સાફલ્યટાણું/૧૦. ખાદીનગરની યાત્રા
અસહકારની લડતનો પ્રથમ તબક્કો આપણે આ પહેલાં જોયું છે તેમ સરકાર સાથેના મુખ્ય સંબધો, જેનાથી સરકાર આ દેશમાં નભતી હતી તે તોડી નાખવાનો હતો. તે વખતે તેને પંચવિધ બહિષ્કાર નામ મળેલું. ધારાસભા, કૉર્ટ, સરકારી નોકરી, સરકારી શાળા-પાઠશાળા, ઈલ્કાબ-ખિતાબ, પરદેશી કાપડ આદિનો ત્યાગ અને બહિષ્કાર આનાં મુખ્ય અંગો હતાં. હવે વધારે ઉગ્ર લડત આપવાનો તબક્કો આવી પહોંચ્યો. એ લડતને ગાંધીજીએ સત્યાગ્રહનું નામ આપ્યું હતું. એમાં સરકારના કોઈ અગત્યના કાયદાનો સવિનય ભંગ કરી, સરકારી હુકમતનો ઈન્કાર કરવાનો કાર્યક્રમ હતો. આ માટે સબળ ભૂમિકા ઊભી કરી આખા દેશને એનાથી સભાન કરી, સક્રિય બનાવવાનો કાર્યક્રમ દેશને આપવાનો મુદ્દો કૉંગ્રેસના અમદાવાદના અધિવેશન સમક્ષ હતો. એ મુજબ એની તૈયારીઓ ક્યારની શરૂ થઈ ગઈ હતી. તે પ્રમાણે ૧૯૨૧ ના ડિસેમ્બર મહિનામાં કૉંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાયું. એ અધિવેશનના પ્રમુખ તરીકે દેશબંધુ દાસની વરણી થયેલી હતી; પરંતુ સરકારે તેમને ગિરફતાર કરી લેતાં હકીમ અજમલખાન કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયા. અમદાવાદની આ કૉંગ્રેસ અત્યાર સુધી ભરાઈ ગયેલી કોંગ્રેસમાં અત્યંત નોંધપાત્ર અને અદ્વિતીય હતી.
આ પહેલાંની કોઈ કૉંગ્રેસમાં જવાની અમને તક મળી ન હતી. કલકત્તા, નાગપુર જેવાં સ્થળોએ જવાની અમારી પાસે સગવડ ક્યાંથી હોય? અમદાવાદ એના પ્રમાણમાં નજદીક કહેવાય પણ ત્યાં જતાં ઉતારાની અને બીજી બધી વ્યવસ્થાનો વિચાર કરવાનો રહે. વળી અધિવેશનમાં કેવળ ડેલીગેટો જ ભાગ લઈ શકે અને અમને ડેલીગેટ બનવાની તક મળી ન હતી,
પરંતુ પ્રેક્ષક તરીકે ત્યાં જે કાંઈ જોવાનું મળે તે જોવાની તીવ્ર ધગશથી પ્રેરાઈ હું અને બાલુભાઈ અમદાવાદ ગયા. આજે જ્યાં મીઠાખળાં છે ત્યાં કોઈક સ્થળે અમારા ગામના એક ભાઈ રહેતા હતા. તેમને નિવાસે અમે ઊતર્યા. અમદાવાદમાં પહોંચતાં પહેલાં તો આખે રસ્તે અમે કૉંગ્રેસમાં જવા માટે પડાપડી કરતા અનેક જણને જોયા. જાણે ગાડી આખી ખાદીધારીઓથી ભરાઈ ગઈ. હોય એવો દેખાવ જોયો. અમે અમદાવાદ પહોંચ્યા પછી કૉંગ્રેસનું અધિવેશન જ્યાં ભરાવાનું હતું તે સ્થળ જોવા ગયા ત્યારે અમારા આશ્ચર્યની સીમા ન રહી. આજે જયાં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ છે ત્યાં કૉંગ્રેસના અધિવેશનનો મંડપ હતો. આજે વી.એસ.માં જે ફુવારો છે તે જ જગ્યાએ મંડપ સામે એક ફુવારો રચવામાં આવ્યો હતો. મંડપની લગોલગ એક મોટું નગર વસાવવામાં આવ્યું હતું. એના આયોજન કરનારાઓએ હિંમતભરી કલ્પના દોડાવી આખા નગરને શુદ્ધ ખાદીનું બનાવ્યું હતું. અમે સાંભળ્યું હતું તે મુજબ આ નગરના વિશ્વકર્મા હતા સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર. ખાદીનગરમાં પાણી, જાજરૂ, મુતરડી વગેરેની વ્યવસ્થા પણ કુશળતાપૂર્વક કરવામાં આવી હતી. જાણે જે સ્વરાજને માટે અમે લડી રહ્યા હતા તેના સ્વરૂપના પ્રતીક જેવું હતું-જેમાં ખાદીની ભાવના હોય, નિર્મળતા હોય અને બધું જ વ્યવસ્થિત હોય. કૉંગ્રેસ અધિવેશનમાં પહેલી વખત ખુરશીઓની જગ્યાએ જમીન પર બેસવાનું આવ્યું. એ માટે જોડા વિના બેસવું પડે ને એથી જોડા રાખવા માટે ખાદીની થેલીઓ રાખવામાં આવી હતી.
