીભંડારમાં એક કલપ્સ ગાળવાનો હતો અને તેના વેતન રૂપે મને દર મહિને પાંત્રીસ રૂપિયા મળશે એવું તેમણે મને જણાવ્યું. મારે માટે આથી વધુ મોટું સદ્ભાગ્ય તે વખતે હું કલ્પી શકત નહીં. હું ખુશ થયો અને એ કામમાં તરત જ જોડાઈ ગયો. મુંબઈ જો વધુ રહેવાનું થયું હોત તો શ્રી જેરાજાણીના વિશેષ સંપર્કમાં હું આવી શક્યો હોત અને તેમની પાસેથી શીખવા જેવું ઘણું મને મળી જાત. એમની વ્યવસ્થા, ચોકસાઈ, ધીરજ એ બધાંની મારા મન ઉપર ઊંડી છાપ પડી અને જો વ્યવહારની બાબતમાં હું ઠોઠ વિદ્યાર્થી ન હોત તો એનાથી હું ઘણું મોટું જીવનભાથું બાંધી લઈ શકત. આ પહેલાં મારી કેટલીક નબળાઈઓનો ઉલ્લેખ હું કરી ગયો છું તેવું જ મારાં પુસ્તકો, મારી વસ્તુઓ, મારે બેસવાનો ઓરડો, સૂવાનો ઓરડો એ બધું મારા કુટુંબના કોઈ સભ્યના વાંક વિના કેવળ મારે લઈને જ જે અસ્તવ્યસ્ત, જથ ૨૫ થર હાલતમાં રહે છે તે રહેવા પામત નહીં.

આ કામ ઉપરાંત મારે એક અણધાર્યું કામ સંભાળવાનું આવ્યું. અસહકારના કાર્યક્રમમાં પરદેશી કાપડ બહિષ્કારનું બહુ અગત્યનું સ્થાન હતું. એને અસરકારક બનાવવા માટે ગાંધીજીએ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ પરદેશી કાપડની હોળી કરાવવાનો કાર્યક્રમ આપ્યો. આ મુજબ ઠેર ઠેર ઘર ઘરથી ઉઘરાવેલા પરદેશી કાપડના ઢગલા થવા માંડ્યા. આવી રીતે મુંબઈમાં ભેગા થયેલા પરદેશી કાપડને ગોદામમાં રાખવાની જવાબદારી અમારા ખાદીભંડાર માથે આવી. આમ તો મારે એક જ કલાક જવાનું હતું; પણ આ નિમિત્તે વિશેષ પુરસ્કાર લીધા વિના બને તેટલી જવાબદારી લેવાના શ્રી જેરાજાણીના અછડતા સૂચનને મેં વધાવી લીધું.

એ વખતે એક મોટો મતભેદ ગાંધીજી અને કેટલાક કાર્યકર્તા વચ્ચે ઊભો થયો હતો. પરદેશી કાપડનો બહિષ્કાર યોગ્ય છે; આપણે વસાવેલા પરદેશી કાપડનો હવે ઉપયોગ ન કરીએ એ પણ ઉચિત અને જરૂરી છે, પરંતુ જેમને માટે આપણી સમક્ષ હતી તેવી કોઈ સમસ્યા ન હોય, જેમને પરદેશી કે દેશી એવી કોઈ મથામણ ન હોય, જેમને તો મોટામાં મોટી સમસ્યા પોતાનાં અંગ ઢાંકવાનાં સાધનોની જ હોય એવા, આપણા દેશના નહીં તો બીજા કોઈ દેશના દીનદરિદ્ર, પીડિત લોકો માટે એનો ઉપયોગ નહીં કરી શકાય? આ હતો કેટલાક કાર્યકર્તાઓનો વિદેશી કાપડની હોળી અંગેનો પ્રતિભાવ. ગાંધીજીએ એના જવાબમાં એવું જણાવ્યું કે આપણે માટે જે ત્યાજય છે, જે પાપરૂપ છે તે અન્યને કેમ અપાય? એમની આ દૃષ્ટિમાં રહેલી ઊંડી સંવેદના સમજવી સહેલી ન હતી. આ કાપડ અંગે ગાંધીજીનો મનોભાવ શો હશે તે એમણે સત્યાગ્રહ આશ્રમના નિત્ય આચારમાં અમલમાં મુકાવેલી અને દિનચર્યામાંથી સ્પષ્ટ જશે ઃ જમતી વખતે એક દાણા જેટલું પણ એઠું ન મૂકવું એ એમનો સતત આગ્રહ. આમ છતાં પણ જો એઠું રહેવા પામ્યું હોય તો એ એઠું કૂતરાં, બિલાડાં કે અન્ય પ્રાણીને ન આપતાં, ઉખેડી ન શકાય એટલે ઊંડે દાટવું. કૂતરાંને પણ એઠ નહીં જ અપાય અને એમને એ રીતે પામરતામાં હડસેલી ન શકાય એ એમના આગ્રહ જેવો જ પરદેશી કાપડ પ્રત્યેનો એમનો અભિગમ હતો. આથી બધા વિરોધોને અવગણી કાપડની હોળી માટેના પોતાના આગ્રહને એ-વળગી રહ્યા.

આ મુજબ મુંબઈમાં ભેગા થવા માંડેલા કાપડના ઢગલા ખાદીભંડારે રોકી લીધેલા મકાનમાં ખડકાવા માંડ્યા. પ્રિન્સેસ સ્ટ્રીટ અને લુહાર ચાલ વચ્ચેના ત્રિકોણિયા મકાનમાં વસ્રો ભેગાં થયાં અને એના માટે જાતજાતના હૅન્ગર, ક્બાટ, વિ. મેળવી એક નવો ગંજાવર સ્ટોર શરૂ થયો હોય એવો દેખાવ અમે સર્જ્યો.

આ બધું એટલી આકર્ષક રીતે ગોઠવાયેલું હતું કે રસ્તે આવતાજતા અનેક લોકો એમાં પ્રવેશ કરી જુદી જુદી વસ્તુઓની કિંમત પૂછતા અને અમે જ્યારે કહેતા કે વેચવાની નથી, બાળવાની છે ત્યારે એમાંના કેટલાક તો સખત આઘાત પામતા. એમાં અંગ્રેજો તો એ વાતથી બેચેન બની જતા. આવેલી વસ્તુઓમાં કેટલીક તો અપ્રાપ્ય અને અત્યંત કિંમતી હતી! એ વખતના મુંબઈના એક વિખ્યાત કાર્યકર્તા ઉમર સોબાનીના ઘરમાંથી સાડીઓ, કોટ, શર્ટ, પાટલૂન, પાઈજામા, ગાઉન આદિ એટલી મોંધી કિંમતનાં આવ્યાં હતાં કે અમને પણ થતું કે ખરેખર આ બધું આપણે બાળી નાખવું જોઈએ? એનો બીજો કોઈ રસ્તો ન નીકળે? ત્યારે ગાંધીજીની પેલી ‘ઉચ્છિષ્ટ' સંજ્ઞા અમને મૂંગા કરી દેતી. આવેલા કાપડમાં ઉમર સોબાનીના ઘરની એક સાડી બારસો રૂપિયાની હતી, જ્યારે ઉત્તમ સાડીઓ પણ સાંઠ-સિત્તેર રૂપિયામાં જોઈએ તેટલી મળી શકતી-ત્યારે આવી મોંઘી સાડી પહેરનારનું જીવનધોરણ પણ કેવું હશે એ અમે વિચારી ગાંધીજીનો પ્રભાવ ક્યાં ક્યાં પહોંચ્યો છે તેનાં ચિત્રો કલ્પનામાં કંડારતા. મારી સાથે આ કામમાં જે પગારદાર કાર્યકર્તા રોકાયા હતા એમાં બે બહુ જ રૂપાળા છોકરાઓ હતા. તે સતત આ સાડી અને એવી કિંમતી વસ્તુઓને સ્પર્શી, એની કદર કરી આનંદ અનુભવતા. એક દિવસે એ મકાનના નીચેના એક ખાલી ઓરડામાં કોઈના હસવાનો અવાજ સાંભળતાં હું ત્યાં ગયો તો એ બેમાંનો એક છોકરો પેલી સાડીને પહેરવાની મથામણ કરતો હતો. મને પણ એ જોતાં હસવું આવ્યું પણ તરત જ મેં તેનું ધ્યાન ખેંચ્યું કે આમ કરવું એ ગુનો ગણાય. આપણા કોઈ ઉપરીઓને એની જાણ થાય તો સંભવ છે કે આ કામમાંથી આપણને મુક્ત કરે. એ બન્ને શરમિંદા બની ગયા અને એ સાડી પાછી વ્યવસ્થિત રીતે એમણે શો-કેસમાં મૂકી દીધી.