કોંગ્રેસના અધિવેશનમાં આખો વખત જવાનું તો ન બન્યું, કારણ કે ડેલીગેટની ટિકિટ અમારી પાસે ન હતી અને પ્રેક્ષક તરીકેની ટિકિટ ખરીદવા જેટલા પૈસા ન હતા; પરંતુ અમારા જે મિત્રને ત્યાં અમે ઊતર્યા હતા તેમણે અમે થોડા થોડા સમય માટે પ્રેક્ષક તરીકે જઈ શકીએ તેવી રીતે તેમના કોઈ મિત્રની ટિકિટ માટે વ્યવસ્થા કરી હતી. આમ જે અલપઝલપ જોવાનું અધિવેશન દરમિયાન મળ્યું તે મનમાં ઠીક ઠીક સચવાઈ રહ્યું છે; પરંતુ એની વિગતોમાં ઘણી ભેળસેળ થયેલી છે એટલે એ વખતનાં સંસ્મરણોમાં નોંધવું ગમે એવું એક સ્મરણ અબ્બાસસાહેબ તૈયબજીનાં પુત્રી રેહાનાબહેને ગાયેલ ‘સરફરોશી કી તમન્ના’ અને ‘ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ' એ ગીતોનું છે. અદ્ભુત હતી એ ગીતોની મોહિની!
ખાદીનગરમાં જે માનવમેદની જમા થઈ હતી તેમાં કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી અને પુરીથી માંડી દ્વારકા સુધીના બધા જ ભાગના લોકો નજરે પડતા હતા અને એ સ્વાભાવિક હતું,; પરંતુ વિદેશમાંથી પણ કેટલાક પ્રેક્ષકો આવ્યા હતા. ભારતના રાષ્ટ્રીય ઉત્થાને ખુદ ઇંગ્લૅન્ડમાં પણ અનેક સંવેદનશીલ વ્યક્તિઓના સમભાવને પ્રેર્યો હતો. એ બધા પોતાની શુભેચ્છાઓ સાથે પ્રેક્ષક તરીકે આવ્યા હતા. આમાંથી જેમને અંગેની વાતો સાંભળી હું આકર્ષાયો હતો અને પાછળથી જેમનાં લખાણોનો મેં થોડોક અભ્યાસ કર્યો હતો તે પોલ રિશારના વ્યક્તિત્વ અને પ્રતિભાની મારા મન પર કાયમી છાપ રહી છે. શ્રી અરવિંદ આશ્રમનાં માતાજીના એ પતિ. એમને ભારતના પ્રશ્નોમાં રસ હતો. પશ્ચિમના સામ્રાજ્યવાદી અભિગમ અને પોતાના હાથ નીચેની પ્રજાઓ સાથેના તેમના વર્તાવ અંગે તેમને ભારે નફરત હતી. એમની આ ચીડને વ્યક્ત કરતું એક વિધાન મને યાદ રહ્યું છે તે એકાદ-બે શબ્દો આઘાપાછા થવાના ફેરફારને બાદ કરતાં અહીં ઉતારું છું:
They call themselves Christians. They worship a son o' Asia; yet if that son of Asia-Christ were to come again on the earth, he would not be allowed to enter Australia if he failed to pass an examination in a foreign tongue! He. the son of an Asiatic labourer, would not be allowed to travel in the tram side by side with a white man in the colony of South Africa! And this They call their civilization-a civilization of barbarians."
“એ લોકો પોતાનીં જાતને ખ્રિસ્તી કહેવડાવે છે. એશિયાના એક પુત્રને તેઓ ભજે છે પણ એશિયાનો એ પુત્ર – ક્રાઈસ્ટ જો ધરતી પર પાછો આવે અને એક વિદેશી ભાષામાં લેવાતી પરીક્ષામાં નિષ્ફળ નીવડે તો ઑસ્ટ્રેલિયામાં દાખલ થતાં તેને રોકવામાં આવે! દક્ષિણ આફ્રિકાના સંસ્થાનમાં તેને-એશિયાવાસી એક શ્રમજીવીના દીકરાને-ટ્રામમાં ગોરાની સાથે મુસાફરી કરવા દેવામાં નહીં આવે!-અને આને તેઓ પોતાની સભ્યતા કહે છે-બર્બકોની સભ્યતા!”