આ રીતે કાપડના ઢગલા ઠેર ઠેર કરવામાં આવ્યા હતા અને લોકો જે રીતે એમાં પોતાનાં કપડાં અર્પતાં હતાં તે જોતાં મને કોઈ કોઈ વાર વિચાર આવતો કે આ બધું દેખાદેખીથી થતું હશે? મોટાઈ બતાવવા થતું હશે? કે પછી ખરેખર ભાવનાથી? ઉદાહરણ તરીકે જે કીમતી વસ્ત્રો એમાં આવ્યાં હતાં એ બધાં પહેરવા જે લોકો ટેવાયેલાં હતાં એમાંનાં કેટલાં અનાયાસે એને છોડી શક્યાં હશે? એ શેનો મહિમા હતો? રાષ્ટ્રભાવનાનો? સ્વદેશીભાવનાનો? કે ગાંધીભક્તિનો?

મુંબઈની એલફિન્સ્ટન મિલના ચોગાનમાં પરદેશી કાપડનો ઘણો મોટો ડુંગર ખડકાયો. તે વખતે ગાંધીજીએ પોતાના ભાષણમાં ખાદીની વાત કરતાં પોતાની પાસે બેઠેલાં સરોજિનીદેવીને ઉલ્લેખીને કહ્યું કે ‘સરોજિનીને લાગતું હતું કે આવી સાંધા ઓટી તૈયાર કરેલી જાડી ખાદી બહેનો કેવી રીતે પહેરે? ત્યારે મેં કહ્યું કે ભાઈઓ કદાચ આ ફરિયાદ કરે તે સમજાય પણ બહેનો જે પોતાના ઉદરમાં નવ માસ બાળક રાખે છે તેઓ તો તેને હલકી ફુલ જ સમજે.’ અને પછી હસીને કહ્યું કે ‘જુઓને, સરોજિની એવી જ ખાદી પહેરીને બેઠાં છે; પણ ક્યાંય નડે છે એમને?’ એમનો આ હળવો વિનોદ કોઈ જગાએ નોંધાયો છે કે નહીં તેનો મને ખ્યાલ નથી પણ એ મને કાયમ માટે યાદ રહ્યો છે. એ વખતે અમે ઓછા પનાની ખાદીના બે ટુકડાને સાંધી તેને ધોતિયા તરીકે વાપરતા. આ અમારા માટે એક રીતે નવું ન હતું. અમારા ગામમાં પહેલાં લોકો જૂનાં ધોતિયાંને વચ્ચેથી ફાડી તેના બેઉ બાજુના છેડાને સાંધી દાંડિયા નામે ઓળખાતાં પંચિયાં ખાસ કરીને સૂતી વખતે પહેરતા; પણ આ તો દિવસભર પહેરવા પડતાં! અને સ્રીઓને એવાં સાંધાવાળાં લૂગડાં પહેરતાં શું થતું હશે તે તો સ્ત્રીઓ જ જાણે.

મુંબઈમાં થયેલી પરદેશી કાપડની હોળી જેવી દેશના બીજા અનેક ભાગમાં થઈ હતી. આથી અંગ્રેજ સત્તાવાળાઓ અને ઉદ્યોગપતિઓ પર કેવી માઠી અસર થઈ હશે! ગાંધીજીની વિરુદ્ધ એમના મનમાં કેવી ઉગ્ર લાગણીઓ પેદા થઈ હશે તે સમજી શકાય તેવું છે. કરોડો રૂપિયાની આ સંપત્તિ ભસ્મીભૂત થતાં ગાંધીજીની નજર સમક્ષ શું હતું? શું લોકોએ જે મહાન ભોગો માટે સજ્જ થવાનું હતું તેની એ પ્રાથમિક તાલીમ હતી? જે સત્યાગ્રહ દ્વારા પોતાનું બધું હોમી દઈ મરીને જીવવાના મંત્રની લોકોએ નિજને ને જગતને દીક્ષા આપવાની હતી તેની એ બારાખડી હતી?

મુંબઈમાં પત્ર દ્વારા મેં જેમનો સંપર્ક સાધ્યો હતો તે શ્રી હંસરાજ પ્રાગજીને મેં ખબર આપી કે હું મહાવિદ્યાલયમાં જોડાયો છું અને તેમની અનુકૂળતાએ તેઓ મને બોલાવશે ત્યારે હું તેમને મળવા જઈશ. એમનો જવાબ આવ્યો અને મળવા માટે મને આપેલા સમયે હું તેમના ઘેર ગયો. તેઓ પેડર રોડ પર રહેતા હતા. મુંબઈનો એ ભવ્ય લત્તો જોતાં હું પ્રભાવિત થઈ ગયો. રાજમહેલ જેવાં એનાં મકાનો, એના ઘણા ભવ્ય બગીચાઓ અને તેમાંનાં રંગીન ફૂલો, ફુવારા એ બધું મને કોઈ સ્વપ્નનગરમાં હું જઈ ચડ્યો હોઉં એવું લાગ્યું. કોઈ કોઈ મકાનને આકર્ષક ઘુમ્મટો હતા. આ બધું જોતાં જોતાં પગપાળો હું હંસરાજજીના મહાલયે પહોંચ્યો. તેના દરવાને મને પૂછ્યું: ‘તમે જ કે ઝીણાભાઈ?' હું ઘણો વિસ્મય થયો અને ત્યાં પહોંચતાં મને જે થોડીક અવઢવ હતી કે હું કેવી રીતે તેમને ખબર આપીશ તે મટી ગઈ. મને તે હંસરાજજી બેઠા હતા તે ખંડમાં લઈ ગયો. સામાન્ય રીતે ભાટિયાઓ વધુ ભરાવદાર શરીરવાળા હોય છે એવું મેં સાંભળ્યું હતું. હંસરાજજીને જોતાં એ એમને લાગુ પડતું ન હતું. મધ્ય ઊંચાઈ ને આકર્ષક ગૌર વર્ણ-એમના તરફ આકર્ષે એવી એમની પ્રતિભા હતી. એમણે મને પૂછ્યું: ‘મુંબઈ તમે પહેલી વખત આવ્યા છો?’ મેં ‘ના જી, આ પહેલાં હું ઘણી વખત આવી ગયો છું અને અહીં ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં એક વરસ ભણ્યો પણ છું; પરંતુ પેડર રોડ પર મારે પહેલી જ વાર આવવાનું થયું છે અને આજ સુધી આ વિસ્તાર કેમ જોવાનો રહી ગયો એની મને નવાઈ લાગે છે.’ ત્યાર પછી તેમણે મારી અંગત વાતો પૂછી. અસહકાર અંગે પણ એમણે એમનો પ્રતિભાવ દર્શાવ્યો. પરદેશી કાપડની હોળી અંગે નાપસંદગી દર્શાવી. તેમણે એ કાપડ પરદેશમાં વેચી અથવા વહેંચી એનો વધુ સારો ઉપયોગ થઈ શકત એવું પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું. એમના વિધાનનો નમ્રતા સાથે પ્રતિકાર કરતાં મેં કહ્યું કે આપણને જે ન ખપે તે બીજાને કેમ આપીએ? અને આપણે માટે જે પાપરૂપ હોય તેને વેચી જે નાણાં મેળવીએ તે કયાં અનિષ્ટો નહિ સર્જે?’ તે હસ્યા,' તમે અસહકા ૨ી કેમ બન્યા તેમાં નવાઈ નથી, કારણ કે આ રીતે જે વિચાર કરે તે બીજું શું કરી શકે? જીવન તમે વિચારો છો તેવું સરળ અને સીધું નથી. એમાં અનેક આંટીઘૂંટીઓ આવે છે. અનુભવથી એ તમે શીખશો.' વાત કરવામાં તેમની ધીરજ અને ઉદારતાથી હું મુગ્ધ થયો. એ પછી મુદ્દાની વાત પર આવતાં મને જે કામ જેરાજાણીએ આપ્યું હતું તેની