અધિવેશન વખતના માનવમહેરાણ વચ્ચે અમે જાણે કે સ્વરાજ હવે તો હાથવેંતમાં છે એવું અનુભવવા લાગ્યા. અસહકારની લડત શરૂ કરતાં ગાંધીજીએ જે બુલંદ અવાજે એક વર્ષમાં સ્વરાજ મેળવવાની વાત કરી હતી એ અવધ ૨૧મી ડિસેમ્બરે પૂરી થતી હતી. એક મોટા કડાકા સાથે એ સલ્તનત હવે તૂટી પડવાની છે એવું અમને પૂરા વિશ્વાસ સાથે લાગવા માંડયું. સરકાર જાણે કે આ એક વર્ષ દરમિયાન દેશમાં આવેલી જાગૃતિથી અકળાઈ ગઈ હોય અને મરણિયા બની ગમે તેમ વર્તી રહી છે એવું કૉંગ્રેસના અધિવેશન પહેલાં કૉંગ્રેસના કેટલાક ધુરંધર નેતાઓ, હજારો કાર્યકર્તાઓ અને બહેનોની એણે કરેલી ધરપકડ ઉપરથી લાગતું હતું. વિજય હાથવેંતમાં હતો એવો આપણો વિશ્વાસ કોઈ શેખચલ્લીના તરંગ જેવો ન હતો, એ તો જ્યારે એનો કડીબદ્ધ ઇતિહાસ અમને જાણવા મળ્યો ત્યારે સ્પષ્ટ થયું.
હકીકત એમ હતી કે ટૂંક સમયમાં પ્રિન્સ ઑફ વેલ્સ ભારતની મુલાકાતે આવવાના હતા અને કૉંગ્રેસે એ મુલાકાતનો બહિષ્કાર કરવાનું ઠરાવ્યું હતું. વાઈસરૉય આ ઘટનાથી બેચેન હતા. તેમણે માલવિયાજીનો સંપર્ક સાધી સમાધાન માટે એક દરખાસ્ત આપી દાણો ચાંપી જોયો. જો કોંગ્રેસ, પ્રિન્સની મુલાકાત વખતે હડતાલ ન પડાવે તો, બધા રાજદ્વારી કેદીઓને છોડી મૂકી વાટાઘાટ માટે ગોળમેજી પરિષદ યોજાશે અને તેમાં પ્રાંતિક સ્વરાજ અમલમાં આવે એવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું આ દરખાસ્તમાં હતું. માલવિયાજીને એ દરખાસ્ત ગમી. તેમણે કૉંગ્રેસના પ્રમુખ દેશબંધુ દાસ જે એ વખતે જેલમાં હતા તેમને એ સંદેશો પહોંચાડ્યો. દેશબંધુએ આ દરખાસ્ત આવકારી. ગાંધીજીએ પણ સંમતિ આપી; પરંતુ એક મુદ્દા પર એ વાટાઘાટ પડી ભાંગી. એ મુદ્દો હતો કેદીઓને જેલમુક્ત કરવા અંગેનો. વાઈસરૉયે મૌલાના શૌકતઅલી, મહમદઅલી અને ખિલાફતના કેદીઓ સિવાયના બધા અસહકારી કેદીઓને છોડવાનું જણાવ્યું. ગાંધીજી આ શરત સ્વીકારી શક્યા નહીં; અને વાટાઘાટ પડી ભાંગવા છતાં નેતાઓનો ઉલ્લાસ વધ્યો એની અસર આખા અધિવેશન ઉપર પડી.
આ અધિવેશને સરકાર સામે મરણિયો જંગ લડી લેવાનો આખા દેશને પેગામ આપ્યો. એ મહત્ત્વનો ઠરાવ ખુદ ગાંધીજીએ મૂક્યો અને તેમાં લડતના મુખ્ય હથિયાર તરીકે સત્યાગ્રહની લડત આપવાનો આદેશ અપાયો. એ લડતના સુકાની અને સર્વેસર્વા તરીકે ગાંધીજીની નિમણૂક થઈ અને એવી હવા ઊભી થઈ કે જાણે સત્યાગ્રહની લડત અહીંથી જ શરૂ થઈ ગઈ છે. આ ઠરાવની હળવી બાજુ એ હતી કે ગાંધીજીને ડિરેક્ટર તરીકે નીમવાના ઉલ્લેખમાં એમના નામ આગળ મહાત્મા વિશેષણ જોડ્યું હતું અને ગાંધીજીએ એ મહાત્મા શબ્દની થોડીક હળવી ઠેકડી કરી.
આ અધિવેશન સાથે બીજાં પણ કેટલાંક અધિવેશનો ભરાયાં હતાં. એમાનું એક હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું. એમાં સરોજિનીદેવી જેવા આપણા વક્તાઓની અને ગાંધીજીની પ્રેરક વાણી સાંભળવાની અમને તક મળી. એ વખતે લાઉડસ્પીકર અસ્તિત્વમાં આવ્યાં ન હતાં; પરંતુ મોટી સભાઓમાં વ્યાખ્યાનની યોજના એ રીતે થતી કે મુખ્ય વક્તા જે મંચ પરથી બોલે તેનાથી થોડેક દૂર આવેલા બીજા મંચ પરથી એમના શબ્દો ઝીલી, તે મંચ પરથી તે શબ્દો આગળ પહોંચાડાય. લોકોનો રસ એટલો બધો હતો કે સંપૂર્ણ શાંતિ જળવાતી.
આમ અમારી ખાદીનગરની યાત્રા અમારા જીવનના એક ચિરસ્મરણીય પ્રસંગ જેવી બની ગઈ. જેની વાત કહેતાં ન તો કદી થાક લાગે ન કદી પાર આવે.