મેં વાત કરી, એટલે તેમણે કહ્યું કે:' તો તમારે હવે વધુ મદદની જરૂર નથી, ખરું ને?' મેં હકારમાં તેનો ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે જરૂર પડે તો વગર સંકોચે તમે આવજો. એ પછી બીજી કેટલીક વાતોમાંથી એમણે જાણ્યું કે હું મોટરમાં કદી પણ બેઠો ન હતો. એ વખતે મુંબઈ શહેરમાં પણ મોટરોની ભીડ ન હતી. મોટેભાગે વિક્ટોરિયા વપરાતી એટલે એમણે મને કહ્યું કે ચાલો હું તમને મોટરમાં થોડું મુંબઈ બતાવું. મારે માટે ચાનાસ્તો મંગાવી તેમણે પણ મારી સાથે ચા પી ફરવા જવા માટે કોટ અને પાઘડી મંગાવ્યાં. એમને માટે કોટ લઈ આવેલા નોકરે એમને જ્યારે કોટ પહેરાવવા માંડ્યો ત્યારે મેં ભારે રમૂજ અનુભવી. નાના બાળકની જેમ તેમના હાથ લંબાવી, બાંય નાખી કોટનાં બધાં બટનો પણ વાસી આપી, નોકરે એમનાં ચંપલની જગ્યાએ બૂટ પહેરાવી તેની દોરી બાંધી ત્યારે મને વિચાર આવ્યો કે માણસનો આ રીતે ઉપયોગ થાય એ બરોબર છે? એમાં રહેલી મોટાઈનો ખ્યાલ આવવો બહુ મુશ્કેલ ન હતો અને અનુભવે મેં પાછળથી જોયું કે જે લોકો મોટા ત્યાગ કરી શકતા હતા તેવા પણ સંજોગ બદલાતાં આવો વ્યવહાર અજુગતો નહોતો લેખતા. ઉદાહરણ તરીકે સ્વરાજ્ય આવ્યા પછી મુંબઈના ગવર્નર બનેલા શ્રી પ્રકાશ એકવાર અમદાવાદ આવ્યા હતા ત્યારે હું ભૂલતો ન હોઉં તો એમના માનમાં સંસ્કાર કેન્દ્રમાં બોલાવાયેલી સભામાં એમના માટે એક મોટો પ્લૅટફૉર્મ તૈયાર કરી, ગાદીતક્રિયાથી એને સજ્જ કરાયો હતો. એ ઉપર ખુલ્લા પગે બેસવાનું હતું, એટલે એમની સાથેના એ.ડી.સી.એ. વાંકા વળી બૂટની દોરી છોડી બૂટ કાઢી પ્લૅટફૉર્મની નીચે ગોઠવી દીધાં. હંસરાજ પ્રાગજી તો મોટા લક્ષ્મીનંદન હતા અને તેમને તેમના ત્યાગનો કોઈ દાવો ન હતો; પરંતુ શ્રીપ્રકાશ તો અમારી લડતના એક આદરણીય સેનાની. એમનું જીવન ત્યાગપ્રધાન હતું. બાબુ ભગવાનદાસ જેવા દેશભક્ત અને વિદ્વાનન પુત્ર તરીકે એમને ભવ્ય વારસો મળ્યો હતો. એ બધું છતાં એ ગવર્નર થય એટલે બદલાઈ ગયા? સભા પછી મેં મારા મિત્રો સાથે આની ચર્ચા કરી ત્યારે એક જણે કહ્યું કે આપણને એની નવાઈ લાગે પણ ઉત્તર ભારતમાં તો આ સામાન્ય શિરસ્તો છે. આ સાંભળ્યા પછી એક વખત જ્યારે પંડિત જવાહરલાલ નહેરુને મળવા જવાનું થયું ત્યારે ત્રિમૂર્તિના ભવ્ય બગીચામાં વિદેશથી આવેલા કોઈક મહેમાન સાથે એ લટાર મારવા ગયા હતા અને ત્યાંથી એ પાછા આવ્યા ત્યારે નોકરે દોડી આવી પરોઢના ઝાકળથી જોડા પર લાગેલા ઘાસને એમના તથા મહેમાનોના બૂટ પરથી લૂછી નાખ્યું. નોકરો આ કામ કરતા હતા એ દરમિયાન એ અમારી સાથે વાત કરતા રહ્યા. આ અનુભવો પરથી મેં વારંવાર એ વિચાર્યું છે કે આપણે બીજાઓની વર્તણૂક જે રીતે જોઈએ છીએ તે રીતે આપણી વર્તણૂકને કેટલી તપાસીએ છીએ? દાખલા તરીકે આપણા ઘરના નોકર પાસેથી આપણે આપણાં કેટલાં બધાં અંગત કામો કરાવીએ છીએ? આપણાં ચંપલ સાફ કરવા અને બૂટને પૉલિશ કરવાથી માંડી આપણી પથારી કરવી, મચ્છરદાની નાખવી વગેરે જે અનેક કામ આપણી જાતે કરી શકીએ તેવાં કેટલાં બધાં કામ તેમની પાસે કરાવીએ છીએ! આ રીતે વિચાર કરતાં તો આપણે વનવાસી દિગંબર સ્થિતિનો જ વિચાર કરવાનો રહે; એટલે સમાજસંગ્રહની દૃષ્ટિએ જુદી જુદી જગાએ સમાજજીવનની જુદી જુદી કક્ષાએ જે આચાર પ્રચલિત બન્યા હોય તે વધારે કઠોરતાથી મૂલવવાને બદલે આપણી જાતને એનાથી બને તેટલી રીતે મુક્ત રાખી શકીએ એવું આપણું આચરણ થાય તો સારું-આ વિચાર મને હંસરાજીના સાંનિધ્યમાં તો ન આવ્યો; પણ અનુભવથી વિચારતો થયો ત્યારે મને લાગ્યું કે એમના સંજોગોમાં એ સ્વાભાવિક હતું.

સભ્યતાએ કેવા કેવા આચારો સજર્યા છે એ હું જાણતો થયો ત્યારે મને જાત જાતનાં આશ્ચર્યો થયાં. દાખલા તરીકે છરીકાંટાના ઉપયોગ માટેની વધુ પડતી વેવલાઈનો મહિમા જોતાં મને લાગતું કે માણસ આવી નગણ્ય બાબતોમાં પોતાનો કેટલો બધો સમય બરબાદ કરે છે! ટૂંકમાં જીવનને જે રીતે હું જોતાં અને સમજતાં શીખ્યો તેમાં મુંબઈની વિશાળ સમાજે મને ઘણું બધું શીખવ્યું.

અમે જ્યારે ફરવા નીકળ્યા ત્યારે મોટરનું હોર્ન વાગતાં રસ્તા પરની માનવ મેદની બન્ને બાજુએ યંત્રવત્ ફંટાઈ જઈ મોટરને રસ્તો કરી આપતી હતી એ જોવામાં મને મઝા પડી. એ પહેલો અનુભવ હજુ પણ મારા મનમાં જેવો ને તેવો જ તાજો છે. મને તેમણે મુંબઈના ચોપાટી પરના રસ્તા પર ફેરવ્યો. મારા માટે તે રસ્તો પરિચિત હતો; પણ એમણે મને તેની કેટલીક વિશેષતાઓ બતાવી. ત્યાંથી અમે પ્રિન્સેસ સ્ટ્રીટ તરફ ગયા. જ્યાં હું રહેતો હતો ત્યાં એક બુકસ્ટૉલમાં મને એ લઈ ગયા. એમાંથી ગુજરાતી અને અંગ્રેજી એવાં લગભગ સો રૂપિયાનાં પુસ્તકો પસંદ કરી તેમણે મને વાંચવા આપ્યાં અને કહ્યું કે એ વાંચ્યા પછી ગમે તો તમારી પાસે રાખી મૂકજો. આ ઔદાર્યથી જાણે કે હું દબાઈ ગયો ને મેં કહ્યું કે, ‘મને ગમશે તો ય હું એ બધાં જ આપને અચૂક પહોંચાડીશ.’ એમણે કહ્યું, ‘એની જરૂર નથી.’ આમ મુંબઈના એક લક્ષ્મીનંદન સાથેનો મારો પરિચય મારા માટે માનવતાની દૃષ્ટિએ મૂલ્યવાન બની ગયો.

આ રીતે મુંબઈમાં વિવિધ અનુભવોમાંથી પસાર થતાં, મિત્રો સાથેની વાતચીતમાં અસહકારની લડતના વિવિધ વળાંકોની જ્યારે અમે ચર્ચા કરતા ત્યારે ભણવાનું છોડી દઈ લડતના મેદાનમાં દોડી જવાનું મન થતું. પણ આવી રીતે ચંચળ મનના બનવું એ ઠીક નથી એમ હું જ મારી જાતને સમજાવવા મથતો. ‘જો મારે આમ જ કરવું હતું તો શા માટે હું અહીં આવ્યો? શા માટે મેં આર્થિક સહાય લીધી? અને કાશીબાના મનમાં શા માટે નવી અપેક્ષાઓ જન્માવી?’ એટલે મન પર સંયમ રાખી હું મારા ભણતરમાં ચિત્ત પરોવવાની કોશિશ કરતો રહ્યો.

હું જ્યારે રહેતો હતો તે હૉસ્ટેલમાં મને જે સાથીઓ મળ્યા તેમાં નાનુભાઈ ભટ્ટ નામના વિજ્ઞાનના એક વિદ્યાર્થી હતા. આપણા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીથી નાના પણ એમના મામા હોઈ તેમની કેટલીક વાતો તે મને સંભળાવતા. એમનું કુતૂહલ અને એમની જિજ્ઞાસા પ્રેરક હતાં. અવારનવાર એ માટીનાં ઢેફાં લાવતા અને કહેતા કે આમાં સોનું છે. હું એથી રમૂજ પામતો પણ એમની એ હોબીમાં એ મંડેલા જ રહેતા. વખત જતાં એમણે કમળાબહેનના પતિ શ્રી પુરુષોત્તમદાસ સોનાવાલાનો સંપર્ક સાધી, એમની પાસે સોનાની ખાણ ખરીદાવવાની અને તેમાંથી સોનું મેળવવાની પ્રવૃત્તિ આરંભી. એ વાત આછીપાતળી મારે કાને આવી હતી; પરંતુ હાલ (૧૯૮૨) થોડા વખત પહેલાં અમે અચાનક અમદાવાદમાં મળી ગયા ત્યારે તેમણે પોતાના જીવનની જે વાતો કરી તેનાથી હું પ્રભાવિત થયો. પોતાનાં સ્વપ્નોની પાછળ જીવનના વિવિધ અનુભવોમાંથી પસાર થતાં એ સતત રીતે મંડેલા જ રહ્યા અને આજે લગભગ મોટા ધનપતિ લેખાય એવી સ્થિતિએ પહોંચ્યા છે. મનગમતી હૉબી બીજાને કદાચ નકામી પણ લાગતી હોય, પણ આપણા જીવનને કેટલી બધી રીતે ઘાટ આપે છે તે નાનુભાઈના જીવનમાંથી સુરેખ રીતે બહાર આવે છે. નાનુભાઈએ, મારા સહાધ્યાયીઓમાંથી એમના જેવા પુરુષાર્થી બીજા ત્રણચાર વિદ્યાર્થીઓની મને વાત કરી. એમાંના એકે દક્ષિણમાં દ્રાક્ષના મોટા બગીચા સર્જ્યો છે. બીજાએ એક શિપિંગ કંપની સ્થાપી છે. આમ સરકારી યુનિવર્સિટીની ડિગ્રીઓ વિનાના અનેક સ્નાતકોનાં જીવનની કથાઓ જાણે આપણા અસહકાર યુગનાં ઝળહળતાં પ્રકરણો જેવી બનશે એનો એ વખતે મને ભાગ્યે જ ખ્યાલ હતો.

પીરભાઈ બિલ્ડિંગમાં, પાંચમે માળે પણ મચ્છરોનો અમને ત્રાસ હતો; પણ અમારામાંથી કોઈ મચ્છરદાની વાપરતા ન હતા; પરિણામે હું મેલેરિયાથી પટકાયો. સ્વજનોથી દૂર જ્યારે માંદગી આવે ત્યારે એ કેટલી કપરી હોય છે તેનો આ મને પ્રથમ અનુભવ હતો, કારણ કે સામાન્ય રીતે હું ભાગ્યે જ માંદો પડતો. એ વખતે નાનુભાઈ આદિ મારા સાથીઓએ મારી બને તેટલી સંભાળ રાખી. તાવ સાથે પાંચ દાદરા ઊતરી દવાખાને જવું સહેલું ન હતું; પરંતુ વિઝિટ માટે ડૉકટરને બોલાવવાનો સહેજ પણ વિચાર કરી શકાય એવું ક્યાં હતું? એ વખતે પ્રિન્સેસ સ્ટ્રીટમાં ડૉ. ઘીયા અને ડૉ. મહેતા નામના બે ડૉકટરો સાથે મળીને દવાખાનું ચલાવતાં હતા. હું ત્યાં દવા લેવા ગયો ને જ્યારે મારું સરનામું મેં એમને લખાવ્યું ત્યારે તેમણે મને પૂછ્યું કે ‘તમે વિદ્યાર્થી છો?' મેં હા પાડી એટલે પૂછ્યું: ‘કઈ કૉલેજના?’ મેં મારા વિદ્યાલયનું નામ આપ્યું, તે સાંભળતાં એમના મુખ પર પ્રસન્નતા ફરી વળી. મેં જોયું કે એ ખાદીધારી હતા. એમણે મને કહ્યું કે ‘તમે અસહકારી વિદ્યાર્થી છો એટલે તમારી પાસેથી હું કાંઈ જ ફી લઈશ નહીં, પાંચમે માળેથી અહીં આવવાનું મુશ્કેલ પડે તો મને જણાવજો, હું જાતે ત્યાં આવી જઈશ.' કૃતજ્ઞતાથી મારું હૈયું જાણે કે એમના ચરણોમાં ઢળી પડ્યું.

આમ મુંબઈમાં મારું જીવન વિવિધ અનુભવોમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચીખલીમાં મારા મિત્રોએ રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. તેના હેવાલ મળતાં એ કામમાં જોડાવા મારું મન અધીરું બન્યું. મને ભાઈ શાસ્ત્રી પાસેથી જાણવા મળ્યું કે જો આપણે સક્રિય રીતે અસહકારના કામમાં જોડાઈએ તો આપણી ટર્મ ગ્રાંટ થઈ શકે છે. અણધાર્યા આ સમાચાર જાણે કે મને કોઈ મોટું વરદાન મળી ગયું હોય એવા લાગ્યા અને કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વિના હું પુંતામ્બેકર સાહેબ પાસે ગયો અને તેમને મારી વાત મેં સંભળાવી. મારા અત્યાર સુધીના અભ્યાસથી એ આકર્ષાયા હતા. મારા અધ્યાપકો પણ મારાથી ખુશ હતા. એ અધ્યાપકોએ એમને આપેલા મારા અંગેના અહેવાલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ‘તમે હાલ જે માર્ગે છો તે અસહકારના રચનાત્મક કાર્યક્રમોનું એક મહત્ત્વનું અંગ છે. આપણાં અસહકારી વિદ્યાલયો એની તેજસ્વિતાથી આખા દેશમાં અજવાળાં પાથરતા સૂર્ય જેવાં બનવાં જોઈએ. જો બધા તેજસ્વી વિદ્યાર્થીઓ તમારી જેમ કરે તો એ કેવી રીતે બની શકે?' મેં તેમને નમ્રતાથી કહ્યું: ‘સાહેબ, મને એક તક આપો. મારે આપ કરો છો તેવા જ કામમાં જોડાવું છે. મારા સાથીઓ સાથે મારા ગામની નવી શાળામાં કામ કરતાં મારો અભ્યાસ પણ હું ચાલુ રાખીશ. આપ ટર્મ ગ્રાંટ કરો એટલે હું આપનો જ વિદ્યાર્થી રહું છું અને પરીક્ષામાં આપને સંતોષ થાય તેવું પરિણામ અવશ્ય લાવી શકીશ.’ તેમણે જોયું કે હું મારા વિચારમાં મક્કમ છું એટલે તેમણે મને રજા આપી. એ પછી મારે શ્રી જેરાજાણી, કમળાબહેન વગેરેની રજા લેવાની હતી. તેમણે મને રાજીખુશીથી રજા આપી અને સહાય માટે સંપર્ક સાધવા જરૂર પડે તો જણાવ્યું. આમ મુંબઈના અતિ અલ્પ વસવાટમાં અનુભવથી ભરેલું એક કીમતી ભાથું લઈ મેં મુંબઈ છોડ્યું.